Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

106માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દરમિયાન પ્રધાનમંત્રીનાં ઉદઘાટન સંબોધનનો મૂળપાઠ


 

મંચ પર બિરાજમાન પંજાબના રાજ્યપાલશ્રી વી. પી. સીજી, મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર હર્ષવર્ધનજી, અન્ય ગણમાન્ય મહેમાનો, અહિં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ, નવા વર્ષની શુભેચ્છાઓ.

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના એકસો છમાં સત્રનું ઉદઘાટન કરતા મને આનંદ થઇ રહ્યો છે. મારું સૌભાગ્ય છે કે આજે હું અહિં ખ્યાતનામ વૈજ્ઞાનિકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓની વચ્ચે ઉપસ્થિત છું.

આમ તો મારો પ્રયાસ એ જ હતો કે તમારી વચ્ચે સમયસર પહોંચું પરંતુ ધુમ્મસના લીધે થોડું મોડું થઇ ગયું.

સાથીઓ, મને એ વાતની ખુશી છે કે સમૃદ્ધિની આ ભૂમિ પર આ વર્ષે ભારતીય વિજ્ઞાન એસોસિએશને એક ચોક્કસ વિષય પસંદ કર્યો છે, ભવિષ્યનું ભારત, વિજ્ઞાન અને ટેકનોલોજી. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે ભારતની મહાનતા આપણા જ્ઞાન, વિજ્ઞાનમાં તો છે જ, પરંતુ આ મહાનતાનો વાસ્તવિક ઉદ્દેશ્ય આપણા વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચારને સમાજ સાથે જોડવાનો પણ છે.

મિત્રો, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ સમૃદ્ધ વારસો ધરાવે છે. ભારતના કેટલાક શ્રેષ્ઠ રત્નો જેવા કે આચાર્ય જી સી બોઝ, સી વી રમણ, મેઘનાદ સાહા અને એસ એન બોઝ તેની સાથે સંકળાયા છે. લઘુત્તમ સ્રોતોમાં મહત્તમ સંઘર્ષની દોડમાં તેમણે પોતાના વિચારો, સંશોધનો વડે લોકોની સેવા કરી છે. આજે પણ આપણે તેમની કટિબદ્ધતા અને રચનાત્મકતાથી શીખી રહ્યા છીએ.

1917માં, આચાર્ય જગદીશ ચંદ્ર બોઝે ભારતના સૌપ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર, બોઝ ઇન્સ્ટીટયુટ ઑફ કોલકાતાની સ્થાપના કરી હતી. તેમનું ઉદઘાટન સંબોધન તેમના વિજ્ઞાન માટેના સમગ્રતયા વિચારોનું પ્રતિબિંબ હતું. તેમણે કહ્યું કે, “આજે હું આ ઇન્સ્ટીટ્યુટ દેશને માત્ર એક પ્રયોગશાળા તરીકે નહી પરંતુ એક મંદિર તરીકે સમર્પિત કરું છું.” હજારો ભારતીય વૈજ્ઞાનિકોના જીવન અને કાર્યો, એ ટેકનોલોજીનાં વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ સાથેના ઊંડા મૂળભૂત અંતર્જ્ઞાનના એકીકરણનું સૌથી આકર્ષક વસિયતનામું છે. એ આપણા આધુનિક વિજ્ઞાન મંદિરો જ છે કે જેમના માધ્યમથી ભારત તેના વર્તમાનને પરિવર્તિત કરી રહ્યું છે અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે કાર્યરત છે.

મિત્રો, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક સૂત્ર આપ્યું હતું, જય જવાન જય કિસાન. 20 વર્ષ પહેલા પોખરણમાં એક ઐતિહાસિક સંબોધન દરમિયાન આપણા મહાન પ્રધાનમંત્રી અટલજીએ ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના યોગદાનને સમજ્યું હતું. તેમણે ઉમેર્યું ‘જય વિજ્ઞાન જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’.

હું માનું છું કે હવે સમય પાકી ગયો છે કે એક કદમ આગળ વધવામાં આવે. હું ઉમેરવા માંગું છું ‘જય અનુસંધાન’.

