Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્તે!

આ મહત્વપૂર્ણ બજેટ વેબિનારમાં આપ સૌનું સ્વાગત અને અભિનંદન. લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ – આ એક એવી થીમ છે જે વિકસિત ભારતનો રોડમેપ વ્યાખ્યાયિત કરે છે. આ વર્ષના બજેટમાં તમે તેની અસર મોટા પાયે જોઈ શકો છો. તેથી, આ બજેટ ભારતના ભવિષ્ય માટે એક બ્લુપ્રિન્ટ તરીકે ઉભરી આવ્યું છે. રોકાણમાં આપણે જેટલી પ્રાથમિકતા માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગોને આપી છે. તેટલી જ પ્રાથમિકતા લોકો, અર્થતંત્ર અને નવીનતાને પણ આપી છે. તમે બધા જાણો છો, ક્ષમતા નિર્માણ અને પ્રતિભા સંવર્ધન દેશની પ્રગતિ માટે પાયાના પથ્થર તરીકે કાર્ય કરે છે. તેથી, હવે વિકાસના આગામી તબક્કામાં આપણે આ ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવું પડશે. આ માટે, આપણા બધા હિસ્સેદારોએ આગળ આવવું પડશે. કારણ કે, દેશની આર્થિક સફળતા માટે આ જરૂરી છે. અને એ પણ, તે દરેક સંસ્થાની સફળતાનો પાયો છે.

મિત્રો,

લોકોમાં રોકાણનું વિઝન ત્રણ સ્તંભ પર ઉભું છે – શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળ! આજે તમે જોઈ રહ્યા છો કે ભારતની શિક્ષણ પ્રણાલી ઘણા દાયકાઓ પછી કેવી રીતે મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, IITનું વિસ્તરણ, શિક્ષણ પ્રણાલીમાં ટેકનોલોજીનું એકીકરણ, AI ની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ, પાઠ્યપુસ્તકોનું ડિજિટાઇઝેશન, 22 ભારતીય ભાષાઓમાં શિક્ષણ સામગ્રી પૂરી પાડવાનું કાર્ય, જેવા મોટા પગલાં મિશન મોડમાં ચાલી રહ્યા છે. આના કારણે, આજે ભારતની શિક્ષણ પ્રણાલી 21મી સદીના વિશ્વની જરૂરિયાતો અને પરિમાણોને અનુરૂપ છે.

મિત્રો,

સરકારે 2014થી 3 કરોડથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી છે. અમે 1 હજાર ITI સંસ્થાઓને અપગ્રેડ કરવાની અને 5 સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની જાહેરાત કરી છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે યુવાનોને તાલીમ એવી હોવી જોઈએ કે તેઓ આપણા ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. આમાં, વૈશ્વિક નિષ્ણાતોની મદદ લઈને, અમે ખાતરી કરી રહ્યા છીએ કે અમારા યુવાનો વિશ્વ સ્તરે સ્પર્ધા કરી શકે. આ બધા પ્રયાસોમાં આપણા ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ભૂમિકા છે. ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓએ એકબીજાની જરૂરિયાતોને સમજવી જોઈએ અને પૂરી કરવી જોઈએ. યુવાનોને ઝડપથી બદલાતી દુનિયા સાથે તાલમેલ રાખવાની તક મળવી જોઈએ, તેમને એક્સપોઝર મળવો જોઈએ, તેમને વ્યવહારુ શિક્ષણ માટે એક પ્લેટફોર્મ મળવું જોઈએ. આ માટે બધા હિસ્સેદારોએ સાથે આવવું પડશે. અમે યુવાનોને નવી તકો અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે પીએમ-ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આપણે ખાતરી કરવી પડશે કે દરેક સ્તરે મહત્તમ સંખ્યામાં ઉદ્યોગો આ યોજનામાં ભાગ લે.

મિત્રો,

અમે આ બજેટમાં 10 હજાર વધારાની મેડિકલ સીટોની જાહેરાત કરી છે. અમે આગામી 5 વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર, પંચોતેર હજાર બેઠકો ઉમેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આ તમામ ક્ષેત્રોમાં ટેલિ-મેડિસિન સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ડે-કેર કેન્સર સેન્ટરો અને ડિજિટલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા, અમે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળને છેલ્લા માઇલ સુધી લઈ જવા માંગીએ છીએ. તમે કલ્પના કરી શકો છો કે આનાથી લોકોના જીવનમાં કેટલો મોટો ફેરફાર આવશે. આનાથી યુવાનો માટે રોજગારની ઘણી નવી તકો પણ ઊભી થશે. તેમને જમીન પર ઉતારવા માટે તમારે એટલી જ ઝડપથી કામ કરવું પડશે. તો જ આપણે બજેટની જાહેરાતોના લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડી શકીશું.

