Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્ય પ્રદેશમાં ખેડૂત સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધન

વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્ય પ્રદેશમાં ખેડૂત સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધન


નમસ્કાર,

મધ્ય પ્રદેશના મહેનતુ ખેડૂત ભાઈઓ બહેનોને મારા કોટિ કોટિ પ્રણામ! આજના આ વિશેષ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના ખૂણે ખૂણેથી ખેડૂતો એકત્રિત થયા છે. રાયસેનમાં એક સાથે આટલા બધા ખેડૂતો આવ્યા છે. ડિજિટલ રીતે પણ હજારો ખેડૂત ભાઈ બહેનો આપણી સાથે જોડાયેલા છે. હું બધાનું સ્વાગત કરું છું. વિતેલા સમયમાં કરા પડવાના લીધે, કુદરતી આપત્તિના કારણે મધ્ય પ્રદેશના ખેડૂતોને નુકસાન થયું છે. આજે આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના આવા જ 35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. કોઈ વચેટિયા નહિ, કોઈ કમિશન નહિ. કોઈ કપાત નહિ, કોઈ કટકી નહિ. સીધા ખેડૂતોના બેંક ખાતાઓમાં મદદ પહોંચી રહી છે. ટેકનોલોજીના કારણે જ આ શક્ય બન્યું છે. અને ભારતે વિતેલા 5-6 વર્ષોમાં જે આ આધુનિક વ્યવસ્થા બનાવી છે, તેની આજે આખી દુનિયામાં ચર્ચા પણ થઈ રહી છે અને તેમાં આપણાં દેશની યુવા પ્રતિભાઓનું બહુ મોટું યોગદાન છે.

સાથીઓ,

આજે અહિયાં આ કાર્યક્રમમાં પણ અનેક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ દરેક ખેડૂતને નહોતું મળતું. અમારી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડનું સુવિધા દેશના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ કરાવવા માટે અમે નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવે ખેડૂતોને ખેતી કામ માટે સરળતાથી જરૂરી મૂડી મળી રહી છે. તેમાં તેમને બીજાઓ પાસેથી વધુ વ્યાજ પર ધિરાણ લેવાની મજબૂરીમાંથી પણ આઝાદી મળી છે.

સાથીઓ,

આજે આ કાર્યક્રમમાં સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થયું છે. એ વાત સાચી છે કે ખેડૂતો ગમે તેટલી મહેનત કરી લે, પરંતુ ફળો, શાકભાજી, અનાજ – તેનો જો યોગ્ય રીતે સંગ્રહ ના થાય, બરાબર રીતે ના કરવામાં આવે, તો તેનું બહુ મોટું નુકસાન થાય છે અને આ નુકસાન માત્ર ખેડૂતનું જ નથી, આ નુકસાન આખા હિન્દુસ્તાનનું થાય છે. એક અંદાજો છે કે લગભગ લગભગ એક લાખ કરોડ રૂપિયાના ફળ શાકભાજી અને અનાજ દર વર્ષે આ કારણે જ બરબાદ થઈ જાય છે. પરંતુ પહેલા તેને લઈને પણ ઘણી ઉદાસીનતા હતી. હવે અમારી પ્રાથમિકતા સંગ્રહના નવા કેન્દ્ર, કોલ્ડ સ્ટોરેજનું દેશમાં વિશાળ નેટવર્ક અને તેની સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવું એ પણ અમારી પ્રાથમિકતા છે. હું દેશના વેપારી જગતને, ઉદ્યોગ જગતને પણ આગ્રહ કરીશ કે સંગ્રહની આધુનિક વ્યવસ્થાઓ બનાવવામાં, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં, ફૂડ પ્રોસેસિંગના નવા સાધનો લગાવવામાં આપણાં દેશના ઉદ્યોગ અને વેપાર જગતના લોકોએ પણ આગળ આવવું જોઈએ. બધુ કામ ખેડૂતોના માથે નાંખી દેવું એ કેટલું યોગ્ય છે, બની શકે છે કે તમારી કમાણી થોડી ઓછી થશે પરંતુ દેશના ખેડૂતોનું, દેશના ગરીબનું, દેશના ગામડાઓનું ભલું થશે.

સાથીઓ,

ભારતની કૃષિ, ભારતનો ખેડૂત, હવે વધુ સમય પછાત સ્થિતિમાં નહિ રહી શકે. દુનિયાના મોટા મોટા દેશોના ખેડૂતોને આજે જે આધુનિક સુવિધા ઉપલબ્ધ છે, તે સુવિધા ભારતના પણ ખેડૂતોને મળે, તેમાં હવે વધુ મોડું કરી શકાય તેમ નથી. સમય આપણી રાહ નહિ જુએ. ઝડપથી બદલાઈ રહેલા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતનો ખેડૂત, સુવિધાઓના અભાવમાં, આધુનિક રીત ભાતોના અભાવમાં અસહાય થતો જાય, એ સ્થિતિ સ્વીકારી શકાય તેમ નથી. પહેલા જ બહુ મોડું થઈ ગયું છે. જે કામ 25-30 વર્ષ પહેલા જ થઈ જવા જોઈતા હતા, તએ આજે કરવાની નોબત આવીને ઊભી છે. છેલ્લા 6 વર્ષોમાં અમારી સરકારે ખેડૂતોની એક એક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ પગલાઓ ભર્યા છે. આ જ કડીમાં દેશના ખેડૂતોની તે માંગણીઓને પણ પૂરી કરવામાં આવી છે જેની ઉપર વર્ષોથી માત્ર અને માત્ર મંથન જ ચાલી રહ્યું હતું. વિતેલા કેટલાક દિવસોથી દેશમાં ખેડૂતો માટે જે નવા કાયદા બન્યા, આજકાલ તેની ચર્ચા બહુ છે. આ કૃષિ સુધારા, આ કાયદા રાતોરાત નથી આવ્યા. છેલ્લા 20-22 વર્ષથી આ દેશની દરેક સરકારે રાજ્યોની સરકારે આની ઉપર વ્યાપક ચર્ચા કરી છે. ઓછો વત્તો બધા સંગઠનોએ તેની ઉપર વિચાર વિમર્શ કર્યો છે.

