Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિયેતનામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન (03 સપ્ટેમ્બર, 2016)

વિયેતનામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન (03 સપ્ટેમ્બર, 2016)


યોર એક્સલન્સી પ્રધાનમંત્રી ગુયેન ઝુઆન ફુક,

મીડિયાના પ્રતિનિધિઓ,

એક્સલન્સી, મને અને મારા પ્રતિનિધિમંડળને ઉષ્માસભર આવકાર આપવા બદલ અને અમારો ઉદાર આતિથ્ય-સત્કાર કરવા બદલ તમારો આભાર માનું છું. આજે સવારે તમે મારી સાથે રહીને હો ચિ મિન્હનું ઘર દેખાડ્યું. આ તમારી નમ્રતા અને વિશિષ્ટ ચેષ્ટા છે. હો ચિ મિન્હ વીસમી સદીના મહાન નેતાઓ પૈકીના એક હતા. મારો વિશેષ આતિથ્ય-સત્કાર કરવા બદલ તમારો આભાર. હું વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રદિન નિમિત્તે શુભેચ્છા પાઠવું છું, જે તમે ગઈકાલે ઉજવ્યો હતો.

મિત્રો,

આપણા બંને દેશના સમાજ 2000 વર્ષથી એકબીજા સાથે જોડાયેલા છે. ભારતમાં જન્મેલા બૌદ્ધ ધર્મનો પ્રસાર વિયેતનામમાં થયો હતો અને આપણા આધ્યાત્મિક, સાંસ્કૃતિક જોડાણનો પુરાવો વિયેતનામના હિંદુ ચામ મંદિરોના સ્મારકો છે. મારી પેઢીના લોકો માટે વિયેતનામ અમારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. વિયેતનામના લોકોએ ગુલામીની જંજીરો તોડીને આઝાદ થવા જે સાહસ અને બહાદુરીનું દર્શન દુનિયાને કરાવ્યું હતું એ ખરેખર સમગ્ર વિશ્વના લોકો માટે પ્રેરણારૂપ છે. રાષ્ટ્રીય એકીકરણમાં તમારી સફળતા અને રાષ્ટ્રનિર્માણમાં તમારી પ્રતિબદ્ધતા તમારા લોકોના ચારિત્ર્યની તાકાતનું પ્રતિબિંબ છે. અમે ભારતમાં તમારા મજબૂત મનોબળ અને લડાયકતાની પ્રશંસા કરીએ છીએ, તમારી સફળતાથી ખુશ છીએ અને તમારી રાષ્ટ્રીય સફરમાં તમારી સાથે છીએ.

મિત્રો,

મારી તમારા પ્રધાનમંત્રી ફુક સાથે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને પરિણામલક્ષી વાતચીત થઈ છે. અમારી ચર્ચામાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહકારનાં તમામ પાસાઓને આવરી લેવાયા હતા. અમે આપણી દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈ પર પહોંચાડવા અને સંબંધોને મજબૂત કરવા સંમત થયા છીએ. આ વિસ્તારના બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રો તરીકે અમને પ્રાદેશિક અને બંને દેશોને સ્પર્શતા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર આપણા સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પણ લાગે છે. અમે વિસ્તારમાં વધતી આર્થિક તકોને ઝડપવા પણ સંમત થયા છીએ. અમે આપણા વિસ્તારમાં વધતા પડકારોને ઝીલવા પારસ્પરિક સહકારની જરૂરિયાત પણ અનુભવી છે. અમારો આપણી વ્યૂહાત્મક ભાગીદારીથી લઈને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાનો નિર્ણય આપણા ભવિષ્યના સહકારના માર્ગને પ્રશસ્ત કરે છે. તે આપણા દ્વિપક્ષીય સહકારયુક્ત સંબંધોને નવી દિશા, નવી ગતિ પ્રદાન કરશે. આપણા સામાન્ય અને સહિયારા પ્રયાસો આ વિસ્તારમાં સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ લાવશે.

મિત્રો,

અમે આપણા લોકોને આર્થિક સમૃદ્ધ કરવાની સાથે સાથે તેમને સલામતી અને સુરક્ષા આપવાની જરૂરિયાત પણ અનુભવી છે. એટલે પ્રધાનમંત્રી અને હું આપણા સામાન્ય હિતોને આગળ ધપાવવા આપણા સુરક્ષા અને સલામતીના સંબંધોને વધુ મજબૂત કરવા સંમત થયા છીએ. આજે સવારે ઓફશોર પેટ્રોલ બોટના નિર્માણ પર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આપણી સુરક્ષા ભાગીદારીને નક્કર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. મને સુરક્ષા ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવા વિયેતનામ માટે 500 મિલિયન ડોલરના ધિરાણની જાહેરાત કરતા ખુશી થાય છે. આજે જે ક્ષેત્રો પર સમજૂતી થઈ છે એ આપણા સંબંધો અને સહકારની વિવિધતા દર્શાવે છે.

