Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

28 ઓગષ્ટ, 2016ના રોજ આકાશવાણી પરના પ્રધાનમંત્રીની “મન કી બાત” કાર્યક્રમનો સંપૂર્ણ પાઠ


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, કાલે 29 ઓગષ્ટે હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મતિથિ છે. આ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવાય છે. હું ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ આપું છું અને આ અવસર પર આપ સહુને તેમના યોગદાનની યાદ અપાવવા પણ માગું છું. તેમણે 1928માં, 1932માં, 1936માં ઓલિમ્પીક રમતોમાં ભારતને હોકીનો સુવર્ણચંદ્રક આપવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આપણે બધા ક્રિકેટપ્રેમી, બ્રેડમેનનું નામ પણ જાણીએ છીએ. તેમણે ધ્યાનચંદજી માટે કહ્યું હતું, હી સ્કોર્સ ગોલ લાઇક રન્સ, ધ્યાનચંદજી સ્પોર્ટસમેન સ્પિરિટ (ખેલ ભાવના) અને દેશભકિતનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. એકવાર કોલકત્તામાં મેચ દરમિયાન એક વિરોધી ટીમના ખેલાડીએ ધ્યાનચંદજીના માથા પર હોકી મારી દીધી. તે સમયે મેચ સમાપ્ત થવામાં માત્ર 10 મિનીટ બાકી હતી. અને ધ્યાનચંદજીએ તે દસ મિનિટમાં ત્રણ ગોલ કરી દીધા હતા અને કહ્યું કે, મેં ઇજાનો બદલો વાળી લીધો.

મારા પ્રિય દેશવાસીઓ, જયારે પણ મનની વાત નો સમય આવે છે તો માય ગોવ પર અથવા નરેન્દ્ર મોદી એપ પર અનેક અનેક સૂચન આવે છે. વિવિધતા સભર હોય છે. પરંતુ મેં જોયું કે આ વખતે તો મોટાપાયે, દરેકે મને આગ્રહ કર્યો કે, રિયો ઓલિમ્પિકના સંબંધમાં તમે જરૂર કંઇ વાત કરો. સામાન્ય નાગરિકનો રિયો ઓલિમ્પિક પ્રત્યે આટલો લગાવ, આટલી જાગૃતિ અને દેશના વડાપ્રધાન પર દબાણ કરવું કે, આના પર કંઇ બોલો, હું તેને સકારાત્મક જોઉં છું. ક્રિકેટ સિવાય પણ ભારતના નાગરિકોમાં અને રમતો પ્રત્યે પણ આટલો પ્રેમ છે. આટલી જાગૃતિ છે અને આટલી જાણકારી છે. મારા માટે તો આ સંદેશ વાંચવો તે પણ પોતાની રીતે મોટી પ્રેરણાનું કારણ બની ગયું. એક શ્રીમાન અજિતસિંહે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે. કૃપયા આ વખતે મન કી બાતમાં દિકરીઓને શિક્ષણ અને રમતોમાં તેમની સહભાગિતા પર જરૂર બોલો, કારણ કે, રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતીને તેમણે દેશનો ગૌરવાન્વિત કર્યું છે. કોઇ શ્રીમાન સચિન લખે છે કે, આપને અનુરોધ છે કે, આ વખતે મન કી બાતમાં સિંધુ, સાક્ષી અને દીપા કર્માકરનો ઉલ્લેખ જરૂર કરજો. આપણને જે ચંદ્રક મળ્યા તે, આ દિકરીઓએ અપાવ્યા. આપણી દિકરીઓઓએ એક વાર ફરી સાબિત કરી દીધું કે, તેઓ કોઇપણ રીતે કોઇનાથી ઉતરતી નથી. આ દિકરીઓમાં એક ઉત્તરભારતથી છે તો એક દક્ષિણ ભારતથી છે, તો કોઇ પૂર્વ ભારતથી છે. તો કોઇ ભારતના કોઇ બીજા ખૂણાથી છે. એવું લાગે છે જાણે સમગ્ર ભારતની દિકરીઓએ દેશનું નામ ગૌરવવંતુ કરવાનું બીડું ઝડપ્યું છે.

