Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

28મા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર!

આપ સૌને નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન જસ્ટિસ શ્રી અરુણ કુમાર મિશ્રાજી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયજી, માનવ અધિકાર આયોગના અન્ય સન્માનિત સભ્યગણ, રાજ્ય માનવ અધિકાર આયોગોના તમામ અધ્યક્ષ ગણ, ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના તમામ માન્ય આદરણીય ન્યાયાધીશ મહોદય, સભ્યગણ, યુએન સંસ્થાના તમામ પ્રતિનિધિ, સિવિલ સોસાયટી સાથે જોડાયેલ સાથીઓ, અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો!

આપ સૌને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના 28મા સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ! આ આયોજન આજે એક એવા સમયમાં થઈ રહ્યું છે કે જ્યારે આપણો દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભારત માટે માનવ અધિકારોની પ્રેરણાનો, માનવ અધિકાર મૂલ્યોનો બહુ મોટો સ્ત્રોત આઝાદી માટેનું આપણું આંદોલન, આપણો ઇતિહાસ છે. આપણે સદીઓ સુધી આપણા અધિકારો માટે સંઘર્ષ કર્યો. એક રાષ્ટ્રના રૂપમાં, એક સમાજના રૂપમાં અન્યાય અત્યાચારનો પ્રતિકાર કર્યો! એક એવા સમયમાં જ્યારે સંપૂર્ણ દુનિયા વિશ્વ યુદ્ધની હિંસામાં સળગી રહી હતી, ભારતે સંપૂર્ણ વિશ્વને ‘અધિકાર અને અહિંસા’નો માર્ગ પ્રદર્શિત કર્યો. આપણા પૂજ્ય બાપુને દેશ જ નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વ માનવઅધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતિકના રૂપમાં જુએ છે. તે આપણા સૌનું સૌભાગ્ય છે કે આજે અમૃત મહોત્સવના માધ્યમથી આપણે મહાત્મા ગાંધીના તે મૂલ્યો અને આદેશોને જીવવાનો સંકલ્પ લઈ રહ્યા છીએ. મને સંતોષ છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભારતના આ નૈતિક સંકલ્પોને તાકાત આપી રહ્યું છે, પોતાનો સહયોગ આપી રહ્યો છે.

સાથીઓ,

ભારત ‘આત્મવત સર્વભૂતેષુ’ના મહાન આદર્શોને, સંસ્કારોને લઈને, વિચારોને લઈને ચાલનારો દેશ છે. ‘આત્મવત સર્વભૂતેષુ’ એટલે કે જેવો હું છું તેવા જ બધા મનુષ્યો છે. માનવ માનવમાં, જીવ જીવમાં કોઈ ભેદ નથી. જ્યારે આપણે આ વિચારનો સ્વીકાર કરીએ છીએ તો દરેક પ્રકારની ખાઈ ભરાઈ જાય છે. તમામ વિવિધતાઓ હોવા છતાં ભારતના જનમાનસે આ વિચારને હજારો વર્ષોથી જીવંત બનાવી રાખ્યો છે. એટલા માટે, સેંકડો વર્ષોની ગુલામી પછી ભારત જ્યારે આઝાદ થયું, તો આપણા બંધારણ દ્વારા કરવામાં આવેલ સમાનતા અને મૌલિક અધિકારોની જાહેરાત તેટલી જ સહજતાથી સ્વીકૃતિ પામી છે!

સાથીઓ,

આઝાદી પછી પણ ભારતે સતત વિશ્વને સમાનતા અને માનવ અધિકારો સાથે જોડાયેલ વિષયો પર નવો દ્રષ્ટિકોણ આપ્યો છે, નવી દૂરંદેશીતા આપી છે. વિતેલા દાયકાઓમાં એવા કેટલાય અવસર વિશ્વની સમક્ષ આવ્યા છે કે જ્યારે દુનિયા ભ્રમિત થઈ છે, ભટકી છે. પરંતુ ભારત માનવ અધિકારો પ્રત્યે હંમેશા કટિબદ્ધ રહ્યું છે, સંવેદનશીલ રહ્યું છે. તમામ પડકારો હોવા છતાં પણ આપણી આ આસ્થા આપણને સાંત્વના આપે છે કે ભારત, માનવ અધિકારોને સર્વોપરી રાખીને એક આદર્શ સમાજના નિર્માણનું કાર્ય આ જ રીતે કરતું રહેશે.

