Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

24 જુલાઈ, 2018ના રોજ યુગાન્ડામાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આદરણીય રાષ્ટ્રપતિ મુસેવેની, તેમના ધર્મપત્ની જેનેટ મુસેવેનીજી અને મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

મારો આપ સૌની સાથે આત્મીયતાનો સંબંધ છે, પોતાપણાનો સંબંધ છે. હું તમારા જ પરિવારનો એક હિસ્સો છું. આ વિશાળ પરિવારનો એક સદસ્ય છું અને તે સંબંધે મને તમને મળીને મારી ખુશીઓ અનેક ગણી વધી જાય છે. આપણી આ મુલાકાતને વધુ ગરિમા આપવા માટે આજે સ્વયં આદરણીય રાષ્ટ્રપતિજી અહિં ઉપસ્થિત છે. તેમની ઉપસ્થિતિ એ સવા સો કરોડ હિન્દુસ્તાનીઓ અને યુગાન્ડામાં રહેનારા હજારો ભારતીયો પ્રત્યે તેમના અપાર સ્નેહનું પ્રતિક છે અને એટલા માટે હું રાષ્ટ્રપતિજીનો હૃદયપૂર્વક આભાર માનું છું, આજે હું અહિયાં આપ સૌની વચ્ચે આવ્યો છું તો આવતીકાલે યુગાન્ડાની સંસદને સંબોધિત કરવાનો અવસર મને મળવાનો છે. અને બે દિવસ પહેલા દિલ્હીના સંસદમાં વિસ્તારપૂર્વકનું ભાષણ તમે સાંભળ્યું હતું, તમે લોકોએ પણ સાંભળ્યું હતું, સમગ્ર યુગાન્ડા સાંભળી રહ્યું હતું. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું.

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીને યુગાન્ડાની સંસદને સંબોધિત કરવાનો અવસર મળશે. આ સન્માન માટે હું રાષ્ટ્રપતિજી અને યુગાન્ડાની જનતાનો સવા સો કરોડ હિન્દુસ્તાનીઓ તરફથી આભાર વ્યક્ત કરવા માંગું છું. સાથીઓ, યુગાન્ડામાં આવવું અને આપ સૌ સજ્જનોને મળવું તેમજ વાતચીત કરવી એ કોઇપણ હિન્દુસ્તાની માટે આ આનંદનો વિષય રહ્યો છે, ખુશીનો વિષય રહ્યો છે. તમારો ઉત્સાહ, તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારો ભાવ મને પણ સતત આ જ રીતે મળતો રહે, એ જ હું આપની પાસેથી કામના કરું છું. અહિયાં યુગાન્ડામાં આપ સૌની વચ્ચે આવવાનો મારી માટે આ બીજો અવસર છે. આ પૂર્વે 11 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહિયાં આવ્યો હતો અન આજે દેશના પ્રધાનમંત્રીના રૂપમાં આવ્યો છું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે પણ તમારામાંથી અનેક લોકો હતા જેમને મને રૂબરૂ મળવાનો અવસર મળ્યો, મન ભરીને વાતો કરવાનો અવસર મળ્યો હતો. અહિયાં પણ અનેક એવા પરિચિત ચહેરાઓ હું સામે જોઈ રહ્યો છું અને મને ખુશી થઇ છે કે રાષ્ટ્રપતિજી એક-એકની ઓળખ કરી રહ્યા હતા. તમારા લોકો સાથે તેમનો કેટલો નજીકનો સંબંધ છે અને આજે સમગ્ર દિવસ દરમિયાન અમે સાથે હતા અનેક પરિવારોનો તેઓ નામ લઈને ઉલ્લેખ કરતા હતા, કહેતા હતા કે કેટલા વર્ષોથી જાણે છે, કેવી રીતે જાણે છે, બધી વાતો કહી રહ્યા હતા. આ ઈજ્જત તમે લોકોએ તમારી મહેનતથી, પોતાના આચરણથી, તમારા ચરિત્રથી કમાયેલી મહેનત છે. આ મૂડી નાની નથી જે તમે મેળવી છે અને તેના માટે યુગાન્ડાની ધરતી પર હિન્દુસ્તાનથી આવેલી ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓએ આ માટીની સાથે પોતાનો સંબંધ જોડેલો છે, તેને પ્રેમ કર્યો છે.

