Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લાલ કિલ્લા ખાતે ‘આઝાદ હિન્દ ફૌજ’ની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લાલ કિલ્લા ખાતે ‘આઝાદ હિન્દ ફૌજ’ની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લાલ કિલ્લા ખાતે ‘આઝાદ હિન્દ ફૌજ’ની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લાલ કિલ્લા ખાતે ‘આઝાદ હિન્દ ફૌજ’ની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંત્રી પરિષદના મારા સહયોગી, શ્રીમાન મહેશ શર્માજી, આઝાદ હિંદ ફૌજના સદસ્ય અને દેશના વીર સપૂત તેમજ આપણા સૌની વચ્ચે શ્રીમાન લાલટી રામજી, સુભાષ બાબુના ભત્રીજા, ભાઈ ચંદ્રકુમાર બોઝજી, બ્રિગેડીયર આર. એસ. ચિકારાજી અને અહિયાં ઉપસ્થિત સુરક્ષા દળના સેનાના તમામ ભૂતપૂર્વ અધિકારીઓ, અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.

આજે 21 ઓક્ટોબરનો ઐતિહાસિક દિવસ, લાલ કિલ્લા ઉપર ધ્વજારોહણનો આ અવસર, તમે કલ્પના કરી શકો છો કે હું મારી જાતને કેટલી સૌભાગ્યશાળી માનું છું? આ એ જ લાલ કિલ્લો છે, જ્યાં આગળ વિકટરી પરેડનું સપનું નેતાજી સુભાષચંદ્ર બોઝે 75 વર્ષ પહેલા જોયું હતું. આઝાદ હિન્દ સરકારની પહેલા પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેતા નેતાજીએ જાહેરાત કરી હતી કે આ જ લાલ કિલ્લા ઉપર એક દિવસ સંપૂર્ણ શાન સાથે તિરંગો લહેરાવવામાં આવશે. આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની સરકાર હતી, અવિભાજિત ભારતની સરકાર હતી. હું દેશવાસીઓને આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂર્ણ થવા ઉપર ખુબ ખુબ અભિનંદન આપું છું.

સાથીઓ, પોતાના લક્ષ્ય પ્રત્યે જે વ્યક્તિની દીર્ઘદ્રષ્ટિ આટલી સ્પષ્ટ હતી. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવવા માટે નીકળી ગયેલ હોય, જે માત્ર અને માત્ર દેશની માટે સમર્પિત હોય; એવા વ્યક્તિને યાદ કરવા માત્રથી જ પેઢી દર પેઢી પ્રેરિત થતી રહે છે.આજે હું નમન કરું છું તે માતા પિતાને, જેમણે નેતાજી જેવા સપૂત આ દેશને આપ્યા. જેમણે રાષ્ટ્રને માટે બલિદાન આપનારા વીર-વીરાંગનાઓને જન્મ આપ્યો. હું નતમસ્તક છું તે સૈનિકો અને તેમના પરિવારોની સામે જેમણે સ્વતંત્રતાની લડાઈમાં સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. હું સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તે ભારતવાસીઓનું પણ સ્મરણ કરું છું જેમણે નેતાજીના આ મિશનને તન-મન-ધનથી સહયોગ આપ્યો હતો અને સ્વતંત્ર, સમૃદ્ધ, સશક્ત ભારત બનાવવામાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપ્યું હતું.

સાથીઓ, આઝાદ હિંદ સરકાર, આ આઝાદ હિંદ સરકાર, તે માત્ર નામ નહોતું પરંતુ નેતાજીના નેતૃત્વમાં આ સરકાર દ્વારા દરેક ક્ષેત્ર સાથે જોડાયેલ યોજનાઓ બનાવવામાં આવી હતી. આ સરકારની પોતાની બેંક હતી, પોતાનું ચલણી નાણું હતું, પોતાની ટપાલ ટીકીટ હતી, પોતાનું ગુપ્તચર તંત્ર હતું. દેશની બહાર રહીને, સીમિત સંસાધનોની સાથે, શક્તિશાળી સામ્રાજ્ય વિરુદ્ધ આટલું વ્યાપક તંત્ર વિકસિત કરવું, સશક્ત ક્રાંતિ, અભૂતપૂર્વ, હું સમજુ છું કે આ અસાધારણ કાર્ય હતું.

નેતાજીએ એક એવી સરકારની વિરુદ્ધ લોકોને એકત્રિત કર્યા, જેનો સુરજ ક્યારેય અસ્ત નહોતો થતો, દુનિયાના એક મોટા ભાગમાં જેનું શાસન હતું. જો નેતાજીના પોતાના લખાણો વાંચવામાં આવે તો આપણને જાણવા મળે છે કે વીરતાના શિખર પર પહોંચવાનો પાયો કઈ રીતે તેમના બાળપણમાં જ નંખાઈ ગયો હતો.

વર્ષ 1912ની આસપાસ, આજથી 106 વર્ષ પહેલા, તેમણે પોતાની માતાને જે ચિઠ્ઠી લખી હતી, તે એક ચિઠ્ઠી એ વાતની સાક્ષી છે કે સુભાષ બાબુના મનમાં ગુલામ ભારતની સ્થિતિને લઈને કેટલી વેદના હતી, કેટલી બેચેની હતી, કેટલું દર્દ હતું. ધ્યાનમાં રાખજો કે તેઓ તે સમયે માત્ર 15-16 વર્ષની ઉંમરના જ હતા.

સેંકડો વર્ષોની ગુલામીએ દેશની જે હાલત કરી દીધી હતી, તેની પીડા તેમણે પોતાની માતા સાથે પત્ર દ્વારા વહેંચી હતી. તેમણે પોતાની માતાને પત્રમાં સવાલ પૂછ્યો હતો કે માં, શું આપણો દેશ દિવસે દિવસે હજુ વધારે પતનમાં જ પડતો રહેશે? શું આ દુઃખી ભારતમાતાનો કોઈ એક પણ પુત્ર એવો નથી જે સંપૂર્ણ રીતે પોતાના સ્વાર્થને તિલાંજલિ આપીને, પોતાનું સંપૂર્ણ જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કરી દે? બોલો માં, આપણે ક્યાં સુધી સુતા રહીશું? 15- 16 વર્ષની આયુના સુભાષ બાબુએ માંને આ સવાલ પૂછ્યો હતો.

ભાઈઓ અને બહેનો, આ પત્રમાં તેમણે માંને પુછેલા સવાલોના જવાબો પણ આપી દીધા હતા. તેમણે પોતાની માતાને સ્પષ્ટ કરી દીધું હતું કે હવે, હવે વધુ રાહ જોઈ શકાય તેમ નથી, હવે વધુ સુઈ રહેવાનો સમય નથી, આપણે આપણી જડતામાંથી જાગવું જ પડશે, આળસને છોડવી જ પડશે અને કર્મમાં લાગવું જ પડશે. આ સુભાષ બાબુ, 15-16 વર્ષના! પોતાની અંદરની આ તીવ્ર ઉત્કંઠાએ કિશોર સુભાષ બાબુએ નેતાજી સુભાષ બનાવી દીધા.

નેતાજીનો એક જ ઉદ્દેશ્ય હતો, એક જ મિશન હતું- ભારતની આઝાદી. માં ભારતને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરાવવી. તે જ તેમની વિચારધારા હતી અને એ જ તેમનું કર્મક્ષેત્ર હતું.

સાથીઓ, સુભાષ બાબુને પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરવાનો, પોતાના અસ્તિત્વને સમર્પિત કરવાનો મંત્ર સ્વામી વિવેકાનંદ અને તેમની શિક્ષાઓમાંથી મળ્યો-

આત્મનોમોક્ષાર્દમ જગત હિતાય ચઅર્થાત જગતની સેવાથી જ મુક્તિનો માર્ગ ખુલે છે. તેમના ચિંતનનો મુખ્ય આધાર હતો- જગતની સેવા. પોતાના ભારતની સેવાના એજ ભાવને કારણે તેઓ દરેક પીડા સહેતા રહ્યા, દરેક પડકારને પાર કરતા ગયા, દરેક ષડ્યંત્રને નિષ્ફળ બનાવતા ગયા.

