Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘એક નઈ સુબહ’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘એક નઈ સુબહ’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


દેશવાસિઓને નમસ્કાર !

બે વર્ષ પહેલા દેશમાં અમારા પર એક નવી જવાબદારી આવી હતી અને લોકતંત્રનું આ માહાત્મય છે કે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી સરકારનું નિરંતર આંકલન થવું જોઇએ. કમીઓ હોય, સારાઇ હોય, તેનો હિસાબ હોવો જોઇએ. બે વર્ષના કાર્યકાળ તરફ નજર નાંખતા એ વાતનો પણ અહેસાસ થાય છે કે આપણે જ્યાં પહોંચવા માટે નીકળ્યા હતા ત્યાં પહોંચી શક્યા છીએ કે નથી પહોંચી શક્યા, જે દિશામાં નીકળ્યા હતા તે દિશા સાચી હતી કે નહોતી, જે ધ્યેય સાથે ચાલ્યા હતા તે ધ્યેય પૂરો થયો કે નથી થયો.

અને જ્યારે બે વર્ષનો હિસાબ કરીએ છીએ ત્યારે આગામી દિવસો માટે એક નવો આત્મવિશ્વાસ ફક્ત સરકારમાં જ નહીં પરંતુ દેશવાસિઓના હ્દયમાં પણ પેદા થાય છે. સમગ્ર દેશમાં હું જોઇ રહ્યો છું કે છેલ્લા લગભગ 15 દિવસથી ભારત સરકારના દરેક કામનું ખૂબ જ બારીકાઇથી મૂલ્યાંકન થઇ રહ્યું છે. દરેક બાબતને બારીકાઇથી જોવામાં આવી રહી છે, અને હું આજે દેશવાસિઓની સામે મોટા સંતોષ સાથે ઉભો છું. એટલી બારીકાઇથી તપાસ થઇ રહી હોવા છતાં પણ અમે એક નવા વિશ્વાસને પ્રાપ્ત કરી શક્યા છીએ, નવા ઉત્સાહને પ્રાપ્ત કરી શક્યા છીએ અને જનતા જનાર્દનના આશીર્વાદ દરેક દિવસે વધી જ રહ્યા છે તો અમારો કામ કરવાનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. હું એ લોકો માટે તો કંઇ કહી શકતો નથી કે જેમનો રાજકીય કારણોથી વિરોધ અનિવાર્ય હોય છે અને તે સ્વભાવિક પણ છે લોકતંત્રમાં, પરંતુ દેશે છેલ્લા 15 દિવસમાં બે બાબતો સ્પષ્ટપણે જોઇ છે. એક તરફ વિકાસવાદ છે બીજી તરફ વિરોધવાદ છે. અને વિકાસવાદ અને વિરોધવાદની વચ્ચે આ જનતા જનાર્દન દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું શું સત્ય છે, કેટલું સત્ય છે તેને યોગ્ય રીતે માપી શકે છે.

અનેક વિષયો પર ચર્ચાઓ થઇ છે અને એટલા માટે હું આ બાબતોને અહીં ફરીથી યાદ કરાવવા માગતો નથી. પરંતુ ચિંતા એ વાતની જરૂર હોય છે, મુદ્દાના આધાર પર, હકીકતોના આધાર પર દરેક કામનું કઠોરતાથી મૂલ્યાંકન થવું આવશ્યક છે. પરંતુ આપણે એવી ભૂલ ન કરી બેસીએ કે જેના કારણે દેશ કોઇ પણ કારણ વગર નિરાશામાં ડૂબી જતો રહે. ક્યાંક ક્યાંક આ વાતો નજરમાં આવે છે જેમાં હકીકતોનો આધાર હોતો નથી પરંતુ તેની પર આ પ્રકારની સ્થિતિઓ સવાર થઇ જાય, તે ક્યારેક ક્યારેક ચિંતાનું કારણ બને છે.