સાથીઓ, યુગાન્ડા સાથે ભારતનો સંબંધ આજનો નથી. આ સંબંધ સદીઓનો છે. આપણી વચ્ચે શ્રમનો સંબંધ છે, શોષણ વિરુદ્ધ સંઘર્ષનો સંબંધ છે. યુગાન્ડા વિકાસના જે મુકામ પર આજે ઉભું છે તેનો પાયો મજબુત કરી રહ્યું છે. યુગાન્ડાવાસીઓ લોહી પરસેવામાં ભારતીયોના લોહી પરસેવાની પણ સુગંધ ભળેલી છે. તમારામાંથી અનેક પરિવારો ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓથી રહે છે. હું અહિયાં ઉપસ્થિત નવયુવાનો, યુગાન્ડાના નવયુવાનોને યાદ અપાવવા માંગું છું, આજે જે ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યા છો, તે ભારત અને યુગાન્ડાના સંબંધોને પણ ગતિ આપી રહી છે. તે કાળખંડ હતો, જ્યારે યુગાન્ડા અને ભારત બંનેને એક જ તાકાતે ગુલામીની સાંકળોમાં જકડેલા હતા. ત્યારે આપણા પૂર્વજોને ભારતથી અહિયાં લાવવામાં આવ્યા હતા. બંદૂક અને કોરડાના બળ પર તેમને રેલવે લાઈન પાથરવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તે મહાન આત્માઓએ યુગાન્ડાના ભાઈઓ-બહેનોની સાથે મળીને સંઘર્ષ કર્યો હતો. યુગાન્ડા આઝાદ થયું, પરંતુ આપણા ઘણા બધા પૂર્વજોએ અહિયાં જ વસી જવાનો નિર્ણય કરી લીધો. જે રીતે દૂધમાં સાકર ભળી જાય છે, તે જ રીતે આપણા આ જ લોકો એક બની ગયા, એકરસ થઇ ગયા.

આજે તમે સૌ યુગાન્ડાના વિકાસ, અહીંના વ્યાપાર, કળા, રમતગમત, સમાજના તમામ ક્ષેત્રોમાં પોતાની ઊર્જા આપી રહ્યા છે, પોતાનું જીવન ખપાવી રહ્યા છે. અહીંના જીંજામાં મહાત્મા ગાંધીના અસ્થીઓનું વિસર્જન થયું હતું. અહીંની રાજનીતિમાં પણ અનેક ભારતીયોએ પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે અને આજે પણ આપી રહ્યા છે. સ્વર્ગીય નરેન્દ્રભાઈ પટેલ સ્વતંત્ર યુગાન્ડાની સંસદમાં સૌપ્રથમ બિનયુરોપી સ્પીકર હતા અને તેમની ચૂંટણી સર્વસંમતિથી થઇ હતી. જો કે પછીથી એક સમય એવો પણ આવ્યોકે જ્યારે બધાને તકલીફો પણ સહન કરવી પડી, અનેક લોકોએ દેશ છોડીને જવું પણ પડ્યું, પરંતુ યુગાન્ડાની સરકાર અને યુગાન્ડાના લોકોએ તેમને પોતાના દિલમાંથી જવા ન દીધા. હું વિશેષ રૂપે રાષ્ટ્રપતિજીનો અને યુગાન્ડાના જન-જનનો આજે તેમના આ સાથ-સહકાર માટે ભારતીય સમુદાયને જે રીતે ફરીથી ગળે લગાડ્યા છે, હું હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરું છું. તમારામાંથી અનેક લોકો એવા પણ છે જેમનો જન્મ અહિં જ થયો છે, કદાચ કેટલાક લોકોને તો ક્યારેય ભારત જોવાનો અવસર પણ નહીં મળ્યો હોય. કેટલાક તો એવા પણ હશે જેમને પોતાના મૂળ વિષે, કયા રાજ્યમાંથી આવ્યા હતા, ક્યા ગામ અથવા શહેરમાંથી આવ્યા હતા તેની પણ કદાચ જાણકારી નહીં હોય. પરંતુ તેમ છતાં પણ તેમણે ભારતને તેમના હૃદયમાં જીવંત રાખ્યું છે. દિલનો એક ધબકાર યુગાન્ડા માટે છે તો બીજો એક ભારત માટે પણ છે. વિશ્વની સામે તમે