ખરેખર વિજ્ઞાન પાછળની દોડ એ બે ઉદ્દેશ્યોની પૂર્તિ વડે પૂરી કરી શકાય છે. પહેલો છે ગહન અથવા વિક્ષેપક જ્ઞાનનું નિર્માણ. બીજો છે તે જ્ઞાનનો ઉપયોગ સામાજિક આર્થિક કલ્યાણ માટે કરવામાં આવે. જેમ-જેમ આપણે આપણા સંશોધન વિજ્ઞાનની ઇકો સિસ્ટમને આગળ વધારીએ છીએ, તેમ-તેમ આપણે નવાચાર અને સ્ટાર્ટ અપ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અમારી સરકારે આપણા વૈજ્ઞાનિકોમાં નવાચારને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશનની જાહેરાત કરી છે. છેલ્લા ચાલીસ વર્ષોની સરખામણીએ પાછલા ચાર વર્ષોની અંદર વધુમાં વધુ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુંબેટર્સની સ્થાપના કરવામાં આવી છે. ઉદ્યોગોએ હવે સ્ટાર્ટ અપને સમયસરનો દિશાનિર્દેશ, દૂરંદેશીતા, મેન્ટરશીપ અને ભાગીદારી પૂરી પાડીને પોતાનું યોગદાન આપવું જ જોઈએ. આપણા વૈજ્ઞાનિકોએ પરવડે તેવી હેલ્થકેર, આવાસ, સ્વચ્છ હવા, પાણી અને ઊર્જા, કૃષિ ઉત્પાદન અને ખાદ્યાન્ન પ્રક્રિયા જેવી સમસ્યાઓને માટે યોગદાન આપવું જોઈએ. જ્યારે વિજ્ઞાન વૈશ્વિક છે ત્યારે ટેકનોલોજી સ્થાનિક જરૂરિયાતો અને પરિસ્થિતિને અનુકૂળ ઉપાયો પુરા પાડવા માટે સ્થાનિક હોવી જોઈએ.

સાથીઓ આજે આપણી સામે જે સામાજિક, આર્થિક પડકારો છે, તેમને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા અને વૈજ્ઞાનિક સંગઠનોને સુલભ, સુગમ અને સસ્તા સમાધાન તૈયાર કરવા પડશે. હું તમને કેટલાક ઉદાહરણો આપુ છું. આપણા દેશમાં એવા ખેડૂતોની સંખ્યા ઘણી વધુ છે જેમની પાસે માત્ર 2 હેક્ટર કરતા પણ ઓછી જમીન છે. તેમને ઓછી મહેનતે વધુ પેદાશો માટે ટેકનોલોજીની સૌથી વધુ જરૂરિયાત છે. આપણે કૃષિ વિજ્ઞાનમાં ઘણી પ્રગતિ કરી છે. આપણે ત્યાં ઉત્પાદન પણ વધ્યું છે, ગુણવત્તા પણ સુનિશ્ચિત થઇ છે પરંતુ નવા ભારતની જરૂરિયાતોને પૂરી કરવા માટે તેમાં હજુ ઘણું બધુ કરવાની જરૂર છે, નવા વિસ્તૃતિકરણની જરૂર છે.

બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલી તમામ ટેકનોલોજીનો ઓછા ખર્ચે અસરકારક ઉપયોગ ખેતીમાં કેવી રીતે થાય, તેના પર આપણું ધ્યાન હોવું જોઈએ. હવે આજના સમયની માંગ છે કે આ બધા જ સંશોધનોની સાથે સેન્સર ટેકનોલોજી. ડ્રોન, સેટેલાઈટ ઇમેજિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એક પેકેજ બનાવીને પોતાના ખેડૂતોની મદદ કરવામાં આવે. આ મદદના માધ્યમથી આપણા ખેડૂતો તેમના પાકો, અનાજ, સિંચાઈ, ખાતર, પરિવહન અને પેસ્ટિસાઇડ સાથે જોડાયેલા તમામ નિર્ણયો આજની વૈજ્ઞાનિક પદ્ધતિની મદદથી લઇ શકશે.

સાથીઓ, જે રીતે આપણે વેપાર-વાણિજ્યની સરળતામાં સતત આગળ વધી રહ્યા છીએ તે જ રીતે આપણે સવા સો કરોડ ભારતીયોના જીવન જીવવાની સરળતા પર પણ કામ કરવું પડશે. તે દિશામાં શું થઈ શકે, તે સ્પષ્ટ કરવા માટે કેટલાક પ્રશ્નો પર મંથન કરવું ખૂબ જરૂરી છે. શું આપણે આપણા દેશના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ સારા અને વૈજ્ઞાનિક પદ્ધતિએ દુષ્કાળ વ્યવસ્થાપન પર કામ કરી શકીએ છીએ? શું વરસાદ, વંટોળ અને અન્ય આપત્તિઓની ભવિષ્યવાણીના તંત્રમાં આપણે હજુ વધારે સુધારો કરી શકીએ છીએ? તેનાથી કૃષિને તો ફાયદો થશે જ, સાથે-સાથે અનેક જીવનને પણ બચાવી શકાશે.

શું આપણે આપણા દેશની દસકાઓથી ચાલી આવતી કુપોષણની સમસ્યાને સુધારવા માટે વધુ સારા ટેકનોલોજી ઉપાયો શોધી શકીએ છીએ? એવા ઉપાયો કે જેનાથી આપણા બાળકોનું વધુ સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત થઈ શકે? શું આપણે આપણા બાળકોને ચીકનગુનિયા અને એન્સીફેલાઈટીસ જેવી બીમારીઓથી ભારતને મુક્ત કરવાનો ઈલાજ શોધી શકીએ છીએ? શું કચરામાંથી ઊર્જા બનાવવા અને સ્વચ્છતા માટે સસ્તી અને આવક ઉત્પન્ન કરનારી વધુ પ્રભાવશાળી ટેકનોલોજી વિકસિત કરી શકીએ છીએ? શું આપણે પીવાના પાણીની સમસ્યા સામે લડવા માટે રિસાયકલીંગ અને સંરક્ષણ સાથે જોડાયેલી નવી ટેકનોલોજી વિકસિત કરી શકીએ છીએ? શું આપણે કોઈ એવું તંત્ર બનાવી શકીએ છીએ જેનાથી આપણા સંવેદનશીલ સંસ્થાનોને એવી સાયબર સુરક્ષા મળી શકે કે જેને તોડવી અશક્ય બની જાય? શું આપણે સૌર ઊર્જાના ઉપયોગ માટે એવા સમાધાનો તૈયાર કરી શકીએ છીએ ખરા કે જે ખૂબ જ ઓછી કિંમતમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પણ ઉપલબ્ધ થઈ શકે? આપણે આ પ્રશ્નોના જવાબ શોધવા પડશે.

આપણે વિજ્ઞાનને સામાન્ય માનવીના જીવન સાથે જોડવું જ પડશે. ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં હવે આપણી પાસે અને ખાસ કરીને ભારતને ન તો અટકવાનો હક છે અને કોઈ કરે પછી અમે તેનો ઉપયોગ કરીશું, તેવી રાહ જોવાનો પણ અમને સમય નથી. આપણે નેતૃત્વ લેવાનું છે, આપણે દુનિયામાં કંઈક કરીને દેખાડવાનું છે. આપણે સમયને અનુરૂપ સમાધાન શોધવા પડશે, તે પણ સમયસીમાની અંદર.

મિત્રો, 2018નું વર્ષ એ ભારતીય વિજ્ઞાન માટે ઘણું સારું વર્ષ હતું. આપણી આ વર્ષની સિદ્ધિઓમાંની કેટલીક આ મુજબ હતી; હવાઈ પરિવહન ગ્રેડના જૈવઈંધણનું ઉત્પાદન, દિવ્ય નયન – પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટેનું એક મશીન, સર્વાઇકલ કેન્સર, ટીબી, ડેન્ગ્યુની તપાસ માટેનું સસ્તું સાધન, સિક્કિમ અને દાર્જિલિંગ પ્રદેશમાં જમીન ધસી પડવાની ચેતવણી આપતી એક રિયલ ટાઈમ સિસ્ટમ. આમ છતાં હજુ આપણે ઘણું આગળ જવાનું છે. આપણે વ્યવસાયીકરણ તરફના મજબૂત રસ્તાઓ કે જે આપણા સંશોધન અને વિકાસની સિદ્ધિઓને ઔદ્યોગિક ઉત્પાદનમાં સહાયતા કરે તેની જરૂર છે. આવનારું ભવિષ્ય પરિવર્તન અને જોડાયેલી ટેકનોલોજીનું છે. આપણે દેશની સમૃદ્ધિ માટે પરિવર્તનને સંચાલિત કરવું જોઈએ, ખેડવું જોઈએ અને તેનું વ્યવસ્થાપન કરવું જોઈએ. આંકડાઓ આશા દર્શાવે છે કે ભારત વૈજ્ઞાનિક પ્રકાશનના સંદર્ભમાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે. આ કોઈ સાધારણ સિદ્ધિ નથી અને તે હૃદયપૂર્વકની પ્રશંસાને પાત્ર છે. ઉન્નત ભારત, આધુનિક ભારત, વૈજ્ઞાનિક ભારતનું નિર્માણ કરવા માટે આ એક મજબૂત પાયો છે.