સરકારના કામનો હિસાબ જૂની સરકારોના કામના સંદર્ભમાં થાય છે. પહેલાં શું થતું હતું, અત્યારે શું થાય છે તેનું તુલનાત્મક અધ્યયન થઇ રહ્યું છે. આપણે બિલકુલ વિતેલી સરકારોની બાબતોને ઓઝલ કરી દઇએ અને અચાનક જ ચીજોની ચર્ચા કરીશું તો કદાચ યોગ્ય મૂલ્યાંકન નહીં કરી શકીએ. જો આજે મારી સરકાર એમ કહે કે અમે કોલસાની સમસ્યાનું સમાધાન કર્યું. તમે કલ્પના કરી શકો છો કે અચાનક સુપ્રીમ કોર્ટ કોલસાની ખાણોનું લાયસન્સ રદ કરી દે અને વિજળીના કારખાનામાં કોલસાનું સંકટ પેદા થઇ જાય અને એવી વિકટ સ્થિતિમાં જ્યારે સમગ્ર સરકાર કોલસાના ભ્રષ્ટાચારના કારણે દેશની અંદર બદનામી ભોગવી ચૂકી હોય.

બે વર્ષ પહેલા કોઇ દિવસ, કોઇ ટીવી, કોઇ અખબાર, ચેનલ, કોઇ ચર્ચા, કોઇ ભાષણ, આ ભયંકર ભ્રષ્ટાચારોથી અછૂતું નહોતું, પરંતુ આજે જો હું એમ કહું કે હરાજી કરી, પારદર્શક રીતે કરી. અત્યાર સુધી તેની સામે કોઇ આંગળી ચિંધાઇ નથી, દેશના ખજાનામાં લાખો – કરોડો રૂપિયા આવવાનું નક્કી થઇ ગયું છે. રાજ્યોના ખજાનામાં પણ પૈસા જઇ રહ્યા છે. એટલું જ નહીં જ્યાં કોલસાની ખાણ છે ત્યાં મોટાભાગે આપણા આદિવાસી સમાજના લોકો રહે છે. તેમના કલ્યાણ માટે તેમાંથી ફંડ નીકળવાનું છે.

આ સારી બાબતો જો એમ જ હું કહી દઉં તો લાગે છે કે ચાલો ભાઇ મોદીજીએ કામ કરી દીધું છે પરંતુ તેની તાકાત ત્યારે જ સમજમાં આવે છે જ્યારે સુપ્રીમ કોર્ટને એવું કેમ કરવું પડ્યું હતું. કોલસામાં એટલો મોટો ભ્રષ્ટાચાર કેમ થયો હતો, તે કઇ રીતો હતી અને તેમાંથી દેશને બહાર લાવવાનું…. ત્યારે જઇને સમજાય છે કે કેટલું મોટું કામ થયું છે, કેટલું મહત્વપૂર્ણ કામ થયું છે અને એટલા માટે જ્યાં સુધી આપણે વિતેલી સરકારના દિવસોનું સ્મરણ કરીને, વર્તમાનના નિર્ણયોને પારખીશું તો આપણને ધ્યાનમાં આવશે કે કેટલો મોટો ફેરફાર થયો છે.

એ વાતથી કોણ ઇનકાર કરી શકે છે કે ઉધઇની જેમ ભ્રષ્ટાચારે આ દેશને અંદરથી નબળો બનાવી દીધો છે, તબાહ કરી દીધો છે. આપણા દરેક સપના ચૂર – ચૂર કરવાની તાકાત કોઇ એક ઉધઇમાં છે તો એ ઉધઇનું નામ છે ભ્રષ્ટાચાર.

અને મેં ભ્રષ્ટાચારની સામે ખૂબ જ સકલ રીતે એક પછી એક પગલાં લઇને હિન્દુસ્તાનના જન – મનને આંદોલિત કરનારી આ બાબતને સ્પષ્ટ કરવાનો પ્રમાણિત પ્રયાસ કર્યો છે અને જ્યારે તમે એના ઉંડાણમાં જશો તો તમે ચોંકી જશો. તમે કલ્પના કરી શકો છો કે દેશ કેવી રીતે બદલાયો છે. જે દિકરી ક્યારેય પેદા જ નથી થઇ, દેશની સરકારોની ફાઇલોમાં તે દિકરી વિધવા પણ થઇ જાય છે અને તે વિધવા દિકરીને પેન્શન પણ મળવાનું શરૂ થઇ જાય છે અને વર્ષો સુધી પેન્શન જાય છે અને ક્યારેય પણ એવા ભ્રષ્ટાચારની ચર્ચા થતી નથી.