લોકો જ સાચા અર્થમાં ભારતના રાજદૂત છો, ભારતના રાષ્ટ્રદૂત છો. થોડી વાર પહેલા જ્યારે રાષ્ટ્રપતિજીની સાથે હું મંચ પર આવી રહ્યો હતો તો હું જોઈ રહ્યો હતો કે મારા આવતા પહેલા અહિં કેવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું. તે ખરેખર મંત્રમુગ્ધ કરવાવાળી ભારતીયતાને તમે જે રીતે જાળવી રાખી છે, તે પોતાનામાં જ પ્રશંસનીય છે. મારો પહેલાનો અનુભવ અને આજે જ્યારે અહિયાં આવ્યો છું ત્યારે તેના આધાર પર હું કહી શકું છું કે ભારતીય ભાષાઓને, ખાણીપીણીને, કલા અને સંસ્કૃતિને, અનેકતામાં એકતા, પારિવારિક મુલ્યો અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાઓને જે રીતે તમે જીવી રહ્યા છો, તેવા ઉદાહરણ ખૂબ ઓછા મળે છે અને એટલા માટે દરેક હિન્દુસ્તાનીને તમારાપર ગર્વ છે, સવા સો કરોડ દેશવાસીઓને તમારાપર ગર્વ છે. હું પણ તમને અભિનંદન આપું છું. હું તમને નમન કરું છું.

સાથીઓ, યુગાન્ડા સહિત આફ્રિકાના તમામ દેશ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક કારણ તો તમારા જેવા ભારતીયોની અહિયાં આગળ મોટી માત્રામાં ઉપસ્થિતિ છે અને બજુ આપણે સૌએ ગુલામી વિરુદ્ધ સહભાગી લડાઈ લડી છે, ત્રીજું આપણા સૌની સામે વિકાસના એક સમાન પડકારો છે. એકબીજાથી સુખ-દુઃખને વહેંચવા માટેનો આપણો ઘણો લાંબો ઈતિહાસ રહ્યો છે. આપણે સૌએ એક-બીજા પાસેથી કંઈક ને કંઈક શીખ્યું છે. યથાશક્તિ એકબીજાને સહારો પણ આપ્યો છે, સહાયતા પણ આપી છે. આજે પણ આપણે એ જ ભાવનાથી સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. આપણે યુગાન્ડાની સાથે મજબુત સંરક્ષણ સંબંધો ઈચ્છીએ છીએ. યુગાન્ડાની સેનાઓની જરૂરિયાત અનુસાર ભારતમાં તેમને તાલીમ માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. યુગાન્ડાથી હજારથી વધુ વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં ભારતમાં અધ્યયન કરી રહ્યા છે. સાથીઓ તમારામાંથી મોટાભાગના લોકો જ્યારે ભારતમાંથી યુગાન્ડા આવ્યા હતા, ત્યારનાં ભારત અને આજના ભારતમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. આજે જે રીતે યુગાન્ડા આફ્રિકાનું ઝડપી ગતિએ વધતું અર્થતંત્ર છે, તેજ રીતે ભારત પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાનું એક છે. ભારતની અર્થવ્યવસ્થા સમગ્ર દુનિયાના વિકાસને ગતિ આપી રહી છે. ‘મેક ઇન ઇન્ડિયા’ આજે ભારતની ઓળખ બની ગયું છે. ભારતમાં બનેલી કાર અને સ્માર્ટ ફોન જેવી અનેક ચીજવસ્તુઓ ભારત આજે એ દેશોને વેચી રહ્યું છે જ્યાંથી એક સમયે અમે તે સામાન આયાત કરતું હતું. શક્ય છે કે ટૂંક સમયમાં અહિં યુગાન્ડામાં જ્યારે તમે સ્માર્ટ ફોન ખરીદવા માટે જશો તો તમને ‘મેડ ઇન ઇન્ડિયા’નું લેબલ જોવા મળશે. હમણાં તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ઉત્પાદન