ભારત–યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની બીજી બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેની સહ–અધ્યક્ષતા કરી હતી. સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ હતા. સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના એક્ઝિક્યુટિવ વાઇસ–પ્રેસિડેન્ટ શ્રીમતી હેન્ના વિરક્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા, આંતરસંસ્થાકીય સંબંધો અને પારદર્શકતા માટેના કમિશનર શ્રી મારોસ સેફઓવિયસ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના કમિશનર શ્રીમતી એકાતેરિના ઝહારીવાએ યુરોપિયન યુનિયન તરફથી સહ–અધ્યક્ષતા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને એપ્રિલ 2022 માં ભારત–ઇયુ ટીટીસીની સ્થાપના વેપાર, વિશ્વસનીય તકનીકી અને સુરક્ષાના સંગમ પર પડકારોને પહોંચી વળવા માટે એક મુખ્ય દ્વિપક્ષીય પ્લેટફોર્મ તરીકે કરી હતી. ભારત અને યુરોપિયન યુનિયન, ખુલ્લા બજારનાં અર્થતંત્રો, સહિયારા મૂલ્યો અને બહુવચનવાદી સમાજો સાથે બે મોટી અને જીવંત લોકશાહીઓ તરીકે બહુધ્રુવીય દુનિયામાં સ્વાભાવિક ભાગીદારો છે.
દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વધતો વ્યૂહાત્મક સમન્વય વૈશ્વિક ભૂ–રાજકીય પરિદ્રશ્યની બદલાતી ગતિશીલતાને પ્રતિસાદ આપે છે તથા વૈશ્વિક સ્થિરતા, આર્થિક સુરક્ષા તથા સ્થાયી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં સામાન્ય હિત ધરાવે છે. આ સંદર્ભમાં, બંને પક્ષોએ નિયમો–આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મહત્વ અને સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા, પારદર્શિતા અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનના સિદ્ધાંતો માટે સંપૂર્ણ આદર પર ભાર મૂક્યો. ટીટીસી યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વેપાર અને ટેકનોલોજી વચ્ચે વધી રહેલાં મહત્ત્વપૂર્ણ જોડાણની સહિયારી સ્વીકૃતિ, બંને ભાગીદારોનાં અર્થતંત્રને વધારવા માટે આ મુદ્દાઓ પર સહકારની સંભવિતતા અને સુરક્ષા સંબંધિત પડકારો પર સંયુક્તપણે કામ કરવાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે. બંને પક્ષોએ તેમની ભાગીદારીની સંભવિતતાની નોંધ લીધી છે. જે સ્થિતિસ્થાપકતા વધારશે, કનેક્ટિવિટીને મજબૂત કરશે તથા હરિયાળી અને સ્વચ્છ ટેકનોલોજીનાં વિકાસને આગળ વધારશે.
ભારત–યુરોપિયન યુનિયન ટીટીસીની પ્રથમ બેઠક 16 મે, 2023ના રોજ બ્રસેલ્સમાં યોજાઇ હતી. ટીટીસીની મંત્રીસ્તરીય બેઠકમાં આગળના માર્ગ માટે રાજકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 24 નવેમ્બર 2023 ના રોજ વર્ચ્યુઅલ મોડમાં સ્ટોક–ટેકિંગ મીટિંગમાં ત્રણ ટીટીસી કાર્યકારી જૂથો દ્વારા કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
વ્યૂહાત્મક ટેકનોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ કનેક્ટિવિટી પર કાર્યકારી જૂથ 1
ભારત અને યુરોપિયન યુનિયને વ્યૂહાત્મક ટેકનોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ કનેક્ટિવિટી પર કાર્યકારી જૂથ 1 મારફતે તેમના સહિયારા મૂલ્યોને અનુરૂપ તેમના ડિજિટલ સહકારને ગાઢ બનાવવાનાં મહત્ત્વને પ્રતિપાદિત કર્યું હતું. બંને પક્ષોએ માનવ–કેન્દ્રિત ડિજિટલ પરિવર્તનને વેગ આપવા તથા અત્યાધુનિક અને ભરોસાપાત્ર ડિજિટલ ટેકનોલોજીઓ જેવી કે એઆઈ, સેમિકન્ડક્ટર્સ, હાઈ–પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને 6જીનાં વિકાસ માટે પોતપોતાની તાકાતનો ઉપયોગ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે અર્થતંત્ર અને સમાજ એમ બંને માટે લાભદાયક નીવડશે. બંને પક્ષોએ યુરોપિયન યુનિયન–ભારત સંશોધન અને આ ઉદ્દેશ માટે નવીનતાને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેથી તેમની આર્થિક સુરક્ષામાં વધારો થઈ શકે. બંને પક્ષોએ સાયબર–સિક્યોર ડિજિટલ ઇકોસિસ્ટમમાં વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુક્ત અને સર્વસમાવેશક ડિજિટલ અર્થતંત્રો અને ડિજિટલ સમાજોનાં વિકાસ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)નાં મહત્ત્વને સમજીને ભારત અને યુરોપિયન યુનિયન તેમનાં સંબંધિત ડીપીઆઇની આંતરકાર્યક્ષમતા તરફ કામ કરવા જોડાણ કરવા સંમત થયા હતાં, જે માનવ અધિકારોનું સન્માન કરે છે અને વ્યક્તિગત ડેટા, ગોપનીયતા અને બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ કરે છે. બંને પક્ષોએ ત્રીજા દેશોમાં ડીપીઆઈનાં સમાધાનોને સંયુક્તપણે પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા સરહદ પારનાં ડિજિટલ વ્યવહારોને વધારવા અને પારસ્પરિક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ઇ–હસ્તાક્ષરોને પારસ્પરિક માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બંને પક્ષોએ સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને વધુ મજબૂત કરવા અને સેમિકન્ડક્ટર્સના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ માટે તેઓ ચિપ ડિઝાઇન, વિષમ સંકલન, સાતત્યપૂર્ણ સેમીકન્ડક્ટર ટેકનોલોજી, પ્રોસેસ ડિઝાઇન કિટ (પીડીકે) માટે અદ્યતન પ્રક્રિયાઓ માટે ટેકનોલોજી વિકાસ વગેરે ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને વિકાસની શોધ કરવા સંમત થયા હતા. બંને પક્ષો ટેકનોલોજીકલ ક્ષમતાઓ વધારવા અને સ્થાયી, સુરક્ષિત અને વિવિધતાસભર સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા વિકસાવીને પુરવઠા શૃંખલામાં સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા યુરોપિયન યુનિયન અને ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા પ્રોત્સાહન આપશે. તદુપરાંત, તેમણે એક સમર્પિત કાર્યક્રમ વિકસાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે પ્રતિભાના આદાન–પ્રદાનને સરળ બનાવશે અને વિદ્યાર્થીઓ અને યુવાન વ્યાવસાયિકો વચ્ચે સેમીકન્ડક્ટર કૌશલ્યોને પ્રોત્સાહન આપશે.
બંને પક્ષોએ સુરક્ષિત, ભરોસાપાત્ર, માનવ–કેન્દ્રિત, સ્થાયી અને જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિઝનને પ્રોત્સાહન આપવા માટે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત એઆઈ પર સતત અને અસરકારક સહકાર સુનિશ્ચિત કરવા માટે યુરોપિયન એઆઈ ઓફિસ અને ઇન્ડિયા એઆઇ મિશન સહકારને ગાઢ બનાવવા, નવીનતાની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને વિશ્વસનીય એઆઇ વિકસાવવા માટે સામાન્ય ખુલ્લા સંશોધનનાં પ્રશ્નો પર માહિતીના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. તેઓ મોટા ભાષાના મોડેલો પર સહકાર વધારવા અને માનવ વિકાસ અને સામાન્ય હિત માટે એઆઈની સંભવિતતાનો ઉપયોગ કરવા પણ સંમત થયા હતા, જેમાં નૈતિક અને જવાબદાર એઆઈ માટે સાધનો અને માળખાગત વિકાસ જેવા સંયુક્ત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કુદરતી આપત્તિઓ, આબોહવામાં ફેરફાર અને બાયોઇન્ફોર્મેટિક્સના ક્ષેત્રોમાં ઉચ્ચ–પ્રદર્શન કમ્પ્યુટિંગ એપ્લિકેશન્સ પર સંશોધન અને વિકાસ સહયોગ હેઠળ થયેલી પ્રગતિ પર નિર્માણ કરશે.
ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ ભારત 6જી એલાયન્સ અને યુરોપિયન યુનિયનના 6જી સ્માર્ટ નેટવર્ક્સ એન્ડ સર્વિસીસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન વચ્ચે સંશોધન અને વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવા તથા સુરક્ષિત અને વિશ્વસનીય ટેલિકોમ્યુનિકેશન્સ અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન ઊભી કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો. બંને પક્ષો આઇટી અને ટેલિકોમ સ્ટાન્ડર્ડાઇઝેશન પર સહકાર પણ વધારશે, જેમાં ખાસ કરીને આંતરસંચાલકીય વૈશ્વિક ધોરણોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તદુપરાંત, બંને પક્ષો ડિજિટલ કૌશલ્યના અંતરને દૂર કરવા, પ્રમાણપત્રોની પારસ્પરિક માન્યતા ચકાસવા અને કુશળ વ્યાવસાયિકોના કાનૂની માર્ગોને પ્રોત્સાહન આપવા અને પ્રતિભાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે કામ કરવા સંમત થયા હતા.
બંને પક્ષો ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટના અમલીકરણ પર સહયોગ કરવા સંમત થયા હતા, જે સપ્ટેમ્બર, 2024માં યુએન જનરલ એસેમ્બલીમાં સર્વસંમતિથી સંમત થયા હતા. જે તેમના સહિયારા ઉદ્દેશો પાર પાડવા માટેના મુખ્ય સાધન તરીકે છે. તેમણે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાતની નોંધ લીધી હતી કે ઇન્ફોર્મેશન સોસાયટી +20 પર આગામી વર્લ્ડ સમિટ ઇન્ટરનેટ ગવર્નન્સના બહુ–હિતધારક મોડલને વૈશ્વિક સમર્થન જાળવી રાખે છે અને તેને વધારે છે.
સ્વચ્છ અને હરિત ટેકનોલોજી પર કાર્યકારી જૂથ 2
ભારત અને યુરોપિયન યુનિયને ભારત અને યુરોપિયન યુનિયન માટે અનુક્રમે વર્ષ 2070 અને 2050 સુધીમાં સ્વચ્છ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવા સ્વચ્છ અને હરિયાળા ટેકનોલોજીઓ પર કાર્યકારી જૂથ 2 હેઠળ નિર્ધારિત પ્રાથમિકતા ધરાવતા વર્કસ્ટ્રીમનાં મહત્ત્વને યાદ કર્યું હતું. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવી સ્વચ્છ તકનીકીઓ અને ધોરણોમાં નોંધપાત્ર રોકાણની જરૂર પડશે. સંશોધન અને નવીનતા (આરએન્ડઆઇ) પર ભાર મૂકવાથી ટેકનોલોજીકલ જોડાણને પ્રોત્સાહન મળશે તથા યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન–પ્રદાન થશે. સમાંતરે, બજારની ગ્રહણશક્તિ માટે ટેકનોલોજીકલ નવીનતાઓને ટેકો આપવાથી ભારત અને યુરોપિયન સંઘના દેશોના સાહસો દ્વારા સંબંધિત બજારો સુધી પહોંચમાં વધારો થશે તથા નવીન ટેકનોલોજીનો વ્યાપક સ્વીકાર કરવામાં મદદ મળશે. તેનાથી ભારત અને યુરોપિયન યુનિયનના ઇન્ક્યુબેટર્સ, એસએમઇ અને સ્ટાર્ટ–અપ્સ વચ્ચે સહકાર માટેનો દ્રષ્ટિકોણ ખુલશે તથા આ પ્રકારની ટેકનોલોજીમાં માનવ સંસાધનની ક્ષમતા અને ક્ષમતાનું નિર્માણ થશે.
