Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર દરખાસ્ત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરના લખાણનો પ્રાથમિક મુસદ્દો


અધ્યક્ષ મહોદયા જી, હું સૌથી પહેલા રાષ્ટ્રપતિ જીનો આભાર માનવા માંગું છું. તેમણે રાષ્ટ્રપતિ સંબોધનના માધ્યમથી માત્ર સંસદનાં ગૃહોને જ નહીં, પરંતુ દેશ અને દુનિયાને ભારતના ગૌરવ, ભારતની ગરિમા, ભારતની શ્રેષ્ઠ વિકાસ યાત્રા અને વિશ્વની ભારત પાસેથી જે અપેક્ષાઓ છે, તે ભારતના સામાન્ય લોકોની જે અપેક્ષાઓ છે, તે પૂરી કરવાના પ્રયાસ વિશેની માહિતી વિસ્તારપૂર્વક આદરણીય રાષ્ટ્રપતિ જીએ આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. હું તેમના પ્રત્યે આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આભાર વ્યક્ત કરવા માટે હું ઊભો થયો છું.

ગૃહની આ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં ઘણા સન્માનનીય સભ્યોએ પોતાના અનુભવોનો, પોતાના વિચારોનો લાભ ગૃહને અને દેશને આપ્યો. આદરણીય શ્રી મલ્લિકાર્જુન જી, શ્રી વેંકૈયા નાયડુ જી, મિનાક્ષી લેખી જી, હરસિમરત કૌર જી, શ્રી પી. નાગરાજન જી, શ્રી સૌગત રાય, શ્રી ભર્તુહરિ મહતાબ જી, શ્રી જિતેન્દ્ર રેડ્ડી જી, મોહમ્મદ સલીમ જી, સુપ્રિયા સુલે જી, મુલાયમ સિંહ યાદવ જી, રાહુલ ગાંધી જી, અનુપ્રિયા પટેલ જી, શ્રી રિયો જી, શ્રી ઓવૈસી જી, ઘણા વરિષ્ઠ આદરણીય મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. એ સહુનો હું આભાર માનું છું, કારણ કે આ વિચારો દ્વારા તેમણે જનતાને સશક્ત બનાવવામાં સુદૃઢ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે.

હું આજે આ ગૃહમાં તમામ સાંસદો તરફથી સ્પીકર શ્રીનો પણ આભાર માનું છું. કારણ કે, રાષ્ટ્રપતિ જીના ભાષણમાં સંસદની કાર્યવાહી કેવી રીતે ચાલવી જોઈએ, કેવી હોવી જોઈએ એ અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને એ સારી વાત છે કે આપણે આપણા વડિલોની સલાહ માનીને ચાલીએ, તેમની સલાહ લેવી જોઈએ. અને રાષ્ટ્રપતિ જી આપણી બંધારણ વ્યવસ્થાના સૌથી ઊંચા હોદ્દા પર છે. અને તેમની સલાહ આપણે અવશ્ય માનવી જોઈએ. અને હું સ્પીકર શ્રીનો ખાસ આભાર એટલા માટે માનવા ઈચ્છું કારણ કે છેલ્લા કેટલાક સમયમાં તેમણે ઘણા નવાં પગલાં લીધાં છે. તેમણે જે એસઆરઆઈ યોજના રજૂ કરી છે, સ્પીકર્સ રિસર્ચ ઈનિશિયેટિવ. આપણે સહુ સાંસદોને અલગ – અલગ વિષય પર રિસર્ચ મટિરિયલ મળે. આપણને સહુને શીખ મળે. એક સરસ યોજના આપના દ્વારા ચાલી રહી છે અને તે સંસદને ક્વોલિટેટિવ ચેન્જ – ગુણાત્મક પરિવર્તન લાવવામાં ઉપયોગી બનશે. એના માટે હું તમારો આભાર માનું છું.

હું અધ્યક્ષા શ્રીને એ વાત માટે પણ સલામ કરવા માંગું છું કે તેમણે આગામી પાંચમી અને છઠ્ઠી માર્ચે સમગ્ર દેશના તમામ પક્ષોના એસેમ્બ્લી અને લોકસભાના ચૂંટાયેલા મહિલા સભ્યો માટે એક સંમેલનની જાહેરાત કરી છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જી સહિત, તમામ મહિલા નેતાઓ તેમાં જોવા મળશે. વિમેન એમ્પાવરમેન્ટ – મહિલા સશક્તિકરણની દિશામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની દિશામાં આપનું આ કદમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને હું માનું છું કે હિન્દુસ્તાનની સંસદીય પ્રવૃત્તિઓની સાથે આપે આ એક ખૂબ સારું પગલું ભર્યું છે અને તમામ પક્ષોએ સહયોગ આપ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તમામ પક્ષોના મહિલા સાંસદ સાથે મળીને આનો એક્શન પ્લાન ઘડી રહ્યા છે. એક ખૂબ સારો માહોલ સર્જાયો છે. એના માટે હું તમારો આભાર માનું છું.

આ જ રીતે, આપણા જે નવા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, તેમના માટે બીપીએસટી ટ્રેનિંગ પ્રોગ્રામ, તેમને સતત પ્રશિક્ષણ આપવા માટે પણ ઘણું સારું કામ આપશ્રીએ કર્યું હતું, ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલી રહ્યા છે. હું તેના માટે પણ તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું.

રાષ્ટ્રપતિ શ્રીએ જણાવ્યું છે કે ગૃહ ચર્ચા માટે હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા દિવસોમાં ગૃહમાં જે કંઈ થયું, તેનાથી ઘણા દુઃખી પણ છે, ચિંતિત પણ છે. અને જ્યારે ગૃહનાં કામકાજ ચાલતાં નથી, ત્યારે, સત્તાપક્ષનું નુકસાન તો ઘણું ઓછું થાય છે, દેશનું નુકસાન ઘણું હોય છે. પરંતુ સૌથી વધુ નુકસાન સાંસદોને થાય છે, તેમાં પણ વિપક્ષના સાંસદોને થાય છે. કારણ કે તેમને જનતાનો અવાજ ઉઠાવવાથી અટકાવવામાં આવે છે. અને એટલે જ, સંસદમાં ભલે ગમે તેટલા વિરોધી વિચારો કેમ ના હોય, કેટલીયે નારાજગી કેમ ના હોય, પરંતુ સંસદનાં કામકાજ ચાલુ રહે તે આવશ્યક છે. ગૃહ એક એવી ફોરમ છે, જ્યાં તર્ક રજૂ કરવામાં આવે છે, જ્યાં સીધા જવાબ આપવામાં આવે છે. એક એવી ફોરમ છે, જ્યાં સરકાર પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. એક એવી ફોરમ છે, જ્યાં સરકારે પોતાનો બચાવ કરવાનો હોય છે. પોતાના પક્ષમાં સ્પષ્ટતા આપવી પડે છે. ચર્ચા દરમિયાન કોઈને પણ છોડવામાં આવતા નથી અને એવી આશા પણ ન રાખવી જોઈએ. પરંતુ ચર્ચા દરમિયાન જો ગૃહની ગરિમા અને મર્યાદા જળવાઈ રહે તો આપણે આપણી વાત વધુ દૃઢતાપૂર્વક મૂકી શકીશું અને સાથે સાથે યશ પણ મેળવી શકીશું. આ ઉપદેશ નરેન્દ્ર મોદીનો નથી. આ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીના શબ્દો છે.

રાષ્ટ્રપતિ શ્રીની વાત એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમણે લાંબા સમય સુધી આ પ્રક્રિયામાં પણ પોતાના જીવનના મહત્ત્વપૂર્ણ વર્ષો વીતાવ્યાં છે. અને એ લોકો સાથે વીતાવ્યા છે, જેમની પાસેથી વધુ અપક્ષા સ્વાભાવિક છે. હું વધુ એક વાત કહેવા માંગું છું. હું આ ગૃહમાં હાજર તમામ પક્ષોને મહત્ત્વપૂર્ણ ખરડો પસાર કરવામાં મદદરૂપ બનવાનું આમંત્રણ પાઠવું છું. અને જ્યારે હું આ ગૃહ – એમ કહી રહ્યો છું, ત્યારે તેનો મતલબ છે – બંને ગૃહો. આ ખરડો લોકો માટે છે. આ ખરડો એટલે જરૂરી છે, જેથી સિસ્ટમમાંથી દલાલો નાબૂદ કરી શકાય. આ ખરડો એટલે મહત્ત્વપૂર્ણ છે, કેમકે વાસ્તવિકતાના આધારે જવાબદારીઓ વહેંચી શકાય. આ ખરડો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે વહીવટને જવાબદાર બનાવી શકાય. આ ખરડો એટલા માટે કારણ કે યોજનાઓમાં સામાન્ય જનતાનું યોગદાન વધારી શકાય. સામાજિક ન્યાયમાં, વિકાસમાં તેમની હિસ્સેદારી વધારી શકાય. આ ખરડો આ લોકશાહીના પાયાને વધુ સુદૃઢ બનાવવા માટે છે. આ પણ, નરેન્દ્ર મોદી નથી કહી રહ્યા. આ પણ, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ કહ્યું છે. અને આપણે વડિલોની વાત માનવી જોઈએ.