કંપનીનો પાયો ભારતમાં નાખવામાં આવ્યો છે. ભારત ખૂબ ઝડપથી દુનિયાને માટે ઉત્પાદનનું કેન્દ બનતું જઈ રહ્યું છે. સાથે જ ડિજિટલ ટેકનોલોજીને ભારતે લોકોના સશક્તિકરણનું એક માધ્યમ બનાવી છે. સરકાર સાથે જોડાયેલ તમામ કાર્યો એક મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે. બાળકના જન્મથી લઈને મૃત્યુની નોંધણી સુધી મોટા ભાગની વ્યવસ્થાઓ ડિજિટલ થઇ ચુકી છે, ઓનલાઇન થઇ ચુકી છે. દેશની દરેક મોટી પંચાયતને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ વડે જોડવા અંગે આજે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજે સોયથી લઈને રેલના પાટાઓ, મેટ્રો ટ્રેનના કોચ અને ઉપગ્રહ સુધી ભારતમાં જ બનેલા સ્ટીલ વડે ભારતમાં જ બની રહ્યા છે. માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ સ્ટાર્ટ અપનું કેન્દ્ર બનવા તરફ ભારત આજે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

દુનિયામાં, હું જ્યાં પણ જાઉં છું તમારા જેવા સજ્જનોને જરૂર યાદ અપાવું છું કે પહેલા દુનીયામાં આપણા દેશની કેવીછબીબનાવી દેવામાં આવી હતી. હજારો વર્ષોનો ગૌરવમય ઈતિહાસ સમાવીને બેઠેલા દેશને સાપ અને મદારીનો દેશ એ જ રીતે હિન્દુસ્તાનને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં આવતો હતો. ભારત એટલે સાપ મદારી, જાદુ ટોણા…આવી જ ઓળખ હતી ને? આપણા યુવાનોએ આ છબી, આ ધારણાને બદલી છે અને ભારતને માઉસ એટલે કે આઈટી સોફ્ટવેરની ધરતી બનાવી દીધી છે. આજે આ જ ભારત દેશ અને દુનિયા માટે હજારો સ્ટાર્ટ અપની શરૂઆત કરી રહ્યું છે. તમને એ જાણીને ગર્વ થશે કે માત્ર બે વર્ષની અંદર જ દેશમાં લગભગ 11 હજાર સ્ટાર્ટ અપ નોંધાયા છે. દેશ અને દુનિયાની જરૂરિયાતોના આધારે આપણો નવયુવાન નવીનીકરણ કરી રહ્યો છે. મુશ્કેલીઓનું સમાધાન શોધી રહ્યો છે, સાથીઓ આજે ભારતના છ લાખથી વધુ ગામડાઓમાં વીજળી પહોંચી ચુકી છે. આજે ભારતમાં એવું કોઈ ગામ નથી જ્યાં વીજળી ન પહોંચી હોય. ભારતમાં વીજળી મળવી કેટલી સહેલી બની ગઈ છે તેનો અંદાજ તમે વિશ્વ બેંકના રેન્કિંગથી લગાવી શકો છો. સરળતાથી વીજળી મેળવવાના રેન્કિંગમાં ભારતે વીતેલા ચાર વર્ષોમાં 82 ક્રમની છલાંગ લગાવી છે. આજે આપણે વિશ્વમાં 29માં નંબર પર પહોંચ્યાં છીએ. માત્ર વીજળી જ નથી મળી પરંતુ એક અભિયાન ચલાવીને લોકોના વીજળીના બીલનો ખર્ચ ઓછો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં દેશમાં સો કરોડ એલઈડી બલ્બનું વેચાણ થયું છે, સો કરોડથી વધુ. સાથીઓ આ પ્રકારના અનેક પરિવર્તનો ભારતમાં થઇ રહ્યા છે, કારણ કે ત્યાં વ્યવસ્થા અને સમાજમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. ભારત આજે ન્યુ ઇન્ડિયાના સંકલ્પની સાથે આગળ વધી રહ્યું છે.

