Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડોદરામાં એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટના ખાતમૂહૂર્ત સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વડોદરામાં એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટના ખાતમૂહૂર્ત સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રીમાન જ્યોતિરાદિત્ય સિંધિયાજી, ટાટા સન્સના ચેરમેન, એરબસ ઇન્ટરનેશનલના ચીફ કમર્શિયલ ઓફિસર, ડિફેન્સ અને એવિયેશન ક્ષેત્રના ઉદ્યોગોની સાથે સંકળાયેલા તમામ સાથીઓ, દેવીઓ તથા સજ્જનો. નમસ્કાર.

આપણે ત્યાં ગુજરાતમાં તો દિવાળી છેક દેવ દિવાળી સુધી ચાલે છે અને દિવાળીના આ પર્વ દરમિયાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અમૂલ્ય ભેટ મળી છે. ગુજરાત માટે આ નવું વર્ષ છે અને હું પણ  આ નવા વર્ષમાં આજે પહેલી વાર ગુજરાત આવ્યો છું. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજે ભારતને દુનિયાનો મોટા મેન્યુફેક્ટરિંગ હબ બનાવવાની દિશામાં આપણે એક મોટું ડગલું ભરી રહ્યા છીએ. ભારત  આજે પોતાનું  ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. ભારત આજે પોતાની ટેન્ક બનાવી રહ્યું છે. પોતાની સબમરીન બનાવી રહ્યું છે. અને માત્ર આટલું જ નહીં ભારતમાં બનેલી દવાઓ તથા વેક્સિન પણ આજે દુનિયામાં લાખો લોકોના જીવન બચાવી રહી છે. ભારતમાં બનેલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ભારતમાં બનેલા મોબાઇલ ફોન, ભારતમાં બનેલી મોટરકાર, આજે કેટલાય દેશોમાં છવાઈ ગઈ છે. મેઇક ઇન ઇન્ડિયા, મેઇક ફોર ધ ગ્લોબ આ મંત્ર પર આગળ ધપી રહેલું ભારત આજે પોતાના સામર્થ્યને ઓર આગળ વધારી રહ્યું છે. હવે ભારત, ટ્રાન્સપોર્ટ પ્લેન્સનું પણ મોટું નિર્માતા બનશે. આજે ભારતમાં તેની શરૂઆત થઈ રહી છે. અને હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે દુનિયામાં મોટા પેસેન્જર વિમાન ભારતમાં જ બનશે અને તેની ઉપર પણ લખ્યું હશે મેઇક ઇન ઇન્ડિયા.

સાથીઓ,
આજે વડોદરામાં જે સવલતનું શિલાન્યાસ થયું છે તે દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રને ટ્રાન્સફોર્મ કરવાની તાકાત ધરાવે છે. આ પહેલી વાર છે કે ભારતમાં ડિફેન્સ એરોસ્પેસ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ થઈ રહ્યું છે. અહીં બનાવવામાં આવનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણા લશ્કરને પણ તાકાત આપશે જ તેની સાથે સાથે એકક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે એક નવી ઇકોસિસ્ટમનો પણ વિકાસ થશે. શિક્ષણ તથા સંસ્કૃતિના કેન્દ્રના રૂપમાં પ્રતિષ્ઠિત આ આપણું વડોદરા હવે એવિયેશન સેક્ટરના હબ તરીકે એક નવી ઓળખ બનાવીને વિશ્વ સમક્ષ ગૌરવથી માથું ઉંચુ કરશે. આમ તો ભારત પહેલેથી જ ઘણા દેશમાં વિમાનના નાના મોટા સ્પેરપાર્ટ્સની નિકાસ કરતું હતું પરંતુ હવે દેશમાં પહેલી વાર મિલિટરી ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ બનવાનું છે. હું તેના માટે ટાટા ગ્રૂપને તથા એકબસ ડિફેન્સ કંપનીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ સાથે ભારતની 100થી વધારે એમએસએમઈ જોડાશે. ભવિષ્યમાં અહીં દુનિયાના અન્ય દેશો માટે એક્સપોર્ટના ઓર્ડર પણ લઈ શકાશે. એટલે કે મેઇક ઇન ઇન્ડિયા મેઇક ફોર ધ ગ્લોબનો સંકલ્પ પણ આ ધરતીથી વધારે મજબૂત બનનાર છે.

સાથીઓ,
આજે ભારતમાં દુનિયાનું ઝડપથી વિકસી રહેલું એવિયેશન સેક્ટર છે. એર ટ્રાફિકના મામલામાં આપણે દુનિયાના મોખરાના ત્રણ દેશમાં પહોંચનારા છીએ. આગામા ચારથી પાંચ વર્ષમાં કરોડો નવા પ્રવાસીઓ હવાઈ સફરના પ્રવાસી બનવાના છે. ઉડાન યોજનાથી પણ તેમાં ઘણી મદદ મળી રહી છે. એક અંદાજ છે કે આવનારા 10થી 15 વર્ષમાં ભારતને લગભગ લગભગ 2000થી વધારે પેસેન્જર તથા કાર્ગો એરક્રાફ્ટની જરૂર પડશે. એકલા ભારતમાં 2000 એરક્રાફ્ટની જરૂર હોવી તે એ દર્શાવે છે કે વિકાસ કેટલી ઝડપથી થનારો છે. આ મોટી ડિમાન્ડને પૂરી કરવા માટે ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે. આજનું આ આયોજન એ જ દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે.

સાથીઓ,
આજના આ આયોજનમાં વિશ્વ માટે પણ સંદેશ છે. આજે ભારત દુનિયા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. કોરોના અને યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ છતાં, પુરવઠા ચેઇનમાં વિક્ષેપ છતાં, ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસની લય જળવાઈ રહી છે. આ એમ જ થયું નથી. આજે ભારતમાં ઓપરેટિંગની પરિસ્થિતિ સતત સુધરી રહી છે. આજે ભારતમાં કિંમતોની હરિફાઈ પર ભાર આપવામાં આવી રહ્યો છે અને ગુણવત્તા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. આજે ભારત ઓછી કિંમતે ઉત્પાદન અમે ઉચ્ચ પરિણામની તકો આપી રહ્યું છે. આજે ભારત પાસે સ્કીલ મેનપાવરનું એક મોટું પ્રતિભાશાળી જૂથ છે. છેલ્લા આઠ વર્ષમાં જે સુધારા અમારી સરકારે કર્યા છે  તેણે ભારતમાં ઉત્પાદન માટે એક અભૂતપૂર્વ વાચાવરણ તૈયાર કરી દીધું છે. સરળતાથી વેપાર કરવા પર જેટલું જોર આજે ભારતનું છે તેટલું અગાઉ ક્યારેય ન હતું. કોર્પોરેટ ટેક્સ માળખાને આસાન બનાવવાનું હોય, તેને વૈશ્વિક સ્પર્ધાત્મક બનાવવાનું હોય, અનેક ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઈનો માર્ગ ખોલવાનો હોય, ડિફેન્સ, માઇનિંગ, સ્પેસ જેવા ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલી આપવાના હોય, મજૂર સુધારણા કરવાના હોય, 29 સેન્ટ્રલ લેબર કાયદાઓને માત્ર ચાર કોડમાં પરાવર્તિત કરવાના હોય, 33 હજારથી વધુ કોમ્પ્લાયન્સને નાબૂદ કરવાના હોય, ડઝનબંધ ટેક્સની જાળને નાબૂદ કરવાની હોય, એક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બનાવવાની હોય, ભારતમાં આજે આર્થિક સુધારણાની એક નવી ગાથા લખવામાં આવી રહી છે. આ સુધારાઓનો મોટો  ફાયદો આપણા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પણ મળી રહ્યો છે, અને ક્ષેત્ર તો ફાયદો ઉઠાવી જ રહ્યા છે.

અને સાથીઓ,

આ સફળતાની પાછળ એક મોટું કારણ છે પરંતુ હું કહીશ  સૌથી મોટું કારણ છે અને તે છે માનસિકતામાં પરિવર્તન. માનસિકતામાં પરિવર્તન. આપણે ત્યાં લાંબા સમયથી સરકારો એ જ માનસિકતાથી ચાલી કે બધું સરકાર જ જાણે છે, બધું જ સરકારે જ કરવું જોઇએ. આ માનસિકતાએ દેશની પ્રતિભાને દબાવી દીધી, ભારતના ખાનગી ક્ષેત્રના સામર્થ્યને આગળ વધવા જ દીધું નહીં. સૌના પ્રયાસની ભાવના લઈને આગળ ધપી રહેલા દેશે હવે પબ્લિક તથા પ્રાયવેટ સેક્ટર બંનેને સમાન ભાવનાથી જોવાનું શરૂ કરી દીધું છે.

