Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ભાગ-1ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ભાગ-1ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતા કી – જય,

ભારત માતા કી – જય,

ભારત માતા કી – જય,

આજે 21મી સદીના ભારત માટે અર્બન કનેક્ટિવિટી માટે તથા આત્મનિર્ભર બનવા માટે ભારત માટે એક ઘણો મોટો દિવસ છે. થોડી વાર અગાઉ મેં ગાંધીનગર-મુંબઈ વંદે ભારત  એક્સપ્રેસની તેજ ગતિના પ્રવાસનો અનુભવ કર્યો છે. આ પ્રવાસ આમ તો થોડી મિનિટોનો જ હતો પરંતુ તે મારા માટે અત્યંત ગૌરવથી ભરેલી ક્ષણો હતી. આ દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. કાલુપુલ રેલવે સ્ટેશનથી કાળુપુર મેટ્રો સ્ટેશન તથા ત્યાંથી અમદાવાદ મેટ્રોનો પ્રવાસ કરતાં હું થલતેજ પહોંચ્યો. એટલે કે કોઈ બહારથી વંદે માતરફ મારફતે આવી રહ્યો હોય તો ત્યાર બાદ સીધો જ મેટ્રોમાં બેસીને શહેરમાં પોતાના નિવાસે જઈ શકે છે અથવા તો કામ માટે શહેરના બીજા હિસ્સામાં જઈ શકે છે અને ઝડપ એટલી તેજ કે જે નિર્ધારિત કાર્યક્રમ બનાવ્યો હતો તેના કરતાં 20 મિનિટ પહેલાં જ હું થલતેજ પહોંચી ગયો. હું આજે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રેલ વિભાગના લોકો તેની ઘણી ખૂબીઓ કહી રહ્યા હતા, એડવર્ટાઇઝમેન્ટ પણ કરતા રહે છે, શું છે, શું વ્યવસ્થા છે બધું જ. પરંતુ કદાચ એક એવું પાસું જેની ઉપર વિભાગનું ધ્યાન ગયું નથી. મને તો સારું લાગ્યું તે હું કહેવા માગું છું. આ જે વંદે ભારત ટ્રેન છે, હું કોઈ ગણિતશાસ્ત્રી નથી, કોઈ વૈજ્ઞાનિક નથી. પરંતુ હું નાનો મોટો અંદાજ કાઢી શકું છું કે વિમાનમાં પ્રવાસ કરતી વખતે અંદર જેટલો અવાજ આવે છે. વંદે ભારત ટ્રેનમાં આ અવાજ કદાચ 100મા હિસ્સા જેટલો થઈ જાય છે. એટલે કે વિમાનમાં 100 ગણો અવાજ થઈ જાય છે.  વિમાનમાં જો વાતચીત કરવી છે તો ઘણી તકલીફ પડે છે. હું વંદે ભારત ટ્રેનમાં જોઈ રહ્યો હતો. આરામથી હું લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. કેમ કે કોઈ અવાજ જ ન હતો. તેનો અર્થ એ થયો કે જે લોકો હવાઈ જહાજમાં મુસાફરીથી ટેવાયેલા છે તેમને કદાચ આ અવાજ વિશે જ્ઞાન મળી જશે. હું ચોક્કસપણે માનું છું કે તેઓ વિમાન નહીં પરંતુ વંદે ભારત ટ્રેન પસંદ કરશે અને મારા અમદાવાદના રહેવાસીઓ, મને મારા અમદાવાદને સો સો વાર સલામ કરશે. નવરાત્રીનો તહેવાર હોય, આખી રાત ડાંડિયા ચાલી રહ્યા હોય, પોતાનું શહેર, પોતાનું ગુજરાત આખી રાત જાગતું રહ્યું હોય, એવા નવરાત્રીના દિવસોમાં, આવી ગરમીની વચ્ચે આટલો મોટો વિરાટ જનસમૂહનો સાગર મેં પહેલી વાર જોયો છે. ભાઈ, હું અહીં જ મોટો થયો છું. આવો મોટો કાર્યક્રમ અમદાવાદે કર્યો હોય આ મારો પ્રથમ અનુભવ છે. અને તેથી જ અમદાવાદના રહેવાસીઓને મારી સો સો સલામ અને તેનો અર્થ એ થયો કે અમદાવાદના રહેવાસીઓને મેટ્રો શું છે, તેની સમજણ છે. મેં એક વાર મારા અર્બન ડેવલપમેન્ટના મંત્રીઓ સાથે વાત કરી હતી. મેં કહ્યું કે તમને મેટ્રો, જે સમગ્ર દેશમાં શરૂ કરવી જોઇએ, આપણી જવાબદારી છે, પરંતુ તમને અમદાવાદના રહેવાસીઓ સૌથી વધારે રિટર્ન આપશે તેમણે મને પૂછ્યું કેવી રીતે તો મેં કહ્યું કે અમારા અમદાવાદીઓ હિસાબ લગાવે છે કે ઓટો રિક્શાથી જઇશ તો કેટલું થશે, કેટલો સમય લાગશે, કેટલી ગરમી પડશે અને મેટ્રોમાં જઇશ તો આટલું થશે અને તરત જ તે મેટ્રોમાં જશે. સૌથી વઘારે આર્થિક લાભ કોઈ કરશે તો તે અમદાવાદનો પેસેન્જર કરશે. તેથી જ તો અમારા અમદાવાદમાં એક જમાનામાં હું અમદાવાદનો રિક્શા વાળો એમ કહીને ગીત ગાતા હતા. હવે મેટ્રો વાળા આમ કહીને ગીત ગાશે. હું ખરેખર આજે અમદાવાદને જેટલા અભિનંદન આપું, જેટલી સલામ કરું, તેટલી ઓછી છે દોસ્તો. આજે અમદાવાદને મારું દિલ જીતી લીધું છે.