ગૃહને અટકાવવાના સંદર્ભે કેટલીક વાતોની ચર્ચા જરૂરી જણાય છે. આપણા ભૂતપૂર્વ સ્પીકર અને અહીં કેટલાક મહાનુભાવ છે, જેમના તેઓ ગાઈડ અને ફિલોસોફર રહ્યા છે, લાંબા સમય સુધી – શ્રી સોમનાથ ચેટર્જી. તેમણે કહ્યું કે એવા મુદ્દા પર જેના માટે અંદાજ હોય છે કે તે મહત્ત્વપૂર્ણ છે. ગૃહની બેઠકોને અટકાવવી સંપૂર્ણ પણે કાઉન્ટર-પ્રોડક્ટિવ છે. કમનસીબે રાજકીય પક્ષોમાં એ વિચાર જન્મ્યો છે કે સંસદની કાર્યવાહીમાં અવરોધ નાંખવો અને છેલ્લે ગૃહને સમય કરતાં પહેલાં સ્થગિત કરાવવાથી એ વિષયનું અથવા મુદ્દાનું મહત્ત્વ સાબિત થઈ જશે, જેના પર વિવિધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. સંસદનાં કાર્યોમાં અવરોધ કરવાને જો દેશના લોકો વિરુદ્ધ યુદ્ધ જેવું ન પણ માનીએ, તો ઓછામાં ઓછું સંસદીય પ્રણાલિમાં શ્રદ્ધાની ખોટ તો માનવું જ જોઈએ. કમનસીબે લગભગ તમામ રાજકીય પક્ષો અને ત્યાં સુધી કે જે નાના પક્ષ છે, તેમનો પણ એવો જ વિશ્વાસ અને દ્રષ્ટિકોણ જોવા મળી રહ્યો છે. આ ચિંતા શ્રી સોમનાથ જીએ પણ તમામ સભ્યો સમક્ષ રજૂ કરી છે.

સંસદનાં કામકાજ ચાલવા સંબંધે હું એક વધુ વાત પણ આજે કહેવા ઈચ્છું છું. અહીં આપણે સંસદમાં જે ભારતની સાર્વભૌમ સત્તા છે. ભારતના શાસનની જવાબદારી લઈને આવ્યા છીએ. સાર્વભૌમ – સર્વોચ્ચ સંસ્થાના સભ્ય હોવાથી વધુ મોટી જવાબદારી અને તેનાથી વધુ સૌભાગ્ય કશું જ ન હોઈ શકે તે વાત નિશ્ચિત છે. કારણ કે એ આ દેશની વિશાળ વસતીના ભાગ્ય માટે જવાબદાર છે – આ ગૃહ. આપણામાંથી સહુને જો કાયમ નહીં, તો પણ જીવનમાં ક્યારેક ને ક્યારેક, જવાબદારીનો આ અહેસાસ જરૂર થયો હશે અને જે પ્રારબ્ધ માટે આપણને અહીં મોકલવામાં આવ્યા છે, તેને આપણે અનુભવ્યું જરૂર હશે. આપણે તેના માટે કાબેલ છીએ કે નથી, તે અલગ વાત છે. એટલે, આ પાંચ વર્ષો દરમિયાન આપણે આપણા આ કાર્યોમાં માત્ર ઈતિહાસના કિનારે જ નથી ઊભા, પરંતુ ક્યારેક-ક્યારેક આપણે ઈતિહાસ બનાવવાની પ્રક્રિયામાં પણ સામેલ થયા છીએ. આ વાત સાંસદોના સંદર્ભે, આટલી ઊંચી કલ્પના, આપણા પ્રથમ પ્રધાનમંત્રી આદરણીય પંડિત જવાહરલાલ નહેરુ જીએ 1957માં વ્યક્ત કરી હતી, ત્યારે આપણામાંથી કોઈ ન હતા. આપણામાંથી કોઈ ન હતા, એ સમયે પણ આ ચિંતા, આપણાંમાંથી અને આપણા પક્ષમાંથી તો કોઈ ન હતા, તે સમયે તમે આ વાત જણાવી હતી. હું એટલા માટે જ કહી રહ્યો છું કેમકે આ દેશે જાણવું જરૂરી છે કે આ જ લોકસભામાં હોબાળા વચ્ચે તમારી દૃઢતાને કારણે તમારા મજબૂત મનોબળને કારણે કેટલાક ખરડા પસાર થયા, પરંતુ તે આગળ ન વધી શક્યા.

નેશનલ વૉટર-વે બિલ, આપણે ત્યાં જળશક્તિનું કેટલું સામાર્થ્ય છે, કેટલો ઉપયોગ છે, પાણી વહી જાય છે. એટલા માટે આ સરકાર એક યોજના લઈને કામ કરવા ઈચ્છે છે. આ રીતે તેને અટકાવીને દેશનું શું ભલુ કરી રહ્યા છીએ. હું ઈચ્છું છું કે જ્યારે રાષ્ટ્રપતિ જીએ પોતાના વક્તવ્યમાં આ વાત કહી છે. આ જ રીતે વ્હિસલ-બ્લોઅર પ્રોટેક્શન એમેડમેન્ટ બિલ, આ એ વિષય છે જે આપણે નાગરિકને કેન્દ્રસ્થાને કહી શકીએ. અમે જાગૃત નાગરિકોને અધિકારોની વાત કહી શકીએ. અને એટલા માટે એને અટકાવવા પાછળ મને કોઈ તર્ક જણાતો નથી. જીએસટી બિલ, આપણે ગઈકાલથી સાંભળી રહ્યા છીએ, આ તો અમારું છે, આ તો અમારું છે, આ તો અમારું છે. આ પણ તમારું જ છે. જીએસટી બિલ તમારું જ છે. અને તેને અટકાવવામાં આવી રહ્યું છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ, આ કન્ઝ્યુમર કોણ છે ? એને અટકાવાયું છે. દેવાળિયાપણું અને નાદારી સંહિતા. આપણે વિચારીએ કે રાષ્ટ્રપતિ જી, જે બંધારણના સર્વોચ્ચ વ્યક્તિ છે, તેમની સલાહ આપણે અવશ્ય માનીશું.

અને જ્યારે હું સંસદની વાત કરી રહ્યો છું, ત્યારે હું તમામ આદરણીય સભ્યો સમક્ષ પણ, મારા કેટલાક વિચાર રજૂ કરવા ઈચ્છું છું. તેને એક પ્રધાનમંત્રીના વિચારના તરીકે તેને ગણવામાં ન આવે, પ્રથમવાર ગૃહમાં આવેલા એક સાંસદના વિચાર તરીકે ગણવામાં આવે, પરંતુ શક્ય છે, કદાચ આ ચીજો કામ લાગી જાય.

મારું એક સૂચન છે, આપે પાંચમી અને છઠ્ઠી માર્ચે એક સારા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ વખતે આઠમી માર્ચે આપણાં ગૃહનાં કામકાજ ચાલતા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એ સમયનો, આઠમી માર્ચનો જે એજન્ડા હોય, તે એ જ રહે, પરંતુ આપણે એવું નક્કી કરી શકીએ કે આઠમી માર્ચે ફક્ત આપણાં મહિલા સાંસદો જ બોલશે. આપણે આપણાં સંસદીય કામકાજ (વિક્ષેપ).

આ જ રીતે, આપણો ઘણો સમય, અમારા વખતે આમ હતું, તમારા વખતે આમ છે, તમે આવા છો, અમે તેવા હતા. આવું આપણે કરી રહ્યા છીએ. અને દેશને હવે આપણા વિશે બધી ખબર પડી ગઈ છે. એટલે જ દેશને કોઈ તકલીફ ન થાય. આપણે બધા કોણ છીએ, ક્યાં ઊભા છીએ, શું વિચારીએ છીએ, આ દેશ સારી રીતે જાણે છે. પરંતુ શું, હું તમામ વરિષ્ઠ મહાનુભાવો પાસેથી માર્ગદર્શન ઈચ્છું છે કે શું આપણે વર્ષમાં બે સત્રના સમય અથવા એક સત્ર નક્કી કરીશું. એ સમગ્ર સત્ર દરમિયાન એક અઠવાડિયું એવું હોય, જે અઠવાડિયામાં માત્ર જે પહેલીવાર સાંસદ છે, તેમને જ બોલવા માટે આમંત્રિત કરવામાં આવે. એટલા માટે નહીં કે હું ફર્સ્ટ ટાઈમર – પહેલીવારનો સાંસદ છું, પરંતુ આપણે એક તાજગીસભર હવા, આ ગૃહમાં નવા વિચારોની આવશ્યકતા મને અનુભવાય છે. અને મને વિશ્વાસ છે, હું જાણું છું, જે રીતે આપના કાર્યક્રમમાં આ જે નવા સાંસદો રૂચિ લઈ રહ્યા છે, એના પરથી મને લાગી રહ્યું છે કે તેમને અવસર આપવો જોઈએ. એ લોકો દેશ માટે ઘણી નવી ચીજો આપણી સમક્ષ રજૂ કરી શકે તેમ છે. એના પર આપણે કંઈક કરી શકીએ છીએ.