સાથીઓ,

આજે દેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર પર ચાલી રહ્યો છે. તે એક રીતે માનવ અધિકારને સુનિશ્ચિત કરવાની જ મૂળ ભાવના છે. જો સરકાર કોઈ યોજના શરૂ કરે અને તેનો લાભ અમુકને જ મળે, અમૂકને ના મળે તો અધિકારનો વિષય ઊભો થશે જ. અને એટલા માટે અમે દરેક યોજનાનો લાભ, દરેક વ્યક્તિ સુધી પહોંચે, એ લક્ષ્યને લઈને આગળ ચાલી રહ્યા છીએ. જ્યારે ભેદભાવ નથી હોતો, જ્યારે પક્ષપાત નથી હોતો, પારદર્શકતા સાથે કામ થાય છે તો સામાન્ય માનવીના અધિકારની પણ ખાતરી થાય છે. આ 15મી ઓગસ્ટે દેશ સાથે વાત કરતાં મેં એ વાત ઉપર ભાર મૂક્યો છે કે હવે આપણે મૂળભૂત સુવિધાઓને સોએ સો ટકા સેચ્યુરેશન સુધી લઈને જવાની છે. આ સોએ સો ટકા સેચ્યુરેશનનું અભિયાન, સમાજની છેલ્લી હરોળમાં, કે જેનો હમણાં આપણા અરુણ મિશ્રાજીએ ઉલ્લેખ કર્યો. છેલ્લી પંકિતમાં ઉભેલા તે વ્યક્તિના અધિકારોની ખાતરી કરવા માટે છે કે જેને ખબર સુદ્ધાં નથી કે આ તેનો અધિકાર છે. તે ક્યાંય ફરિયાદ કરવા નથી જતો, કોઈ પંચમાં નથી જતો. હવે સરકાર ગરીબના ઘરે જઈને ગરીબને સુવિધાઓ સાથે જોડી રહી છે.

સાથીઓ,

જ્યારે દેશનો એક બહુ મોટો વર્ગ, પોતાની જરૂરિયાતોને પુરી કરવામાં જ સંઘર્ષરત રહેશે તો તેની પાસે પોતાના અધિકારો અને પોતાની આકાંક્ષાઓ માટે કઇંક કરવાનો ના તો સમય બચશે અને ના તો ઊર્જા અને ના ઈચ્છા શક્તિ. અને આપણે સૌ જાણીએ છીએ કે ગરીબની જિંદગીમાં જો આપણે ઝીણવટથી જોઈએ તો જરૂરીયાત જ તેની જિંદગી હોય છે અને જરૂરિયાતની પૂર્તિ માટે તે પોતાના જીવનની ક્ષણ ક્ષણ, શરીરનો કણ-કણ ખપાવતો રહે છે. અને જ્યારે જરૂરિયાતો પૂરી ના થાય તો ત્યાં સુધી તે અધિકારના વિષય સુધી નથી પહોંચી શકતો. જ્યારે ગરીબ પોતાની મૂળભૂત સુવિધાઓ અને જેનો હમણાં અમિત ભાઈએ ખૂબ વિસ્તાર સાથે વર્ણન કર્યું, જેમ કે શૌચાલય, વીજળી, સ્વાસ્થ્યની ચિંતા, ઈલાજની ચિંતા, આ બધા સામે ઝઝૂમી રહ્યો હોય, અને કોઈ તેની સામે જઈને તેના અધિકારોની યાદી ગણાવવા લાગે તો ગરીબ સૌથી પહેલા એ જ પૂછશે કે શું આ અધિકાર તેની જરૂરિયાત પૂરી કરી શકશે. કાગળમાં નોંધાયેલ અધિકારોને ગરીબ સુધી પહોંચાડવા માટે પહેલા તેની જરૂરિયાત પૂરી કરવી ખૂબ જરૂરી છે. જ્યારે જરૂરિયાતો પૂરી થવા લાગે છે તો ગરીબ પોતાની ઊર્જા અધિકારોની દિશામાં લગાવી શકે છે, પોતાના અધિકાર માંગી શકે છે. અને આપણે સૌ એ વાતથી પણ સુપેરે પરિચિત છીએ કે જ્યારે જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે, અધિકારો પ્રત્યે સતર્કતા આવે છે, તો પછી આકાંક્ષાઓ પણ તેટલી જ ઝડપથી વધે છે. આ આકાંક્ષાઓ જેટલી પ્રબળ હોય છે, તેટલી જ ગરીબને, ગરીબીમાંથી બહાર નીકળવાની શક્તિ મળે છે. ગરીબીના દુષ્ચક્રમાંથી બહાર નીકળીને તે પોતાના સપના પૂરા કરવાની દિશામાં આગળ વધે છે. એટલા માટે જ્યારે ગરીબના ઘરે શૌચાલય બને છે, તેના ઘરમાં વીજળી પહોંચે છે, તેને ગેસના જોડાણ મળે છે, તો તે માત્ર એક યોજના તેના સુધી પહોંચવાનું કામ જ નથી થતું, આ યોજનાઓ તેની જરૂરિયાતો પૂરી કરી રહી છે, તેને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવી રહી છે, તેનામાં આકાંક્ષા જગાડી રહી છે.

