Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા (શહેરી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા (શહેરી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આપ સૌને નમસ્કાર.

વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદીની ગૅરંટીવાળી ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે. આ યાત્રા શરૂ થયાને એક મહિનો વીતી ગયો છે. આ એક મહિનામાં આ યાત્રા હજારો ગામડાંઓનીસાથે સાથે1500 શહેરોમાં પણ પહોંચી ચૂકી છે. આમાંનાં મોટાં ભાગનાં નાનાં શહેરો છે, નાના કસ્બા છે. અને મેં કહ્યું તેમ, આજથી આ યાત્રા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં પણ શરૂ થઈ ગઈ છે.ચૂંટણી આચારસંહિતાના કારણે આ રાજ્યોમાં અત્યાર સુધી આ યાત્રા શરૂ થઈ શકી ન હતી. હું દરેક રાજ્યની નવી સરકારોને વિનંતી કરું છું કે તેઓ તેમનાં રાજ્યોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઝડપથી વિસ્તારે.

સાથીઓ,

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ભલે મોદીએલીલી ઝંડી આપી હોય, પરંતુ સત્ય એ છે કે આજે દેશવાસીઓએ આ યાત્રાની કમાન સંભાળી લીધી છે. અને હમણાં હું જેમની સાથે હું વાત કરી રહ્યો હતો તે લાભાર્થીઓ સાથેની વાતચીત પરથી સ્પષ્ટ છે કે દેશની જનતા આ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એક જગ્યાએ જ્યાં યાત્રા સમાપ્ત થાય છે, ત્યાંથી અન્ય ગામો અથવા શહેરોના લોકો આ યાત્રાની આગેવાની લેવા માંડે છે.મને માહિતી મળી છે કે મોદીનીગૅરંટીવાળી ગાડીને આવકારવા માટે પણ એક મોટી સ્પર્ધા ચાલી રહી છે, હોડ મચેલી છે, લોકો નવી નવી રીતે તેનું સ્વાગત કરી રહ્યા છે. અને મેં જોયું છે કે આજકાલ યુવાનો સેલ્ફીનો ઘણો ઉપયોગ કરે છે, તેઓ ગાડી સાથે પોતાની સેલ્ફી પણ લે છે અને તેને અપલોડ પણ કરે છે. અને મોટી સંખ્યામાં લોકો એક રીતે વિકસિત ભારતના એમ્બેસેડર બની રહ્યા છે.નમો એપ ડાઉનલોડ કરીને તેમાં વિકસિત ભારતના એમ્બેસેડર બનવાની યોજના છે. દરેક તેની સાથે જોડાઈ રહ્યા છે. ગામ હોય કે શહેર, જે ક્વિઝ કોમ્પિટિશન ચાલે છે તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે, સવાલ-જવાબનો ખૂબ જ સારો કાર્યક્રમ છે, જેનાથી જ્ઞાનમાં પણ વધારો થાય છે અને માહિતી મળે છે. તેની પણ સ્પર્ધામાં લોકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાઓ દ્વારા, લોકો માત્ર ઇનામ જીતી રહ્યાં નથી પરંતુ નવી નવી માહિતીઓ મેળવી રહ્યા છે અને લોકોને પણ જણાવી રહ્યા છે.

સાથીઓ,

આ યાત્રાની શરૂઆત થઈ પછી, આ ચોથી વખત છે જ્યારે હું આ યાત્રામાં વર્ચ્યુઅલ રીતે જોડાઈ રહ્યો છું. અગાઉના કાર્યક્રમોમાં, મેં મોટે ભાગે ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય, કુદરતી ખેતીની ચર્ચા હોય, ગ્રામીણ અર્થતંત્રનાં જે વિવિધ પરિમાણો હોય છે તેના સંદર્ભમાં ચર્ચાઓ હોય. મેં ઘણા જુદા જુદા, નાના-મોટા વિષયો પર ચર્ચા કરી જે આપણાં ગામડાંઓને વિકસિત બનાવે છે.અને જ્યારે હું બધા સંવાદો કરતો હતો ત્યારે લોકો મને એટલું બારીકાઈથી વિગતવાર કહેતા હતા અને મને ખૂબ આનંદ થતો હતો કે આ સરકારી યોજનાઓ ગામડાંઓ સુધી, ગરીબોનાં ઘર સુધી પહોંચે છે. આજના આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. તેથી, આ વખતે મારું ધ્યાન શહેરી વિકાસને લગતી બાબતો પર હતું અને મેં સંવાદ પણ જેમની સાથે કર્યો એમાં પણ એ વાતો હતી.