અમે જ્યારે ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત રસોઇ ગેસની તેમની સબ્સિડી સીધી પહોંચાડવાની શરૂ કરી, આધારથી તેનું જોડાણ કર્યું, જન – ધન એકાઉન્ટ સાથે જોડાણ કર્યું અને કેવું અદભુત પરિણામ આવ્યું છે. દેશવાસિયઓને એ જાણીને હેરાની થશે કે એકલા રસોઇ ગેસમાં એટલા ડમી નામ મળ્યા, એટલા ડમી સિલિન્ડરની ચર્ચા થઇ, જેનું અમે લિકેજ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ 15 હજાર કરોડ રૂપિયા, તમારા હક્કના પૈસા બચાવી દીધા છે.

કોઇના ત્યાં છાપેમારી થાય અને કોઇના ત્યાંથી 50 કરોડ રૂપિયા મળી જાય તો આપણા દેશમાં હેડલાઇન બની જાય છે. 50 કરોડ મળી જાય તો… ખૂબ જ મહેનત કરીને યોજના કરીને દેશના15 હજાર કરોડ રૂપિયા લગભગ બચાવવાના છે. હું કહું છું મારો દેશ , મારા આ એક કામ માટે પણ એમ કહેશે કે મોદીજી તમે સાચું કરી રહ્યા છો.

તમને જાણીને હેરાની થશે કે રાશન કાર્ડ જેનાથી ગરીબોને સસ્તામાં અનાજ મળે છે, કેરોસિન મળે છે, તેની આવશક્યતાઓની પૂર્તી થતી હશે. અમે જરા તપાસ કરાવી તો કારોબાર ચાલી રહ્યો છે, કારણ કે ગરીબની થાળીમાં જે ચોખા જાય છે તો એને તો એમ જ લાગે છે કે મને 3 રૂપિયામાં ચોખા મળ્યા છે, 2 રૂપિયામાં મળ્યા, 1 રૂપિયામાં મળ્યા, પરંતુ તે ગરીબ સુધી તે વાત પહોંચતી નથી કે તેની થાળીમાં જ્યારે ચોખા જાય છે તો એ કિલો પર 27 રૂપિયા ભારત સરકારના ખજાનામાંથી જાય છે. તેને એ બાબતની ખબર નથી. ત્યારે જઇને તેની થાળીમાં 1 રૂપિયામાં, 2 રૂપિયામાં, 3 રૂપિયામાં ચોખા જાય છે અને તે રાશન કાર્ડના હોય છે. અત્યારે તો મારું કામ ચાલી રહ્યું છે પરંતુ જેટલું પણ થયું છે. અત્યાર સુધી, અત્યાર સુધી 1 કરોડ 62 લાખથી વધારે ડમી રાશન કાર્ડ અમે શોધી દીધા છે. 1 કરોડ 62 લાખ ડમી રાશન કાર્ડ. મતલબ તે રાશન કાર્ડ પર જે પણ જતું હતું તે કોઇના ખિસ્સામાંથી જ જતું હતું. ક્યાંક તો બેઇમાની થતી હતી.

હરિયાણા સરકારે એક પહેલ ચલાવી, અમારી આ આધાર યોજના અંતર્ગત, જન – ધનની યોજના અંતર્ગત, મોબાઇલ કનેક્ટીવિટી અંતર્ગત, મને કહેવામાં આવ્યું, કેરોસિન, ડમી કેરોસિન લેનારાઓની સંખ્યા છ લાખ નીકળી છે એક નાના રાજ્યમાં. આ છ લાખ લોકોના નામ પર સબ્સિડીવાળું કેરોસિન જતું હતું. તે કેરોસિન ક્યાં જતું હશે, ડીઝલમાં મિક્સ કરવા માટે જતું હશે. તે પ્રદુષણ કરવા માટે જતું હશે, કોઇ કેમિકલ ફેક્ટરીના કામમાં આવતું હશે અને સરકારના ખજાનામાંથી પૈસા ગરીબના નામથી જતા હશે.