ત્રીજું સૂચન છે કે આપણે ત્યાં યુનાઈટેડ નેશન્સે થોડા સમય પહેલાં સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો સમગ્ર વિશ્વએ સાથે મળીને નક્કી કર્યા. સુષ્મા જીએ તેના માટે ઘણો સારો શબ્દ આપ્યો – ટકાઉ વિકાસ લક્ષ્ય. તેમણે સસ્ટેનેબલનું હિન્દીમાં સારું ભાષાંતર કર્યું. આ નક્કી થાય છે, સરકાર જાય છે. શું ક્યારેક ગૃહના તમામ લોકો શનિવારે એક દિવસ વધુ બેસીએ અને એક સત્ર દરમિયાન એક કે બે દિવસ આપણે સહુ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે જે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકો નક્કી થયા છે, તેમાં ભારતની જે ભૂમિકા છે, તેને ચરિતાર્થ કરવા માટે શું કરી શકીએ છીએ ? આ અંગે આપણે કોઈ ચર્ચા કરી શકીએ છીએ ? આપણે આપણા એજન્ડાના કામ ઘણા છે, પરંતુ કોઈ પળ હોય, જેમાં કોઈ રાજનીતિ નહીં, પરંતુ માત્ર રાષ્ટ્રનીતિ, માત્ર માનવતાવાદ સાથે રાખીને શું કંઈ કરી શકીએ છીએ ? હું આશા રાખીશ કે આ અંગે વિચારવામાં આવે.

આ જ રીતે હું ત્રણ વિષયો, હું બીજી ત્રણ વાતો આજે આપની સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું. સરકાર આ હોય કે સરકાર પેલી હોય, પરંતુ એ વાત માનવી પડશે કે શિક્ષણ રાજ્યોનો વિષય હોવા છતાં પણ આપણા પ્રાથમિક શિક્ષણનું સ્તર ભારે ચિંતાનો વિષય છે, દુઃખનો વિષય છે. જો આપણા દેશના આ બાળકોની જિંદગી પર આપણે ધ્યાન નહીં આપીએ તો શું થશે. એ જ રીતે આપણે પર્યાવરણ, વૈશ્વિક આબોહવા પરિવર્તન, સીઓપી-21 આ બધું કરીએ, જરૂર કરીએ, પરંતુ પાણી. આ આપણી સમક્ષ ઘણી મોટી સામાજિક જવાબદારીનો વિષય છે. આ જ રીતે, એક વિષય, જેનાથી આપણે બધા બહુ ડરીએ છીએ, ડરવાનું કારણ પણ છે. હું તેના ઊંડાણમાં જવા નથી માંગતો, પરંતુ ન્યાય મેળવવામાં વિલંબ, ન્યાય નહીં આપવા બરાબર પણ આપણે કહીએ છીએ. આજે પણ આપણી નીચલી અદાલતોમાં એટલા બધા કેસો પેન્ડિંગ છે, શું ક્યારેય આપણે ગૃહમાં બેસીને એના માર્ગ શું હોઈ શકે, કેવા ઉપાય કરી શકાય, આ પ્રકારના એક-બે વિષયો આપણે નક્કી કરીએ અને છ મહિના પહેલા નક્કી કરી લઈએ અને પછી ગૃહમાં ચર્ચા કરીએ.

આપણે નિષ્ણાતો પાસેથી પેપર્સ મંગાવીએ, પેપર સરક્યુલેટ કરીએ અને ખૂબ જ ક્વોલિટેટિવ ચર્ચા કરીને તેમાંથી કોઈ એક્શનેબલ પોઈન્ટ આપણે તારવી શકીએ છીએ ? અને તે આ ગૃહની માલિકી હશે, કોઈ સરકારની નહીં હોય. સરકાર ગૌરવગાન કરવા માટે ન હોવી જોઈએ. આ ગૃહમાં અહીં પણ ઘણા અનુભવી લોકો બેઠા છે, ઘણા અનુભવી લોકો બેઠા છે. અને એટલે જ એક એવું સામુહિક ચિંતન થાય. અને મને ખબર છે સતપતિ જીએ અગાઉ એક ખૂબ સારો વિષય મૂક્યો હતો કે શા માટે એક દિવસ સાંસદોનો… હું આ જ વાતને આજે થોડા મઠારેલા રૂપમાં રજૂ કરી રહ્યો છું. મૂળ આ વિચાર મારા મનમાં સતપતિ જીનું ભાષણ સાંભળ્યું ત્યારે આવ્યો હતો. અને એટલે હું ઈચ્છું છું કે જો આપણે આ ચીજો કરી શકીએ, તો થશે. ક્યારેક-ક્યારેક ગૃહને અટકાવવાના સંદર્ભે અથવા તો ધાંધલ-ધમાલ કરીને કામકામાં અવરોધ ઊભો કરવાથી એક જાહેર ચર્ચા થાય છે, એ હોય છે કે આપણે લોકો કહીશું કે જુઓ, સરકારને કામ નથી કરવા દેતા, એ લોકો કહેશે કે જુઓ, સરકાર અમને સાંભળતી નથી. કોઈને લાગે છે કે જુઓ આપણે આપણી તાકાત બતાવી દીધી. ભલે અમે ઓછી સંખ્યામાં છીએ, પરંતુ આપણે…. આવું બધું ચાલી રહ્યું છે.

પરંતુ એક બીજી વાત છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ ગૃહ કેમ ચાલવા દેવામાં આવતું નથી. એટલા માટે નહીં કે સરકાર પ્રત્યે રોષ છે. એક ઈન્ફિરિયોરિટી – કોમ્પ્લેક્સને કારણે નથી ચાલવા દેવામાં આવતું. કારણકે વિપક્ષમાં પણ એવા હોનહાર સાંસદો છે, એવા તેજસ્વી સાંસદો છે અને હું માનું છું કે તેમને સાંભળવા, તેમના વિચારો પોતે જ એક ઘણી મોટી અસ્ક્યામત છે. પરંતુ જો ગૃહ ચાલશે તો તેમને બોલવાનો અવસર મળશે. જો તેઓ બોલશે તો તેમની વાહ-વાહ થશે, તો પછી અમારું શું થશે. આ ચિંતા સતાવી રહી છે. આ ઈન્ફિરિયોરિટી છે કે વિપક્ષના સામર્થ્યવાન સાંસદો બોલી ન શકે. વિપક્ષના સામર્થ્યવાન સાંસદોની પ્રતિભાનો પરિચય દેશને ન થવો જોઈએ. એટલા માટે આ સરકારને અટકાવવાવાળી વાત તો એની જગ્યાએ છે. પરંતુ વિપક્ષમાં કોઈ તાકાતવાન ન બનવું જોઈએ. કોઈ હોનહાર ન દેખાવું જોઈએ. આ ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનું પરિણામ છે. એટલે જ હવે આ વખતે સંસદનાં કામકાજ ચાલ્યાં તો મેં જોયું કે કેટલા તેજસ્વી લોકો છે આપણી પાસે, કેટલા શાનદાન વિચારો ધરાવે છે એ લોકો. ગયા બે સત્રમાં એમનો કોઈ લાભ ન મળ્યો. અને એટલા માટે હું માનું છું કે ખૂબ આવશ્યકતા છે અને હું જોઈ રહ્યો છું, ખૂબ અભ્યાસ કરીને આવે છે. વિપક્ષના પણ નાના-નાના પક્ષોના ચાર સભ્યો હશે, ત્રણ સભ્યો હશે અને કેટલાક લોકો મનોરંજન પણ કરાવે છે.