ભાઈઓ અને બહેનો, સુભાષ બાબુ તે સેનાનીઓમાંથી એક રહ્યા, જેમણે સમયની સાથે પોતાની જાતને બદલી અને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પોતાના પગલાઓ લીધા. એ જ કારણ છે કે પહેલા તેમણે મહાત્મા ગાંધીની સાથે કોંગ્રેસમાં રહીને દેશમાં જ પ્રયાસો કર્યા અને પછી સંજોગો અનુસાર તેમણે સશસ્ત્ર ક્રાંતનો માર્ગ પસંદ કર્યો. આ માર્ગે સ્વતંત્રતા આંદોલનને વધુ ઝડપી બનાવવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી.

સાથીઓ, સુભાષ બાબુએ જે વિશ્વ મંથન કર્યું, તેનું અમૃત માત્ર ભારતે જ નથી ચાખ્યું પરંતુ તેનો લાભ અન્ય પણ બીજા દેશોને થયો. જે દેશ તે સમયે પોતાની આઝાદીની લડાઈ લડી રહ્યા હતા, તેમને સુભાષચંદ્ર બોઝને જોઈને પ્રેરણા મળતી હતી. તેમને લાગતું હતું કે કઈ પણ અશક્ય નથી. આપણે પણ સંગઠિત થઇ શકીએ છીએ, અંગ્રેજોને લલકારી શકીએ છીએ, આઝાદ થઇ શકીએ છીએ. મહાન સ્વતંત્રતા સેનાની નેલ્સન મંડેલા, ભારતરત્ન નેલ્સન મંડેલાજીએ પણ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થી આંદોલન દરમિયાન તેઓ પણ સુભાષ બાબુને પોતાના નેતા માનતા હતા, પોતાનો હીરો માનતા હતા.

ભાઈઓ અને બહેનો, આજે આપણે આઝાદ હિંદ સરકારના 75 વર્ષનો સમારોહ ઉજવી રહ્યા છીએ તો ચાર વર્ષ પછી 2022માં આઝદ ભારતના 75 વર્ષ પુરા થવાના છે. આજથી 75 વર્ષ પહેલા પૂર્વ નેતાજીએ શપથ લેતી વખતે વાયદો કર્યો હતો એક એવું ભારત બનાવવાનો કે જ્યાં સૌની પાસે એક સમાન અધિકાર હોય, સૌની પાસે સમાન અવસર હોય. તેમણે વાયદો કર્યો હતો કે આપણી પ્રાચીન પરંપરામાંથી પ્રેરણા લઈને તેમને વધુ ગૌરવ કરનારા સુખી અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો. તેમણે વાયદો કર્યો હતો દેશના સંતુલિત વિકાસનો, દરેક ક્ષેત્રના વિકાસનો. તેમણે વાયદો કર્યો હતો ‘વિભાજીત કરો અને રાજ કરો’ની તે નીતિને, મૂળમાંથી ઉખાડી ફેંકવાનો, જેના કારણે ભારતને આ‘વિભાજીત કરો અને રાજ કરો’ની રાજનીતિએ સદીઓ સુધી ગુલામ બનાવીને રાખ્યો હતો.

આજે સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ નેતાજીનું સપનું પૂર્ણ નથી થયું. ભારત અનેક પગલા આગળ વધ્યું છે, પરંતુ હજુ નવી ઉંચાઈઓ પર પહોંચવાનું બાકી છે. આ જ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજે ભારતના સવા સો કરોડ લોકો નવા ભારતના સંકલ્પની સાથે આગળ વધી રહ્યા છે. એક એવું નવું ભારત જેની કલ્પના નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ કરી હતી.

આજે એક એવા સમયમાં કે જયારે વિનાશકારી શક્તિઓ દેશની બહાર અને અંદરથી આપણી સ્વતંત્રતા, એકતા અને સંવિધાન પર પ્રહાર કરી રહી છે, ભારતના પ્રત્યેક નિવાસીનું એ કર્તવ્ય છે કે તેઓ નેતાજી પાસેથી પ્રેરણા મેળવીને તે શક્તિઓ સામે લડવા, તેમને પરાજિત કરવા અને દેશના વિકાસમાં પોતાનું પૂર્ણ યોગદાન આપવાનો સંકલ્પ પણ લે.

પરંતુ સાથીઓ, આ સંકલ્પોની સાથે જ એક વાત વધુ મહત્વપૂર્ણ છે- તે વાત છે રાષ્ટ્રીયતાની ભાવના, ભારતીયતાની ભાવના. અહિયાં જ લાલ કિલ્લા ઉપર કેસની સુનાવણી દરમિયાન, આઝાદ હિંદ ફૌજના સેનાની શાહનવાજ ખાને કહ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ તે પહેલા વ્યક્તિ હતા જેમણે ભારતના હોવાપણાનો અહેસાસ તેમના મનમાં જગાડ્યો હતો.

તેઓ પહેલા વ્યક્તિ હતા જેમણે ભારતને ભારતીયની નજરે જોતા શીખવ્યું. આખરે તે કઈ પરિસ્થિતિઓ હતી, જેના કારણે શાહનવાજ ખાનજીએ એવી વાત કરી હતી? ભારતને ભારતીયની નજરે જોવું અને સમજવું કેમ જરૂરી હતું- તે આજે જયારે આપણે દેશની સ્થિતિ જોઈએ છીએ તો વધુ સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ.

ભાઈઓ અને બહેનો, કેમ્બ્રીજના પોતાના દિવસો યાદ કરીને સુભાષ બાબુએ લખ્યું હતું કે આપણને ભારતીયોને એવું શીખવાડવામાં આવે છે એ યુરોપ, એ ગ્રેટ બ્રિટનનું જ મોટું સ્વરૂપ છે, એટલા માટે આપણી આદત યુરોપને ઇંગ્લેન્ડના ચશ્માંથી જોવાની પડી ગઈ છે. તે આપણું દુર્ભાગ્ય રહ્યું છે કે સ્વતંત્રતા પછી ભારત અને અહીની વ્યવસ્થાઓનું નિર્માણ કરનારાઓએ ભારતને પણ ઇંગ્લેન્ડના ચશ્માંથી જ જોયું.

આપણી સંસ્કૃતિ, આપણી મહાન ભાષાઓ, આપણી શિક્ષણ વ્યવસ્થાઓ, આપણો અભ્યાસક્રમ, આપણી વ્યવસ્થાને આ સંક્રમણનું ઘણું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. આજે હું નિશ્ચિત રૂપે કહી શકું છું કે સ્વતંત્ર ભારત પછીના દાયકાઓમાં જો દેશને સુભાષ બાબુ, સરદાર પટેલ જેવા વ્યક્તિઓનું માર્ગદર્શન મળ્યું હોત, ભારતને જોવા માટે તે વિદેશી ચશ્માં ના હોત તો પરિસ્થિતિઓ ઘણી જુદી જ હોત.

સાથીઓ, એ પણ દુઃખદ છે કે એક પરિવારને મોટો બનાવવા માટે દેશના અનેક સપૂતો- પછી તે સરદાર પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, તેમની જેમ જ નેતાજીના યોગદાનને પણ ભૂલાડી દેવાના ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે અમારી સરકાર સ્થિતિને બદલી રહી છે. તમને સૌને અત્યાર સુધીમાં એ વાતની જાણ થઇ ગઈ હશે, અહિયાં આવતા પહેલા હું રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું લોકાર્પણ કરવાના કાર્યક્રમમાં હતો. મેં નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર એક રાષ્ટ્રીય સમ્માન શરુ કરવાની ત્યાં જાહેરાત કરી છે.

આપણા દેશમાં જયારે રાષ્ટ્રીય આપદા આવે છે, આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવના કામમાં જે લોકો લાગી જાય છે, બીજાના જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મુકનારા એવા શુરવીરોને, પોલીસના જવાનોને હવે દર વર્ષે નેતાજીના નામથી એક સન્માન આપવામાં આવશે. દેશની શાન વધારનારા આપણા પોલીસના જવાનો, પેરામીલીટરી ફોર્સના જવાન તેના હકદાર હશે.

સાથીઓ, દેશનો સંતુલિત વિકાસ સમાજના પ્રત્યેક સ્તર પર, પ્રત્યેક વ્યક્તિને રાષ્ટ્ર નિર્માણનો અવસર, રાષ્ટ્રની પ્રગતિમાં તેની ભૂમિકા નેતાજીના બૃહદ વિઝનનો એક મહત્વનો ભાગ છે. નેતાજીની આગેવાનીમાં બનેલ આઝાદ હિન્દ સરકારે પણ પૂર્વી ભારતને ભારતની આઝાદીનું દ્વાર બનાવ્યું હતું. એપ્રિલ 1944માં કર્નલ શૌક્મ મલિકની આગેવાનીમાં મણીપુરના મોયરાંગમાં આઝાદ હિંદ ફૌજે તિરંગો લહેરાવ્યો હતો.

તે પણ આપણું દુર્ભાગ્ય રહ્યું છે કે આવા શૌર્યને આઝાદીના આંદોલનમાં ઉત્તર પૂર્વ અને પૂર્વી ભારતના યોગદાનને એટલું સ્થાન નથી મળી શક્યું. વિકાસની દોડમાં પણ દેશનું આ મહત્વનું અંગ પાછળ રહી ગયું. આજે મને સંતોષ થાય છે કે જે પૂર્વી ભારતનું મહત્વ સુભાષ બાબુએ સમજાવ્યું, તેને વર્તમાન સરકાર પણ એટલું મહત્વ આપી રહી છે, તે જ દિશામાં લઈને જઈ રહી છે, આ ક્ષેત્રને દેશના વિકાસનું, ગ્રોથ એન્જીન બનાવવા માટે કામ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો, હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે દેશની માટે નેતાજીએ જે કઈ પણ આપ્યું; તેને દેશની સામે રાખવાનો, તેમના ચીંધેલા માર્ગો પર ચાલવાનો મને વારંવાર અવસર મળ્યો છે. અને એટલા માટે જયારે મને આજના આ આયોજનમાં આવવાનું આમંત્રણ મળ્યું તો મને ગુજરાતના દિવસોમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના કાર્યોની સ્મૃતિ પણ તાજી થઇ ગઈ.

સાથીઓ, જયારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે 2009માં ઐતિહાસિક હરીપુરા કોંગ્રેસ, કોંગ્રેસનું અધિવેશન હતું. હરીપુરા કોંગ્રેસના અધિવેશનની યાદને અમે એક રીતે જોઈએ તો ફરીથી જાગૃત કરી હતી. તે અધિવેશનમાં જે પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલે, ગુજરાતના લોકોએ નેતાજીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી બળદગાડાંઓમાં બેસાડીને ખુબ મોટું સરઘસ કાઢ્યું હતું, તેવું જ, એટલે કે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, બિલકુલ તેવું જ દ્રશ્ય અમે બીજી વાર 2009માં, ત્યાં આગળ જ ઉભું કરીને ઈતિહાસને પુનર્જીવિત કર્યો હતો. ભલે તે કોંગ્રેસનું અધિવેશન હતું, પરંતુ તે ઈતિહાસનું પાનું હતું, અમે તેમને જીવીને દેખાડ્યું હતું.

સાથીઓ, આઝાદીની માટે જે સમર્પિત થયા, તે તેમનું સૌભાગ્ય હતું. આપણા જેવા લોકો જેમને આ અવસર નથી મળ્યો, આપણી પાસે દેશની માટે જીવવાનો, વિકાસની માટે સમર્પિત થવાનો, આપણા સૌની માટે રસ્તો ખુલ્લો પડ્યો છે. લાખો બલિદાન આપીને આપણે સ્વરાજ સુધી પહોંચ્યા છીએ. હવે આપણે સૌ સવા સો કરોડ ભારતીયો પર આ સ્વરાજને સુરાજની સાથે જાળવી રાખવાનો પડકાર છે. નેતાજીએ કહ્યું હતું- “હથિયારોની તાકાત અને લોહીની કિંમત વડે તમારે આઝાદી પ્રાપ્ત કરવાની છે. પછી જયારે ભારત આઝાદ થશે તો દેશની માટે તમારે સ્થાયી સેના બનાવવી પડશે, જેનું કામ હશે આપણી આઝાદીને હંમેશા જાળવી રાખવી.”

આજે હું કહી શકું છું કે ભારત એક એવી સેનાના નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે જેનું સપનું નેતાજી સુભાષ બોઝે જોયું હતું. જોશ, ઝનૂન અને જુસ્સો, એ તો આપણી સૈન્ય પરંપરાનો ભાગ રહ્યો જ છે, હવે ટેકનોલોજી અને આધુનિક હથિયારી શક્તિ પણ તેની સાથે જોડવામાં આવી રહી છે.આપણી સૈન્ય તાકાત હંમેશાથી આત્મરક્ષાની માટે જ રહી છે અને આગળ પણ રહેશે. આપણને ક્યારેય કોઈ બીજાની ભૂમિની લાલચ નથી રહી. આપણો સદીઓથી ઈતિહાસ રહ્યો છે, પરંતુ ભારતની સંપ્રભુતા માટે જે પણ પડકાર બનશે તેને બમણી તાકાતથી જવાબ મળશે.

સાથીઓ, સેનાને સશક્ત કરવા માટે વીતેલા ચાર વર્ષોમાં અનેક પગલાઓ ઉપાડવામાં આવ્યા છે. દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજીને ભારતીય સેનાનો ભાગ બનાવવામાં આવી રહી છે. સેનાની ક્ષમતા હોય કે પછી બહાદુર જવાનોના જીવનને સુગમ અને સરળ બનાવવાનું કામ હોય- મોટા અને કડક નિર્ણયો લેવાનું સાહસ આ સરકારમાં છે અને તે આગળ પણ યથાવત રહેશે. સર્જીકલ સ્ટ્રાઈકથી લઈને નેતાજી સાથે જોડાયેલ ફાઈલોને સાર્વજનિક કરવા સુધીના નિર્ણયો અમારી સરકારે જ લીધા છે. અહિયાં ઉપસ્થિત અનેક પૂર્વ સૈનિકો એ વાતના સાક્ષી છે કે દાયકાઓથી ચાલતી આવેલ વન રેન્ક વન પેન્શનની માંગણીને સરકારે પોતાના વાયદા અનુસાર પૂરી કરી નાખી છે.

એટલું જ નહી, આશરે 11,000 કરોડ રૂપિયાના એરીયર પણ પૂર્વ સૈનિકો સુધી પહોંચાડવામાં આવી ચુક્યા છે, જેનાથી લાખો પૂર્વ સૈનિકોને લાભ મળ્યો છે. તેની સાથે સાથે સાતમાં પગાર પંચના સૂચનો ઉપર જે પેન્શન નક્કી કરવામાં આવ્યું છે તે પણ ઓઆરઓપી(વન રેન્ક વન પેન્શન) લાગુ થયા પછી નક્કી થયેલ પેન્શનના આધાર પર વધ્યું છે. એટલે કે મારા ફૌજી ભાઈઓને પેન્શન પર ડબલ બોનાન્ઝા મળ્યું છે.

