આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ વિડોડો,
મહામહિમ
મહાનુભાવો,
નમસ્કાર
મને ફરી એક વાર “ઇસ્ટ એશિયા સમિટ“માં સહભાગી થવાની ખુશી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વધુમાં, હું આ બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે તિમોર–લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું.
ઇસ્ટ એશિયા સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ઇન્ડો–પેસિફિક પ્રદેશમાં વ્યૂહાત્મક બાબતો પર સંવાદ અને સહકાર માટે આ એકમાત્ર નેતાઓની આગેવાની હેઠળની વ્યવસ્થા છે. વધુમાં, તે એશિયામાં વિશ્વાસ વધારવાની પ્રાથમિક વ્યવસ્થા તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને તેની સફળતાની ચાવી આસિયાનની મધ્યસ્થતા છે.
મહાનુભાવો,
ભારત “ઇન્ડો–પેસિફિક પર આસિયાન આઉટલુક“ને સંપૂર્ણપણે ટેકો આપે છે. ઇન્ડો–પેસિફિક માટે ભારત અને આસિયાનનાં વિઝનમાં એકતા છે. આ બાબત “ઇન્ડો–પેસિફિક ઓશન ઇનિશિયેટિવ“ના અમલીકરણ માટેના મહત્ત્વપૂર્ણ મંચ તરીકે ‘ઇસ્ટ એશિયા સમિટ‘ના મહત્ત્વને રેખાંકિત કરે છે. આસિયાન ક્વાડના વિઝનમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે. ક્વાડનો સકારાત્મક એજન્ડા આસિયાનની વિવિધ વ્યવસ્થાઓ સાથે પૂરક છે.
મહાનુભાવો,
વર્તમાન વૈશ્વિક લેન્ડસ્કેપ પડકારજનક સંજોગો અને અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. આતંકવાદ, ઉગ્રવાદ અને ભૂ–રાજકીય સંઘર્ષો આપણા બધા માટે મોટા પડકારો છે. તેમનો સામનો કરવા માટે બહુપક્ષીયવાદ અને નિયમો–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા આવશ્યક છે.
આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરવું અનિવાર્ય છે; અને તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને મજબૂત કરવા માટે દરેકની પ્રતિબદ્ધતા અને સંયુક્ત પ્રયત્નો પણ જરૂરી છે. મેં અગાઉ કહ્યું છે તેમ – આજનો યુગ યુદ્ધનો નથી. સંવાદ અને મુત્સદ્દીગીરી એ જ ઉકેલનો એકમાત્ર માર્ગ છે.
મહાનુભાવો,
મ્યાનમારમાં ભારતની નીતિ આસિયાનના વિચારોને ધ્યાનમાં લે છે. તે જ સમયે, એક પડોશી દેશ તરીકે, સરહદો પર શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવી; અને ભારત–આસિયાન કનેક્ટિવિટી વધારવા પર પણ અમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઇન્ડો–પેસિફિક પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ આપણા સૌના હિતમાં છે.
સમયની માંગ એવી છે કે ઇન્ડો–પેસિફિક – જ્યાં યુએનસીએલઓએસ સહિત આંતરરાષ્ટ્રીય કાયદો, તમામ દેશોને સમાનરૂપે લાગુ પડે છે; જ્યાં નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા છે; અને જ્યાં દરેકના ફાયદા માટે અવરોધ વિના કાયદેસરનો વેપાર છે. ભારતનું માનવું છે કે દક્ષિણ ચીન સાગર માટે આચાર સંહિતા અસરકારક અને યુએનસીએલઓએસ અનુસાર હોવી જોઈએ. આ ઉપરાંત, તેણે એવા દેશોના હિતોને ધ્યાનમાં લેવા જોઈએ કે જેઓ ચર્ચાઓમાં સીધી રીતે સામેલ નથી.
મહાનુભાવો,
આબોહવામાં પરિવર્તન, સાયબર સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને ઊર્જા સાથે સંબંધિત પડકારો ખાસ કરીને વૈશ્વિક દક્ષિણને અસર કરી રહ્યા છે. અમારા જી-20ના પ્રમુખપદ દરમિયાન, અમે વૈશ્વિક દક્ષિણ સાથે સંબંધિત આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
મહાનુભાવો,
હું ઇસ્ટ એશિયા સમિટ પ્રક્રિયા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરવા ઇચ્છું છું. હું આવનારા અધ્યક્ષ લાઓ પી.ડી.આર.ને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને હું તેમના રાષ્ટ્રપતિ પદને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપું છું.
આભાર.
CB/GP/JD
Attended the East Asia Summit being held in Jakarta. We had productive discussions on enhancing closer cooperation in key areas to further human empowerment. pic.twitter.com/UfN8LiR6Zk
— Narendra Modi (@narendramodi) September 7, 2023
Menjelang East Asia Summit yang diadakan di Jakarta. Kami melakukan diskusi produktif mengenai peningkatan kerja sama yang lebih erat di bidang-bidang utama untuk meningkatkan pemberdayaan manusia. pic.twitter.com/haJ9qEdXWP
— Narendra Modi (@narendramodi) September 7, 2023