Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

24.11.2019ના રોજ ‘મન કી બાત 2.0’ના છઠ્ઠા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત, યુવા દેશના, યુવા, જે ઉત્સાહ, જે દેશભક્તિ, જે સેવાના રંગમાં રંગાયેલા છે તે નવજુવાન. તમે જાણો છો ને. નવેમ્બર મહિનાનો ચોથો રવિવાર દર વર્ષે એનસીસી દિવસના રૂપમાં મનાવાય છે. સામાન્ય રીતે આપણી યુવા પેઢીને ફ્રેન્ડશિપ દિવસ બરાબર યાદ રહે છે, પરંતુ ઘણા લોકો છે જેમને એનસીસી ડે પણ એટલો જ યાદ રહે છે. તો ચાલો આજે એનસીસી વિશે વાત કરીએ. મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી              :       સાથીઓ, આપ સહુ કેમ છો?

તરન્નુમ ખાન            :       જય હિન્દ પ્રધાનમંત્રીજી

પ્રધાનમંત્રી              :       જય હિન્દ

તરન્નુમ ખાન           :       સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર તરન્નુમ ખાન છે

પ્રધાનમંત્રી              :       તરન્નુમ, આપ ક્યાંથી છો?

તરન્નુમ ખાન           :       હું દિલ્લીની છું, સર.

પ્રધાનમંત્રી              :       અચ્છા. તો એનસીસીમાં કેટલા વર્ષ કેવો અનુભવ રહ્યો આપનો?

તરન્નુમ ખાન             :      સર, હું એનસીસીમાં વર્ષ ૨૦૧૭માં જોડાઈ હતી અને

આ ત્રણ વર્ષ મારી જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો રહ્યાં છે.

પ્રધાનમંત્રી              :       વાહ, સાંભળીને બહુ સારું લાગ્યું.

તરન્નુમ ખાન    :       સર, હું આપને જણાવવા માગીશ કે મારો સૌથી સારો અનુભવ જે રહ્યો તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કેમ્પમાં રહ્યો હતો. તે અમારો કેમ્પ ઑગસ્ટમાં થયો હતો જેમાં NER ‘નોર્થ ઇસ્ટર્ન રિજિયન’નાં બાળકો પણ આવ્યા હતા. તે કેડેટની સાથે અમે દસ દિવસ માટે રહ્યા. અમે તેમની રહેણી કરણી શીખ્યાં. અમે જોયું કે તેમની ભાષા કેવી છે? તેમની પરંપરા, તેમની સંસ્કૃતિ, અમે તેમની આવી અનેક ચીજો શીખી. જેમ કે via zhomi નો અર્થ થાય છે હેલો… કેમ છો, તેમ જ અમારી કલ્ચરલ નાઇટ થઈ હતી. તેની અંદર તેમણે અમને પોતાનો ડાન્સ શીખવ્યો, તહેરા કહે છે તેમના ડાન્સને. અને તેમણે મને ‘મેખાલા’ પહેરવાનું પણ શીખવ્યું. હું સાચું કહું છું, તેની અંદર ખૂબ જ સુંદર અમે બધાં લાગી રહ્યાં હતાં દિલ્લીવાળા તેમજ અમારા નાગાલેન્ડના દોસ્ત પણ. અમે તેમને દિલ્લી દર્શન પર પણ લઈને ગયા હતા, જ્યાં અમે તેમને નેશનલ વૉર મેમોરિયલ અને ઇન્ડિયા ગેટ બતાવ્યાં. ત્યાં અમે તેમને દિલ્લીની ચાટ પણ ખવડાવી, ભેળપુરી પણ ખવડાવી, પરંતુ તેમને થોડું તીખું લાગ્યું કારણ કે તેમણે કહ્યું કે તેઓ મોટા ભાગે સૂપ પીવાનું પસંદ કરે છે, થોડી ઉકાળેલી શાકભાજી ખાવાનું પસંદ કરે છે તો તેમનું ભોજન તો એટલું ન ભાવ્યું, પરંતુ તે ઉપરાંત અમે તેમની સાથે ઘણી તસવીરો પડાવી, અમારો ઘણો અનુભવ તેમની સાથે વહેંચ્યો.

પ્રધાનમંત્રી              :       આપે તેમની સાથે સંપર્ક ચાલુ રાખ્યો છે ને?

તરન્નુમ ખાન            :       જી સાહેબ, અમારો સંપર્ક તેમની સાથે હજુ જળવાઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી              :       ચાલો, સારું કર્યું આપે.

તરન્નુમ ખાન            :       જી સર.

પ્રધાનમંત્રી              :       બીજા કોણ સાથી છે તમારી સાથે?

શ્રી હરિ જી. વી.         :       જય હિન્દ સર.

પ્રધાનમંત્રી              :       જય હિન્દ.

શ્રી હરિ જી. વી.         :       હું સીનિયરઅંડર ઑફિસર શ્રી જી. વી.હરી બોલી રહ્યો છું.

હું બેંગ્લુરુ, કર્ણાટકનો રહેવાસી છું.

પ્રધાનમંત્રી              :       અને આપ ક્યાં ભણો છો?

શ્રી હરિ જી. વી.         :       સર બેંગ્લુરુમાં ક્રિષ્ટુ જયંતી કૉલેજમાં.

પ્રધાનમંત્રી              :       અચ્છા, બેંગ્લુરુમાં જ છો.

શ્રી હરિ જી. વી.         :       હા, સર.

પ્રધાનમંત્રી              :       કહો.

શ્રી હરિ જી. વી.         :       સર, હું કાલે જ યૂથ ઍક્સચેન્જ પ્રૉગ્રામ સિંગાપોરથી પાછો આવ્યો છું.

પ્રધાનમંત્રી              :       અરે વાહ!

શ્રી હરિ જી. વી.         :       હા સર.

પ્રધાનમંત્રી              :       તો તમને મોકો મળી ગયો ત્યાં જવાનો.

શ્રી હરિ જી. વી.                 :       હા સર.

