પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે સરોગસી (રેગ્યુલેશન) બીલ 2016ને મંજૂરી આપી દીધી છે. આ બીલ ભારતમાં નેશનલ સરોગસી બોર્ડની કેન્દ્ર સરકારના સ્તરે અને રાજ્ય સરોગસી બોર્ડઝ અને યોગ્ય ઓથોરિટીઝની રાજ્યોમાં નિમણૂક કરીને સરોગસીનું નિયંત્રણ કરશે. આ કાયદો સરોગસીનું અસરકારક નિયંત્રણ કરીને વ્યાપારી ધોરણે સરોગસી પ્રતિબંધિત કરશે અને જરૂરિયાતમંદ સંતાન વિહોણા યુગલોને નૈતિક સરોગસી માટે છૂટ આપશે.
સંતાન વિહિન જે તમામ પરણિત યુગલો નૈતિક સરોગસી ઈચ્છતા હોય તેમને લાભ થશે. આ ઉપરાંત સરોગસી દ્વારા જન્મેલા બાળકો અને સરોગેટ માતાની સુરક્ષા થશે. આ વિધેયક જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડશે.
આ કાયદાના મુખ્ય લાભ એ છે કે તેનાથી ભારતમાં સરોગસી સર્વિસીસનું નિયમન થશે, જ્યારે માનવ ભ્રૂણ અને પરિપકવ બીજનું ખરીદ-વેચાણ પ્રતિબંધિત થશે તેમજ જરૂરિયાતમંદ સંતાન વિહિન યુગલોને કેટલીક શરતો પૂર્ણ કરવાના આધારે ચોક્કસ હેતુઓ માટે નૈતિક સરોગસી ઉપલબ્ધ થશે. હકીકતમાં આ દ્વારા સરોગસીની અનૈતિક પધ્ધતિઓ પર નિયંત્રણ આવશે, સરોગસીનું વ્યાપારીકરણ રોકાશે અને સરોગેટ માતાનું તથા સરોગસી દ્વારા જન્મેલા બાળકનું સંભવિત શોષણ અટકશે.
ડ્રાફ્ટ બીલમાં કોઈ કાયમી માળખું રચવાની દરખાસ્ત કરાઈ નથી. કોઈ ચોક્કસ જગાઓ ઊભી કરવાની દરખાસ્ત નથી. આ સૂચિત કાયદો મહત્વના ક્ષેત્રોને આવરી લઈ એ રીતે ઘડવામાં આવશે કે જેથી અસરકારક નિયંત્રણ થઈ શકે, પરંતુ હાલમાં અમલમાં રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોના નિયમનના માળખામાં ખાસ ફેરફાર થાય નહીં. આ મુજબ રાષ્ટ્રિય અને રાજ્યોના સરોગસી બોર્ડ અને યોગ્ય ઓથોરિટીઝની મિટીંગો સિવાય કોઈ નાણાંકીય અસર થશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમિત અંદાજપત્ર મારફતે આ જરૂરિયાત પૂર્ણ થશે.
પશ્ચાદ્દભૂમિકા
વિવિધ દેશોના યુગલો માટે ભારત સરોગસીનું મથક બન્યું છે અને અનૈતિક પદ્ધતિઓ અપનાવાતી હોવાના તથા સરોગેટ માતાઓના શોષણના અહેવાલો મળ્યા છે. સરોગસી દ્વારા જન્મેલા બાળકો ત્યજી દેવાય છે અને સરોગસીથી જન્મેલા બાળકો અંગે દલાલોનું ષડયંત્ર ચાલે છે તથા માનવ ગર્ભ અને બીજની આયાત થાય છે. ભારતમાં વ્યાપારી ધોરણે સરોગસી અંગે વ્યાપક ટીકા થઈ છે અને અલગ અલગ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયામાં વ્યાપારી ધોરણે ચાલતી સરોગસી ઉપર પ્રતિબંધ મૂકવા માટેના અને નૈતિક સરોગસી અપનાવવા માટેના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. લો કમિશન ઓફ ઈન્ડિયાના 288મા અહેવાલમાં પણ વ્યાપારી ધોરણે સરોગસી ઉપર પ્રતિબંધ મૂકવાની ભલામણ થઈ છે અને જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો માટે યોગ્ય કાયદો ઘડીને નૈતિક સરોગસીને છૂટ આપવા માટેની ભલામણ કરી છે.