માય ગોવ પર શિખર ઠાકુરે લખ્યું છે કે, આપણે ઓલિમ્પિકમાં વધુ સારૂં પ્રદર્શન કરી શકતા હતા. તેમણે લખ્યું છે, આદરણીય મોદી સર, સૌથી પહેલા રિયોમાં આપણે જે બે મેડલ જીત્યા તે માટે અભિનંદન, પરંતુ હું આપનું ધ્યાન એ વાત તરફ ખેંચવા માગું છું કે, શું આપણું પ્રદર્શન ખરેખર સારૂં હતું ? અને જવાબ છે – નહિં. આપણે રમતોમાં ઘણું અંતર કાપવાની જરૂર છે. આપણાં માતાપિતા આજે પણ ભણતર પર ધ્યાન આપવાનું કહે છે. સમાજમાં આજે પણ રમતને સમયનો વેડફાટ મનાય છે. આપણે આ વિચાર બદલવાની જરૂર છે. સમાજને પ્રેરણાની જરૂર છે. અને આ કામ આપનાથી વધુ સારી રીતે કોઇ ન કરી શકે. આ જ રીતે શ્રીમાન સત્યપ્રકાશ મેહરાજીએ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે – મન ની વાતમાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ખાસ તો બાળકો અને યુવાનોને રમતો વિશે કહેવું જોઇએ. આ રીતે આ લાગણી હજારો લોકોએ વ્યકત કરી છે. આપણી આશાને અનૂરૂપ આપણે પ્રદર્શન ન કરી શકયા એ વાતને તો કોઇ નકારી ન શકે. એવું પણ થયું કે, આપણા ખેલાડી ભારતમાં જે પ્રદર્શન કકતા હતા. અહીંની રમતોમાં જે દેખાવ કરતા હતા, તેઓ ત્યાં, ત્યાં સુધી પણ પહોંચી ન શકયા. અને મેડલના કોષ્ટકમાં તો માત્ર બે જ મેડલ મળી શકયા. પરંતુ એ પણ સાચું છે કે, ચંદ્રક ન મળવા છતાં પણ જો ધ્યાનથી જુઓ તો અનેક રમતોમાં પહેલી વાર ભારતના ખેલાડીઓએ ઘણું સારૂં કૌશલ્ય પણ દર્શાવ્યું છે. જુઓ શૂટિંગમાં આપણા અભિનવ બિન્દ્રાજી તેઓ ચોથા સ્થાને રહ્યા અને નજીવા અંતરથી તેઓ ચંદ્રક ચૂકી ગયા. જિમ્નેસ્ટીકમાં દીપા કર્માકરે પણ કમાલ કરી દીધી. તે ચોથા સ્થાને રહી. બહુ નજીવા અંતરે તે ચંદ્રક મેળવવાથી ચૂકી ગઇ. પરંતુ આ એક વાત આપણે કેમ ભૂલી શકીએ કે તે ઓલિમ્પિક માટે અને ઓલિમ્પિક ફાઇનલ માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય દિકરી છે. આવું જ કંઇક ટેનિસમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી સાથે થયું. એથ્લેટિકસમાં આપણે આ વખતે સારૂં પ્રદર્શન કર્યું. પી.ટી.ઉષા પછી 32 વર્ષમાં પહેલીવાર લલિતા બાબરે ટ્રેક ફિલ્ડ ફાઇનલ માટે કવોલિફાય કર્યું. તમને જાણીને આનંદ થશે કે 36 વર્ષ પછી મહિલા હોકી ટીમ ઓલિમ્પિક સુધી પહોંચી. છેલ્લા 36 વર્ષમાં પહેલીવાર પુરૂષોની હોકી ટીમ નોક આઉટ તબક્કા સુધી પહોંચવામાં સફળ રહી. આપણી ટીમ ઘણી મજબૂત છે અને મજાની વાત એ છે કે, આર્જેન્ટિના, જેણે સુવર્ણચંદ્રક મેળવ્યો તે સમગ્ર ટુર્નામેન્ટમાં એક જ મેચ હારી અને હરાવનાર કોણ હતું ? ભારતના ખેલાડીઓ, આવનારો સમય નિશ્ચિત જ આપણા માટે સારો હશે.

બોકિસંગમાં વિકાસ કૃષ્ણ યાદવ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા. પરંતુ કાંસ્ય ચંદ્રક ન મેળવી શકયા. અનેક ખેલાડી, દાખલા તરીકે, અદિતિ અશોક, દત્તુ ભોકનલ, અતનુ દાસ અનેક નામ છે. જેમાં પ્રદર્શન સારાં રહ્યાં. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આપણે ઘણું બધું કરવાનું છે. પરંતુ જે કરતા આવ્યા છીએ તેવું જ કરતા રહીશું તો કદાય આપણે ફરી નિરાશ થઇશું. મે એક સમિતિની જાહેરાત કરી છે. ભારત સરકાર ઇન હાઉસ તેના ઉંડાણમાં જશે. દુનિયામાં શું શું આ ક્ષેત્રે થઇ રહ્યું છે તેનો અભ્યાસ કરશે. આપણે વધુ સારૂં કેવી રીતે કરી શકીએ તેનો એક કાર્ય નકશો બનાવશે. 2020, 2024, 2028 એક લાંબા ગાળાના વિચાર સાથે આપણે યોજના બનાવવાની છે. હું રાજય સરકારોને પણ આગ્રહ કરૂં છું કે, તમે પણ આવી સમિતિઓ બનાવો અને રમતજગતમાં આપણે શું કરી શકીએ, આપણું એક એક રાજય શું કરી શકે છે. તે વિચારે, રાજય પોતાની એક બે રમત પસંદ કરે અને તેમાં તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કેવી રીતે કરી શકે છે તેની યોજના બનાવો. હું રમતજગત સાથે જોડાયેલા સંઘો-એસોસિએશનોને પણ અનુરોધ કરૂં છું કે, તેઓ પણ નિષ્પક્ષ ભાવથી મનોમંથન કરે. અને ભારતમાં દરેક નાગરિકને પણ અનુરોધ કરૂં છું કે, જેને પણ તેમાં રૂચિ છે તે મને નરેન્દ્ર મોદી એપ પર સૂચન મોકલે. સરકારને લખે. એસોસિએશન ચર્ચા કરીને પોતાનું આવેદન સરકારને આપે. રાજય સરકારો ચર્ચા કરીને પોતાનાં સૂચનો મોકલે. પરંતુ આપણે પૂરી રીતે તૈયારી કરીએ અને મને વિશ્વાસ છે કે, આપણે સવાસો કરોડ દેશવાસીઓ જેમાંથી 65 ટકા યુવાનો છે તે રમતના વિશ્વમાં વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરીશું તેવા સંકલ્પ સાથે આગળ વધવાનું છે.