મિત્રો,

છેલ્લા 10 વર્ષોમાં, આપણે ભવિષ્યવાદી વિચારસરણી સાથે અર્થતંત્રમાં રોકાણ પણ જોયું છે. જેમ તમે જાણો છો, ભારતની શહેરી વસતિ 2047 સુધીમાં લગભગ 90 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આટલી મોટી વસ્તી માટે આયોજનબદ્ધ શહેરીકરણની જરૂર છે. આ માટે, અમે 1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવાની પહેલ કરી છે. આ શાસન, માળખાગત સુવિધાઓ અને નાણાકીય ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને ખાનગી રોકાણમાં પણ વધારો કરશે. આપણા શહેરો ટકાઉ શહેરી ગતિશીલતા, ડિજિટલ એકીકરણ અને આબોહવા સ્થિતિસ્થાપકતા યોજના માટે જાણીતા હશે. આપણા ખાનગી ક્ષેત્રે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ઉદ્યોગે, આયોજિત શહેરીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને આગળ ધપાવવું જોઈએ. અમૃત 2.0 અને જળ જીવન મિશન જેવા અભિયાનોને આગળ વધારવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

મિત્રો,

આજે, જ્યારે આપણે અર્થતંત્રમાં રોકાણ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે પર્યટનની સંભાવના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પ્રવાસન ક્ષેત્ર આપણા GDPમાં 10 ટકા સુધીનું યોગદાન આપી શકે છે. આ ક્ષેત્રમાં કરોડો યુવાનોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા છે. તેથી, આ બજેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશભરમાં 50 સ્થળોનો વિકાસ સાથે પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સ્થળોએ હોટલોને માળખાગત સુવિધાનો દરજ્જો આપવાથી પર્યટનની સરળતા વધશે અને સ્થાનિક રોજગારમાં પણ વધારો થશે. મુદ્રા યોજનાનો વ્યાપ હોમ-સ્ટે માટે પણ વધારવામાં આવ્યો છે. હીલ ઇન ઇન્ડિયાઅને લેન્ડ ઓફ ધ બુદ્ધઅભિયાનો દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. ભારતને વૈશ્વિક સ્તરનું પર્યટન અને સુખાકારીનું કેન્દ્ર બનાવવા માટે આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મિત્રો,

જ્યારે આપણે પર્યટન વિશે વાત કરીએ છીએ, ત્યારે હોટેલ ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્ર ઉપરાંત, પર્યટનમાં અન્ય ક્ષેત્રો માટે પણ નવી તકો છે. તેથી, હું કહીશ કે આપણા આરોગ્ય ક્ષેત્રના હિસ્સેદારોએ આરોગ્ય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રોકાણ કરવું જોઈએ, આ તકનો લાભ લેવો જોઈએ. આપણે યોગ અને સુખાકારી પર્યટનની સંપૂર્ણ સંભાવનાનો પણ ઉપયોગ કરવો જોઈએ. શૈક્ષણિક પર્યટનમાં પણ આપણી પાસે ઘણો અવકાશ છે. હું ઈચ્છું છું કે આ અંગે વિગતવાર ચર્ચા થાય અને આપણે એક મજબૂત રોડમેપ સાથે આ દિશામાં આગળ વધીએ.

મિત્રો,

દેશનું ભવિષ્ય નવીનતામાં કરવામાં આવતા રોકાણો દ્વારા નક્કી થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતીય અર્થતંત્રને લાખો કરોડ રૂપિયાનો વિકાસ આપી શકે છે. તેથી, આપણે આ દિશામાં ઝડપથી આગળ વધવું પડશે. આ બજેટમાં, AI-સંચાલિત શિક્ષણ અને સંશોધન માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારત AI ક્ષમતાઓ વિકસાવવા માટે રાષ્ટ્રીય મોટી ભાષા મોડેલ પણ સ્થાપિત કરશે. આ દિશામાં, આપણા ખાનગી ક્ષેત્રે પણ વિશ્વથી એક કદમ આગળ રહેવાની જરૂર છે. દુનિયા એક વિશ્વસનીય, સલામત અને લોકશાહી દેશની રાહ જોઈ રહી છે જે AI માં આર્થિક ઉકેલો પૂરા પાડી શકે. તમે આ ક્ષેત્રમાં જેટલું વધુ રોકાણ કરશો, ભવિષ્યમાં તમને તેટલો જ વધુ ફાયદો મળશે.