મારા પરિવારજનો,

વિકસિત ભારતના સંકલ્પમાં આપણાં શહેરોની બહુ મોટી ભૂમિકા છે. આઝાદી પછી લાંબા સમય સુધી જે પણ વિકાસ થયો, તેનો વ્યાપ દેશનાં કેટલાંક મોટાં શહેરો સુધી સીમિત રહ્યો. પરંતુ આજે આપણે દેશનાં ટિયર-2, ટિયર-3 શહેરોના વિકાસ પર ભાર આપી રહ્યા છીએ. દેશનાં સેંકડો નાનાં શહેરો જ વિકસિત ભારતની ભવ્ય ઈમારતને મજબૂત કરવા જઈ રહ્યાં છે. તેથી, અમૃત મિશન હોય કે સ્માર્ટ સિટી મિશન, આ અંતર્ગત નાનાં શહેરોમાં પાયાની સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.પ્રયાસ એ જ સુનિશ્ચિત કરવાનો છે કે પાણી પુરવઠો હોય, ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા હોય, ટ્રાફિક વ્યવસ્થા હોય, શહેરોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક હોય, આ તમામને સતત અપગ્રેડ કરવામાં આવે. સ્વચ્છતા હોય, સાર્વજનિક શૌચાલય હોય, એલઈડીસ્ટ્રીટ લાઇટ હોય, આના પર પણ કામ આટલા મોટા પાયે શહેરોમાં પહેલીવાર કરવામાં આવ્યું છે. અને તેની સીધી અસર ઈઝ ઑફ લિવિંગ, ઈઝ ઑફ ટ્રાવેલ, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ પર પડી છે.ગરીબ હોય કે નવ-મધ્યમ વર્ગ, જેઓ હમણાં જ ગરીબીમાંથી બહાર આવ્યા છે, જાણે એક નવા મધ્યમવર્ગીય પરિવારનો જન્મ થઈ રહ્યો છે. મધ્યમ વર્ગ હોય કે સંપન્ન પરિવાર હોય, દરેકને આ વધતી સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.

મારા પરિવારજનો,

અમારી સરકાર પરિવારના સભ્યની જેમ તમારી બધી ચિંતાઓને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે જોયું હશે કે જ્યારે કોરોનાનું આટલું મોટું સંકટ આવ્યું ત્યારે સરકારે તમારી મદદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. અમારી સરકારે કોરોના સંકટ દરમિયાન 20 કરોડ મહિલાઓનાંબૅન્ક ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. એ અમારી જ સરકાર છે જેણે દરેક વ્યક્તિને મફત કોરોના રસી સુનિશ્ચિત કરી. એ અમારી જ સરકાર છે જેણે કોરોના સમયગાળા દરમિયાન દરેક ગરીબને મફત રાશનની યોજના શરૂ કરી. એ અમારી જ સરકાર છે જેણે કોરોના સમયગાળા દરમિયાન નાના ઉદ્યોગોને બચાવવા માટે લાખો કરોડ રૂપિયાની મદદ મોકલી. જ્યાં બીજા પાસેથી અપેક્ષાઓ પૂરી થાય છે, ત્યાંથી મોદીની ગૅરંટી શરૂ થાય છે.

આપણા તમામ સાથી, શેરી વિક્રેતાઓ, પાથરણાવાળા અને ફૂટપાથ કામદારો નિરાશ થઈ ગયા હતા. એમને લાગતું હતું કે ચાલ ભાઈ, આમ જ જીવો, કંઈ થવાનું નથી. તેમને પૂછનાર કોઈ ન હતું. આ સાથીઓને પહેલીવાર બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. આજે પીએમ સ્વનિધિ યોજના દ્વારા આ મિત્રોને બૅન્કોમાંથી સસ્તી અને સરળ લોન મળી રહી છે.દેશમાં આવા 50 લાખથી વધુ મિત્રોને બૅન્કો તરફથી મદદ મળી ચૂકી છે. આ યાત્રા દરમિયાન પણ 1.25 લાખ મિત્રોએ સ્થળ પર જ પીએમ સ્વનિધિ માટે અરજી કરી છે. પીએમ સ્વનિધિ યોજનાના 75 ટકાથી વધુ લાભાર્થીઓ દલિત, પછાત અને આદિવાસી સમુદાયના સાથી છે. આમાં પણ લગભગ 45 ટકા લાભાર્થીઓ આપણી બહેનો છે. એટલે કે જેમની પાસે બૅન્કમાં રાખવા માટે કોઈ ગૅરંટી ન હતી, મોદીની ગૅરંટી તેમને કામ આવી રહી છે.

સાથીઓ,

અમારી સરકાર શહેરમાં રહેતા લોકોની સામાજિક સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. અમારી સરકારે એ સુનિશ્ચિત કરવા માટે ગંભીરતાથી કામ કર્યું છે કે દરેક વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી પણ સુરક્ષા કવચ મળે. અત્યાર સુધીમાં દેશના 6 કરોડ લોકો અટલ પેન્શન યોજનામાં જોડાઈ ચૂક્યા છે. તેમાં 60 વર્ષની ઉંમર પછી 5,000 રૂપિયા સુધીનું નિયમિત પેન્શન સુનિશ્ચિત થઈ રહ્યું છે. શહેરમાં રહેતા ગરીબો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ મોટી આશા બની છે. આમાં, વીમાકર્તાએ વર્ષમાં એક વાર માત્ર 20 રૂપિયા, માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું હોય છે અને તેના બદલામાં તેને 2 લાખ રૂપિયાનું કવર મળે છે.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ શહેરી ગરીબોને વર્ષે માત્ર 436 રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં પણ તેમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. આ બે યોજનાઓ દ્વારા, અમારી સરકારે અત્યાર સુધીમાં લોકોને જેમના પરિવારમાં કોઈ સંકટ આવી ગયું, એવા પરિવારોને 17 હજાર કરોડ રૂપિયાતમે વિચારો, 17 હજાર કરોડ રૂપિયાની દાવાની આ પરિવારોને મળી ગઈ છે. સંકટના સમયમાં, જ્યારે આ પરિવારોએ કોઈ સ્વજન ગુમાવ્યું હોય અને આટલા રૂપિયા આવી જાય, તો તમે કલ્પના કરી શકો છો કે દિવસ કેવી રીતે પસાર થાય છે. આજે જ્યારે તમે અંદાજ લગાવી શકો છો કે 200-400 કરોડ રૂપિયાની યોજના પણ શરૂ થાય છે, ત્યારે કેટલાક રાજકીય પક્ષો બોલ્યા કરે છે, હેડલાઇન બનાવવામાં વ્યસ્ત રહે છે, સમાચાર બનાવી દે છે.17 હજાર કરોડ રૂપિયા ગરીબોનાં ઘર સુધી પહોંચી ગયા છે. ભારત સરકારની આ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. હું મારા તમામ સાથીઓને વિનંતી કરું છું કે તેઓ સરકારની આ પેન્શન અને વીમા યોજનાઓમાં જોડાઈને તેમનું સુરક્ષા કવચ જરૂરથી મજબૂત કરે. મોદીનીગૅરંટીવાળી ગાડી, તમને આમાં મદદ કરશે.

