Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ


દેશ વિદેશમાં વસેલા મારા તમામ ભારતીય ભાઈઓ અને બહેનોને નમસ્કાર! આપ સૌને 2021ની ખૂબ ખૂબ શુભકામનાઓ! આજે દુનિયાના ખૂણે ખૂણેથી આપણને ભલે ઇન્ટરનેટે જોડ્યા છે, પરંતુ આપણાં સૌનું મન હંમેશથી જ માં ભારતી સાથે જોડાયેલું છે, એક બીજા સાથે પોતાપણાં સાથે જોડાયેલુ છે.

મિત્રો,

દુનિયા ભરમાં માં ભારતીનું ગૌરવ વધારનાર આપ સૌ સાથીઓને પ્રવાસી ભારતીય સન્માન આપવાની પરંપરા છે. ભારત રત્ન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના માર્ગદર્શનમાં જે યાત્રા શરૂ થઈ તેમાં અત્યાર સુધી 60 જુદા જુદા દેશોમાં રહેતા લગભગ 240 મહાનુભવોને આ સન્માન આપવામાં આવી ચૂક્યું છે. આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવશે. એ જ રીતે દુનિયા ભરમાંથી હજારો સાથીઓએ ભારતને જાણો ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સંખ્યા જણાવે છે કે મૂળમાંથી દૂર ભલે થઈ જાય પરંતુ નવી પેઢીનું જોડાણ તેટલું જ વધી રહ્યું છે.

આ ક્વિઝના 15 વિજેતા પણ આજે આ વર્ચ્યુઅલ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું તમામ વિજેતાઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું અને સાથે સાથે આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ અભિનંદનના અધિકારી છે અને મારો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનાર સૌને આગ્રહ છે કે તમે નક્કી કરી લો કે આવતી વખતે ક્વિઝ સ્પર્ધા યોજાશે તો તમારા પ્રયત્ન વડે 10 વધારે નવા લોકો તેમાં જોડાશે. આ ચેઇન ચાલતી રહેવી જોઈએ, ચેઇન વધવી જોઈએ, લોકોને જોડવા જોઈએ. કેટલાય વિદેશના લોકો ભારતમાં ભણવા માટે આવે છે, ભણીને પોતાના દેશોમાં જાય છે, તેમને પણ આગ્રહ કરવો જોઈએ કે તેઓ પણ જેઓ ક્યારેક ભારતમાં ભણીને ગયા છે તેઓ પણ આ ક્વિઝ સ્પર્ધામાં જોડાય અને ક્વિઝ સ્પર્ધાના રાજદૂત બને કારણ કે વિશ્વમાં ભારતની ઓળખ બનાવવા માટે નવી પેઢીમાં ભારતને જાણવાની જિજ્ઞાસા જગાડવા માટે એક ટેકનોલોજી ડ્રાઇવન ખૂબ સરળ ઉપાય છે. અને એટલા માટે મારો આગ્રહ રહેશે કે તમે બધા આ વાતને આગળ વધારો.

મિત્રો,

વીતેલું વર્ષ આપણાં બધા માટે ઘણું પડકારભર્યું વર્ષ રહ્યું છે. પરંતુ આ પડકારોની વચ્ચે, વિશ્વ  ભરમાં ફેલાયેલા આપણાં ભારતીય ડાયસ્પોરાએ જે રીતે કાર્ય કર્યું છે, પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે, તે ભારતની માટે પણ ગર્વની વાત છે. આ જ તો આપણી પરંપરા છે, આ જ તો આ માટીના સંસ્કાર છે. આ જગ્યા પરથી સામાજિક અને રાજકીય નેતૃત્વ માટે દુનિયાભરમાં ભારતીય મૂળના સાથીઓ પર ભરોસો હજુ વધારે મજબૂત થઈ રહ્યો છે.