ભાઈઓ અને બહેનો,

21મી સદીના ભારતને દેશના શહેરોમાંથી નવો વેગ મળનારો છે. આપણે બદલાતા સમય તથા બદલાતી જરૂરિયાતોની સાથે આપણા શહેરોને પણ સતત આધુનિક બનાવવા જરૂરી છે. શહેરમાં ટ્રાન્સપોર્ટની સિસ્ટમ આધુનિક હોય, સીમલેસ કનેક્ટિવિટી હોય, આવન જાવનનું એક સાધન અન્ય સાધનને સપોર્ટ કરે, આમ કરવું અત્યંત જરૂરી છે અને જે ગુજરાતમાં મોદી પર બારિકાઈથી નજર રાખનારા લોકો છે તે આમેય એક સારી જમાત છે અને એક તેજ જમાત પણ છે. તેમને ખબર હશે કે જ્યારે હું અહીં મુખ્યમંત્રી હતો, મને વર્ષ તો યાદ નથી ઘણા વર્ષ અગાઉ અમે અમદાવાદમાં મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટેશનને લઇને એક વૈશ્વિક સમિટનું આયોજન કર્યું હતું. એટલે કે એ સમયે પણ મારા દિમાગમાં ચાલતું હતું. પરંતુ કેટલાક મુદ્દાઓ ભારત સરકાર પાસે હોવાને કારણે એ વખતે હું કરી શક્યો નહીં. હવે તમે મને ત્યાં મોકલ્યો છે તો મેં તે કરી  દેખાડ્યું. પરંતુ આ વિચાર આજે સાકાર થતો જોઈ રહ્યો છું અને આ જ વિચાર સાથે વીતેલા આઠ વર્ષમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું મોટું રોકાણ થઈ રહ્યું છે. આઠ વર્ષમાં દેશના એક પછી એક એમ બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો કાં તો શરૂ થઈ ગઈ છે અથવા તો તેના પર કામ ચાલી રહ્યું છે. દેશના ડઝનબંધ નાના શહેરોને હવાઈ કનેક્ટિવિટી સાથે સાંકળવામાં આવ્યા છે. ઉડાન યોજના નાના શહેરોમાં હવાઈ સુવિધા આપવામાં ઘણી મોટી ભૂમિકા અદા કરી રહી છે. આપણા જે રેલવે સ્ટેશન હતા તેની શું સ્થિતિ હતી તે આપ સારી રીતે જાણો છો. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઇ પણ એરપોર્ટથી કમ નથી અને બે દિવસ અગાઉ ભારત સરકારે અમદાવાદ રેલવે સ્ટેશનને પણ આધુનિક બનાવવાની મંજૂરી આપી દીધી છે.

