મહામહિમ, પ્રધાનમંત્રી શ્રી લી સીન લૂંગ
મહામહિમ, નાયબ પ્રધાનમંત્રી શ્રી થર્મન શન્મુગરત્નમ
માનનીય મંત્રીઓ,
પ્રોફેસર તાન તાઈ યુંગ
માનવંતા મહેમાનો,
સિંગાપોર લેક્ચર રજૂ કરવાનું સન્માન અને અધિકાર આપવા બદલ આભાર.
હું એ બાબતથી સજાગ છું કે હું આધુનિક ભારતના ઘડવૈયા અને આ પ્રદેશ સાથે સંબંધોનો પાયો રચનારા એવા સ્વર્ગીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ, પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહ રાવ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓના પદચિહ્નો પર ચાલું છું.
પ્રધાનમંત્રી શ્રી, તમે અહીં અમારી સાથે ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું અત્યંત સન્માનિત થયો છું.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં જી20 માટે અને આસિયાન તેમજ ઈસ્ટ એશિયા સમિટ વગેરેમાં આપણે મળવાનું થયું.
આ દર્શાવે છે કે આપણા બંને દેશોના ભાગ્ય કેટલા ઘનિષ્ઠ રીતે જોડાયેલાં છે.
સિંગાપોરના લોકોને 50મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું સવા અબજ મિત્રો અને પ્રશંસકો વતી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
માનવ જીવન અને રાષ્ટ્ર સામે કટોકટીભર્યો સમય સ્વાભાવિક છે.
પરંતુ સિંગાપોર જે ગૌરવ અને સંતોષથી પોતાનો 50મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે, એવું બહુ ઓછા દેશો કરી શકે છે.
અને, આધુનિક સિંગાપોરના ઘડવૈયા અને પ્રવર્તમાન સમયના મહાન નેતાઓમાં સ્થાન ધરાવતા શ્રી લી ક્યુઆન યુને શ્રદ્ધાંજલિ આપીને જ હું આ પ્રવચનની શ્રેષ્ઠ શરૂઆત કરી શકું.
તેમના શબ્દોમાં સફળ સિંગાપોરનું પોતાનું મિશન મેળવવા માટે તેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું.
અને, સિંગાપોર તેની સુવર્ણ જયંતિ ગૌરવભેર ઉજવી શકે તે માટે એમનો અડગ નિર્ધાર જગપ્રસિદ્ધ છે.
તેઓ વૈશ્વિક છબિ ધરાવતા હતા. અને, ભારતના શુભેચ્છક હતા, જે સાચી મિત્રતા નિભાવીને ઈમાનદારીથી બોલતા હતા. ભારતના લોકોએ દેશમાં અને વિદેશમાં ભારતની મજબૂત શક્યતા અને વૈશ્વિક રંગમંચ પર ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવાનું શરૂ કર્યું તેના કેટલાય વર્ષો પહેલાં તેમણે આ વાત કહી હતી.
મારા માટે, તેઓ વ્યક્તિગત પ્રેરણારૂપ હતા. તેમના પુસ્તક સિંગાપોર સ્ટોરીઝમાંથી હું અનેક પાઠ શીખ્યો છું.
રાષ્ટ્ર પરિવર્તન માટે સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતો છતાં સરળ રસ્તો એ છે કે આપણે આપણી જાતને બદલવા માંડીએ. અને, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એ પણ એટલું જ અગત્યનું છે કે આપણે આપણાં શહેર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખીએ.
મારા મતે, ભારતમાં પણ સ્વચ્છ ભારત અભિયાન માત્ર પર્યાવરણને સ્વચ્છ રાખવાનો કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આપણે જે વિચારીએ છીએ, જે રીતે રહીએ છીએ અને કામ કરીએ છીએ તેમાં પરિવર્તન લાવવાની પહેલ છે.
ગુણવત્તા, કાર્યક્ષમતા અને ઉત્પાદકતા માટે માત્ર ટેકનિકલ માપદંડો જ પૂરતાં નથી, પરંતુ મનની સ્થિતિ અને જીવન શૈલી પણ મહત્ત્વનાં છે.