આપણાં આજના આ આયોજનના મુખ્ય અતિથિ, સુરિનામના નવા રાષ્ટ્રપતિ શ્રીમાન ચંદ્રિકા પ્રસાદ સંતોખીજી, તેઓ સ્વયં પણ આ સેવાભાવનું એક શાનદાર ઉદાહરણ છે. અને હું એમ પણ કહીશ કે આ કોરોના કાળમાં વિદેશોમાં રહેનારા આપણાં અનેક ભારતીય ભાઈ બહેનોએ પણ પોતાનું જીવન ગુમાવ્યું છે. મારી તેમના પ્રત્યે સંવેદના છે અને તેમના પરિવારજનો પ્રત્યે પણ હું પરમાત્મા ઘણી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આજે સુરિનામના રાષ્ટ્રપતિજીના હૂંફાળા શબ્દો અને ભારત પ્રત્યે તેમનો સ્નેહ ભાવ આપણાં સૌના હ્રદયને સ્પર્શી ગયો છે. તેમના પ્રત્યેક શબ્દમાં, પ્રત્યેક ભાવમાં ભારત પ્રત્યે જે તેમનો લાગણી હતી તે પ્રવાહિત થઈ રહી હતી, પ્રગટ થઈ રહી હતી અને આપણને પ્રેરિત કરી રહી હતી. તેમની જેમ જ હું પણ આશા રાખું છું કે આપણે ખૂબ ટૂંક સમયમાં મળીશું, અને આપણને ભારતમાં સુરિનામના રાષ્ટ્રપતિજીનું ભવ્ય સ્વાગત કરવાનો અવસર પણ મળશે. વિતેલા વર્ષોમાં પ્રવાસી ભારતીયોએ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખને હજી વધારે મજબૂત કરી છે.

સાથીઓ,

મારી પાછલા મહિનાઓમાં દુનિયાના અનેક દેશના વડાઓ સાથે ચર્ચા થઈ છે. દેશના વડાઓએ એ વાતનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે તેમના દેશમાં પ્રવાસી ભારતીય ડૉક્ટર્સ, પેરા મેડિક્સ, અને સામાન્ય ભારતીય નાગરિકો દ્વારા કઈ રીતે સેવા કરવામાં આવી છે. ભલે મંદિર હોય, કે આપણાં ગુરુદ્વારા હોય, કે પછી લંગરની આપણી મહાન પરંપરા હોય, આપણાં અનેક નાના મોટા સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક સંગઠનોએ સેવા ભાવમાં નેતૃત્વ કર્યું છે. અને પ્રત્યેક નાગરિકની સેવા કરવાનું કામ આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કરવામાં આવ્યું છે. આ દુનિયાના પ્રત્યેક દેશમાં જ્યારે મને સાંભળવા મળે છે, કેટલો ગર્વનો અનુભવ થાય છે. અને તમે અંદાજો લગાવી શકો છો, જ્યારે ફોન પર હું તમારી પ્રશંસા સાંભળતો હતો અને દુનિયાના દરેક નેતા મોટાભાગના સમયમાં તમારા જ ગુણગાન કરતાં હતા, અને આ વાત જ્યારે હું મારા સાથીઓ સાથે વહેંચતો હતો તો દરેકનું મન ખુશીઓથી ભરાઈ જતું હતું, ગૌરવ થતું હતું. તમારા આ સંસ્કાર દુનિયાના દરેક ખૂણામાં ઉજાગર થઈ રહ્યા છે. કયો ભારતીય એવો હશે જેને આ સારું નહિ લાગતું હોય. આપ સૌએ, જ્યાં તમે રહી રહ્યા છો ત્યાં જ નહિ પરંતુ ભારતમાં પણ ભારતની કોવિડ સામે ચાલી રહેલ લડાઈમાં પણ દરેક રીતે સહયોગ આપ્યો છે. પીએમ કેરમાં તમે જે યોગદાન આપ્યું, તે ભારતમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચરને સશક્ત કરવામાં કામ આવી રહ્યું છે. તેની માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ,

ભારતના મહાન સંત અને દાર્શનિક સંત તિરુવલ્લુવરે દુનિયાની સૌથી પ્રાચીનતમ ભાષા, અને આ આપણે ગર્વ સાથે કહેવું જોઈએ, દુનિયાની સૌથી પ્રાચીનતમ ભાષા તમિલમાં કહ્યું છે-

કેએ ડરીયાક કેટ્ટઅ ઇડ્ડત્તુમ વડન્ગુન્ડ્રા |

નાડેન્પ નાટ્ટિન તલઇ |

તેનો ભાવ એ છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ ભૂમિ તે છે જે પોતાના વિરોધીઓ પાસેથી બદીઓ નથી શિખતી અને જે ક્યારેક કષ્ટમાં પણ આવી તો બીજાઓનું કલ્યાણ કરવામાં પણ કોઈ કમી નથી છોડતી.

