Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિંગાપોરના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

સિંગાપોરના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

સિંગાપોરના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન


મહામહિમ પ્રધાનમંત્રી લી સિયન લૂંગ

મીડિયાના સભ્યો.

મને જાણકારી આપવામાં આવી છે કે સિંગાપોર રોડ પર ડ્રાઇવર વિનાની કાર મૂકવામાં દુનિયાનું નેતૃત્વ કરે છે. પણ હું બાકીના બધાને ખાતરી આપું છું, આપણે બધાએ ખાતરી રાખવી જોઈએ કે ભારતના સૌથી વધુ શુભેચ્છક નેતાઓ પૈકીના એક પ્રધાનમંત્રી લીના હાથમાં સિંગાપોર અને આપણા દ્વિપક્ષીય સંબંધ માટેની બાગડોર છે. મહામહિમ લી, તમે ભારતના મિત્ર છો. આપણા સંબંધોને મજબૂત કરવા તમારા પ્રદાન અને તમારી પ્રતિબદ્ધતાની અમે પ્રશંસા કરીએ છીએ. તમને આજે અહીં આવકારવા એ ખરેખર મારા માટે સન્માનની વાત છે.

મિત્રો,

મેં પ્રધાનમંત્રી તરીકે સિંગાપોરની પ્રથમ મુલાકાત એક ગૌરવયુક્ત પ્રસંગમાં હાજરી આપવા માટે લીધી હતી. હું લી કુઆન યૂને શ્રદ્ધાંજલિ આપવા ગયો હતો. તેઓ ફક્ત સિંગાપોર માટે જ નહીં, પણ સંપૂર્ણ એશિયા માટે પ્રકાશપૂંજ હતા, દિવાદાંડી સમાન હતા. ચાલુ વર્ષે આપણે સિંગાપોરના અન્ય એક પનોતા પુત્ર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એસ આર નાથનને ગુમાવ્યા છે. તેઓ પણ ભારતના ગાઢ મિત્ર હતા અને આપણે પ્રવાસી ભારતીય સન્માન એનાયત કરીને તેમને માન આપ્યું હતું. આપણને તેમની ખોટ સાલશે.

મિત્રો,

સિંગાપોરનું રાષ્ટ્રગીત “માજુલાહ સિંગાપુરા” – “સિંગાપોર, આગળ વધે” એટલે તેમાં કોઈ નવાઈ નથી કે, આ દુનિયામાં એક દેશ એવો છે, જે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં કામ કરે છે. આ દેશ છે – સિંગાપોર. ઉત્પાદન, પર્યાવરણ, નવીનતા, ટેકનોલોજી કે સરકારી સેવાઓની ડિલિવરી, કોઈ પણ ક્ષેત્રમાં સિંગાપોર આજે જે કામ કરે છે, તેનું અનુકરણ ભવિષ્યમાં દુનિયા કરશે.

મિત્રો,

હજુ 12 મહિનાથી ઓછા સમય અગાઉ મેં સિંગાપોરની મુલાકાત લીધી હતી. અમે આપણા દ્વિપક્ષીય સંબંધોને “નવા જુસ્સા, નવી ઊર્જા” સાથે વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચાડ્યા હતા. આપણા બંને દેશના લોકોને લાભ આપવા આપણી ભાગીદારીનો ઉદ્દેશ ભારતના વ્યાપ સાથે સિંગાપોરની ક્ષમતાનો સમન્વય કરવાનો છે તથા સિંગાપોરની ગતિશીલતાને આપણા રાજ્યોની જીવંતતા સાથે જોડવાનો છે. ગયા વર્ષે મારી મુલાકાત દરમિયાન અમે અમારા મહત્ત્વાકાંક્ષી સહકારી એજન્ડાને સાકાર કરવા એક યોજના તૈયાર કરી હતી. આપણા સંબંધોમાં સંમત નિર્ણયોનો ઝડપી અમલ મહત્ત્વપૂર્ણ પાસું છે. અત્યારે મહામહિમ લી અને મેં આપણી વ્યૂહાત્મક ભાગીદારીના મહત્ત્વ અને તેની દિશાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મારી સિંગાપોરની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી લી મને ઇન્સ્ટિટ્યૂટ ફોર ટેકનિકલ એજ્યુકેશનની મુલાકાતે લઈ ગયા હતા. અત્યારે અમે કુશળતા વિકસાવવા પર કેન્દ્રીત બે એમઓયુ (સમજૂતી કરાર) કર્યા છે. એક ગૌહાટીમાં આપણા ઉત્તરપૂર્વના રાજ્યો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (કૌશલ્ય સંવર્ધન કેન્દ્ર) સ્થાપિત કરવા અને બીજા એમઓયુ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ) સાથે થયા છે. હું રાજસ્થાન સરકાર સાથે સહકારમાં સ્થાપિત થયેલ ઉદેપુરમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ટૂરિઝમ ટ્રેનિંગના ઉદ્ઘાટનને પણ આવકારું છું. રાજસ્થાન શહેરી વિકાસ અને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં સિંગાપોર સાથે ભાગીદારી પણ ધરાવે છે. સિંગાપોર આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીને વિકસાવવામાં પણ આપણું ભાગીદારી છે.

