Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

CIIના વાર્ષિક સત્રના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


નમસ્તે, સૌથી પહેલા તો CIIને 125 વર્ષ સફળતાપૂર્વક પુરા કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ 125 વર્ષની યાત્રા ઘણી લાંબી હોય છે. અનેક પડાવ આવ્યા હશે, અનેક ઉતાર ચઢાવ આવ્યા હશે, પરંતુ સવા સો વર્ષ સુધી એક સંગઠનને ચલાવવું તે પોતાનામાં જ બહુ મોટી વાત હોય છે. તેમાં સમયાનુસાર પરિવર્તનો આવ્યા છે, વ્યવસ્થાઓ બદલાઈ છે, અને પહેલા તો હું આ 125 વર્ષમાં સીઆઈઆઈને મજબૂતી આપવામાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે, તેવા તમામ પૂર્વના તમારા મહાનુભવોને પણ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. જે આપણી વચ્ચે નહી હોય, તેમને આદરપૂર્વક નમન કરું છું અને ભવિષ્યમાં જે આને સંભાળવાના છે તેમને અનેક અનેક શુભકામનાઓ પણ આપું છું.

કોરોનાના આ સમયગાળામાં આ પ્રકારના ઓનલાઈન કાર્યક્રમો જ નવા નિયમો બની રહ્યા છે. પરંતુ આ પણ મનુષ્યની સૌથી મોટી તાકાત જ હોય છે કે તે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી જ કાઢે છે. આજે પણ આપણે એક તરફ જ્યાં આ વાયરસની સામે લડવા માટે મજબૂત પગલા ભરવાના છે ત્યાં બીજી બાજુ અર્થતંત્રનું પણ ધ્યાન રાખવાનું છે. આપણે એક તરફ દેશવાસીઓના જીવન પણ બચાવવાના છે તો બીજી તરફ દેશની અર્થવ્યવસ્થાને પણ સંતુલિત કરવાની છે, ઝડપી બનાવવાની છે. આ પરિસ્થિતિમાં તમે ગેટીંગ ગ્રોથ બેકની વાત શરુ કરી છે અને નિશ્ચિતપણે તેની માટે આપ સૌ, ભારતીય ઉદ્યોગ જગતના લોકો અભિનંદનને પાત્ર છો. અને હું તો વળી ગેટીંગ ગ્રોથ બેકથી આગળ વધીને એ પણ કહીશ કે હા ચોક્કસપણે આપણે આપણો ગ્રોથ પાછો મેળવીને રહીશું. તમારામાંથી કેટલાક લોકો વિચારી શકે છે કે સંકટની આ ઘડીમાં, હું આટલા આત્મવિશ્વાસની સાથે આ વાત કઈ રીતે બોલી શકું છું?

મારા આ આત્મવિશ્વાસના અનેક કારણો છે. મને ભારતની ક્ષમતા અને આપત્તિ વ્યવસ્થાપન પર ભરોસો છે. મને ભારતની પ્રતિભા અને ટેકનોલોજી પર ભરોસો છે. મને ભારતના ઇનોવેશન અને બુદ્ધિમત્તા પર ભરોસો છે. મને ભારતના ખેડૂતો, એમએસએમઈના ઉદ્યોગ સાહસિકો પર ભરોસો છે. અને મને ભરોસો છે ઉદ્યોગ જગતના નેતાઓ પર, આપ સૌની ઉપર. એટલા માટે હું કહી રહ્યો છું- હા! આપણે આપણો વિકાસ પાછો મેળવીને રહીશું. ભારત પોતાનો વિકાસ પાછો જરૂરથી મેળવશે.

સાથીઓ, કોરોનાએ આપણી ગતિ ભલે ગમે તેટલી ધીમી કરી દીધી હોય પરંતુ આજે દેશની સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે ભારત, લોકડાઉનને પાછળ છોડીને અનલોકના પ્રથમ તબક્કામાં પ્રવેશી ચુક્યું છે. અનલોકના પ્રથમ તબક્કામાં અર્થતંત્રનો ઘણો મોટો ભાગ ખુલી ચુક્યો છે. ઘણો ભાગ હજુ 8 જૂન પછી પણ ખુલવા જઈ રહ્યો છે. એટલે કે ગેટીંગ ગ્રોથ બેકની શરૂઆત તો થઇ ચુકી છે.