1 કરોડ 62 લાખ રાશન કાર્ડ, 6 લાખ કેરોસિનના, અત્યારે અમે આ યોજના અંતર્ગત એક પ્રદેશમાં 540 કરોડ રૂપિયા બચાવ્યા છે, 540 કરોડ રૂપિયા કઇ બાબતના, તો ડમી શિક્ષક, પગાર જઇ રહ્યો હતો, યુનિફોર્મ જતો હતો, સ્કૂલ માટે મધ્યાહ્ન ભોજન જઇ રહ્યું હતું. શું શિક્ષક હશે તો સ્કૂલ તો હશે જ ને. આ તમામ તપાસમાંથી ખુલી રહ્યું છે. અને તેનું પરિણામ શું આવ્યું છે, ઉપરછલ્લો હિસાબ હું લગાવું, તો લગભગ 36000 કરોડ રૂપિયા, આ ઉચાપત અટકી ગઇ છે. આ ભ્રષ્ટાચાર થતો હતો તે રોકાઇ ગયો છે અને એક વર્ષ માટે આ દરેક વર્ષે એટલું બચવાનું છે અને અત્યારે શરૂઆત છે, એક નવી સવાર છે.

અમુક લોકો કહે છે કે મોદીજી તમે આટલી મહેનત કરો છો, આટલું કામ કરો છો , તમારો આટલો વિરોધ કેમ થાય છે, રોજ તમારી સામે આટલું તોફાન કેમ ચાલતું રહે છે. તમે પોતાની કમ્યુનિકેશનની રીત વ્યવસ્થિત બનાવો. તમે મીડિયા સાથે કઇંક વાત કરવા માટે કંઇક કરો. મને ઘણા લોકો સમજાવે છે, હવે તેમને હું કેવી રીતે સમજાવું કે ભાઇ, જે લોકોના ખિસ્સામાં 36 હજાર કરોડ રૂપિયા જતા હતા તે મોદીએ બંધ કરાવી દીધા, તો મોદી ગાળ નહીં ખાય, તો બીજું શું ખાશે, લૂંટ ચલાવનારાને કેવી – કેવી પરેશાનીઓ થતી હશે, તેનો અંદાજ આપણે યોગ્ય રીતે સમજી શકીએ છીએ. હું ઘણા વિષયો એવા જણાવું છું કે જેની પર અમે બે વર્ષમાં જ યોગ્ય રીતે પહેલ કરી છે. અને તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