જ્યારે હું કંઈક વાંચતો રહેતો હોઉં છું, ત્યારે મારા મનમાં કેટલીક વાતો સારી લાગે છે. આપણે લોકોએ કોઈની મજાક ન ઉડાવવી જોઈએ. મેઇક ઈન ઈન્ડિયાની આપણે મજાક ઉડાવી રહ્યા છીએ. આ મેઇક ઈન ઈન્ડિયા દેશ માટે છે. હા, સફળ ન થયું તો સફળ બનાવવા માટે શું કરવું જોઈએ, સફળ થવા માટે કઈ ઉણપો છે, તેની ચર્ચા થવી જોઈએ. પરંતુ હું એક વાત કહેવા ઈચ્છું છું અને મને લાગે છે કે ખબર નહીં, કેમ એવું છે કે આપણે લોકો આપણા દેશની એક એવી ઈમેજ બનાવીએ છીએ, જાણે કે આપણે ભીખ માંગવાનો વાડકો લઈને નીકળ્યા હોઈએ. અને જ્યારે આપણે પોતે આમ કહીએ છીએ, તો બીજા લોકો આ જ વાત અને વધુ જોરશોરથી કહે છે અને વધુ ભારપૂર્વક કહે છે. આ હું નથી કહી રહ્યો, શ્રીમતી ઈન્દિરા ગાંધી કહી રહ્યા છે. આ 1974માં ઈન્દ્રપર્સ્થ કોલેજમાં ઈન્દિરા જીએ આ પ્રવચન આપ્યું હતું. અને એટલા માટે જ એ વાત પણ છે કે અમે કોઈ પણ નવી યોજના લાવીશું, નવી પદ્ધતિથી લાવીશું તો કેટલાક લોકોની ઉંમર તો વધે છે, પરંતુ સમજણ નથી વધતી. એમને સમજવામાં ઘણી વાર લાગે છે. કેટલાક લોકોનું એવું રહે છે. અને એટલે વાત સમજવામાં ઘણો સમય જાય છે. કેટલાક લોકો તો સમય વીતી જાય તો પણ વાત સમજી શકતા જ નથી. અને એટલે જ વિરોધ કરવામાં એમને સારું લાગે છે એટલે એ લોકો વિરોધ કરવા માટે પોતાના કીમિયા શોધતા રહેતા હોય છે. અને એટલે હું એક દર્દ રજૂ કરવા માંગું છું. આપણા દેશમાં ઘણી બધી તકલીફો છે, મોટાભાગની એવી છે, જે જૂની છે. ગરીબી, પછાતપણું, અંધવિશ્વાસ, કેટલીક ખોટી પરંપરાઓ. કેટલીક સમસ્યાઓ વિકાસ અને પ્રગતિની સાથે પણ આવી છે, પરંતુ આ દેશ સામે સૌથી મોટામાં મોટો પડકાર છે, ઝડપથી થઈ રહેલા પરિવર્તનનો વિરોધ. આ વિરોધ ભણેલા-ગણેલા લોકો પણ ઘણા મોંફાટ બનીને કરતા હોય છે. જેવું કોઈ ખાસ કાર્ય આગળ ધપે છે કે સો કારણો આપવામાં આવે છે કે આ કામ શા માટે ન કરવું જોઈએ. મને લાગે છે કે એક મજબૂત અને ઊંચી દિવાલે આપણને સહુને ચારેતરફથી ઘેરી લીધા છે. 1968માં ઈન્દિરા ગાંધીએ કહેલી આ વાત કેટલી સચોટ છે.

અહીં કોઈ પણ વાત આવે એટલે એમ કહેવાય છે કે આ તો અમારા સમયનું છે. આ તો અમારું યોગદાન છે. કેટલીક વાતો એવી છે, જે તમારું જ યોગદાન છે. હવે અમે એક અભિયાન શરૂ કર્યું. શાળાઓમાં ટોયલેટ બનાવવાનું. હવે તમારી વાત સાચી છે કે મોદી જી જો અમે અમારા કાર્યકાળમાં તમામ શાળાઓમાં ટોયલેટ બનાવી દીધા હોત, તો તમે શું કરત ? આ તો અમે બનાવ્યાં નહીં, એટલે તમે ચાર લાખ બનાવ્યાં. આ તમારું જ તો યોગદાન છે.

બાંગ્લાદેશની સીમાનો વિવાદ, આટલા બધા દાયકાઓ વીતી ગયા પછી બાંગ્લાદેશનો સરહદનો વિવાદ ઉકેલાયો. તમે કહી શકો છો કે જુઓ, અમે જો અમારા કાર્યકાળમાં ઉકેલી નાખ્યો હોત, તો મોદી તમારું અચિવમેન્ટ ક્યાં હોત. આ તો તમારા માટે બાકી રાખીને ગયા હતા, એ જ તો તમારું જ યોગદાન છે. 18 હજાર ગામ, આઝાદીના આટલાં વર્ષો પછી અંધકારમાં ડૂબેલા હોય અને જો અમે એ ગામડાંઓમાં વીજળી પહોંચાડીએ, તો તમે ગર્વથી કહી શકો છો કે મોદી જી આ 18 હજાર અમારી જ દેન છે, એટલે તો તમે કરી રહ્યા છો. અને એટલા માટે જ આ તમારી જ દેન છે. એ વાતનો હું કોઈ પ્રતિકાર કરતો નથી. 60 વર્ષના આ તમારા કારોબારનાં જ પરિણામ છે. એનો કોઈ ઈન્કાર કરી ન શકે. અને એટલે ક્યારેક-ક્યારેક ઘણા ગર્વ સાથે મનરેગાની ચર્ચા થાય છે. હું જરા કહેવા માંગું છું કે એનો ઈતિહાસ 50 વર્ષ જૂનો છે. પરંતુ એ અગાઉ પણ રાજા-રજવાડાંઓના જમાનામાં પણ આવી કેટલીક વ્યવસ્થાઓ ચાલતી હતી. તમે જુઓ 1972માં મહારાષ્ટ્રની રોજગાર ગેરંટી યોજના આવી. 1980માં નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (એનઆરઈપી) – 1980માં તેનું રીકાર્નેશન – પુનઃઘડતર થયું. 1983માં રુરલ લેન્ડલેસ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ (આરએલઈજીપી) ગ્રામીણ ભૂમિહીન રોજગાર ગેરંટી કાર્યક્રમ આવ્યો. આ બધાનું પુનઃઘડતર કરાતું ગયું. યોજનાઓનો પુનઃજન્મ થતો ગયો.

ત્યાર પછી 1989માં જવાહર રોજગાર યોજના (જેઆરવાય), આ મનરેગાનું પાછલા જન્મનું નામ છે. પરંતુ મને હેરાની છે કે પાછળથી જવાહર લાલજીનું નામ કાઢી નાખવામાં આવ્યું. અને એ બીજા કોઈએ નથી કાઢ્યું, એ જ પક્ષે કાઢ્યું, જે અમારા માથે માછલાં ધોતા રહે છે. ત્યારબાદ 1993માં એમ્પ્લોયમેન્ટ ઈન્સ્યુરન્સ સ્કીમ (ઈઆઈએસ) સુનિશ્ચિત રોજગાર યોજના આવી. ત્યારબાદ ભાજપાની સરકાર સત્તાસ્થાને આવી. તો એ સમયે આ તમામ યોજનાઓમાંથી જે સારું હતું, તે લઈને સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના (એસજીઆરવાય) શરૂ કરવામાં આવી. વર્ષ 2004માં ફરી તેમાં પુનઃઘડતર કરવામાં આવ્યું. નેશનલ ફૂડ ફોર વર્ક પ્રોગ્રામ, કામ કરવાના બદલામાં અનાજનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરાયો. તે પછી તેણે વર્ષ 2006માં નવું સ્વરૂપ ધારણ કર્યું – મનરેગા. પહેલા નરેગા અને પછી એક નવું જ્ઞાન લાધ્યું તો એને મનરેગા કરાયું. તો, ગરીબોના કલ્યાણ માટે સતત કોઈને કોઈ યોજનાઓ બનતી ગઈ. એ વાત સાચી છે કે તમે છાતી કાઢીને કહી શકો છો કે મોદી જી ચૂંટણીમાં ભાષણ કરવું અલગ વાત છે. તમે કહો છો કે ગરીબી હટાવશો, પરંતુ તમને ખબર નથી અમે કોણ છીએ. અરે, અમે ગરીબીનાં મૂળિયાં એટલાં મજબૂત કરી દીધાં છે, એટલાં મજબૂત કરી દીધાં છે, મોદી, તમે ઉખડી જશો, પરંતુ એને નહીં ઉખાડી શકો.