મારા પ્રિય દેશવાસીઓ, પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. હું ઘણાં વર્ષોથી શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ સાથે ઘણો સમય વિતાવતો રહ્યો છું. આ બાળકો પાસેથી પણ હું ઘણું બધું શીખતો હતો. મારા માટે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ હતો. અને શિક્ષણ દિવસ પણ હતો. પરંતુ આ વખતે માટે જી-20 શિખર પરિષદ માટે જવાનું છે તો મને થયું કે, આજે મન ની વાતમાં જ હું મારી લાગણીને વ્યકત કરી લઉં.

જીવનમાં માતાનું જેટલું સ્થાન હોય છે તેટલું જ શિક્ષકનું હોય છે અને એવા પણ શિક્ષકો આપણે જોયા છે જેને પોતાનાથી વધુ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા હોય છે. તેઓ પોતાના શિષ્યો માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દે છે. આજકાલમાં રિયો ઓલિમ્પિક પછી, બધે જ, પુલ્લેલા ગોપીચંદ્રજીની ચર્ચા થઇ રહી છે. તેઓ ખેલાડી તો છે પરંતુ તેમણે એક સારા શિક્ષક શું હોય છે. તેનું જવલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હું આજે ગોપીચંદજીને એક ખેલાડી ઉપરાંત એક ઉત્તમ શિક્ષકના રૂપમાં જોઇ રહ્યો છું. અને શિક્ષક દિવસ પર પુલ્લેલા ગોપીચંદજીને તેમની તપસ્યાને, રમત પ્રત્યે તેમના સમર્પણને અને પોતાના વિદ્યાર્થીઓની સફળતામાં આનંદ મેળવવાની તેમની રીતને વંદન કરૂં છું. આપણા સહુના જીવનમાં શિક્ષકનું યોગદાન હંમેશા અનુભવાય છે. પાંચ સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે અને દેશ તેને શિક્ષક દિવસના રૂપમાં મનાવે છે. તેઓ જીવનમાં ભલે ગમે તે સ્થાન પર પહોંચ્યા હોય પરંતુ તેમણે હંમેશા શિક્ષકના રૂપમાં જ જીવાવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહિં. તેઓ હંમેશા કહેતા હતા – “ સારા શિક્ષક તે હોય છે જેમની અંદરનો વિદ્યાર્થી કયારેય મરતો નથી. “ રાષ્ટ્રપતિના પદે હોવા છતાં શિક્ષકના રૂપમાં જીવવું અને શિક્ષક મન હોવાના સંબંધે અંદરના વિદ્યાર્થીને જીવંત રાખવો – આ પ્રકારનું અદભૂત જીવન ડૉ.રાધાકૃષ્ણજીએ જીવીને દેખાડ્યું.

હું વિચારૂં છું તો મને મારા શિક્ષકોની ઘણી વાતો યાદ આવે છે. કારણ કે, અમારા ગામમાં તેઓ જ અમારા નાયક હતા. પરંતુ હું આજે આનંદ સાથે કહી શકું છું કે, મારા એક શિક્ષક હવે 90 વર્ષની ઉંમરના થયા છે, તો પણ આજે પણ દર મહિને તેમનો પત્ર મારા પર આવે છે. પોતાના હાથે લખેલો પત્ર. આખા મહિનામાં તેમણે જે પુસ્તકો વાંચ્યા છે તેના વિશે તેઓ લખે છે. તેનાં અવતરણો લખે છે. મેં આખા મહિનામાં શું કર્યું તે તેમની નજરે બરાબર હતું કે નહોતું. તે તેઓ લખે છે. મને એવું લાગે છે કે, જાણે આજે પણ તેઓ વર્ગમાં ભણાવી રહ્યા ન હોય. તેઓ આજે પણ એક રીતે મને કોરસપોન્ડન્સ કોર્સ કરાવી રહ્યા છે અને મને આશ્ચર્ય છે કે, 90 વર્ષની ઉંમરમાં તેઓ આટલા સુંદર અક્ષરોમાં કઇ રીતે લખી શકે છે. મારા પોતાના અક્ષર ખૂબ જ ખરાબ છે. તે કારણે પણ હું કોઇના પણ સારા અક્ષરો જોઉં છું તો મારા મનમાં બહુ જ આદરની લાગણી જન્મે છે. મારા જેવા અનુભવ તમારા પણ હશે. તમારા શિક્ષકોના કારણે તમારા જીવનમાં જે કંઇ પણ સારૂં થયું હોય તે જો દુનિયાને જણાવશો તો શિક્ષક પ્રત્યે જોવાના વલણમાં પરિવર્તન આવશે. એક ગૌરવ થશે અને સમાજમાં આપણા શિક્ષકોનું ગૌરવ વધારવું એ આપણા બધાની જવાબદારી છે. તમે નરેન્દ્ર મોદી એપ પર પોતાના શિક્ષકો સાથે તમારા ફોટા, પોતાના શિક્ષકો સાથેની કોઇ પ્રેરક વાત હોય તો જરૂર રજૂ કરો. જુઓ દેશમાં શિક્ષકના યોગદાનને વિદ્યાર્થીઓની નજરથી જોવું તે પણ ઘણું મૂલ્યવાન હોય છે.