સાથીઓ,

ગરીબને મળનારી આ સુવિધાઓ, તેના જીવનમાં ગૌરવ લાવી રહી છે, તેની ગરિમા વધારી રહી છે. જે ગરીબ એક સમયે શૌચ માટે ખુલ્લામાં જવા માટે મજબૂર હતો, હવે ગરીબને શૌચાલય મળ્યું છે, તો તેને ગૌરવ પણ મળે છે. જે ગરીબ ક્યારેક બેંકની અંદર જવાની હિંમત નહોતો કરી શકતો, તે ગરીબનું જ્યારે જન ધન ખાતું ખૂલે છે તો તેનામાં હિંમત આવે છે, તેનું ગૌરવ વધે છે. જે ગરીબ ક્યારેય ડેબિટ કાર્ડ વિષે વિચારી પણ નહોતો શકતો તે ગરીબને જ્યારે રૂપે કાર્ડ મળે છે, ખિસ્સામાં જ્યારે રૂપે કાર્ડ હોય છે તો તેનું ગૌરવ વધે છે. જે ગરીબ ક્યારેક ગેસના જોડાણો માટે સિફારીશ પર આશ્રિત હતો, તેને જ્યારે ઘરે બેઠા ઉજ્જવલાનું જોડાણ મળે છે તો તેનું ગૌરવ વધે છે. જે મહિલાઓને પેઢી દર પેઢી, સંપત્તિ પર માલિકીનો હક ક્યારેય મળ્યો નહોતો, જ્યારે સરકારી આવાસ યોજનાનું ઘર તેના નામ પર થાય છે તો તે માતાઓ બહેનોનું ગૌરવ વધે છે.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં દેશે જુદા જુદા વર્ગોમાં, જુદા જુદા સ્તર પર થઈ રહેલા અન્યાયને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. દાયકાઓ સુધી મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાક વિરુદ્ધ કાયદાની માંગણી કરી રહી હતી. અમે ટ્રીપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને, મુસ્લિમ મહિલાઓને નવો અધિકાર આપ્યો છે. મુસ્લિમ મહિલાઓને હજ દરમિયાન મહરમની બાધ્યતામાંથી મુક્ત કરવાનું કામ પણ અમારી સરકારે કર્યું છે.

સાથીઓ,

ભારતની નારી શક્તિ સામે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ અનેક અડચણો ઊભેલી હતી. ઘણા બધા ક્ષેત્રોમાં તેમના પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવેલી હતી, મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો. આજે મહિલાઓ માટે કામના અનેક ક્ષેત્રો ખોલવામાં આવ્યા છે, તે 24 કલાક સુરક્ષા સાથે કામ કરી શકે, તે બાબતની ખાતરી કરવામાં આવી રહી છે. દુનિયાના મોટા મોટા દેશ આવું નથી કરી શક્યા પરંતુ ભારત આજે કરિયર વુમનને 26 અઠવાડિયાની પગાર સાથેની માતૃત્વ રજાઓ આપી રહ્યું છે.

સાથીઓ,

જ્યારે તે મહિલાને 26 અઠવાડિયાની રજા મળે છે ને તો તે એક રીતે નવજાત બાળકના અધિકારની રક્ષા કરે છે. તેનો અધિકાર છે તેની માતાની સાથે જિંદગી વિતાવવાનો, તે અધિકાર તેને મળે છે. કદાચ અત્યાર સુધી તો આપણા કાયદાના પુસ્તકોમે આ બધા ઉલ્લેખ નહિ આવ્યા હોય.

સાથીઓ,

દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલ પણ અનેક કાયદાકીય પગલાં વિતેલા વર્ષોમે ભરવામાં આવ્યા છે. દેશના 700 કરતાં વધુ જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટર્સ ચાલી રહ્યા છે, જ્યાં એક જ જગ્યા પર મહિલાઓને મેડિકલ સહાયતા, પોલીસ સુરક્ષા, સાઇકો સોશિયલ કાઉન્સેલિંગ, કાયદાકીય મદદ અને અસ્થાયી આશ્રય આપવામાં આવે છે. મહિલાઓની સાથે થનાર અપરાધોની જલ્દીથી જલ્દી સુનાવણી કરવામાં આવે તેની માટે દેશભરમાં સાડા છસો કરતાં વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટસ બનાવવામાં આવી છે. બળાત્કાર જેવા જઘન્ય અપરાધો માટે મૃત્યુ દંડની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ તેમાં સંશોધન કરીને મહિલાઓને અબોર્શન સાથે જોડાયેલ સ્વતંત્રતા આપવામાં આવી છે. સુરક્ષિત અને કાયદાકીય અબોર્શનનો રસ્તો મળવાથી મહિલાઓના જીવન પરનું સંકટ પણ ઓછું થયું છે અને પીડામાંથી પણ મુક્તિ મળી છે. બાળકો સાથે જોડાયેલ અપરાધો પર લગામ લગાવવા માટે પણ કાયદાઓને કડક કરવામાં આવ્યા છે, નવી ફાસ્ટ ટ્રેક કોર્ટસ બનાવવામાં આવી છે.

સાથીઓ,

આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોની શું શક્તિ છે તે આપણે હમણાંના ઓલિમ્પિકમાં ફરીથી અનુભવ કર્યો છે. વિતેલા વર્ષોમાં દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેમને નવી સુવિધાઓ સાથે જોડવામાં આવ્યા છે. દેશભરમાં હજારો ભવનોને, સાર્વજનિક બસોને, રેલવેને દિવ્યાંગો માટે સુગમ બનાવવાના હોય, લગભગ 700 વેબસાઇટ્સને દિવ્યાંગ લોકો માટે અનુકૂળ તૈયાર કરવાની હોય, દિવ્યાંગોની સુવિધા માટે વિશેષ સિક્કા જાહેર કરવાના હોય, ચલણી નોટો પણ તમને કદાચ ઘણા લોકોને ખબર નહિ હોય, હવે જે આપણી નવી ચલણી નોટો છે તેમાં દિવ્યાંગ એટલે કે જે પ્રજ્ઞાચક્ષુ આપણા ભાઈ બહેનો છે, તેઓ તેને સ્પર્શ કરીને આ ચલણી નોટ કેટલી કિંમતની છે તે નક્કી કરી શકે છે. તે વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણથી લઈને કૌશલ્યો, કૌશલ્યોથી લઈને અનેક સંસ્થાન અને વિશેષ અભ્યાસક્રમ બનાવવાનો હોય. તેની ઉપર વિતેલા વર્ષોમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આપણા દેશની અનેક ભાષાઓ છે, અનેક બોલીઓ છે અને તેવો જ સ્વભાવ આપણા સંકેતોમાં હતો. મૂક બધિર વ્યક્તિ આપણા દિવ્યાંગજન જે છે. જો તેઓ ગુજરાતમાં જે સાંકેતિક ચિહ્ન જુએ છે, મહારાષ્ટ્રમાં તે જુદું, ગોવામાં અલગ, તમિલનાડુમાં અલગ. ભારતે આ સમસ્યાનું સમાધાન કરવા માટે સંપૂર્ણ દેશની માટે એક સાંકેતિક ભાષાની વ્યવસ્થા કરી, કાયદાકીય રીતે કરી, અને તેની સંપૂર્ણ તાલીમનું, આ તેમના અધિકારોની ચિંતા અને એક સંવેદનશીલ અભિગમનું પરિણામ છે. હમણાં તાજેતરમાં જ દેશની પહેલી સાંકેતિક ભાષા શબ્દકોષ અને ઓડિયો પુસ્તકની સુવિધા દેશના લાખો દિવ્યાંગ બાળકોને આપવામાં આવી છે કે જેથી તેઓ ઇ-લર્નિંગ સાથે જોડાઈ શકે. આ વખતે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી તેમાં પણ આ જ વાતને ખાસ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. એ જ રીતે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ વધુ સારી સુવિધાઓ અને સમાન અવસર આપવા માટે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (અધિકારોની સુરક્ષા) કાયદો બનાવવામાં આવ્યો છે. ફરતા રહેતા અને અર્ધ ફરતા રહેતા સમુદાયો માટે પણ વિકાસ અને કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. લોક અદાલતોના માધ્યમથી લાખો જૂના કેસોનો નિકાલ થવાથી અદાલતોનો બોજ પણ હળવો થયો છે અને દેશવાસીઓને પણ ઘણી મદદ મળી છે. આ બધા જ પ્રયાસ સમાજમાં થઈ રહેલા અન્યાયને દૂર કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

સાથીઓ,

આપણા દેશે કોરોનાની આટલી મોટી મહામારીનો સામનો કર્યો. સદીની આટલી મોટી આપત્તિ, કે જેની આગળ દુનિયાના મોટા મોટા દેશો પણ ડગમગી ગયા હતા. પહેલાંની મહામારીઓનો અનુભવ છે કે જ્યારે આટલી મોટી મહામારી આવે છે, આટલી મોટી વસતિ હોય તો તેની સાથે સમાજમાં અસ્થિરતા પણ જન્મ લઈ લે છે. પરંતુ દેશના સામાન્ય માનવીના અધિકારો માટે ભારતે જે કર્યું, તેણે તમામ આશંકાઓને ખોટી સાબિત કરી દીધી. આવા મુશ્કેલ સમયમાં પણ ભારતે એ વાતનો પ્રયાસ કર્યો કે એક પણ ગરીબને ભૂખ્યા ના રહેવું પડે. દુનિયાના મોટા મોટા દેશ નથી કરી શક્યા.

પરંતુ આજે પણ ભારત 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ભારતે આ જ કોરોના કાળમાં ગરીબો, અસહાય લોકો, વડીલોને સીધા તેમના ખાતામાં આર્થિક સહાયતા આપી છે. પ્રવાસી શ્રમિકો માટે ‘વન નેશન વન રૅશન કાર્ડ’ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે કે જેથી ટે દેશમાં ગમે ત્યાં જાય, તેમને કરિયાણા માટે ભટકવું ના પડે.

ભાઈઓ અને બહેનો,

માનવીય સંવેદના અને સંવેદનશીલતાને સર્વોપરી રાખીને, બધાને સાથે લઈને ચાલવાના આવા પ્રયાસોએ દેશના નાના ખેડૂતોને ખૂબ તાકાત આપી છે. આજે દેશનો ખેડૂત કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી ધિરાણ લેવા માટે મજબૂર નથી, તેમની પાસે કિસાન સમ્માન નિધિની તાકાત છે, પાક વીમા યોજના છે, તેમને બજાર સાથે જોડનારી નીતિઓ છે. તેનું પરિણામ એ આવ્યું છે કે સંકટના સમયમાં પણ દેશના ખેડૂતો રેકોર્ડ પાક ઉત્પાદન કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વનું ઉદાહરણ પણ આપણી સામે છે. આ ક્ષેત્રોમાં આજે વિકાસ પહોંચી રહ્યો છે, અહિયાના લોકોનું જીવન સ્તર વધુ સારું બનાવવાનો ગંભીરતાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસ, માનવ અધિકારોને પણ એટલા જ સશક્ત કરી રહ્યા છે.

સાથીઓ,

માનવ અધિકારો સાથે જોડાયેલ એક અન્ય પક્ષ છે, જેની ચર્ચા હું આજે કરવા માંગુ છું. હમણાં તાજેતરના વર્ષોમાં માનવ અધિકારની વ્યાખ્યા કેટલાક લોકો પોત પોતાની રીતે, પોત પોતાના હિતોને જોઈને કરવા લાગ્યા છે. એક જ પ્રકારની ઘટનામાં કેટલાક લોકોને માનવ અધિકારનું હનન થતું દેખાય છે અને તેવી જ બીજી કોઈ ઘટનામાં આ જ લોકોને માનવ અધિકારનું કોઈ હનન નથી દેખાતું. આ પ્રકારની માનસિકતા પણ માનવ અધિકારને ખૂબ વધારે નુકસાન પહોંચાડે છે. માનવ અધિકારનું બહુ વધારે હનન ત્યારે થાય છે જ્યારે તેને રાજનીતિના રંગ વડે જોવામાં આવે છે, રાજનૈતિક ચશ્મા વડે જોવામાં આવે છે, રાજનૈતિક નફા નુકસાનના ત્રાજવે તોળવામાં આવે છે. આ પ્રકારનું પસંદગીપૂર્ણ વ્યવહાર, લોકશાહી માટે પણ એટલો જ નુકસાનકારક છે. આપણે જોઈએ છીએ કે આવા જ પસંદગીપૂર્ણ વ્યવહાર કરીને કેટલાક લોકો માનવ અધિકારના હનનના નામ પર દેશની છબીને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આવા લોકોથી પણ દેશે સાવચેત રહેવાનું છે.

