Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી

CBSEની ધોરણ XIIની પરીક્ષાઓ રદ કરવામાં આવી


પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી વ્યાપક અને સઘન ચર્ચાઓ અને રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા અભિપ્રાયો અંગે એક વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

PM India

કોવિડના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ વિવિધ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો પર વિચાર કરીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે ધોરણે XII માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ XIIના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવા માટે નિયત સમય મર્યાદામાં સારી રીતે નક્કી કરાયેલા હેતુલક્ષી માપદંડોના આધારે CBSE દ્વારા પગલાં લેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, CBSE ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે શૈક્ષણિક કૅલેન્ડરને અસર પડી છે અને બોર્ડની પરીક્ષા લેવાનો મુદ્દો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા ઉભો કરી રહ્યો છે અને તેનો અંત અવશ્યપણે લાવવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિ સમગ્ર દેશમાં બદલાતી પરિસ્થિતિ છે. દેશમાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કેટલાક રાજ્યો અસરકારક માઇક્રો-કન્ટેઇન્મેન્ટ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ લાવી રહ્યાં છે ત્યારે કેટલાક રાજ્યોમાં હજું પણ લૉકડાઉનનો અમલ ચાલુ જ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સ્વાભાવિકપણે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના આરોગ્ય બાબતે ચિંતિત હોય. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે તેમના પર દબાણ કરવું જોઇએ નહીં.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સલામતી સૌથી વધુ મહત્વ ધરાવે છે અને આ બાબતે કોઇપણ પ્રકારે બાંધછોડ કરી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં આવી પરીક્ષાઓને આપણા યુવાનોના આરોગ્ય માટે જોખમનું કારણ ના બનાવી શકાય.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તમામ હિતધારકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નિર્દેશો આપતા કહ્યું હતું કે, નિયત સમય મર્યાદામાં અને નિષ્પક્ષ રીતે સારી રીતે નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોનું પાલન કરીને પરિણામો તૈયાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે.

વ્યાપક પરામર્શની પ્રક્રિયાનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ પ્રશંસાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં તમામ હિતધારકો સાથે ખૂબ જ વ્યાપક અને સઘન પરામર્શ કર્યા પછી વિદ્યાર્થીઓલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ મુદ્દે પ્રતિભાવો આપવા બદલ રાજ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ગયા વર્ષની જેમ જો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માંગતા હોય તો, જ્યારે અને જે પ્રકારે પરિસ્થિતિ અનુકૂળ થશે જ્યારે તેમને CBSE દ્વારા વિકલ્પ પૂરો પાડવામાં આવશે.

આદરણીય પ્રધાનમંત્રીએ અગાઉ 21/05/2021ના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમાં મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ, 23/05/2021ના રોજ કેન્દ્રીય સંરક્ષણમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યોના શિક્ષણમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક દરમિયાન CBSE પરીક્ષાનું આયોજન કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.

આજની બેઠકમાં ગૃહ, સંરક્ષણ, નાણાં, વાણિજ્ય, માહિતી અને પ્રસારણ, પેટ્રોલિયમ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ અને શાળાકીય અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ વિભાગોના સચિવો અને અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP