Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકો સાથેના પ્રધાનમંત્રીના સંવાદનું લખાણ


મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારી સાથી, વિદ્યાર્થીગણ અને બધા ગુરુજન,

પ સપ્ટેમ્બરનો દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે કૃષ્ણનો પણ જન્મદિવસ આવ્યો અને રાધાકૃષ્ણનો પણ જન્મદિવસ આવી ગયો અને આ કારણે વિદ્યાર્થીઓ સાથે મળવાની મને તક પણ મળી છે. ઘણી વખત લોકોને લાગે છે કે શિક્ષક દિવસ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે કેમ સમય ફાળવાય છે. જોકે, મારો અનુભવ છે કે શિક્ષકની ઓળખ વિદ્યાર્થી હોય છે. વિદ્યાર્થી પોતાના પરાક્રમ અને સદ્કાર્યથી પોતાના ગુરુજનનું નામ ઉજળું કરે છે. દુનિયામાં કદાચ કોઇક જ એવી વ્યક્તિ હશે કે જે આ બાબતનો સ્વીકાર નહીં કરે કે તેમના જીવન ઘડતરમાં તેમની માતા અને શિક્ષકનું યોગદાન ના રહ્યું હોય. દરેક વ્યક્તિના જીવનને આ બાબત સ્પર્શે છે. કોઇ પણ મહાન વ્યક્તિની આત્મકથા કે જીવનકથા વાંચો તો પણ તેમાં આ બાબતનો ઉલ્લેખ હોય જ છે કે માતા જન્મ આપે છે અને ગુરુ જીવન આપે છે. જીવન જીવવા માટેનું એક બળ પૂરું પાડે છે. આપણા જીવનમાં પણ શિક્ષકનો એટલો પ્રભાવ પડે છે કે જો આપણે 8મા ધોરણમાં ભણતાં હોઇએ અને કોઇ એકાદ શિક્ષક એમ કહે કે રાત્રે ઉંઘતી વખતે ઓશિકું આ પ્રકારે રાખવું તે બાબત અંગે આપણે ક્યારેય શિક્ષકને સવાલ નથી કરતાં કે તેમણે આ બાબત ક્યાંથી જાણી, ક્યાં વાંચી, કયા વિજ્ઞાનમાં આ બાબતનો ઉલ્લેખ છે, શું કોઇ તબીબે કહ્યું છે…પરંતુ આપણા મનમાં એ બાબત એ પ્રકારે ઘર કરી જાય છે કે જ્યારે પણ આપણે ઉંઘવા જઇએ ત્યારે એ શિક્ષક અને એ ઓશિકું યાદ આવે છે. આપણે જીવનભર એ બાબતને ભૂલી શકતા નથી અને યાદ રાખીએ છીએ.

દરેક વ્યક્તિના જીવનમાં પોતાના બાળપણની શિક્ષક સાથે સંકળાયેલી કોઇકને કોઇક વાત રહેલી હોય છે જે આપણા જીવનનો એક ભાગ બની ગઇ હોય છે. પરંતુ મહદઅંશે આપણે બધા એવા પણ હોઇએ છીએ કે શિક્ષકે ભણાવેલી કે જણાવેલી કઠિન બાબતને આપણે ભૂલ્યા વગર જ ભૂલી ગયા હોઇએ છીએ. એટલા માટે જ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું મહાત્મય શું છે અને શિક્ષકના જીવનમાં વિદ્યાર્થીનું મહત્વ શું છે તે અંગે જ્યાં સુધી એકબીજા સાથેની સમજદારી વિકસિત નથી થતી ત્યાં સુધી એક અંતર બનેલું રહે છે.

ક્યારેક ક્યારેક મને લાગે છે કે જે શિક્ષકમિત્રોને લેખનની ટેવ હોય તેમણે પોતાના જીવનકાળના યાદગાર વિદ્યાર્થીઓના જીવન અંગે કશુંક લખવું જોઇએ. જ્યારે હું શિક્ષક હતો ત્યારે પાંચમા ધોરણમાં એક એવો વિદ્યાર્થી હતો, તે આવું- આવું કરતો હતો એ બધું લખશો ત્યારે ખબર પડશે કે શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના જીવન સાથે કેટલા સંકળાયેલા હતા. ફક્ત પરિણામ આવે અને સારા ગુણ લાવનારા વિદ્યાર્થી દેખાય અને અન્ય વિદ્યાર્થી તરફ ધ્યાન પણ ન અપાય તો હું માનું છું કે તે શિક્ષક અધૂરો છે. આપણે એ બાબત યાદ રાખવી જોઇએ કે એક વય પછી વિદ્યાર્થી કે પછી કોઇ બાળક સૌથી વધારે સમય પોતાના શિક્ષક સાથે વિતાવે છે અને પરિવાર સાથે ઓછો સમય ગાળે છે તેવા સમયે શિક્ષકની જવાબદારી વધી જતી હોય છે.

ડૉક્ટર રાધાકૃષ્ણજી જીવનના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા તેમ છતાં તેમણે પોતાની અંદર રહેલા એક શિક્ષકને જીવંત બનાવી રાખેલા હતા, અમર રાખ્યા અને ક્યારેય મરવા દીધા નથી. જે શિક્ષક એક સાચો શિક્ષક છે તેવા શિક્ષકને કોઇ વયમર્યાદા નડતી નથી, તે શિક્ષક ક્યારેય નિવૃત્ત થઇ શકતો નથી. તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો જણાશે કે કોઇ ગામડાંમાં વયોવૃદ્ધ કે જેમની વય 80-90 વર્ષની હોય અને તેઓ શિક્ષક રહ્યા હોય તો પણ 90 વર્ષની વયે પણ પોતાના પૌત્રના પૌત્રને પણ બેસાડીને ભણાવતા હશે. પ્રપૌત્ર ભલે કહે કે હવે અભ્યાસક્રમ બદલાઇ ગયો છે તો પણ દાદાજી કહે છે કે ના આ તો ભણવું જ જોઇએ. તેમની નસોમાં જે શિક્ષકત્વ રહ્યું છે તે તેમને આ કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. અભ્યાસક્રમ ભલે બદલાઇ જાય પરંતુ તેમની ભણાવવા માટેની લાગણી કે દાનતને કોઇ બદલી શકતું નથી.

આપણા લોકોને, આપણામાંથી ઘણા એવા લોકો છે, વિદ્યાર્થીમિત્ર તો બધા જ છે જેમને ડૉ.રાધાકૃષ્ણનજીના જમાનામાં જીવન ગાળવાનો અવસર ના મળ્યો હોય. પરંતુ તાજેતરમાં આપણે ડૉ.અબ્દુલ કલામજીને તો ખૂબ નજીકથી જોયા છે. તેઓ પણ ભારતના રાષ્ટ્રપતિ હતા અને બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે કોઇક એક વખતે કોઇકે તેમને સવાલ કર્યો કે લોકો આપને કેવી રીતે યાદ રાખે તે માટે આપ શું ઇચ્છો છો ત્યારે ડૉ.એપીજે અબ્દુલ કલામજીએ કહ્યું હતું કે લોકો જો મને યાદ રાખવા માગતા હોય તો શિક્ષકના રૂપમાં યાદ રાખે. આ ફક્ત તેમના શબ્દો જ નહોતા પણ તેમણે યથાર્થ પણ કરી બતાવ્યું હતું. રાષ્ટ્રપતિપદથી મુક્ત થયા પછીના બીજા જ દિવસે તેઓ ચેન્નઈ જતા રહ્યા અને ત્યાં જઇને તેમણે ક્લાસરૂમમાં બાળકોને ભણાવવાનું શરૂ પણ કરી દીધું હતું અને જીવનના અંત સુધી વિદ્યાર્થીઓ સાથે વિચાર વિમર્શ કરતા કરતા જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેમના જીવનમાં શિક્ષક પ્રત્યેનો પોતાની સાથે સાંકળી રાખેલો એક સમર્પણ ભાવ કેટલું ઉત્તમ રહ્યું હશે કે તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન એક પળ પણ વિદ્યાર્થીથી અલગ ના થઇ શક્યા, શિક્ષણના માર્ગથી જુદા ના થઇ શક્યા અને દરેક પળ એક નવી પ્રતિભાની શોધ કરતાં રહ્યા હતા.

આપણા દેશમાં આપણે એ બાબતનો સ્વીકાર કરવો પડશે કે દુનિયાના દરેક દેશની સરખામણીએ ફક્ત આપણા દેશમાં જ શિક્ષકદિવસની ઉજવણી કરવામાં આવે છે એવું નથી વિશ્વના અનેક દેશમાં તેની ઉજવણી થાય છે. અલગ અલગ પ્રેરણા હોય છે અને તેની એ પ્રકારે ઉજવણી થતી હોય છે. તેનું કારણ એ છે કે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા સતત જીવંત બની રહેવી જોઇએ. વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યેના આદર, શિક્ષકનું ભણતર પ્રત્યેનું સમર્પણ અને વિદ્યાર્થી તથા શિક્ષક વચ્ચે એક પોતિકાપણાનો ભાવ એ બધી એવી કડી છે કે જે ફક્ત જ્ઞાન નથી આપતી પણ સાથે જીવન જીવવા માટેની કળા પણ શિખવે છે અને સપનાંઓને સાકાર કરવાની આદત પણ પાડે છે. એટલા માટે જ આપણા લોકોનો એ પ્રયાસ રહેવો, એવું જરૂરી નથી કે મોટા મોટા લોકો જ શ્રેષ્ઠ શિક્ષક હોય છે એવું નથી હોતું.

મને ક્યારેક કોઇએ પોતાનો અનુભવ કહ્યો હતો. એક મહિલા હતી કે જે કોઇ એક આંગણવાડી માટે ફરજ નિભાવતી હતી કામ કરતી હતી. તે પોતે પાંચમા ધોરણ સુધી જ ભણી હશે, વધારે ભણી નહોતી. પાંચમા, સાતમા ધોરણ અને આંગણવાડીમાં આવનારા બાળકોને ગીત ગાવા, રમવા સહિતની પ્રવૃત્તિ થતી રહે છે. પરંતુ આ મહિલા કે આંગણવાડીમાં કામ કરતી હતી તેને બાળકો પ્રત્યે એટલો લગાવ હતો કે ગરીબ હોવા છતાં તેણે કામ શરૂ કર્યું. જુઓ તે સંસ્કાર કેવી રીતે કામ આવે છે. સામાન્ય રીતે કોઇ ગરીબ પરિવારમાં સાડી જૂની થાય તો મહિલા તેને શક્ય એટલા લાંબા સમય સુધી પહેરવાનું પસંદ કરશે અને પછી વિચારશે કે વાસણ વેચનાર આવશે તો સાડી આપીને તેના બદલામાં કેટલાક વાસણ ખરીદી લેશે કે પછી કોઇ નવી વસ્તુ ખરીદવાનો પ્રયાસ કરશે પણ આંગણવાડીની આ મહિલાકર્મીએ પોતાની જૂની સાડીનાં નાના ટુકડા કર્યાં અને તેની કિનારીઓને યોગ્ય રીતે કરીને બાળકો માટે રૂમાલ બનાવી દીધા. બજારમાંથી પોતાનાં ખર્ચે સેફ્ટીપીન ખરીદી લઇ આવી અને આંગણવાડીમાં જે 20-22 બાળકો આવતા હતા તેમને આ રૂમાલ ભરાવીને સમજાવતી હતી કે કેવી રીતે હાથ સાફ કરવા અને નાક સાફ કરવું અને રૂમાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે સમજાવી તેનો ઉપયોગ કરવાની નિયમિત શિખામણ આપતી. બાળકો જ્યારે શાળાએથી ઘરે પાછા જાય ત્યારે આ રૂમાલ પાછો કાઢી નાખતી હતી અને પોતાના ઘરે લઇ જઇને ધોઇ નાખતી હતી. આ બધુ એ મહિલાકર્મી પોતાનાં મનથી કરતી હતી પણ તેની લાગણી એટલી જ હતી કે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને આરોગ્યની જાળવણી પણ થાય. હવે આપ મને કહો કે આ શિક્ષિકાએ એ બાળકોના જીવનમાં કેટલા સારા સંસ્કાર સીંચ્યા હશે.

આવું જે યોગદાન હોય છે તે જ્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે શિક્ષકનો ભક્તિભાવ હોય છે ત્યારે સહસરૂપે એક પ્રવૃતિ બને છે અને એ પ્રવૃતિના માધ્યમથી આપણે જે પ્રકારનું જીવન જીવવા ઇચ્છીએ છીએ તે પ્રકારનું જીવન ઘડતર થાય છે. જે પ્રકારે એક કુંભાર માટી લઇને તેને ચાકરડાં પર મુકે છે ત્યારે એક હાથે સંભાળે છે અને એક હાથે તેને આકાર આપે છે. આ બન્ને પ્રવૃતિ તે એકસાથે કરે છે. શિક્ષકે પણ કુંભારની જેમ જ વિદ્યાર્થીઓને એક હાથે ભણાવવાના છે તો બીજા હાથે તેમના જીવનમાં સંસ્કારોનું સિંચન પણ કરવાનું છે અને તેમને યોગ્ય માર્ગ પણ બતાવવાનું છે.

શિક્ષક પણ એક – એક બાળકના જીવનને ઘડે છે. આજના શિક્ષક દિવસના અવસરે વિદ્યાર્થીઓના મનમાં પણ શિક્ષક પ્રત્યે અને શિક્ષકને વિદ્યાર્થી પ્રત્યે પણ એ પ્રકારની લાગણી કે ભાવ હોવા જરૂરી છે. આ અન્ય વ્યવસાય જેવું નથી પણ તેનાથી કંઇક ઉપર છે. એક તબીબ ઓપરેશન કરીને કોઇકનું જીવન બનાવી દે, બચાવી લે. મુશ્કેલથી મુશ્કેલ ઓપરેશન કરીને પણ જીવન બચાવે તો દેશભરમાં અખબારોમાં તેના સમાચાર છપાય છે. પરંતુ એક શિક્ષક પોતાના જીવનકાળમાં એકસો ડૉક્ટર બનાવી દે છે તો પણ કોઇનું તેના તરફ ધ્યાન નથી જતું. આજનો સમય એ તપસ્યાઓનું સ્મરણ કરવા માટેનો સમય છે કે જો આપણને સારા ડૉક્ટર મળ્યા હશે, સારા એન્જીનીયર મળ્યા હશે, સારા વૈજ્ઞાનિક મળ્યા હશે તો એ દરેકની પાછળ કોઇક શિક્ષક હશે જેણે એમને તૈયાર કર્યા હશે અને તેઓ દેશનિર્માણમાં યોગદાન આપે છે. દરેક બાળક કે વિદ્યાર્થીને તેમના શિક્ષક જ કોઇક એક પ્રેરણા પૂરી પાડે છે જેના આધારે આગળ જતા એ વિદ્યાર્થી સારો નાગરિક બને છે અને દેશનિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે.

એટલા માટે જ આપણા દરેક માટે શિક્ષકો પ્રત્યેનો એક સમયગાળો રહ્યો છે, જ્યારે હું નાનો હતો ત્યારે ગામડાંમાં શિક્ષક આદરનું કેન્દ્ર રહેતા. પરિવારમાં કોઇ સારો પ્રસંગે હોય તો ઘરવાળા કહેતા કે જા તારા શિક્ષકને ત્યાં આ આપીને આવ, આ પ્રસાદ શિક્ષકને આપી આવ. એનો અર્થ એ થયો કે સમગ્ર ગામની આ એક સન્માનજનક વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાઓને આપણે ફરીથી વિકસિત કરવાની છે. આજે દરેક બાબત પૈસાથી નથી મળતી, સંસ્કારથી હોય છે, પોતિકાપણાથી હોય છે, તેમના મહાત્મ્યથી હોય છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા એ બાબતોને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરીએ. શિક્ષક હંમેશાંથી આદરપાત્ર રહ્યાં છે અને ગામડાંઓમાં તો સૌથી વધારે આદર-માનસન્માન શિક્ષકને મળે છે.

અગાઉના સમયમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હતી, પણ એ સમયે ઉજવણી મર્યાદિત રહેતી હોય તેવા કાર્યક્રમ થતા. ક્યાંક કેટલીક શાળાઓમાં કાર્યક્રમનું આયોજન થાય અને કોઇક ઉત્સાહી શિક્ષક હોય તો તે જાતે સવારના સમયે વિદ્યાર્થીઓને સમૂહમાં ડૉ.રાધાકૃષ્ણનના જીવન અંગે થોડીક માહિતી આપે. અથવા તો કહી દે કે આજે વિદ્યાર્થીઓએ શિક્ષક બનવાનું છે. તેવા સમયે વિદ્યાર્થીઓ એટલું જ વિચારશે કે શિક્ષક બનવું છે મતલબ કે કપડાં જ બદલીને શાળાએ જવાનું છે. અગાઉ શાળાના ગણવેશમાં આવતા હતા તો શિક્ષક દિવસે શિક્ષકો જેવા વસ્ત્રો પહેરીને જવાનું હોય છે. વિદ્યાર્થિનીઓને સાડી પહેરીને જવાનો વિચાર આવે છે. પછી દરેક વર્ગમાં જઇને થોડુંક ભણાવવાનું હોય અને આનંદ કરવાનું આવે, તેનાથી વિશેષ કોઇ બાબત નથી રહેતી. અમારો પ્રયાસ છે કે આ પ્રેરકપર્વને, આપણી વ્યવસ્થાઓને કેવી રીતે જીવંત બનાવી શકાય. વ્યવસ્થાને કેવી રીતે સક્રિય બનાવી શકાય, તેનું મહત્વ કેવી રીતે વધારી શકાય અને તે માટે પ્રયાસ પણ થઇ રહ્યાં છે.

આજના દિવસે મારા માટે સૌથી વધારે આનંદની બાબત છે કે મને વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ કરવાનો અવસર મળ્યો કારણ કે બાળમન જેટલું આપણને શીખવી શકે છે તેટલું કોઇ શીખવી શકતું નથી. બાળકની જે નિરીક્ષણ શક્તિ હોય છે તે યોગ્ય હોય છે. એક પ્રકાર જોઇએ તો ઘટનાઓનું યોગ્ય દર્પણ જો કોઇક છે તો તે બાળકનું મન છે કે તે આ ઘટનાઓને કેવા રીતે જુએ છે અને મૂલવે છે તે જ સાચું દર્પણ હોય છે. દેશભરના એ સહુ બાળકો સાથે વાત કરવાનો મને આજે અવસર મળ્યો છે. કાર્યક્રમના આયોજન બદલ હું વિભાગનો પણ આભારી છું.

આજે અહીં બે કાર્ય થયા, એક ડૉ.રાધાકૃષ્ણનજીની સ્મૃતિમાં 125 રૂપિયાનો એક એવો સિક્કો, રૂ.10નો સિક્કો કે જેને ભારત સરકારના નાણાંમત્રાલય દ્વારા દેશ સામે રજૂ કરવામાં આવ્યા છે. બીજુ એ કે ‘કલા ઉત્સવ’ નામની વેબસાઈટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આપણા દેશમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે યુથ ફેસ્ટિવલ હોય છે પણ હવે સમય બદલાયો છે. આપણા નાના બાળકોમાં પણ એટલું કૌશલ્ય-કળા હોય છે કે તેને પણ અવસર મળવો જ જોઇએ અને દેશ રોબોટ તૈયાર નથી કરવા નથી ઇચ્છતું. આપણે ગમે તેટલા ભણી ગણી લઇએ, આપણને ગમે તેટલું એન્જીનીયરિંગનું જ્ઞાન હોય, ટેકનોલોજીનું જ્ઞાન હોય પણ પોતાની જાતને રોબોટ બનાવવાથી બચવાનું છે. આપણી અંદર સંવેદનાઓ હોય તે કળા-સાધનાથી આવે છે. કળાના સાક્ષાત્કારથી આવે છે. કળા સાથે સહજતાથી આવે છે અને કળા વગરનું જીવન એ એક રોબોટ જેવું જીવન બન્યું છે. આ કલા ઉત્સવના માધ્યમથી આપણી શાળાઓના બાળકોને અવસર મળે અને તેમની પ્રતિભાને પણ એક મંચ મળી શકે તે આશય છે. જો કે આ ફક્ત નાટ્ય-નૃત્યનો કાર્યક્રમ નથી પણ તેની અંદર એક કલ્પના છે કે કોઇકને કોઇક એક થીમ હોય. જેવી રીતે માની લો કે એક વખત અમે બેટી બચાવો, બેટી ભણાવો થીમ નક્કી કરશું તો કલા ઉત્સવમાં જેટલી પણ નાટક થાય તે એ વિષયને લગતા હોય, ગીત આવે તો એ બાબતને સ્પર્શતાં હોય, નૃત્ય આવે તો પણ એ વિષયને અનુલક્ષીને હોય. સમગ્ર દેશમાં કલા ઉત્સવ સાથે એક સામાજીક જવાબદારીવાળું વાતાવરણ બનશે. અને એ બાબતને જ વેબસાઇટ પર મુકવામાં આવી છે. હું ઇચ્છીશ કે દેશભરની દરેક શાળાના લોકો તેની સાથે પોતાને સાંકળશે અને કલા ઉત્સવને સાચા અર્થમાં એક ઉત્સવના રૂપમાં તૈયાર કરશે તેવી અપેક્ષા હું રાખું છું. વિદ્યાર્થીઓને પણ પોતાની અંદર રહેલી કળાને રજૂ કરવા માટે એક સમાન મંચ મળે તે જરૂરી છે. અહીં દરેકને સમાન તક પણ મળી રહેવાની છે.

હું ફરી એક વખત આજે ડૉ.રાધાકૃષ્ણનજીને નમન કરું છું, દેશના દરેક ગુરુજનને નમન કરું છું અને દરેક શિક્ષકથી અપેક્ષા રાખું છું કે આપણું કાર્ય છે પેઢી તૈયાર કરવી, પેઢી વધારવી કારણ કે તેઓ જ દેશને આગળ લઇ જશે. આ કાર્યને આપણે સહુ સાથે મળીને કરીએ એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર.

UM/J.Khunt/GP