મિત્રો,

ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. સરકારે આ બજેટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ પસાર કરવામાં આવ્યું છે. આનાથી ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ સાથે ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ વધશે. IIT અને IISc માં 10 હજાર રિસર્ચ ફેલોશિપની જોગવાઈ કરવામાં આવી છે. આ સંશોધનને પ્રોત્સાહન આપશે અને પ્રતિભાશાળી યુવાનોને તકો પૂરી પાડશે. નેશનલ જીઓ-સ્પેશિયલ મિશન દ્વારા નવીનતા અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંશોધનને વેગ આપવામાં આવશે. સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપણે દરેક સ્તરે સાથે મળીને કામ કરવું પડશે.

મિત્રો,

જ્ઞાન ભારતમ મિશન, અને મને આશા છે કે, તમે બધા આ વાતમાં આગળ આવશો, જ્ઞાન ભારતમ મિશન દ્વારા ભારતના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને સાચવવાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મિશન દ્વારા, એક કરોડથી વધુ હસ્તપ્રતોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે પછી એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર બનાવવામાં આવશે, જેથી વિશ્વભરના વિદ્વાનો અને સંશોધકો ભારતના ઐતિહાસિક અને પરંપરાગત જ્ઞાન અને શાણપણને જાણી શકે. ભારતના વનસ્પતિ આનુવંશિક સંસાધનોને જાળવવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય જનીન બેંકની સ્થાપના કરવામાં આવી રહી છે. અમારી પહેલનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓ માટે આનુવંશિક સંસાધનો અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આપણે આવા પ્રયાસોનો વ્યાપ વધારવાની જરૂર છે. આપણી વિવિધ સંસ્થાઓ અને ક્ષેત્રોએ આ પ્રયાસોમાં ભાગીદારી કરવી જોઈએ.

મિત્રો,

ફેબ્રુઆરીમાં ભારતીય અર્થતંત્ર પર IMFના અદ્ભુત અવલોકનો પણ આપણા બધાની સામે છે. આ અહેવાલ મુજબ, 2015 થી 2025 વચ્ચે… 2015 થી 2025 વચ્ચે, 10 વર્ષોમાં, ભારતની અર્થવ્યવસ્થાએ છાસઠ ટકા એટલે કે 66 ટકાનો વિકાસ નોંધાવ્યો છે. ભારત હવે 3.8 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું છે. આ વૃદ્ધિ ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે. આપણે યોગ્ય દિશામાં આગળ વધવું પડશે, યોગ્ય રોકાણ કરવું પડશે, અને આ રીતે આપણી અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરવો પડશે. અને બજેટ જાહેરાતોનો અમલ પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે, તમારા બધાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સૌને મારી શુભકામનાઓ. અને મને પૂરો વિશ્વાસ છે કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી બજેટ જાહેર કરવાની પરંપરા તોડી નાખી છે, કે તમે તમારો ભાગ ભજવો અને અમે અમારું કરીશું. બજેટ તૈયાર થાય તે પહેલાં અમે તમારી સાથે બેસીએ છીએ, બજેટ તૈયાર થયા પછી પણ, તેની જાહેરાત થયા પછી પણ, જે પણ બાબતો આવે તેને અમલમાં મૂકવા માટે અમે તમારી સાથે બેસીએ છીએ. કદાચ જાહેર ભાગીદારીનું આ મોડેલ ખૂબ જ દુર્લભ છે. અને મને ખુશી છે કે દર વર્ષે આ વિચારમંથન કાર્યક્રમ વેગ પકડી રહ્યો છે, લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને દરેકને લાગે છે કે બજેટ પહેલાં આપણે જે બાબતોની ચર્ચા કરીએ છીએ તે બજેટ પછી અમલીકરણ માટે વધુ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. મને વિશ્વાસ છે કે આપણા બધાનું આ સામૂહિક વિચારમંથન આપણા સપનાઓને, 140  કરોડ દેશવાસીઓના સપનાઓને પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આપ સૌને મારી શુભકામનાઓ.

આભાર.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com