આજે આ બધું આપણે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે જ્યારે દુનિયામાં કોરોના વાયરસ પોતાના પગ પસારી રહ્યો હતો ત્યારે ભારતે યોગ્ય સમય પર સાચી રીતે સાચા પગલાઓ ભર્યા હતા. દુનિયાના તમામ દેશોની સાથે સરખામણી કરવામાં આવે તો આજે આપણને ખબર પડે છે કે ભારતમાં લોકડાઉનનો કેટલો વ્યાપક પ્રભાવ રહ્યો છે. આ લોકડાઉનમાં ભારતે કોરોના સામે લડાઈ માટે ભૌતિક સંસાધનોને તો તૈયાર કર્યા જ પરંતુ સાથે પોતાના માનવ સંસાધનને પણ બચાવ્યા છે. આ પરિસ્થિતિમાં હવે પ્રશ્ન એ છે કે હવે આગળ શું? ઉદ્યોગ નેતા હોવાના નાતે તમારા મનમાં આ સવાલ જરૂર હશે કે હવે સરકાર શું કરવા જઈ રહી છે? આત્મનિર્ભર ભારત અભિયાનના વિષયમાં પણ તમારા મનમાં કેટલાક પ્રશ્નો હશે. તે ખૂબ સ્વાભાવિક પણ છે.

સાથીઓ, કોરોના વિરુદ્ધ અર્થતંત્રને ફરીથી મજબૂત કરવું, આપણી સૌથી ઉંચી પ્રાથમિકતામાંથી એક છે. તેની માટે સરકાર જે નિર્ણયો અત્યારે તાત્કાલિક લેવા જરૂરી છે તે લઇ રહી છે. અને સાથે જ એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે જે લાંબા ગાળે દેશની મદદ કરશે.

સાથીઓ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાએ ગરીબોને તરત જ લાભ પહોંચાડવામાં ઘણી મદદ કરી છે. આ યોજના અંતર્ગત આશરે 74 કરોડ લાભાર્થીઓ સુધી રાશન પહોંચાડવામાં આવી ચુક્યા છે. પ્રવાસી શ્રમિકોની માટે પણ વિના મુલ્યે રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે.આ સિવાય અત્યાર સુધી ગરીબ પરિવારોને ત્રેપન હજાર કરોડ રૂપિયાથી પણ વધુની નાણાકીય સહાય આપી દેવામાં આવી છે. મહિલાઓ હોય, દિવ્યાંગ વડીલો હોય, શ્રમિક હોય, દરેક વ્યક્તિને તેનાથી લાભ મળ્યો છે. લોકડાઉન દરમિયાન સરકારે ગરીબોને 8 કરોડથી વધુ ગેસ સીલીન્ડર પહોંચાડી દીધા છે – તે પણ વિના મુલ્યે. એટલું જ નહી, ખાનગી ક્ષેત્રના લગભગ 50 લાખ કર્મચારીઓના ખાતામાં 24 ટકા EPFનું યોગદાન પણ સરકારે આપ્યું છે. તેમના ખાતામાં આશરે 800 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

સાથીઓ, ભારતને ફરીથી ઝડપી વિકાસના પથ પર લઇ જવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે 5 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. ઇન્ટેન્ટ, ઇન્ક્લુંઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન. હમણાં તાજેતરમાં જે સાહસી નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં પણ તમને આ બધાની ઝલક જોવા મળશે. આ નિર્ણયોની સાથે અમે તમામ ક્ષેત્રોને ભવિષ્ય માટે તૈયાર કર્યા છે. આ જ કારણથી આજે બહ્ર્ત એક નવા વિકાસ કેન્દ્રી ભવિષ્યની દિશામાં હરણફાળ ભરવા માટે તૈયાર છે. સાથીઓ, આપણી માટે સુધારા એ કોઈ ઓચિંતો અથવા છૂટો છવાયો નિર્ણય નથી. અમારી માટે સુધારાઓ એ વ્યવસ્થિત, આયોજિત, સંકલિત, આંતર-જોડાણયુક્ત અને ભવિષ્યગામી પ્રક્રિયા છે.