સાથીઓ,

આપ સૌએ આ મંત્રને જીવીને દેખાડ્યો છે. આપણાં ભારતની હંમેશથી આ જ વિશેષતા રહી છે. શાંતિનો સમય હોય કે સંકટનો, આપણે ભારતીયોએ દરેક પરિસ્થિતિનો હંમેશા મજબૂતાઈથી સામનો કર્યો છે. આ કારણે આ મહાન ભૂમિને લઈને એક જુદો જ વ્યવહાર આપણે જોયો છે. જ્યારે ભારતે કોલોનિયલિઝમ વિરુદ્ધ મોરચો ખોલ્યો, તો દુનિયાના અનેક દેશોમાં આઝાદીના સંઘર્ષ માટે તે પ્રેરણા બની ગયો. જ્યારે ભારત આતંકવાદ સામે ઊભો થયો તો દુનિયાને પણ આ પડકાર સામે લડવા માટે નવું સાહસ મળ્યું.

સાથીઓ,

ભારત આજે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયા, જે પહેલા તમામ ઉણપના કારણે ખોટા હાથોમાં પહોંચી જતાં હતા, તે આજે સીધે સીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચી રહ્યા છે. તમે જોયું હશે કે ભારતએ જે નવી વ્યવસ્થાઓ વિકસિત કરી છે, તેની કોરોનાના આ સમયમાં વૈશ્વિક સંસ્થાઓએ પણ ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. આધુનિક ટેકનોલોજી દ્વારા ગરીબમાં ગરીબને સશક્ત કરવાનું જે અભિયાન આજે ભારતમાં ચાલી રહ્યું છે, તેની ચર્ચા વિશ્વના દરેક ખૂણામાં છે, દરેક સ્તર પર છે.

ભાઈઓ અને બહેનો,

આપણે બતાવ્યું છે કે પુનઃપ્રાપ્ય ઉર્જાની બાબતમાં વિકાસશીલ વિશ્વનો કોઈ એક દેશ પણ નેતૃત્વ લઈ શકે છે. આજે ભારત દ્વારા આપવામાં આવેલ એક સુર્ય, એક વિશ્વ, એક ગ્રીડ – આ મંત્ર દુનિયાને પણ આકર્ષિત કરી રહ્યો છે.

સાથીઓ,

ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે ભારતના સામર્થ્ય, ભારતીયોના સામર્થ્યને લઈને જ્યારે પણ કોઈએ કઈં આશંકા વ્યક્ત કરી છે, બધી જ આશંકાઓ ખોટી સાબિત થઈ છે. ગુલામી દરમિયાન વિદેશમાં મોટા મોટા વિદ્વાનો કહેતા હતા કે ભારત આઝાદ નથી થઈ શકવાનો કારણ કે તે તો બહુ વહેંચાયેલો છે. તે આશંકાઓ ખોટી સાબિત થઈ, અને આપણે આઝાદી પ્રાપ્ત કરી.

સાથીઓ,

જ્યારે ભારતને આઝાદી મળી તો એવું કહેવામાં આવ્યું કે આટલો ગરીબ અને આટલો ઓછો ભણેલો ગણેલો ભારત દેશ, આ ભારત તો તૂટી જશે, વિખેરાઈ જશે, લોકશાહી તો અહિયાં અશક્ય જ છે. આજની સચ્ચાઈ એ જ છે કે ભારત સંગઠિત પણ છે અને દુનિયામાં લોકશાહી જો સૌથી વધુ મજબૂત છે, ગતિશીલ છે, જીવંત છે તો તે ભારતમાં જ છે.

ભાઈઓ અને બહેનો,

આઝાદી પછી જ દાયકાઓ સુધી એવી માન્યતા પણ ચાલી હતી કે ભારત ગરીબ અશિક્ષિત છે, એટલા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણની સંભાવનાઓ ઓછી આંકવામાં આવી. આજે ભારતનો અવકાશ કાર્યક્રમ, આપણું ટેક સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ દુનિયામાં અગ્રણી છે. કોવિડના પડકારના વર્ષમાં પણ અનેક નવા યુનિકોર્ન્સ અને સેંકડો નવા ટેક સ્ટાર્ટ અપ્સ ભારતમાંથી જ નીકળીને આવ્યા છે.