દેશના ખેડૂત, ખેડૂતોના સંગઠન, કૃષિ નિષ્ણાતો, કૃષિ અર્થશાસ્ત્રી, કૃષિ વૈજ્ઞાનિક, આપણે ત્યાંનાં પ્રગતિશીલ ખેડૂત પણ સતત કૃષિ ક્ષેત્રમાં સુધારાની માંગ કરતાં આવ્યા છે. ખરેખર તો દેશના ખેડૂતોએ એ લોકો પાસેથી જવાબ માંગવો જોઈએ કે જેઓ પહેલા પોતાના ઘોષણા પત્રમાં આ સુધારાઓની, સુધારો કરવાની વાતો લખતા હતા, વકીલાત કરતાં હતા અને મોટી મોટી વાતો કરીને ખેડૂતોને વોટ ભેગા કરતાં હતા, પરંતુ પોતાના ઘોષણા પત્રમાં લખવામાં આવેલ વાયદાઓને ક્યારેય પૂરા નથી કર્યા. માત્ર આ માંગણીઓને ટાળતા રહ્યા. કારણ કે ખેડૂતોની પ્રાથમિકતા જ નહોતી. અને દેશનો ખેડૂત રાહ જ જોતો રહ્યો. જો આજે દેશના બધા રાજકીય દળોના જૂના ઘોષણા પત્ર જોવામાં આવે તો તેમના આખે આખા નિવેદનો સાંભળી શકાય તેમ છે, પહેલા જેઓ દેશની કૃષિ વ્યવસ્થા સંભાળી રહ્યા હતા એવા મહાનુભવોની ચિઠ્ઠીઓ દેખાડવામાં આવે તો આજે જે કૃષિ સુધારા થયા છે, તે તેનાથી જુદા જરાય નથી. તેઓ જે વસ્તુઓના વાયદા કરતાં હતા, તે જ વાતો આ કૃષિ સુધારાઓમાં કરવામાં આવી છે. મને લાગે છે, તેમને તકલીફ એ વાતની નથી કે કૃષિ કાયદાઓમાં સુધારા કેમ કરવામાં આવ્યા. તેમને તકલીફ એ વાતની છે કે જે કામ અમે કહેતા હતા પરંતુ કરી નહોતા શકતા તે મોદીએ કેવી રીતે કર્યું, મોદીએ કેમ કર્યું. મોદીને આની ક્રેડિટ કઈ રીતે મળી જાય? હું તમામ રાજનીતિ દળોને હાથ જોડીને કહેવા માંગુ છું – તમે બધો ક્રેડિટ તમારી પાસે રાખી લો, તમારા બધા જૂના ઘોષણા પત્રોને જ હું ક્રેડિટ આપું છું. મારે ક્રેડિટ નથી જોઈતી. તમે કૃપા કરીને દેશના ખેડૂતોને ભડકાવવાનું છોડી દો, તેમને ભ્રમિત કરવાનું છોડી દો.

સાથીઓ,

આ કાયદા લાગુ થયા એને 6-7 મહિના કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. પરંતુ હવે અચાનક ભ્રમ અને જુઠ્ઠાણાંની જાળ પાથરીને પોતાની રાજકીય જમીન ખેડવાની રમત રમવામાં આવૈ રહી છે. ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને પ્રહાર કરવામાં આવી રહ્યો છે. તમે જોયું હશે, સરકાર વારે વારે પૂછી રહી છે, મિટિંગમાં પણ પૂછી રહી છે, જાહેરમાં પણ પૂછી રહી છે, અમારા કૃષિ મંત્રી ટીવી ઇન્ટરવ્યૂમાં કહી રહ્યા છે, હું પોતે બોલી રહ્યો છું કે તમને કાયદામાં કયા ક્લોઝમાં શું તકલીફ છે એ કહો? જે પણ તકલીફ છે તે કહો, તો આ રાજનૈતિક દળો પાસે કોઈ જવાબ હોતો જ નથી, અને આ જ આ દળોની વાસ્તવિકતા છે.

સાથીઓ,

જેમની પોતાની રાજનૈતિક જમીન ખસી ગયેલી છે, તેઓ ખેડૂતોની જમીન જતી રહેશે, ખેડૂતોની જમીન જતી રહેશે એવી બીક બતાવીને પોતાની રાજનૈતિક જમીન શોધી રહ્યા છે. આજે જે લોકો ખેડૂતોના નામ પર આંદોલન ચલાવવા નીકળ્યા છે, જ્યારે તેમને સરકાર ચલાવવાનો કે સરકારનો ભાગ બનવાનો અવસર મળ્યો હતો, તે વખતે આ લોકોએ શું કર્યું હતું, તે દેશે યાદ રાખવું જરૂરી છે. હું આજે દેશવાસીઓની સામે, દેશના ખેડૂતોની સામે, આ લોકોની ગુપ્ત વાત પણ દેશના લોકોની સામે, મારા ખેડૂત ભાઈઓ બહેનોની સામે આજે હું ખુલ્લી કરવા માંગુ છું, હું કહેવા માંગુ છું.

સાથીઓ,

ખેડૂતોની વાતો કરનાર લોકો આજે ખોટા આંસુ વહાવનારા લોકો કેટલા નિર્દયી છે તેની બહુ મોટી સાબિતી છે. સ્વામીનાથન કમિટીનો અહેવાલ. સ્વામીનાથન કમિટીનો અહેવાલ આવ્યો, પરંતુ આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણોને આઠ વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા. ખેડૂત આંદોલન કરતાં હતા, પ્રદર્શન કરતાં હતા પરંતુ આ લોકોના પેટનું પાણી નહોતું હલતું. આ લોકોએ એવું નક્કી કર્યું કે તેમની સરકારને ખેડૂતો ઉપર વધારે ખર્ચો ના કરવો પડે. એટલા માટે આ અહેવાલને જ દબાવી દો. તેમની માટે ખેડૂત એ દેશની શાન નથી, તેમણે પોતાની રાજનીતિ વધારવા માટે ખેડૂતોનો સમય સમય પર ઉપયોગ કર્યો છે. જ્યારે ખેડૂતો માટે સંવેદનશીલ, ખેડૂતો માટે સમર્પિત અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે ફાઇલોના ઢગલામા ફેંકી દેવામાં આવેલ સ્વામીનાથન કમિટીના અહેવાલને બહાર કાઢ્યો અને તેની ભલામણો લાગુ કરી, ખેડૂતોને મૂળ ખર્ચ કરતાં દોઢ ગણી એમએસપી અમે આપી.