તમે જુઓ ક્યારેક એલઇડી બલ્બ કેટલા રૂપિયામાં વેચાતો હતો, આજે કેટલા રૂપિયામાં વેચાય છે, ક્યાંક 200, 250, 300 સુધી એલઇડી બલ્બની કિંમત હતી, આજે તે 60, 70, 80 પર આવી ગઇ છે. જો આપણા દેશમાં અમે ક્યારેક વિજળીનું કારખાનું લગાવીએ તો અમે જાહેરાત કરીએ કે બે લાખ કરોડ રૂપિયાના વિજળીના કારખાના લાગશે, કે એક લાખ કરોડ રૂપિયાના વિજળીના કારખાના લાગશે, તો આપણા દેશના જેટલા આર્થિક વિષયો પર લખનારા અખબારો છે, તે હેડલાઇન લગાવશે કે મોદીએ મોટું સપનું જોયું છે, એક લાખ કરોડ રૂપિયાથી વિજળીના નવા કારખાના લાગશે. આ થશે, તેમ થશે, ઢીકણું – ફલાણું થશે, કોઇ એમ પણ લખશે કે મોદી વાતો કરે છે, પરંતુ રૂપિયા ક્યાંથી લાવશે, એક લાખ કરોડ ક્યાંથી લાવશે, મતલબ તમામ વાતો થઇ શકે છે, પરંતુ આ બાબતની ચર્ચા નહીં થાય કે એલઇડીના કેમ્પેઇનના કારણે જે પાંચસો શહેરને અમે લક્ષ્ય બનાવ્યા છે, તે પાંચસો શહેરમાં જો આપણે સો ટકા, એલઇડી બલ્બ પહોંચાડવામાં અમે સફળ થઇ ગયા અને થવાના છીએ, જે દિવસે તે કામ પૂરું થઇ જશે આ દેશમાં લગભગ લગભગ 20 હજાર મેગાવોટ વિજળી બચાવાની છે. 20 હજાર મેગાવોટ વિજળી બચવાનો મતલબ એ થાય છે, એક લાખ કરોડ રૂપિયાની વિજળીના કારખાનાનો જે ખર્ચ છે તે બચવાનો છે, પરંતુ 60-70 રૂપિયાનો એલઇડી બલ્બ શું ન્યૂઝનો વિષય થાય કે કેમ ? તેમાં શું ખબર છે અને એટલા માટે અમે લોકો જે ઝડપી ગતિથી તેમાં ફેરફાર લાવી રહ્યા છીએ અને જે ફેરફારનો દેશ આજે અનુભવ કરી રહ્યો છે, એક બાદ યોજનાઓ, જે હવે કોઇએ કલ્પના કરી હતી આપણા દેશમાં આપણે જોયું હશે કે ઘણી ચૂંટણીઓ થઇ ગઇ છે, તમે ઘણી ચૂંટણીઓ જોઇ લીધી છે, જે ચૂંટણીમાં એ ચર્ચા થતી હતી કે 12 સિલિન્ડર હોવા જોઇએ, કે છ હોવા જોઇએ. અને મોટા મોટા નેતા જાહેરાત કરતા હતા અને બીજા દિવસે અખબારમાં હેડલાઇન છપાતી હતી કે નવ સિલિન્ડર નહીં હવે 12 સિલિન્ડર પર સબ્સીડી મળશે અને 9 સિલિન્ડરથી 12 સિલિન્ડરના નામે વોટ માગતા હતા. એ દિવસને યાદ કરો જ્યારે હિન્દુસ્તાનમાં સંસદ સભ્યને 25 રસોઇ ગેસની કૂપન મળતી હતી, એમપી બનવાના કારણે અને તે 25 કૂપનથી લોકોને પોતાના કાર્યકર્તાઓ તથા સાથીઓને, સાથીદારોને લાભ આપવાનો રહેતો હતો કે મને એક ગેસની કૂપન આપો, મને બરાબર યાદ છે, અમારા ત્યાં અમદાવાદમાં એરપોર્ટ પર એક ઓફિસર હતા, તે દરેક એમપીને જાણતા હતા કેમ કે તે એરપોર્ટ પર આવતા જતા રહેતા હતા, દરેક એમપીને કહેતા હતા કે એક ગેસની કૂપન આપોને ભાઇ મને, મારો દિકરો અલગ રહેવા ગયો છે તો તેના માટે રસોઇ ગેસની કૂપન જોઇએ છે. અને વર્ષ ભર એક પણ એમપી તેને આપી શક્યા નહીં, તે ગેસ કનેક્શનના દિવસો આપણે ભૂલી ન જઇએ. આ હું પાંચ વર્ષ , દસ વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. કોઇ જૂની વાત નથી કરી રહ્યો, જે દેશમાં એ ચર્ચા થતી હતી અને આ દેશના પ્રધાનમંત્રી વાતો વાતોમાં દેશની જનતાને વિનંતી કરે કે તમે ગેસની સબ્સિડી છોડી દો અને હું દેશને નમન કરું છું, 1 કરોડ 13 લાખ લોકોએ પોતાની સબ્સીડી છોડી દીધી છે, શું આ ફેરફાર નથી, આ જન મનનો ફેરફાર નથી, આ દેશનો ફેરફાર નથી, દેશના વિકાસ માટે જનભાગીદારીનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઇ શકે. આ દેશે અનુભવ કર્યો છે. અને અમે પણ નક્કી કર્યું છે કે અમે આ ગેસ સબ્સિડી જે છોડી છે, ગરીબના ઘરમાં માતા લાકડાનો ચૂલ્હો બાળે છે અને દિવસભર ભોજન બનાવવાના કારણે લગભગ લગભગ ચારસો સિગારેટનો ધુમાડો તેના શરીરમાં જાય છે. ચારસો સિગારેટ જેટલો ધુમાડો, તે માતાની ચિંતા કોણ કરશે અને અમે છેલ્લા એક વર્ષમાં લગભગ લગભગ ત્રણ કરોડથી વધારે પરિવારોને નવા રસોઇ ગેસના કનેક્શન આપી દીધા છે. આઝાદ હિન્દુસ્તાનમાં એક વર્ષમાં એટલું મોટું કાર્ય ક્યારેય થયું નથી અને અમે નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં પાંચ કરોડ પરિવાર, જેમની પાસે આજે રસોઇ ગેસ નથી તેમને અમે પહોંચાડીશું, કારણ તે ગરીબ પરિવાર છે, મધ્યમ વર્ગ સુધી તો રસોઇ ગેસ પહોંચ્યો છે. નિમ્ન મધ્યમ વર્ગ સુધી નથી પહોંચ્યો. ઝૂંપડીનો તો સવાલ જ નથી, પરંતુ અમે બીડું ઝડપ્યું છે. આ કેવી રીતે સંભવ થઇ શકે છે, આ ત્યારે સમજાશે કે 9 સિલિન્ડર – 12 સિલિન્ડર માટે ઝઘડા થતા હતા, ત્યારે આ સમજાશે કે એક સંસદ સભ્યને 25 ગેસ સબ્સિડીની કૂપનના કારણે ગર્વ અનુભવાતો હતો, કોઇનો રસોઇ ગેસ આપવાના તે દિવસોની સામે પાંચ કરોડ ગેસ કનેક્શન, આ એક ફેરફાર છે. અને એટલા માટે સ્કેલ જુઓ, તેની સંખ્યા જુઓ, ઝડપ જુઓ, લક્ષ્ય સમૂહ જુઓ, તો તમને ધ્યાનમાં આવશે કે ગરીબોના કલ્યાણ માટે, ગરીબોની ભલાઇ માટે એક પછી એક પગલા લીધા છે.