મિત્રો,

મહામારીના આ સમયગાળામાં ભારતે ફરી પાછું દેખાડી દીધું કે આપણું સામર્થ્ય શું છે, આપણી ક્ષમતા શું છે. આટલો મોટો લોકશાહી દેશ જે એકતા સાથે ઊભો થયો, તેની મિસાલ દુનિયામાં ક્યાંય નથી. પીપીઈ કીટ્સ હોય, માસ્ક હોય, વેન્ટિલેટર હોય, કે ટેસ્ટિંગ કીટ્સ હોય, આ બધુ ભારત બહારથી જ મંગાવતો હતો. આજે આ કોરોના કાળ ખંડમાં જ તેણે પોતાની શક્તિ વધારી અને આજે ભારત માત્ર આમાં સ્વાશ્રયી જ નથી બન્યું પરંતુ તેમાંથી અનેક ઉત્પાદનોની નિકાસ પણ કરી રહ્યું છે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા મૃત્યુ દર અને સૌથી વધુ ઝડપી રિકવરી રેટવાળા દેશોમાંથી એક છે.

આજે ભારત, એક નહિ પરંતુ બે મેઇડ ઇન ઈન્ડિયા કોરોના રસી સાથે માનવતાની સુરક્ષા માટે તૈયાર છે. દુનિયાની ફાર્મસી હોવાના નાતે દુનિયાના પ્રત્યેક જરૂરિયાતમંદ સુધી જરૂરી દવાઓ પહોંચાડવાનું કામ ભારતે પહેલા પણ કર્યું છે અને આજે પણ કરી રહ્યું છે. દુનિયા આજે માત્ર ભારતની રસીની જ રાહ નથી જોઈ રહી પરંતુ દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારત કઈ રીતે ચલાવે છે, તેની ઉપર પણ નજર છે.

સાથીઓ,

આ વૈશ્વિક મહામારી દરમિયાન ભારતે જે શીખ્યું છે, તે જ હવે આત્મનિર્ભર ભારત અભિયાનની પ્રેરણા બની ગયું છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે-

શતહસ્ત સમાહ સહસ્ત્રહસ્ત સં કિર

એટલે કે સેંકડો હાથો વડે અર્જિત કરો, પરંતુ હજારો હાથો વડે વહેંચો. ભારતની આત્મનિર્ભરતાની પાછળનો ભાવ પણ આ જ છે. કરોડો ભારતીયોના પરિશ્રમ સાથે જે ઉત્પાદનો ભારતમાં બનશે, જે ઉકેલો ભારતમાં તૈયાર થશે તેનાથી આખી દુનિયાને લાભ મળશે. દુનિયા આ વાતને ક્યારેય ભૂલી શકે તેમ નથી કે જ્યારે Y-2 ના સમયમાં ભારતની ભૂમિકા શું રહી, ભારતે કઈ રીતે દુનિયાને ચિંતમુક્ત કરી હતી. આ મુશ્કેલીના સમયમાં પણ આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રીની ભૂમિકા, આ દર્શાવે છે કે ભારત જે પણ ક્ષેત્રમા સમર્થ હોય છે તેનો પૂરે પૂરો લાભ સંપૂર્ણ દુનિયા સુધી પહોંચે છે.

સાથીઓ,

આજે આખી દુનિયાને જો ભારત ઉપર આટલો વધારે ભરોસો છે તો તેમાં આપ સૌ પ્રવાસી ભારતીયોનું પણ બહુ મોટું યોગદાન છે. તમે જ્યાં પણ ગયા હોવ, ભારતને, ભારતીયતાને સાથે લઈને ગયા છો. તમે ભારતીયતાને જીવતા રહ્યા છો. તમે ભારતીયતા વડે લોકોને જગાડતા પણ રહ્યા છો. અને તમે જુઓ ખોરાક હોય કે ફેશન, પારિવારિક મૂલ્યો હોય કે પછી વ્યાવસાયિક મૂલ્યો, તમે ભારતીયતાનો પ્રસાર કર્યો છે. મારુ હંમેશથી એ માનવાનું રહ્યું છે કે ભારતની સંસ્કૃતિ જો દુનિયાભરમાં લોકપ્રિય બની છે તો મેગેઝીન, કૂક બુક્સ અથવા મેન્યુઅલ્સ કરતાં વધુ આપ સૌના જીવનના કારણે, આપ સૌના આચરણના કારણે, આપ સૌના વ્યવહારના કારણે આ શક્ય બની શક્યું છે. ભારતે ક્યારેય પણ કઈં પણ દુનિયા પર ના તો થોપ્યુ છે અને ના તો થોપવાનો પ્રયાસ કર્યો છે, અને ના તો ક્યારેય થોપવાનો વિચાર કર્યો છે, પરંતુ દુનિયામાં આપ સૌએ ભારતની માટે એક જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે, એક રસ ઉત્પન્ન કર્યો છે. ભલે તે આશ્ચર્ય સાથે શરૂ થયું હોય પરંતુ તે દ્રઢ માન્યતા સુધી પહોંચ્યું છે.

