Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ

સાઉથ એશિયા સેટેલાઇટના લોન્ચ પ્રસંગે દક્ષિણ એશિયાના દેશોની સરકારના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણીઓનો મૂળ પાઠ


અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ માનનીય અશરફ ગની,

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી માનનીય શેખ હસીના,

ભૂટાનના પ્રધાનમંત્રી માનનીય શેરિંગ તોબ્ગે,

માલદીવના રાષ્ટ્રપતિ માનનીય અબ્દુલ્લા યામીન,

નેપાળના પ્રધાનમંત્રી માનનીય પુષ્પ કમલ દહલ,

શ્રીલંકાના રાષ્ટ્રપતિ માનનીય મૈત્રિપાલ સિરિસેના,

દેવીઓ અને સજ્જનો,

નમસ્કાર!

માનનીય વડાઓ,

આજે દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ છે. આજે અભૂતપૂર્વ દિવસ છે. બે વર્ષ અગાઉ ભારતે વચન આપ્યું હતું અને આજે પૂર્ણ થયું છે.

અમે દક્ષિણ એશિયામાં આપણા ભાઈઓ અને બહેનોના વિકાસ અને સમૃદ્ધિ માટે આધુનિક સ્પેસ ટેકનોલોજીનો લાભ આપવાનું વચન આપ્યું હતું.

સાઉથ એશિયા સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતે તેનું વચન પૂર્ણ કર્યું છે. આ સેટેલાઇટના લોન્ચ સાથે આપણે આપણી ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડવાની સફર શરૂ કરી છે.

અંતરિક્ષમાં ઉપગ્રહ અતિ ઊંચાઈ પર સ્થાપિત થયો છે, જે આપણા વિસ્તારમાં દોઢ અબજથી વધારે લોકોની વધતી જતી આર્થિક પ્રગતિની આકાંક્ષાને પૂર્ણ કરવાનો સંકેત છે. વળી આ ઉપગ્રહ અંતરિક્ષ કે પૃથ્વીની બાહ્ય ભ્રમણ કક્ષામાં આપણા સંબંધોને મજબૂત કરે છે.

આદરણીય પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ,

આજે આ ઉપગ્રહ લોન્ચ કરવાના પ્રસંગે મારી સાથે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, માલ્દિવ્સ અને શ્રીલંકાના વડાઓ જોડાયા એ બદલ હું આપ સૌનો આભારી છું.

હું તમારી સરકારોના મજબૂત અને કિંમતી સાથસહકારની પ્રશંસા કરું છું, જેના વિનાઆ પ્રોજેકટ પૂર્ણ કરવો અશક્ય હતો. આપણું એક મંચ પર આવવું આપણા લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા આપણા દ્રઢ સંકલ્પનાની નિશાની છે.

તે દર્શાવે છે કે આપણી આપણા નાગરિકો માટે સહિયારી પસંદગીઓ આપણને એકછત હેઠળ લાવશેઃ સહકાર, નહીં કે સંઘર્ષ; વિકાસ, નહીં કે વિનાશ; અને સમૃદ્ધિ, નહીં કે ગરીબી.

મહામહિમો,

આ દક્ષિણ એશિયામાં પ્રથમ પ્રકારનો પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ મારફતે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલ્દિવ્સ, નેપાળ, શ્રીલંકા અને ભારત સંયુક્તપણે નીચેની સિદ્ધિઓ હાંસલ કરશેઃ

અસરકારક સંચાર;

શ્રેષ્ઠ સુશાસન;

અંતરિયાળ વિસ્તારોમાં શ્રેષ્ઠ બેન્કિંગ અને ઉત્તમ શિક્ષણ;

હવામાનની વધારે સચોટ આગાહી અને અસરકારક રિસોર્સ મેપિંગ;

ટેલિ-મેડિસિન મારફતે ટોપ એન્ડ મેડિકલ સેવાઓ અને કુદરતી આફતોમાં ઝડપી કામગીરી કરવા લોકો સાથે જોડાણ.

સ્પેસ ટેકનોલોજી આપણા વિસ્તારમાં આપણા લોકોના જીવનની ગુણવત્તા વધારશે.

ઉપગ્રહ દેશોને તેમની પોતાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ મુજબ વિશિષ્ટ સેવાઓ તથા સામાન્ય સેવાઓ પ્રદાન કરશે.

આ લક્ષ્યાંક પાર પાડવા હું ભારતના વૈજ્ઞાનિક સમુદાય અને ખાસ કરીને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ને અભિનંદન આપું છું.

ઇસરોની ટીમે આપણા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાઉથ એશિયા સેટેલાઇટ વિકસાવવામાં મોખરે રહીને નેતૃત્વ કર્યું છે અને સફળતાપૂર્વક તેનું અંતરિક્ષમાં સ્થાપિત કર્યો છે.

મહામહિમો,

સરકારો તરીકે આપણી સૌથી મહત્વપૂર્ણ કામગીરી આપણા લોકો અને સમુદાય માટે વૃદ્ધિ, વિકાસ અને શાંતિ સુરક્ષિત કરવાની છે.

વળી મને વિશ્વાસ છે કે જ્યારે આપણે હાથ મિલાવીશું તથા માહિતી, ટેકનોલોજી અને વૃદ્ધિની પારસ્પરિક વહેંચણી કરીશું, ત્યારે આપણે આપણો વિકાસ અને સમૃદ્ધિની ઝડપ વધારીશું. હું આજે તમારી હાજરી બદલ આભાર માનું છું. આપણી સહિયારી સફળતા બદલ એક વખત ફરી તમને અભિનંદન આપું છું!

ધન્યવાદ; તમારો ખૂબ ખૂભ આભાર.

TR