સાથીઓ,

આજે આવકવેરામાં છૂટ હોય કે સસ્તી સારવારની સુવિધા હોય, સરકારનો પ્રયાસ એ છે કે શહેરી પરિવારોના શક્ય તેટલા વધુ ને વધુ પૈસા બચે, તેમની બચત વધુ થાય. અત્યાર સુધી શહેરોના કરોડો ગરીબ લોકો આયુષ્માન ભારત યોજનામાં જોડાઈ ચૂક્યા છે. આયુષ્માન કાર્ડના કારણે ગરીબો 1 લાખ કરોડ રૂપિયા ખર્ચવાથી બચી ગયા છે.એક લાખ કરોડ રૂપિયા ડૉકટરો પાસે જતે કે દવાઓ પાછળ ગયા હોત, જે આજે ગરીબના ખિસ્સામાં રહ્યા છે, મધ્યમ વર્ગના ખિસ્સામાં રહ્યા છે. અમારી સરકારે જે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે, અને આજે જે લોકો મારી વાત સાંભળી રહ્યા છે તે સૌને હું કહું છું, જો તમારે દવા ખરીદવી હોય તો જન ઔષધિ કેન્દ્રમાંથી ખરીદો, 80% ડિસ્કાઉન્ટ છે, 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળી જાય છે. તમારા પૈસા બચશે.જો આ કેન્દ્રો શહેરોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જે જે લોકોએ જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદી છે જો એ જન ઔષધિ કેન્દ્રો ન હોત, તો તેમના 25 હજાર કરોડ રૂપિયા વધુ ગયા હોત. તેમના 25 હજાર કરોડ રૂપિયા બચી ગયા છે. હવે તો સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા પણ વધારીને 25 હજાર કરવા જઈ રહી છે.પાછલાં વર્ષોમાં, આપણે ઉજાલા યોજનાથી દેશમાં એલઈડીબલ્બની ક્રાંતિ જોઈ છે. જેના કારણે શહેરી પરિવારોના વીજ બિલોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

મારા પરિવારજનો,

અમારી સરકાર રોજગાર માટે ગામડાંઓથી શહેરોમાં આવતા ગરીબ ભાઈ-બહેનોની મુશ્કેલીઓ સમજે છે. તેમની સમસ્યા એ હતી કે તેમના ગામનું રેશનકાર્ડ અન્ય રાજ્યોનાં શહેરોમાં ચાલતું નહોતું. તેથી જ મોદીએ વન નેશન, વન રેશન કાર્ડ બનાવ્યું. હવે કોઈપણ પરિવાર, ગામ હોય કે શહેર એક જ રેશનકાર્ડ પર રાશન લઈ શકે છે.

મારા પરિવારજનો,

અમારી સરકારનો પ્રયાસ છે કે કોઈ પણ ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર ન થાય, બધા પાસે પાકી છત હોય,પાકું ઘર હોય. છેલ્લાં9 વર્ષમાં કેન્દ્ર સરકાર 4 કરોડથી વધુ, 4 કરોડ કરતાં વધારે ઘર બનાવી ચૂકી છે. તેમાંથી એક કરોડથી વધુ ઘર શહેરી ગરીબોને મળ્યાં છે. અમારી સરકાર મધ્યમ વર્ગના પરિવારોને પણ પોતાનું ઘરનું સપનું પૂરું કરવા માટે દરેક શક્ય મદદ કરી રહી છે.અત્યાર સુધીમાં લાખો મધ્યમ વર્ગના પરિવારોને ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના હેઠળ સહાય પૂરી પાડવામાં આવી ચૂકી છે. જેમની પાસે પોતાનું ઘર નથી તેમને વાજબી ભાડા પર સારું ઘર મળે, એની ચિંતા પણ સરકાર કરી રહી છે. સરકારે શહેરી પ્રવાસીઓ, મજૂરો અને અન્ય કામ કરતા સાથીઓને ભાડાંનાં ઘર માટે એક વિશેષ યોજના બનાવી છે. આ માટે ઘણાં શહેરોમાં ખાસ કૉમ્પ્લેક્સ પણ બનાવવામાં આવી રહ્યાં છે.

મારા પરિવારજનો,

શહેરોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે જાહેર પરિવહન એ બીજું મુખ્ય માધ્યમ હોય છે. છેલ્લાં10 વર્ષમાં આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે જે કામ થયું છે તે અજોડ છે. તમે કલ્પના કરી શકો છો કે 10 વર્ષથી પણ ઓછા સમયમાં, 15 નવાં શહેરો સુધી મેટ્રો સેવા વિસ્તરી છે.આજે એકંદરે 27 શહેરોમાં ક્યાં તો મેટ્રો કાર્યરત છે અથવા તો મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ગત વર્ષોમાં કેન્દ્ર સરકારે દેશનાં શહેરોમાં ઈલેક્ટ્રિક બસો ચલાવવા માટે પણ હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પીએમ- ઇ-બસ સેવા અભિયાનઆ અંતર્ગત ઘણાં શહેરોમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવી રહી છે. બે-ત્રણ દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે દિલ્હીમાં પણ 500 નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરી છે.હવે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઇલેક્ટ્રિક બસોની સંખ્યા 1300ને પાર કરી ગઈ છે.