સાથીઓ,
દેશના શહેરોના વિકાસ ઉપર આટલું વધારે ફોકસ, આટલું મોટું રોકાણ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમ કે આ શહેર આવનારા 25 વર્ષમાં વિકસીત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરવાનું છે. આ જ અમદાવાદ, સુરત, વડોદરા, ભોપાલ, ઇન્દોર, જયપુર આ જ તમામ શહેરો હિન્દુસ્તાનના 25 વર્ષના ભાગ્યને નિર્ધારીત કરનારા છે. આ રોકાણ માત્ર કનેક્ટિવિટી પૂરતું મર્યાદિત નથી પરંતુ ડઝનબંધ શહેરોમાં સ્માર્ટ સુવિધા બની રહી છે, મૂળ સુવિધાઓને સુધારવામાં આવી રહી છે. મુખ્ય શહેરની આસપાસના વિસ્તારો, પરા વિસ્તારોને વિકસ
િત કરવામાં આવી રહ્યા છે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર અને અમદાવાદ છે. આવનારા સમયમાં ગુજરાતના અનેક ટ્વિન સિટીના વિકાસનો આધાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે માત્ર ન્યૂયોર્ક-ન્યૂજર્સી, ન્યૂયોર્ક-ન્યૂજર્સી ટ્વિન સિટી સાંભળતા રહેતા હતા. મારું હિન્દુસ્તાન પાછળ રહી શકે નહીં અને આપ આપની નજર સામે નિહાળી શકો છો. અમદાવાદ ગાંધીનગરનો વિકાસ ટ્વિન સિટીનું એ મોડેલ, આ જ રીતે અમારી નજીકમાં આણંદ અને નડિયાદ, ત્યાં ભરૂચ અને અંકલેશ્વર, વલસાડ અને વાપી, સુરત અને નવસારી, વડોદરા અને હાલોલ કાલોલ, મોરબી અને વાંકાનેર તથા મહેસાણા અને કડી આવા ઘણા બધા ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવશે. પુરાણા શહેરોમાં સુધારા અને તેના વ્યાપ પર ફોકસની સાથે સાથે એવા નવા શહેરોનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે જે ગ્લોબલ બિઝનેસની ડિમાન્ડ પર તૈયાર થાય. ગિફ્ટ સિટી પણ આ જ પ્રકારે પ્લગ એન્ડ પ્લે સુવિધાઓ ધરાવનારા શહેરોનું ઉમદા ઉદાહરણ છે.

સાથીઓ,
મને યાદ છે જ્યારે મેં ગિફ્ટ સિટીની વાત કદાચ 2005-06માં કરી હતી. અને એ વખતે મારું જે વિઝન હતું તેનો એક વીડિયો પ્રેઝન્ટેશન કર્યું હતું. તો ઘણા લોકોને લાગતું હતું કે યાર આ શું વાત કરી રહ્યા છે, આપણા દેશમાં આવું થઈ શકે છે. આમ મેં એ સમયે લખાયેલું વાંચ્યું પણ છે અને સાંભળ્યું પણ છે. આજે ગિફ્ટ સિટી આપની નજર સાથે સજ્જ થયેલું છે અને દોસ્તો જોતજોતામાં હજારો લોકોને રોજગાર આપનારું કેન્દ્ર બની ગયું છે.        

સાથીઓ,
એક સમય હતો જ્યારે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો મતલબ શું, આપણે ત્યાં ટ્રાન્સપોર્ટનો અર્થ શું લાલ બસ, લાલ દરવાજા અને લાલ બસ તથા ફરી ફરીને રિક્શા વાળો.

સાથીઓ,
જ્યારે મને ગુજરાતે પોતાની  સેવાનો અવસર આપ્યો તો મારું સૌભાગ્ય રહ્યું કે અમે અહીં બીઆરટી કોરિડોર પર કામ કરી શક્યા. તે પણ દેશમાં પ્રથમ હતું. મને તો બીઆરટી બસના પ્રથમ પ્રવાસના સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું અને મને યાદ છે કે લોકો વિદેશથી આવતા હતા તો પોતાના પરિવારને કહેતા હતા કે આ વખતે જ્યારે ગુજરાત જઇશું તો જરા બીઆરટીમાં મુસાફરી કરવી છે, ઘણું વાંચ્યું છે, ઘણું સાભળ્યું છે.

