Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આદરણીય

પ્રધાનમંત્રી શ્રી મહિન્દા રાજપક્ષે,

ઉપસ્થિત મહાનુભવો,

આયુબોવન

વણક્કમ!

નમસ્કાર!

સૌથી પહેલાં તો હું આપણા મિત્ર મહિન્દા રાજપક્ષેને પ્રધાનમંત્રી બનવા બદલ હૃદયથી અભિનંદન પાઠવું છુ. પદભાર સંભાળ્યા બાદ તુરંત તેમણે મારું નિમંત્રણ સ્વીકાર્યું અને પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે ભારતને પસંદ કર્યું. આ માટે હું તેમનો આભારી છુ. થોડા દિવસ પહેલાં, શ્રીલંકાએ તેમની આઝાદીની બોત્તેરમી વર્ષગાંઠ ઉજવી હતી. આ માટે હું પ્રધાનમંત્રી રાજપક્ષે અને શ્રીલંકાના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ.

મિત્રો,

ભારત અને શ્રીલંકાઆદિકાળથી પડોશી છે અને ઘનિષ્ઠ મિત્રો પણ છે. આપણા સંબંધોના ઇતિહાસના તાણા-વાણા સંસ્કૃતિ, ધર્મ, આધ્યાત્મ, કળા અને ભાષા જેવા અગણિત રંગોના તાતણાથી ગુંથાયેલા છે. ભલે તે સુરક્ષાની વાત હોય, અર્થતંત્ર અથવા તો પછી સામાજિક પ્રગતિની વાત હોય, દરેક ક્ષેત્રમાં આપણું અતિત અને આપણું ભવિષ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રીલંકામાં સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ ભારતના હિતમાં તો છે જ, સાથે સાથે સમગ્ર હિન્દ મહાસાગર ક્ષેત્રના હિતમાં પણ છે. આથી, ઇન્ડો- પેસિફિક વિસ્તારમાં પણ શાંતિ અને ખુશી માટે આપણોઘનિષ્ઠ સહયોગ બહુમૂલ્યવાન છે. અમારી સરકારની ‘પડોશી પહેલો’ની નીતિ અને ‘સાગર’ ડૉક્ટ્રિનને અનુરૂપ અમે શ્રીલંકા સાથે સંબંધોને એક વિશેષ પ્રાથમિકતા આપીએ છીએ. ક્ષેત્રીય સુરક્ષા અને વિકાસ માટે ભારત સાથે હાથ મિલાવીને કામ કરવાના શ્રીલંકાની સરકારના સંકલ્પને અમે આવકારીએ છીએ.

મિત્રો,

આજે પ્રધાનમંત્રી રાજપક્ષે અને મેં આપણા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ અને આપણા પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આતંકવાદ આપણા ક્ષેત્રમાં એક ખૂબ મોટું જોખમ છે. આપણે બંને દેશોએ આ સમસ્યાનો દૃઢતાપૂર્વકસામનો કર્યો છે. ગત વર્ષે એપ્રિલમાં શ્રીલંકામાં ‘ઇસ્ટર ડે’ના રોજ દર્દનાક અને બર્બર આતંકી હુમલા થયા હતા. આ હુમલા માત્ર શ્રીલંકા પર નહીં પરંતુ સમગ્ર માનવતા પર પ્રહાર હતો. આથી, આજની અમારી ચર્ચામાં અમે આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. મને એ વાતની ખુશી છે કે ભારતની મુખ્ય ટ્રેનિંગ સંસ્થાઓમાં આતંકવાદ વિરોધીઅભ્યાસક્રમોમાં શ્રીલંકાના પોલીસ અધિકારીઓએ ભાગ લેવાનું શરૂ કર્યું છે. બંને દેશોની એજન્સીઓ વચ્ચે સંપર્ક અને સહયોગ વધુ મજબૂત રકવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

મિત્રો,

આજની વાતચીતમાં શ્રીલંકાએ સંયુક્ત આર્થિક પરિયોજનાઓ પર અને આર્થિક, વ્યાપારિક તેમજ રોકાણમાં વૃદ્ધિ સંબંધે પણ વિચારવિમર્શ કર્યો છે. અમે આપણા લોકો થી લોકો સુધીનો સંપર્ક વધારવા માટે, પર્યટનને પ્રોત્સાહન આપવા અને કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે પણ ચર્ચા કરી છે.

ચેન્નઇ અને જાફના વચ્ચે તાજેતરમાં જ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી જે આ દિશામાં અમારા પ્રયાસોનો એક ભાગ છે. આ સીધી ફ્લાઇટથી શ્રીલંકાના ઉત્તરીય વિસ્તારના તામિલ લોકો માટે કનેક્ટિવિટીના વિકલ્પો વધશે. તેમજ આનાથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસ માટે પણ લાભ થશે. આ ફ્લાઇટને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે જે આપણા બંને માટે ખુશીની બાબત છે. આ સંપર્કને હજુ વધારવા માટે, સુધારવા માટે અને સ્થાયી બનાવવા માટે વધુ પ્રયાસ કરવા માટે પણ અમે ચર્ચા કરી છે.

મિત્રો,

શ્રીલંકાના વિકાસના પ્રયાસોમાં ભારત એક ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. ગત વર્ષે જાહેર કરાયેલી લાઇન ઓફ ક્રેડિટથી આપણા વિકાસના સહયોગને વધુ બળ મળશે. અમને ખુશી છે કે શ્રીલંકાના ઉત્તરીય અને પૂર્વીય વિસ્તારોમાં આતંરિકરૂપે વિસ્થાપિત લોકો માટે 48,000 થી વધુ ઘરોના નિર્માણની ઇન્ડિયન હાઉસિંગ પરિયોજનાપૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત અપ-કન્ટ્રી વિસ્તારોમાં ભારતીય મૂળના તામિલ લોકો માટે ઘણા હજાર ઘરોનું નિર્માણ કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી રાજપક્ષે અને મેં માછીમારોના માનવીય મુદ્દે પણ ચર્ચા કરી છે. આ વિષયનો પ્રભાવ બંને દેશોના લોકોનાજનજીવન પર સીધો પડે છે. આથી, અમે આ મુદ્દે રચનાત્મક અને માનવતાપૂર્ણ અભિગમ યથાવત્ રાખવા માટે સંમતિ દાખવી છે.

મિત્રો,

શ્રીલંકામાં રી-કન્સીલિએશન સંબંધિત મુદ્દા પર અમે ખુલ્લા મને ચર્ચા કરી છે. મને વિશ્વાસ છે કે શ્રીલંકાની સરકાર સંયુક્ત શ્રીલંકાની અંદર સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માન માટે તામિલ લોકોની અપેક્ષાઓને સાકાર કરશે. આ માટે જરૂરી છે કે શ્રીલંકાના બંધારણમાં તેરમા સંશોધનને લાગુ કરવાની સાથે સાતે રી-કન્સીલિએશનની પ્રક્રિયાઓને આગળ વધારવામાં આવે.

મિત્રો,

હું ફરી એક વખત પ્રધાનમંત્રી રાજપક્ષેનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છુ. મને વિશ્વાસ છે કે, તેમના આ પ્રવાસથી ભારત અને શ્રીલંકાની મૈત્રી અને બહુ પરિમાણીય સહયોગ હજુ વધુ મજબૂત બનશે. સાથે જ, બંને દેશો વચ્ચે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે પણ સહયોગ વધશે.

બોહોમા સ્થુતિ,

નંદ્રી,

આભાર.

SD/GP/DS