અમારી માટે સુધારાનો અર્થ છે કે નિર્ણય લેવાનું સાહસ કરવું, અને તેમને બૌદ્ધિક ગંતવ્ય સુધી લઇ જવા. IBC હોય, બેંક મર્જર હોય, GST હોય, ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટની વ્યવસ્થા હોય, અમે હંમેશા વ્યવસ્થાઓમાં સરકારની દખલગીરીને ઓછી કરવી, ખાનગી ઉદ્યોગોની માટે પ્રોત્સાહિત ઇકો સિસ્ટમ ઉભું કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ જ કારણથી સરકાર આજે આવા નીતિગત સુધારાઓ પણ કરી રહી છે જેમની દેશે આશા પણ છોડી દીધી હતી. જો હું કૃષિ ક્ષેત્રની વાત કરું તો આપણે ત્યાં આઝાદી પછી જે નિયમ કાયદાઓ બન્યા, તેમાં ખેડૂતોને વચેટીયાઓના હાથોમાં છોડી દેવામાં આવ્યા હતા. ખેડૂત ક્યાં પાક વેચી શકે છે, ક્યાં નહી, આ કાયદાઓ બહુ કડક હતા. ખેડૂતોની સાથે દાયકાઓથી થઇ રહેલા અન્યાયને દૂર કરવાની ઈચ્છાશક્તિ અમારી સરકારે દેખાડી છે.

APMC એક્ટમાં પરિવર્તન પછી હવે ખેડૂતોને પણ તેમના અધિકારો પ્રાપ્ત થશે. ખેડૂત હવે જેને ઈચ્છે, જ્યાં ઈચ્છે અને જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો પાક વેચી શકે છે. હવે કોઇપણ ખેડૂત પોતાના પાક દેશના કોઇપણ રાજ્યમાં લઇ જઈને વેચી શકે છે. સાથે જ વેરહાઉસમાં રાખેલા અનાજ અથવા કૃષિ ઉત્પાદનો હવે ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગના માધ્યમથી પણ વેચી શકે છે. સાથીઓ આ જ રીતે આપણા શ્રમિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને, રોજગારના અવસરોને વધારવા માટે શ્રમિક સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે.

જે નોન સ્ટ્રેટેજીક ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રોને પરવાનગી જ નહોતી તેમને પણ ખોલવામાં આવ્યા છે. તમારું ધ્યાન એ બાબત ઉપર પણ ગયું હશે કે સૌનો સાથ- સૌનો વિકાસના રસ્તા પર ચાલીને અમે તેવા નિર્ણયો પણ લઇ રહ્યા છીએ જેમની માંગ વર્ષોથી રહી હતી. સાથીઓ, વિશ્વનો ત્રીજો મોટો દેશ જેની પાસે કોલસાની ખાણ હોય- કોલસા સંગ્રહ હોય, જેની પાસે તમારા જેવા સાહસી અને ઉદ્યમી, વેપાર જગતના નેતાઓ હોય પરંતુ તેમ છતાં પણ તે દેશમાં બહારથી કોલસો આવે, કોલસાની આયાત કરવામાં આવે, તો તેનું કારણ શું છે? ક્યારેક સરકાર અડચણ બનેલી રહી, ક્યારેક નીતિઓ અડચણ બનીને રહી. પરંતુ હવે કોલસા ક્ષેત્રને આ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.

હવે કોલસા ક્ષેત્રમાં વ્યવસાયિક ખાણખોદકામને પરવાનગી આપી દેવામાં આવી છે. અંશતઃ એક્સ્પ્લોર કરવામાં આવેલ બ્લોકસની પણ ફાળવણી કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. એ જ રીતે ખનીજ ખોદકામમાં પણ હવે કંપનીઓ એકસ્પ્લોરેશનની સાથે સાથે ખોદકામનું કામ પણ એકસાથે કરી શકે છે. આ નિર્ણયોના કેટલા દૂરોગામી પરિણામો થવાના છે, તે આ ક્ષેત્રથી પરિચિત લોકો સારી રીતે જાણે છે.