સાથીઓ,
અગાઉની સરકારોમાં માનસિકતા એવી પણ હતી કે સમસ્યાઓને ટાળવામાં આવે, થોડી સબસિડી આપીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને જીવંત રાખવામાં આવે. આ વિચારોએ પણ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું. આ જ કારણથી અગાઉ ના તો કોઈ નક્કર નીતિ ઘડવામાં આવી અને સાથે સાથે લોજિસ્ટિક, દળ પુરવઠો, વિજ પુરવઠો જેવી જરૂરિયાતોને નજર અંદાજ કરવામાં આવી. તેનું પરિણામ શું આવ્યું તે મારા દેશની યુવાન પેઢી તેને સારી રીતે જાણી શકી છે. હવે આજનું ભારત, એક નવી માનસિકતા, એક નવી કાર્ય પ્રણાલીની સાથે કામ કરી રહ્યું છે. અમે કામચલાઉ નિર્ણયોની રીત છોડી દીધી છે અને  વિકાસ માટે, રોકાણકારો માટે ઘણા બધા પ્રકારના લાભાલાભો લઈને આવ્યા છીએ. અને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીલ જારી કરી છે જેમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજે અમારી નીતિ સ્થિર છે, અનુમાનિત છે અને ભવિષ્યવાદી છે. અમે પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક નીતિ મારફતે દેશની લોજિસ્ટિક વ્યવસ્થામાં પણ સુધારો લાવી રહ્યા છીએ.

સાથીઓ,
અગાઉ એવી માનસિકતા પણ હતી કે ભારત ઉત્પાદનમાં સારું કરી શકે તેમ નથી કેમ કે તેણે માત્ર સર્વિસ સેક્ટર તરફ જ ધ્યાન આપવું જોઇએ. આજે અમે સર્વિસ સેક્ટર પણ સુધારી રહ્યા છીએ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ સમૃદ્ધ બનાવી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે આજે દુનિયામાં કોઇ પણ દેશ સર્વિસ સેક્ટર કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ કરીને આગળ વધી શકતો નથી. આપણે વિકાસના સાફલ્યવાદી અભિગમને અપનાવવો પડશે. અને  આજનું નવું ભારત એ જ માર્ગે આત્મવિશ્વાસની સાથે આગળ ચાલવા લાગ્યું છે. અગાઉના વિચારોમાં અન્ય એક ભૂલ હતી, માનસિકતા એ હતી કે આપણે ત્યાં કૌશલ્ય ધરાવતા માનવ સંસાધનની કમી છે, દેશના કૌશલ્ય પર ભરોસો ન હતો, દેશની પ્રતિભા પર ભરોસો ન હતો અને તેથી જ ઉત્પાદનના ક્ષેત્રમાં એક પ્રકારની ઉદાસીનતા રહેલી હતી, તેની ઉપર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. પરંતુ આજે ભારત ઉત્પાદનમાં પણ સૌથી આગળ રહેવાની તૈયારીમાં છે. સેમિ કન્ડક્ટરથી લઈને એરક્રાફ્ટ સુધી, આપણે તમામ ક્ષેત્રમાં સૌથી આગળ રહેવાના ઇરાદા સાથે આગળ ધપી રહ્યા છીએ. આ બાબત એટલા માટે શક્ય બની કેમ કે છેલ્લા આઠ વર્ષમાં અમે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના માટેનું એક વાચાવરણ તૈયાર કર્યું. આ તમામ પરિવર્તનને આત્મસાત કરતાં આજે મેન્યેક્ચરિંગ સેક્ટરમાં ભારતની વિકાસ યાત્રા આ પડાવ પર પહોંચી છે.