આ વાત સાચી છે કે મને અહીં આવ્યા પછી ખબર પડી કે તમે આટલાં મજબૂત મૂળિયાં જમાવ્યાં છે. અને એટલે મેં ગઈ વખતે પણ કહ્યું હતું, આ વાતનો કોઈ ઈન્કાર નહીં કરે કે આ દેશનાં 60 વર્ષના કાર્યકાળમાં જો આપણે ગરીબોનું કલ્યાણ કરી શક્યા હોત, તો આજે મારા દેશના ગરીબોને માટી ઉપાડવા કે ખાડા ખોદવા માટે લાચાર ન બનવું પડતું હોત. આ આપણી સફળતાનું સ્મારક નથી. આ આપણે સહુએ સ્વીકાર કરવું પડશે. અને એટલે જ આ આપણી જવાબદારી પણ બને છે કે આ યોજનાનો જે તબક્કાવાર વિકાસ થયો છે, તેને વધુ સારી બનાવીએ અને એ જવાબદારી નિભાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ એ વાત સ્વીકારવી પડશે કે આપણે દેશને એવી હાલતમાં લાવી દીધો છે કે સ્કિલ્ડ લેબરને – કુશળતા ધરાવતા શ્રમિકને પણ અનસ્કિલ્ડ થવામાં – અકુશળ બતાવવામાં મઝા આવવા લાગી છે. અને એટલે જ હું જ્યારે કહું છું કે આપણી અસફળતાઓનું સ્મારક છે, તો એનો મતલબ એ જ છે કે ગરીબી ન હોત, તો આ નરેગા કે મનરેગાની જરૂરત ન હોત. પરંતુ આ સચ્ચાઈ છે અને મેં આવીને જોયું છે કે ગરીબીનાં મૂળિયાં એવાં જમાવી દીધાં છે કે તેને ઉખાડીને ફેંકવા માટે મારે ભારે મહેનત કરવી પડી રહી છે અને તેના માટે અમે હમણાં જે યોજના ચાલુ છે, તેમાં જે ખામીઓ છે, તે ખામીઓને કેવી રીતે દૂર કરવી તે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

આજે આદરણીય ખડગે જીએ કહ્યું હતું કે મનરેગામાં ભ્રષ્ટાચાર ઘણો છે. હું તમારી સાથે હજાર ટકા સહમત છું. હું તેનો કોઈ વિરોધ નથી કરતો. તમે વર્ષ 2012નો કેગનો અહેવાલ જોઈ લેજો. શું ઓબ્ઝર્વેશન કર્યાં છે, કેવી રીતે ભ્રષ્ટાચારે તેની સાથે પોતાનાં મૂળિયાં જમાવી દીધાં છે. કેવી રીતે ગરીબોના નામે રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. એ અંગે તેમાં ચર્ચા છે, વર્ષ 2012ના કેગ (સીએજી)ના અહેવાલમાં ચર્ચા છે. અને એટલે જ અમે તેમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કર્યો છે. અને અમે ઘણું બધું શીખવા માંગીએ છીએ અને શીખવાનો પ્રયાસ કરીને તેમાં જે ચીજો હતી, તેમાંથી બહાર નીકળીને તદ્દન સુરક્ષિત કેવી રીતે બની શકાય, જરૂરિયાતવાળા લોકોને કેવી રીતે સહાય પહોંચાડાય તેની પર કામ કરીશું. કેગએ એક ઘણું મહત્ત્વનું ઓબ્ઝર્વેશન કર્યું છે અને તે ચોંકાવનારું છે.

આપણા દેશમાં જે રાજ્યોને આપણે ગરીબોની શ્રેણીમાં ગણીએ છીએ. જ્યાં ગરીબોની સંખ્યા વધુ છે. કેગનો અહેવાલ જણાવે છે કે જ્યાં ગરીબોની સંખ્યા ઓછી છે અને વહીવટ-વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે, તેવા રાજ્યોમાં નરેગાનો, મનરેગાનો સૌથી વધુ ઉપયોગ થયો છે. પરંતુ જ્યાં ખરેખર ગરીબી છે, જ્યાં સૌથી વધુ જરૂર છે, ત્યાં તેનો ઓછો ઉપયોગ થયો છે. મતલબ કે, આ ગરીબોને લક્ષ્યમાં રાખીને પહોંચાડવામાં આપણે એટલા સફળ નથી થયા અને એટલા માટે આપણી જવાબદારી બને છે કે આપણે તેને વધુ પર્ફેક્ટ કેવી રીતે બનાવીએ, જેથી જે રાજ્યોમાં ગરીબોની સંખ્યા વધુ છે, જે રાજ્યોમાં ગરીબી વધુ છે, તે તરફ સહાય કેવી રીતે પહોંચે. સમૃદ્ધ રાજ્યોની ક્ષમતા છે કે આ સારી બાબતોને વ્યવસ્થાપૂર્વક કરે, અમે એ દિશામાં પ્રયત્ન કર્યો કે એવાં રાજ્યોને આ કેવી રીતે પહોંચાડાય. અમે જામ – જેએએમ – યોજના સાથે જનધાન, આધાર અને મોબાઈલ – સહાયનાં નાણાં કેવી રીતે લાભાર્થીને સીધેસીધા પહોંચે, તે દિશામાં ઘણું મોટું અભિયાન શરૂ કર્યું છે, તો તેના કારણે વચેટિયાઓ હટાવી દેવામાં અમને કદાચ સફળતા મળશે.

અને એટલે હું માનું છું કે આ જે મનરેગાની આપણે આટલી બધી પ્રશંસા કરીએ છીએ. કેગએ જણાવ્યું છે કે સાત વર્ષ પછી પણ પાંચ રાજ્યો એવા હતાં, જેમણે નિયમો પણ નથી બનાવ્યા અને દુઃખ એ વાતનું છે, કે આ પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યો એ છે, જે આ મનરેગાના ગીત ગાય છે કે જેમણે સાત વરસ વીતી ગયા, છતાં હજુ સુધી નિયમો પણ બનાવ્યા ન હતા અને એટલા માટે ઈવન કેન્દ્ર શાસિત પ્રદેશો, તેમાં પણ આ મુશ્કેલી જોવા મળી છે. તે જ રીતે આઠ રાજ્યોમાં, 100 દિવસનું અમારું લક્ષ્ય છે, અમે ક્યારેય પૂરું નથી કરી શક્યા. સરેરાશ 30 દિવસ, 40 દિવસથી ગાડી અટકી જાય છે. અમે જે પ્રકારે તેનો નવો ઢાંચો બનાવવાનો પ્રયાસ કર્યો છે, તેમાં નિર્ધારિત લક્ષ્ય હોય, રોજગાર મળે, મહત્તમ દિવસ સુધી રોજગાર મળે, વચેટિયાઓ દૂર થાય, પાઈએ પાઈનો સાચો ઉપયોગ થાય અને તેના ઓડિટની વ્યવસ્થા હોય, એ દિશામાં અમે ભરપૂર પ્રયાસ કર્યો છે. અને એટલા માટે જ મને વિશ્વાસ છે કે આજે શ્રમિકોના બેન્ક કે પોસ્ટઓફિસના ખાતામાં ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી સીધેસીધા પૈસા જમા થાય છે. 94 ટકા શ્રમિકોને આ જ માધ્યમથી ચૂકવણી કરવાની દિશામાં અમે આગળ વધ્યા છીએ.

બીજી તરફ, ક્યારેક ને ક્યારેક આ ગૃહ માત્ર ઈર્ષ્યાભાવથી કામ કરવા માટે નથી કે મારા કરતાં તારું શર્ટ વધુ સફેદ કેમ છે, આવો ઈર્ષ્યાભાવ માટે નથી. હું માનું છું કે અમારી જે ટીકા થઈ રહી છે. માનનીય અધ્યક્ષા જી, ટીકા એ વાત માટે નથી થઈ રહી કે અમે કંઈ ખોટું કર્યું છે, ચિંતા એ વાતની છે કે તમે અમારાથી વધુ સારું શા માટે કરી રહ્યા છો, કેવી રીતે કરી રહ્યા છો, આ ચિંતાનો વિષય સતાવી રહ્યો છે અને એટલા માટે પરેશાની થઈ રહી છે. જે 60 વર્ષમાં નથી કરી શક્યા એ તમે કેવી રીતે કરી લો છો, આ ચિંતાનો વિષય છે અને યોજનાઓ કેવી હોય છે, લાંબા સમય સુધી કેવો લાભ કરે છે.

આ દેશના બુદ્ધિજીવી વર્ગને પણ હું આમંત્રિત કરું છું કે બે યોજનાઓનો એક તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર છે, એક અટલ જીના સમયમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અને બીજી આપણી મનરેગા. તમે એનાલિસિસ જોશો, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું, તો એ રાજ્યોને સૌથી વધુ લાભ મળ્યો છે, જે એકંદરે ગરીબીની શ્રેણીમાં આવે છે. રસ્તા બને છે તો રોજગાર પણ આવે છે, રસ્તા બને છે તો સુવિધા પણ આવે છે અને તેના કારણે શિક્ષણમાં, સ્વાસ્થ્યમાં, સંપત્તિમાં પણ એક પરિવર્તન આવે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ સરકારના પૈસા ગયા, મનરેગામાં પણ ગયા, પરંતુ એસેટ ક્રીએશન થયું અને એટલા માટે તેમાંથી બોધ લઈને અમે મનરેગાને પણ એસેટ ક્રીએશન માટે ભાર મૂકી રહ્યા છીએ. તેમાં પણ પાણી પર અમે સૌથી વધુ ભાર મૂકીએ છીએ અને તેનાં પરિણામ મળશે. એવું હું માનું છું અને અમે એ માટે કોશિષ કરી રહ્યા છીએ.