સાથીઓ, સરકાર જે દિશામાં આગળ વધી રહી છે, તેનાથી આપણું ખનન ક્ષેત્ર હોય, ઉર્જા ક્ષેત્ર હોય અથવા સંશોધન કે ટેકનોલોજી હોય, દરેક ક્ષેત્રમાં ઉદ્યોગોને પણ અવસર મળશે અને યુવાનોની માટે પણ નવી તકો ખુલશે. આ બધાથી પણ આગળ વધીને હવે દેશના વ્યુહાત્મક ક્ષેત્રોમાં પણ ખાનગી વેપારીઓની ભાગીદારી એક વાસ્તવિકતા બની રહી છે. તમે ભલે અવકાશ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા હોવ, કે પછી પરમાણું ઉર્જામાં નવી તકો શોધવા માંગતા હોવ, શક્યતાઓ તમારી માટે સંપૂર્ણ રીતે ખુલી ગઈ છે.

સાથીઓ, તમે તે બહુ સારી રીતે જાણો છો કે એમએસએમઈ ક્ષેત્રના લાખો એકમો આપણા દેશની માટે આર્થીક એન્જીન જેવા છે. તેમનું દેશની જીડીપીમાં ઘણું મોટું યોગદાન છે, આ યોગદાન લગભગ લગભગ ૩૦ ટકા જેટલું છે. એમએસએમઈની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની માંગણી લાંબા સમયથી ઉદ્યોગ જગત કરી રહ્યું હતું, તે પૂરી થઇ ગઈ છે. તેનાથી એમએસએમઈ કોઇપણ ચિંતા વિના વિકાસ કરી શકશે અને તેમને એમએસએમઈનું સ્ટેટ્સ બનાવી રાખવા માટે બીજા રસ્તાઓ પર ચાલવાની જરૂરિયાત નહી રહે. દેશના એમએસએમઈ કામ કરનારા કરોડો સાથીઓને લાભ થાય, તેની માટે 200 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદીમાં ગ્લોબલ ટેન્ડર્સને ખતમ કરી દેવામાં આવ્યા છે. તેનાથી આપણા નાના ઉદ્યોગોને વધુ અવસર મળી શકશે. એક રીતે આત્મનિર્ભર ભારત પેકેજ એમએસએમઈ ક્ષેત્રના એન્જીનની માટે બળતણનું કામ કરવાનું છે.

સાથીઓ, આ જે નિર્ણયો છે, તેમનું મહત્વ સમજવા માટે આજની વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવી અને સમજવી પણ ખૂબ જરૂરી છે. આજે વિશ્વના તમામ દેશો, પહેલાની સરખામણીએ એક બીજાનો સાથ વધારે ઈચ્છે છે. દેશોમાં એકબીજાની જરૂરિયાત વધારે ઉત્પન્ન થઇ છે. પરંતુ તેની સાથે જ એ ચિંતન પણ ચાલી રહ્યું છે કે જૂની વિચારધારા, જુના રીત રીવાજો, જૂની નીતિઓ કેટલી કરગર સાબિત થશે. સ્વાભાવિક છે કે અત્યારના સમયમાં નવી રીતે મંથન ચાલી રહ્યું છે. અને આવા સમયમાં ભારત પાસેથી દુનિયાની અપેક્ષા, આશાઓ વધારે વધી ગઈ છે. આજે દુનિયાનો ભારત ઉપર વિશ્વાસ પણ વધ્યો છે અને નવી આશાનો સંચાર પણ થયો છે. હમણાં તમે પણ જોયું છે કે કોરોનાના આ સંકટમાં જ્યારે કોઈ દેશની માટે બીજાની મદદ કરવી મુશ્કેલ થઇ રહી હતી ત્યારે ભારતે 150થી વધુ દેશોને મેડીકલ જથ્થો મોકલીને તેમની મદદ કરી છે. સાથીઓ, વિશ્વ એક વિશ્વાસપાત્ર, ભરોસેમંદ ભાગીદાર શોધી રહ્યું છે. ભારતમાં ક્ષમતા છે, શક્તિ છે, સામર્થ્ય છે.

આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રત્યે જે વિશ્વાસ નિર્માણ થયો છે તેનો આપ સૌએ, ભારતના ઉદ્યોગોએ પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. તે આપ સૌની જવાબદારી છે, CII જેવા સંગઠનોની જવાબદારી છે કે ભારતમાં નિર્મિતની સાથે, વિશ્વાસ, ગુણવત્તા, સ્પર્ધાત્મકતા એ ત્રણેય જોડાયેલા હોય. તમે બે પગલા આગળ વધશો, સરકાર ચાર પગલા આગળ વધીને તમારો સાથ આપશે.

પ્રધાનમંત્રી તરીકે હું તમને ભરોસો આપી રહ્યો છું કે હું તમારી સાથે ઉભો છું. ભારતીય ઉદ્યોગ જગતની માટે તે રાઈઝ ટુ ધી ઓકેશનની જેમ છે. મારી પર ભરોસો મૂકો, ગેટીંગ ગ્રોથ બેક, એટલું પણ અઘરું નથી. અને સૌથી મોટી વાત એ છે કે હવે તમારી પાસે, ભારતીય ઉદ્યોગોની પાસે એક સ્પષ્ટ માર્ગ છે. આત્મનિર્ભર ભારતનો રસ્તો. સેલ્ફ રીલાયન્ટ ભારતનો માર્ગ. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે આપણે હજુ વધારે મજબૂત બનીને દુનિયાને ગળે લગાડીશું.

આત્મનિર્ભર ભારત વૈશ્વિક અર્થતંત્રની સાથે સંપૂર્ણ રીતે સંકલિત પણ હશે અને સહયોગાત્મક પણ. પરંતુ ધ્યાન રાખજો, આત્મનિર્ભર ભારતનો અર્થ એ પણ છે કે આપણે વ્યુહાત્મક ક્ષેત્રોમાં કોઈની ઉપર નિર્ભર નહી રહીએ. તે ભારતમાં મજબૂત ઉદ્યોગોનું નિર્માણ કરવા સંબંધી છે. એવા ઉધોગો કે જે વૈશ્વિક બળ બની શકે. તે રોજગાર નિર્માણ સંબંધી છે. તે આપણા લોકોને આગળ આવવા અને ઉપાયોનું નિર્માણ કરવા માટે સશક્ત બનાવવા સંબંધી છે કે જે આપણા દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. આપણે હવે એક એવી મજબૂત સ્થાનિક પુરવઠા શ્રુંખલાના નિર્માણમાં રોકાણ કરવાનું છે કે જે વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવે. આ અભિયાનમાં હું CII જેવી દિગ્ગજ સંસ્થાને પણ નવી ભૂમિકામાં આગળ આવવું પડશે. હવે તમારે ચેમ્પિયન્સ ઓફ ઈન્ડીજીનસ ઇન્સ્પીરેશન બનીને આગળ આવવાનું છે. તમારે સ્થાનિક ઉદ્યોગોની રીકવરીને સુવિધા પૂરી પાડવાની છે, આગામી સ્તરના વિકાસને મદદ કરવાની છે, ટેકો આપવાનો છે, તમારે ઉદ્યોગોને, આપણા બજારને વૈશ્વિક રીતે વિસ્તૃત કરવામાં મદદ કરવાની છે.

સાથીઓ, હવે જરૂરિયાત છે કે દેશમાં એવા ઉત્પાદનો બનાવામાં આવે જે ભારતમાં નિર્મિત હોય, પણ વિશ્વ માટે બનેલા હોય. કઈ રીતે આયાત ઓછામાં ઓછી કરી શકાય, તેને લઇને કયા નવા લક્ષ્યો નક્કી કરી શકાય તેમ છે? આપણે આ બધા જ ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધારવા માટે આપણા લક્ષ્યાંકો નક્કી કરવા જ પડશે. આ જ સંદેશ હું આજે ઉદ્યોગોને આપવા માંગું છું, અને દેશ પણ આ જ અપેક્ષા તમારી પાસેથી રાખું છું.

સાથીઓ, દેશમાં ઉત્પાદનને, મેક ઇન ઇન્ડિયાને, રોજગારને મોટું માધ્યમ બનાવવા માટે તમારા જેવા તમામ ઉદ્યોગ સંગઠનો સાથે ચર્ચા કરીને જ અનેક પ્રાથમિકતાના ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી ફર્નીચર, એર કંડીશનર, ચામડા અને ફૂટવેર, આ ત્રણેય ક્ષેત્રો પર કામ શરુ પણ થઇ ચુક્યું છે. માત્ર એર કંડીશનરને લઇને જ આપણે આપણી માંગના ૩૦ ટકાથી વધુ બહારથી આયાત કરીએ છીએ. તેને આપણે ઝડપથી ઓછું કરવાનું છે. એ જ રીતે વિશ્વનું સૌથી મોટું ચામડાનું ઉત્પાદક હોવા છતાં, વૈશ્વિક નિકાસમાં આપણો હિસ્સો ખૂબ ઓછો છે.

સાથીઓ, કેટલાય ક્ષેત્રો છે જેમાં આપણે ઘણું સારું કરી શકીએ તેમ છીએ. વીતેલા વર્ષોમાં તમે બધા સાથીઓના સહયોગ વડે જ દેશમાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો બની છે. દેશ આજે મેટ્રોના કોચ નિકાસ કરી રહ્યો છે. એ જ રીતે મોબાઇલ ફોન ઉત્પાદન હોય, સંરક્ષણ ઉત્પાદન હોય, અનેક ક્ષેત્રોમાં આયાત પર આપણી નિર્ભરતાને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને હું ઘણા ગર્વ સાથે કહીશ કે માત્ર ૩ મહિનાની અંદર જ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ – PPEનો સેંકડો કરોડનો ઉદ્યોગ તમે જ ઉભો કર્યો છે. ત્રણ મહિના પહેલા સુધી ભારતમાં એક પણ PPE નહોતી બનતી. આજે ભારત એક દિવસમાં ૩ લાખ PPE કીટ બનાવી રહ્યું છે, તો આ આપણા ઉદ્યોગ જગતનું જ સામર્થ્ય છે. તમારે આ જ સામર્થ્યનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધારવાનો છે. મારો તો CIIના તમામ સાથીઓને એ પણ આગ્રહ છે કે ગ્રામ્ય અર્થતંત્રની અંદર રોકાણ અને ખેડૂતોની સાથે ભાગીદારીનો રસ્તો ખુલવાનો પુરેપૂરો લાભ ઉઠાવો. હવે તો ગામની પાસે જ સ્થાનિક કૃષિ ઉત્પાદનોના ક્લસ્ટર્સની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં CIIના તમામ સભ્યોની માટે ઘણી તકો રહેલી છે.

સાથીઓ, ખેતર હોય, મત્સ્યઉદ્યોગ હોય, ખાદ્યાન્ન પ્રક્રિયા હોય, ફૂટવેર હોય, કે પછી ફાર્મા હોય અનેક ક્ષેત્રોમાં નવી તકોના દ્વાર તમારી માટે ખુલ્યા છે. સરકારે શહેરોમાં પ્રવાસીઓની માટે આવાસ ઉપલબ્ધ કરાવવા માટે જે રેન્ટલ યોજનાની જાહેરાત કરી છે તેમાં પણ આપ સૌ સાથીઓને હું સક્રિય ભાગીદારીની માટે આમંત્રિત કરું છું.

સાથીઓ, અમારી સરકાર ખાનગી ક્ષેત્રને દેશની વિકાસયાત્રાનું ભાગીદાર માને છે. આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાયેલ તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવશે. તમને, આપ સૌ હિતધારકોની સાથે હું સતત સંવાદ કરું છું અને આ સિલસિલો આગળ પણ ચાલુ જ રહેશે. હું તમને વિનંતી કરું છું કે દરેક ક્ષેત્રની વિસ્તૃત માહિતી સાથે આગળ આવો. સર્વસંમતી બનાવો. ખ્યાલોનું નિર્માણ કરો, મોટું વિચારો. આપણે સાથે મળીને વધુ માળખાગત સુધારાઓ કરીશું કે જે આપણા દેશનો પ્રવાહ બદલી નાખશે.

આપણે સાથે મળીને આત્મ નિર્ભર ભારતનું નિર્માણ કરીશું. સાથીઓ, આવો, દેશને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ લઈએ. આ સંકલ્પને પૂરો કરવા માટે આપણી પૂરેપૂરી તાકાત લગાવી દઈએ. સરકાર તમારી સાથે ઉભી છે, તમે દેશના લક્ષ્યોની સાથે ઉભા રહો. તમે સફળ થશો, આપણે સફળ થઈશું, તો દેશ નવી ઉંચાઈ ઉપર પહોંચશે, આત્મ નિર્ભર બનશે. એક વાર ફરી CIIને 125 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

ખૂબ ખૂબ આભાર !!

GP/DS