પીટીઆઈ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતનો સંપૂર્ણ ભાગ અહીં છે.
ભવિષ્યમાં અમારું ધ્યાન મહિલાઓ, ખેડૂતો, શહેરી ગરીબો અને રોજગાર પર રહેશે. અમે જે કઈં પણ શરૂઆત કરી છે તેને ગામડાઓ અને મ્યુનિસિપલ વિસ્તારોમાં આગળ લઈ જવાની જરૂર છે. અમારે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે કે જે સ્વચ્છ શહેરો, સ્વચ્છ નદીઓ, અને પાણી તથા વીજળી જેવી જરૂરી ચીજોનો નિયમિત અને અવિરત પુરવઠો પૂરો પાડવામાં બાધારૂપ બને છે. અમારે એવા સુધારાઓ કરવા પડશે કે જે અમને આશ્રય વિહોણા લોકો માટે 50 મિલિયન ઘરો બનાવવામાં મદદ કરે. અમારે એ જોવાનું છે કે દેશના તમામ ક્ષેત્રો, ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમને, વિકાસના માપદંડોમાં સમાનતા પર લાવવામાં આવે.
અમારે આપણી સંસ્થાઓ, કર્મચારીઓ અને કામદારોની ક્ષમતાનું નિર્માણ કરવાનું છે. અમારું નિયમનકારી વાતાવરણ સંશોધન, નવીનતા અને ઉદ્યોગશીલતાને પ્રોત્સાહિત કરતું નથી. અમારા છોકરાઓ અને છોકરીઓ અન્ય દેશોમાં એટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આપણે આપણા દેશમાં તેમનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી. અમે અટલ ઈનોવેશન મિશન (AIM) અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઈઝેશન (SETU)ની સ્થાપના કરીને તેની શરૂઆત કરી છે. આ બધા માટે એક સામાન્ય જરૂરિયાત જે છે, તે છે આપણા નીતિ શાસન અને વહીવટી સંસ્કૃતિમાં સુધારાઓ.
લોકશાહીમાં દરેકને સરકારની ટીકા કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે, વિપક્ષને સમાચારોમાં વધુ સ્થાન મળે છે અને લોકોને પણ તે સમયની સરકાર વિરુદ્ધ અવાજો સાંભળવાનું રસપ્રદ લાગે છે. જ્યારથી મેં પદ સંભાળ્યું છે ત્યારથી વિપક્ષના મારા મિત્રો મારી વિદેશ યાત્રાઓ અંગે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. જો આ યાત્રાઓ નિષ્ફળ રહી હોત અથવા અમે કોઈ ભૂલો કરી હોત, તો તેમણે ચોક્કસ મુદ્દાઓ પર તેમની ટિપ્પણીઓ કરી હોત. પરંતુ કોઈપણ ચોક્કસ મુદ્દાની ગેરહાજરીમાં, તેઓ માત્ર દિવસોની સંખ્યા અને દેશોની સંખ્યા વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકોની પરિપક્વતા જુઓ: તાજેતરના તમામ સર્વેક્ષણો દર્શાવે છે કે અમારી વિદેશ નીતિ માટે સૌથી વધુ મંજૂરી પ્રાપ્ત માનાંક છે. જ્યારે વિરોધીઓ એક મુદ્દા પર હાંસી ઉડાવે છે, ત્યારે તે સફળતાની નિશ્ચિત નિશાની છે!