આપણા મલ્લિકાર્જુન જીએ ફૂડ સિક્યોરિટી બિલ અંગે, એક્ટ અંગે, અને મેં જોયું છે કે ગુજરાતની વાત આવે તો ખૂબ મજા પડી જાય છે, બહુ આનંદ આવી જાય છે અને પછી કહેવાનું કશું હોતું નથી તો ગોળ ફરીને, તો એ તમારી નાદારી છે, હું જાણું છું કે તમારી પાસે બીજું કશું નથી. પરંતુ હું જણાવવામા માંગું છું કે જે રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા કાયદાનાં તમે ગીતો ગાઈ રહ્યા છો, અને અમને વારંવાર સંભળાવો છો કે અમે લાવ્યા, અમે લાવ્યા, અમે લાવ્યા. અમે મે, 2014માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. અધ્યક્ષ મહોદયાજી, મે, 2014માં માત્ર 11 રાજ્યોએ ઉતાવળમાં તેમાં જે અપેક્ષાઓ હતી, એવી કોઈ વ્યવસ્થા સ્થાપ્યા વિના કાગળ પર લખી દીધું હતું કે સ્વીકાર કરી રહ્યા છીએ. જે વાત માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ, તેની આ દુર્દશા હતી. એટલું જ નહીં, આજે જે હું અત્યારે ઊભો થયો ને, એ સમયની વાત જણાવવામાં માંગું છું. આજે પણ ચાર રાજ્યો એવા છે, કુલ આઠ. ચાર રાજ્ય એવા છે, જેમાં આજે પણ આ ફૂડ સિક્યોરિટી એક્ટનું નામોનિશાન નથી અને આ રાજ્યોમાં તમે સત્તામાં છો તેવાં રાજ્યો છે – કેરળ, મિઝોરમ, મણીપુર, અરુણાંચલ પ્રદેશ. અને એટલે જ ગુજરાતે હવે કરી લીધું અને તેમણે, તેમણે જેટલી ચોક્કસતાપૂર્વક સંપન્ન કર્યું છે, તે જરા જઈને અભ્યાસ કરવો જોઈએ, તમારી એક આખી ટીમ મોકલો.

તમે કેરળમાં ચૂંટણીમાં જઈ રહ્યા છો. તમે જે વધારી-ચઢાવીને વાતો કરી રહ્યા છો, કેરળની જનતા તમારી પાસે જવાબ માંગશે કે તમે જે એક્ટ વિશે આટલી મોટી મોટી વાતો કરી હતી, કેરળને એ એક્ટથી વંચિત કેમ રાખ્યું હતું, અરુણાંચલ પ્રદેશને કેમ વંચિત રાખ્યું હતું, મિઝોરમને કેમ વંચિત રાખ્યું હતું, મણિપુરને કેમ વંચિત રાખ્યું હતું. આઠ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં તમારી સરકાર છે અને એટલા માટે હું કહેવા માંગું છું કે અમે બહુ જણાવીએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક જ. ક્યારેક – ક્યારેક તમે સહુ મહાનુભાવ, જ્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત આવી હતી, તો વેંકૈયા જી જ્યારે બોલી રહ્યા હતા, ત્યારે આપણા સૌગત રાય જી પાછળ ઊભા થઈ ગયા હતા. એવી રીતે એ ફટાફટ ઊભા થઈ જાય છે અને જ્યારે એ ઊભા થઈ જાય છે, ત્યારે તેમના પક્ષના લોકો પણ જોઈ રહે છે કે ખબર નહીં, શું કરશે.

સૌગત રાય જીએ કહ્યું કે ભાઈ, આ ખેડૂત પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ તો માત્ર 45 જિલ્લાઓ માટે છે, તો એક જાણકારી માટે સૌગત રાયને કહેવા માંગું છું કે આ પહેલી એપ્રિલથી દેશના તમામ ગામડાં, તમામ ખેડૂતો માટે અમલમાં આવશે. આ યોજનાની વધુ એક ખૂબી છે. જેના તરફ હું તમારું અને જે 45 જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે કામ હાથ ધરાયું છે. હવે આ પ્રાયોગિક ધોરણે એટલા માટે કારણ કે તેમાં સફળતા મળે કે ન મળે, લોકોને પસંદ આવે કે ન આવે, અનેક મુદ્દા હોય છે. અમે એમ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સાથે કોઈ બે બીજી વસ્તુઓ પણ તમે વીમામાં જોડી શકો છો ? અને તેના માટે અમે ખેડૂતોને 7 વિકલ્પો આ 45 જિલ્લાઓમાં એક પ્રયોગાત્મક રીતે આપવાનું નક્કી કર્યું છે.

એક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, બીજી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ત્રીજી વિદ્યાર્થી (છાત્ર) સુરક્ષા યોજના, ચોથી, ઘર અગ્નિ દુર્ઘટના વીમા યોજના, પાંચમી કૃષિ સંયંત્ર પંપ સેટ વીમા યોજના, છઠ્ઠી ટ્રેક્ટર વીમા યોજના અને સાતમી મોટર બાઈક વીમા યોજના. આ ખેડૂત સાથે જોડાયેલી 7 વસ્તુઓ છે. જો તેમાંથી ફસલ બીમા – પાક વીમા સાથે તેમને શું અનુકૂળ આવે છે તેવી તેમાંથી કોઈ બે વસ્તુઓ લે તો તેમને ઓછા પ્રિમિયમમાં વધુ લાભ મળી શકે છે. તેમનો પંપ ખરાબ થઈ જાય છે એટલે પ્રાયોગિક ધોરણે વીમા કંપનીને થોડી તકલીફ તો પડે છે, પરંતુ મેં ખૂબ આગ્રહ કર્યો છે. એક પ્રયોગ છે, હું સાંસદોને પણ આગ્રહ કરું છું કે તેના પર તેઓ સમીક્ષા કરે, યોગ્ય લાગશે તો આગળ વધારીશું, નહીં તો છોડી દઈશું. પરંતુ આ સંદર્ભે 45 જિલ્લાવાળા ટ્રાયલમાં જ હતું, તે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ન હતું.

ક્યારેક ક્યારેક કહેવાય છે કે ભાઈ આ તો અમારું હતું. હું કેવી રીતે કહી શકું કે રેલવેની શરૂઆત મેં કરી. તમે કહી શકો છો, તમે તો કંઈ પણ કહી શકો છો, અમારામાં એ હિંમત નથી અને એટલે જ યુપીએનાં 10 વર્ષ. રેલવે, સુરેશ જી, આમ રેલવેના વિકાસમાં સરેરાશ વાર્ષિક ખર્ચ માટે 9291 કરોડ રૂપિયા. અમારા આ બે વર્ષમાં 32,587 કરોડ રૂપિયા. દર વર્ષે સરેરાશ લાઈનોનું કમિશનિંગ છે. અમે કેટલી લાઈનો નાંખી છે, યુપીએ – 1 સમયે એવરેજ છે 1477 કિલોમીટર, યુપીએ – 2માં થોડો સુધારો થયો 1520 કિલોમીટર. એનડીએ 2292..આશરે 2300 કિલોમીટર. કામ કેવી રીતે થાય છે, ગતિ કેવી રીતે લાવી શકાય છે, એક પરફોર્મ કરવાવાળી સરકાર કેવી હોય છે. સંસાધન આ જ હતાં, રેલવેના પાટા ત્યાં જ હતાં, ડિપાર્ટમેન્ટ એ જ હતા, કર્મચારીઓ એ જ હતા, કાયદો-વ્યવસ્થા એ જ હતી, આ જીવતું જાગતું ઉદાહરણ છે અને હું દરેક ક્ષેત્રમાં આ બતાવી શકું છું, પરંતુ રાષ્ટ્રપતિ જીના ભાષણને પગલે વધુ ન જણાવતા મેં આટલું જ કહ્યું છે.

