Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિડની ડાયલોગમાં પ્રધાનમંત્રીએ મુખ્ય સંબોધન કર્યું, ટેક્નોલોજી ક્ષેત્રે ભારતના ઇવોલ્યૂશન અને રિવોલ્યૂશન અંગે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રારંભિક સિડની ડાયલોગને વીડિયો કોન્ફરન્સ મારફત મુખ્ય સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ ભારતના ટેક્નોલોજી ઇવોલ્યૂશન અને રિવોલ્યૂશનના વિષય પર સંબોધન કર્યું હતું. સંબોધન પૂર્વે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી સ્કોટ મોરિસન દ્વારા પ્રારંભિક ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઇન્ડો પેસિફિક રિજનમાં અને ઊભરતા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રવર્તી ભૂમિકાના થયેલા સ્વીકારની નોંધ લીધી હતી. ડિજિટલ યુગના લાભાલાભ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ દરિયાના પેટાળથી લઇને સાયબર અને અંતરિક્ષ સુધીના વિવિધ પ્રકારના પડકારોના સ્વરૂપમાં નવા જોખમો અને નવા પ્રકારના સંઘર્ષોનો સામનો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકશાહીની સૌથી મોટી શક્તિ તેનું ખુલ્લાપણું છે. સમયે આપણે અમુક સ્થાપિત હિતોને ખુલ્લાપણાંનો દુરૂપયોગ કરવા દેવો જોઇએ નહીં.  

પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકશાહી રાષ્ટ્ર તરીકે તથા ડિજિટલ ક્ષેત્રે અગ્રણી રાષ્ટ્ર તરીકે ભારત સહિયારી સમૃદ્ધિ અને સલામતી માટે ભાગીદાર રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા તૈયાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની ડિજિટલ રિવોલ્યૂશનના મૂળ અમારી લોકશાહીમાં, અમારી વસતિમાં, અને અમારા અર્થતંત્રના કદમાં રહેલા છે. તેને અમારા યુવાઓની સાહસિકતા અને ઇનોવેશન વડે પ્રોત્સાહન મળ્યું છે. અમે ભૂતકાળના પડકારોને ભવિષ્યમાં મોટી છલાંગ મારવા માટેના અવસરમાં પરિવર્તિત કરી રહ્યાં છીએ.  

પ્રધાનમંત્રીએ ભારતમાં થઈ રહેલા પાંચ મહત્વપૂર્ણ બદલાવ વર્ણવ્યા હતાં. પહેલો બદલાવવિશ્વના સૌથી વ્યાપક પબ્લિક ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે. આશરે 1.3 અબજ ભારતીયો યુનિક ડિજિટલ ઓળખ ધરાવે છે, 600 હજાર ગામડા ટૂંક સમયમાં બ્રોડબેન્ડથી તથા વિશ્વના સૌથી કાર્યક્ષમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુપીઆઇથી જોડાઇ જશે. બીજો બદલાવશાસન, વંચિત લોકોનો મુખ્ય ધારામાં સમાવેશ, સશક્તીકરણ, કનેક્ટિવિટી, લાભોની ડિલિવરી અને કલ્યાણ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ. ત્રીજો બદલાવભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અને ઝડપી વિકસી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. ચોથો બદલાવભારતના ઉદ્યોગ અને સર્વિસિઝ ક્ષેત્રો તેમજ કૃષિ ક્ષેત્ર પણ વ્યાપક ડિજિટલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યાં છે. પાંચમો બદલાવભારતને ભવિષ્ય માટે તૈયાર કરવાનો મોટો પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે 5G અને 6G જેવી ટેલિકોમ ટેક્નોલોજીમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવામાં રોકાણ કરી રહ્યાં છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માનવકેન્દ્રિત અને નૈતિક ઉપયોગના ક્ષેત્રે ભારત અગ્રગણ્ય રાષ્ટ્રો પૈકીનું એક છે. અમે ક્લાઉડ પ્લેટફોર્મ્સ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં મજબૂત ક્ષમતાઓ વિકસાવી રહ્યાં છીએ.

ભારતમાં સ્થિતિસ્થાપકતા અને ડિજિટલ સોવરેનિટી વિશે પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે હાર્ડવૅર પર લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યાં છીએ. સેમિ-કંડક્ટર્સના મુખ્ય ઉત્પાદક બનવા માટે અમે પ્રોત્સાહનોનું પેકેજ તૈયાર કરી રહ્યાં છીએ. ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ક્ષેત્રે અમારી ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહનની યોજનાઓ પહેલેથી જ ભારતમાં બેઝ સ્થાપવા માટે સ્થાનિક તથા વિદેશી કંપનીઓ આકર્ષી રહી છે. પ્રધાનમંત્રીએ ડેટાની સુરક્ષા, ગોપનીયતા અને સલામતી માટે ભારતની પ્રતિબદ્ધતા ભારપૂર્વક વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે લોકોના સશક્તીકરણના સ્રોત તરીકે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિગત અધિકારોની મજબૂત બાયંધરી સાથે લોકશાહી માળખામાં આ કાર્ય કરવાનો ભારત બેજોડ અનુભવ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વાયટુકેની સમસ્યાનો સામનો કરવામાં ભારતનું યોગદાન તેમજ ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે વિશ્વને કોવિન પ્લેટફોર્મની ભારતની ઓફર એ ભારતના મૂલ્યો અને વિઝનના ઉદાહરણો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની લોકશાહી પરંપરાઓ જૂની છે; તેની આધુનિક સંસ્થાઓ મજબૂત છે. અને અમે હંમેશાથી વિશ્વને એક પરિવાર તરીકે માનતા આવ્યા છીએ.

શ્રી મોદીએ કહ્યું કે, જાહેર હિતમાં ટેક્નોલોજી અને નીતિના ઉપયોગ, સમાવેશી વિકાસ અને સામાજિક સશક્તીકરણનો ભારતનો વ્યાપક અનુભવ વિકાસશીલ રાષ્ટ્રો માટે ખુબ મદદરૂપ બની શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે રાષ્ટ્રો તથા તેમના લોકોને સશક્ત બનાવવા તથા આ શતકના અવસરો માટે તેમને સુસજ્જ બનાવવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ.

લોકશાહી રાષ્ટ્રોને સાથે મળીને કામ કરવા માટેની રૂપરેખા આપતા શ્રી મોદીએ ભવિષ્યની ટેક્નોલોજીના રિસર્ચ અને વિકાસમાં સાથે મળીને રોકાણ કરવા; ભરોસાપાત્ર ઉત્પાદન બેઝ અને ભરોસાપાત્ર પૂરવઠા શ્રૃંખલા વિકસાવવા; સાયબર સિક્યુરિટીના ક્ષેત્રે ઇટેલિજન્સ અને કામગીરીમાં   સહકાર, ક્રિટિકલ ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રક્ષણ, જાહેર અભિપ્રાયોમાં ગરબડ અટકાવવા; અમારા લોકશાહી મૂલ્યો સાથે સુસંગત હોય એવા ટેક્નિકલ અને શાસનના ધારાધોરણો અને નિયમો વિકસાવવા; તથા ડેટાનું રક્ષણ કરે અને સુરક્ષા જાળવે તેવા ડેટા ગવર્નન્સ અને ક્રોસ-બોર્ડર ફ્લો માટે ધારાધોરણો અને નિયમો ઘડવા માટે એક સહયોગાત્મક માળખા માટે આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ઊભરતું માળખું રાષ્ટ્રના અધિકારોનો સ્વીકાર કરતું હોવું જોઇએ અને સાથોસાથ વેપાર, મૂડીરોકાણ અને વિશાળ માત્રામાં જાહેર હિતને પ્રોત્સાહન આપતું હોવું જોઇએ.    

આ સંદર્ભમાં તેમણે ક્રિપ્ટો-કરન્સીનું દૃષ્ટાંત ટાંક્યું હતું અને કહ્યું કે, તમામ લોકશાહી રાષ્ટ્રો આના પર સાથે મળીને કામ કરે એ અને તે યુવાધનને બરબાદ કરી શકે એવા ખોટા હાથમાં ન જાય તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com