આ સંબંધમાં બંને પક્ષોએ ઇલેક્ટ્રિક વાહનો (ઇવી), દરિયાઇ પ્લાસ્ટિક કચરા અને કચરામાંથી હાઇડ્રોજન માટે બેટરીના રિસાયક્લિંગ પર અસાધારણ સંકલિત કોલ મારફતે સંયુક્ત સંશોધન સહકાર પર સંમતિ વ્યક્ત કરી હતી. અંદાજે કુલ સંયુક્ત બજેટ હોરાઇઝન યુરોપ પ્રોગ્રામમાંથી અને મેચિંગ ભારતીય યોગદાનથી આશરે 60 મિલિયન યુરો હશે. ઇવી માટે બેટરીના રિસાયક્લિંગ પર ધ્યાન વિવિધ પ્રકારની ફ્લેક્સિબલ/ઓછી કિંમત/રિસાયકલ કરી શકાય તેવી બેટરીના સર્ક્યુલરિટી પર રહેશે. દરિયાઇ પ્લાસ્ટિક કચરામાં, જળચર કચરાની શોધ, માપન અને વિશ્લેષણ માટે અને દરિયાઇ પર્યાવરણ પર પ્રદૂષણની સંચિત અસરને ઘટાડવા માટે ટેકનોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વેસ્ટ–ટુ–હાઇડ્રોજન પર, બાયોજેનિક કચરામાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે વધુ કાર્યક્ષમતાવાળી તકનીકીઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
બંને પક્ષોએ ભવિષ્યની કાર્યવાહીના આધાર તરીકે સહકારનાં ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં નિષ્ણાતો વચ્ચે નોંધપાત્ર આદાનપ્રદાનનાં મહત્ત્વને યાદ કર્યું હતું. ભારતીય નિષ્ણાતોએ જાન્યુઆરી, 2024માં ઇટાલીનાં ઇસ્પ્રામાં જોઇન્ટ રિસર્ચ સેન્ટર (જેઆરસી) ઇ–મોબિલિટી લેબમાં ઇવી ઇન્ટરઓપરેબિલિટી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક કમ્પેટિબિલિટી (ઇએમસી) પર તાલીમ અને પારસ્પરિક શિક્ષણ કવાયતમાં સહભાગી થયા છે. તદુપરાંત, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ), પુણે, ભારત ખાતે ઇવી ચાર્જિંગ ટેક્નોલોજીસ (સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ટેસ્ટિંગ) પર એક સંયુક્ત હાઇબ્રિડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ યુરોપિયન યુનિયન–ભારતીય સંવાદ અને ભારત સાથે માળખાગત સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રક્રિયાઓને ચાર્જ કરવામાં ઉદ્યોગની ભાગીદારીને ગાઢ બનાવવાનો હતો. બંને પક્ષોએ ઇવી માટે બેટરીના રિસાયક્લિંગ માટે ટેકનોલોજીમાં ભારત અને યુરોપિયન યુનિયનના સ્ટાર્ટઅપ્સ વચ્ચે આદાનપ્રદાનને ઓળખવા, ટેકો આપવા અને તેનું આયોજન કરવા માટે મેચમેકિંગ ઇવેન્ટનું સમાપન પણ કર્યું હતું. નિષ્ણાતોએ સંયુક્ત રીતે દરિયાઇ પ્લાસ્ટિકના કચરા માટેના આકારણી અને દેખરેખ સાધનોની પણ ચર્ચા કરી હતી. છેલ્લે, દરિયાઇ પ્લાસ્ટિક પ્રદૂષણને અસરકારક રીતે હાથ ધરવા માટે તમામ હિતધારકોને સાંકળીને વ્યવહારિક ઉકેલોનું સહ–સર્જન કરવા માટે યુરોપિયન યુનિયન–ભારત જોડાણને પ્રોત્સાહન આપતી “આઇડિયાથોન” તૈયાર કરવામાં આવી છે.