પ્રધાનમંત્રી              :       કેવો અનુભવ રહ્યો સિંગાપોરનો?

શ્રી હરિ જી. વી.                : ત્યાં છ દેશો આવ્યા હતા જેમાં હતા યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટૅટ્સ ઑફ અમેરિકા, સિંગાપોર, બ્રુનેઇ, હૉંગકૉંગ અને નેપાળ. ત્યાં અમે કૉમ્બેટલેસન્સ અને ઇન્ટરનેશનલ મિલિટરી એક્સર્સાઇઝનું એક ઍક્સ્ચેન્જ શીખ્યું હતું. ત્યાં અમારું પર્ફૉર્મન્સ કંઈક અલગ જ હતું. સર, તેમાંથી અમને વૉટર સ્પૉર્ટ્સ અને ઍડ્વેન્ચર એક્ટિવિટિઝ શીખવાડી હતી અને વૉટર પૉલો ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. અને કલ્ચરલમાં અમે ઑવરઑલ પર્ફૉર્મર્સ હતા સર. તેમને અમારી ડ્રિલ અને વર્ડ ઑફ કમાન્ડ બહુ સારાં લાગ્યાં હતાં.

પ્રધાનમંત્રી              :       તમે કેટલા લોકો હતા હરિ?

શ્રી હરિ જી. વી.          :       સર, ૨૦ લોકો. અમે ૧૦ છોકરા, ૧૦ છોકરીઓ  હતાં.

પ્રધાનમંત્રી              :       હા, અહીં જ, ભારતનાં બધાં અલગ-અલગ રાજ્યનાં હતાં?

શ્રી હરિ જી. વી.         :       હા સર.

પ્રધાનમંત્રી              :       ચાલો, તમારા બધા સાથી તમારો અનુભવ સાંભળવા માટે બહુ જ આતુર હશે, પરંતુ મને સારું લાગ્યું. બીજાં કોણ છે તમારી સાથે?

વિનોલેકિસો             :   જય હિન્દ સર.

પ્રધાનમંત્રી              :   જય હિન્દ.

વિનોલેકિસો             :   મારું નામ છે સીનિયર અંડર ઑફિસર વિનોલેકિસો.

                                    હું નૉર્થ ઇસ્ટર્ન રિજિયન નાગાલેન્ડ સ્ટેટનો છું સર.

પ્રધાનમંત્રી              :   હા, વિનોલે. જણાવો શું અનુભવ છે આપનો?

વિનોલેકિસો          :     સર, હું સેન્ટ જૉસેફ્સ કૉલેજ jakhana (ઑટોનોમસ)માં ભણી રહ્યો છું. બી. એ. હિસ્ટરી (ઑનર્સ)માં. મેં વર્ષ ૨૦૧૭માં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે મારો જિંદગીનો સૌથી મોટો અને સારો નિર્ણય હતો સર.

પ્રધાનમંત્રી              :       એનસીસીના કારણે હિન્દુસ્તાનમાં ક્યાં ક્યાં જવાની તક મળી છે?

વિનોલેકિસો              :      સર, મેં એનસીસીમાં પ્રવેશ મેળવ્યો અને ઘણું શીખ્યો હતો અને મને તક પણ ઘણી મળી હતી અને મારો એક અનુભવ હતો જે હું આપને જણાવવા માગું છું. મેં આ વર્ષે ૨૦૧૯ જૂન મહિનાથી એક કેમ્પ એટેન્ડ કર્યો તે છે કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેઇનિંગ કેમ્પ અને તે સેઝૉલી કોહિમામાં યોજાયો હતો. આ કેમ્પમાં ૪૦ કેડેટે હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી             :      તો, નાગાલેન્ડમાં બધા તમારા સાથી જાણવા માગતા હશે હિન્દુસ્તાનમાં ક્યાં ગયા, શું-શું જોયું? બધો અનુભવ સંભળાવો છો, બધાને?

વિનોલેકિસો             :       હા સર.

પ્રધાનમંત્રી              :       બીજા કોણ છે તમારી સાથે?

અખિલ                 :       જય હિન્દ સર, મારું નામ જુનિયર અંડર ઑફિસર અખિલ છે.

પ્રધાનમંત્રી              :       હા, અખિલ જણાવો.

અખિલ                 :       હું હરિયાણાના રોહતકનો રહેવાસી છું, સર.

પ્રધાનમંત્રી              :       હા…

અખિલ                  :      હું દયાલસિંહ કૉલેજ, દિલ્લી યુનિવર્સિટીથી ફિઝિક્સ ઑનર્સ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી              :       હા… હા…

અખિલ                 :       સર, મને એનસીસીમાં સૌથી સારી શિસ્ત લાગી છે.

પ્રધાનમંત્રી              :       વાહ…

અખિલ                  :      તેણે મને વધુ જવાબદાર નાગરિક બનાવ્યો છે સર.

                           એનસીસી કેડેટની ડ્રિલ, ગણવેશ મને ખૂબ જ પસંદ છે.

પ્રધાનમંત્રી               :      કેટલા કેમ્પ કરવાની તક મળી, ક્યાં-ક્યાં જવાની તક મળી?

અખિલ                  :      સર, મેં ત્રણ કેમ્પ કર્યા છે સર. હું હાલમાં જ ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનમાં એટેચમેન્ટ કેમ્પનો હિસ્સો રહ્યો છું.

પ્રધાનમંત્રી              :       કેટલા સમયનો હતો?

અખિલ                 :       સર, તે ૧૩ દિવસનો કેમ્પ હતો.

પ્રધાનમંત્રી              :       અચ્છા.

અખિલ                 :       સર, મેં ત્યાં ભારતીય સેનામાં અધિકારી કેવી રીતે બનાય છે તેને બહુ નજીકથી જોયું છે અને તે પછી મારો ભારતીય સેનામાં અધિકારી બનવાનો સંકલ્પ વધુ દૃઢ થયો છે સર.