મારા પ્રિય દેશવાસીઓ, થોડા જ દિવસોમાં ગણેશોત્સવ આવશે. ગણેશજી વિધ્નહર્તા છે અને આપણે બધાં ઇચ્છીશું કે, આપણો દેશ, આપણો સમાજ, આપણો પરિવાર, દરેક વ્યકિતનું જીવન નિર્વિધ્ન રહે. પરંતુ જયારે ગણેશ ઉત્સવની વાત કરીએ છીએ તો લોકમાન્ય તિલકજીની યાદ આવવી બહુ સ્વાભાવિક છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકજીની ભેટ છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા તેમણે આ ધાર્મિક તહેવારને રાષ્ટ્ર જાગરણનું પર્વ બનાવી દીધું. સમાજ સંસ્કારનું પર્વ બનાવી દીધું. સાર્વજનિક ગણેશ ઉત્સવના માધ્યમથી સમાજ જીવનને સ્પર્શતા પ્રશ્નોની બૃહદ ચર્ચા થવી જોઇએ. કાર્યક્રમની રચના એવી હોવી જોઇએ કે જેથી સમાજને નવું તેજ મળે. અને સાથે સાથે તેમનો મંત્ર “સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે” કેન્દ્રમાં રહેવો જોઇએ. સ્વતંત્રતાના આંદોલનને બળ મળવું જોઇએ. હવે તો માત્ર મહારાષ્ટ્ર નહીં. ભારતના દરેક ખૂણામાં સાર્વજનિક ગણેશ ઉત્સવ થવા લાગ્યા છે. બધા યુવાનો ઉત્સવ માટે ઘણી તૈયારીઓ પણ કરે છે. તેમનામાં ઘણો ઉત્સાહ હોય છે. અને કેટલાક લોકોએ આજે પણ લોકમાન્ય તિલકજીએ જે ભાવનાથી આ ઉત્સવ શરૂ કર્યો હતો તેનું અનુકરણ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તેઓ સાર્વજનિક વિષયો પર ચર્ચા રાખે છે. નિબંધ સ્પર્ધાઓ કરે છે. રંગોળી સ્પર્ધાઓ કરે છે. તેમનું જે પ્રદર્શન હોય છે તેમાં પણ સમાજને સ્પર્શનારા મુદ્દાને ખૂબ જ કળાત્મક ઢબે ઉજાગર કરે છે. લોકશિક્ષણનું આ મોટું અભિયાન સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા ચાલે છે. લોકમાન્ય તિલકજીએ આપણને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તેવો પ્રેરકમંત્ર આપ્યો પરંતુ આપણે સ્વતંત્ર ભારતમાં છીએ. સુરાજય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આપણે હવે સુરાજય તરફ આગળ વધીએ, સુરાજય આપણી પ્રાથમિકતા બને – આ મંત્ર વિશે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ મારફતે સંદેશ ન આપી શકીએ ? આવો, હું તમને આ માટે આમંત્રણ આપું છું.