આપણો ખેડૂત, આપણે ભલે વરસાદને તો ક્યારેક ક્યારેક કહી દઇએ છીએ કે અત્યારે વરસાદ નથી આવ્યો, પરંતુ આપણે ધરતી માતાનો શું હાલ કરીને મૂક્યો છે, તેની ચર્ચા નથી કરતા. ખેડૂત બિચારો બર્બાદ થઇ જાય, તો કહી દઇએ છીએ કે બીજ ખરાબ હતું કે પાણી નહોતું આવ્યું, પરંતુ આજે આપણે તે બાબતને નથી જોતા કે આપણે ધરતી માતાને બરબાદ કરી દીધી છે. આપણે આ માતાનું કેટલું બધુ શોષણ કર્યું છે કે હવે જરૂર છે આપણી ધરતી માતાને બચાવવી. અને એટલા માટે અમે જમીન ચકાસણી કાર્ડનું એક ખૂબ જ મોટું ધ્યેય લઇને ચાલી નીકળ્યાં છીએ. ધરતીનું આરોગ્ય કેવું છે, માટીમાં ક્યાં ગુણ છે, કઇ કમીઓ છે, કેવી રીતે પાક માટે તે જમીન અનૂકુળ છે, કઇ દવા ચાલશે, ક્યું ખાતર ચાલશે. માણસ જે પ્રકારથી બ્લડ ટેસ્ટ કરાવે છે, યુરિન ટેસ્ટ કરાવે છે, ડાયાબિટીસ છે, નથી, તે નક્કી કરાવે છે, આ ધરતી માતાના પણ એવી જ રીતના પરીક્ષણનું કામ આ સરકારે ઉઠાવ્યું છે અને દેશના ખેડૂતો સુધી આ વાતને અમે પહોંચાડી છે અને ઘણી માત્રામાં ખેડૂતોએ આજે પોતાના જમીન ચકાસણી કાર્ડ દ્વારા આ બાબત પર નિર્ણય કરવા લાગ્યા છીએ કે પાકનુ સ્વરૂપ તેવી રીતે બદલવામાં આવે.