સાથીઓ, ઉન્નત ભારત બનાવવા માટે આજે ભારતના વિજ્ઞાનને મહત્વાકાંક્ષી બનાવવું પડશે. આપણે માત્ર પ્રતિસ્પર્ધા જ નથી કરવાની, આપણે શ્રેષ્ઠતા દેખાડવી પડશે. આપણે માત્ર સંશોધન કરવા માટે સંશોધન નથી કરવાનું પરંતુ આપણી શોધોને તે સ્તર પર લઇ જવાની છે જેનાથી દુનિયા તેની પાછળ ચાલવાનું શરુ કરે.

આ પડાવ પ્રાપ્ત કરવા માટે આપણે રીસર્ચનું વિસ્તૃત ઇકો સિસ્ટમ બનાવવું પડશે. આજે એવા તંત્રની સૌથી વધુ જરૂરિયાત છે. પછી તે ભલે જળવાયુ પરિવર્તનની વાત હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, વસ્તી ગતિશીલતાની હોય કે પછી બાયો ટેકનોલોજી અને ડિજિટલ માર્કેટ પ્લેસની હોય. આજે આ જ ઇકો સિસ્ટમના માધ્યમથી આપણે આપણા દેશના ટેલેન્ટ પુલની ક્ષમતાનો ફાયદો ઉઠાવી શકીએ છીએ. જો આપણે આવનારા સમયમાં જ્ઞાન સમાજના વૈશ્વિક નેતાની લાઈનમાં ઉભા રહેવું છે તો દેશે પોતાની સંશોધન ક્ષમતા વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા પડશે. આપણે લક્ષ્ય નિર્ધારિત કરીને આંતરશાખાકીય સંશોધનો કરવા પડશે.

સાથીઓ, કોઇપણ દેશની બૌદ્ધિક રચનાત્મકતા અને ઓળખ તેના ઇતિહાસ, કળા, ભાષા અને સંસ્કૃતિ વડે બને છે. તેવામાં આપણે દ્વિધાઓના બંધનથી મુક્ત થઈને સંશોધન કરવું પડશે. હવે એવા સંશોધનની જરૂરિયાત છે જેમાં કળા અને માનવતા, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના નવાચારનું મિશ્રણ હોય. તે જ આપણા દેશની ઓળખને સશક્ત અને ગૌરવમય બનાવી શકે છે.

સાથીઓ, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણું પ્રાચીન જ્ઞાન પણ સંશોધન પર જ આધારિત રહ્યું છે. ભારતીય વિદ્વાનોએ વિજ્ઞાનથી લઈને ગણિત સુધી, કળાથી લઈને સાહિત્ય સુધી, ભાષા વિજ્ઞાનથી લઈને તર્કશાસ્ત્ર અને ચિકિત્સાથી લઇને દર્શન સુધી, દુનિયા સામે પ્રકાશિત કરી છે, પ્રજ્વલિત કરી છે. હવે સમય આવી ગયો છે કે ભારત દુનિયામાં એ જ સ્થાન પ્રાપ્ત કરે. એ ત્યારે જ શક્ય છે જ્યારે દુનિયાની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં એક બનીને આપણે આપણા સંશોધનો અને નવાચારના માધ્યમથી દુનિયાને દિશા આપીએ.

મિત્રો, સંશોધન અને વિકાસમાં આપણી શક્તિ એ આપણી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, આઈઆઈટી, આઈઆઈએસ, ટીઆઈએસઆર અને આઈએસઈઆરની કરોડરજ્જુ પર નિર્મિત છે. આમ છતાં, 95 ટકાથી વધુ આપણા વિદ્યાર્થીઓ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જાય છે જ્યાં સંશોધન ખૂબ મર્યાદિત છે. આ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એ મજબૂત સંશોધન ઇકો સિસ્ટમ વિકસિત થવું જોઈએ. પ્રધાનમંત્રીની વિજ્ઞાન ટેકનોલોજી અને નવાચાર સમિતિને હું આ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવા અને આપણી કોલેજો અને રાજ્યની યુનિવર્સિટીઓમાં સંશોધનને આગળ વધારવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે પરામર્શ કરી એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે આહવાન કરું છું.