આજે જ્યારે ભારત, આત્મનિર્ભર બનવા માટે આગળ વધી રહ્યું છે તો અહિયાં પણ બ્રાન્ડ ઈન્ડિયાની ઓળખને મજબૂત બનાવવામાં તમારી ભૂમિકા મહત્વની છે. જ્યારે તમે મેઇડ ઇન ઈન્ડિયા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો તમારી આસપાસ રહેનારા લોકોમાં પણ તેને લઈને વિશ્વાસ ઉત્પન્ન થશે. તમારા સાથીઓને, તમારા મિત્રોને જ્યારે તમે મેઇડ ઇન ઈન્ડિયા ઉત્પાદનો વાપરતા જોશો તો શું તમને તે બાબત ઉપર ગર્વ નહિ થાય? ચાથી લઈને ટેક્સટાઇલ અને થેરાપી સુધી, આ બધુ જ થઈ શકે છે. મને તો આનંદ થાય છે કે જ્યારે આજે ખાદી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેનાથી તમે ભારતની નિકાસનો જથ્થો તો વધારશો જ, સાથે સાથે ભારતની સમૃદ્ધ વૈવિધ્યતાને પણ દુનિયા સુધી પહોંચાડશો. સૌથી મોટી વાત, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તમે દુનિયાના ગરીબમાં ગરીબ સુધી સસ્તા અને ગુણવત્તાયુક્ત ઉપાયો પહોંચાડવાનું માધ્યમ બનશો.

મિત્રો,

ભારતમાં રોકાણ હોય કે પછી મોટી સંખ્યામાં રેમીટન્સનું યોગદાન, તમારું યોગદાન અતુલનીય રહ્યું છે. તમારી તજજ્ઞતા, તમારા રોકાણ, તમારા નેટવર્ક, તમારા અનુભવના લાભ માટે દરેક ભારતીય, સંપૂર્ણ હિન્દુસ્તાન હંમેશા હંમેશા માટે ગૌરવ પણ કરે છે અને તમારા લાભ માટે તે હંમેશા આતુર પણ રહે છે. તેની માટે પ્રત્યેક જરૂરી પગલાઓ ભરવામાં પણ આવી રહ્યા છે જેથી તમને પણ અવસર મળે અને અહિયાની અપેક્ષાઓ પણ પૂરી થાય.

તમારામાંથી ઘણા લોકો જાણે છે કે કેટલાક અઠવાડિયા પહેલા જ પહેલી વાર ‘વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ’ એટલે કે ‘વૈભવ’નું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં 70 દેશોના 25 હજારથી વધુ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ લગભગ સાડા 7 સો કલાક સુધી ચર્ચા કરી. અને તેનાથી 80 વિષયો પર આશરે 100 અહેવાલો તૈયાર થયા, જે અનેક ક્ષેત્રોમાં ટેકનોલોજી અને સિસ્ટમના વિકાસમાં કામ આવવાના છે. આ સંવાદ હવે આમ જ ચાલુ રહેશે. તે સિવાય વિતેલા મહિનાઓમાં ભારતે શિક્ષણથી લઈને ઉદ્યોગ સુધી સાર્થક પરિવર્તન માટે માળખાગત સુધારા કરવામાં આવ્યા છે. તેનાથી તમારા રોકાણ માટે તકનો વિસ્તાર થયો છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક્ડ સબ્સિડીઝ સ્કીમ – તે ઘણી વિખ્યાત બની છે અને બહુ ઓછા સમયમાં ઘણી પ્રચલિત થઈ છે. તમે પણ તેનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો.

સાથીઓ,

ભારત સરકાર દરેક સમયે, દરેક ક્ષણે તમારી સાથે, તમારી માટે ઊભી છે. દુનિયા ભરમાં કોરોના લોકડાઉનના કારણે વિદેશોમાં ફસાયેલા 45 લાખથી વધુ ભારતીયોને વંદે ભારત મિશન અંતર્ગત બચાવવામાં આવ્યા. વિદેશોમાં ભારતીય સમુદાયને સમયસર જરૂરી મદદ મળે, તેની માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યા. મહામારીના કારણે વિદેશોમાં ભારતીયોના રોજગાર સુરક્ષિત રહે, તેની માટે રાજદ્વારી સ્તર પર દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

અખાતી સહિત અનેક દેશોમાંથી પાછા ફરેલા સાથીઓ માટે “સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ” એટલે કે ‘સ્વદેશ’ નામની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ ડેટા બેઝનો ઉદ્દેશ્ય વંદે ભારત મિશનમાં પાછા ફરી રહેલા કાર્યકરોની સ્કિલ મેપિંગ કરવાનો અને તેમને ભારતીય અને વિદેશી કંપનીઓ સાથે જોડવાનો છે.