એવા અનેક પ્રયાસો પૂર્વ સૈનિકોના જીવનને સરળ અને સુગમ બનાવવા માટે કરવામાં આવ્યા છે. તેના સિવાય સૈનિકોના શૌર્યને ભાવી પેઢીઓ જાણી શકે, તેની માટે નેશનલ વોર મ્યુઝીયમનું કાર્ય પણ હવે આખરી તબક્કામાં પહોંચી ગયું છે.

સાથીઓ, આવતી કાલે એટલે કે 22 ઓક્ટોબરના રોજ રાણી ઝાંસી રેજીમેન્ટના પણ 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. સશસ્ત્ર સેનામાં મહિલાઓની પણ બરાબરની ભાગીદારી હોય, તેનો પાયો પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે જ નાખ્યો હતો. દેશની સૌપ્રથમ સશસ્ત્ર મહિલા રેજીમેન્ટ ભારતની સમૃદ્ધ પરંપરાઓ પ્રત્યે સુભાષ બાબુના અગાધ વિશ્વાસનું પરિણામ હતું. તમામ વિરોધોને અવગણીને તેમણે મહિલા સૈનિકોની સલામી લીધી હતી.

હું ગર્વની સાથે કહી શકું છું કે નેતાજીએ જે કામ 75 વર્ષ પહેલા શરુ કર્યું હતું, તેને સાચા અર્થમાં આગળ વધારવાનું કામ આ સરકારે કર્યું છે. આજ 15મી ઓગસ્ટે મેં અહિયાં જ લાલ કિલ્લા ઉપરથી એક મોટી જાહેરાત કરી હતી- મેં કહ્યું હતું કે સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમીશનના માધ્યમથી પસંદ થયેલ મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષ અધિકારીઓની જેમ જ એક પારદર્શી પસંદગી પ્રક્રીયા દ્વારા સ્થાઈ કમિશન આપવામાં આવશે.

સાથીઓ, આ સરકારના તે પ્રયાસોનો વિસ્તાર છે જે વીતેલા ચાર વર્ષો દરમિયાન કરવામાં આવ્યા છે. માર્ચ, 2016માં નેવીમાં મહિલાઓને પાયલોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેટલાક દિવસો પહેલા જ નૌસેનાની 6 જાબાંઝ મહિલા અધિકારીઓએ સમુદ્રને જીતીને વિશ્વએ ભારતની નારી શક્તિનો પરિચય કરાવ્યો છે. તેના સિવાય દેશને પહેલી મહિલા ફાઈટર પાયલટ આપવાનું કામ પણ આ જ સરકાર દરમિયાન થયું છે.

મને એ વાતનો પણ સંતોષ છે કે આઝાદ ભારતમાં પહેલી વાર ભારતની સશસ્ત્ર સેનાઓને સશક્ત કરવા, દેખરેખ રાખવાની જવાબદારી પણ દેશની પહેલી રક્ષા મંત્રી સીતારમણજીના હાથમાં છે.

સાથીઓ, આજે આપ સૌના સહયોગથી, સશસ્ત્ર દળોના કૌશલ્ય અને સમર્પણ વડે દેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, સમર્થ છે અને વિકાસના પથ પર સાચી દિશામાં ઝડપી ગતિએ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યો છે.

એક વાર ફરી આપ સૌને, દેશવાસીઓને, આ મહત્વપૂર્ણ અવસર પર હ્રદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું. એકતા, અખંડતા અને આત્મવિશ્વાસની આપણી આ યાત્રા નેતાજી સુભાષચંદ્ર બોઝજીના આશીર્વાદ સાથે નિરંતર આગળ વધતી રહે.

આ સાથે જ મારી સાથે સૌ બોલશે-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

વંદે –માતરમ

વંદે- માતરમ

વંદે- માતરમ

ખુબ ખુબ આભાર!