સાથીઓ,

આપણાં દેશમાં ખેડૂતોની સાથે થયેલ છેતરપિંડીનું એક બહુ મોટું ઉદાહરણ છે કોંગ્રેસ સરકારો દ્વારા કરવામાં આવેલ દેવા માફી. જ્યારે બે વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં ચૂંટણીઓ થવાની હતી તો દેવા માફીના વાયદા કરવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સરકાર બનવાના 10 દિવસની અંદર બધા જ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. કેટલા ખેડૂતોના દેવા માફ થયા, સરકાર બન્યા પછી કયા કયા બહાના બતાવવામાં આવ્યા, તે મધ્ય પ્રદેશના ખેડૂતો મારા કરતાં વધુ સારી રીતે જાણે છે. રાજસ્થાનના લાખો ખેડૂતો પણ આજ સુધી દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને આટલો મોટો દગો દેનારાઓને જ્યારે હું ખેડૂત હિતની વાત કરતાં જોઉ છું તો મને બહુ આશ્ચર્ય થાય છે કે કેવા લોકો છે આ, શું રાજનીતિ આટલી હદ સુધી જઈ શકે છે. શું કોઈ આટલી હદ સુધી છળ કપટ કઈ રીતે કરી શકે છે? અને તે પણ સાવ ભોળા ખેડૂતોના નામ પર! ખેડૂતોને હજી કેટલો દગો દેશે આ લોકો?

સાથીઓ,

દરેક ચૂંટણીની પહેલા આ લોકો દેવા માફીની વાતો કરે છે. અને દેવા માફી થાય છે કેટલી? બધા જ ખેડૂતો તેમાં આવરી લેવામાં આવે છે ખરા? જે નાનો ખેડૂત જેણે ક્યારેય બેંકનો દરવાજો નથી જોયો, જેણે ક્યારેય ધિરાણ લીધું નથી, તેના વિષે શું એક વાર પણ ક્યારેય વિચાર કર્યો છે આ લોકોએ? અને નવો જૂનો દરેક અનુભવ એવું જણાવે છે કે જેટલી જાહેરાતો આ લોકો કરે છે, તેટલી દેવા માફી ક્યારેય નથી કરતી. જેટલા પૈસા આ લોકો મોકલવાની વાત કરતા આવ્યા છે, એટલા પૈસા ખેડૂતો સુધી ક્યારેય પહોંચ્યા જ નથી. ખેડૂત વિચારતો હતો કે હવે તો બધુ દેવું માફ થઈ જશે. અને તેના બદલામાં તેને મળતી હતી, બેન્કોની નોટિસ અને ધરપકડના વોરંટ. અને આ દેવા માફીનો સૌથી મોટો લાભ કોને મળતો હતો? આ લોકોને નજીકનાઓને, સગા સંબંધીઓને. જો મારા મીડિયાના મિત્રો જો થોડું ફંફોસશે તો આ બધુ 8-10 વર્ષ પહેલાના તેમના અહેવાલમાં તેમને પૂરી રીતે રહસ્યો મળી જશે. આ જ તેમનું ચરિત્ર રહ્યું છે.

ખેડૂતોની રાજનીતિનો શ્વાસ ભરનારાઓએ ક્યારે આની માટે આંદોલન નથી કર્યા, પ્રદર્શન નથી કર્યા. કેટલાક મોટા ખેડૂતોના દેવા 10 વર્ષમાં એક વાર માફ થઈ ગયા, તેમની રાજનૈતિક રોટલીઓ શેકાઈ ગઈ, કામ પૂરું થઈ ગયું. પછી ગરીબ ખેડૂતને કોણ પૂછે છે? વૉટબેંકની રાજનીતિ કરનારા આ લોકોને દેશ હવે બહુ સારી રીતે જાણી ગયો છે, જોઈ રહ્યો છે. દેશ અમારી નીતિમાં ગંગાજળ અને માં નર્મદાના જળ જેવી પવિત્રતા પણ જોઈ રહ્યો છે. આ લોકોએ 10 વર્ષમાં એક વાર દેવા માફી કરીને લગભગ 50 હજાર કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. અમારી સરકારે જે પીએમ કિસાન સમ્માન યોજના શરૂ કરી છે તેમાં દર વર્ષે ખેડૂતોને લગભગ 75 હજાર કરોડ રૂપિયા મળશે. એટલે કે 10 વર્ષમાં લગભગ સાડા 7 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર! કોઈ લીકેજ નહિ, કોઈનું કઈં કમિશન નહિ. કપાત કલ્ચરનું નામોનિશાન નહિ.

સાથીઓ,

હવે હું દેશના ખેડૂતોને યાદ અપાવીશ યુરિયાની. યાદ કરો, 7-8 વર્ષ પહેલા યુરિયાનું શું થતું હતું, શું હાલત થતી હતી? આખી આખી રાત ખેડૂતોને યુરિયા માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, શું આ સાચું નથી? કેટલીય જગ્યાઓ પર, યુરિયા માટે ખેડૂતો ઉપર લાઠીચાર્જના સમાચારો સામાન્ય રીતે આવતા રહેતા હતા. યુરિયાની ભરપેટ કાળા બજારી થતી હતી. થતી હતી કે નહોતી થતી? ખેડૂતોના પાક, ખાતરના અભાવમાં બરબાદ થઈ જતો હતો પરંતુ આ લોકોને જરાય ફેર નહોતો પડતો. શું આ ખેડૂતો પર થયેલ ત્રાસ નહોતો, અત્યાચાર નહોતો? આજે મને એ જોઈને નવાઈ લાગે છે કે જે લોકોના કારણે આ પરિસ્થિતિઓ ઊભી થઈ, તેઓ આજે રાજનીતિના નામ પર ખેતી કરવા નીકળી પડ્યા છે.