આ જ રીતે દુનિયા ભરમાં ભારતીય સમુદાયની સાથે વધુ સારા સંપર્ક માટે રિશ્તા નામનું નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ વડે મુશ્કેલીના સમયમાં પોતાના સમુદાય સાથે વાતચીત કરવી, તેમના સુધી ઝડપથી પહોંચવું વધુ સરળ બનશે. આ પોર્ટલ વડે દુનિયાભરના આપણાં સાથીઓની તજજ્ઞતા ભારતના વિકાસમાં ઉપયોગ કરવામાં પણ ઘણી મદદ મળશે.

સાથીઓ,

અહીથી હવે આપણે આઝાદીના 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ. આગામી પ્રવાસી ભારતીય દિવસ, આઝાદીના 75 વર્ષના સમારોહ સાથે પણ જોડાશે. મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદ જેવા અગણિત મહાન વ્યક્તિત્વોની પ્રેરણા વડે દુનિયાભરના ભારતીય સમુદાયે આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એવા સમયમાં તે સાથીઓને, તે સેનાનીઓને પણ યાદ કરવાના છે જેમણે ભારતની બહાર રહીને ભારતની આઝાદી માટે કામ કર્યું.

મારો વિશ્વભરમાં ફેલાયેલા તમામ ભારતીય સમુદાયના લોકોને, આપણાં મિશનમાં બેઠેલા તમામ લોકોને એ આગ્રહ રહેશે કે આપણે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરીએ, એક પોર્ટલ તૈયાર કરીએ અને તે પોર્ટલમાં એવા પ્રવાસી ભારતીયોને કે જેમણે આઝાદીની જંગમાં વિશેષ ભૂમિકા નિભાવી છે, તેમની બધી જ તથ્ય આધારિત વસ્તુઓ તેમાં મૂકવામાં આવે. જ્યાં પણ ફોટો ઉપલબ્ધ હોય ત્યાં ફોટો મૂકવામાં આવે. વિશ્વભરમાં કોણે ક્યારે શું કર્યું, કઈ રીતે કર્યું આ વાતોનું તેમાં વર્ણન હોય. દરેક ભારતીયના પરાક્રમના, પુરુષાર્થના, ત્યાગના, બલિદાનના, ભારત માતા પ્રત્યે તેની ભક્તિના ગુણગાન હોય. તેમની જીવનગાથાઓ હોય, જેમણે વિદેશમાં રહીને પણ ભારતને આઝાદ કરાવવામાં પોતાનું યોગદાન આપ્યું.

અને હું તો એ પણ ઇચ્છીશ કે હવે જે ક્વિઝ સ્પર્ધા માટે જે ક્વિઝ તૈયાર થશે, તેમાં વિશ્વભરમાં આવા ભારતીય સમુદાયના યોગદાન પર પણ ક્વિઝનો એક અલગ જ પાઠ હોય. પાંચસો, સાતસો, હજાર, એવા સવાલો હોય કે જે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોના વિષયમાં જિજ્ઞાસુ લોકો માટે જ્ઞાનનું એક સારું સરોવર બની જાય. આવા બધા જ પગલાં આપણાં બંધનને મજબૂત કરશે, આવનારી પેઢીઓને પ્રેરિત કરશે.

તમે બધા આટલી મોટી સંખ્યામાં આજે વર્ચ્યુઅલી મળ્યા છો. કોરોનાના કારણે રૂબરૂ મળવાનું શક્ય નથી થઈ શક્યું પરંતુ ભારતનો દરેક નાગરિક હંમેશા એ જ ઈચ્છે છે કે આપ સૌ સ્વસ્થ રહો, આપ સૌ સુરક્ષિત રહો, પોતાનું અને દેશનું નામ રોશન કરતાં રહો.

આ જ કામના સાથે હું ફરી એકવાર સુરિનામના રાષ્ટ્રપતિજી નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે જે આપણને બધાને પ્રેરણા આપી છે, આપણી સાથે જોડાયા છે, તે ખરેખર ભારતનું ગૌરવ વધારનાર તે મહાપુરુષોમાંથી એક છે. હું તેમનો પણ વિશેષ આભાર પ્રગટ કરું છું. અને આ જ કામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT