Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સી-295 એરક્રાફ્ટ ફેક્ટરીના ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

સી-295 એરક્રાફ્ટ ફેક્ટરીના ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ


મહાનુભાવ પેડ્રો સાંચેઝ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્પેન અને રાજ્ય સરકારના મંત્રીઓ, એરબસ અને ટાટા ટીમના તમામ સભ્યો, સન્નારીઓ અને સજ્જનો!

નમસ્કાર!

શુભ સવાર!

મારા મિત્ર, શ્રી પેડ્રો સાંચેઝ, પહેલી જ વાર ભરતની મુલાકાતે આવી રહ્યા છે. આજથી અમે ભારત અને સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેની ફેક્ટરીનું ઉદઘાટન કરી રહ્યા છીએ. આ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધોને તો મજબૂત કરવાની સાથે-સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના અમારા મિશનને પણ સશક્ત બનાવશે. સમગ્ર એરબસ અને ટાટા ટીમને મારી શુભકામનાઓ. ગત દિવસોમાં જ આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. જો રતન ટાટાજી આજે આપણી સાથે હોત તો તેઓ આપણામાં સૌથી વધુ ખુશ હોત. તેમનો આત્મા જ્યાં પણ હશે, મને ખાતરી છે કે તેઓ આજે અપાર આનંદની અનુભૂતિ કરશે.

મિત્રો,

સી-295 એરક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. વિચારથી લઈને અમલ સુધી, આજે ભારત જે ગતિથી કામ કરે છે તે અહીં સ્પષ્ટ છે. આ ફેક્ટરીનું બાંધકામ બે વર્ષ પહેલાં ઓક્ટોબરમાં શરૂ થયું હતું. અને આ ફેક્ટરી ઓક્ટોબરમાં જ એરક્રાફ્ટ પ્રોડક્શન માટે તૈયાર છે. મેં હંમેશાં આયોજન અને અમલમાં બિનજરૂરી વિલંબ ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે વડોદરામાં બોમ્બાર્ડિયર ટ્રેન કોચ બનાવવા માટે ફેક્ટરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ફેક્ટરી પણ રેકોર્ડ સમયમાં ઉત્પાદન માટે સ્થાપિત કરવામાં આવી હતી. આજે, અમે તે ફેક્ટરીમાં બનેલા મેટ્રો કોચને બીજા દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ ફેક્ટરીમાં ઉત્પાદિત વિમાનોની ભવિષ્યમાં વિશ્વભરમાં નિકાસ પણ કરવામાં આવશે.

મિત્રો,

પ્રખ્યાત સ્પેનિશ કવિ એન્ટોનિયો મચાડોએ એક વખત લખ્યું હતું:

“મુસાફર, કોઈ રસ્તો નથી… રસ્તો ચાલવાથી જ બને છે.”

તે સૂચવે છે કે જે ક્ષણે આપણે આપણા ધ્યેય તરફ પ્રથમ પગલું ભરીએ છીએ, તે જ ક્ષણે માર્ગો રચાવા માંડે છે. આજે ભારતની સંરક્ષણ ઉત્પાદન પ્રણાલી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. જો આપણે એક દાયકા પહેલાં નક્કર પગલાં ન લીધાં હોત, તો આજે આ સિમાચિહ્ન સુધી પહોંચવું અશક્ય હોત. તે સમયે ભારતમાં મોટા પાયે સંરક્ષણ ઉત્પાદનની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. તે પછી અગ્રતાઓ અને ઓળખ આયાત પર કેન્દ્રિત હતી. પરંતુ અમે એક નવા જ માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું, નવાં ધ્યેયો નક્કી કર્યા અને આજે આપણે તેનાં પરિણામો જોઈ શકીએ છીએ.

મિત્રો,

કોઈ પણ શક્યતાને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા માટે, યોગ્ય આયોજન અને યોગ્ય ભાગીદારી આવશ્યક છે. ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન એ યોગ્ય યોજના અને યોગ્ય ભાગીદારીનું ઉદાહરણ છે. વીતેલા દાયકામાં દેશે એવા નિર્ણયો લીધા છે, જેણે ભારતમાં જીવંત સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. અમે સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારી છે, જાહેર ક્ષેત્રના એકમોને કાર્યક્ષમ બનાવ્યા છે, ઓર્ડનન્સ ફેક્ટરીઓને સાત મોટી કંપનીઓમાં રૂપાંતરિત કરી છે, ડીઆરડીઓ અને એચએએલને સશક્ત બનાવ્યા છે તથા ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં બે મુખ્ય સંરક્ષણ કોરિડોર વિકસાવ્યા છે. આ પહેલોએ સંરક્ષણ ક્ષેત્રને નવી ઊર્જાનો સંચાર કર્યો છે. આઇડીઇએક્સ (ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ) જેવી યોજનાઓએ સ્ટાર્ટ-અપ્સને વેગ આપ્યો છે અને છેલ્લાં 5-6 વર્ષમાં ભારતમાં આશરે 1,000 નવા સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સનો ઉદય થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો થયો છે. અત્યારે આપણે દુનિયામાં 100થી વધારે દેશોમાં સંરક્ષણ ઉપકરણની નિકાસ કરી રહ્યાં છીએ.

મિત્રો,

આજે, ભારતમાં કૌશલ્ય અને રોજગાર સર્જન પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એરબસ અને ટાટાની આ ફેક્ટરીથી ભારતમાં પણ હજારો રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટને કારણે 18,000 એરક્રાફ્ટ પાર્ટ્સનું સ્વદેશી ઉત્પાદન શરૂ થવાનું છે. એક ભાગનું ઉત્પાદન દેશના એક ભાગમાં થઈ શકે છે, જ્યારે બીજો ભાગ અન્યત્ર પણ બનાવી શકાય છે, અને આ ભાગોનું ઉત્પાદન કોણ કરશે? અમારા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમએસએમઇ) આ કાર્યનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. અમે પહેલાથી જ વિશ્વભરની મોટી વિમાન કંપનીઓને ભાગોના સૌથી મોટા સપ્લાયર્સમાંના એક છીએ. આ નવી એરક્રાફ્ટ ફેક્ટરીથી ભારતમાં નવા કૌશલ્ય અને નવા ઉદ્યોગોને વેગ મળશે.

મિત્રો,

હું આ ઘટનાને માત્ર પરિવહન વિમાનના ઉત્પાદનથી આગળ જતા જોઉં છું. વીતેલા દાયકામાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન જોયું છે. અમે દેશભરના સેંકડો નાના શહેરોમાં હવાઈ જોડાણને વિસ્તૃત કરી રહ્યા છીએ. અમે ભારતને ઉડ્ડયન અને એમઆરઓ (મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) માટેનું કેન્દ્ર બનાવવા કામ કરી રહ્યા છીએ. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ નાગરિક વિમાનો માટે માર્ગ મોકળો કરશે. તમે જાણતા જ હશો કે વિવિધ ભારતીય એરલાઇન્સે 1,200 નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આ ફેક્ટરી ભારત અને દુનિયા બંનેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાગરિક વિમાનોની ડિઝાઇન અને ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

મિત્રો,

ભારતનાં આ પ્રયાસોમાં વડોદરા શહેર ઉદ્દીપકનું કામ કરશે. આ શહેર પહેલેથી જ એમએસએમઇ માટે એક મજબૂત કેન્દ્ર છે, અને આપણી પાસે અહીં ગત શક્તિ યુનિવર્સિટી પણ છે. આ યુનિવર્સિટી વિવિધ ક્ષેત્રો માટે વ્યાવસાયિકો તૈયાર કરી રહી છે. વડોદરામાં ફાર્મા સેક્ટર, એન્જિનિયરિંગ અને હેવી મશીનરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અને પાવર અને એનર્જી ઇક્વિપમેન્ટ્સ સાથે સંકળાયેલી અસંખ્ય કંપનીઓ છે. હવે આ સંપૂર્ણ ક્ષેત્ર ભારતમાં ઉડ્ડયન ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. હું ગુજરાત સરકારને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈને, તેમની સમગ્ર ટીમને તેમની આધુનિક ઔદ્યોગિક નીતિઓ અને નિર્ણયો માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મિત્રો,

વડોદરાની એક બીજી ખાસ લાક્ષણિકતા છે. તે ભારતનું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક શહેર છે, જે વારસાની નગરી છે. એટલે અહીં સ્પેનથી આપ સૌનું સ્વાગત કરતાં મને વિશેષ આનંદ થાય છે. ભારત અને સ્પેન વચ્ચે સાંસ્કૃતિક જોડાણોનું વિશેષ મહત્વ છે. મને ફાધર કાર્લોસ વાલેસ યાદ આવે છે, જેઓ સ્પેનથી આવ્યા હતા અને ગુજરાતમાં સ્થાયી થયા હતા, તેમણે પોતાના જીવનના પચાસ વર્ષ અહીં સમર્પિત કર્યા હતા અને તેમના વિચારો અને લખાણો દ્વારા આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી હતી. મને તેમને મળવાનું ઘણી વાર સૌભાગ્ય મળ્યું. અમે તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ગુજરાતમાં અમે તેમને પ્રેમથી ફાધર વાલેસ કહેતા હતા અને તેઓ ગુજરાતીમાં લખતા હતા. તેમના પુસ્તકોએ ગુજરાતી સાહિત્ય અને આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યું છે.

મિત્રો,

મેં સાંભળ્યું છે કે સ્પેનમાં યોગ ખૂબ જ લોકપ્રિય છે. ભારતીય ચાહકો પણ સ્પેનના ફૂટબોલના વખાણ કરે છે. ગઈકાલે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચેની મૅચની ભારતમાં ખૂબ ચર્ચા થઈ હતી અને બાર્સેલોનાનો શાનદાર વિજય અહીં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હું ખાતરી આપું છું કે ભારતની બંને ક્લબના ચાહકો સ્પેનની જેમ જ ઉત્સાહથી મજાકમાં કરતા રહે છે.

મિત્રો,

ભોજન, ફિલ્મો અને ફૂટબૉલ – આ બધાં જ તત્ત્વો આપણાં રાષ્ટ્રો વચ્ચેના લોકો વચ્ચેના મજબૂત જોડાણનો એક ભાગ છે. મને પ્રસન્નતા છે કે ભારત અને સ્પેને વર્ષ 2026ને ભારત-સ્પેન સંસ્કૃતિ, પ્રવાસન અને એઆઈ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

મિત્રો,

ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારી પ્રિઝ્મ જેવી છે, જે બહુઆયામી, જીવંત અને નિરંતર વિકસી રહેલી છે. મને વિશ્વાસ છે કે, આજનું આ આયોજન ભારત અને સ્પેન વચ્ચે સંયુક્ત સહયોગના ઘણા નવા પ્રોજેક્ટને પ્રેરિત કરશે. હું સ્પેનિશ ઉદ્યોગ અને નવપ્રવર્તકોને પણ ભારત આવવા અને આપણી વિકાસ યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપું છું. ફરી એક વાર, એરબસ અને ટાટા ટીમોને આ પ્રોજેક્ટ માટે મારી શુભકામનાઓ.

આભાર.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com