એ વાત સાચી છે કે, ઉત્સવ સમાજની શકિત હોય છે. ઉત્સવ વ્યકિત અને સમાજના જીવનમાં નવો પ્રાણ ભરે છે. ઉત્સવ વિના જીવન અસંભવ હોય છે. પરંતુ સમયની માગણી પ્રમાણે તેમાં ફેરફાર પણ જરૂરી હોય છે. આ વખતે મને અનેક લોકોએ ગણેશોત્સવ અને દુર્ગાપૂજા પણ ઘણું લખીને મોકલ્યું છે. તેમની ચિંતા છે પર્યાવરણની. કોઇ શ્રીમાન શંકર નારાયણ પ્રશાંત છે. તેણે ઘણા આગ્રહ સાથે કહ્યું છે કે, મોદીજી, આપ મન ની વાતમાં લોકોને સમજાવો કે, પ્લાસ્ટર ઓફ પેરીસથી બનેલી ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ ન કરે. ગામના તળાવની માટીથી બનેલી ગણેશજીની મૂર્તિનો શા માટે ઉપયોગ ન કરીએ ? પીઓપીથી બનેલી પ્રતિમાઓ પર્યાવરણ માટે અનૂકૂળ નથી હોતી. તેમણે તો બહુ પીડા વ્યકત કરી છે. બીજા લોકોએ પણ કરી છે. હું પણ તમને બધાને વિનંતી કરૂં છું કે, આપણે ગણેશજી – દુર્ગા માતાની માટીની પ્રતિમાના ઉપયોગની પરંપરા પાછી લાવીએ. પર્યાવરણની રક્ષા, આપણી નદી-તળાવોની રક્ષા તેમાં થનારા પ્રદૂષણથી આ પાણીના નાના નાના જીવોની રક્ષા – આ પણ ઇશ્વર સેવા જ છે. ગણેશજી તો વિધ્નહર્તા છે. આપણે એવા ગણેશજી ન બનાવીએ જે વિધ્ન પેદા કરે. મને ખબર નથી કે મારી આ વાતોને તમે કયા રૂપમાં લેશો, પરંતુ આ વાત માત્ર હું નથી કહેતો, અનેક લોકો કહે છે અને મેં અનેકો વિશે સાંભળ્યું છે – એક મૂર્તિકાર છે શ્રીમાન અભિજીત ઘોંડફલે. કોલ્હાપૂરની સંસ્થાઓ નિસર્ગ મિત્ર, વિજ્ઞાન પ્રબોધિની, વિદર્ભ ક્ષેત્રમાં નિસર્ગ કટ્ટા, પૂણેની જ્ઞાન પ્રબોધિની, મુંબઇના ગિરગાંવચા રાજા, આવી અનેક સંસ્થાઓ, વ્યકિતઓ માટીના ગણેશ માટે ઘણી મહેનત કરે છે. પ્રચાર પણ કરે છે. પર્યાવરણને અનૂકુળ ગણેશોત્સવ – આ પણ એક સમાજસેવાનું કામ છે. દુર્ગાપૂજાને હજુ સમય છે. અત્યારે જ આપણે નક્કી કરીએ આપણે એ જૂના પરિવાર જે મૂર્તિઓ બનાવે છે. તેમની પાસેથી મૂર્તિ ખરીદીશું તો તેમને પણ રોજગાર મળશે અને આ મૂર્તિઓ તળાવ કે નદીની માટીમાંથી બનશે તો ફરીથી તેમાં જઇને મળી જશે. આમ પર્યાવરણની રક્ષા પણ થશે. આપ સહુને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતરત્ન મધર ટેરેસાને ચાર સપ્ટેમ્બરના રોજ સંત ઉપાધિથી વિભૂષિત કરાશે. મધર ટેરેસાએ તેમનું સમગ્ર જીવન ભારતમાં ગરીબોની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમનો જન્મ તો આલ્બેનિયામાં થયો હતો. તેમની ભાષા પણ અંગ્રેજી નહોતી. પરંતુ તેમણે પોતાના જીવનને ઘડ્યું. ગરીબોની સેવાને યોગ્ય બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. જેમણે જીવનભર ભારતના ગરીબોની સેવા કરી હોય એવા મધર ટેરેસાને જયારે સંતની ઉપાધિ પ્રાપ્ત થતી હોય તો બધા ભારતીયોને ગર્વ થવો સ્વાભાવિક છે. ચાર સપ્ટેમ્બરે જે સમારોહ થશે તેમાં સવાસો કરોડ દેશવાસીઓ તરફથી ભારત સરકાર આપણાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આગેવાનીમાં એક સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ ત્યાં મોકલશે. સંતો પાસેથી, ઋષિઓ પાસેથી, મહાપૂરૂષો પાસેથી હર પળે આપણને કંઇ ને કંઇ શીખવાનું મળે જ છે. આપણે કંઇ ને કંઇ મેળવતા રહીએ, શીખતા રહીએ અને કંઇને કંઇ સારૂં કરતા રહીએ.

મારા પ્રિયદેશવાસીઓ, વિકાસ જયારે જનઆંદોલન બની જાય તો કેટલું મોટું પરિવર્તન આવે છે. જનશ કિતને ઇશ્વરનું જ રૂપ માનવામાં આવે છે. ભારત સરકારે ગત દિવસોમાં પાંચ રાજય સરકારોના સહયોગ સાથે, સ્વચ્છ ગંગા માટે, ગંગા સફાઇ માટે, લોકોને જોડવાનો એક સફળ પ્રયાસ કર્યો. આ મહિનાની 20 તારીખે અલાહાબાદમાં ગંગાના કિનારે આવેલા ગામના સરપંચોને આમંત્રિત કરાયા હતા. તેમાં પૂરૂષો પણ હતા ને મહિલાઓ પણ હતી. તેઓ અલાહાબાદ આવ્યા અને ગંગા તટે આવેલા ગામના સરપંચોએ ગંગાની સાક્ષીએ શપથ લીધા કે, તેઓ ગંગાના તટના પોતાના ગામોમાં ખૂલ્લામાં જાજરૂ જવાની પંરપરાને તત્કાલ બંધ કરાવશે, શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવશે અને ગંગા સફાઇમાં ગામ પૂર્ણ રીતે યોગદાન આપશે. ગામ ગંગા નદીને ગંદી નહીં થવા દે. આ સંકલ્પ માટે કોઇ ઉત્તરાખંડથી આવ્યા. તો કોઇ ઉત્તરપ્રદેશથી આવ્યા, કોઇ બિહારથી આવ્યા, તો કોઇ ઝારખંડથી આવ્યા તો કોઇ પશ્ચિમ બંગાળથી. હું બધા સરપંચોને આ કામ માટે અભિનંદન આપું છું. હું આ કલ્પનાને સાકાર કરનાર ભારત સરકારના બધા મંત્રાલયોને પણ અભિનંદન આપું છું, હું તે તમામ પાંચ રાજયોના મુખ્યપ્રધાનોને પણ ધન્યવાદ કરૂં છું જેમણે જનશકિતને જોડીને ગંગાની સફાઇમાં એક મહત્વનું પગલું ભર્યું.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલીક વાતો મને કયારેય બહુ સ્પર્શી જાય છે અને જેમને પણ તેમની કલ્પના થતી હોય તે લોકો પ્રત્યે મારા મનમાં વિશેષ આદર પણ જન્મે છે. 15 જુલાઇએ છત્તીસગઢમાં કબીરધામ જિલ્લામાં લગભગ સત્તરસોથી વધુ શાળાના સવાલાખથી વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે પોતપોતાના માતાપિતાને પત્ર લખ્યા. કોઇએ અંગ્રેજીમાં, તો કોઇએ હિન્દીમાં, તો કોઇએ છત્તીસગઢીમાં લખ્યો. તેમણે પોતાના માતાપિતાઓને પત્ર લખીને કહ્યું કે, આપણા ઘરમાં શૌચાલય હોવું જોઇએ. કેટલાક બાળકોએ તો એવું પણ લખી નાખ્યું કે, આ વર્ષે મારો જન્મદિવસ નહિં મનાવો તો ચાલશે પણ શૌચાલય જરૂર બનાવો. સાતથી સત્તર વર્ષની ઉંમરના બાળકોએ આ કામ કર્યું. અને તેની એટલી બધી emotional અસર પડી કે પત્ર મેળવ્યા પછી જયારે જે બીજા દિવસે શાળાએ આવ્યો ત્યારે માતાપિતાએ શિક્ષકને આપવા માટે તેને એક પત્ર આપ્યો. જેમાં તેમણે વચન આપ્યું હતું કે, અમુક તારીખ સુધીમાં તેઓ શૌચાલય બનાવી દેશે. જેને પણ આ વિચાર આવ્યો તને અભિનંદન, જેમણે આ પ્રયાસ કર્યો તે વિદ્યાર્થીઓને પણ અભિનંદન અને એ માતાપિતાને વિશેષ અભિનંદન જેમણે પોતાનાં બાળકોના પત્રને ગંભીરતાથી લઇ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો. આવી જ બાબતો હોય છે જે આપણને પ્રેરણા આપે છે.