એટલે શ્રી લી ક્યુઆન હ્યુના ચાલુ વર્ષે માર્ચ મહિનામાં હું સિંગાપોર આવ્યો ત્યારે અને સમગ્ર ભારતે એક દિવસનો શોક પાળ્યો ત્યારે અમે અમારા આ સાચા મિત્ર અને સિંગાપોર સાથે અત્યંત વિશિષ્ટ સંબંધનું સન્માન કરવા ઈચ્છતા હતા.
સિંગાપોર દેશ, સ્વપ્નને સાકાર કરવાની ભૂમિ બન્યો છે.
સિંગાપોર આપણને ઘણી બાબતો શીખવે છે.
સિદ્ધિઓની ઊંચાઈઓ આંબવામાં સિંગાપોરને ક્યારેય પોતાનું કદ નડ્યું નથી.
અને, પ્રેરણા, કલ્પના અને નવિનીકરણ માટે ક્યારેય સાધનોની અછત અવરોધરૂપ બની નથી.
જ્યારે કોઈ રાષ્ટ્ર વિવિધતાને અપનાવે છે, ત્યારે તે સહિયારા હેતુ માટે સંગઠિત થાય છે.
અને, સમૂહની તાકાતના રૂઢિચુસ્ત પગલાંથી જ નહીં, પરંતુ વિચારોની શક્તિ દ્વારા આંતરરાષ્ટ્રીય નેતૃત્વ જન્મ લે છે.
સિંગાપોરે તેના નાગરિકોની પેઢી દર પેઢીને સમૃદ્ધિની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચાડ્યા ઉપરાંત પણ ઘણું હાંસલ કર્યું છે.
તેણે આ પ્રદેશના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે અને તેને સમન્વય તરફ દોર્યો છે.
અને, તેણે લોકોને એ વાત માનતા કર્યા છે કે પ્રગતિની શક્યતા એ કોઈ દૂર, વણદેખેલી આશા નહીં પરંતુ આપણી પહોંચમાં જ છે.
સિંગાપોરની સફળતા આંકડાની સરેરાશ અને રોકાણોના કદ પર નિર્ભર નથી.
હું માનું છું કે સિંગાપોરની મુખ્ય સફળતા છે તેના માનવ સંસાધનોની ગુણવત્તા, લોકોની માન્યતા અને રાષ્ટ્રની નેમ.
સભામાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત સભ્યો,
આ એ જ વિઝન છે, જેને અમે ભારતના પરિવર્તન માટે અનુસરી રહ્યા છીએ.
અમારા પ્રયત્નો લોકો માટે છે અને તેઓ જ આ પરિવર્તન પાછળની શક્તિ છે.
સફળતા માટેના પ્રયત્નોને હું આંકડાશાસ્ત્રના શુષ્ક આંકડાઓથી નથી મૂલવતો, પરંતુ લોકોના ચહેરા પર સ્મિતની ઉષ્માભરી ચમકથી મૂલવું છું.
એટલે, દેશવાસીઓને સશક્ત બનાવવા એ અમારી નીતિઓનો એક હિસ્સો છે.
નીતિઓનો બીજો હિસ્સો એવી શરતો ઘડવાનો છે, જેમાં ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન મળે, તકો વ્યાપક બને અને નાગરિકોની ક્ષમતાઓ અવરોધમુક્ત બને.
એટલે, અમે કૌશલ્ય અને શિક્ષણ દ્વારા અમારા દેશવાસીઓમાં રોકાણ કરી રહ્યા છીએ, કન્યાઓ, નાણાંકીય સમાવેશ, પ્રાણીઓ અને વનસ્પતિઓના સાતત્યપૂર્ણ પ્રાકૃતિક નિવાસસ્થાનો, સ્વચ્છ નદીઓ અને સ્માર્ટ શહેરો ઉપરાંત પાણી અને આરોગ્ય અને સ્વચ્છતાની વ્યવસ્થાથી માંડીને વીજળી અને આવાસન સુધીની પાયાની જરૂરિયાતો તમામ નાગરિકોને ઉપલબ્ધ બને તેના પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.
અમે એવો માહોલ સર્જવા અને તેનું જતન કરીશું જેમાં પ્રત્યેક નાગરિકને આવરી લેવાય અને તે ભાગીદાર હોય. ઉજ્જ્વળ ભવિષ્યની તકો માટે તેમના વિશ્વાસ અને અધિકારોને સુરક્ષિત રાખીશું.