મારા કહેવાનું તાત્પર્ય એ છે કે દેશના સામાન્ય માનવના જીવનમાં ફેરફાર લાવવાની દિશામાં અનેક એવા કામ કર્યાં છે, અને તેમાં એક મહત્વપૂર્ણ કામ છે, અને હું માનું છું કે લોકતંત્રની ખૂબ જ મોટી પૂંજી હોય છે, લોકતંત્રની પહેલી શરત હોય છે કે શાસકોના દિલમાં પોતાની જનતા પ્રત્યે અપ્રતિમ વિશ્વાસ હોવો જોઇએ, ભરોસો હોવો જોઇએ, અમે અત્યાર સુધી સરકાર ચલાવી છે, જનતા પર અવિશ્વાસ કરવો, મેં એક દિવસ ઇન્કમટેક્ષ ઓફિસર્સની મીટિંગ કરી હતી, મેં કહ્યું કે તમે વેપારીઓને ચોર માનીને કેમ ચાલી રહ્યા છો ભાઇ ? શું દેશ આવી રીતે ચાલશે ? આ સમગ્ર રીત ખોટી છે, ખોટી વિચારસરણી છે. અમે ફેરફાર શરુ કર્યો.

આપણે અહીં તો ગ્રેજ્યુએટ છે, ક્યાં એપ્લાય કરવું છે તો સર્ટિફાય કરાવવા માટે કોઇ કોર્પોરેટર કે કોઇ એમએલએ કે એમપીના ઘરની બહાર ઉભું રહેવું પડતું હતું અને તમારો ચહેરો પણ જોતો નહોતો અને તેનો નાનો દિકરો ઘરમાં બેસતો હતો અને ઠપ્પો લગાવતો હતો, તમને સર્ટિફાય કરાવી દેતો હતો, હાં, તમારું સર્ટિફાય કરી દીધું. જો આ જ કરવું છે, તો જરૂર જ શું છે, અમે કહ્યું કોઇ જરૂર નથી લોકોને કહી દો તમે જ તમારી જાતે સર્ટિફાય કરી દો અને સરકારમાં મોકલી દો. જ્યારે ફાઇનલ ઓર્ડર હશે ત્યારે તમે સાચું સર્ટિફિકેટ બતાવી દેજો. આપણે જનતા જનાર્દન પર ભરોસો કરવો જોઇએ. આ દેશ તેમનો પણ છે.

એક વખત જનતા પર આપણે ભરોસો કરીએ, પછી જુઓ તમને કેવો ફેરફાર લાગશે. હું સુરેશ પ્રભુને કહી રહ્યો હતો. મેં કહ્યું સુરેશ ક્યારેક એમ તો જાહેરાત કરો કે ફલાણી તારીખે, ફલાણા રૂટ પર ટ્રેનમાં એક પણ ટિકિટ ચેકર નહીં હોય. જુઓ આ દેશના લોકો એવા છે કે આપણે વિશ્વાસ કરીએ, ક્યારેક આ કરીને જોજો. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, હું એક પછી એક આ જ અફસરશાહી ચાલી રહી છે, તેને દૂર કરવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યો છું.