મારા પરિવારજનો,

આપણાં શહેરો- આપણી યુવા શક્તિ અને નારી શક્તિ બંનેને સશક્ત કરવા માટેનું બહુ મોટું માધ્યમ છે. મોદીનીગૅરંટીવાળી ગાડી યુવા શક્તિ અને નારીશક્તિ બંનેને સશક્ત કરી રહી છે. તમે બધા આનો મહત્તમ લાભ ઉઠાવો અને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારો. ફરી એકવાર હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું.વધુને વધુ લોકોને આ યાત્રાનો લાભ મળે, વધુ લોકો જોડાય, યાત્રા આવે તે પહેલાં આખા ગામમાં એક વાતાવરણ ઊભું થાય, શહેરના વિવિધ વિસ્તારોમાં એક વાતાવરણ બને અને જેમને અત્યાર સુધી સરકારોનો લાભ મળ્યો છે તેમને ત્યાં ચોક્કસ જ લાવો જેથી બાકીના લોકોમાં વિશ્વાસ આવે કે જેમને હજી લાભ નથી મળ્યો રહી ગયા છે, એ મોદીની ગૅરંટી છે ભવિષ્યમાં મળશે. તેથી, એમને જેટલા વધુ લાવીશું, જેટલી જાણકારી મળશે અને આપણે કંઇ પણ કહીએ જેને મળ્યું છે એ જ્યારે બોલે છે ને ત્યારે બીજાનો ભરોસો વધી જાય છે. અને તેથી જ મારો તમને આગ્રહ છે, જે જે લોકોને, કોઇને ગેસ કનેક્શન મળ્યું હશે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું હશે, કોઈને નળનાં પાણીનું કનેક્શન મળ્યું હશે, કોઈને ઘર મળ્યું હશે, કોઈને આયુષ્માન કાર્ડ મળ્યું હશે, કોઇને મુદ્રા યોજના મળી હશે, કોઈને સ્વનિધિ મળી હશે, કોઈને બૅન્કમાંથી પૈસા મળ્યા હશે, કોઈને વીમાના પૈસા મળ્યા હશે.ઘણા બધા લાભ છે, જ્યારે તેને ખબર પડશે કે કે અમારાં ગામમાં આને મળ્યું છે, તો ચાલો હું પણ રજિસ્ટર કરાવી દઉં. અને જેમને મળ્યું છે તેમણે વધારે આવવું જોઈએ, તેમણે આવીને કહેવું જોઈએ કે જુઓ ભાઈ, આ યોજના છે મોદીની, તેનો લાભ લો.

મારે તો ગામડાંથી લઈને ગરીબ વ્યક્તિ સુધી અને શહેરની ઝૂંપડપટ્ટી સુધી સરકારના તમામ લાભો પહોંચાડવા છે અને કોઈપણ મુશ્કેલી વિના પહોંચાડવા છે. અને એટલે જ આ ગાડી નીકળી પડી છે આ મોદીની ગૅરંટીવાળી ગાડી છે ને તે આપના માટે છે. તો તમે વધુમાં વધુ જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવો. અને દેશમાં 2047માં જ્યારે ભારતની આઝાદીનાં 100 વર્ષ થશે, ત્યારે આ દેશ વિકસિત બનીને રહેશે, એ મિજાજ પેદા કરવાનો છે. આપણે બધું જ સારું કરીશું અને દેશને બહેતર બનાવીશું. આ વિચાર સાથે આપણે આગળ વધવાનું છે. અને આ વાતાવરણ બનાવવામાં આ યાત્રા, આ ગાડી, આ સંકલ્પ ખૂબ જ કામ લાગવાનો છે. હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

આભાર!

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com