સાથીઓ,
એ વખતે પણ પ્રયાસ એ હતો કે સામાન્ય નાગરિક, સામાન્ય જનને તેની સવલતો કેવી રીતે વધે. તેમના માટે સીમલેસ કનેક્ટિવિટીનો લાભ કેવી રીતે મળે. અને લોકતંત્ર તથા શાસનનું એ કામ હોય છે કે સામાન્ય નાગરિકની જરૂરિયાત અનુસાર તથા દેશને નવી ઉંચાઈ પર લઈ જવાનો સંકલ્પની સાથે વિકાસની યાત્રાને આ બે પાટા પર ચલાવવાની હોય છે. આજે એ જ સપનાને ભવ્ય રૂપથી આપણે સાચા પડતા જોઈ રહ્યા છીએ. આ પ્રસંગે હું હૃદયપૂર્વક આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,
આજે અમદાવાદ મેટ્રોની લગભગ 32 કિલોમીટરના સેક્શનનો પ્રવાસ થયો છે અને આપને આ સાંભળીને આશ્ચર્ય થશે. ભારતમાં મેટ્રોનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં આ પહેલી વાર એવો વિક્રમ સર્જાયો છે કે એક સાથે લગભગ લગભગ 32 કિલોમીટરની તેની યાત્રાનું લોકાર્પણ થયું છે. તેની અન્ય એક વિશેષતા રહી છે. રેલવે લાઇનની ઉપરના મેટ્રો ટ્રેકના નિર્માણમાં મુશ્કેલીઓ પડકારો છતાં આ કામ ઝડપથી પૂર્ણ થયું છે.  તેનાથી મેટ્રો માટે વધારાની જમીનની જરૂર પડી નથી. આજે મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થયું છે જ્યારે બીજો તબક્કો ગાંધીનગરને કનેક્ટ કરી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેન દેશના બે સૌથી મોટા શહેરની વચ્ચેનો પ્રવાસ આરામદાયક બનાવશે અને અંતરને પણ ઘટાડી દેશે. સામાન્ય એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચવામાં લગભગ લગભગ સાતથી આઠ કલાક લેતી હોય છે. ક્યારેક ક્યારેક તેના કરતાં પણ વધારે સમય લાગે છે. શતાબ્દિ ટ્રેન પણ ક્યારેક છથી સાડા છે કે સાતથી સાડા સાત કલાકનો સમય લે છે. પરંતુ વંદે ભારત ટ્રેન હવે વધુમાં વધુ સાડા પાંચ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે. ધીમે ધીમે તેમાં વધુ સુધારા થનારા છે અને આજે જ્યારે હું વંદે ભારત ટ્રેનને બનાવનારા ચેન્નાઈમાં બની રહી હતી. તેને બનાવનારા તમામ એન્જિનિયર્સ, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, ફીટર, ટેકનિશિયન તેમનો આ આત્મવિશ્વાસ તેમનો એ ભરોસો મને એ વાત વિશ્વાસપૂર્વક કહેવા માટે પ્રેરિત કરે છે કે દેશ આથી પણ વધુ ઝડપથી આગળ ધપનારો છે. એટલું જ નહીં બાકીની ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેનમાં વધારે પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. હું એક વાર કાશીના સ્ટેશન પર પૂછી રહ્યો હતો. મેં પૂછ્યું ભાઈ વંદે માતરમ ટ્રેનનો શું અનુભવ છે. તો જવાબ મળ્યો કે સૌથી વધારે ટિકિટ વંદે ભારત ટ્રેનની વેચાઈ રહી છે. મેં પૂછ્યું એ કેવી રીતે શક્ય બને ? તો મને કહ્યું ગરીબ લોકો સૌથી વધારે આ ટ્રેનમાં જવાનું પસંદ કરે છે, મજૂર લોકો તેમાં જવાનું પસંદ કરે છે. મેં પૂછ્યું કેમ ? તો જવાબ મળ્યો કે સાહેબ તેના બે લોજિક છે.  એક લગેજ લઈ જવા માટે અંદર ઘણી જગ્યા હોય છે અને બીજું એટલી ઝડપથી પહોંચી જઈએ છીએ કે જઈને કામ કરી શકીએ છીએ તો તેટલા કલાકમાં ટિકિટના જે પૈસા છે તે પણ નીકળી જાય છે. આ વંદે ભારતની તાકાત છે.