મિત્રો, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના તિરુપતિ સત્રમાં મેં ગ્લોબલ રાઈઝ અથવા ફાયબર ફિઝીકલ સિસ્ટમ વિષે વાત કરી હતી. તેનામાં આપણા વસ્તી વિભાજન સમક્ષ એક અભૂતપૂર્વ પડકાર ઊભો કરવાની ક્ષમતા હતી. આપણે તેને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિસિસ અંતર્ગત સંશોધન, તાલીમ અને કૌશલ્યવર્ધન દ્વારા તેને એક મોટી તકમાં પરિવર્તિત કરી શકીએ તેમ છીએ. સરકારે ત્રણ હજાર છસો કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે આંતરશાખાકીય સાયબર ફિઝિકલ સિસ્ટમ પરના એક રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશન નિરંતર પણે સંશોધન અને વિકાસ, ટેકનોલોજી ડેવલપમેન્ટ, માનવ સંસાધન અને કૌશલ્ય, નવાચાર, સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ અને મજબૂત ઉદ્યોગો તથા આંતરરાષ્ટ્રીય જોડાણોને આવરી લે છે.

માહિતી એ એક એવું એન્જીન છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને દોરે છે. સંલગ્ન મંત્રાલયો સાથે કામ કરતા આપણા વૈજ્ઞાનિકોએ અસરકારક ડેટા નીતિ અને પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ કે જે ડેટા જનરેશનથી લઈને ડેટા ફ્લો, ડેટા સંરક્ષણ, ડેટા શેરીંગ અને ડેટાનાં વપરાશને સંપૂર્ણ પણે આવરી લે.

સાથીઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણું સામર્થ્ય, આપણું કૌશલ્ય હમણાં જ મળેલી અવકાશ મિશનની સફળતાઓ દ્વારા મળી શકે છે. હમણાં તાજેતરમાં જ આપણે કાર્ટોસેટ 2 શ્રેણી સેટેલાઈટ સહિત નેવિગેશન, કોમ્યુનિકેશન અને હાયપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સાથે જોડાયેલા 30 વધુ સેટેલાઈટ લોંચ કર્યા છે. વર્ષ 20-22 સુધીમાં ત્રણ ભારતીયોને પોતાના ગગનયાનમાં જ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી જોર શોરથી ચાલી રહી છે.

ઈસરોએ તેના માટે એક ખાસ ટેકનોલોજી ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પણ પ્રદર્શન કર્યું છે. મને આપણા વૈજ્ઞાનિકો પર પૂરો ભરોસો છે કે ગગનયાનનું આપણું સપનું નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું થશે.

સાથીઓ, એવા અનેક ક્ષેત્રો છે જ્યાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ દખલગીરી વડે સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવી શકાય તેમ છે. શું આપણે ટેકનોલોજીની તાકાત વડે સતત ઓપરેટીંગ રેફરન્સ સ્ટેશન નેટવર્ક નથી બનાવી શકતા? જેનાથી આપણને હાઈ રિઝોલ્યુશન જીઓ સ્પેશિયલ ડિજિટલ ડેટા ઝડપી ગતિએ મળી શકે. તેનાથી આપણે આપણા નાવિકો, વૈજ્ઞાનિકો, આયોજનમાં લાગેલા લોકોને વધુ સારો ડેટા ઉપલબ્ધ કરાવી શકીશું. આ વિકાસની યોજનાઓનું આયોજન, દેખરેખ, વ્યવસ્થાપન અને તેના અમલીકરણને વધુ પ્રભાવશાળી બનાવી શકીએ છીએ.

સાથીઓ, ગઈ વખતે જ્યારે ઇમ્ફાલમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો કાર્યક્રમ થયો હતો, ત્યારે મેં આપ સૌ વૈજ્ઞાનિકોને એક વિનંતી કરી હતી કે વૈજ્ઞાનિકોએ સિકલ સેલ એનીમિયાની સમસ્યાનો માર્ગ, સસ્તો, સુલભ અને પ્રભાવી ઈલાજ શોધવાનો છે. આ બીમારીથી આપણો આદિવાસી સમાજ પ્રભાવિત છે. મને ખુશી છે કે સીએસઆઈઆર અને ડીબીટીએ તેના માટે અભિયાનની શરૂઆત કરી દીધી છે. બંને સંસ્થાનોના વૈજ્ઞાનિકો હવે આ બીમારીની અટકાયત અને ઈલાજની સાથે જ હવે એવી જીન થેરાપીનો વિકાસ કરી રહ્યા છે જેનાથી હિમોગ્લોબીનના વિકારોને સાજા કરી શકાય તેમ છે.