મિત્રો,

આપણા દ્વિપક્ષીય સંબંધોનો પાયો વેપાર અને રોકાણ છે. આપણે વ્યાવસાયિક ભાગીદારીનું મજબૂત નેટવર્ક ધરાવીએ છીએ. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી લી અને હું બંને આપણી વિસ્તૃત આર્થિક સહકારી સમજૂતીની બીજી સમીક્ષા ઝડપથી કરવા સંમત થયા છીએ. બૌદ્ધિક સંપદા પર એમઓયુ પર આજે હસ્તાક્ષર થયા છે, જે બી2બી (બિઝનેસ ટૂ બિઝનેસ) આદાનપ્રદાન અને જોડાણો કરવાની ઉત્તમ સુવિધા આપશે. પ્રધાનમંત્રી લી અને હું સિંગાપોરમાં કોર્પોરેટ રુપી બોન્ડ ઇશ્યૂ કરવાની પહેલને પણ આવકારીએ છીએ. તે ભારતની માળખાગત વિકાસની મોટી જરૂરિયાતો માટે મૂડી ઊભી કરવાના અમારા પ્રયાસોને આગળ વધારવા માટેનું કદમ છે.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં આપણો સહકાર આપણી વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય આધારસ્તંભ છે. દરિયાઈ સરહદો ધરાવતા રાષ્ટ્રો તરીકે આપણે આદાનપ્રદાન માટે દરિયાઈ માર્ગો ખુલ્લા રાખ્યા છે તથા દરિયા અને સમુદ્રના આંતરરાષ્ટ્રીય કાયદાકીય આદેશોનું સન્માન કરવું આપણી સંયુક્ત પ્રાથમિકતા છે. આસિયાન, ઇસ્ટ એશિયા સમિટ અને આસિયાન રિજનલ ફ્રેમવર્કમાં આપણા સહકારનો ઉદ્દેશ ભરોસા અને વિશ્વાસના વાતાવરણમાં પ્રાદેશિક સહકાર માટે ખુલ્લું અને સર્વસમાવેશક માળખું ઊભું કરવાનો છે. આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદમાં વધારો અને ઉગ્રવાદનો ઉદય આપણી સુરક્ષા માટે મોટા પડકારો છે. તેઓ આપણા સમાજના તાણાવાણા માટે ખતરો છે. મારું દ્રઢપણે માનવું છે કે જેઓ શાંતિ અને માનવતામાં માને છે, તેમણે આ જોખમનો સામનો સંયુક્તપણે કરવો જોઈએ. અત્યારે આપણે આ જોખમનો સામનો કરવા આપણો સહકાર વધારવા સંમત થયા છીએ, જેમાં સાયબર સીક્યોરિટીનું ક્ષેત્ર પણ સામેલ છે.

મહામહિમ લી,

ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ અને કાયાપલટના માર્ગે અગ્રેસર છે. આ સફરમાં અમે સિંગાપોરને મહત્ત્વપૂર્ણ ભાગીદારી ગણીએ છીએ. તાજેતરમાં અમને ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા પ્રોગ્રામમાં તમારા નાયબ પ્રધાનમંત્રી શણ્મુગરત્નમનાં વિચારો જાણવાનો લાભ મળ્યો હતો. હું અંગત રીતે તમારી વ્યક્તિગત મૈત્રીની કદર કરું છું અને આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તમારા નેતૃત્વની હું કદર કરું છું. હું તમને અને તમારા પ્રતિનિધિમંડળને ઉષ્માસભર આવકાર આપું છું. મને ખાતરી છે કે ભારતની તમારી મુલાકાત ફળદાયક અને સફળ રહેશે.

ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.