પ્રધાનમંત્રી              :       વાહ…

અખિલ                  :      અને સર મેં ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો અને તે મારા માટે અને મારા પરિવાર માટે ઘણા ગર્વની વાત હતી.

પ્રધાનમંત્રી              :       શાબાશ…

અખિલ                  :      મારાથી વધુ ખુશ મારી મા હતી સર. જ્યારે અમે સવારે બે વાગે ઊઠીને રાજપથ પર પ્રૅક્ટિસ કરવા જતા હતા તો અમારામાં જોશ એટલું બધું રહેતું હતું કે તે જોવા લાયક હતું. અન્ય ફૉર્સેસ કન્ટિન્ટજન્ટના લોકો જે અમને એટલા પ્રોત્સાહિત કરતા હતા કે રાજપથ પર માર્ચ કરતી વખતે, અમારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા, સર.

પ્રધાનમંત્રી               :      ચાલો, તમારા ચારેય સાથે વાત કરવાની તક મળી અને તે પણ એનસીસીડે પર. મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કારણકે મારું પણ સૌભાગ્ય રહ્યું કે હું પણ બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટ રહ્યો હતો તો મને ખબર છે કે તે શિસ્ત, તે ગણવેશ, તેના કારણે જે confidence level વધે છે, તે બધી વાતો બાળપણમાં મને એક એનસીસી કેડેટના રૂપમાં અનુભવ કરવાનો મોકો મળ્યો હતો.

વિનોલે                 :       પ્રધાનમંત્રીજી, મારો એક પ્રશ્ન છે.

પ્રધાનમંત્રી              :       હા, પૂછો…

વિનોલે                 :       કે તમે પણ એનસીસીનો હિસ્સો રહ્યા છો

પ્રધાનમંત્રી              :       કોણ? વિનોલે બોલી રહી છો?

વિનોલે                         :       હા સર, હા સર.

પ્રધાનમંત્રી              :       હા, વિનોલે પૂછો.

વિનોલે                 :       શું તમને કયારેય સજા મળી હતી?

પ્રધાનમંત્રી              :       (હસીને) તેનો અર્થ કે તમને લોકોને સજા મળે છે?

વિનોલે                 :       હા, સર.

પ્રધાનમંત્રી               :      જી નહીં, મારી સાથે આવું ક્યારેય નથી થયું કારણ કે હું ખૂબ જ, એક રીતે શિસ્તમાં માનનારો રહ્યો છું પરંતુ એક વાર જરૂર ગેરસમજ થઈ હતી. જ્યારે અમે કેમ્પમાં હતા તો હું એક ઝાડ પર ચડી ગયો હતો. તો પહેલાં તો એવું લાગ્યું કે મેં કોઈ કાયદો તોડી દીધો છે, પરંતુ બાદમાં બધાને ધ્યાનમાં આવ્યું કે ત્યાં પતંગની દોરીમાં એક પંખી ફસાઈ ગયું હતું. તો તેને બચાવવા માટે હું ત્યાં ચડી ગયો હતો. તો ખેર પહેલાં તો લાગતું હતું કે મારી સામે કોઈ Discipline Action લેવામાં આવશે પરંતુ બાદમાં મારી ઘણી પ્રશંસા થઈ. તો એક રીતે એક અલગ જ અનુભવ થયો મને.

તરન્નુમ ખાન            :       જી સર. આ જાણીને ઘણું સારું લાગ્યું સર.

પ્રધાનમંત્રી              :       થેંક યૂ.

તરન્નુમ ખાન            :       હું તરન્નુમ વાત કરી રહી છું.

પ્રધાનમંત્રી              :       હા, તરન્નુમ જણાવો.

તરન્નુમ ખાન            :       જો તમારી આજ્ઞા હોય તો હું આપને એક પ્રશ્ન પૂછવા માગીશ સર.

પ્રધાનમંત્રી              :       જી… જી.. કહો

તરન્નુમ ખાન             :      સર, આપે આપના સંદેશાઓમાં અમને કહ્યું છે કે ભારતીય નાગરિકે ત્રણ વર્ષમાં ૧૫ જગ્યાઓ પર તો જવું જ જોઈએ. આપ અમને કહેવા માગશો કે અમારે ક્યાં ક્યાં જવું જોઈએ? અને આપને કઈ જગ્યાએ જઇને સૌથી સારૂં લાગ્યું?

પ્રધાનમંત્રી              :       આમ તો હું હિમાલયને ઘણો પસંદ કરતો રહ્યો છું, હંમેશાં.

તરન્નુમ ખાન            :       જી…

પ્રધાનમંત્રી              :       પરંતુ તેમ છતાં હું ભારતના લોકોને અનુરોધ કરીશ કે જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે…

તરન્નુમ ખાન           :       જી…

પ્રધાનમંત્રી               :      ગાઢ જંગલ, ઝરણાં, એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવું છે તો હું બધાને કહું છું કે આપ ઈશાન ભારત જરૂર જાવ.

તરન્નુમ ખાન           :       જી સર.

પ્રધાનમંત્રી               :      આ હું હંમેશાં કહું છું અને તેના કારણે ઈશાન ભારતમાં પર્યટન પણ ઘણું વધશે, અર્થંતંત્રને પણ ઘણો ફાયદો થશે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પણ ત્યાં મજબૂતી મળશે.

તરન્નુમ ખાન            :       જી સર.

પ્રધાનમંત્રી               :      પરંતુ હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ ઘણું બધું જોવા જેવું છે, અધ્યયન કરવા જેવું છે અને એક રીતે આત્માને સાફ કરવા જેવું છે.

શ્રી હરિ જી. વી.  :      પ્રધાનમંત્રીજી, હું શ્રી હરિ બોલી રહ્યો છું.

પ્રધાનમંત્રી              :   જી હરિ કહો…

શ્રી હરિ જી. વી.  :       હું આપની પાસેથી જાણવા માગું છું કે જો આપ એક Polotician ન હોત તો આપ શું હોત?

પ્રધાનમંત્રી               :   હવે એ તો ઘણો અઘરો પ્રશ્ન છે કારણકે દરેક બાળકના જીવનમાં અનેક પડાવ આવે છે. ક્યારેક આ બનવાનું મન કરે છે તો ક્યારેક તે બનવાનું મન કરે છે પરંતુ એ વાત સાચી છે કે મને ક્યારેય રાજનીતિમાં જવાનું મન નહોતું, ન તો ક્યારેય વિચાર્યું હતું, પરંતુ હવે પહોંચી ગયો છું તો મન દઈને દેશ માટે કામ કરું, તે માટે વિચારતો રહું છું અને આથી હવે હું ‘અહીં ન હોત તો ક્યાં હોત’ તે વિચારવું જ ન જોઈએ મારે. હવે તો મન દઈને જ્યાં છું ત્યાં મન ભરીને જીવવું જોઈએ અને પૂરી તાકાત સાથે દેશ માટે કામ કરવું જોઈએ. ન દિવસ જોવાનો છે કે ન તો રાત જોવાની છે. બસ આ જ એક ઉદ્દેશ્યથી મેં મારી જાતને હોમી દીધી છે.

અખિલ                 : પ્રધાનમંત્રીજી…

પ્રધાનમંત્રી              :  જી..

અખિલ                  : તમે દિવસમાં એટલા વ્યસ્ત રહો છો તો મારી એ જાણવાની જિજ્ઞાસા હતી કે તમને ટીવી જોવાનો, ફિલ્મ જોવાનો કે પુસ્તકો વાંચવાનો સમય મળે છે?

પ્રધાનમંત્રી               :  આમ મારી રુચિ પુસ્તક વાંચવામાં તો રહેતી હતી. ફિલ્મ જોવામાં તો ક્યારેય રુચિ પણ નથી રહી, તેમાં સમયનું બંધન તો નહીં અને ન તો તે રીતે ટી. વી. જોઈ શકું છું. ઘણું જ ઓછું. ક્યારેક ક્યારેક પહેલા ડિસ્કવરી ચેનલ જોતો હતો, જિજ્ઞાસાના કારણે. અને પુસ્તકો વાંચતો હતો પરંતુ આ દિવસોમાં તો વાંચી શકતો નથી અને બીજું, ગૂગલના કારણે પણ ટેવ ખરાબ થઈ ગઈ છે કારણકે જો કોઈ સંદર્ભ જોવો હોય તો તરત શૉર્ટકટ શોધી લઈએ છીએ. તો કેટલીક ટેવો જે બધાની બગડી છે, મારી પણ બગડી છે. ચાલો દોસ્તો, મને ઘણું સારું લાગ્યું, આપ સહુની સાથે વાત કરવા માટે અને હું આપના માધ્યમથી એનસીસીના બધા કેડેટસને ખૂબ ખૂબ શુભકામનાઓઆપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો, થેંકયૂ.

બધા એનસીસી કેડેટ            :       ઘણો ઘણો આભાર સર. થેંકયૂ.

પ્રધાનમંત્રી                      :       થેંકયૂ, થેંકયૂ.

બધા એનસીસી કેડેટ            :       જય હિન્દ સર.

પ્રધાનમંત્રી                      :       જય હિન્દ.

બધા એનસીસી કેડેટ            :       જય હિન્દ સર.

પ્રધાનમંત્રી                      :       જય હિન્દ, જય હિન્દ.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા દેશવાસીઓએ એ ક્યારેય પણ ભૂલવું ન જોઈએ કે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે આપણે આપણા વીર સૈનિકોને, તેમના પરાક્રમને, તેમના બલિદાનને યાદ તો કરીએ છીએ પરંતુ યોગદાન પણ આપીયે છીએ. માત્ર સન્માનનો ભાવ એટલાથી વાત ન ચાલે. સહભાગ પણ જરૂરી હોય છે અને ૭ ડિસેમ્બરે પ્રત્યેક નાગરિકે આગળ આવવું જોઈએ. દરેક પાસે તે દિવસે સશસ્ત્ર દળોનો ધ્વજ હોવો જ જોઈએ. અને સહુ કોઇનું યોગદાન પણ હોવું જોઇએ. આવો, આ અવસર પર આપણે આપણા સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને વીર સૈનિકોનું સ્મરણ કરીએ.

મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી તો આપ પરિચિત થઇ જ ગયા હશો. સીબીએસઈએ એક પ્રશંસનીય પહેલ કરી છે. ફિટ ઇન્ડિયા સપ્તાહની. શાળાઓ, ફિટ ઇન્ડિયા સપ્તાહ ડિસેમ્બર મહિનામાં ક્યારેય પણ મનાવી શકે છે. તેમાં ફિટનેસ અંગે અનેક પ્રકારનાં આયોજનો કરાવવાનાં છે. તેમાં ક્વિઝ, નિબંધ, લેખ, ચિત્રકામ, પારંપરિક અને સ્થાનિક રમતો, યોગાસન, ડાન્સ અને ખેલકૂદ પ્રતિયોગિતાઓ સામેલ છે. ફિટ ઇન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓની સાથો-સાથ તેમના શિક્ષક અને માતાપિતા પણ ભાગ લઈ શકે છે. પરંતુ એ ન ભૂલશો કે ફિટ ઇન્ડિયા એટલે નહીં કે માત્ર મગજની કસરત, કાગળ પરની કસરત, કે લેપટોપ કે કમ્પ્યૂટર પર કે મોબાઇલ ફૉન પર ફિટનેસની ઍપ જોતા રહેવી. જી નહીં. પરસેવો વહાવડાવવાનો છે. ભોજનની ટેવો બદલવાની છે. વધુમાં વધુ  ફોકસ એક્ટિવિટી કરવાની ટેવ પાડવાની છે. હું દેશનાં બધાં રાજ્યોનાં સ્કૂલ બૉર્ડ અને સ્કૂલ પ્રબંધનને અપીલ કરું છું કે દરેક શાળામાં, ડિસેમ્બર મહિનામાં ફિટ ઇન્ડિયા સપ્તાહ મનાવવો જોઈએ. તેનાથી ફિટનેસની ટેવ આપણા બધાની દિનચર્યામાં સામેલ થશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ફિટનેસને આધારે સ્કૂલોના મૂલ્યાંકનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મૂલ્યાંકનને પ્રાપ્ત કરનારી તમામ શાળાઓ, ફિટ ઇન્ડિયા લૉગો અને ધ્વજનો પ્રયોગ પણ કરી શકશે. ફિટ ઇન્ડિયા પૉર્ટલ પર જઈને સ્કૂલ પોતાને ફિટ ઘોષિત કરી શકે છે. ફિટ ઇન્ડિયા થ્રી સ્ટાર અને ફિટ ઇન્ડિયા ફાઇવ સ્ટાર મૂલ્યાંકન પણ આપવામાં આવશે. હું અનુરોધ કરું છું કે બધી શાળાઓ ફિટ ઇન્ડિયા મૂલ્યાંકનમાં સામેલ થાય અને ફિટ ઇન્ડિયા એક સહજ સ્વભાવ બને. એક જનાંદોલન બને. જાગૃતિ આવે. તેના માટે પ્રયાસ કરવો જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ એટલો વિશાળ છે, એટલી વિવિધતાઓથી ભરેલો છે, એટલો પુરાતન છે કે ઘણી બધી વાતો આપણા ધ્યાનમાં જ નથી આવતી અને તે સ્વાભાવિક પણ છે. તેવી એક વાત હું આપને જણાવવા માગું છું. કેટલાક દિવસો પહેલાં My Gov પર એક ટીપ્પણી પર મારી નજર પડી. આ ટીપ્પણી આસામના નૌગાંવના શ્રીમાન રમેશ શર્માજીએ લખી હતી. તેમણે લખ્યું, બ્રહ્મપુત્ર નદી પર એક ઉત્સવ ચાલી રહ્યો છે. જેનું નામ છે બ્રહ્મપુત્ર પુષ્કર. ૪ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી આ ઉત્સવ હતો અને આ બ્રહ્મપુત્ર પુષ્કરમાં સામેલ થવા માટે દેશના ભિન્નભિન્ન ભાગોથી કેટલાય લોકો ત્યાં સામેલ થયા છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને? હા, આ જ તો વાત છે. આ એટલો મહત્વપૂર્ણ ઉત્સવ છે અને આપણા પૂર્વજોએતેની એવી રચના કરી છે કે જ્યારે આખી વાત સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે. પરંતુ દુર્ભાગ્યથી તેનો જેટલો વ્યાપક પ્રચાર થવો જોઈએ, જેટલી દેશના ખૂણે ખૂણામાં જાણકારી હોવી જોઈએ, તેટલી માત્રામાં નથી હોતી. અને એ પણ વાત સાચી છે કે આનું સંપૂર્ણ આયોજન એક રીતે “એક દેશ એક સંદેશ” અને “આપણે બધાં એક છીએ” તે ભાવ ભરનારૂં છે, તાકાત આપનારૂં છે.

સૌથી પહેલાં તો રમેશજી, તમારો બહુ બહુ આભાર કે તમે ‘મન કી બાત’ના માધ્યમથી દેશવાસીઓ વચ્ચે આ માહીતી વહેંચવાનો નિશ્ચય કર્યો. તમે પીડા પણ વ્યક્ત કરી છે કે આટલી મહત્વપૂર્ણ વાતની કોઈ વ્યાપક ચર્ચા નથી થતી, પ્રચાર નથી થતો. તમારી પીડા હું સમજી શકું છું. દેશમાં મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. હા, જો કદાચ કોઈએ તેને ઇન્ટરનેશનલ રિવર ફેસ્ટિવલ કહી દીધો હોત કે મોટા-અઘરા શબ્દોથી વર્ણવ્યું હોત, તો કદાચ, આપણા દેશમાં કેટલાક લોકો છે જે જરૂર તેના પર કંઈ ને કંઈ ચર્ચા કરત અને પ્રચાર પણ થઈ જતો.

મારા પ્રિય દેશવાસીઓ, પુષ્કરમ, પુષ્કરાલુ, પુષ્કર: શું તમે ક્યારેય આ શબ્દો સાંભળ્યા છે, શું તમે જાણો છો, તમને ખબર છે કે આ શું છે. હું જણાવું છું. આ દેશની અલગ-અલગ નદીઓ પર જે ઉત્સવ આયોજિત થાય છે તેમનાં ભિન્ન-ભિન્ન નામ છે. દર વર્ષે એક નદી પર એટલે કે તે નદીનો વારો બાર વર્ષ પછી આવે છે અને આ ઉત્સવ દેશના અલગ-અલગ ભાગની બાર નદીઓ પર થાય છે વારાફરતી થાય છે અને બાર દિવસ ચાલે છે, કુંભની જેમ આ ઉત્સવ પણ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું દર્શન કરાવે છે. પુષ્કરમ આ એવો ઉત્સવ છે જેમાં નદીનું મહાત્મય, નદીનું ગૌરવ, જીવનમાં નદીની મહત્તા એક સહજ રૂપે ઉજાગર થાય છે!

આપણા પૂર્વજોએ પ્રકૃતિને, પર્યાવરણને, જળને, જમીનને, જંગલને ખૂબ જ મહત્વ આપ્યું. તેમણે નદીઓના મહત્વને સમજ્યું અને સમાજમાં નદીઓ પ્રત્યે સકારાત્મક ભાવ કેવી રીતે જન્મે, એક સંસ્કાર કેવી રીતે બને, નદી સાથે સંસ્કૃતિની ધારા, નદી સાથે સંસ્કારી ધારા, નદીની સાથે સમાજને જોડવાનો પ્રયાસ આ નિરંતર ચાલતું રહ્યું અને મજેદાર વાત એ છે કે સમાજ નદીઓ સાથે પણ જોડાયો અને પરસ્પર પણ જોડાયો. ગયા વર્ષે તમિલનાડુની તામીર બરની નદી પર પુષ્કરમ થયો હતો. આ વર્ષે આ બ્રહ્મપુત્ર નદી પર આયોજિત થયો અને આગામી વર્ષે તુંગભદ્રા નદી આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આયોજિત થશે. એક રીતે તમે આ બાર સ્થાનોની યાત્રા એક ટુરિસ્ટ સર્કિટના રૂપમાં પણ કરી શકો છો. અહીં હું આસામના લોકોના ઉમળકા, ઉષ્મા તેમના આતિથ્યની પ્રશંસા કરવા માગું છું જેમણે પૂરા દેશથી આવેલા તીર્થયાત્રીઓનો ઘણો સુંદર સત્કાર કર્યો.

આયોજકોએ સ્વચ્છતાનો પણ પૂરો ખ્યાલ રાખ્યો. પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર સુનિશ્ચિત કર્યાં. જગ્યાએ-જગ્યાએ જૈવ શૌચાલયોની વ્યવસ્થા પણ કરી. મને આશા છે કે નદીઓ પ્રત્યે આ પ્રકારનો ભાવ જગાવવાનો આ હજારો વર્ષ જૂનો આપણો ઉત્સવ ભાવિ પેઢીને પણ જોડશે. પ્રકૃતિ, પર્યાવરણ, પાણી… આ બધી ચીજો આપણા પર્યટનનો પણ હિસ્સો બને, જીવનનો પણ હિસ્સો બને.

મારા પ્રિય દેશવાસીઓ, Namo App પર મધ્ય પ્રદેશથી દીકરી શ્વેતા લખે છે, સર હું નવમા ધોરણમાં છું. મારી બૉર્ડની પરીક્ષામાં હજુ એક વર્ષનો સમય છે, પરંતુ હું વિદ્યાર્થીઓ અને એકઝામ વોરિયર્સ સાથે તમારી વાતચીત સતત સાંભળું છું, મેં તમને એટલા માટે લખ્યું છે કારણકે તમે અમને અત્યાર સુધી એ નથી જણાવ્યું કે આગામી પરીક્ષા પર ચર્ચા ક્યારે થશે? કૃપયા તમે તેને જલ્દીથી જલ્દી કરો. જો સંભવ હોય તો જાન્યુઆરીમાં જ આ કાર્યક્રમનું આયોજન કરો. સાથીઓ, ‘મન કી બાત’ વિશે મને આ જ વાત ઘણી સારી લાગે છે- મારા યુવા મિત્રો, મને જે અધિકાર અને જે સ્નેહ સાથે ફરિયાદ કરે છે, આદેશ આપે છે, સૂચનો આપે છે, તે જોઈને મને ઘણો આનંદ થાય છે. શ્વેતાજી, તમે ખૂબ જ સાચા સમયે આ વિષયને ઉપાડ્યો છે. પરીક્ષાઓ આવવાની છે, તો દર વર્ષની જેમ આપણે પરીક્ષા પર ચર્ચા પણ કરવાની છે. તમારી વાત સાચી છે. આ કાર્યક્રમને સહેજ વહેલા આયોજિત કરવાની આવશ્યકતા છે.

ગત કાર્યક્રમ પછી અનેક લોકોએ તેને વધુ પ્રભાવી બનાવવા માટે પોતાનાં સૂચનો પણ મોકલ્યાં છે અને ફરિયાદ પણ કરી હતી કે ગત વખતે મોડો થયો હતો, પરીક્ષા ખૂબ જ નિકટ આવી ગઈ હતી. અને શ્વેતાનું સૂચન સાચું છે કે મારે તેને જાન્યુઆરીમાં કરવો જોઈએ. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને MyGov ની ટીમ, મળીને તેના પર કામ કરી રહી છે. પરંતુ હું પ્રયત્ન કરીશ, આ વખતે પરીક્ષા પર ચર્ચા જાન્યુઆરીની શરૂઆતમાં કે વચ્ચે થઈ જાય. દેશભરના વિદ્યાર્થીઓ-સાથીઓ પાસે બે અવસર છે. પહેલો, પોતાની શાળામાંથી જ આ કાર્યક્રમનો હિસ્સો બનવું. બીજો, અહીં દિલ્લીમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવો. દિલ્લી માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી My Govના માધ્યમથી કરવામાં આવશે. સાથીઓ, આપણે બધાએ મળીને પરીક્ષાના ભયને ભગાડવાનો છે. મારા યુવા સાથીઓ પરીક્ષાના સમયે હસતાં-કિલકિલાટ કરતાં જોવા મળે, વાલીઓ તણાવમુક્ત થાય, શિક્ષકો આશ્વસ્ત થાય, આ જ ઉદ્દેશ્યને લઈને ગયાં અનેક વર્ષોથી આપણે ‘મન કી બાત’ના માધ્યમથી ‘પરીક્ષા પર ચર્ચા’ ટાઉન હૉલના માધ્યમથી કે પછી એક્ઝામ વૉરિયર્સ બુકના માધ્યમથી સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આ મિશનને દેશભરના વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકોએ ગતિ આપી. આથી હું આ બધાંનો આભારી છું અને આગામી પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ આપણે બધાં મળીને મનાવીએ – આપ સહુને નિમંત્રણ છે.