મિત્રો, ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજી અને નવાચાર માટે એક નવા ભવિષ્યના રોડ મેપની જરૂર છે. આ જ ઉદ્દેશ્યો સાથે અમે હમણાં તાજેતરમાં પ્રધાનમંત્રીની વિજ્ઞાન ટેકનોલોજી અને નવાચાર સલાહકાર સમિતિની રચના કરી છે. આ કાઉન્સિલ યોગ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીની દખલગીરીની રચના કરશે, તમામ શેરધારકો, મંત્રાલયોના ગઠબંધનને સંચાલિત કરશે, અને મલ્ટીટાસ્ક હોલ્ડર પોલિસી પહેલનું અમલીકરણ કરશે. સરકાર એ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની અંદર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે શિક્ષણનું સ્તર સુધારવાની પ્રક્રિયામાં લાગેલી છે. અમે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને ઉદાર બનાવ્યું છે. યુજીસીએ સારું પ્રદર્શન કરતી યુનિવર્સિટીઓ અને કોલેજોને કાર્ય કરવાની અને નાણાકીય સ્વાયત્તતા આપવા માટે ગ્રેડેડ ઑટોનોમી રેગ્યુલેશન બહાર પાડ્યું છે. અમે એવા ઇન્સ્ટિટયુટ્સ ઑફ એમિનન્સની સ્થાપના કરવાની પ્રક્રિયામાં લાગેલા છીએ કે જેઓ વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓ સાથે સ્પર્ધા કરી શકે. આ પ્રયત્નો સ્પર્ધાનો ઉમેરો કરશે, ખાનગી રોકાણ લાવશે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોની ગુણવત્તાને સુધારશે. અમે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલો પણ શરૂ કર્યું છે. તે એક એવી યોજના છે કે જે અંતર્ગત દેશમાં શ્રેષ્ઠ સંસ્થાનોમાંથી એક હજાર બુદ્ધિમાન વિદ્યાર્થીઓને આઈઆઈટી અને આઈઆઈએસસીમાં પીએચડી કાર્યક્રમો અંતર્ગત સીધો પ્રવેશ આપવમાં આવશે. આ યોજના ગુણવત્તાયુક્ત સંશોધનને સંચાલિત કરશે અને પ્રિમીયર શિક્ષણ સંસ્થાનોમાં ફેકલ્ટીના અભાવની સમસ્યાને સંબોધશે.

મિત્રો, હું આપણા સ્વર્ગીય રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ  કલામના સૂત્રને યાદ કરવા માગું છું, અનેકવિધ કલ્પનાઓ અને સતત પ્રયાસ વડે સમગ્ર બ્રહ્માંડની શક્તિઓને એક પ્રેરણાપ્રાપ્ત મસ્તિષ્ક માટે કામ કરવા પ્રેરિત કરી શકાય તેમ છે. ભારતીય યુવાનોના મસ્તિષ્ક કે જે અગ્રણી સંશોધનના પાયા છે અને ભારતીય વિજ્ઞાનમાં એક નવા યુગ તરીકે ઉભરી આવનાર છે તેમને આપણે કેવી રીતે પ્રજ્વલિત કરી શકીએ.

ભારત એ નવી પેઢીની રચનાત્મકતા, ઊર્જા મય અને આત્મવિશ્વાસપાત્ર મસ્તિષ્ક વડે ઝગમગી રહ્યું છે. સરકાર તેમને વિજ્ઞાનના માધ્યમથી એક ન્યુ ઇન્ડિયાની સ્થાપના કરવા માટે એક સક્ષમ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. એક એવું ભારત કે જે વર્તમાન અને ભવિષ્યના તમામ પડકારો અને તકોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. એક એવું ભારત કે જે નવા વિચારો, જ્ઞાન, સમજણ અને કાર્યોથી તરબતર છે. એક એવું ભારત કે જે વધુ મજબૂત છે, આત્મવિશ્વાસી છે, સમૃદ્ધ અને તંદુરસ્ત છે. એક એવું ભારત કે જે સહિષ્ણુ અને સંકલિત છે.

હું આપ સૌને એક રચનાત્મક અને લાભદાયી નવા વર્ષ 2019ની શુભેચ્છાઓ પાઠવું છું.

આભાર, આપનો ખૂબખૂબ આભાર!

NP/J.Khunt/GP/RP