સાથીઓ, પ્રધાનમંત્રી બન્યા પછીથી જ હું અહિં આવવા માટે ઘણો ઉત્સુક હતો. ત્રણ વર્ષ પહેલા રાષ્ટ્રપતિજી જ્યારેભારત-આફ્રિકા શિખર સંમેલન માટે ભારત આવ્યા હતા ત્યારે તેમણે ખૂબ આગ્રહપૂર્વક આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ કોઈ ને કોઈ કારણવશ કાર્યક્રમ ન થઇ શક્યો. મને પ્રસન્નતા છે કે આજે આપ સૌના દર્શન કરવાનો મને મોકો મળી ગયો. વીતેલા ચાર વર્ષોમાં આફ્રિકાની સાથે અમારા ઐતિહાસિક સંબંધોને અમે વિશેષ મહત્વ આપ્યું છે. ભારતની વિદેશ નીતિમાં આજે આફ્રિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. 2015માં જ્યારે આપણે ભારત આફ્રિકા ફર્મ સમિટનું આયોજન કર્યું તો પહેલીવાર આફ્રિકાના તમામ દેશોને આમંત્રણ આપ્યું હતું. તેના પહેલા કેટલાક પસંદ કરેલા દેશોની જ મુલાકાત થતી હતી. ખુશીની વાત એ હતી કે માત્ર બધા જ દેશોએ અમારું આમંત્રણ સ્વીકાર્યું હતું તેટલું જ નહીં પરંતુ 41 દેશોના નેતૃત્વએ સંમેલનમાં ભાગ લીધો તે સૌ દિલ્હી આવ્યા. અમે હાથ આગળ વધાર્યો તો આફ્રિકાએ પણ આગળ વધીને હિન્દુસ્તાનને ગળે લગાડ્યું. અમારો હાથ પકડી લીધો. છેલ્લા ચાર વર્ષોમાં આફ્રિકાનો એક પણ દેશ એવો નથી કે જ્યાં ભારતમાંથી ઓછામાં ઓછી મંત્રી સ્તરની યાત્રા ન થઇ હોય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સ્તરની 20થી વધુ યાત્રાઓ થઇ છે. ભારત-આફ્રિકા ફર્મ સમિટ સિવાયના આફ્રિકાથી 32 રાષ્ટ્ર પ્રમુખોએ ભારતમાં આવીને ભારતના નેતાઓ સાથે મુલાકાત કરી છે. અમે 18 દેશોમાં અમારા દુતાવાસો ખોલવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આફ્રિકામાં અમારા દુતાવાસોની સંખ્યા વધીને 47 થઇ જશે. આફ્રિકાના સામાજિક વિકાસ અને સંઘર્ષમાં અમારો સહયોગ રહ્યો જ છે.અહીંના અર્થવ્યવસ્થાના વિકાસમાં પણ અમે સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. એ જ કારણ છે કે પાછલા વર્ષે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક પણ ભારતમાં જ આયોજિત કરવામાં આવી. આફ્રિકા માટે ત્રણ બિલિયન ડોલરથી વધુના લાઈન ઑફ ક્રેડીટના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ભારત-આફ્રિકા ફર્મ સમિટ અંતર્ગત અમારી દસ મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા પણ છે. તે સિવાય છસો મિલિયન ડોલરની અનુદાન સહાયતા અને 50 હજાર વિદ્યાર્થીનીઓ માટે ભારતમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. આફ્રિકાના ૩૩ દેશો માટે ભારતમાં ઈ-વિઝાનો જોગવાઈ કરવામાં આવી છે અને આફ્રિકા પ્રત્યે અમારી મજબુત પ્રતિબદ્ધતાના પરિણામો પણ જોવા મળી રહ્યા છે.