સાથીઓ,
અમારી સરકારની રોકાણને અનુકૂળ નીતિઓનું ફળ એફડીઆઈમાં પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં 160 કરતાં વધારે દેશોની કંપની ભારતમાં રોકાણ કરી રહી છે. અને એવું પણ નથી કે વિદેશી રોકાણ માત્ર કેટલાક ઉદ્યોગોમાં જ આવ્યું હોય. તેનો ફેલાવો અર્થવ્યવસ્થાના 60 કરતાં વધારે સેક્ટરમાં કવર કરે છે, 31 રાજ્યની અંદર રોકાણ પહોંચ્યું છે. એકલા એરોસ્પેસ ક્ષેત્રમાં જ ત્રણ બિલિયન ડોલર કરતાં વધારે રોકાણ થયું છે. 2000થી 2014ના વર્ષ સુધી આ ક્ષેત્રમાં જેટલું રોકાણ થયું હતું તેના કરતાં એટલે કે 14 વર્ષની સરખામણીએ આ આઠ વર્ષમાં પાંચ ગણું વધારે રોકાણ થયું છે. આવનારા વર્ષોમાં ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્ર આત્મનિર્ભર ભારત અભિયાનના મોટા પાયા બનવા જઈ રહ્યા છે. અમારું લક્ષ્યાંક છે 2025 સુધી આપણી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનો વ્યાપ 25 બિલિયન ડોલરને પાર કરી જશે. આપણા ડિફેન્સ એક્સપોર્ટ્સ પણ પાંચ બિલિયન ડોલરથી વધારે હશે. ઉત્તર પ્રદેશ તથા તામિલનાડુમાં વિકસીત થઈ રહેલા ડિફેન્સ કોરીડોરથી પણ આ ક્ષેત્રનો વિસ્તાર કરવામાં મદદ મળશે. આમ તો હું આજે દેશના સંરક્ષણ મંત્રાલય તથા ગુજરાત સરકારની પણ અત્યંત પ્રશંસા કરું છું, વખાણ કરું છું. આપે જોયું હશે કે થોડા દિવસ અગાઉ તેમણે ગાંધીનગરમાં અત્યંત શાનદાર ડિફેન્સ એક્સપોનું આયોજન કર્યું હતું. ડિફેન્સ સાથે સંકળાયેલા તમામ સાધનોનો ત્યાં ઘણો મોટો કાર્યક્રમ થયો હતો. અને મને કહેતા આનંદ થાય છે અને રાજનાથ જીને હું અભિનંદન પાઠવું છું કે અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો હતો. અને તેમાં સૌથી મોટી ખાસિયત એ  હતી કે ડિફેન્સ એક્સપોમાં પ્રદર્શિત તમામ ઉપકરણ તથા ટેકનોલોજી તમામે તમામ ભારતમાં બનેલી હતી. એટલે કે પ્રોજેક્ટ C-295 નું પ્રતિબિંબ આપણને આવનારા વર્ષોના ડિફેન્સ એક્સપોમાં જોવા મળશે. હું ટાટા ગ્રૂપને તથા એરબસને તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ,
આજના આ ઐતિહાસિક અવસર પર હું ઉદ્યોગ સાથે સંકળાયેલા સાથીઓને મારો એક આગ્રહ દોહરાવવા માગું છું. અને મને ખુશી છે કે અનેક ક્ષેત્રના તમામ વરિષ્ઠ ઉદ્યોગ જગતના સાથી આજે આ મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બનવા માટે આપણી વચ્ચે પધારેલા છે. દેશમાં આ સમયે રોકાણ માટે જે અભૂતપૂર્વ વિશ્વાસ બનેલો છે તેનો મહત્તમ લાભ ઉઠાવો, આપ જેટલા આક્રમક રીતે આગળ વધી શકો છો આ તક જવા દેશો નહીં. દેશના જે સ્ટાર્ટ અપ્સ છે, હું ઉદ્યોગજગતના જે સ્થાપિત પ્લેયર્સ છે તેમને આગ્રહ કરીશ, દેશના જે સ્ટાર્ટ અપ્સ છે આપણે તેને કેવી રીતે આગળ વધવામાં મદદ કરી શકીએ છીએ. હું તો ઇચ્છીશ કે તમામ મોટા ઉદ્યોગ એક એક સ્ટાર્ટ અપ સેલ પોતાને ત્યાં પણ બનાવે અને દેશભરમાં જે આપણા નવા નવયુવાન સ્ટાર્ટ અપમાં કામ કરે છે તેમનો અભ્યાસ કરે તથા તેમના કામમાં તેમનું સંશોધન ક્યાં મેળ ખાય છે તેનો હાથ પકડે. તમે જોજો અત્યંત ઝડપથી આપ પણ આગળ વધશો તથા મારા એ નવયુવાનો આજે સ્ટાર્ટ અપની દુનિયામાં હિન્દુસ્તાનનું નામ રોશન કરી રહ્યા છે તેમની તાકાત પણ અનેક ગણી વધી જશે. રિસર્ચમાં હજી પણ ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી મર્યાદિત જ છે. તેને આપણે સાથે મળીને આગળ વધારીશું તો ઇનોવેશનની અને મેન્યુફેક્ચરિંગની વધુ સશક્ત ઇકો સિસ્ટમ વિકસીત કરી શકીશું. સૌના પ્રયાસનો મંત્ર આપણને સૌને કામ આવશે, આપણા સૌ માટે માર્ગદર્શક રહેશે તથા આપણે તમામ એ જ માર્ગે ચાલવા લાગીશું. ફરી એક વાર આપ સૌ દેશવાસીઓને આ આધુનિક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સવલત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દેશના નવયુવાનો માટે  અનેક નવી તકો રાહ જોઈ રહી છે. હું દેશની યુવાન પેઢીને પણ ખાસ કરીને શુભેચ્છા પાછવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

YP/GP/JD