આદરણીય અધ્યક્ષા મહોદયા, એક વાત હંમેશા ચર્ચામાં રહે ધિરાણ સંદર્ભે, તે એ છે કે રાજ્યોને પૈસા ઘટાડી દીધા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. આ એવી પવિત્ર જગ્યા છે કે મારે દેશ સમક્ષ આ બાબતો મૂકવી જરૂરી જણાય છે. 14મા નાણાં પંચની ભલામણો પછી વર્ષ 2015-16થી રાજ્યોને વર્ષ 2014-15ની સરખામણીએ કેન્દ્ર પાસેથી વધુ નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. રાજ્યોને નાણાંકીય સાધનો ત્રણ મુખ્ય મથાળાં હેઠળ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્રિય કરવેરામાં રાજ્ય સરકારનો હિસ્સો, નોન પ્લાન ગ્રાન્ટ્સ – બિનઆયોજિત ગ્રાન્ટ્સ તેમજ રાજ્યોની યોજનાઓ માટે કેન્દ્ર સરકારની મદદ. કેન્દ્ર સરકારે વર્ષ 2014-15માં રાજ્યોને કુલ 6,78,819 કરોડ રૂપિયાની સહાયની રકમ આપી હતી. વર્ષ 2015-16ના સુધારેલાં અંદાજો મુજબ રાજ્યોને 1,20,133 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં. વર્ષ 2015-16ની રકમ, વર્ષ 2014-15ની રકમ કરતાં એક લાખ, 41 હજાર, 314 કરોડ રૂપિયા, 1,41,314 કરોડ રૂપિયા વધુ છે. આ ત્રણેય મથાળાં હેઠળ મળી રહેલી રકમ પાછલા વર્ષની સરખામણીએ 20.8 ટકા વધુ છે. અને એટલે આ જે વિના કારણે હકીકતો ન જણાવીને અર્થવિનાની વાતો ચલાવવાની જે કોશિષો થઈ રહી છે, હું માનું છું કે તેને જરા સમજવાની જરૂર છે.

એ જ રીતે, આપણો દેશ લોકશાહીમાં વિશ્વાસ રાખતો દેશ રહ્યો છે, લોકશાહી માટે પ્રતિબદ્ધ દેશ રહ્યો છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ દેશમાં, સાર્વજનિક જીવનમાં આપણે સહુ લોકો જવાબદેહ છીએ. કોઈ પણ વ્યક્તિ આપણને સવાલ પૂછી શકે છે, પૂછવાનો તેનો હક્ક છે, પરંતુ કેટલાક લોકો છે, જે જવાબદાર નથી, ન તો કોઈ તેમને પૂછવાની હિંમત કરે છે, ન તો એમને કંઈ કહેવાની કોઈની તાકાત છે. અને જે એવું કોઈ કરવા જાય, તેમના શા હાલ થાય છે, તે હું જોઈ ચૂક્યો છું. પરંતુ હું ઘટનાનો માત્ર ઉલ્લેખ કરવા ઈચ્છું છું, અર્થ તમે લોકો કાઢો. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ શ્રી ખ્રુશ્ચોવ, જ્યારે સ્ટાલિનનું મૃત્યુ થઈ ગયું, તે એમના સાથી હતા તો સ્ટાલિનના મૃત્યુ પછી તેઓ જ્યાં જતા હતા ખ્રુશ્ચોવ, સ્ટાલિનની ખૂબ ટીકા કરતા હતા, બહુ જ કઠોર શબ્દોમાં નિંદા કરતા હતા, કંઈ પણ કહેતા હતા અને એવું તે દરેક સ્થળે કરતા હતા. તો એકવાર એક હોલમાં ખ્રુશ્ચોવ પોતાની વાત કહી રહ્યા હતા અને સ્ટાલિનની, પોતાના ભૂતપૂર્વ નેતાની તેમના મૃત્યુ પછી જોરદાર ટીકા કરી.

પાછળથી એક નવયુવાન ઊભો થઈ ગયો. તેણે કહ્યું મિસ્ટર ખ્રુશ્ચોવ, હું તમને સવાલ પૂછવા માંગું છું. તેણે કહ્યું, તમે સ્ટાલિનને આટલી ગાળો આપો છો, આટલા બદનામ કરો છો. જ્યારે તેઓ જીવતા હતા, તમે તો તેમની સાથે કામ કરતા હતા. ત્યારે તમે શું કર્યું, આ જે પરિસ્થિતિ સર્જાઈ, તમે શું કર્યું. સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો. જ્યારે હોલમાં સન્નાટો છવાઈ ગયો અને કેટલીક પળો પછી ખ્રુશ્ચોવે કહ્યું, જેણે સવાલ કર્યો છે, તે જરા ઊભા થઈ જાય, તે યુવાન ઊભો થઈ ગયો. તેમણે કહ્યું, તને જવાબ મળી ગયો. તું આજે જે કરી શક્યો છે, સ્ટાલિનના જમાનામાં હું ઈચ્છતો હતો, પરંતુ કરી શક્યો ન હતો અને એટલા માટે તેને સમજવામાં વાર લાગી, કારણ કે તેમાં કોઈ બદામ કામ નહીં આવે, તમને તો કદાચ થોડી સમજ પડી જશે, બીજાઓ માટે હું નહીં કહી શકું.

આપણે ત્યાં ક્યારેક ક્યારેક શાસ્ત્રોમાં લોકકથાઓમાં કેટલીક વાતો ઘણી સારી કહેવાઈ હોય છે અને તેમાં ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ધનેરે’ બીજાને ઉપદેશ આપવાની કુશળતા ધરાવતા લોકો તો ઘણા બધા છે, પરંતુ જે પોતે તેવું આચરણ કરે, તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. હું તમારા બધાની જેમ ઉપદેશ સાંભળતો રહ્યો છું, સલાહ સાંભળતો રહ્યો છું, ટીકા સહન કરતો રહ્યો છું, ટીકાથી વધુ આરોપ સહન કરતો રહ્યો છું, આ બધું ચાલી રહ્યું છે અને મને શું થયું કે 14 વર્ષનાં કામકાજ, ઘણું બધું તેમાંથી જીવવાનું શીખી ચૂક્યો છું, તેમાંથી જીવવાનું શીખી ચૂક્યો છું, પરંતુ આ દેશ એ વાતને ક્યારેય ભૂલી નહીં શકે. અધ્યક્ષ મહોદયા, 27મી સપ્ટેમ્બર, 2013ના રોજ આપણા દેશના સન્માનનીય પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અમેરિકામાં હતા, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થવાની હતી, દેશના સન્માનનીય નેતા હતા. હિન્દુસ્તાનની કેબિનેટ, જેમાં ફારુખ અબ્દુલ્લા સાહેબ બેસતા હતા, એન્ટની સાહેબ બેસતા હતા, શરદ પવાર સાહેબ બેઠતા હતા, આ દેશના અગ્રણી અનુભવી નેતા બેસતા હતા.

એ કેબિનેટમાં જે નિર્ણય કરાયો. એ નિર્ણયને 27મી સપ્ટેમ્બર, 2013ના રોજ પત્રકાર પરિષદમાં ફાડી નાંખવામાં આવ્યો હતો, ઓર્ડિનન્સને ફાડી નાંખવામાં આવ્યો હતો. પોતાનાથી મોટાંઓનું માન-સન્માન, આદર હું ખૂબ…. આદરણીય અધ્યક્ષ મહોદયા, મુલાયમ સિંહ જીઅને હું બે છેડે ઊભેલા નેતાઓ છીએ, મારી એક પણ વાતને તેઓ નહીં સ્વીકારી શકે, હું તેમની એક પણ વાત નથી સ્વીકારી શકતો, સિવાય કે લોહિયા જીના વિચારોને. કારણ કે હું એવી જગ્યાએ પેદા થયો છું, મને લોહિયા જી ગમે તે ઘણું સ્વાભાવિક હતું, પરંતુ મુલાયમ સિંહ જીએ જનતાને વાયદા કરતી પોતાની એક જાહેરાત કરી હતી કે અમે ઉત્તર પ્રદેશ માટે આમ કરીશું, તેમ કરીશું. મુલાયમ સિંહ જી અમને ગમે કે ના ગમે, પરંતુ ઘણા મોટા વરિષ્ઠ નેતા છે, જાહેર સભામાં મુલાયમ સિંહજીના વાયદાઓને ફાડી નાંખવામાં આવ્યા છે અને પછી મને વારંવાર યાદ આવે છે ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ધનેરે ’.