સાથીઓ, ગત ‘મન કી બાત’માં આપણે વર્ષ ૨૦૧૦માં અયોધ્યા મામલામાં આવેલા અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિશે ચર્ચા કરી હતી અને મેં કહ્યું હતું કે દેશે ત્યારે કઈ રીતે શાંતિ અને ભાઈચારો જાળવી રાખ્યો હતો. નિર્ણય આવતા પહેલાં પણ અને નિર્ણય આવ્યા પછી પણ. આ વખતે પણ જ્યારે ૯ નવેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ આવ્યો તો ૧૩૦ કરોડ ભારતીયોએ ફરીથી એ સાબિત કરી દીધું કે તેમના માટે દેશહિતથી વધીને કંઈ નથી. દેશમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનાં મૂલ્યો સર્વોપરિ છે. રામ મંદિર પર જ્યારે નિર્ણય આવ્યો તો સમગ્ર દેશે તેને દિલ ખોલીને ગળે લગાવ્યો. પૂરી સહજતા અને શાંતિની સાથે સ્વીકાર્યો. આજે ‘મન કી બાત’ના માધ્યમથી હું દેશવાસીઓને સાધુવાદ આપું છું, ધન્યવાદ આપવા માગું છું. તેમણે જે રીતના ધૈર્ય, સંયમ અને પરિપક્વતાનો પરિચય આપ્યો છે, હું તેના માટે વિશેષ આભાર પ્રગટ કરવા માગું છું. એક તરફ જ્યાં લાંબા સમય પછી કાનૂની ઝઘડો સમાપ્ત થયો છે, તો બીજી તરફ ન્યાયપાલિકા પ્રત્યે દેશનું સન્માન વધ્યું છે. સાચા અર્થમાં આ નિર્ણય આપણી ન્યાયપાલિકા માટે એક સીમાચિહ્ન સાબિત થયો છે. સર્વોચ્ચ ન્યાયાલયના આ ઐતિહાસિક નિર્ણય પછી હવે દેશ નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે નવા રસ્તા પર, નવા ઉદ્દેશ્યોને લઈને ચાલી નીકળ્યો છે. ન્યૂ ઇન્ડિયા, આ જ ભાવનાને અપનાવીને શાંતિ, એકતા અને સદ્ભાવના સાથે આગળ વધે- આ જ મારી કામના છે, આપણા સહુની કામના છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષાઓ સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. ૧૩૦ કરોડ ભારતીયોનો આ એ દેશ છે જ્યાં કહેવામાં આવતું હતું કે બાર ગાઉએ બોલી બદલાય. આપણી ભારત ભૂમિ પર સેંકડો ભાષાઓ સદીઓથી પુષ્પિત પલ્લવિત થતી રહી છે. જોકે આપણને એ વાતની પણ ચિંતા થાય છે કે ક્યાંક ભાષાઓ અને બોલીઓ લુપ્ત તો નહીં થઈ જાય ને? ગત દિવસોમાં મને ઉત્તરાખંડના ધારચુલાની વાર્તા વાંચવા મળી. મને ખૂબ જ સંતુષ્ટિ થઇ. તે વાર્તા પરથી ખબર પડે છે કે કઈ રીતે લોકો પોતાની ભાષાઓને પ્રોત્સાહન આપવા આગળ આવી રહ્યા છે. કંઈક નવું કરી રહ્યા છે. ધારચુલાની ખબર પર, મારું ધ્યાન પણ એટલા માટે ગયું કે કોઈક સમયે હું ધારચુલામાં આવતાજતાં રોકાતો હતો. તેની પેલે પાર નેપાળ, આ તરફ કાલી ગંગા- તો સ્વાભાવિક રીતે ધારચુલા સાંભળતાં જ આ સમાચાર પર મારું ધ્યાન ગયું. પિથોરાગઢના ધારચુલામાં, રંગ સમુદાયના ઘણા લોકો રહે છે. તેમની પરસ્પર બોલચાલની ભાષા રગલો છે. તે લોકો એ વિચારીને અત્યંત દુઃખી થઈ જતાં કે તેમની ભાષા બોલનારા લોકો સતત ઘટી રહ્યા છે. પછી શું? એક દિવસ આ બધાએ પોતાની ભાષાને બચાવવાનો સંકલ્પ લઈ લીધો. જોતજોતામાં આ મિશનમાં રંગ સમુદાયના લોકો જોડાતા ગયા. તમને આશ્ચર્ય થશે, આ સમુદાયના લોકોની સંખ્યા ગણીગાંઠી છે. એક મોટા અંદાજ મુજબ, કદાચ દસ હજાર હશે, પરંતુ રંગ ભાષાને બચાવવા માટે બધા લાગી ગયા, પછી ચોર્યાસી વર્ષના વૃદ્ધ દીવાનસિંહ હોય કે બાવીસ વર્ષની યુવા વૈશાલી ગબર્યાલ… પ્રાધ્યાપક હોય કે વેપારી, દરેક જણ દરેક સંભવ કોશિશમાં લાગી ગયા. આ મિશનમાં સૉશિયલ મિડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરાયો. અનેક વૉટ્સેપ ગ્રૂપ બનાવવામાં આવ્યાં. સેંકડો લોકોને તેના પર પણ જોડવામાં આવ્યા. આ ભાષાની કોઈ લિપિ નથી. માત્ર બોલચાલમાં જ, એક રીતે, તેનું ચલણ છે. આવામાં, લોકો વાર્તાઓ, કવિતાઓ અને ગીતો પૉસ્ટ કરવા લાગ્યા. એકબીજાની ભાષા સુધારવા લાગ્યા. એક રીતે વૉટ્સએપ જ વર્ગખંડ બની ગયો જ્યાં બધા જ શિક્ષકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. રંગ લોકભાષાને સંરક્ષિત કરવાના આ પ્રયાસમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, સામયિકો કાઢવામાં આવી રહ્યાં છે, અને તેમાં સામાજિક સંસ્થાઓની પણ મદદ મળી રહી છે.

