મહાનુભાવ, ડૉક્ટર મોહંમદ ઇરફાન અલી, ગુયાના સહકારી સંઘના રાષ્ટ્રપતિશ્રી
મહાનુભાવ, માનનીય જેમ્સ મરાપે, પપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રીશ્રી
મહાનુભાવ, મારા મિત્ર, મોહંમદ નશીદ, માલદીવ્સની સંસદ પીપલ્સ મિજલિસના અધ્યક્ષશ્રી
મહાનુભાવ, સુશ્રી અમીના જે મોહંમદ, સંયુક્ત રાષ્ટ્રસંઘના નાયબ મહાસચિવશ્રી
ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર,
પ્રતિષ્ઠિત મહેમાનો,
નમસ્કાર!
વૈશ્વિક દીર્ઘકાલિન વિકાસ શિખર સંમેલનના આ પ્રસંગે સંબોધન આપતા મને ખૂબ જ ખુશી અનુભવાઇ રહી છે. આ પંચે વીસ વર્ષ પૂરાં કર્યાં છે. આ ગતિ ટકાવી રાખવા બદલ હું TERIને અભિનંદન પાઠવું છું. વર્તમાન સમય અને ભવિષ્ય માટે આવા વૈશ્વિક મંચો ઘણા મહત્વપૂર્ણ છે.
મિત્રો,
આવનારા સમયમાં માનવજાતની પ્રગતિની સફર કેવી રીતે પ્રગટ થશે તેને બે બાબતો પરિભાષિત કરશે. પહેલી બાબત આપણાં લોકોનું આરોગ્ય છે. બીજી બાબત, આપણાં ગ્રહનું આરોગ્ય છે. બંને એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે. લોકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે સંખ્યાબંધ ચર્ચાઓનો દોર હાલમાં ચાલી જ રહ્યો છે. આપણે સૌ અહીંયા આપણાં ગ્રહના આરોગ્ય વિશે ચર્ચા કરવામાં માટે એકઠા થયા છીએ. આપણે જે પડકારોનો સામનો કરી રહ્યાં છીએ તે કેટલા મોટા છે તે સૌ કોઇ જાણે જ છે. પરંતુ, આપણે જેનો સામનો કરી રહ્યાં છીએ તેને પરંપરાગત અભિગમોથી ઉકેલી શકાય તેમ નથી. વર્તમાન સમયની માંગ છે કે, કંઇક જુદું વિચારવામાં આવે અને આપણાં યુવાધનમાં રોકાણ કરવામાં આવે તેમજ દીર્ઘકાલિન વિકાસની દિશામાં કામ કરવામાં આવે.
મિત્રો
આબોહવા પરિવર્તન સામેના જંગનો માર્ગ આબોહવા ન્યાયમાંથી પસાર થાય છે. આબોહવા ન્યાયના માર્ગ પર વિશાળ હૃદયના બનવાનો સિદ્ધાંત છે. આબોહવા ન્યાય એ મોટા તેમજ લાંબાગાળાના પરિદૃશ્ય પર વિચાર કરવા વિશે પણ છે. દુઃખદ વાસ્તવિકતા એ છે કે- પર્યાવરણમાં થઇ રહેલા પરિવર્તનો અને કુદરતી આપત્તિઓની અસર ગરીબો પર સૌથી વધારે પડે છે. આબોહવા ન્યાય એવી ન્યાસધારિતાની દૂરંદેશીથી પ્રેરિત છે જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પ્રત્યે ખૂબ જ કરુણાભાવ સાથે વિકાસ આવે છે. આબોહવા ન્યાયનો મતલબ વિકાસશીલ દેશોને વિકાસ કરવા માટે પૂરતો અવકાશ આપવો એવો પણ થાય છે. જ્યારે આપણાંમાંથી દરેકે દરેક વ્યક્તિ આપણી વ્યક્તિગત અને સહિયારી ફરજોને સમજી જાય ત્યારે જ, આબોહવા ન્યાય પ્રાપ્ત થઇ શકશે.
મિત્રો,
ભારતના ઇરાદા પાછળ નક્કર કામગીરીનું સમર્થન છે. જુસ્સા ભરેલા સાર્વજનિક પ્રયાસોથી ઉર્જિત થઇને, અમે પેરિસ સંબંધિત અમારી પ્રતિબદ્ધતાઓ અને લક્ષ્યોથી આગળ વધવાના માર્ગે છીએ. અમે 2005ના સ્તરના સકલ ઘરેલું ઉત્પાદ (GDP)ની ઉત્સર્જન તીવ્રતા 33થી 35 ટકા ટકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમને જાણીને ખુશી થશે કે, ઉત્સર્જન તીવ્રતામાં 24 ટકાનો ઘટાડો તો અમે પહેલાંથી જ પ્રાપ્ત કરી લીધો છે.
કુલ સ્થાપિત વીજ ઊર્જા ક્ષમતામાંથી 40 ટકા ક્ષમતા બિન અશ્મિગત ઇંધણના સ્રોતોમાંથી પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા હતી. અને આજે, કુલ સ્થાપિત વીજ ઊર્જા ક્ષમતામાંથી બિન અશ્મિગત ઇંધણના સ્રોતોનો હિસ્સો 38 ટકા થઇ ગયો છે. આમાં પરમાણું અને મોટી જળ વિદ્યુત પરિયોજનાઓ સામેલ છે. મને જણાવતા ઘણો આનંદ થાય છે કે, ભારત ભૂમિ ક્ષારણ તટસ્થતા અક્ષય ઊર્જા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાની દિશામાં ખૂબ જ સારી ગતિ સાથે એકધારી પ્રગતિ કરી રહ્યું છે. અમે 2030 સુધીમાં 450 ગીગા વૉટ અક્ષય ઊર્જા ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યાં છીએ. અહીં, હું અમારા ખાનગી ક્ષેત્ર અને અન્ય ઘણા વ્યક્તિગત લોકોની પ્રશંસા કરવા માંગુ છુ જેઓ આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં યોગદાન આપી રહ્યાં છે. ભારત ઇથેનોલના પોતાના વપરાશમાં પણ વધારો કરી રહ્યું છે.
મિત્રો,
સમાન પહોંચ વગર દીર્ઘકાલિન વિકાસ અધુરો છે. આ દિશામાં પણ, ભારતે સારી પ્રગતિ કરી છે. માર્ચ 2019માં, ભારતે અંદાજે સો ટકા વિદ્યુતિકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. દીર્ઘકાલિન ટેકનોલોજી અને આવિષ્કારી મોડલોના કારણે આ થઇ શક્યું છે. ભારતે વૈશ્વિક સ્તરે ધોરણો આવ્યા તેના ઘણા સમય પહેલાં જ LEDમાં રોકાણ કરી લીધું છે. ઉજાલા કાર્યક્રમ દ્વારા, 36.7 મિલિયન LED બલ્બ લોકોના જીવનનો હિસ્સો બની ગયા છે. આનાથી દર વર્ષે 38 મિલિયન ટનથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટી ગયું છે. જળ જીવન મિશન દ્વારા 34 મિલિયન પરિવારોને માત્ર 18 મહિનામાં જ પાણીના નળના જોડાણો આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની મદદથી ગરીબી રેખાની નીચે જીવી રહેલા 80 મિલિયનથી વધારે પરિવારોને રસોઇ માટે સ્વચ્છ ઇંધણ પહોંચાડવામાં આવ્યું છે. અમે ભારતના ઊર્જા બાસ્કેટમાં કુદરતી વાયુનો હિસ્સો 6 ટકાથી વધારીને 15 ટકા સુધી લઇ જવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
ઘરેલું ગેસ માળખાગત સુવિધા વિકસાવવાની દિશામાં 60 બિલિયન ડૉલરનું અંદાજિત રોકાણ કરવામાં આવી રહ્યું છે. શહેરોમાં ગેસના વિતરણના નેટવર્કમાં વિસ્તરણ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અન્ય 100 જિલ્લાઓને આગામી ત્રણ વર્ષમાં આ નેટવર્કમાં ઉમેરવામાં આવશે. PM-KUSUM યોજના દ્વારા, 2022 સુધીમાં કૃષિ ક્ષેત્રમાં 30 ગીગા વૉટથી વધારે સૌર ઊર્જા ક્ષમતા વિકસાવવામાં આવશે.
મિત્રો,
મોટાભાગે, ટકાઉક્ષમતાની ચર્ચામાં હરિત ઊર્જા પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પરંતુ હરિત ઊર્જા એકમાત્ર માધ્યમ નથી. આપણે જે મુકામ ઇચ્છીએ છીએ તે હરિયાળો ગ્રહ છે. જંગલો અને વનાવરણને ખૂબ જ આદર આપવાની અમારી સંસ્કૃતિ અદભૂત પરિણામોમાં પરિવર્તિત થઇ રહી છે. FAOના વૈશ્વિક વન સંસાધન મૂલ્યાંકન 2020 અનુસાર: ભારત એવા ટોચના 3 દેશોમાંથી છે જ્યાં છેલ્લા એક દાયકામાં વન વિસ્તારમાં વધારો થયો છે.
દેશમાં વનાવરણ વધુને લગભગ કુલ ભૌગોલિક વિસ્તારના ચોથા ભાગ જેટલું થઇ ગયું છે. પરંપરાગત વિચારસરણી કદાચ કેટલાક લોકોને વિચારતા કરી શકે છે કે, જ્યારે દેશ વિકાસ પ્રાપ્ત કરી રહ્યો હોય ત્યારે, વનાવરણ ઘટે છે. પરંતુ, ભારત એવા અમુક દેશોમાંથી છે જે દર્શાવે છે કે આવું હોવું જરૂરી નથી.
દીર્ઘકાલિન વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના અમારા મિશનમાં પશુ સંરક્ષણ પ્રત્યે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં, લોકોને ગૌરવ થઇ રહ્યું છે કે: છેલ્લા પાંચથી સાત વર્ષમાં, દેશમાં સિંહ, વાઘ, દીપડા અને ગંગા નદી તટપ્રદેશના વિસ્તારોમાં ડોલ્ફિનની વસ્તીમાં વધારો થયો છે.
મિત્રો,
આ સંમેલન દીર્ઘકાલિન વિકાસ માટે કામ કરી રહેલા શ્રેષ્ઠ અને તેજસ્વી તજજ્ઞોને એક મંચ પર લાવે છે. હું બે બાબતો પર આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છુ: આ બંને બાબતો છે એકજૂથતા અને આવિષ્કાર. દીર્ઘકાલિન વિકાસ માત્ર સહિયારા પ્રયાસોથી જ પ્રાપ્ત થઇ શકશે.
જ્યારે દરેક વ્યક્તિ રાષ્ટ્રની ભલાઇનો વિચાર કરે ત્યારે, દરેક રાષ્ટ્ર વૈશ્વિક ભલાઇનું વિચારે છે અને ત્યારે જ દીર્ઘકાલિન વિકાસ ખરા અર્થમાં સાર્થક થઇ શકશે. ભારતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન દ્વારા આ દિશામાં પ્રયાસો કર્યા છે. ચાલો, હંમેશા ચારેબાજુથી શ્રેષ્ઠ આચરણો માટે આપણાં મન અને રાષ્ટ્ર બંનેને ખુલ્લા રાખીએ. આવા જ જુસ્સા સાથે, ચાલો આપણે આપણાં શ્રેષ્ઠ આચરણોનું અન્ય લોકો સાથે આદાનપ્રદાન કરીએ. બીજી વાત છે આવિષ્કાર. સંખ્યાબંધ સ્ટાર્ટઅપ અક્ષય ઊર્જા, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને બીજી ઘણી બાબતો પર કામ કરી રહ્યાં છે. નીતિ ઘડનારાઓ તરીકે, આપણે આ પ્રયાસોને શક્ય હોય એટલો વધારે સહકાર આપવો જોઇએ. આપણાં યુવાનોની ઊર્જા ચોક્કસપણે અદભૂત પરિણામો આપશે.
મિત્રો,
આ મંચના માધ્યમથી હું બીજી એક વાતનો પણ ઉલ્લેખ કરવા માગુ છુ જેના પર વિચાર કરવાની જરૂર છે. આ વાત છે, આપણી આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાની. આના માટે માનવ સંસાધન વિકાસ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આપત્તિ પ્રતિરોધક માળખાગત સુવિધા ગઠબંધનના ભાગરૂપે, અમે આ દિશામાં કામ કરી રહ્યાં છીએ.
મિત્રો,
વધુ આગળ દીર્ઘકાલિન વિકાસ માટે શક્ય હોય તેવું બધુ જ કરવા માટે ભારત તૈયાર છે. અમારો માનવ કેન્દ્રિત અભિગમ વૈશ્વિક ભલાઇ માટે અનેકગણું પીઠબળ વધારી શકે છે. TERI જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સંશોધનો આ પ્રયાસોની દિશામાં ખૂબ જ મહત્વના છે.
હું આ શિખર સંમેલનને અને આપ સૌને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છુ.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર!
ખૂબ ખૂબ આભાર!
———
SD/GP/JD
Addressing the World Sustainable Development Summit. https://t.co/PZsoUMzfRe
— Narendra Modi (@narendramodi) February 10, 2021