ગયા વર્ષે આફ્રિકાના દેશો સાથે ભારતના વેપારમાં 32 ટકાની વૃદ્ધિ થઇ છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું સભ્ય બનવા માટે મેં આફ્રિકાના તમામ દેશોને આગ્રહ કર્યો હતો અને મારા આહવાન પછી આજે સભ્ય દેશોમાં લગભગ અડધા દેશો આફ્રિકાના છે. આંતરરાષ્ટ્રીય મંચ પર પણ આફ્રિકાના દેશોએ એક સ્વરમાં ભારતનું સમર્થન કર્યું છે. હું સમજુ છું કે નવા વૈશ્વિક ક્રમમાં એશિયા અને આફ્રિકાના દેશોની હાજરી દિવસે-દિવસે વધુ મજબુત થઈ રહી છે. આ દિશામાં આપણા જેવા દેશોના પારસ્પરિક સહયોગ કરોડો લોકોના જીવનમાં હકારાત્મકતા, હકારાત્મક પરિવર્તન લાવીને જ રહેશે. મને તમે પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, સન્માન આપ્યું છે, તેના માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રપતિજીનો અને યુગાન્ડાની સરકાર તથા જનમાનસને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને તમને ખબર છે 2019 જે તમારા મગજમાં છે તે મારા મગજમાં નથી. તમે શું વિચારી રહ્યા છો 2019નું? શું વિચારી રહ્યા છો. અરે 2019માં જાન્યુઆરી મહિનામાં પ્રવાસી ભારતીય દિવસ 22-23 જાન્યુઆરીએ થવાનો છે અને આ વખતે પ્રવાસી ભારતીય દિવસનું સ્થાન છે કાશી, બનારસ. અને ત્યાંની જનતાએ મને પ્રધાનમંત્રી બનાવ્યો છે, એમપી બનાવ્યો છે અને દેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો, તે કાશી માટે હું તમને નિમંત્રણ આપવા આવ્યો છું. અને એ પણ ખુશીની વાત છે કે પ્રવાસી ભારતીય દિવસ પહેલા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થતું હોય છે, તે પણ છે 18,19,20ની આસપાસ, 22, 23 કાશીમાં અને તેના પછી 14 જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થઇ રહ્યો છે તો 22, 23 પ્રવાસી ભારતીય દિવસમાં હાજર રહીને બનારસથી કુંભ મેળામાં થઇ આવો. પ્રયાગરાજમાં ડૂબકી મારો અને પછી 26 જાન્યુઆરી તમે દિલ્હી આવો, એક અઠવાડિયાનું આખું પેકેજ તમારા માટે હિન્દુસ્તાનમાં એક પછી એક આટલા અવસરો છે. હું આજે રૂબરૂ મારા યુગાન્ડાના ભાઈઓ બહેનોને આમંત્રણ આપવા આવ્યો છું અને તમે પણ આવો. તમે જે પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, તમારી પ્રગતિ માટે ભારતની શુભકામનાઓ તમારી સાથે છે અને તમારું અહીંનું જીવન ભારતનું ગૌરવ વધારવામાં યોગદાન કરી રહ્યું છે તેના માટે પણ અમે ગૌરવ અનુભવ કરીએ છીએ. હું ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું.ખૂબ-ખૂબ આભાર!

NP/RP