Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હૈદરાબાદમાં આઇટી પર આયોજીત વિશ્વ પરિષદને પ્રધાનમંત્રીનું વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન

હૈદરાબાદમાં આઇટી પર આયોજીત વિશ્વ પરિષદને પ્રધાનમંત્રીનું વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન


ભાઈઓ અને બહેનો,

ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની વિશ્વ પરિષદનું ઉદઘાટન કરતાં હું આનંદ અનુભવું છું. આ એક એવો સમારંભ છે કે જે ભારતમાં સૌ પ્રથમવાર યોજાઈ રહ્યો છે. તેનું આયોજન NASSCOM, WITSA અને તેલંગણા સરકારનાં સહયોગથી કરવામાં આવ્યું છે.

મને ખાતરી છે કે આ કોન્ફરન્સથી દુનિયાભરનાં રોકાણકારો, નવપ્રવર્તકો, વિચારકો અને અન્ય સહયોગીઓને પરસ્પર લાભ થશે. મને ત્યાં વ્યક્તિગત હાજરી આપવાનું ગમ્યું હોત. છતાં, મને આનંદ છે કે આઈટીની શક્તિને કારણે હું તમને દૂરથી પણ સંબોધન કરી શકું છું.

વિદેશમાંથી અહીં જોડાયેલા પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત છે, હૈદરાબાદમાં સ્વાગત છે.

કોન્ફરન્સની સાથે સાથે મને આશા છે કે તમને થોડો સમય ઉજ્જવળ ઈતિહાસનાં દર્શનનું અને હૈદ્રાબાદની સ્વાદિષ્ટ વાનગીઓ માણવાનું ગમશે. મને આશા છે કે તેનાથી તમને ભારતનાં બીજા પ્રદેશોની મુલાકાત લેવા માટેનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

વાસ્તવમાં ભારત એ પૌરાણિક, સમૃદ્ધ અને વિવિધ સંસ્કૃતિઓનું ઘર છે અને તેની વચ્ચેથી એકતાનો સંદેશ પ્રસરે છે.

ભાઈઓ અને બહેનો,

“વસુધૈવ કુટુમ્બકમ- સમગ્ર વિશ્વ એક પરિવાર છે” એ વાત ભારતની વિચારધારામાં ઊંડાણથી વણાયેલી છે. તે અમારી સમાવેશી પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે. 21મી સદીમાં ટેકનોલોજી પણ આ અભિગમને એકરૂપ કરનારૂં સાધન બની છે. તે આપણને એક સીમા વિહિન, સુસંકલિત વિશ્વના નિર્માણમાં સહાય કરે છે.

એવું વિશ્વ કે જ્યાં ભૌગોલિક અંતર હવે કોઈ અવરોધ ગણાતું નથી અને બહેતર વિશ્વ માટે સહયોગ સાધી શકાય છે. આજે ભારત તમામ ક્ષેત્રોમાં ડીજીટલ ઈનોવેશનનું ધમધમતું કેન્દ્ર બન્યું છે.

અમારે ત્યાં ઈનોવેટીવ ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધતી જાય છે, પણ સાથે-સાથે ટેક-ઈનોવેશનનું બજાર પણ વધતું જાય છે. અમે હતા અને અમે દુનિયાની અત્યંત ટેક-ફ્રેન્ડલી વસતિ બની રહીશું. એક લાખથી વધુ ગામડાંઓને ઓપ્ટીકલ ફાઈબરથી, 121 કરોડ મોબાઈલ ફોનથી, 120 કરોડ આધાર અને 55 કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ અમારે ત્યાં છે.

ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભારત એક ઉત્તમ સ્થળ છે અને અમે દરેક નાગરિકનાં સશક્તિકરણની ખાતરી કરીને ભવિષ્ય તરફ હરણફાળ ભરીશું. ડીજીટલ ઈન્ડિયા એ ડીજીટલ સમાવેશીતા લાવવા માટે ડીજીટલ સશક્તિકરણ માટેની ડીજીટલ માળખા દ્વારા ડીજીટલ પહોંચ છે. ટેકનોલોજીનો લાભ સમગ્રપણે લેવાની બાબત અમારા માટે થોડા વર્ષ પહેલાં વિચારી શકાય તેવી પણ ન હતી.

અમે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં આ લાઈફ સાયકલને સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. જાહેર વર્તણુંક અને પ્રક્રિયાઓમાં પરિવર્તનને પરિણામે આ શક્ય બન્યું છે. ડીજીટલ ઈન્ડિયા માત્ર સરકારની પહેલ બનીને જ રહી નથી, પરંતુ એ એક જીવનશૈલી બની ગઈ છે.

ટેકનોલોજી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી આગળ વધીને લોકોના જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે, જ્યારે મોટાભાગની સરકારી પહેલ રાજ્ય સરકારનાં બળ આપવા પર આધાર રાખતી હોય છે ત્યારે ડીજીટલ ઈન્ડિયાની ઝુંબેશ લોકોનાં પ્રયાસને કારણે સફળ થઈ છે.

JAM ત્રિપુટી દ્વારા ગરીબ લોકોના 32 કરોડ જનધન બેંક ખાતાને આધાર અને મોબાઈલ સાથે જોડીને સીધા લાભ આપવાનાં કલ્યાણકારી પગલાંથી રૂ. 57,000 કરોડની બચત થઈ છે. આશરે 22 મિલિયન જેટલા ડીજીટલ હોસ્પિટલ વ્યવહારો ભારતની 112 હોસ્પિટલોમાં હાથ ધરાયા છે. તેનાથી દર્દીઓનાં જીવનમાં સરળતા પ્રાપ્ત થઈ છે. સરળ સ્કોલરશીપ માટેનાં નેશનલ સ્કોરલરશીપ પોર્ટલમાં 14 મિલિયન વિદ્યાર્થીઓ નોંધવામાં આવ્યા છે.

ઇનામ એક ઓનલાઈન કૃષિ બજાર છે. તે ખેડૂતોને ઉત્તમ કિંમતો દર્શાવે છે. તેની સાથે 6.6 મિલિયન ખેડૂતોની નોંધણી થઇ છે અને 470 ખેત બજારો જોડાયેલી છે. ભીમ-યુપીઆઇ દ્વારા જાન્યુઆરી, 2018માં રૂ.15,000 કરોડના વ્યવહારો નોંધાયા છે.

અનોખી ઉમંગ એપ માત્ર 3 મહિના પહેલાં જ શરૂ કરવામાં આવી હતી અને તે અત્યારે 185 જેટલી સરકારી સેવાઓ પૂરી પાડે છે.

આજે દેશનાં વિવિધ ભાગોમાં 2.8 લાખ કોમન સર્વિસ સેન્ટર્સ છે કે જે લોકોને ડીજીટલ સેવાઓ આપે છે. આ કેન્દ્રોમાં 1000 મહિલાઓ સહિત 10 લાખ લોકો કામ કરે છે. આપણાં યુવાનોનું કૌશલ્ય અને પ્રતિભાનો લાભ લેવા માટે ભારતનાં નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં કોહિમા અને ઈમ્ફાલ જેવા સ્થળોએ તથા જમ્મુ અને કાશ્મીરનાં વિસ્તારોમાં બીપીઓ ચાલુ કરવામાં આવ્યા છે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 86 યુનિટ કામ કરતા થઈ ગયા છે અને ટૂંક સમયમાં બીજા ઘણાં ચાલુ પણ થઈ જશે.

દરેક ઘરમાં ડીજીટલ સાક્ષરતા પ્રાપ્ત થાય તે માટે અમે પ્રધાનમંત્રી ગ્રામિણ ડીજીટલ સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે, જેના દ્વારા પુખ્ત વયના 60 લાખ લોકોને ગ્રામ્ય વિસ્તારોમાં સાક્ષર કરવાની યોજના છે. આ યોજના હેઠળ 10 લાખ લોકો તાલિમ પામી ચૂક્યા છે.

મેક ઈન ઈન્ડિયા અને ડીજીટલ ઈન્ડિયા દ્વારા અમે ઘણો લાંબો રસ્તો કાપ્યો છે. 2014માં ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરતા માત્ર બે એકમો હતા. હાલમાં ભારતમાં 118 એકમો કામ કરે છે, જેમાં વિશ્વની કેટલીક શ્રેષ્ઠ બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે.

ભારતના રાષ્ટ્રીય ખરીદ પોર્ટલ તરીકે ઈ-માર્કેટ પ્લેસને વિકસાવવામાં આવ્યું છે, જેના દ્વારા નાના અને મધ્યમ કદના એકમો સરકારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્પર્ધા કરે છે. આ સરળ આઈટી ફ્રેમવર્ક દ્વારા સરકારની માલ-સામગ્રીની ખરીદીમાં પારદર્શકતા આવી છે અને તેનાથી ખરીદીની પ્રક્રિયામાં પણ ગતિ આવી છે અને હજારો નાના અને મધ્યમ કદના એકમોનું સશક્તિકરણ પણ થયું છે.

ગઈકાલે મને મુંબઈ યુનિવર્સિટી ખાતે વાધવાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક પ્રાપ્ત થઈ હતી. આ એક સ્વતંત્ર નોન-પ્રોફિટ સંશોધન સંસ્થા છે અને તેનો ઉદ્દેશ સામાજીક કલ્યાણ માટે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો છે.

થોડાં દિવસ પહેલાં દુબઈમાં વિશ્વ સરકાર પરિષદમાં મને એક પ્રદર્શનની મુલાકાત લેવાની તક મળી. આ પ્રદર્શન “મ્યુઝિયમ ઑફ ફયુચર” હતું. તેમાં નવા વિચારો માટેનાં ઈન્ક્યુબેટર અને નવપ્રવર્તન માટે પ્રેરણા મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. હું ટેકનોલોજીનાં મહારથીઓની કદર કરૂં છું. તેમાંના કેટલાક આજે શ્રોતાઓમાં ઉપસ્થિત છે. તેઓ જે કામ કરે છે તેનાથી માનવજાતનું એક સારૂ અને વધુ આરામદાયક ભવિષ્ય તૈયાર થશે.

આપણે આજે ચોથી ઔદ્યગિક ક્રાંતિના આંગણે આવીને ઉભા છીએ. ટેકનોલોજીનો જો સારા કામો માટે ઉપયોગ થશે તો તે પૃથ્વી પર માનવજાતને લાંબા ગાળાની સમૃદ્ધિ અને ટકી શકે તેવું ભવિષ્ય પૂરૂ પાડશે. આ સંદર્ભમાં હું વર્લ્ડ કોન્ફરન્સ ઓન ઈન્ફોર્મેશન ટેકનોલોજીને ભારતમાં આ સ્વરૂપે મૂલવું છું.

આ કોન્ફરન્સનો જે મહત્વનો વિષય છે તેમાં જે તકો આપણી પ્રતિક્ષા કરી રહી છે તેને પ્રતિબિંબિત કરાઈ છે. બ્લોક ચેઈન અને ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ જેવી વિઘટનકારી ટેકનોલોજીથી આપણે જે રીતે જીવીએ છીએ અને કામ કરીએ છીએ તેમાં આપણાં કામકાજના સ્થળોએ તેનું ઝડપી અમલીકરણ કરવાની જરૂર પડશે.