સાથીઓ,

શું યુરિયાની તકલીફનું પહેલા કોઈ સમાધાન નહોતું? જો ખેડૂતોના દુખ દર્દ, તેમની તકલીફો પ્રત્યે જરા પણ સંવેદના હોત તો યુરિયાની તકલીફ આવત જ નહિ. અમે એવું તો શું કર્યું કે બધી તકલીફો જ ખતમ થઈ ગઈ છે? આજે યુરિયાના અભાવના સમાચારો નથી આવતા, યુરિયા માટે ખેડૂતોને ડંડા નથી ખાવા પડતાં. અમે ખેડૂતોની આ તકલીફોને દૂર કરવા માટે પૂરેપૂરી ઈમાનદારી સાથે કામ કર્યું છે. અમે કાળા બજારી રોકી, કડક પગલાં ભર્યા, ભ્રષ્ટાચાર પર લગામ લગાવી. અમે એ વાતની ખાતરી કરી કે યુરિયા ખેડૂતના ખેતરમાં જ જાય. આ લોકોના સમયમાં સબસિડી તો ખેડૂતના નામ પર ચડાવવામાં આવતી હતી પરંતુ તેનો લાભ કોઈ બીજું લઈ જતો હતો. અમે ભ્રષ્ટાચારની આ જુગલબંદીને પણ બંધ કરી નાંખી. અમે યુરિયાની સો ટકા નિમ કોટિંગ કરી. દેશના મોટા મોટા ખાતરના કારખાના કે જે ટેકનોલોજી જૂની થઈ ગઈ હોવાના નામ પર બંધ કરી દેવામાં આવ્યા હતા તેમને અમે ફરીથી ચાલુ કરાવી રહ્યા છીએ. આવતા કેટલાક વર્ષોમાં યુપીના ગોરખપુરમાં, બિહારના બરૌનીમાં, ઝારખંડના સીંદરીમાં, ઓડિશાના તાલચેરમાં, તેલંગાણાના રામાગુંદમમાં આધુનિક ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ શરૂ કરવામાં આવશે. 50-60 હજાર કરોડ રૂપિયા માત્ર આ કામમાં જ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ આધુનિક ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ, રોજગારના લાખો નવા અવસરો ઊભા કરશે, ભારતને યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. બીજા દેશો પાસેથી યુરિયા મંગાવવા માટે ભારતના જે હજારો કરોડ રૂપિયા ખર્ચ થાય છે તેને અમે ઓછા કરીશું.

સાથીઓ,

આ ખાતરના કારખાનાઓને શરૂ કરવાથી આ લોકોને પહેલા ક્યારેય કોઈએ નથી રોક્યા. કોઈએ ના નથી પાડી કે નવી ટેકનોલોજી તમે ના લગાવશો. પરંતુ આ નીતિ નથી, નીતિ હતી જ નહિ, ખેડૂતો પ્રત્યે નિષ્ઠા નહોતી. ખેડૂતોને જુઠ્ઠા વાયદા કરનારાઓ સત્તામાં આવતા રહે, ખોટા વાયદા કરતાં રહે, મલાઈ ખાતા રહે, આ જ આ લોકોનું કામ રહ્યું છે.

સાથીઓ,

જો જૂની સરકારોની ચિંતા હોત તો દેશમાં 100 ની આસપાસ મોટા સિંચાઇ પ્રોજેક્ટ દાયકાઓ સુધી લટકતા ના રહ્યા હોત. બંધ બનવાનો શરૂ થયો તો પચ્ચીસ વર્ષ સુધી બનતો જ રહ્યો. બંધ બની ગયો તો નહેરો ના બની. નહેરો બની ગઈ તો નહેરોને એકબીજા સાથે જોડવામાં ના આવી. અને તેમાં પણ સમય અને પૈસા, બંનેની બરાબર બરબાદી કરવામાં આવી. હવે અમારી સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીને આ સિંચાઇ પરિયોજનાઓને મિશન મોડમાં પૂરી કરવામાં લાગેલી છે. જેથી ખેડૂતના દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાની અમારી ઈચ્છા પૂરી થઈ જાય.

સાથીઓ,

ખેડૂતોની ઈનપુટ કોસ્ટ ઓછી થાય, મૂળ ખર્ચ ઘટી જાય, ખેતી પર થનારો ખર્ચો ઓછો થાય તેની માટે પણ સરકારે સતત પ્રયાસ કર્યા છે. ખેડૂતોને સોલર પંપ બહુ ઓછી કિંમત પર આપવા માટે આખા દેશમાં બહુ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આપણે આપણાં અન્નદાતાઓને ઉર્જાદાતા પણ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. તે સિવાય અમારી સરકાર અનાજ ઉત્પન્ન કરનારા ખેડૂતોની સાથે જ મધમાખી ઉછેર, પશુપાલન અને મત્સ્ય પાલનને પણ તેટલું જ પ્રોત્સાહન આપી રહ્યા છે. પહેલાંની સરકારના સમયમાં દેશમાં મધ ઉત્પાદન આશરે 76 હજાર મેટ્રિક ટન થતું હતું. હવે દેશમાં 1 લાખ 20 હજાર મેટ્રિક ટન કરતાં પણ વધુ મધનું ઉત્પાદન થઈ રહ્યું છે. દેશનો ખેડૂત જેટલું મધ પહેલાંની સરકારના સમયમાં નિકાસ કરતો હતો, આજે તેના કરતાં બમણું મધ નિકાસ કરી રહ્યો છે.

સાથીઓ,

નિષ્ણાતો કહે છે કે કૃષિમાં મત્સ્યપાલન એવું ક્ષેત્ર છે જેમાં ઓછા ખર્ચમાં સૌથી વધુ નફો થાય છે. મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર ભૂરી ક્રાંતિ યોજના ચલાવી રહી છે. કેટલાક સમય પહેલા જ 20 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે દેશમાં મત્સ્ય ઉત્પાદનના પાછળના બધા રેકોર્ડ તૂટી ચૂક્યા છે. હવે દેશ, આગામી ત્રણ ચાર વર્ષમાં મત્સ્ય નિકાસને એક લાખ કરોડ રૂપિયા કરતાં વધુ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

અમારી સરકારે જે કદમ ઉઠાવ્યા, અમારી રાજ્ય સરકારોએ જે કદમ ઉઠાવ્યા તે આજે દેખાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કેવી રીતે કિસાનોના હિત માટે કામ કરવામાં આવ્યા છે તે દેખાઈ રહ્યું છે. અહીંની સરકાર સંપૂર્ણપણે ખેડૂતો માટે સમર્પિત છે. જો હું, મધ્ય પ્રદેશ સરકારના તમામ કદમ ગણાવવા બેસીશ, તો કદાચ સમય ઓછો પડશે, પણ મેં કેટલાક ઉદાહરણો એટલા માટે આપ્યા છે કે તમે અમારી સરકારની નિયતને ઓળખી શકો. અમારો ટ્રેક રેકોર્ડ જોઈ શકો. અમારા પ્રમાણિક ઈરાદાને સમજી શકો અને તેના આધારે જ હું વિશ્વાસ સાથે જણાવું છું કે અમે તાજેતરમાં જે ખેત સુધારા કર્યા છે તેમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી. જૂઠાણાં માટે કોઈ જગા નથી. હું હવે તમને કૃષિ સુધારા પછી બોલવામાં આવી રહેલા સૌથી મોટા જૂઠ અંગે જણાવીશ. આ જૂઠને વારંવાર દોહરાવવામાં આવી રહ્યું છે અને જોરશોરથી કહેવામાં આવી રહ્યું છે, જ્યાં મોકો મળે ત્યાં લોકો બોલી રહ્યા છે. મોં- માથા વગરની વાતો કરવામાં આવી રહી છે. મેં અગાઉ તમને જણાવ્યું તે મુજબ સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવાનું કામ અમારી સરકારે જ કર્યું છે. જો અમારે ટેકાના લઘુતમ ભાવ દૂર કરવા હોત તો સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ શા માટે લાગુ કરત? તમે પણ રિપોર્ટ લાગુ કર્યો ન હતો, તો અમે પણ શા માટે કરત. અમે તમારા જેવું ના કર્યું અને રિપોર્ટ લાગુ કર્યો. બીજું એ કે અમારી સરકાર ટેકાના લઘુતમ ભાવ માટે એટલી ગંભીર છે કે દરેક વખતે વાવણી પહેલાં ટેકાના લઘુતમ ભાવ જાહેર કરી દેવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને પણ આસાની થાય છે અને તેમને અગાઉથી જ ખ્યાલ આવી જાય છે કે આ વખતે કયા પાક ઉપર ટેકાના કેટલા લઘુતમ ભાવ લાગુ પડશે. આ પાક ઉપર આટલા લઘુતમ ટેકાના ભાવ મળશે તેની જાણ થતાં જ ખેડૂતોએ તેમાં થોડો ફેરફાર કરવો હોય કરી શકે છે અને તેમને સુવિધા મળી રહે છે.

સાથીઓ,

આ કાયદા લાગુ કર્યાને 6 મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયો છે. કાયદો લાગુ થયા પછી પણ તેવી જ રીતે લઘુતમ ટેકાના ભાવની ઘોષણા કરવામાં આવી છે, જે રીતે અગાઉ કરવામાં આવતી હતી. કોરોના મહામારી સાથેની લડત દરમ્યાન પણ આ કામ અગાઉની જેમ જ કરવામાં આવ્યું હતું. લઘુતમ ટેકાના ભાવ ઉપર એ જ મંડીઓમાં ખરીદી થઈ હતી, જે રીતે કાયદા લાગુ કર્યા તે પહેલાં થતી હતી. જુઓ, કાયદો લાગુ કર્યા પછી પણ લઘુતમ ટેકાના ભાવની જાહેરાત થઈ અને એ ભાવથી ખરીદી પણ થઈ અને એ જ મંડીઓમાંથી ખરીદી થઈ. શું તો કોઈ સમજદાર વ્યક્તિ એવી વાત સ્વીકારશે કે લઘુતમ ટેકાના ભાવ બંધ થઈ જશે ? અને એટલા માટે જ હું કહું છું કે આનાથી મોટુ કોઈ જૂઠ હોઈ શકે નહીં, આનાથી મોટું કોઈ ષડયંત્ર હોઈ શકે નહીં અને એટલા માટે જ હું દેશના દરેક ખેડૂતને વિશ્વાસ આપવા માંગુ છું કે અગાઉ જે રીતે લઘુતમ ટેકાના ભાવ આપવામાં આવતા હતા તે જ રીતે આપવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવ બંધ થશે નહીં, કે સમાપ્ત થશે નહીં.

સાથીઓ,

હવે હું જે આંકડા આપી રહ્યો છું તેનાથી દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અગાઉની સરકારના સમયમાં ઘઉં ઉપર ક્વિન્ટલ દીઠ લઘુતમ ટેકાના ભાવ રૂ.1400 આપવામાં આવતા હતા. અમારી સરકાર ઘઉં ઉપર ટેકાના ભાવ રૂ.1975 આપી રહી છે. અગાઉની સરકારના સમયમાં ડાંગર ઉપર ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.1310 હતા જ્યારે અમારી ક્વિન્ટલ દીઠ ડાંગર ઉપર આશરે રૂ.1870નો ભાવ આપી રહી છે. અગાઉની સરકારમાં જુવાર ઉપર લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.1520 હતા, અમારી સરકાર જુવાર ઉપર લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.2640 આપી રહી છે. પાછલી સરકારના સમયમાં મસૂરની દાળ ઉપર લઘુતમ ટેકાના ભાવ રૂ.2950 હતા. અમારી સરકાર મસૂરની દાળ ઉપર ક્વિન્ટલ દીઠ રૂ.5100 લઘુતમ ટેકાના ભાવ આપી રહી છે. પાછલી સરકારના સમયમાં ચણા ઉપર લઘુતમ ટેકાના ભાવ રૂ.3100 હતા, અમારી સરકાર ચણાના ભાવમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ ટેકાના ભાવ રૂ.5100 આપી રહી છે. પાછલી સરકારના સમયમાં તુવેર દાળ ઉપર ક્વિન્ટલ દીઠ રૂ.4300ના ભાવ મળતા હતા, જ્યારે અમારી સરકાર તુવર દાળ ઉપર ક્વિન્ટલ દીઠ રૂ.6000 લઘુતમ ટેકાના ભાવ આપી રહી છે. પાછલી સરકારના સમયમા મગની દાળ ઉપર લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.4500 હતા, જ્યારે અમારી સરકાર મગની દાળ ઉપર આશરે ક્વિન્ટલ દીઠ રૂ.7200 લઘુતમ ટેકાના ભાવ આપી રહી છે.

