Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રોજગાર મેળાના શુભારંભ અને 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનાં વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

રોજગાર મેળાના શુભારંભ અને 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનાં વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


દેશના યુવા દીકરાઓ અને દીકરીઓ, ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. સૌથી પહેલા તો ધનતેરસ પર આપ સૌને, બધા દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન. ભગવાન ધન્વંતરિ તમને સ્વસ્થ રાખે, માતા લક્ષ્મીની કૃપા તમારા બધા પર બની રહે, હું ભગવાનને આ જ કામના કરું છું. અને મારું સૌભાગ્ય છે કે હું હમણાં જ કેદારનાથ બદ્રીનાથની યાત્રા કરીને આવ્યો છું, અને તેનાં કારણે મને થોડું મોડું પણ થયું, અને થોડો વિલંબ થયો એ માટે પણ હું આપ સૌની ક્ષમા માગું છું.

સાથીઓ,

આજે ભારતની યુવા શક્તિ માટે એક મહત્વપૂર્ણ તક છે. વીતેલાં આઠ વર્ષમાં દેશમાં રોજગાર અને સ્વરોજગારનું જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં વધુ એક કડી ઉમેરાઈ રહી છે. આ કડી છે રોજગાર મેળાની. આજે કેન્દ્ર સરકાર આઝાદીનાં 75 વર્ષને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમ હેઠળ 75 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપી રહી છે. છેલ્લાં આઠ વર્ષમાં અગાઉ પણ લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ આ વખતે અમે નક્કી કર્યું કે નિમણૂક પત્રો એકસાથે આપવાની પરંપરા પણ શરૂ થવી જોઈએ. જેથી વિભાગો પણ સમયબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવા અને નિર્ધારિત લક્ષ્યાંકોને શક્ય તેટલી વહેલી તકે પાર કરવા માટે સામૂહિક સ્વભાવ બને, સામૂહિક પ્રયાસ થાય. આથી ભારત સરકારમાં આ પ્રકારનો રોજગાર મેળો શરૂ કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં આ રીતે ભારત સરકાર દ્વારા લાખો યુવાનોને સમયાંતરે નિમણૂક પત્રો સોંપવામાં આવશે. મને ખુશી છે કે એનડીએ શાસિત ઘણાં રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભાજપ સરકારો પણ પોતપોતાનાં રાજ્યોમાં આ પ્રકારના રોજગાર મેળાઓનું આયોજન કરવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર, દાદરા અને નગર હવેલી, દમણ-દીવ અને આંદામાન અને નિકોબાર પણ આગામી થોડા જ દિવસોમાં આવા કાર્યક્રમો યોજીને હજારો યુવાનોને નિમણૂક પત્રો આપવાના છે. આજે જે યુવા મિત્રોને નિમણૂક પત્ર મળ્યો છે, તેમને હું  ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આપ સૌ એવા સમયે ભારત સરકારમાં જોડાઈ રહ્યા છો, જ્યારે દેશ આઝાદીના અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે. આપણે વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. તેમાં આપણા નવપ્રવર્તકો, આપણા ઉદ્યોગસાહસિકો, આપણા ખેડૂતો, સેવાઓ અને ઉત્પાદન સાથે સંકળાયેલા દરેકની બહુ મોટી ભૂમિકા છે. એટલે કે, વિકસિત ભારતનું નિર્માણ બધાના પ્રયત્નોથી જ શક્ય છે. દરેકના પ્રયત્નોની આ ભાવના ત્યારે જ જાગૃત થઈ શકે છે જ્યારે મૂળભૂત સુવિધાઓ દરેક ભારતીય સુધી ઝડપથી પહોંચે, અને સરકારની પ્રક્રિયાઓ ઝડપી, ત્વરિત હોય. લાખો ભરતીઓ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ થોડા જ મહિનામાં પૂર્ણ થવી, નિમણૂક પત્રો આપી દેવા, તે પોતે જ બતાવે છે કે છેલ્લાં 7-8 વર્ષમાં સરકારી તંત્રમાં કેટલો મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે. આપણે 8-10 વર્ષ પહેલાંની એ પરિસ્થિતિઓ પણ જોઈ છે, જ્યારે એક નાના સરકારી કામમાં પણ કેટલાય મહિનાઓ લાગતા હતા.  સરકારી ફાઇલ પર એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી પહોંચતાં પહોંચતા જ ધૂળ જામી જતી હતી. પરંતુ હવે દેશમાં સ્થિતિ બદલાઇ રહી છે, દેશની કાર્યસંસ્કૃતિ બદલાઇ રહી છે.

સાથીઓ,

આજે કેન્દ્ર સરકારના વિભાગોમાં આટલી બધી તત્પરતા, આટલી કાર્યક્ષમતા આવી છે એની પાછળ 7-8 વર્ષની સખત મહેનત છે, કર્મયોગીઓનો વિરાટ સંકલ્પ છે. નહીં તો તમને યાદ હશે કે, પહેલા કોઇને સરકારી નોકરી માટે અરજી કરવી પડતી હતી તો ઘણી સમસ્યાઓ ત્યાંથી જ શરૂ થઇ જતી હતી. જાત-જાતનાં પ્રમાણપત્રો માગવામાં આવતાં હતાં, જે પ્રમાણપત્રો પાસે રહેતાં હતાં એને પણ પ્રમાણિત કરવા માટે તમારે નેતાઓનાં ઘરની બહાર કતારોમાં ઉભા રહેવું પડતું હતું. અધિકારીઓની ભલામણ લઈને જવું પડતું હતું. અમે સરકારનાં શરૂઆતનાં વર્ષોમાં જ યુવાનોને આ બધી મુશ્કેલીઓથી મુક્તિ આપી દીધી. સેલ્ફ એટેસ્ટેશન, યુવાનો પોતાનાં સર્ટીફીકેટને જાતે પ્રમાણિત કરે, એ વ્યવસ્થા કરવામાં આવી. બીજું મોટું પગલું એ છે કે અમે કેન્દ્ર સરકારના ગ્રૂપ સી અને ગ્રૂપ ડીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ નાબૂદ કરીને તે તમામ પરંપરાઓ ઉઠાવી દીધી. ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને નાબૂદ કરવાથી પણ લાખો યુવાનોને ઘણો ફાયદો થયો છે.

સાથીઓ,

આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષની અંદર આપણે 10મા નંબરથી 5મા નંબરે છલાંગ લગાવી છે. તે સાચું છે કે, વિશ્વમાં પરિસ્થિતિ સારી નથી, ઘણી મોટી મોટી અર્થવ્યવસ્થાઓ સંઘર્ષ કરી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી હોય, બેરોજગારી હોય, અનેક સમસ્યાઓ ચરમ સીમા પર છે. અમને નથી લાગતું કે 100 વર્ષમાં આવેલી સૌથી મોટી કટોકટીની આડઅસરો 100 દિવસમાં દૂર થઈ જશે, ન તો હિંદુસ્તાન વિચારે છે અને ન તો વિશ્વ તેનો અનુભવ કરે છે. પરંતુ તેમ છતાં, કટોકટી મોટી છે, વિશ્વવ્યાપી છે અને તેની અસર ચારે બાજુ થઈ રહી છે, દુષ્પ્રભાવ થઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં ભારત પૂરી મજબૂતીથી સતત નવી નવી પહેલ કરીને, થોડું જોખમ લઈને પણ એ પ્રયાસ કરી રહ્યું છે, આ જે વિશ્વભરમાં સંકટ છે એમાંથી આપણે આપણા દેશને કેવી રીતે બચાવી શકીએ? તેની આપણા દેશ પર ઓછામાં ઓછી ખરાબ અસર કેવી રીતે થઈ શકે? આ એક મોટો કસોટીનો સમયગાળો છે, પરંતુ આપ સૌનાં આશીર્વાદથી, આપ સૌના સહયોગથી, આપણે અત્યાર સુધી તો બચી શક્યા છીએ. આ એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે છેલ્લાં 8 વર્ષમાં અમે દેશની અર્થવ્યવસ્થાની એ ખામીઓને દૂર કરી છે, જે અડચણો ઊભી કરતી હતી.

સાથીઓ,

અમે આ દેશમાં એવું વાતાવરણ બનાવી રહ્યા છીએ, જેમાં ખેતી, ખાનગી ક્ષેત્ર, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોની તાકાત વધે.  આ દેશમાં રોજગાર આપતાં સૌથી મોટા ક્ષેત્રો છે. આજે અમારો સૌથી વધુ ભાર યુવાનોના કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ પર છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દેશના ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને તાલીમ આપવા માટે ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત સ્કિલ ઇન્ડિયા અભિયાનની મદદથી અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આ માટે સમગ્ર દેશમાં સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર ખોલવામાં આવ્યાં છે. આ આઠ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણની સેંકડો નવી સંસ્થાઓ પણ બનાવવામાં આવી છે. અમે યુવાનો માટે સ્પેસ સેક્ટર ખોલ્યું છે, ડ્રોન પોલિસીને વધુ સરળ બનાવી છે, જેથી દેશભરમાં યુવાનો માટે વધુને વધુ તકો વધે.

સાથીઓ,

દેશમાં મોટી સંખ્યામાં નોકરીઓ અને સ્વરોજગારીનાં સર્જનમાં સૌથી મોટો અવરોધ એ પણ હતો કે ખૂબ જ મર્યાદિત લોકોની બૅન્કિંગ પ્રણાલી સુધી પહોંચ. અમે આ અવરોધ પણ દૂર કર્યો છે. મુદ્રા યોજનાથી દેશનાં ગામડાઓ અને નાનાં શહેરોમાં ઉદ્યોગસાહસિકતાનો વિસ્તાર થયો છે. અત્યાર સુધી આ યોજના હેઠળ લગભગ 20 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સ્વરોજગાર સાથે જોડાયેલો આટલો મોટો કાર્યક્રમ આ પહેલા ક્યારેય દેશમાં લાગુ નથી થયો. તેમાં પણ આ લોન મેળવનારા સાથીઓમાંથી સાડા સાત કરોડથી વધુ લોકો એવા છે જેમણે પહેલીવાર પોતાનો કોઇ કારોબાર શરૂ કર્યો છે, પોતાનો કોઇ બિઝનેસ શરૂ કર્યો છે. અને એમાં પણ સૌથી મોટી વાત એ છે કે મુદ્રા યોજનાનો લાભ જે લાભાર્થીઓને મળે છે, તેમાંથી લગભગ 70 ટકા આપણી દીકરીઓ, માતાઓ અને બહેનો છે. આ સિવાય અન્ય એક આંકડો પણ ખૂબ જ મહત્વનો છે. વીતેલાં વર્ષોમાં 8 કરોડ મહિલાઓ સ્વસહાય જૂથોમાં જોડાઈ છે, જેને ભારત સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આ કરોડો મહિલાઓ હવે પોતે બનાવેલાં ઉત્પાદનો દેશભરમાં વેચી રહી છે, પોતાની આવક વધારી રહી છે. હમણાં ગઈકાલે બદ્રીનાથમાં હું પૂછતો હતો, સ્વસહાય જુથની માતાઓ-બહેનો મને મળી, એમણે કહ્યું આ વખતે બદ્રીનાથ યાત્રા પર જે લોકો આવ્યા હતા. અમારા 2.5 લાખ રૂપિયા, અમારા દરેક ગ્રૂપે કમાણી કરી છે.

સાથીઓ,

ગામડાંઓમાં મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થવાનું વધુ એક ઉદાહરણ ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું થઈ ગયું છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં 1 કરોડથી વધુ રોજગારીનું સર્જન થયું છે.  તેમાં પણ મોટી સંખ્યામાં આપણી બહેનોનો હિસ્સો છે.

સાથીઓ,

સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાને તો સમગ્ર વિશ્વમાં દેશના યુવાનોનું સામર્થ્ય સ્થાપિત કરી દીધું છે. 2014 સુધી, જ્યાં દેશમાં કેટલાંક ગણતરીનાં સો અને અમુક સો સ્ટાર્ટ-અપ્સ હતાં, આજે આ સંખ્યા વધીને 80 હજારથી વધુ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આપણા યુવા સાથીઓએ હજારો કરોડ રૂપિયાની અનેક કંપનીઓ તૈયાર કરી દીધી છે. આજે દેશનાં આ હજારો સ્ટાર્ટ-અપમાં લાખો યુવાનો કામ કરી રહ્યા છે. દેશના MSMEમાં, લઘુ ઉદ્યોગોમાં પણ આજે કરોડો લોકો કામ કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સાથીઓ વીતેલાં વર્ષોમાં જોડાયા છે. કોરોના સંકટ દરમિયાન કેન્દ્ર સરકારે એમએસએમઈ માટે 3 લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી હતી, જેનાં કારણે લગભગ દોઢ કરોડ નોકરીઓ, જેના પર સંકટ આવ્યું હતું એ બચી ગઈ હતી. ભારત સરકાર મનરેગાનાં માધ્યમથી દેશભરમાં 7 કરોડ લોકોને રોજગાર પણ આપી રહી છે. અને તેમાં હવે અમે એસેટ નિર્માણ, એસેટ ક્રિએશન પર ભાર મૂકી રહ્યા છીએ. ડિજિટલ ઈન્ડિયા અભિયાને પણ દેશભરમાં લાખો ડિજિટલ ઉદ્યમીઓ બનાવ્યા છે. દેશમાં 5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સમાં જ લાખો યુવાનોને રોજગારી મળી છે. 5Gનાં વિસ્તરણની સાથે ડિજિટલ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં વધુ વધારો થવાનો છે.

સાથીઓ,

21મી સદીમાં દેશનું સૌથી મહત્વાકાંક્ષી મિશન છે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત. આજે દેશ ઘણી બાબતોમાં એક મોટા આયાતકાર ઇમ્પોર્ટરથી એક ખૂબ મોટા નિકાસકારની ભૂમિકામાં આવી રહ્યો છે. એવાં ઘણાં ક્ષેત્રો છે જેમાં ભારત આજે વૈશ્વિક હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે સમાચાર આવે છે કે, ભારતથી દર મહિને સમગ્ર વિશ્વમાં 1 અબજ મોબાઇલ ફોનની નિકાસ થાય છે, ત્યારે તે આપણાં નવાં સામર્થ્યને જ દર્શાવે છે. જ્યારે ભારત તેના નિકાસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખે છે, ત્યારે તે એ વાતની સાબિતી હોય છે કે જમીની સ્તરે પણ રોજગારની નવી તકો ઉભી થઈ રહી છે. આજે ટ્રેનથી લઈને મેટ્રો કોચ, ટ્રેન કોચ અને ડિફેન્સનાં સાધનો સુધી અનેક ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. આવું માત્ર એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ફેક્ટરીઓ વધી રહી છે. ફેક્ટરીઓ વધી રહી છે, ફેક્ટરીઓ વધી રહી છે, તેથી તેમાં કામ કરતા લોકોની સંખ્યા વધી રહી છે.

સાથીઓ,

ઉત્પાદન અને પર્યટન એ બે એવાં ક્ષેત્રો છે જ્યાં મોટી સંખ્યામાં રોજગાર મળે છે. તેથી આજે કેન્દ્ર સરકાર તેના પર પણ ખૂબ જ વ્યાપક રીતે કામ કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ ભારતમાં આવે, ભારતમાં પોતાની ફેક્ટરીઓ સ્થાપે અને વિશ્વની માગને પહોંચી વળે તે માટે પ્રક્રિયાઓ પણ સરળ બનાવવામાં આવી રહી છે. સરકારે ઉત્પાદનના આધારે પ્રોત્સાહનો આપવા માટે પીએલઆઈ યોજના પણ શરૂ કરી છે. જેટલું વધારે ઉત્પાદન થશે, એટલું વધારે પ્રોત્સાહન, આ ભારતની નીતિ છે. તેનાં સારાં પરિણામો આજે ઘણાં ક્ષેત્રોમાં દેખાવાં પણ લાગ્યાં છે. પાછલાં વર્ષોમાં ઈપીએફઓના જે ડેટા આવતો રહ્યો છે તે પણ બતાવે છે કે રોજગારને લઈને સરકારની નીતિઓથી કેટલો લાભ થયો છે. બે દિવસ પહેલા મળેલા આંકડા મુજબ આ વર્ષે ઑગસ્ટ મહિનામાં લગભગ 17 લાખ લોકો ઇપીએફઓમાં જોડાયા હતા. એટલે કે તેઓ દેશની ઔપચારિક અર્થવ્યવસ્થાનો હિસ્સો બની ગયા છે. એમાં લગભગ ૮ લાખ લોકો એવા પણ છે કે જેઓ ૧૮ થી ૨૫ વર્ષની વય જૂથના છે.

સાથીઓ,

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જનથી રોજગારીનું સર્જન કરવાની પણ વધુ એક મોટી તક હોય છે, તેની ઘણી મોટી બાજુ છે, અને આ બાબતે તો વિશ્વભરમાં બધા લોકો માને છે કે હા, તે ક્ષેત્ર છે જે રોજગારી વધારે છે. વીતેલાં આઠ વર્ષોમાં દેશભરમાં હજારો કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થયું છે. રેલવે લાઈનને ડબલ કરવાનું કામ થઈ ગયું છે, રેલવેનું ગેજ રૂપાંતરણનું કામ થયું છે, રેલવેમાં ઈલેક્ટ્રિફિકેશનનું કામ આખા દેશમાં થઈ રહ્યું છે. દેશ નવા એરપોર્ટ્સ બનાવી રહ્યો છે, રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, નવા-નવા જળમાર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. લાખો વેલનેસ સેન્ટર્સ બની રહ્યાં છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડથી વધુ મકાનો પણ બનાવવામાં આવ્યાં છે.  અને આજે સાંજે જ્યારે હું ધનતેરસના દિવસે મધ્ય પ્રદેશના સાડા ચાર લાખ ભાઈ-બહેનોને મારાં ઘરની ચાવી સોંપીશ તો આ વિષય પર પણ વિસ્તારથી વાત કરવાનો છું. હું તમને પણ આગ્રહ કરીશ. આજે મારું સાંજનું ભાષણ પણ જોઇ લેજો.