સાથીઓ,
આજે આ પ્રસંગે હું આપ સૌને એ પણ જણાવવા માગું છું કે ડબલ એન્જિન સરકારનો લાભ કેવી રીતે અમદાવાદ પ્રોજેક્ટને મળ્યો. જ્યારે બોટાદ રેલવે લાઇનની ઓવરહેડ સ્પેસ મેટ્રો પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાની વાત આવી તો કેન્દ્ર સરકારે તરત જ તેની મંજૂરી આપી દીધી. તેનાથી વાસણા જૂની હાઇકોર્ટ રૂટની મેટ્રોનું કામ પણ તરત જ શરૂ કરવાનું શક્ય બની ગયું. અમદાવાદ મેટ્રો પર જ્યારે મેટ્રોનું કામ કરવાનું અમે શરૂ કર્યું તો રૂટ એવી રીતે પ્લાન કરવામાં આવ્યો જેનાથી ગરીબમાં ગરીબને પણ તેનો લાભ થાય. એ ધ્યાનમાં રાખવામાં આવ્યું કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સૌથી વધારે જરૂર છે, જ્યાં સાંકડા રસ્તાઓ પાર કરવામાં સૌથી વધારે સમય  લાગતો હોય ત્યાંથી મેટ્રો પસાર થાય. અમદાવાદ મલ્ટિ મોડેલ કનેક્ટિવિટીનું હબ બને, તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. કાળુપુરમાં આજે મલ્ટિમોડેલ હબ બનાવવામાં આવી રહ્યું છે. અહીં બીઆરટી સ્ટેશનની સામે જ અને ગ્રાઉન્ડ ફ્લોર પર સિટી બસ ઉભી રહેશે.
ટેક્સી અને ખાનગી કાર માટે ઉપરના માળે સવલત રહેશે. સરસપુર પ્રવેશ તરફ નવું મેટ્રો સ્ટેશન છે અને હિ સ્પિડ રેલવે સ્ટેશનને પણ ડ્રોપ અને પિક અપ, પાર્કિંગ જેવી સવલતોથી સાંકળવામાં આવી રહ્યા છે. કાળુપુર રોડ ઓવરબ્રિજને સરસપુર રોડ ઓવરબ્રિજથી જોડવા માટે સ્ટેશનની સામે 13 લેનનો રોડ બનાવાશે. કાળુપુર ઉપરાંત સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનને પણ મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબના રૂપમાં વિકસીત કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,
શહેરોનના આપણા ગરીબ, આપણા મધ્યમવર્ગીય પરિવાર, મિડલ ક્લાસના સાથીઓને ધુમાડાવાળી બસોથી મુક્તિ મળે તેના માટે ઇલેક્ટ્રિક બસોના નિર્માણ તથા સંચાલન માટે ભારત સરકારે એપએએમઇ યોજના ઘડી છે, એફએમએઈ યોજના શરૂ કરી છે. જેથી પર્યાવરણનું પણ રક્ષણ થાય, લોકોને અવાજથી પણ મુક્તિ મળે, ધુમાડાથી પણ મુક્તિ મળે અને ગતિ ઝડપથી મળે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશમાં સાત હજારથી વધુ ઇલેક્ટ્રિકલ બસોની મંજૂરી આપી દેવામાં આવી છે. આ બસો પર કેન્દ્ર સરકાર લગભગ સાડા ત્રણ હજાર કરોડ ખર્ચ કરી રહી છે. ગુજરાત માટે પણ અત્યાર સુધીમાં સાડા આઠ સો ઇલેક્ટ્રિકલ બસોની મંજૂરી આપવામાં આવી છે જેમાંથી અનેક બસો આજે માર્ગ પર આવી ચૂકી છે.

ભાઈઓ અને બહેનો,

લાંબા સમય સુધી આપણે ત્યાં શહેરોને ટ્રાફિક જામથી મુક્ત કરવા, આપણી ટ્રેનોની સ્પીડ વધારવા માટે ગંભીર પ્રયાસો થયા ન હતા. પરંતુ આજનું ભારત સ્પીડને, ઝડપને, જરૂરી માને છે. તેજ વિકાસની ગેરન્ટી માને છે. ગતિને લઈને આ આગ્રહ આજે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ જોવા મળે છે, નેશનલ લોજિસ્ટિક પોલિસીમાં પણ જોવા મળે છે અને આપણી રેલવેની ઝડપ વધારવા માટેના અભિયાનમાં પણ સ્પષ્ટ દેખાય છે. આજે દેશનું રેલવે નેટવર્ક આજે મેઇડ ઇન ઇન્ડિયા, વંદે ભારત ટ્રેનને  ચલાવવા માટે ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડનારી આ ટ્રેનો ભારતીય રેલવેની દશા બદલશે, દિશા પણ બદલશે તે મારો સંપૂર્ણ વિશ્વાસ છે. આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાના લક્ષ્યાંક પર અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. ભારતની વંદે ભારત ટ્રેનની ખૂબી એ છે કે તે માત્ર બાવન સેકન્ડમાં 100 કિલોમીટરની ઝડપ પકડી લે છે. હમણા જ્યારે ચિત્તો આવ્યો ને તો મોટા ભાગના મીડિયામાં ચર્ચા હતી કે ચિત્તો દોડવાની ઝડપ કેટલી સેકન્ડમાં પકડી લે છે. બાવન સેકન્ડમાં આ ટ્રેન ઝડપ પકડી લે છે.