કર્ણાટકના કોપ્પાલ જિલ્લામાં સોળ વર્ષની એક દિકરી મલ્લમ્માએ તો પોતાના પરિવાર વિરૂદ્ધ જ સત્યાગ્રહ આદર્યો. તે સત્યાગ્રહ પર બેસી ગઇ. કહે છે કે તેણે જમવાનું છોડી દીધું હતું અને આ સત્યાગ્રહ પોતાના માટે કંઇ માગવા માટે નહીં, કોઇ સારાં કપડાં લાવવા માટે નહીં, કોઇ મીઠાઇ ખાવા માટે નહીં, દિકરી મલ્લમ્માની જીદ હતી કે, આપણા ઘરમાં શૌચાલય હોવું જોઇએ. સામે પક્ષે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. દિકરી પણ જિદ લઇને બેઠી હતી. તે પોતનો સત્યાગ્રહ છોડવા તૈયાર નહોતી. ગામના સરપંચ મોહમ્મદ શર્ફીને ખબર પડી કે મલ્મમ્માએ શૌચાલય માટે સત્યાગ્રહ કર્યો છે તો ગામના સરપંચ મોહમ્મદ શર્ફીની પણ વિશેષતા જુઓ કે તેમણે અઢાર હજાર રૂપિયાની વ્યવસ્થા કરી અને એક સપ્તાહની અંદર જ શૌચાલય બનાવી દીધું. આ દીકરી મલ્લમ્માની જિદની તાકાત જુઓ. સમસ્યાઓના સમાધાન માટે કેવા રસ્તા ખોલવામાં આવે છે. આ જ તો જનશકિત છે.

મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ ભારત દરેક ભારતીયનું સપનું બની ગયું છે. કેટલાક ભારતીયોનો સંકલ્પ બની ગયો છે. કેટલાક ભારતીયોએ તો તેને પોતાનું ધ્યેય બનાવી લીધું છે. પરંતુ દરેક જણ કોઇને કોઇ રૂપે તેની સાથે જોડાયેલું છે. દરેક પોતાનું યોગદાન આપી રહ્યું છે. રોજ સમાચાર આવે છે કે કેવા કેવા નવા પ્રયાસ થઇ રહ્યા છે. ભારત સરકારમાં એક વિચાર થયો છે અને લોકોને આહવાન કર્યું છે કે, તમે બે મિનિટ, ત્રણ મિનિટની એક ફીલ્મ સ્વચ્છતા પર બનાવો. આ શોર્ટ ફિલ્મ ભારત સરકારને મોકલો. વેબસાઇટ પર તમને તેની વિગતો મળી જશે. તેની સ્પર્ધા થશે અને બે ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે જે વિજયી થશે તેને ઇનામ આપવામાં આવશે. હું તો ટી.વી. ચેનલવાળાઓને પણ કહું છું કે, તમે પણ આવી ફિલ્મો માટે આહવાન કરીને સ્પર્ધા યોજો. રચનાત્મકતા – સર્જનાત્મકતા પણ સ્વચ્છતા અભિયાનને એક તાકાત આપી શકે છે. નવા સૂત્રો મળશે. નવી રીતો જાણવા મળશે, નવી પ્રેરણા મળશે અને આ બધું જનતાજનાર્દની ભાગીદારીથી સામાન્ય કલાકારોથી થશે. એ જરૂરી નથી કે, ફીલ્મ બનાવવા માટે મોટો સ્ટુડિયો, સારો કેમેરા હોવો જોઇએ. આજકાલ તો મોબાઇલ ફોનના કેમેરાથી પણ તમે ફિલ્મ બનાવી શકો છો. આવો આગળ વધીએ. તમને મારૂં આમંત્રણ છે.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતની હંમેશા એ કોશિશ રહી છે કે, આપણા પડોશીઓ સાથે આપણા સંબંધો ગાઢ બને. આપણા સંબંધો સહજ અને જીવંત હોય. એક ખૂબ જ મોટી મહત્વપૂર્ણ વાત ગત દિવસોમાં થઇ. આપણા આદરણીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કોલકાતામાં એક નવા કાર્યક્રમની શરૂઆત કરી – આકાશવાણી મૈત્રી ચેનલ – હવે કેટલાક લોકોને થશે કે, રાષ્ટ્રપતિને શું એક રેડિયોની ચેનલનું ઉદઘાટન કરવું જોઇએ ? પરંતુ આ સામાન્ય રેડિયો ચેનલ નથી. એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આપણી પડોશમાં બાંગ્લાદેશ છે. આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ આજે પણ એક જ સાંસ્કૃતિક વારસાને લઇને જીવી રહ્યાં છે. તો આ તરફ “આકાશવાણી મૈત્રી” અને બીજી તરફ “બાંગ્લાદેશ બેતાર” તેઓ પરસ્પર સામગ્રી વહેંચશે. બંને બાજુના બાંગ્લાભાષી લોકો આકાશવાણીની મજા લેશે. “લોકોથી લોકોના સંપર્ક માટે” આકાશવાણીનું આ એક ઘણું મોટું યોગદાન છે. રાષ્ટ્રપતિજીએ તેનું ઉદઘાટન કર્યું. હું બાંગ્લાદેશનો પણ ધન્યવાદ કરૂં છું કે, આ કામ માટે તેઓ આપણી સાથે જોડાયા. હું આકાશવાણીના મિત્રોને પણ અભિનંદન આપું છું કે, વિદેશ નીતીમાં પણ તેઓ યોગદાન આપી રહ્યા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે ભલે મને વડાપ્રધાનનું કામ આપ્યું હોય, પણ છેવટે તો હું પણ તમારી જેવો જ માનવી છું. અને ક્યારેક કયારેક લાગણીસભર ઘટનાઓ મને જરા વધુ સ્પર્શી જાય છે. આવી ભાવુક ઘટનાઓ નવી નવી ઉર્જા પણ આપે છે. નવી પ્રેરણા પણ આપે છે અને આ જ છે, જે બારતના લોકો માટે કંઇને કંઇ કરી છૂટવાની પ્રેરણા આપે છે. ગત દિવસોમાં મને એક એવો પત્ર મળ્યો જે મારા મનને સ્પર્શી ગયો. લગભગ 84 વર્ષની એક માતા જે નિવૃત્ત શિક્ષિકા છે તેમણે મને આ પત્ર લખ્યો. જો તેમણે મને આ પત્રમાં પોતાનું નામ ક્યારેય જાહેર ન કરવા મનાઇ ન કરી હોત તો આજે મેં જરૂર તેમના નામ સાથે વાત કરી હોત. પત્રમાં તેમણે લખ્યું કે તમે જયારે ગેસ સબસિડી છોડવાની અપીલ કરી હતી તો મેં સબસીડી છોડી દીધી હતી અને પછી તો હું ભૂલી પણ ગઇ હતી. પરંતુ ગત દિવસોમાં તમારી કોઇ વ્યકિત આવી અને આપનો પત્ર મને આપી ગઇ. આ ગેસ સબસિડી છોડવા માટે મને ધન્યવાદનો પત્ર મળ્યો. મારા માટે વડાપ્રધાનનો પત્ર પદ્મશ્રીથી કમ નથી.

દેશવાસીઓ, તમને ખબર જ હશે કે, મેં પ્રયાસ કર્યો છે કે, જે પણ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે, તેમને એક પત્ર મોકલું અને મારો કોઇને કોઇ પ્રતિનિધિ તેને રૂબરૂ જઇને પત્ર પાઠવે. એક કરોડથી વધુ લોકોને પત્ર લખવાનો મારો પ્રયાસ છે. યોજના હેઠળ મારો આ પત્ર તે માતા સમક્ષ પહોંચ્યો. તેમણે મને પત્ર લખ્યો કે આપ સારૂં કામ કરી રહ્યા છો. ગરીબ માતાઓને ચૂલાના ધૂમાડાથી મુક્તિ આપતું અભિયાન ઉત્તમ છે. હું એક નિવૃત્ત શિક્ષિકા છું. થોડાં જ વર્ષોમાં મારી ઉંમર 90 વર્ષની થઇ જશે. હું આ અભિયાન માટે પસાચ હજાર રૂપિયાનું દાન આપને મોકલી રહી છું. જેને આપ આવી ગરીબ માતાઓને ચૂલાના ધૂમાડાથી મુક્ત કરવાના કામમાં લગાવજો. તમે કલ્પના કરી શકો કે એક સામાન્ય શિક્ષિકા તરીકે પેન્શન પર ગુજારો કરતી માતા ગરીબ માતા-બહેનોને ચૂલાના ધૂમાડાથી મુક્ત કરવા માટે ગેસ સબસિડી તો છોડી દે જ પણ સાથે પચાસ હજાર રૂપિયાનું દાન પણ આપે ! પ્રશ્ન પચાસ હજાર રૂપિયાનો નથી પણ તે માતાની લાગણીનો છે અને આવી કોટિકોટિ મા બહેનોના આશીર્વાદ જ છે જેના થકી મારા દેશના ભવિષ્ય માટે ભરોસો અને તાકાત મળી જાય છે. અને મને આ પત્ર પણ તેમણે વડાપ્રધાન તરીકે નથી લખ્યો, સીધો સાદો પત્ર લખ્યો છે, તેમણે પત્રમાં લખ્યું છે. – મોદી ભાઇ ! તે માતાને હું પ્રણામ કરૂં છું અને ભારતની એ કોટીકોટી માતાઓને પણ પ્રણામ કરૂં છું જે પોતે કષ્ટ વેઠીને હંમેશા કોઇનું ભલું કરતી રહે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આપણે દુષ્કાળના કારણે તકલીફમાં હતા પરંતુ આ ઓગષ્ટ મહિનો સતત પૂરની મુશ્કેલીઓથી ભરેલો રહ્યો. દેશના કેટલાક હિસ્સામાં પૂર આવ્યાં. રાજય સરકારોએ કેન્દ્ર સરકારે, સ્થાનિક સ્વરાજ સંસ્થાના એકમોએ, સામાજિક સંસ્થાઓએ, નાગરિકોએ જેટલું પણ કરી શકતા હતા., તે કરવા પ્રયાસ કર્યો. પરંતુ આ પૂરના સમાચારોની વચ્ચે પણ કેટલાક એવા સમાચાર પણ હતા જેનું વધુ સ્મરણ થવું જરૂરી હતું. એકતાની તાકાત શું હોય છે, સાથે મળીને ચાલીએ તો કેટલું મોટું પરિણામ મળી શકે છે તે માટે આ વર્ષનો ઓગષ્ટ મહિનો યાદ રહેશે. ઓગષ્ટ 2016માં ઘોર રાજકીય વિરોધી પક્ષો, એકબીજા વિરૂદ્ધ એક પણ તક ન છોડનારા પક્ષો અને સમગ્ર દેશના લગભગ 90 પક્ષ, સંસદમાં પણ ઘણા બધા પક્ષ, આ બધા રાજકીય પક્ષોએ મળીને જીએસટીનો ખરડો પસાર કર્યો. તેનો યશ બધા પક્ષોને મળે છે. અને બધા પક્ષો મળીને જો એક દિશામાં ચાલે તો કેટલું મોટું કામ થઇ શકે છે, તેનું આ ઉદાહરણ છે. આ જ રીતે કાશ્મીરમાં જે કંઇ પણ થયું , તે કાશ્મીરની સ્થિતિના સંદર્ભમાં, દેશના બધા રાજકીય પક્ષોએ એક જ સ્વરમાં કાશ્મીરની વાત રાખી. દુનિયાને પણ સંદેશ આપ્યો. અલગતાવાદી તત્વોને પણ સંદેશ આપ્યો અને કાશ્મીરના નાગરિકો પ્રત્યે આપણી સંવેદનાઓને પણ વ્યકત કરી. અને કાશ્મીરના સંદર્ભમાં મારી તમામ પક્ષો સાથે જેટલી પણ વાતચીત થઇ, તેમાં દરેકની વાતમાંથી એક વાત જરૂર બહાર આવતી હતી. જો તેને ઓછામાં ઓછા શબ્દોમાં કહેવી હોય તો હું કહીશ કે, એકતા અને મમતા – આ બે વાતો મૂળ મંત્રમાં રહી, અને આપણા બધાનો મત છે, સવા સો કરોડ દેશવાસીઓનો મત છે, ગામના સરપંચથી લઇને વડાપ્રધાન સુધીનાનો મત છે કે કાશ્મીરમાં જો કોઇનું પણ મૃત્યુ થાય, પછી તે કોઇ નવયુવાન હોય કે કોઇ સુરક્ષા કર્મચારી હોય, આ નુકસાન આપણું જ છે, આપણા લોકોનું જ છે, આપણા દેશનું જ છે, જે લોકો આ બાળકોને આગળ કરીને કાશ્મીરમાં અશાંતિ સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે, કયારેક તો તેમણે નિર્દોષ બાળકોને પણ જવાબ આપવો પડશે.

મારા વહાલા દેશવાસીઓ, દેશ ઘણો મોટો છે. વિવિધતાઓથી ભરેલો છે. વિવિધતાઓથી ભરેલા દેશને એકતાના બંધનમાં બાંધી રાખવા માટે નાગરિક તરીકે, સમાજ તરીકે, સરકાર તરીકે આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાને બળ મળે તેવી વાતોને વધુ ભાર આપીએ, વધુ બહાર લાવીએ, ત્યારે જ દેશ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે ને બનાવશે જ. મારો સવાસો કરોડ દેશવાસીઓની શકિત પર વિશ્વાસ છે. આજે બસ આટલું જ. ખૂબ ખૂબ ધન્યાવાદ…

TR/GP