Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM CARES ભંડોળ ટ્રસ્ટ દ્વારા કોવિડ-19 સામેની લડાઇ માટે રૂ. 3100 કરોડ ફાળવવામાં આવ્યા


PM CARES (આપત્તિની સ્થિતિમાં પ્રધાનમંત્રીની નાગરિક સહાય અને રાહત) ભંડોળ ટ્રસ્ટ દ્વારા આજે કોવિડ-19 સામેની લડાઇ માટે રૂપિયા 3100 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી અંદાજે રૂપિયા 2000 કરોડ વેન્ટિલેટરની ખરીદી માટે, રૂપિયા 1000 કરોડ વિસ્થાપિત શ્રમિકોની સંભાળ લેવા માટે અને રૂપિયા 100 કરોડ રસી વિકસાવવા માટે આપવામાં આવશે.

આ ટ્રસ્ટની રચના 27 માર્ચ 2020ના રોજ આદરણીય પ્રધાનમંત્રી (હોદ્દાની રૂએ) દ્વારા કરવામાં આવી હતી અને આ ટ્રસ્ટમાં હોદ્દાની રૂએ અન્ય સભ્યોમાં સંરક્ષણમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રી છે. આ પેકેજ અંગે જાહેરાત કરતી વખતે પ્રધાનમંત્રીએ PM CARES ભંડોળમાં ઉદાર હાથે યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જેનો ઉપયોગ કોવિડ-19 સામેની લડાઇમાં કરવામાં આવશે.

a) 50,000 વેન્ટીલેટર

સમગ્ર દેશમાં કોવિડ-19ના કેસોનું સંચાલન કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવાના આશયથી, 50,000 ‘મેડ ઇન ઇન્ડિયા’ વેન્ટિલેટર PM CARES ભંડોળમાંથી ફાળવવામાં આવેલી રકમમાંથી ખરીદવામાં આવશે. આનો અંદાજિત ખર્ચ રૂપિયા 2000 કરોડ થશે. આ વેન્ટિલેટર તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના ગંભીર કેસોને ઉત્તમ સારવાર આપવા માટે સરકાર દ્વારા સંચાલિત તમામ કોવિડ હોસ્પિટલોમાં આપવામાં આવશે.

b) પરપ્રાંતીય શ્રમિકો માટે રાહતના પગલાં

પરપ્રાંતીય શ્રમિકો અને ગરીબો માટે હાલમાં લેવામાં આવતા રાહતના પગલાં વધુ મજબૂત બનાવવા માટે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને PM CARES ભંડોળમાંથી ઉચ્ચક રૂપિયા 1000 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. આ રકમ રાજ્ય સરકાર/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા તેમના જિલ્લા કલેક્ટરો/ મ્યુનિસિપલ કમિશનરોને આપવામાં આવશે જેથી ગરીબો અને શ્રમિકોને રહેવા માટેની સુવિધા, ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા, તબીબી સારવાર અને પરપ્રાંતીય શ્રમિકોને પરિવહન માટે કરવામાં આવતી વ્યવસ્થામાં તેનો ઉપયોગ થઇ શકે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ અનુસાર આ ભંડોળ (a) 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેલી વસ્તી – 50% વેઇટેજ (b) અત્યારની તારીખ સુધીમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા – 40% વેઇટેજ અને (c) તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને મૂળભૂત રીતે દરેક રાજ્ય માટે નક્કી કરવામાં આવેલો ઓછોમાં ઓછો હિસ્સો – 10 વેઇટેજના આધારે સંબંધિત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્ય આપત્તિ રાહત આયુક્ત દ્વારા જિલ્લા કલેક્ટર/ જિલ્લા મેજિસ્ટ્રેટ/ મ્યુનિસિપલ કમિશનરને ફાળવવામાં આવશે.

 

c) રસી વિકાસાવવી

કોવિડ-19 સામેની રસી અત્યારે સૌથી વધુ જરૂરિયાત છે અને ભારતીય વિદ્વાનો, સ્ટાર્ટ-અપ તેમજ ઉદ્યોગો સાથે મળીને કોવિડ-19 રસીના ડિઝાઇનર અને વિકાસકર્તાઓને સહકાર આપીને અદ્યતન રસીની ડિઝાઇન અને વિકાસનું કાર્ય આગળ વધારી રહ્યા હોવાથી તેમને PM CARES ભંડોળમાંથી રૂપિયા 100 કરોડની આર્થિક સહાય કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ રસીના વિકાસ માટે થશે, જેનો ઉપયોગ અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

 

 

GP/DS