સાથીઓ,

આ એ બાબતનો પૂરાવો છે કે અમારી સરકાર લઘુતમ ટેકાના ભાવ સમયે સમયે વધારવા ઉપર કેટલો ભાર મૂકી રહી છે, કેટલી ગંભીરતા દાખવી રહી છે. લઘુતમ ટેકાના ભાવ વધારવાની સાથે સાથે સરકારે એ બાબત ઉપર પણ ભાર મૂક્યો છે કે વધુમાં વધુ અનાજની ખરીદી લઘુતમ ટેકાના ભાવે થાય. અગાઉની સરકારે પોતાના 5 વર્ષમાં ખેડૂતોનું આશરે 1700 લાખ મેટ્રિક ટન અનાજ ખરીદ્યું હતું, જ્યારે અમારી સરકારે પાંચ વર્ષમાં 3,000 લાખ ટન અનાજ ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ખરીદ્યું છે. અગાઉની સરકારે પાંચ વર્ષમાં લગભર પોણા ચાર લાખ મેટ્રિક ટન તેલિબીયાની ખરીદી કરી હતી. અમારી સરકારે પાંચ વર્ષમાં 56 લાખ મેટ્રિક ટનની ખરીદી લઘુતમ ટેકાના ભાવે કરી છે. હવે વિચાર કરો, ક્યાં પોણા ચાર લાખ અને ક્યાં 56 લાખ !!! આનો અર્થ એ કે અમારી સરકારે માત્ર લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે એટલું જ નહીં, પણ અગાઉ કરતાં ખેડૂતો પાસેથી તેમની વધુ ઉપજ લઘુતમ ટેકાના ભાવે ખરીદી છે. આનો સૌથી મોટો લાભ એ થયો કે ખેડૂતોના ખાતામાં અગાઉની સરખામણીમાં વધુ પૈસા પહોંચ્યા છે. અગાઉની સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોને ડાંગર અને ઘઉં ટેકાના ભાવે ખરીદવાને કારણે 3 લાખ 74 હજાર કરોડ રૂપિયા જ મળ્યા હતા. અમારી સરકારે એટલા જ વર્ષમાં ઘઉં અને ડાંગરની ખરીદી કરીને ખેડૂતોને 8 લાખ કરોડ કરતાં વધુ રકમ આપી છે.

સાથીઓ,

રાજનીતિ માટે ખેડૂતોનો ઉપયોગ કરનારા લોકોએ, ખેડૂતો સાથે કેવું વર્તન કર્યું છે તેનું આ એક ઉદાહરણ છે. વધુ એક ઉદાહરણ કઠોળની ખેતીનું છે. વર્ષ 2014નો સમય યાદ કરો, દેશમાં દાળ માટે કેવું સંકટ ઉભુ થયું હતું. દેશમાં મચેલા હાહાકારની વચ્ચે દાળ વિદેશથી મંગાવવામાં આવી હતી. દરેક રસોઈનો ખર્ચ દાળની વધતી જતી કિંમતો સાથે વધતો ચાલ્યો હતો, પરંતુ દુનિયાના જે દેશમાં દાળનો સૌથી વધુ વપરાશ છે તે દેશમાં દાળ ઉત્પન કરનાર ખેડૂતોને તબાહ કરવામાં આ લોકોએ કોઈ કસર છોડી ન હતી. ખેડૂત પરેશાન હતો અને એ લોકો મોજ કરી રહ્યા હતા કે જે લોકોને બીજા દેશમાંથી દાળ મંગાવવાના કામમાં મજા આવતી હતી. એ બાબત હું પણ માનું છું કે ક્યારેક કુદરતી આફતને કારણે અચાનક કોઈ સંકટ આવી જાય તો વિદેશથી દાળ મંગાવવી પડે છે. દેશના નાગરિકોને ભૂખ્યા રાખી શકાતા નથી, પરંતુ હંમેશા આવું શા માટે બને છે.

સાથીઓ,

આ લોકો દાળ ઉપર વધુ ટેકાના ભાવ આપતા ન હતા અને તેની ખરીદી પણ કરતા ન હતા. હાલત એવી હતી કે વર્ષ 2014ની પહેલાંના પાંચ વર્ષમાં તેમણે માત્ર દોઢ લાખ મેટ્રિક ટન દાળ જ ખેડૂતો પાસેથી ખરીદી હતી. આ આંકડા યાદ રાખજો. માત્ર દોઢ લાખ મેટ્રિક ટન દાળ. હવે જ્યાર વર્ષ 2014માં અમારી સરકાર આવી તો અમે નીતિ બદલી નાંખી અને મોટા નિર્ણયો લીધા. અમે ખેડૂતોને દાળની ખેતી માટે પણ પ્રોત્સાહિત કર્યા.

ભાઈઓ અને બહેનો,

અમારી સરકારે ખેડૂતોને અગાઉની તુલનામાં 112 લાખ મેટ્રિક ટન દાળ લઘુતમ ટેકાના ભાવે ખરીદી. વિચાર કરો, દોઢ લાખ ટન, તેમના જમાનામાંથી આપણે ક્યાં સુધી આવી ગયા છીએ. 112 લાખ મેટ્રિક ટન. એ લોકોના જમાનામાં પાંચ વર્ષમાં દાળનું ઉત્પાદન કરનારા ખેડૂતોને કેટલા રૂપિયા આપ્યા, સાડા છસો કરોડ રૂપિયા આપ્યા. અમારી સરકારે શું કર્યું, અમે લગભગ 50 કરોડ રૂપિયા દાળનું ઉત્પાદન કરનારા ખેડૂતોને આપ્યા. દાળની ખેતી કરનારા ખેડૂતોને હાલમાં વધુ પૈસા મળી રહ્યા છે. દાળની કિંમત પણ ઓછી થઈ છે અને તેનાથી ગરીબોને સીધો ફાયદો થયો છે. જે લોકો ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ આપી શક્યા ન હતા, જે લોકો સારી રીતે લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરી શકતા ન હતા તે લોકો ખેડૂતોના ગેરમાર્ગે દોરી રહ્યા છે.

સાથીઓ,

કૃષિ સુધારા સાથે જોડાયેલ એક વધુ જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે એપીએમસી એટલે કે આપણી મંડીઓને લઈને. અમે કાયદામાં શું કર્યું છે ? અમે કાયદામાં ખેડૂતોને સ્વતંત્રતા આપી છે, નવો વિકલ્પ આપ્યો છે. જો દેશમાં કોઈને સાબુ વેચવા હોય તો, સરકાર નક્કી નથી કરતી કે ફક્ત આ જ દુકાનને સાબુ વેચી શકો છો. જો કોઈએ સ્કૂટર વેચવું હોય તો સરકાર એ નક્કી નથી કરતી કે ફક્ત આ જ ડીલરને વેચી શકો છો. પરંતુ પાછલા 70 વર્ષથી સરકાર ખેડૂતોને એ જરૂર બતાવતી રહી છે કે તમે ફક્ત આ જ મંડીમાં તમારૂ અનાજ વેચી શકો છો. મંડી સિવાય ખેડૂત ઈચ્છે તો પણ પોતાનો પાક બીજે ક્યાંય વેચી શકતો ન હતો. નવા કાયદામાં અમે ફક્ત એટલું જ જણાવ્યું છે કે ખેડૂતને જો તેનો ફાયદો દેખાઈ રહ્યો હોય તો પહેલાંની જેમ મંડીમાં વેચી શકે અને જો તેની બહાર તેને ફાયદો જણાઈ રહ્યો હોય તે તે મંડીની બહાર વેચવા જવાનો તેને હક્ક મળવો જોઈએ. લોકશાહી ખેડૂત ભાઈઓને તેમની મરજી મુજબ કરવાનો એટલો પણ હક્ક નથી આપી શકતી.

હવે ખેડૂતને જ્યાં ફાયદો થશે ત્યાં તે પોતાની ઉપજ વેચી શકશે. મંડી પણ ચાલુ છે, મંડીની બહાર જઈને પણ વેચી શકે છે, અને પહેલા હતું તે પણ કરી શકે છે. ખેડૂત તેની મરજી મુજબ કરી શકશે. નવા કાયદા પછી ખેડૂતે પોતાનો ફાયદો જોઈને પોતાની ઉપજ વેચવાની પણ શરૂ કરી દીધી છે. હમણાં એક જગાએ અનાજ પેદા કરવાવાળા ખેડૂતોએ સાથે મળીને ચોખાની એક કંપની સાથે કરાર કર્યો છે. જેના કારણે તેમની આવક 20 ટકા વધી છે. અન્ય એક જગાએ બટાકાના એક હજાર ખેડૂતોએ સાથે મળીને કંપની સાથે કરાર કર્યો છે. આ કંપનીએ તેમને પડતર કરતાં 35 ટકા વધુ ભાવની ગેરંટી આપી છે. વધુ એક જગાના સમાચાર હું વાંચી રહ્યો હતું કે જ્યાં એક ખેડૂતે ખેતરમાં વાવેલા મરચાં અને કેળાને બજારમાં સીધા વેચ્યા તો તેને અગાઉ કરતાં બમણી કિંમત મળી હતી. હવે તમે જ મને કહો કે દેશના દરેક ખેડૂતને આ લાભ, આ હક્ક મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ ? ખેડૂતોને માત્ર મંડીઓ સાથે બાંધી રાખીને વિતેલા દાયકાઓમાં જે પાપ કરવામાં આવ્યું છે તેનું આ ખેત સુધારા કાયદા દ્વારા પશ્ચાતાપ કરી રહ્યા છીએ. અને હું ફરીવાર એ વાતનું પુનરાવર્તન કરૂં છું કે નવા કાયદા આવ્યા પછી 6 માસનો સમય વિતી ગયો છે. કાયદો લાગુ થઈ ગયો, ભારતના કોઈ પણ ખૂણે, કોઈ પણ જગાએ એક પણ મંડી બંધ થઈ નથી. તો પછી, આ કાયદા અંગે શા માટે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યુ છે ? સાચી વાત તો એ છે કે અમારી સરકારે ખેત બજાર સમિતિઓને આધુનિક બનાવવામાં અને તેનું કોમ્પ્યુટરીકણ કરવા માટે રૂ.500 કરોડ કરતાં વધુનો ખર્ચ કર્યો છે. અમારી સરકાર વધુને વધુ ખર્ચ કરી રહી છે. તો પછી, ખેત બજાર સમિતિઓ બંધ કરવાની વાત ક્યાંથી આવી ? મોં- માથા વગરના જુઠાણાં ફેલાવવા અને વારંવાર તેનું પુનરાવર્તન કરતાં રહો.

સાથીઓ,

નવા ખેત સુધારા બાબતે ત્રીજું એક મોટું જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે અને તે છે ખેતી અંગેના કરાર બાબતે છે. દેશમાં ખેત કરાર કોઈ નવી બાબત નથી. શું અમે કોઈ નવો કાયદો બનાવીને અચાનક ખેત કરાર લાગુ કરી દીધો છે ? જી નહીં. આપણાં દેશમાં વર્ષોથી ખેત કરારની વ્યવસ્થા ચાલી આવતી રહી છે. એક, બે નહીં પણ અનેક રાજ્યોમાં અગાઉ પણ ખેત કરાર થતા રહ્યા છે. હમણાં મને કોઈએ એક અખબારનો અહેવાલ મોકલ્યો હતો અને 8 માર્ચ, 2019નો તે અહેવાલ હતો. તેમાં પંજાબની કોંગ્રેસ સરકાર ખેડૂતો અને એક બહુરાષ્ટ્રીય કંપની વચ્ચે રૂ.800 કરોડના ખેત કરારનો ઉત્સવ મનાવી રહી છે, તેનું સ્વાગત કરી રહી છે. પંજાબના મારા ખેડૂત ભાઈ- બહેનોની ખેતીમાં વધુને વધુ રોકાણ થાય તે અમારી સરકાર માટે આનંદની વાત છે.