ભવિષ્યના કામના સ્થળોએ નાગરિકોને કૌશલ્ય પૂરૂ પાડવું તે મહત્વની બાબત બની રહેશે. ભારતમાં અમે નેશનલ સ્કીલ ડેલપમેન્ટ મિશનની શરૂઆત બાળકો અને યુવાનોના ઉજળા ભવિષ્ય માટે કરી છે. અમે એ બાબતની પણ ખાતરી રાખવા માંગીએ છીએ કે જેમ જેમ ટેકનોલોજી ઉભરતી જાય છે, તેમ તેમ હાલનું શ્રમદળ પણ પોતાની જાતને રિ-સ્કીલ (કૌશલ્ય વર્ધન) કરે.

આ સમારંભમાં જેમને આમંત્રણ અપાયું છે તેવા વક્તાઓમાંના એક રોબોટ સોફિયા નવી ટેકનોલોજીની ક્ષમતા દર્શાવે છે. ઈન્ટેલિજન્ટ ઓટોમેશનના ઉભરતા યુગમાં આપણે નોકરીઓની બદલાતી પ્રકૃતિનું પ્રતિબિંબ પાડવાનું છે. હું નાસકોમને “સ્કીલ્સ ઓફ ફ્યુચર” વિકસાવવા બદલ અભિનંદન પાઠવું છું.

મને કહેવામાં આવ્યું છે કે નાસકોમે 8 મહત્વની ટેકનોલોજીની ઓળખ કરી છે, જેમાં તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન, ઈન્ટરનેટ ઑફ થીંગ્ઝ, બીગ ડેટા એનાલિટીક્સ, થ્રીડી પ્રિન્ટીંગ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, સોશ્યલ એન્ડ મોબાઈલનો સમાવેશ થાય છે. નાસકોમ દ્વારા એવી 5 જોબ ઓળખી કાઢવામાં આવી છે, જેની વિશ્વભરમાં ઉંચી માંગ રહેશે.

મને ખાતરી છે કે “સ્કીલ્સ ઑફ ફ્યુચર” પ્લેટફોર્મથી ભારતને તેની સ્પર્ધાત્મક સરસાઈ જાળવવામાં મોટી સહાય થશે. ડીજીટલ ટેકનોલોજી હવે દરેક બિઝનેસના કેન્દ્રમાં રહે છે. નવી ટેકનોલોજીને વિવિધ સંચાલનોમાં અને બિઝનેસ એકમની પ્રક્રિયાઓમાં વણી લેવાનો સમય પાકી ગયો છે.

આપણે આપણાં નાના અને મધ્યમ કદનાં કરોડો એકમોને કઈ રીતે ટૂંકા ગાળામાં આવા પરિવર્તન માટે પ્રેરી શકીશું. ઈનોવેશનના મહત્વને ધ્યાનમાં રાખીને ભવિષ્યના અર્થતંત્ર અને બિઝનેસ માટે ભારત સરકારે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા પહેલ શરૂ કરી છે.

અમે વિશ્વાસ છે કે અમારા સ્ટાર્ટ-અપ ઈકોનોમિક સેક્ટર્સ અને વર્ટિકલ્સમાં અર્થક્ષમ ઉપાયો શોધવામાં મહત્વના બની રહ્યા છે.

અટલ ઈનોવેશન મિશન હેઠળ અમે ભારતભરની શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્ઝ સ્થાપી રહ્યા છીએ. આ યોજનાનો ઉદ્દેશ યુવા માનસની કુતૂહલ, સર્જનાત્મકતા અને કલ્પનાને વેગ આપવાનો છે.

ભાઈઓ અને બહેનો, મને ખાતરી છે કે તમે જ્યારે આઇટીના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરશો ત્યારે તમારા માનસમાં સામાન્ય માનવીનું હિત પણ પડેલું હશે. હું ફરી એકવાર દુનિયાભરમાંથી આવેલા માનવંતા મહેમાનોનું સ્વાગત કરૂં છું. તમારી ચર્ચાઓ ફળદાયી બની રહે અને તેના પરિણામોથી દુનિયાના ગરીબો અને વંચિતોને લાભ થાય.

આપનો આભાર.

 

NP/J.khunt/GP/RP