Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ 2021માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપ્રમુખ બાઇડેન,

ગણમાન્ય સાથીદારો,

આ પૃથ્વી પર વસતા મારા સાથી નાગરિકો,

નમસ્કાર!

હું આ પહેલ કરવા બદલ રાષ્ટ્રપ્રમુખ બાઇડેનનો આભાર માનું છું. અત્યારે માનવજાત આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે ઝઝૂમી રહી છે. અને આ સમિટે આપણને ઉચિત સમયે યાદ અપાવ્યું છે કે, આબોહવામાં પરિવર્તનનું ગંભીર જોખમ દૂર થયું નથી.

હકીકતમાં આબોહવામાં પરિવર્તન દુનિયાભરમાં લાખો લોકો માટે કડવી વાસ્તવિકતા છે. આબોહવાના પરિવર્તનના નુકસાનકારક પરિણામોની અસર લાખો લોકોના જીવન અને આજીવિકા પર થઈ છે.

મિત્રો,

માનવજાતને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા નક્કર કામગીરી કરવાની જરૂર છે. આપણે મોટા પાયે, અતિ ઝડપથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરી શકાય એવી કામગીરી કરવાની જરૂર છે. અમે ભારતમાં આ દિશામાં કામ કરી રહ્યાં છીએ. અમારો પુનઃપ્રાપ્ય ઊર્જાનો 450 ગિગાવોટનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અમારા વિકાસલક્ષી પડકારો વચ્ચે પણ અમે સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ કાર્યદક્ષતા, વનીકરણ અને જૈવ-વિવિધતા પર ઘણા સાહસિક પગલાં લીધા છે. આ કારણોસરહ અમે થોડા દેશોમાં સામેલ છીએ, જેમના એનસીડી 2 ડિગ્રી સેલ્સિયસને પાર પાડવા સક્ષમ છે.

અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, લીડઆઇટી અને આપત્તિ નિવારણ માટે મજબૂત માળખાગત સુવિધા ઊભી કરવા માટેના જોડાણ જેવી આંતરરાષ્ટ્રીય પહેલોને પ્રોત્સાહન પણ આપ્યું છે.

મિત્રો,

આબોહવા પ્રત્યે જવાબદાર વિકાસશીલ દેશ તરીકે ભારત ભારતમાં સતત વિકાસનું માળખું ઊભું કરવા ભાગીદારોને આવકારે છે. એનાથી અન્ય વિકાસશીલ દેશોને પણ મદદ મળી શકે છે, જેમને ગ્રીન ફાઇનાન્સ વાજબી ધોરણે મેળવવાની અને પર્યાવરણને નુકસાન કરે એવી ટેકનોલોજીઓ અપનાવવાની જરૂર છે.

આ કારણસર રાષ્ટ્રપ્રમુખ બાઇડેન અને મેં ઇન્ડિયા-યુએસ ક્લાઇમેટ એન્ડ ક્લીન એનર્જી એજન્ડા 2030 પાર્ટનરશિપ શરૂ કરી છે. સંયુક્તપણએ આપણે રોકાણ વધારવામાં, સ્વચ્છ ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં અને ગ્રીન જોડાણોને સક્ષમ બનાવવામાં એકબીજાને મદદ કરીશું.

મિત્રો,

આજે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવાલક્ષી કામગીરી પર ચર્ચા કરી રહ્યાં છીએ, ત્યારે હું તમારી સામે એક વિચાર રજૂ કરવા ઇચ્છું છું. ભારતનું માથાદીઠ કાર્બન ઉત્સર્જન આંતરરાષ્ટ્રીય સ્તરે સરેરાશ કાર્બન ઉત્સર્જન કરતા 60 ટકા ઓછું છે. આ માટે અમારી જીવનશૈલીમાં હજુ પણ પર્યાવરણને અનુકૂળ પરંપરાગત રીતિરિવાજો કારણભૂત છે.

એટલે આજે હું આબોહવાલક્ષી કામગીરીમાં જીવનશૈલીના પરિવર્તનના મહત્વ પર ભાર મૂકવા ઇચ્છું છું. કોવિડ પછીના સમયગાળા માટે આપણી આર્થિક વ્યૂહરચનામાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને મૂળિયા તરફ પરત ફરવાની ફિલોસોફીને મહત્વપૂર્ણ સ્તંભો બનાવવા પડશે.

મિત્રો,

મને મહાન ભારતીય સંત સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. તેમણે આપણને ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત ન કરો, ત્યાં સુધી જંપો નહીંની અપીલ કરી હતી. ચાલો આપણે આને આબોહવાના પરિવર્તન સામે કામગીરીના દાયકાનો મંત્ર બનાવીએ.

ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.

SD/GP/JD