મિત્રો,

વિયેતનામ ઝડપથી વિકાસ સાધી રહ્યું છે અને આર્થિક વૃદ્ધિના પંથે અગ્રેસર છે.

વિયેતનામ ઇચ્છે છે:

• તેના લોકોની સમૃદ્ધિ અને સશક્તિકરણ;

• તેના કૃષિક્ષેત્રનું આધુનિકરણ;

• ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન;

• તેના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની મજબૂતી;

• ઝડપથી આર્થિક વિકાસ માટે નવી સંસ્થાકીય ક્ષમતા વિકસાવવી; અને

• આધુનિક રાષ્ટ્રનું નિર્માણ કરવું.

આ સફરમાં વિયેતનામના ભાગીદાર અને મિત્ર બનવા ભારત અને તેની 1.25 અબજ જનતા તૈયાર છે. પ્રધાનમંત્રી અને હું આજે આપણી ભાગીદારીને મજબૂત કરવા કેટલાક નિર્ણયો લેવા સંમત થયા છીએ. ન્હા ટ્રાંગમાં ટેલિકમ્યુનિકેશન્સ યુનિવર્સિટીમાં સોફ્ટવેર પાર્ક સ્થાપિત કરવા માટે ભારત 5 મિલિયન અમેરિકન ડોલરની સહાય ઓફર કરશે. અવકાશના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીની રૂપરેખા વિયેતનામને તેના રાષ્ટ્રીય વિકાસના ઉદ્દેશો હાંસલ કરવા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સાથે હાથ મિલાવવાનો માર્ગ મોકળો કરશે. આપણે દ્વિપક્ષીય વાણિજ્યિક જોડાણમાં વધારો કરવો પણ આપણા વ્યૂહાત્મક ઉદ્દેશમાં સામેલ છે આ માટે વર્ષ 2020 સુધીમાં 15 અબજ ડોલરના વેપાર લક્ષ્યાંકને હાંસલ કરવા વેપારવાણિજ્યની નવી તકો ઊભી કરવી પડશે. મેં વિયેતનામમાં ચાલુ ભારતીય પ્રોજેક્ટ્સ અને રોકાણને સુલભ બનાવવાની માગણી પણ કરી છે. અને મારી સરકારની વિવિધ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોનો લાભ લેવા વિયેતનામની કંપનીઓને પણ આમંત્રણ આપું છું.

મિત્રો,

આપણા લોકો સદીઓથી એકબીજા સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે. અમને આશા છે કે હેનોઈમાં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર ટૂંક સમયમાં સ્થાપિત થશે અને ખુલશે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ માય સન ખાતે ચામ સ્મારકોના સંરક્ષણ અને જીર્ણોદ્ધારનું કામ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નાલંદા મહાવિહારના શિલાલેખને સમાવવામાં વિયેતનામે આગેવાની લીધી હતી, જે બદલ હું તેમનો આભાર માનું છું.

મિત્રો,

ઐતિહાસિક જોડાણો, ભૌગોલિક નિકટતા, સાંસ્કૃતિક સંબંધો અને વ્યૂહાત્મક સ્થાનની દ્રષ્ટિએ ભારત માટે આસિયાન મહત્ત્વપૂર્ણ છે. તે અમારી ‘એક્ટ ઇસ્ટ’ પોલિસીના કેન્દ્રમાં છે. ભારત માટે આસિયાનના સંકલનકર્તા તરીકે વિયેતનામના નેતૃત્વ હેઠળ આપણે તમામ ક્ષેત્રોમાં ભારત-આસિયાન ભાગીદારીને મજબૂત કરવા માટે કામ કરીશું.

એક્સલન્સી,

તમે ઉદાર યજમાન છો. વિયેતનામના લોકોએ આપેલા ઉષ્માસભર આવકારે મારું હૃદય જીતી લીધું છે. આપણે પ્રકૃતિથી સંતોષ મેળવી શકીએ અને આપણી ભાગીદારીને દિશા આપી શકીએ. સાથે સાથે આપણે આપણા સંબંધોને સતત આગળ ધપાવવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તમારા આતિથ્ય-સત્કારથી હું ખુશ છું. ભારતમાં તમને અને વિયેતનામના નેતૃત્વને આવકારવાનું મને ગમશે. અમે ભારતમાં તમને આવકારવા આતુર છીએ.

ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.

TR