સાથીઓ,

ભારત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું લક્ષ્ય રાખી ચાલી રહી છે. આટલા મોટા પાયે થઈ રહેલા વિકાસ કાર્યોથી સ્થાનિક પ્રસંગે યુવાનો માટે લાખોની સંખ્યામાં રોજગારીની તકો ઉભી થઈ રહી છે. આધુનિક ઇન્ફ્રા માટે થઇ રહેલાં આ તમામ કામો પ્રવાસન ક્ષેત્રને પણ નવી ઊર્જા આપી રહ્યાં છે. આસ્થાનાં સ્થળો, આધ્યાત્મિકતા, ઐતિહાસિક મહત્વ ધરાવતાં આ સ્થળોનો પણ દેશભરમાં વિકાસ થઈ રહ્યો છે. આ તમામ પ્રયાસો રોજગારીનું સર્જન કરી રહ્યા છે, દૂર-સુદૂરનાં સ્થળોએ પણ યુવાનોને તકો પૂરી પાડી રહ્યા છે. એકંદરે કેન્દ્ર સરકાર દેશમાં વધુને વધુ રોજગારીનું સર્જન કરવા માટે એક સાથે અનેક મોરચે કામ કરી રહી છે.

સાથીઓ,

અમે દેશની યુવા વસ્તીને અમારી સૌથી મોટી તાકાત માનીએ છીએ. આઝાદીના અમૃત કાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાના સારથીઓ આપણા યુવાનો છે, તમે બધા છો. આજે જેમને એપોઈન્ટમેન્ટ લેટર મળ્યો છે તેમને હું ખાસ કહેવા માગીશ કે જ્યારે પણ તમે ઓફિસ આવો ત્યારે હંમેશા તમારો કર્તવ્ય પથ યાદ રાખો. લોકોની સેવા માટે તમારી નિમણૂક કરવામાં આવી રહી છે. 21મી સદીના ભારતમાં સરકારી સેવા એ સુવિધા નથી, પરંતુ સમય મર્યાદામાં રહીને કામ કરીને દેશના કરોડો લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા છે, તે એક સોનેરી તક છે. પરિસ્થિતિઓ, સંજોગો, ગમે એટલા કઠિન હોય, સેવાભાવની નિસ્બત અને સમયસીમાની મર્યાદાને આપણે સૌ સાથે મળીને  જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. મને વિશ્વાસ છે કે આ વિશાળ સંકલ્પને ધ્યાનમાં રાખીને, તમે સેવાભાવને સર્વોપરી રાખશો. યાદ રાખો, તમારું સપનું આજથી શરૂ થયું છે, જે વિકસિત ભારતથી જ પૂર્ણ થશે. આપ સૌને ફરીથી નિમણૂક પત્ર, જીવનની એક નવી શરૂઆત માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને મને વિશ્વાસ છે કે, આપ  મારા અનન્ય સાથી બનીને, આપણે બધા મળીને દેશના સામાન્ય માનવીની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવામાં કોઈ કસર છોડીશું નહીં. ધનતેરસ એક પાવન પર્વ છે. આપણે ત્યાં તેનું ખૂબ મહત્વ પણ છે. દિવાળી પણ સામે આવી રહી છે. એટલે કે આ એક ઉત્સવની ક્ષણ છે. એવામાં આ પત્રો તમારા હાથમાં હોય તો તે તમારા તહેવારોમાં વધુ ઉત્સાહ અને ઉમંગ ભરી દેશે, સાથે જ એક સંકલ્પ સાથે પણ જોડી દેશે જે સંકલ્પ 100 વર્ષનો જ્યારે ભારતની આઝાદીનો સમય હશે. અમૃત કાલનાં 25 વર્ષ, તમારાં જીવનના પણ 25 વર્ષ, મહત્વપૂર્ણ 25 વર્ષ ચાલો આપણે સાથે મળીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો ખૂબ ખૂબ આભાર.

YP/GP/JD