સાથીઓ,

આજે જ્યારે વિશ્વમાં માનવ અધિકારોની વાત થાય છે તો તેનું કેન્દ્ર વ્યક્તિગત અધિકારો હોય છે. તે હોવા પણ જોઈએ. કારણ કે વ્યક્તિ વડે જ સમાજનું નિર્માણ થાય છે અને સમાજ વડે જ રાષ્ટ્ર બને છે. પરંતુ ભારત અને ભારતની પરંપરાએ સદીઓથી આ વિચારને એક નવી ઊંચાઈ આપી છે. આપણે ત્યાં સદીઓથી શાસ્ત્રોમાં વારંવાર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આત્મન: પ્રતિ-કુલાની પરેષામ્ ન સમાચારેત્. એટલે કે જે પોતાની માટે પ્રતિકૂળ હોય, તે વ્યવહાર અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ના કરવો જોઈએ. તેનો અર્થ એ છે કે માનવ અધિકાર માત્ર અધિકારો સાથે જોડાયેલ નથી પરંતુ તે આપણા કર્તવ્યોનો વિષય પણ છે. આપણે આપણી સાથે સાથે બીજાઓના પણ અધિકારોની ચિંતા કરીએ, અન્યોના અધિકારોને આપણું કર્તવ્ય બનાવીએ, આપણે દરેક માનવી સાથે ‘સમભાવ’ અને ‘મમ ભાવ’ રાખીએ! જ્યારે સમાજમાં આ સહજતા આવી જાય છે તો માનવ અધિકાર આપણા સમાજના જીવન મૂલ્ય બની જાય છે. અધિકાર અને કર્તવ્ય આ બંને એવા પાટાઓ છે કે જેની ઉપર માનવ વિકાસ અને માનવ ગરિમાની યાત્રા આગળ વધે છે. અધિકાર જેટલા જરૂરી છે, કર્તવ્ય પણ એટલા જ જરૂરી છે. અધિકાર અને કર્તવ્યની વાત જુદી જુદી ના હોવી જોઈએ, એક સાથે જ કરવામાં આવવી જોઈએ. એ આપણા સૌનો અનુભવ છે કે આપણે જેટલું કર્તવ્ય ઉપર ભાર મૂકીએ છીએ, તેટલી જ અધિકારની ખાતરી થાય છે. એટલા માટે પ્રત્યેક ભારત વાસી પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહેવાની સાથે જ પોતાના કર્તવ્યોને તેટલી જ ગંભીરતા સાથે નિભાવે, તેની માટે પણ આપણે સૌએ સાથે મળીને સતત પ્રયાસ કરવો પડશે, સતત પ્રેરિત કરતાં રહેવું પડશે.

સાથીઓ,

આ ભારત જ છે કે જેની સંસ્કૃતિ આપણને પ્રકૃતિ અને પર્યાવરણની ચિંતા કરવાનું પણ શીખવાડે છે. છોડવામાં પરમાત્મા એ આપણા સંસ્કાર છે. એટલા માટે આપણે માત્ર વર્તમાનની જ ચિંતા નથી કરી રહ્યા, આપણે ભવિષ્યને પણ સાથે લઈને ચાલી રહ્યા છીએ. આપણે સતત વિશ્વને આવનારી પેઢીઓના માનવ અધિકારો પ્રત્યે પણ સચેત કરી રહ્યા છીએ. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ હોય, પુનઃ પ્રાપ્ય ઊર્જા માટે ભારતનું લક્ષ્ય હોય, હાઈડ્રોજન મિશન હોય, આજે ભારત સંતુલિત જીવન અને પર્યાવરણને અનુકૂળ વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હું ઇચ્છીશ કે માનવ અધિકારોની દિશામાં કામ કરી રહેલા આપણા તમામ વિદ્વાનજનો, સિવિલ સોસાયટીના લોકો, આ દિશામાં પોતાના પ્રયાસોને વધારે. આપ સૌના પ્રયાસ લોકોને અધિકારોની સાથે જ કર્તવ્ય ભાવની દિશામાં વધારે પ્રેરિત કરશે, એ જ શુભકામનાઓ સાથે, હું મારી વાત સમાપ્ત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર!             

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…