સાથીઓ, ખાસ વાત એ પણ છે કે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૧૯ એટલે કે આ વર્ષને ‘સ્વદેશી ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ જાહેર કર્યું છે. એટલે કે આ ભાષાઓને સંરક્ષિત કરવા પર જોર દેવામાં આવી રહ્યું છે જે વિલુપ્ત થવાના આરે છે. દોઢસો વર્ષ પહેલાં, આધુનિક હિન્દીના જનક ભારતેન્દુ હરીશચંદ્રજીએ પણ કહ્યું હતું: –

“निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल,

बिन निज भाषा-ज्ञान के, मिटत न हिय को सूल ||”

અર્થાત, માતૃભાષાના જ્ઞાન વિના ઉન્નતિ સંભવ નથી. આવામાં રંગ સમુદાયની આ પહેલ સમગ્ર દુનિયાને એક માર્ગ દેખાડનારી છે. જો તમે પણ આ વાર્તાથી પ્રેરાયા હો તો આજથી જ તમારી માતૃભાષા કે બોલીનો સ્વયં ઉપયોગ કરો. પરિવાર, સમાજને પ્રેરિત કરો.

૧૯મી સદીના અંતિમ કાળમાં મહા કવિ સુબ્રમણ્યમ ભારતીજીએ કહ્યું હતું અને તમિલમાં કહ્યું હતું. તે પણ આપણા લોકો માટે ઘણું પ્રેરક છે. સુબ્રમણ્યમ ભારતીજીએ તમિલ ભાષામાં કહ્યું હતું-

मुप्पदु कोडी मुगमुडैयाळ – Muppadhukodimugamudayal

उयिर् मोइम्बुर ओंद्दुडैयाळ – enilmaipuramondrudayal

इवळ सेप्पु मोळी पधिनेट्टूडैयाळ – Ivalseppumozhipadhinetudayal

एनिर्सिन्दनैओंद्दुडैयाळ – enilsindhanaiondrudayal

અને તે સમયમાં, ૧૯મી સદીના આ અંતિમ ઉત્તરાર્ધની આ વાત છે. અને તેમણે કહ્યું છે કે ભારત માતાના ૩૦ કરોડ ચહેરા છે, પરંતુ શરીર એક છે. તે ૧૮ ભાષાઓ બોલે છે, પરંતુ વિચારધારા એક છે.

        મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેક-ક્યારેક જીવનમાં નાનીનાની ચીજો પણ આપણને ઘણો મોટો સંદેશ આપી જાય છે. હવે જુઓને, મિડિયામાં જ સ્કુબાડાઇવરોની એક વાર્તા હું વાંચી રહ્યો હતો. એક એવી વાર્તા છે જે દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. વિશાખાપટ્ટનમમાં ગોતાખોરીનું પ્રશિક્ષણ આપનારા સ્કુબાડાઇવરો એક દિવસ મેન્ગામેરિપેટા બીચ પર દરિયામાંથી પાછા ફરી રહ્યા હતા તો સમુદ્રમાં તરતી કેટલીક પ્લાસ્ટિકની બૉટલો અને પાઉચ સાથે અથડાઈ રહ્યા હતા. તેને સાફ કરતા તેમને આ મામલો ઘણો ગંભીર લાગ્યો.આપણો સમુદ્ર કઈ રીતે કચરાથી ભરી દેવામાં આવી રહ્યો છે. ગત કેટલાક દિવસોથી આ ગોતાખોર સમુદ્રમાં, તટથી લગભગ ૧૦૦ મીટર દૂર જાય છે, ઊંડા પાણીમાં ડૂબકી લગાવે છે અને પછી ત્યાં રહેલા કચરાને બહાર કાઢે છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ૧૩ દિવસોમાં જ એટલે કે બે સપ્તાહની અંદર જ લગભગ ૪૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો તેમણે સમુદ્રમાંથી કાઢ્યો છે. આ સ્કુબાડાઇવરોની નાનકડી શરૂઆત એક મોટા અભિયાનનું રૂપ લેતું જાય છે. તેમને હવે સ્થાનિક લોકોની પણ મદદ મળવા લાગી છે. આસપાસના માછીમારો પણ તેમને દરેક પ્રકારની સહાયતા કરવા લાગ્યા છે. જરા વિચારો, આ સ્કુબાડાઇવરોમાંથી પ્રેરણા લઈને જો આપણે પણ આપણી આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવાનો સંકલ્પ કરી લઈએ તો ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ સમગ્ર દુનિયા માટે એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે.

        મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પછી ૨૬ નવેમ્બર છે. આ દિવસ સમગ્ર દેશ માટે ઘણો ખાસ છે. આપણા ગણતંત્ર માટે વિશેષ રીતે મહત્વપૂર્ણ છે કારણકે આ દિવસને આપણે ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવીએ છીએ. અને આ વખતનો ‘સંવિધાન દિવસ’ પોતાની રીતે વિશેષ છે કારણ કે આ વખતે બંધારણને અપનાવવાનાં ૭૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ વખતે આ અવસર પર સંસદમાં વિશેષ આયોજન થશે અને પછી આખું વર્ષ દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. આવો, આ અવસર પર આપણે સંવિધાન સભાના બધા સભ્યોને આદરપૂર્વક નમન કરીએ, પોતાની શ્રદ્ધા અર્પિત કરીએ. ભારતનું બંધારણ એવું છે જે પ્રત્યેક નાગરિકનાઅધિકારો અને સન્માનની રક્ષા કરે છે અને તે આપણા બંધારણ ઘડવૈયાઓની દૂરદર્શિતાના કારણે જ સુનિશ્ચિત થઈ શક્યું છે. હું કામના કરું છું કે ‘સંવિધાન દિવસ’ આપણા સંવિધાનના આદર્શોને જાળવી રાખવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આપણી પ્રતિબદ્ધતાને બળ આપે. છેવટે! આ જ તો સપનું આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું.

        મારા પ્રિય દેશવાસીઓ, શિયાળો શરૂ થઈ ગયો છે, ગુલાબી ઠંડી હવે અનુભવાઈ રહી છે. હિમાલયના કેટલાક ભાગે બરફની ચાદર ઓઢવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ ઋતુ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની છે. તમે, તમારો પરિવાર, તમારું મિત્રવર્તુળ, તમારા સાથી, આ અવસર ન ગુમાવતા. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે ઋતુનો ભરપૂર ફાયદો ઊઠાવો.

ખૂબ-ખૂબ શુભકામનાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

RP