Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર પડતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું


100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર પડવા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

દેશને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ રસીના 100 કરોડ ડૉઝીસ આપવાના મુશ્કેલ પરંતુ અપૂર્વ પરાક્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ 130 કરોડ દેશવાસીઓના સમર્પણને કારણે છે અને કહ્યું કે આ સફળતા ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની સફળતા છે. તેમણે કહ્યું હતું કે 100 કરોડ રસીકરણ એ માત્ર એક આંકડો નથી પણ દેશની તાકાતનું પ્રતિબિંબ છે, ઈતિહાસમાં એક નવા અધ્યાયનું સર્જન છે. આ નવા ભારતનું ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યોને સ્થાપિત કરે છે અને જાણે છે કે એને કેવી રીતે સિદ્ધ કરવાં.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે, ઘણા લોકો ભારતના રસીકરણના કાર્યક્રમને વિશ્વના અન્ય દેશો સાથે સરખાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે ઝડપે ભારતે 100 કરોડ, 1 અબજનો આંક પાર કર્યો એની પણ પ્રશંસા થઈ રહી છે. તેમ છતાં, તેમણે ધ્યાન દોર્યું હતું કે આ વિશ્લેષણમાં, ભારત માટે શરૂઆતનું બિંદુ ઘણી વાર ચૂકી જવાય છે. તેમણે કહ્યું કે વિકસિત દેશો પાસે રસીઓના સંશોધન અને એને વિકસાવવાની દાયકાઓની કુશળતા છે. ભારત મોટા ભાગે આ દેશો દ્વારા બનાવાયેલી રસીઓ પર આધારિત રહેતું હતું. તેમણે કહ્યું કે આને કારણે જ્યારે સદીની સૌથી મોટી મહામારી ત્રાટકી, ત્યારે વૈશ્વિક મહામારી સામે લડવા ભારતની ક્ષમતા વિશે વિવિધ સવાલો ઊભા થયા હતા. અન્ય દેશોમાંથી આટલી બધી રસીઓ ખરીદવા ભારત નાણાં ક્યાંથી લાવશે? ભારત આ રસીઓ ક્યારે મેળવશે? ભારતના લોકોને રસી મળશે કે કેમ? મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત પૂરતા લોકોને રસી આપી શકશે કે કેમ? એવા સવાલોના જવાબ 100 કરોડ રસીકરણ કરવાના આ પરાક્રમને સિદ્ધ કરીને આપી દેવાયા છે. તેમણે ભાર મૂક્યો હતો કે ભારતે એના નાગરિકોને 100 કરોડ રસીના ડૉઝ આપ્યા છે એટલું નહીં પણ એ નિ:શુલ્ક આપ્યા છે. તેમણે કહ્યું કે ફાર્મા હબ તરીકે ભારત વિશ્વમાં જે સ્વીકૃતિ અનુભવે છે એ વધુ મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના મહામારીની શરૂઆતમાં, લોકો ચિંતિત હતા કે ભારત જેવી લોકશાહીમાં આ મહામારી સામે લડવાનું ઘણું મુશ્કેલ હશે. એવા સવાલો પણ થયા હતા કે આટલો બધો સંયમ અને આટલું બધું શિસ્ત ચાલશે? તેમણે કહ્યું કે આપણા માટે લોકશાહીનો મતલબ છે સબ કા સાથ, સૌને સાથે લઈ ચાલવું. દેશે ‘મફત રસી અને દરેકને માટે રસી’નું અભિયાન આદર્યું. ગરીબ-તવંગર, ગ્રામીણ-શહેરી તમામને સમાન રીતે રસી અપાઇ. તેમણે ટિપ્પણી કરી હતી કે દેશ એક જ મંત્ર ધરાવે છે કે જો રોગ ભેદભાવ ન કરતો હોય તો રસીકરણમાં પણ કોઇ ભેદભાવ ન હોઇ શકે. તેમણે કહ્યું કે અને એટલે જ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે અધિકારોનું વીઆઇપી કલ્ચર રસીકરણ અભિયાન પર હાવી ન થાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એવા સવાલો ઊભા કરાયા હતા કે ભારતના મોટા ભાગના લોકોને રસી ટંકાવવા રસીકરણ કેન્દ્ર નહીં મળે. આજે પણ વિશ્વના ઘણા મોટા વિકસિત દેશોમાં રસીકરણ સામેનો ખચકાટ મોટો પડકાર છે. પણ ભારતના લોકોએ રસીના 100 કરોડ ડૉઝીસ લઈને આનો જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે જો અભિયાન સબ કા પ્રયાસ છે, અને જો દરેકના પ્રયાસોનો સુમેળ સધાય તો પરિણામો અદભૂત મળે છે. તેમણે કહ્યું કે મહામારી સામે દેશની લડાઇમાં સરકારે જન ભાગીદારી-લોકોની સહભાગિતાને પ્રથમ હરોળનું સંરક્ષણ બનાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનની કૂખે જનમ્યો છે, વૈજ્ઞાનિક આધારે વિકસ્યો છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ચારેય દિશાઓમાં પહોંચ્યો છે. તેમણે કહ્યું કે આપણા સૌના માટે એ ગર્વની બાબત છે કે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાન જન્મિત, વિજ્ઞાન ચાલિત અને વિજ્ઞાન આધારિત રહ્યો છે. તેમણે કહ્યું કે રસી બનાવાઇ એ પહેલાં અને રસી અપાઈ ન જાય ત્યાં સુધી સમગ્ર અભિયાન વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત રહ્યું છે. ઉત્પાદન વધારવાની જરૂરિયાતનો પડકાર પણ હતો. ત્યારબાદ, વિવિધ રાજ્યો અને દૂર-સુદૂરના વિસ્તારોમાં રસીઓ સમયસર પહોંચાડવાની અને વિતરણ કરવાની હતી. પરંતુ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નવીન પ્રણાલિકાઓ સાથે દેશે આ પડકારોનો ઉકેલ શોધી લીધો. અસાધારણ ઝડપે સંસાધનો વધારવામાં આવ્યા. તેમણે કહ્યું કે ભારતમાં બનેલ કોવિન પ્લેટફોર્મે સામાન્ય લોકોને સગવડ આપી એટલું જ નહીં પણ આપણા આરોગ્ય સ્ટાફનું કાર્ય પણ સરળ બનાવ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના અર્થતંત્ર વિશે દેશ-વિદેશના નિષ્ણાતો અને ઘણી એજન્સીઓ બહુ સકારાત્મક છે. આજે, ભારતીય કંપનીઓમાં વિક્રમી રોકાણ આવી રહ્યું છે એટલું જ નહીં પણ યુવાઓ માટે રોજગારની નવી તકો પણ સર્જાઇ રહી છે. સ્ટાર્ટ અપ્સમાં વિક્રમી રોકાણ સાથે યુનિકોર્ન્સ બની રહી છે. આવાસ ક્ષેત્રમાં પણ નવી ઊર્જા દ્રષ્ટિમાન થઈ રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા સુધારાઓ અને પહેલ હાથ ધરાઇ છે, જે ભારતના અર્થતંત્રને વધુ ઝડપથી વિકસવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે મહામારી દરમ્યાન, કૃષિ ક્ષેત્રએ આપણા અર્થતંત્રને મજબૂત રાખ્યું હતું. આજે અનાજની સરકારી પ્રાપ્તિ વિક્રમી સ્તરે થઈ રહી છે. નાણાં સીધા ખેડૂતોના બૅન્ક ખાતાઓમાં જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ આગ્રહ રાખ્યો કે લોકો દરેક નાની વસ્તુ પણ એવી ખરીદે જે ભારતમાં બની હોય, જે ભારતીયના કઠોર પરિશ્રમથી બની હોય. તેમણે કહ્યું કે દરેકના પ્રયાસોથી જ આ શક્ય બનશે. સ્વચ્છ ભારત અભિયાન જેમ સામૂહિક ચળવળ છે એવી જ રીતે, મેડ ઇન ઈન્ડિયા વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવી, વોકલ ફોર લોકલ બનવું એને અમલમાં મૂકવું જ રહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ જાણે છે કે મોટાં લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા અને કેવી રીતે એને સિદ્ધ કરવાં. તેમણે ભાર મૂક્યો હતો કે કવચ ગમે એટલું સારું કેમ ન હોય, બખતર ગમે એટલું આધુનિક કેમ ન હોય, કવચ સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતું હોય તો પણ યુદ્ધ જ્યારે ચાલતું હોય છે ત્યારે હથિયારો હેઠાં મૂકાતાં નથી. એવી જ રીતે, બેદરકાર બનવાને કોઇ જ કારણ નથી. તેમણે લોકોને વિનંતી કરી હતી કે આપણા તહેવારોને તેઓ સર્વોચ્ચ કાળજી સાથે ઉજવે.

 

SD/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  pibahmedabad1964@gmail.com