આ લોકતંત્ર છે, જનતા – જનાર્દનની તાકાત એ સર્વાધિક હોવી જોઇએ અને એ દિશામાં અમે એક પછી એક પગલા લઇ રહ્યા છીએ. અત્યારે અમે નિર્ણય કર્યો, આ નિર્ણય દેશના યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે. આપણા દેશમાં ભ્રષ્ટાચારનો એક વિસ્તાર ક્યો છે ? નોકરી ! તે લેખિત પરીક્ષા આપે છે, ત્યાં સુધી તો ચિંતા રહેતી નથી, બિચારો આપે છે અને તેમાં પણ ઇન્ટરવ્યુંનો કોલ આવે છે, ઇન્ટરવ્યુંનો કોલ આવે છે, તો એના મનમાં એક આશા જાગે છે કે ત્યાં ઇન્ટરવ્યુંમાં શું પૂછશે ? કેવા કપડાં પહેરીને જઉ, એ ચિંતા નથી કરતો, એ ચિંતા કરે છે ઇન્ટરવ્યું કોલ આવ્યો છે યાર, કોઇ ભલામણવાળું મળી જાય ? કોઇ મને મદદ કરનારું મળી જાય ? અને કોઇ દલાલ તેના ત્યાં પહોંચી જાય છે કે જુઓ ભાઇ તમારો ઇન્ટરવ્યું કોલ આવ્યો છે, આ નોકરી જોઇએ, પાસ થવું છે, આટલું આપવું પડશે, આ ભ્રષ્ટાચારનો સમગ્ર લેખ ઇન્ટરવ્યુંના આસપાસ ચાલી રહ્યો છે. અમે નક્કી કરી લીધું છે કે ભારત સરકારમાં વર્ગ 3 અને 4ના જે કર્મચારીઓ છે. તેમનું કોઇ ઇન્ટરવ્યું નહીં થાય, મેરિટ લિસ્ટ કમ્ય્યુટર નક્કી કરશે કે પહેલા કેટલા લોકો છે તેમને નોકરી મળી જાય, બે નિર્ણય ખોટા પણ થઇ જશે પરંતુ તેનાથી દેશને જે ઉધઇ લાગી છે, તે ઉધઇથી મુક્તિ મળી જશે અને એટલા માટે એક પછી એક એવા નિર્ણય અમે કર્યા છે અને આ નિર્ણય, સમગ્ર નિર્ણય એક નવા વિચારની સાથે છે.

અને આ સૌથી મોટો ફેરફાર છે કે દેશની અંદર એક વિશ્વાસ ભરવાનો, સંકલ્પની સાથે ચાલવાનું અને સામાન્ય માણસની જિંદગીની આશા – આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નિરંતર પ્રયાસ કરવાનો. સરકારના બે વર્ષના કામો પર મારે જો બોલવાનું હોય તો બની શકે છે કે દૂરદર્શનવાળાઓ એક અઠવાડિયા સુધી આખો દિવસ મારું ભાષણ રાખવું પડે. એટલી બધી સિદ્ધિઓ છે પરંતુ હું સિદ્ધિઓની ચર્ચા કરવા માટે તમારી વચ્ચે આવ્યો નથી, હું તમને વિશ્વાસ અપાવવા માટે આવ્યો છું કે દેશવાસિઓએ અમને ભરોસો આપ્યો, તે ભરોસાને અમે પૂરો કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને દેશે જોયું છે કે બદઇરાદાથી કોઇ નિર્ણય લીધો નથી. મહેનત કરવામાં કોઇ કમી રાખી નથી અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ રાખીને અમને પોતાને તેમાં જોડી દીધા છે.

ટીમ ઇન્ડિયાની કલ્પના લઇને ચાલ્યા છીએ. રાજ્યોના ખભાથી ખભો મિલાવીને કામમાં જોડાઇને ચાલ્યા છીએ, પરંતુ આ વાત સાચી છે કે જેમણે આજ સુધી ખાધું છે તેમને મુશ્કેલીઓ તો આવવાની જ છે, તેમને તો તકલીફ થવાની જ છે. કોણે ખાધું, ક્યારે ખાધું. તે મારો વિષય નથી પરંતુ આ દેશના રૂપિયા છે, ગરીબના પૈસા છે, આ કોઇ બીજાની પાસે નહીં જવા દેવાય. આ કામ પર હું લાગેલો છું. જેને તકલીફ થતી હશે, થતી રહે, અમે દેશ માટે કામ કરતા રહીશું. દેશની જનતા અમને આશીર્વાદ આપતી રહે. મને ફરીથી એક વખત આજે આ પ્રસંગે તમારી સહુની વચ્ચે આવવાની તક મળી છે. મારી વાત કહેવાનો અવસર મળ્યો છે, હું તમારા સહુંનો ખૂબ – ખૂબ આભારી છું.

ધન્યવાદ.

AP/J.Khunt/GP