Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સત્તાવાર આંકડા અંગે યુનાઈટેડ નેશન્સના મૂળભૂત સિદ્ધાંતોનો સ્વીકાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય કેબિનેટે સત્તાવાર આંકડા અંગે યુનાઈટેડ નેશન્સના મૂળભૂત સિદ્ધાંતો અપનાવવાની મંજૂરી આપી છે.

સત્તાવાર આંકડા અંગે આંતરરાષ્ટ્રીય ધોરણો ઉપરાંત યુનાઈટેડ નેશન્સના મૂળભૂત સિદ્ધાંતો અપનાવવાને પગલે સત્તાવાર આંકડાઓના સંકલનની પદ્ધતિઓ, સંપાદન અને પ્રસારમાં વ્યાવસાયિક સ્વતંત્રતા, તટસ્થતા, ઉત્તરદાયિત્વ અને પારદર્શિતા આવશે. આ ઉપરાંત, આ સિદ્ધાંતો સાથે સુસંગત હોય તે રીતે વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ અને સંસ્થાઓમાં સુધારણા કરવા માટે સત્તાવાર આંકડાઓ અંગેની રાષ્ટ્રીય નીતિ માટેનો માર્ગ પણ મોકળો બનશે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીનું સમર્થન ધરાવતા સત્તાવાર આંકડાઓના 10 મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે :

સિદ્ધાંત 1. સત્તાવાર આંકડા, લોકશાહી સમાજની માહિતી વ્યવસ્થામાં અનિવાર્ય તત્વ છે, જે સરકાર, અર્થવ્યવસ્થા અને લોકોને આર્થિક, ભૌગોલિક, સામાજિક અને પર્યાવરણ સંબંધી પરિસ્થિતિ વિશેનો ડેટા ઉપલબ્ધ કરાવે છે. એટલે, વ્યવહારુ ઉપયોગિતા ધરાવતા આંકડા સંપાદિત કરીને તટસ્થપણે સત્તાવાર આંકડાકીય સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવાથી નાગરિકોનો જાહેર માહિતીના હક્કનું સન્માન કરી શકાય છે.

સિદ્ધાંત 2. સત્તાવાર આંકડામાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે આંકડાકીય સંસ્થાઓએ સત્તાવાર ડેટાના સંકલન માટેની કાર્યપદ્ધતિઓ અને કાર્યરીતિઓ, પ્રક્રિયાઓ, સંગ્રહ અને રજૂઆત અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને વ્યાવસાયિક નીતિશાસ્ત્ર સહિત ચુસ્તપણે વ્યાવસાયિક બાબતો મુજબ નિર્ણય લેવા જોઈએ.

સિદ્ધાંત 3. ડેટાના સાચા અર્થઘટન માટે આંકડાકીય સંસ્થાઓએ આંકડાના સ્રોતો, કાર્યપદ્ધતિઓ અને કાર્યરીતિઓ માટે વૈજ્ઞાનિક ધોરણો મુજબ માહિતી રજૂ કરવી.

સિદ્ધાંત 4. આંકડાકીય સંસ્થાઓ આંકડાના ભૂલભરેલા અર્થઘટન અને દુરુપયોગ અંગે ટિપ્પણી કરી શકે છે.

સિદ્ધાંત 5. આંકડાકીય હેતુઓ માટેનો ડેટા, આંકડાકીય સર્વેક્ષણો હોય કે વહીવટી હેવાલો હોય, તમામ પ્રકારના સ્ત્રોતો પાસેથી મેળવી શકાય છે. આંકડાકીય સંસ્થાઓ ગુણવત્તા, સમયોચિતતા, ખર્ચ અને પ્રતિવાદી પરના બોજને ધ્યાન પર લઈને સ્ત્રોત પસંદ કરી શકે છે.

સિદ્ધાંત 6. આંકડાકીય સંપાદન માટે આંકડાકીય સંસ્થાઓ દ્વારા સંકલિત કરવામાં આવતા પ્રત્યેક ડેટા, પછી તે કુદરતી કે કાયદાકીય વ્યક્તિઓનો સંદર્ભ હોય, ચુસ્તપણે ગોપનીય રહેશે અને માત્ર આંકડાકીય હેતુઓ માટે જ વાપરવાનો રહેશે.

સિદ્ધાંત 7. આંકડાકીય વ્યવસ્થાઓ જે કાયદાઓ, નિયમનો અને માપદંડો હેઠળ કાર્યરત છે, તે જાહેર કરવા.

સિદ્ધાંત 8. આંકડાકીય ઢાંચામાં સાતત્ય અને કાર્યક્ષમતા મેળવવા માટે વિવિધ દેશોની આંકડાકીય સંસ્થાઓ વચ્ચે સંકલન જરૂરી છે.

સિદ્ધાંત 9. પ્રત્યેક દેશમાં આંકડાકીય સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય વિચારો, વર્ગીકરણો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમામ અધિકૃત સ્તરે સાતત્ય અને આંકડાકીય વ્યવસ્થાઓમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું.

સિદ્ધાંત 10. તમામ દેશોમાં સત્તાવાર આંકડાઓની વય્વસ્થાઓ વધુ સારી બનાવવા માટે આંકડાઓ અંગે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકાર ફાળો આપે છે.

પૃષ્ઠભૂમિ :

ગુણવત્તા સુધારવા માટે અને આંકડાકીય વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે આ સિદ્ધાંતોના મોટા ભાગના ઘટકોને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) જ્યારથી અસ્તિત્વમાં છે, ત્યારથી વફાદાર છે.

વિદેશી બાબતોના મંત્રાલયે જ્યારે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીના સત્તાવાર આંકડાઓના મૂળભૂત સિદ્ધાંતો અંગેના ઠરાવ અંગે સંદર્ભ આપ્યો ત્યારે એમઓએસપીઆઈએ ઠરાવને ટેકો આપ્યો હતો. યુએન જનરલ એસેમ્બ્લીએ જાન્યુઆરી, 2014માં આ ઠરાવને સમર્થન આપ્યું હતું.

તેના પગલે, આ મુદ્દે માર્ચ, 2015માં ન્યુયોર્ક ખાતે યોજાયેલા યુનાઈટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક્સ કમિશનના 46મા સત્રમાં સમીક્ષા કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાના મૂળભૂત સિદ્ધાંતોના અમલીકરણના કાર્યમાં પ્રગતિ અંગે ભારતે વર્ષ 2017માં યોજાનારા યુનાઈટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક્સ કમિશનના 48મા સત્રમાં વિચારણા માટે યુએન સ્ટેટિસ્ટિક્સ ડિવિઝનને અહેવાલ આપવો જરૂરી છે. ભારત સરકાર દ્વારા આ સિદ્ધાંતોનો સ્વીકાર થવો એ તેના અમલીકરણ તેમજ આંતરરાષ્ટ્રીય ફરજનું પાલન થાય તે માટેની મૂળભૂત જરૂરિયાત છે.

SP/AP/J.Khunt