બંને પક્ષોએ ઇ–મોબિલિટીનાં ક્ષેત્રમાં સમન્વયિત પરીક્ષણ સમાધાનો માટે સહકારી, પૂર્વ–આદર્શમૂલક સંશોધન અને જ્ઞાનનાં આદાન–પ્રદાન સહિત ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનાં ધારાધોરણોમાં સમન્વય સ્થાપિત કરવા સહકારની સંભાવનાઓ ચકાસવા સંમતિ વ્યક્ત કરી હતી. તેઓ હાઇડ્રોજન–સંબંધિત સલામતી ધોરણો, ધોરણોનું વિજ્ઞાન તેમજ અગાઉ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રોજેક્ટ્સના પરિણામો તરીકે ગંદાપાણીના શુદ્ધિકરણની ટેકનોલોજીના બજારમાં વધારો કેવી રીતે કરવો તે શોધવા માટે પણ સંમત થયા હતા.
વેપાર, રોકાણ અને સ્થિતિસ્થાપક મૂલ્ય શ્રુંખલા પર કાર્યકારી જૂથ 3
ભારત અને યુરોપિયન યુનિયને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ગાઢ આર્થિક ભાગીદારીનું નિર્માણ કરવા માટે વેપાર, રોકાણ અને સ્થિતિસ્થાપક મૂલ્ય શ્રુંખલા પર કાર્યકારી જૂથ 3 હેઠળ ફળદાયક ચર્ચાવિચારણાની નોંધ લીધી હતી. ભૂ–રાજકીય સંદર્ભમાં વધુને વધુ પડકારજનક સ્થિતિમાં, બંને પક્ષોએ સંપત્તિ અને સહિયારી સમૃદ્ધિનું સર્જન કરવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યકારી જૂથ 3 હેઠળ કામ મુક્ત વેપાર સમજૂતી (એફટીએ), રોકાણ સુરક્ષા સમજૂતી (આઇપીએ) અને ભૌગોલિક સંકેતો સમજૂતી પર ચાલી રહેલી વાટાઘાટોને પૂરક બનાવે છે. જે અલગ ટ્રેક પર આગળ વધી રહી છે.
બંને પક્ષોએ પારદર્શકતા, આગાહી, વિવિધતા, સુરક્ષા અને સ્થાયીપણાને પ્રાથમિકતા આપીને સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર વેલ્યુ ચેઇનને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ એગ્રી–ફૂડ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઇ) અને ક્લીન ટેકનોલોજીસ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે તેવી વેલ્યુ ચેઇનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ ત્રણ ક્ષેત્રોમાં કાર્યયોજના પર સંમતિ વ્યક્ત કરી હતી.
કૃષિ ક્ષેત્રમાં ભારત અને યુરોપિયન સંઘના દેશો ખાદ્ય સુરક્ષા માટે આકસ્મિક આયોજનમાં જોડાણ કરવાનો ઇરાદો ધરાવે છે તથા જી20 માળખા મારફતે સહકાર માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે રીતે આબોહવા–સ્થિતિસ્થાપક પદ્ધતિઓ, પાકની વિવિધતા અને માળખાગત સુધારણાઓનાં સંબંધમાં સહિયારા સંશોધન અને નવીનતાની જરૂરિયાતો પર સહિયારા પ્રયાસોને આવકાર આપ્યો હતો. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં, બંને પક્ષોનો ઉદ્દેશ નબળાઈઓનું મેપિંગ કરીને, સ્થાયી ઉત્પાદનને પ્રોત્સાહન આપીને અને અવરોધોને રોકવા માટે વહેલાસર ચેતવણીની વ્યવસ્થા સ્થાપિત કરીને સક્રિય ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઇ) સપ્લાય ચેઇનમાં પારદર્શકતા અને સુરક્ષા વધારવાનો છે. સ્વચ્છ ટેકનોલોજી સહકારનાં કેન્દ્રો સૌર ઊર્જાની ક્ષમતાઓ અને રોકાણ પ્રોત્સાહનો અને સંશોધન, વિકાસ અને નવીનતાની પ્રાથમિકતાઓ પર માહિતીનું આદાનપ્રદાન કરીને સૌર ઊર્જા, ઓફશોર વિન્ડ અને ક્લિન હાઇડ્રોજન માટે સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર કેન્દ્રિત છે તેમજ નબળાઈઓનું મૂલ્યાંકન કરવા, વેપાર અવરોધો ઘટાડવાના અભિગમોની ચર્ચા કરીને અને સપ્લાય ચેઇનમાં સંભવિત સમન્વયની શોધ કરવા માટેની પદ્ધતિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ક્ષેત્રોમાં, ભારત અને યુરોપિયન યુનિયન નિયમિત સંવાદો, સંશોધન સહયોગ અને બિઝનેસ–ટુ–બિઝનેસ સંલગ્નતાઓ દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને જોખમો ઘટાડવા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને સ્થાયી આર્થિક વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે.
બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, ટીટીસી માળખાની અંદર સહકાર મારફતે પ્રસ્તુત પ્રાથમિકતા ધરાવતા બજાર સુલભતાનાં મુદ્દાઓનું સમાધાન થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયનના પક્ષે યુરોપિયન યુનિયનના કેટલાંક પ્લાન્ટ ઉત્પાદનોના માર્કેટિંગને મંજૂરી આપવાની ભારતીય પહેલોની પ્રશંસા કરી હતી. ત્યારે ભારતીય પક્ષે સંખ્યાબંધ ભારતીય જળચરઉછેર સંસ્થાઓની યાદીની પ્રશંસા કરી હતી અને કૃષિ કાર્બનિક ઉત્પાદનો માટે સમકક્ષતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને પક્ષો ટીટીસી સમીક્ષા વ્યવસ્થા હેઠળ આ વિષયો પર પોતાનાં પ્રયાસોને આગળ વધારવા અને એકબીજા દ્વારા નિર્ધારિત બાકીનાં મુદ્દાઓ પર પોતાની ભાગીદારી જાળવી રાખવા સંમત થયા હતાં.
બંને પક્ષોએ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ની સ્ક્રિનિંગમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે સંબંધિત આદાનપ્રદાનની નોંધ લીધી હતી, જે આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વધી રહેલાં મહત્ત્વનું ક્ષેત્ર છે.
ભારત અને યુરોપિયન યુનિયને વર્તમાન પડકારજનક ભૌગોલિક રાજકીય સંદર્ભમાં એન્કર તરીકે બહુપક્ષીય વેપાર પ્રણાલી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. તે જ સમયે, તેઓએ ડબ્લ્યુટીઓમાં જરૂરી સુધારા લાવવાની જરૂરિયાતને માન્યતા આપી હતી.. જેથી તે સભ્યોના હિતના મુદ્દાઓને અસરકારક અને અસરકારક રીતે હલ કરવા સક્ષમ બને. બંને પક્ષોએ કાર્યકારી વિવાદ સમાધાન વ્યવસ્થાનાં મહત્ત્વને પણ ઓળખ્યું હતું. આ ઉદ્દેશ માટે, તેઓ એમસી14 સહિત ડબ્લ્યુટીઓને નક્કર પરિણામો પ્રદાન કરવામાં મદદ કરવા માટે તેમના સંવાદ અને જોડાણને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા.
બંને પક્ષોએ કેટલીક દ્વિપક્ષીય ચેનલો મારફતે વેપાર અને ડિકાર્બનાઇઝેશન પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરી છે તથા હિતધારકો સાથે સંયુક્તપણે જોડાણ કર્યું છે. ખાસ કરીને યુરોપિયન યુનિયનની કાર્બન બોર્ડર મિકેનિઝમ (સીબીએએમ)નાં અમલીકરણ પર. બંને પક્ષોએ સીબીએએમનાં અમલીકરણને કારણે ઊભા થયેલા પડકારો પર ચર્ચા કરી હતી, ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો માટે તથા તેનું સમાધાન ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.
સહ–અધ્યક્ષોએ ટીટીસી હેઠળ તેમના જોડાણને વિસ્તૃત કરવા અને તેને ગાઢ બનાવવા તથા ટીટીસીની આ સફળ બીજી બેઠકમાં નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા સંયુક્તપણે કામ કરવાની તેમની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેઓ હવેથી એક વર્ષની અંદર ટીટીસીની ત્રીજી બેઠક માટે ફરીથી મળવા સંમત થયા હતા.
AP/IJ/GP/JD