આદરણીય અધ્યક્ષા મહોદયા જી, દેશ, મને લાગે છે કે લોકશાહીમાં આગળ વધવા માટે એક જરૂરત છે. હું અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું તે કદાચ, આપણને સહુને ગમશે. હું નાનો હતો, તો હું જે ગામમાં મોટો થયો, અમારે ત્યાં એક એમએલએ હતા, એ કદી હારતા જ ન હતા, હંમેશા જીતતા હતા. પરંતુ તેઓ જતા હતા ટ્રેનમાં, અમે પણ કોશિષ કરતા હતા, તેમને ચ્હા પીવડાવીએ, પરંતુ કોઈ મુસીબત આવી જાય, રેલવેમાં તો અમે તેમને સંભાળતા હતા. તો અમે જોઈ રહ્યા હતા કે આપણા દેશમાં એમની પાસેથી મેં એકવાર ઈલેક્ટિવ શબ્દ સાંભળ્યો. હવે અમને ઈલેક્ટિવ શું છે તે સમજણ ન હતી પરંતુ જ્યારે જેમ દિવસો વીતતા ગયા, તો ખબર પડી કે ઈલેક્ટિવ એટલે શું. હું જોઈ રહ્યો હતો કે કોઈ ઈલેક્ટિવ આવી જાય તો સમગ્ર સરકારી તંત્ર હાલી ઉઠે છે, નીચેથી ઉપર સુધીના ઓફિસરો પરેશાન રહેતા હતા, કારણ કે વિધાનસભા કે સંસદમાં સવાલ આવી ગયો, એક ગભરાટનો માહોલ હતો. ગૃહમાં પણ ક્યારેક કોઈ વિષયની ચર્ચા થતી હતી તો ઓફિસરોને ચિંતા રહેતી હતી, ખબર નહીં, શું થશે. આપણી લોકશાહીમાં સંસદીય કાર્યવાહીને આપણે ક્યાં લઈ ગયા. આ આજે આપણા સાંસદોના સવાલોથી, સરકારના કોઈ ઓફિસરને પરસેવો વળતો નથી, ચિંતા થતી નથી. આપણે આપણી આ કાર્યવાહીને ક્યાં લઈ ગયા કે આપણા અધિકારીઓને કોઈ ડર નથી રહ્યો. આ સવાલ આ સરકારનો કે તે સરકારનો નથી. કાળક્રમે આ ખરાબી આવી છે.

જ્યારે સંસદની અંદર ભલેને વિપક્ષનો એકમાત્ર સાંસદ કેમ ન હોય, તેના પક્ષનો અને કોઈ પણ સભ્ય કેમ ના હોય, પરંતુ સરકારી અધિકારીઓ માટે સરકારી તંત્ર માટે તે પ્રધાનમંત્રીથી ઓછો ન હોઈ શકે. પરંતુ આજે હું ઈચ્છું છું આપણે લોકો નક્કી કરીએ. તુ-તુ, મૈં-મૈં આપણે કરીશું, તમે મને વખોડશો, હું તમને વખોડીશ અને અધિકારીઓ તાળીઓ પાડે છે, મઝા લે છે. આ લાંબા ગાળાથી ચાલી આવતી બીમારી છે. આ ગૃહમાં વિપક્ષ શબ્દ જ તેમના માટે મહત્ત્વપૂર્ણ છે, આ જનપ્રતિનિધિ છે, આ દેશના લોકો છે. આ સ્થિતિ લાવવી હોય તો આ તુ-તુ, મૈં-મૈં કરીને જે આપણે સ્કોરિંગ કરીએ છીએ, મીડિયામાં છવાઈ જઈએ છીએ. આપણને લાગે છે કે એમણે ઘણું બધું કરી લીધું, પરંતુ અમલદારશાહીની એકાઉન્ટેબિલિટી પૂરી થઈ જાય છે. લોકશાહીમાં આપણે લોકો તો દર પાંચ વર્ષમાં જનતાને હિસાબ આપીશું. આવીશું, નહીં આવીએ, ચાલતું રહેશે, પરંતુ એમનો હિસાબ લેવા માટે આ જ એક જગ્યા છે. અને એટલા માટે આપણી સંસદીય કાર્યપ્રણાલિમાં આપણે સહુએ, તમામ સભ્યોએ ભલે એક જ સભ્ય કેમ ન હોય, તે પ્રધાનમંત્રીથી ઓછો નથી અને એટલા માટે એ આવશ્યક છે કે આપણા અધિકારીનું ઉત્તરદાયિત્વ કેવી રીતે વધારવું જોઈએ તે વિચારવું જોઈએ. આ જ્યાં સુધી આપણે સાથે મળીને નહીં કરીએ, આ એકાઉન્ટેબિલિટી શક્ય નહીં બને અને ત્યાં સુધી એક સરકારને ગાળો પડશે, બીજી સરકાર આવશે, એ લોકો મઝા લેવાનું બંધ નહીં થાય.

આપણી સમક્ષ એ પડકાર છે, હું માનું છું અને આ પડકારને આપણે સામનો કરવાની દિશામાં એક સામુહિક પ્રયાસ કરવો પડશે. આમાં તમારે પણ એ ભોગવવું પડે છે, હું તો લાંબા સમયથી આ કામ કરીને આવ્યો છું કારણ કે મને ખબર છે. હું કોઈને દોષ નથી આપતો, પરંતુ આ આપણે છાપામાં શું છપાશે તેની ચિંતામાં તુ-તુ, મૈં-મૈંમાં લાગેલા રહીએ છીએ. તેના કારણે લાખો અધિકારીઓ છે, લાખો અધિકારીઓ. અબજો-અબજો રુપિયાના પગાર જઈ રહ્યા છે, યોજનાઓની ખોટ નથી. તમારા સમયે પણ ઓછી ન હતી, મારા સમયે પણ ઓછી નથી. સવાલ એ છે કે આપણે એ એકાઉન્ટેબિલિટી કેવી રીતે લાવીએ.

એક વધુ વાત મારે આ ગૃહને કહેવી છે, ભારત જેવી લોકશાહીમાં આપણે દેશના નાગરિકોને અમલદારશાહીના ભરોસે છોડી ન શકીએ. આપણે આપણા સવા સો કરોડ દેશવાસીઓ પર ભરોસો કરવો પડશે, તેમના પર આપણે વિશ્વાસ કરવો પડશે અને એક વાર આપણે સવા સો કરોડ દેશવાસીઓ પર વિશ્વાસ મૂકીને ચાલીશું, મને વિશ્વાસ છે કે આ દેશના નાગરિક આપણી પાસે કંઈ બહુ બધું નથી માંગી રહ્યા, એ લોકો આપણી સાથે ચાલવા તૈયાર છે. અમે એ દિશામાં કેટલાક પ્રયાસ કર્યા, એ પ્રયાસો બહુ મોટા છે એવો મારો દાવો નથી, પરંતુ એ દિશામાં જવું છે.

અમે નીચલા સ્તરના કર્મચારીઓ માટે ઈન્ટરવ્યુ શા માટે બંધ કર્યા કેમકે આપણે એ નાગરિક પર વિશ્વાસ મૂકતા શીખવાનું છે, આપણે નાગરિકોને બિચારાઓને ઝેરોક્સના જમાનામાં પણ ગેઝેટેડ ઓફિસર પાસે સિગ્નેચર માટે મોકલતા હતા. ક્યારેક સાંસદ, વિધાનસભ્યના ઘર પાસે હરોળબંધ ઊભા રહેવું પડતું હતું અને સાંસદ, વિધાનસભ્ય તેનું મોઢું પણ જોતા નહતા, એક નાનકડો છોકરો બેઠો હોય, થપ્પા મારી મારીને આપી રહ્યો હતો. આપણા એ દસમું, બારમું પાસ બાળકો પર તો ભરોસો હતો, પરંતુ એ નાગરિક પર આપણો ભરોસો ન હતો, અમે તે હટાવી દીધો, કારણ કે નાગરિક પર વિશ્વાસ હોવો જોઈએ, જ્યારે ફાયનલ જોબ મળશે, ત્યારે દેખાડશે. હમણાં અમે બજેટમાં ઘણી મહત્ત્વપૂર્ણ વાત મૂકી છે કે બે કરોડ રુપિયા સુધી અમે કંઈ નહીં પૂછીએ. તમે જે આપશો તે અમે લઈ લઈશું. વિશ્વાસ વધારવાના માહોલને પ્રોત્સાહન આપવાનું છે, આવા કોઈ નવા સૂચનો હોય તો તમે જરુર આપજો.

હું ઈચ્છીશ કે સરકાર આદત બનાવી લે, આ સરકારે પણ સુધરવું જોઈએ, આ સરકારમાં પણ સુધારા લાવવા જોઈએ અને તમારી મદદ વિના નહીં આવે. તમારી મદદ જોઈએ છે, મારે. તમારા લોકોનો સાથ જોઈએ છે. તમારા અનુભવનો મારે લાભ જોઈએ છે. હું નવો છું, તમે અનુભવી લોકો છો. આવો, ખભે ખભા મિલાવીને આપણે ચાલીએ અને કંઈક સારું કામ કરીને દેશ માટે કંઈક આપીને જઈએ. સરકાર આવશે-જશે, લોકો આવશે-જશે, વાત બગડશે પણ ખરી અને બનશે પણ ખરી, આ દેશ અજર-અમર છે, આ દેશ રહેવાનો છે અને આ દેશની પૂર્તિ માટે આપણે કામ કરીએ. આ જ એક અપેક્ષા સાથે ફરી એકવાર રાષ્ટ્રપતિ જીને આદરપૂર્વક નમસ્કાર કરું છું, તેમનો આભાર માનું છું. ખૂબ-ખૂબ આભાર.

J.Khunt/GP