અને, અમે અમારા શાસનની રીત અને રાજ્ય સરકારો સાથે કામ કરવાની રીતમાં બદલાવ લાવીને કાયદા, નિયમો, નીતિઓ, પ્રક્રિયાઓ અને સંસ્થાઓમાં સુધારાની તકો ઊભી કરી રહ્યા છીએ.
આવનારી પેઢી માટે બુનિયાદી માળખાનું નિર્માણ, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને પુનર્જીવિત કરવું, કૃષિ ક્ષેત્રે સુધારા, વેપાર સરળ બનાવવા અને સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવીને અમે પરિવર્તનના આ સોફ્ટવેર સાથે સાથે અમે પ્રગતિના હાર્ડવેરનું નિર્માણ પણ કરી રહ્યા છીએ.
એટલે જ અમે એકસાથે અનેક દિશામાં આગળ વધી રહ્યા છીએ અને વ્યાપક વ્યૂહરચના બનાવવા માટેનાં જોડાણોથી પરિચિત છીએ.
મને ઘણા સમય પહેલાં ખબર પડી કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભારતના પ્રવાસીઓ પણ અહીં આવતા હોવાથી સિંગાપોરના લોકો તો ભારત વિશે ઘણા માહિતગાર છે.
ગમે તે હોય, મારા માટે, ભારત વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર બને તેના કરતાં પરિવર્તનના ચક્રો ઘુમતા રહે, વિશ્વાસ વધતો રહે, સંકલ્પ મજબૂત રહે અને દિશા સ્પષ્ટ રહે તે બાબત વધુ મહત્ત્વની છે.
અને, દૂર અંતરિયાળ ગામડામાં વસતો છેક છેવાડાનો નાગરિક પણ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની મુખ્યધારામાં જોડાવા લાગ્યો છે અને આવું સમગ્ર દેશભરમાં બની રહ્યું છે.
માનનીય મહેમાનો,
અનેક મુશ્કેલીઓના સમયે ભારત અને સિંગાપોર એકબીજાની સાથે ઊભા રહ્યા છે.
અાપણો સંબંધ ઈતિહાસનાં પાનાં, સંસ્કૃતિના પદચિહ્નો, સંબંધોનાં જોડાણો અને જૂના વાણિજ્યિક સંબંધોમાં પ્રસ્તુત છે.
સ્વતંત્રતા મેળવી ત્યારે આપણે મિત્ર બનીને સાથે ઊભા હતા અને વહેંચાયેલી આશાઓની ભાગીદારીમાં એકબીજા સુધી પહોંચ્યા છીએ.
સિંગાપોરની સફળતા ભારતના લોકો માટે પ્રેરણારૂપ છે. અને, ભારત પણ વધુ શાંતિપૂર્ણ, સંતુલિત અને સ્થિર વિશ્વ માટે આશા બનીને આગળ આવ્યું છે.
જ્યારે ભારતે મુક્ત વલણ અપનાવ્યું ત્યારે સિંગાપોર ભારત માટે આગળ વધવાની પ્રેરણા અને પૂર્વ માટે પ્રવેશ દ્વારા બની ગયું.
સસન્માન સેવામુક્ત વરિષ્ઠ મંત્રી ગોહ ચોક તોંગે આ માટે સૌથી વધુ મહેનત કરી અને તેમનાથી વધુ કોઈનેય આનું શ્રેય નથી જતું. તેમણે ભારતને સિંગાપોર અને તેના ક્ષેત્ર સાથે ફરી જોડ્યું.
ઉજ્જવળ ભવિષ્યની વિશાળ સંભાવનાઓ માટે તેમણે મારી આંખો પણ ખોલી.
આજે સમગ્ર વિશ્વમાં, સિંગાપોર અમારા સૌથી મહત્ત્વના ભાગીદારોમાંનું એક છે. આપણાં સંબંધો વ્યૂહાત્મક અને વ્યાપક છે.
સંરક્ષણ અને સલામતિ ક્ષેત્રે પણ આપણાં સંબંધો વ્યાપક છે. પરસ્પર વહેંચાયેલા હિતો અને સમાન દૃષ્ટિકોણ દ્વારા તે જોઈ શકાય છે. સિંગાપોર ભારત સાથે અને ભારતમાં નિયમિત કવાયત કરે છે.
સમગ્ર વિશ્વમાં સિંગાપોર, ભારત માટે રોકાણોનો સૌથી મોટો સ્ત્રોત અને સ્થળ છે. તે વિશ્વભરમાં ભારત સાથે સૌથી વધુ જોડાયેલો દેશ છે, દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો વેપાર સહયોગી છે અને પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં સૌથી પ્રિય સ્થળ છે.
હવે અમે જ્યારે અમારા સ્વપ્નનું ભારત ઘડી રહ્યા છીએ, ત્યારે સિંગાપોર વિશ્વ કક્ષાના માનવ સંસાધનો, સ્માર્ટ શહેરો, સ્વચ્છ નદીઓ, સ્વચ્છ ઉર્જા અને આવનારી પેઢી માટે સુદૃઢ બુનિયાદી માળખું સ્થાપવામાં મહત્ત્વનું સહયોગી છે.
બેંગલુરુ ખાતે સૌપ્રથમ આઈટી પાર્કથી શરૂ કરીને હવે તે આંધ્ર પ્રદેશમાં નવા પાટનગર – અમરાવતીના નિર્માણમાં જોડાયું છે.
આપણી અર્થવ્યવસ્થા જેમ જેમ વિકાસ પામતી જશે, તેમ તેમ આપણો સહયોગ વધતો જશે અને વેપાર અને રોકાણનો ઢાંચો પણ સુધરતો જશે.
પરંતુ, મેં સિંગાપોરને હંમેશા ખૂબ ઉન્નત જોયું છે.
મુશ્કેલીઓને મ્હાત કરીને સિંગાપોરે હાંસલ કરેલી સફળતાએ 21મી સદીના ખાદ્યસામગ્રી અને પાણીથી માંડીને સ્વચ્છ ઉર્જા અને પ્રાણી તેમજ વનસ્પતિઓ માટે સાતત્યપૂર્ણ નિવાસસ્થાનો જેવા પડકારો ઝીલવા તેની સાથે સહભાગિતા સાધવા મને પ્રેર્યો છે.
અને, આ સદીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં સિંગાપોર અનેક રીતે મહત્ત્વની ભૂમિકા નિભાવશે.
પ્રધાનમંત્રી શ્રી, માનવંતા સભ્યો,
સિંગાપોર એશિયા પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર ક્ષેત્રનો મુખ્ય હિસ્સો છે. છતાં, આપણે તેને વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરીએ તો, તે ઈતિહાસોને જોડતી કડી અને નિયતિના પરસ્પર જોડાણ સાથે અસ્તિત્વમાં છે.
સ્વાતંત્ર્ય અને સમૃદ્ધિનો આ દેશ છે. સૌથી વધુ વસતી ધરાવતા બે રાષ્ટ્રો, દુનિયાની કેટલીક સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને કઠોર પરિશ્રમ કરનારા લોકોનું આ ઘર છે.
એશિયાનું પુનઃ ઉત્થાન આપણા યુગની સૌથી મહાન ઘટના છે.
વીતેલી સદીની મધ્યમાં તૂટી પડેલી આપત્તિઓમાંથી એશિયાને બહાર કાઢવા જાપાને એશિયાના ઉત્થાનનું નેતૃત્વ કર્યું છે. તે પછી વિકાસનો આ વેગ દક્ષિણ-પૂર્વ એશિયા, કોરિયા અને ચીન સુધી વિસ્તર્યો અને હવે ભારત એશિયાના વિકાસની રફતાર અને સમૃદ્ધિને સતત જાળવી રાખવા ઉજ્જ્વળ આશાનું કેન્દ્ર બન્યું છે.
પરંતુ આ અનેક વણઉકલ્યા પ્રશ્નો અને વિવાદો, સ્પર્ધાત્મક દાવાઓ અને ઝઘડાથી ઘેરાયેલા ધોરણો, વધતી જતી સૈન્ય શક્તિ અને આતંકવાદના પડછાયાને વધુ મોટો કરનાર તેમજ દરિયાઈ બાબતોમાં અનિશ્ચિતતા અને સાયબર જગતમાં જોખમોથી ઘેરાયેલું ક્ષેત્ર છે.
વિશાળ મહાસાગરમાં આવેલો આ દ્વિપ નહીં, પરંતુ વિશ્વ સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલો અને પ્રભાવિત થતો આ પ્રદેશ છે.
આપણે રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર પણ વિષમતાઓ ધરાવતા દેશો છીએ, જ્યાં નિવાસસ્થાન, ભોજન અને પાણી જેવા પડકારો છે, જ્યાં આપણી પ્રાકૃતિક ભેટસોગાદો અને પરંપરાઓની સંપત્તિઓ પર ઝડપી વિકાસને કારણે દબાણ ઊભું થયું છે અને આબોહવા પરિવર્તનને કારણે આપણી કૃષિ અને દ્વિપસમુહો સામે જોખમ ઊભું થયું છે.
એશિયાએ ઈતિહાસના અલગ અલગ વળાંકો પર આમાંની ઘણી વિષમતાઓ જોઈ છે. પરંતુ આ પડકારો અગાઉ કદાચ ક્યારેય જોવા મળ્યા ન હતા. એશિયા હજુ પણ શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ભવિષ્ય માટે વિવિધ પરિવર્તનો મારફતે અગ્રેસર છે.
આ એવી યાત્રા છે, જે સફળ થવી જોઈએ.
અને, સિંગાપોર અને ભારતે તેને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
ભારતનો ઈતિહાસ એશિયાથી અલગ પાડી શકાય તેમ નથી.
એવો સમય પણ ઘણીવાર આવેલો છે, જ્યારે અમે અમારી પાંખો સંકોરી લીધી હોય.
અને, હવે એશિયા સાથે ફરી વધુ ઘનિષ્ઠ રીતે જોડાયા છીએ, અમે ઈતિહાસ તરફ પાછા ફરી રહ્યા છીએ. અમે પ્રાચીન સંબંધોની સ્વાભાવિક પ્રવૃત્તિઓ સાથે અમારા પૌરાણિક દરિયાઈ અને જમીન માર્ગોને ફરી ખૂંદી રહ્યા છીએ.
છેલ્લા 18 મહિનાઓ દરમિયાન મારી સરકારે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ કાર્યક્રમો ઘડ્યા છે.
પ્રશાંત દ્વિપનાં રાષ્ટ્રો, ઓસ્ટ્રેલિયા અને મોંગોલિયા સાથે નવી શરૂઆત કરી છે, જ્યારે ચીન, જાપાન, કોરિયા અને આસિયાનના સભ્ય દેશો સાથે સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવ્યા છે. અમે અમારા ઉદ્દેશપૂર્ણ દૃષ્ટિકોણ અને ઉત્સાહ સાથે આગળ વધ્યા છીએ.
ભારત અને ચીન સરહદોથી જોડાયેલા છે અને પાંચ હજાર વર્ષોથી અમારા વચ્ચે પરસ્પર સંબંધ બંધાયેલો છે. ભિક્ષુકો અને વ્યાપારીઓએ અમારા જોડાણોનું જતન કર્યું છે અને અમારા સમાજને સમૃદ્ધ બનાવ્યો છે.
ઈતિહાસમાં સાતમી સદીમાં હ્યુઆનસાંગની યાત્રાથી તે જાણવા મળે છે અને મને ગુજરાતમાં મારા જન્મસ્થળથી ચીનમાં જિયાન સુધી તેને જોડવાનું ગૌરવ મળ્યું છે. જિયાનમાં જ ચીનના રાષ્ટ્રપતિએ મે મહિનમાં મને મહેમાન બનાવ્યો હતો.
અમે ઈતિહાસને સંસ્કૃત, પાલી અને ચાઈનિઝ ભાષામાં લખેલા ધાર્મિક ગ્રન્થો, ભૂતકાળામાં લખાયેલા પત્રો, ઉષ્મા અને સન્માન સાથે થયેલા આદાન-પ્રદાન, ભારતની પ્રસિદ્ધ તંચોઈ સાડીઓ અને રેશમના સંસ્કૃત નામ સીનાપટ્ટામાં જોયો છે.
આજે, અમે વિશ્વની માનવવસતીમાં બે પંચમાંશ હિસ્સો ધરાવીએ છીએ અને વિશ્વની સૌથી ઝડપી વિકાસ હાંસલ કરી રહેલી અર્થવ્યવસ્થાઓ છીએ.
ચીનમાં આર્થિક પરિવર્તન આપણા માટે પ્રેરણારૂપ છે.
અને, તે અર્થવ્યવસ્થાને પુનઃસંતુલિત કરે છે અને ભારતમાં વિકાસનો વેગ વધારવા માટે પગલાં લીધાં હોવાથી પરસ્પર વિકાસને મજબૂત બનાવી શકીએ છીએ. અને, આપણા દેશમાં વધુ સ્થિરતા અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ.
આની સાથે સાથે અમે વેપારથી માંડીને આબોહવા પરિવર્તન સુધીના સમાન વૈશ્વિક પડકારોને વધુ અસરકારક રીતે ઝીલી શકીએ છીએ.
સરહદોના વિવાદ સહિત અમારા ઘણા મુદ્દા વણઉકલ્યા છે, પરંતુ અમે સરહદો પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખ્યાં છે. અમે વ્યૂહાત્મક પ્રત્યાયન વધુ મજબૂત કરવા અને સહમતિ વધારવા માટે સંમત થયા છીએ. અમે આતંકવાદ જેવા પડકારોને સાથે મળીને ઝીલવા ઉપરાંત આર્થિક તકો માટે પણ સહયોગ સાધ્યો છે.
ભારત અને ચીન બંને આત્મવિશ્વાસથી ભરપૂર રાષ્ટ્રો હોવાથી અને પોતાનાં હિતો અને જવાબદારીઓ વિશે સભાન હોવાથી તેમનાં સંબંધો જટિલ હોવા છતાં બંને દેશો રચનાત્મક રીતે પરસ્પર જોડાયેલાં રહેશે.
ચીનના વિકાસે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું સુકાન સંભાળ્યું હોવાથી વૈશ્વિક તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા સ્થાપવા સમગ્ર વિશ્વ ચીન તરફ મીટ માંડીને બેઠું છે. ભારત અને જાપાન પરસ્પર થોડા મોડેથી જોડાયા. પરંતુ, મારા મિત્ર, પ્રધાનમંત્રી શ્રી એબેએ મને ક્યોટોમાં અદ્ભુત ધાર્મિક સ્થળો બતાવ્યાં, જે અમારા બંને દેશો વચ્ચેના પ્રાચીન આધ્યાત્મિક જોડાણનાં પ્રતિક છે.
100થી વધુ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ જાપાનના દરિયાકાંઠે પહોંચ્યા હતા અને તેમણે ભારતીય યુવાનોને પૂર્વમાં જાપાન જવા જણાવ્યું હતું.
સ્વતંત્ર ભારતે તેમની એ સલાહને ગંભીરતાપૂર્વક લીધી. એવાં ઘણાં જોડાણો છે, જેને જાપાન સાથેના અમારા સંબંધો માટે ઘણો આવકાર મળ્યો છે.
ભારતના આધુનિકીકરણ અને પ્રગતિ માટે જાપાન જેટલું યોગદાન અન્ય કોઈ દેશે આપ્યું નથી. દાખલા તરીકે, જાપાને કાર, મેટ્રો અને ઈન્ડસ્ટ્રિયલ પાર્ક માટે નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતની પ્રગતિ માટે જાપાને જે ભૂમિકા નિભાવી છે, તેટલી મોટી ભૂમિકા અન્ય કોઈ ભાગીદાર નિભાવી શકે તેમ નથી.
હવે અમે સાથે મળીને વધુ કામ કરી શકીએ છીએ. અમે તેને વ્યૂહાત્મક ભાગીદારીના સ્વરૂપમાં જોઈએ છીએ, જે એશિયા, પ્રશાંત અને હિંદ મહાસાગરનાં વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વની છે.
કોરિયા અને ઓસ્ટ્રેલિયા સાથે અમારા સંબંધો મજબૂત આર્થિક પાયા પર શરૂ થયા છે અને હવે તે વ્યૂહાત્મક બન્યા છે.
આસિયાન, અમારી એક્ટ ઈસ્ટ પોલિસીના કેન્દ્રસ્થાને છે. અમે ભૌગોલિક અને ઐતિહાસિક રીતે જોડાયેલા છીએ, અનેક સમાન પડકારો સામે એક થઈને લડી રહ્યા છીએ અને પરસ્પર અનેક અપેક્ષાઓ સાથે બંધાયેલા છીએ.
પ્રત્યેક આસિયાન દેશ સાથે અમારે રાજકીય, સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે મજબૂત જોડાણો છે. અને, આસિયાન સમુદાય પ્રાદેશિક સંકલન સાધી રહ્યા છે, ત્યારે અમે ભારત અને આસિયાન દેશો વચ્ચે અમારા 1.9 અબજ લોકો માટે સમૃદ્ધિની વધુ તકો ખોલે તેવા વધુ ગતિશીલ સહયોગ માટે આતુર છીએ.
લગભગ સમગ્ર પ્રદેશની સાથે સાથે ભારતે પણ આર્થિક સહયોગનો ઢાંચો ઘડ્યો છે. અમે પ્રાદેશિક અર્થવ્યવસ્થા સાથે વધુ સંકલન સાધવા ઈચ્છીએ છીએ. અને, અમે અમારી ભાગીદારીના કરારો સુધારવા અને રિજિયનલ કોમ્પ્રેહેન્સિલ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ જલ્દી સંપન્ન કરવા માટે સાથે મળીને કામ કરવા ઈચ્છીએ છીએ.
સંક્રાંતિ અને સતત પરિવર્તનના આ સમયમાં દક્ષિણ પૂર્વ એશિયામાં સામુદાયિક વર્તણૂક નક્કી કરતાં નિયમો અને ધોરણોને વળગી રહેવું અને તેને મજબૂત બનાવવા અત્યંત જરૂરી છે.
એટલે જ આપણે સહુએ ઈસ્ટ એશિયા સમિટમાં અને અન્ય ફોરમોમાં ભેગા થવું જરૂરી છે, જેથી માત્ર કેટલાક દેશોની તાકાતને આધારે નહીં, પરંતુ બધાંની સંમતિથી સહકાર અને સહભાગિતા ધરાવતું ભવિષ્ય ઘડી શકાય.
ભારત દક્ષિણ પૂર્વ એશિયાના તેમજ અમેરિકા, રશિયા, આપણા પૂર્વ એશિયા સમિટના ભાગીદાર દેશો સહિત બહારના દેશો સાથે મળીને કામ કરશે. જેથી આપણાં સામુહિક દરિયા, અવકાશ અને સાયબર જગત, સ્પર્ધાના નવા અખાડા નહીં, પરંતુ પરસ્પર વહેંચાયેલી સમૃદ્ધિના રાજમાર્ગ બની રહે. સહુના લાભ માટે દરિયાને સુરક્ષિત, સલામત અને મુકત રાખવા ભારત પોતાની ક્ષમતાઓ ધીરશે.
આ યુગ આંતર-નિર્ભરતાનો યુગ છે, જેમાં રાષ્ટ્રોએ આ સદીનાં લાભ લેવા પરસ્પર ભેગાં થવું જ પડે. આપણે ખભેખભા મિલાવવા જ પડે તેનું એક કારણ એ પણ છે કે આપણા પડકારો એકબીજા સામે નથી, પરંતુ સહુના સમાન છે.
આતંકવાદ આવો જ એક મહત્ત્વનો વૈશ્વિક પડકાર છે, જે અલગ અલગ જૂથો સામે ઘણી મોટી તાકાત છે. આતંકવાદના ઓથારે આપણા સમાજો અને આપણા દેશો પર આતંકવાદમાં ભરતી અને લક્ષ્યો નક્કી કરવાના એમ બંને રૂપમાં પગપેસારો કર્યો છે. આતંકવાદમાં માત્ર જાનના ભોગ લેવાય છે એવું નથી, તેનાથી અર્થવ્યવસ્થાની ગાડી પણ પાટા પરથી ઉતરી શકે છે.
સમગ્ર વિશ્વએ તેની સામે એકસાથે વિરોધ કરવો જોઈએ અને પરસ્પર સાયુજ્ય સાધીને કામ કરવું જોઈએ. આ માટે રાજકીય, કાયદાકીય, લશ્કરી અને ગુપ્તચર તંત્ર દ્વારા પ્રયાસો કરી શકાય છે, પરંતુ આપણે વધુ પ્રયાસો કરવા પડશે.
આતંકવાદ માટે તખ્તો તૈયાર કરવામાં, તેમની મદદ કરવા, હથિયાર અને નાણાં ઉપલબ્ધ કરાવવા માટે જવાબદાર દેશોને પણ ઉત્તરદાયી બનાવવા જોઈએ. દેશોએ પરસ્પર સહયોગ સાધવો જોઈએ. સમાજોની અંદરોઅંદર અને એકબીજા સુધીની પહોંચ હોવી જોઈએ. આપણે આતંકવાદને ધર્મથી અલગ કરવો જોઈએ અને માનવીય મૂલ્યો પર ભાર મૂકવો જોઈએ, જે દરેક ધર્મને વ્યાખ્યાયિત કરે.
હવે પેરિસ સંમેલન યોજાવાને થોડા જ દિવસ બાકી છે અને આપણે આબોહવા પરિવર્તનના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનના સિદ્ધાંતોને અનુરૂપ નક્કર પરિણામ મેળવવા જોઈએ. આમ કરવું ખાસ કરીને આપણા ક્ષેત્ર અને નાનાં દ્વીપ રાષ્ટ્રો માટે ઘણું અગત્યનું છે.
મિત્રો,
આપણાં ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે સ્થાયી શાંતિ અને સમૃદ્ધિ મેળવવાં અશક્ય નથી.
એટલે, આપણે એશિયાની સદીના આપણા સ્વપ્નને સાકાર કરવા કઠોર પરિશ્રમ કરવો પડશે.
એશિયા પાસે તેની પ્રાચીન સંસ્કૃતિઓ અને વિશ્વના તમામ મોટા ધર્મોનું જ્ઞાન છે. તેની પાસે યુવાનોની ઉર્જા અને જુસ્સો પણ છે.
એશિયાના સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્ર નાથ ટાગોરે લગભગ એક સદી પહેલાં આ ક્ષેત્રના પ્રવાસ દરમિયાન એવું ભવિષ્ય ભાખ્યું હતું કે સ્વયંને પામવા માટે એશિયા આત્મ ચેતના ફરી હાંસલ કરી રહ્યું છે.
અહીં સિંગાપોરમાં જ્યાં સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાહોનો સમન્વય થાય છે, તેના ભિન્ન ભિન્ન જોડાણો અને વિચારોનું મિલન થાય છે અને આકાંક્ષાઓને પાંખો આવે છે. અહીં હું એવું અનુભવું છે કે આપણે અગાઉ કરતાં આ વિઝનની વધુ નજીક આવી ગયા છીએ.
ભારત સર્વાંગી પરિવર્તન માટે આગળ ધપી રહ્યું છે અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા પ્રયાસો કરી રહ્યું છે. એટલે ભારતની આ યાત્રામાં સિંગાપોર મુખ્ય ભાગીદાર હશે.
આભાર.
J.Khunt
Just delivered the Singapore Lecture. You can view my speech. https://t.co/bDCMNK9Xx5
— Narendra Modi (@narendramodi) November 23, 2015
Mr. Lee Kuan
Yew remains a personal inspiration: PM @narendramodi at the Singapore Lecture https://t.co/l2Kpc0BjD1 @leehsienloong
— PMO India (@PMOIndia) November 23, 2015
Singapore teaches us many things: PM @narendramodi at the Singapore Lecture https://t.co/l2Kpc0BjD1
— PMO India (@PMOIndia) November 23, 2015
The size of a nation is no barrier to the scale of its achievements: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2015
I do not judge the success of our efforts from the cold statistics of number, but from the warm glow of smile on human faces: PM
— PMO India (@PMOIndia) November 23, 2015
India and Singapore have been together at many crossroads of time: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2015
This area covers the arc of Asia Pacific and Indian Ocean Regions: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2015
This area covers the arc of Asia Pacific and Indian Ocean Regions: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2015
India will lend its strength to keep the seas safe, secure and free for the benefit of all: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 23, 2015
Terrorism does not just take a toll of lives, but can derail economies: PM @narendramodi at the Singapore Lecture
— PMO India (@PMOIndia) November 23, 2015