સાથીઓ,
આજે દેશના રેલવે નેટવર્કનો ઘણો મોટો હિસ્સો માનવરહિત ફાટકથી મુક્ત થઈ ચૂક્યો છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જ્યારે તૈયાર થઈ જશે તો માલગાડીની સ્પીડ પણ વધશે અને પેસેન્જર ટ્રેનોમાં થતો વિલંબ પણ ઘટી જશે. અને સાથીઓ જ્યારે માલગાડીની સ્પીડ વધશે તો ગુજરાતના જે બંદરો છે ને, પોર્ટ છે ને આપણા, તે તેના કરતાં કેટલાય ગણા વધારે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દેશે. હિન્દુસ્તાન દુનિયાભરમાં પહોંચવા માંડશે. આપણી ચીજવસ્તુઓ એક્સપોર્ટ થવા લાગશે અને વિદેશથી જે સામાન આવે છે તે પણ ઘણી ઝડપથી આપણને આગળ લઈ જશે. કેમ કે ગુજરાત ભૌગોલિક રૂપથી ઉત્તર ભારતની બિલકુલ નજીક છે. લેન્ડ લૉક એરિયાથી નજીક છે. તેથી ગુજરાતના સમૂદ્રી તટથી સૌથી વધારે ફાયદાની સંભાવના છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છને સૌથી વધારે લાભ થનારો છે.

સાથીઓ,
ઝડપની સાથે સાથે આજે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસને લઈને વિચારોમાં પણ ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જન આકાંક્ષાઓ સાથે જોડી દીધું છે. એક સમય એ પણ હતો કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને જાહેરાતો માત્ર ચૂંટણીના નફા નુકસાનને ધ્યાનમાં રાખીને થતી હતી. કરદાતાઓની કમાણીનો ઉપયોગ રાજકીય સ્વાર્થો માટે જ કરવામાં આવતો હતો. ડબલ એન્જિન સરકારે આ વિચારને બદલ્યો છે. સ્થાયી પ્રગતિનો આધાર મજબૂત અને દૂરદર્શી વિચારની સાથે બનેલું ઇન્ફ્રાસ્ટ્રક્ર હોય છે, આજે આ વિચારની સાથે ભાર કામ કરી રહ્યું છે, ભારત દુનિયામાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.

સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતના નિર્માણ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણઁને આપણે વધુ ગતિ આપવી પડશે. ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર તેના માટે ગંભીરતાથી પ્રયાસ કરી રહી છે. મને વિશ્વાસ છે કે સૌના પ્રયાસથી આ કાર્ય અમે જ્યારે ઇચ્છીએ છીએ તે સમય સુધીમાં અમે ધરતી પર લાવી શકીએ છીએ. આ હું તમને ભરોસો અપાવું છું.

સાથીઓ,
આજનો દિવસ મહત્વપૂર્ણ છે પરંતુ હું આજે ગુજરાતના લોકો પાસે એક અન્ય કાર્ય માટે વિનંતી કરવા માગું છું. મને ખબર છે કે હવે બે ચાર દિવસમાં જ્યારે મેટ્રો સૌના માટે શરૂ કરવામાં આવશે તો ઝડપથી જજો, જોજો, ઘણા લોકો આવશે. પરંતુ હું ઇચ્છું છું કે આપણા નવમા, દસમા, 11માકે 12મા ધોરણના બાળકો, આપણા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, રેલવેના અર્બન મંત્રાલયથી વાત કરીને મેટ્રોવાળાઓથી સૌથી વાત કરીને એ અભ્યાસ કરે કે આટલું ઉંડું ખોદાણ કરીને રેલવે સ્ટેશન કેવી રીતે બન્યા હશે
? કેટલો ખર્ચ કરવો પડ્યો હશે ? આ પૈસા કોના છે ? આપણા દેશવાસીઓના છે. એક વાર આપણે આ શિક્ષણ આપતા રહીશું કે આ કામ કેવી રીતે થયું ? કેટલું મોટું કામ થયું ? કેટલા સમયમાં થયું ? કેવા કેવા પ્રકારની ટેકનોલોજી તેમાં ઉપયોગમાં લેવાઈ ? તો આપણા બાળકોના વિકાસ માટે પણ કામ આવશે અને તેથી જ શિક્ષણ વિભાગથી પણ મારો આગ્રહ રહેશે કે મેટ્રો સ્ટેશનની મુલાકાત માત્ર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે નહીં પણ તેમને દેખાડવામાં આવે કે કેવી રીતે બન્યું છે ? કેવી રીતે ચાલે છે ?  શું કામ કરે છે ?  આટલી નીચે ટનલ કેવી રીતે બની હશે ? આટલી લાંબી લાંબી ટનલ કેવી રીતે બની હશે ? તેમને એક ભરોસો પેદા થશે કે  ટેકનોલોજીથી દેશમાં શું પ્રગતિ થઈ રહી છે અને તેની ઓનરશિપ બનશે. જ્યારે તમે મારા દેશની નવી પેઢીને આ તમારું છે, આ તમારા ભવિષ્ય માટે છે, જ્યારે મારા નવયુવાનને એ વાતનો અહેસાસ થશે તો તે ક્યારેય કોઈ આંદોલનમાં આ પ્રકારની મિલકતને હાથ લગાવવાનો પ્રયાસ નહી કરે. તેને એટલું જ દર્દ થશે જેટલું તેને જ્યારે પોતાના ઘરની મિલકતને નુકસાન થાય ત્યારે થતું હોય છે. તેની સાઇકલને જો થોડું પણ નુકસાન થાય છે તો તેને દર્દ થાય છે તેવું જ દર્દ તેને મેટ્રોને નુકસાન થતું હશે ત્યારે થનારું છે. પરંતુ તેના માટે આપણા સૌની જવાબદારી છે કે આપણે આપણી નવી પેઢીને પ્રશિક્ષિત કરીએ. તેમની સંવેદનાને જગાડીએ, વંદે ભારત કહેતાં જ માતા ભારતીનું ચિત્રણ મનની અંદર આવવું જોઇએ. મારી ભારત માતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વંદે ભારત દોડી રહી છે. જે વંદે ભારત ટ્રેન દેશને દોડાવનારી છે. આ મિજાજ, આ સંવેદનશીલતા, આ શિક્ષણના નવા નવા માધ્યમ કેમ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસ્થા છે કે આપ બાળકોને એ જગ્યાએ લઈ જઈને તેમને એ દેખાડો, જો ઘરમાં માટલું છે તો તેને કુંભારના ઘરે લઈ જઈને તેને દેખાડો કે માટલું કેવી રીતે બને છે. તેમને આ મેટ્રો સ્ટેશન પણ દેખાડવા જોઇએ. મેટ્રોની તમામ વ્યવસ્થા સમજાવવી જોઇએ. આપ જોજો એ બાળકોના માનસપટ પર એવો ભાવ બનશે, તેને પણ ક્યારેક લાગશે, હું પણ એન્જિનિયર બની જાઉં. હું પણ મારા દેશ માટે કાંઇક કામ કરું. આવા સપના તેની અંદર રોપી શકાય છે દોસ્તો. આથી જ મેટ્રો માત્ર પ્રવાસ માટે જ નથી, મેટ્રો સફળતા માટે પણ કામ આવવી જોઇએ. આ જ એક અપેક્ષા સાથે હું ફરી એક વાર આજે અમદાવાદવાસીઓને, ગુજરાતના લોકોને અને દેશવાસીઓને એક મોટી ભેટ આપતા ગર્વ અનુભવી રહ્યો છું, સંતોષ અનુભવી રહ્યો છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યો છું. મારી સાથે બંને હાથ ઉંચા કરીને સંપૂર્ણ તાકાત સાથે બોલો…

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

ખૂબ ખૂબ ધન્યવાદ

YP/GP/JD