સાથીઓ,

દેશમાં ખેત કરાર સાથે જોડાયેલ અગાઉની પધ્ધતિઓ અત્યારે પણ ચાલુ જ છે. તેમાં ખેડૂતોને મોટું જોખમ હતું, નવા કાયદામાં અમારી સરકારે ખેત કરાર દરમ્યાન ખેડૂતને સુરક્ષા આપવા માટે કાનૂની જોગવાઈઓ પણ કરી છે. અમે નક્કી કર્યું હતું કે ખેત કરારમાં સૌથી મોટું હિત જોવામાં આવે તો તેમાં કિસાનનું હિત જોવા મળતું હતું. અમે કાયદો બનાવ્યો છે કે ખેડૂત સાથે કરાર કરનારા લોકો પોતાની જવાબદારીમાંથી ભાગી શકશે નહીં. તેમણે ખેડૂતને જે વાયદો કર્યો હશે, તે સ્પોન્સર કરનારે, તે ભાગીદારે તે વાયદાને પૂરો કરવો જ પડશે. જો નવો કાયદો લાગુ કર્યા પછી પણ અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતે પોતાના વિસ્તારના એસડીએમને ફરિયાદ કરી હોય અને ફરિયાદ કર્યાના થોડાંક દિવસોમાં જ ખેડૂતને બાકી રકમ મળી ગઈ હોય તેવું બન્યું છે.

સાથીઓ,

ખેત કરારમાં માત્ર પાક અથવા ઉપજ અંગે જ સમજૂતિ થાય છે. જમીન ખેડૂતની પાસે જ રહે છે. કરાર અને જમીનને કોઈ લેવા- દેવા છે જ નહીં. કુદરતી આફત આવી પડે તો પણ ખેડૂતોને કરાર અનુસાર પૂરા પૈસા મળી જાય છે. નવા કાયદા મુજબ જો અચાનક કોઈ કરાર કરવામાં આવ્યો હોય અને ભાગીદાર જે મૂડી રોકી રહ્યો હોય અને તેના કારણે અચાનક જો નફો વધી જાય તો તે કાયદામાં એવી જોગવાઈ છે કે વધેલો જે નફો હોય તેમાંથી પણ ખેડૂતને કેટલોક હિસ્સો આપવો પડશે.

સાથીઓ,

કરાર કરવો કે ના કરવો તે કોઈ ફરજીયાત વાત નથી. ખેડૂતની મરજી હોય તો જ કરશે, ઈચ્છા નહીં હોય તો નહીં કરે, પરંતુ ખેડૂતની સાથે જો કોઈ બેઈમાની કરીને ખેડૂતના ભોળપણનો ફાયદો ઉઠાવી ના જાય તેના માટે પણ કાયદાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા કાયદામાં જે સખ્તાઈ બતાવવામાં આવી છે તે સ્પોન્સર કરનાર માટે છે, ખેડૂત માટે નથી. સ્પોન્સર કરનારને કરાર રદ કરવાનો કોઈ અધિકાર નથી. જો તે કરાર રદ કરશે તો તેણે ખેડૂતને ભારે દંડ ચૂકવવો પડશે. અને જો આ કરાર ખેડૂત રદ કરવા માંગે તો કોઈપણ સમયે દંડ વગર ખેડૂત પોતાનો નિર્ણય લઈ શકે છે. રાજ્ય સરકારોને મારૂં એ સૂચન છે કે સરળ ભાષામાં, સરળ પધ્ધતિથી સમજાઈ શકે તેવો ખેત કરાર બનાવીને તેનો નમૂનો ખેડૂતોને આપી રાખવો જોઈએ કે જેથી કોઈ ખેડૂત સાથે છેતરપિંડી કરી શકે નહીં.

સાથીઓ,

મને આ વાતનો આનંદ છે કે સમગ્ર દેશના ખેડૂતોએ નવા ખેત સુધારાને માત્ર સ્વીકારી લીધા છે એવું જ નહીં, પરંતુ જે લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે તેમને પણ તદ્દન નકારી રહ્યા છે. જે ખેડૂતોમાં હજુ પણ થોડી આશંકા હોય તો હું ફરીથી કહીશ કે તમે બધાં ફરી એક વખત વિચાર કરો કે જે થયું જ નથી અને જે થવાનું પણ નથી તેનો ભ્રમ અને ડર ફેલાવનારી જમાતથી તમારે સતર્ક રહેવાનું છે. મારા ખેડૂત ભાઈઓ અને બહેનો આવા લોકોને ઓળખે. આ લોકોએ હંમેશા ખેડૂતો સાથે દગો કર્યો છે, દગો કર્યો છે અને તેમનો ઉપયોગ પણ કર્યો છે. અને આજે પણ એ જ કામ કરી રહ્યા છે. મારી આ વાતો પછી પણ, સરકારના આ પ્રયાસો પછી પણ જો કોઈને કોઈ આશંકા હોય તો અમે મસ્તક ઝૂકાવીને ખેડૂત ભાઈઓ સામે હાથ જોડીને ખૂબ જ નમ્રતા સાથે ખેડૂતોના હિતમાં તેમની ચિંતાનું નિરાકરણ કરવા માટે દરેક મુદ્દા અંગે વાત કરવા તૈયાર છીએ. દેશનો ખેડૂત, દેશના ખેડૂતોનું હિત અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંનું એક છે.

સાથીઓ,

આજે મેં ઘણી બાબતો પર વિગતે વાત કરી છે. ઘણી બાબતો અંગે દેશ સામે સાચી વાત મૂકી છે. હજુ હમણાં જ 25 ડિસેમ્બરના રોજ શ્રધ્ધેય અટલજીની જન્મ જયંતિ પ્રસંગે ફરી એક વખત આ વિષય ઉપર સમગ્ર દેશના ખેડૂતો સાથે વિસ્તારથી વાત કરવાનો છું. તે દિવસે કિસાન સન્માન નિધિનો વધુ એક હપ્તો કરોડો ખેડૂતોના બેંકના ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરવામાં આવશે. ભારતનો ખેડૂત બદલાતા સમયની સાથે ચાલવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે મારા દેશનો ખેડૂત આગળ ધપી રહ્યો છે.

નવા સંકલ્પોની સાથે સાથે આપણે નવા માર્ગો પર ચાલીશું અને આ દેશ સફળ થશે. આ દેશના ખેડૂતો પણ સફળ થશે તેવા વિશ્વાસની સાથે હું ફરી એક વખત મધ્ય પ્રદેશ સરકારને અભિનંદન આપતાં, આજે મધ્ય પ્રદેશના લાખો લાખો ખેડૂતો સાથે મને પોતાની વાત કરવાની જે તક મળી છે તે માટે સૌનો આભાર વ્યક્ત કરતાં ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !