સૌપ્રથમ તમે મારી સાથે બોલશો. હું કહીશ – સરદાર પટેલ. તમે કહેશો – અમર રહો, અમર રહો. સરદાર પટેલ, અમર રહો, અમર રહો.
સરદાર પટેલ, અમર રહો, અમર રહો.
સરદાર પટેલ, અમર રહો, અમર રહો.
આજે સમગ્ર દેશ સરદાર સાહેબની જન્મજયંતી ઉજવી રહ્યો છે. આજે આપણે જે હિંદુસ્તાનમાં રહીએ છીએ, જે તિરંગા ઝંડા નીચે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, અટકથી કટક સુધી, હિમાલયથી લઈને અરબી સમુદ્ર સુધી એક હિંદુસ્તાનને જોઈ રહ્યા છીએ, તેનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. અંગ્રેજો ભારતને છોડીને ગયા ત્યારે તેમણે તેમની વિદાય સાથે જ આપણો દેશ 500થી વધારે દેશી રજવાડાઓમાં વેરવિખેર થઈ, વિખંડિત થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું હતું. આપણા રાજા-રજવાડા અંદરોઅંદર લડીને ખતમ થઈ જાય તેવું અંગ્રેજો ઇચ્છતા હતા. પણ આપણા લોખંડીપુરુષ સરદાર પટેલે હિંદુસ્તાનને એકતાંતણે જોડી દીધું, 500થી વધારે દેશી રજવાડાઓને એક કરી દીધા. સરદારે આઝાદીના આંદોલનમાં ગાંધીજીનો પડછાયો બનીને લોકોના હૃદયમાં આઝાદીની મશાલ પ્રગટાવી હતી. તેમણે ગાંધીજીના દરેક વિચારને જનશક્તિ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં એ સરદાર જ હતા, જેમણે ગાંધીજીના વિચારોને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું હતું. એ સરદાર હતા, જેમણે આઝાદીના આંદોલનમાં અંગ્રેજોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. એ જ સરદાર સાહેબે આઝાદી પછી તરત અંગ્રેજોની માનસિકતા, વિચારસરણીને હિંદુસ્તાનની ધરતીમાં દફનાવી દીધી હતી, રાજારજવાડાને એક કરી દીધા અને આજે આપણે જીવીએ છીએ, રહીએ છીએ એવા ભારતને આકાર આપ્યો હતો, એવા ભારતનું નિર્માણ કર્યું હતું.
આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચે હિમસાગર ટ્રેન દોડે છે. આ ટ્રેન આપણા દેશની સૌથી લાંબી ટ્રેન છે. તે હિમાલયની તળેટીમાંથી નીકળે છે અને કન્યાકુમારીના સાગર સુધી પહોંચે છે. જ્યારે આપણે એ ટ્રેનમાં સફર ખેડીએ છીએ, ત્યારે માર્ગમાં અનેક રાજ્યો આવે છે. પણ આપણે કોઈ રાજ્યની પરમિટ લેવી પડતી નથી, ન કોઈ રાજ્યના વીઝા લેવા પડે છે, ન કોઈ રાજ્યમાં કરવેરો ચુકવવો પડે છે. તમે કાશ્મીરથી બેસો પછી ક્યાંય કશી રોકટોક વિના કન્યાકુમારી પહોંચી જાવ. આ માટે આપણે સરદાર સાહેબનો આભાર માનવો જોઈએ, જેમના કારણે ભારતે ખરા અર્થમાં એક રાષ્ટ્રનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ભાઈઓ અને બહેનો,
તમે મને કહો કે, હિંદુસ્તાને શક્તિશાળી રાષ્ટ્ર બનવું જોઈએ કે નહીં? હિંદુસ્તાને આખી દુનિયામાં પોતાની તાકાતનો પરિચય કરાવવો જોઈએ કે નહીં? દુનિયા ભારતની ક્ષમતાનો સ્વીકાર કરે એવું હિંદુસ્તાન તમારે જોઈએ છે કે નહીં?
ભાઈઓ અને બહેનો,
શક્તિશાળી, સમર્થ અને મજબૂત હિંદુસ્તાનનું સ્વપ્ન મારું નહીં, સવા સો કરોડ હિંદુસ્તાનીઓનું છે. અહીં અત્યારે મારી સામે એક નાનું હિંદુસ્તાન છે. દરેક ભાષાના લોકો મારી સામે ઉપસ્થિત છે. દરેકનું સ્વપ્ન હિંદુસ્તાનને મજબૂત રાષ્ટ્ર બનાવવાનું છે, દરેકનું સ્વપ્ન હિંદુસ્તાનને શક્તિશાળી બનાવવાનું છે, દરેકનું સ્વપ્ન હિંદુસ્તાનને સામર્થ્યવાન બનાવવાનું છે. દરેકનું સ્વપ્ન હિંદુસ્તાનને સમૃદ્ધ બનાવવાનું છે, દરેક સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ હિંદુસ્તાનની આકાંક્ષા સેવે છે. પણ ભાઈઓ અને બહેનો, આ સ્વપ્ન સાકાર કરવાની પહેલી શરત છે – હિંદુસ્તાનમાં અને હિંદુસ્તાનીઓમાં એકતા હોવી જોઈએ. આપણે સંપ્રદાયના નામે એકબીજા સાથે લડીને, આપણી વચ્ચે જાતિવાદનું વિષ ઘોળીને, ઊંચનીચની વિકૃતિ માનસિક પ્રથા જાળવીને, અમીર અને ગરીબ વચ્ચે ફરક જાળવીને, ગામ અને શહેર વચ્ચે ફરક કરીને આપણો દેશ એકતાની અનુભૂતિ ક્યારેય નહીં કરી શકે.
મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
એટલે જ સરદાર પટેલની જન્મજયંતી પર એકતાનો સંદેશ સૌથી વધુ પ્રસ્તુત છે. જે મહાપુરુષે પોતાના સામર્થ્યથી, પોતાની શક્તિથી, પોતાના બૌદ્ધિક બળથી, પોતાની રાજકીય ઇચ્છાશક્તિથી, પોતાની રાજકીય કુનેહથી તમામ પડકારો વચ્ચે દેશને એકતાંતણે બાંધી દીધો તેમની જન્મજયંતી પર આપણે આપણી વચ્ચે એકતાનો દીપ પ્રકટાવવો જોઈએ. દરેક હિંદુસ્તાનીએ દેશભક્તિની ભાવનાથી ભારતની એકતા અને અખંડતાને મજબૂત કરવા પોતપોતાની જવાબદારી અદા કરવી જોઈએ. દેશને તોડવા માટે, દેશમાં અવ્યવસ્થાનું વાતાવરણ પેદા કરવા, દેશમાં અંતર્વિરોધ પેદા કરવા અનેક શક્તિ કામ કરી રહી છે. આવા સમયે એકતા માટે જાગૃત રહેવાનો પ્રયાસ કરવો આવશ્યક છે, આપણે સતર્ક રહેવું જોઈએ. આપણને એકબીજા સાથે જોડતી જેટલી ચીજવસ્તુઓ છે, તેનું વારંવાર સ્મરણ કરવું જરૂરી છે. આપણી ભારત માતા, આ ભારત માતાના ગળામાં સવા સો કરોડ હિંદુસ્તાનીઓ સ્વરૂપે પુષ્પમાળા સજાવેલી છે. આપણે સવા સો કરોડ દેશવાસીઓ આ પુષ્પમાળા સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલા છીએ અને આ સવા સો કરોડ પુષ્પોને જોડતો જે દોરો છે, એ દોરો છે – આપણી ભારતીયતાની, આપણા રાષ્ટ્રપ્રેમની ભાવનાનો. આપણા દેશપ્રેમનો, આપણી ભારતીયતાની ભાવનાનો આ દોરો સવા સો કરોડ હૃદયનો, સવા સો કરોડ મસ્તિષ્કનો, સવા સો કરોડ વસતિનો આ દોરો આપણને એક માળા સ્વરૂપે પરોવે છે અને આ સવા સો કરોડ ફૂલોની સુગંધ – આ સુગંધ છે આપણી રાષ્ટ્રભક્તિની. આ રાષ્ટ્રભક્તિની મહેંક આપણને દરેક ક્ષણે ઊર્જા આપે છે, પ્રેરણા આપે છે, ચેતના આપે છે. તેનું વારંવાર સ્મરણ કરીને દેશમાં એકતા અને અખંડિતતાનું વાતાવરણ બનાવવા આપણે કટિબદ્ધ, પ્રતિબદ્ધ થવાનું છે.
મારા પ્રિય નવયુવાન સાથીદારો,
આજે 31 ઓક્ટોબર છે. આજે દિલ્હીની ધરતીને, દેશની જનતાને ભારત સરકાર તરફથી એક કિંમતી ભેટ મળવાની છે. થોડા સમયમાં હું દિલ્હીમાં સરદાર સાહેબના જીવન પર એક Digital Museumનું લોકાર્પણ કરવાનો છું. હું તમને બધાને આગ્રહ કરું છું કે ઓછામાં ઓછા બે કલાક ફાળવો, વધુમાં વધુ આખો દિવસ ફાળવી શકો છો, અઠવાડિયું ફાળવી શકો છો. તમારે જાણવા, સમજવા અને અભ્યાસ કરવા માટે અનેક ચીજવસ્તુઓ આ મ્યુઝિયમમાં છે. અત્યારે પ્રગતિ મેદાનની પાસે Permanent Digital Museum બને છે.
આઝાદીની આટલા વર્ષો પછી, સરદાર સાહેબની વિદાયના આટલા વર્ષો પછી આજે દિલ્હીમાં સરદાર સાહેબને આ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. કાશ! આ કામ 40, 50, 60 વર્ષ અગાઉ થયું હોત. પણ કેમ ન થયું એ સમજાતું નથી. આપણા આ મહાપુરુષની અવગણના કરનારાઓ પાસે ઇતિહાસ જવાબ માગશે. અમે તો તેમના માટે થોડુંઘણું કર્યું એ જ ભાવના સાથે કામ કરીએ છીએ.
સરદાર સાહેબની એકતાના મંત્રને જીવનનો સ્વભાવિક હિસ્સો બનાવવા માટે દરેક ભારતીયનો સ્વભાવ બનાવવા આજે હું એ જ કાર્યક્રમમાં એક નવી યોજના લોન્ચ કરવાનો છું – ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત.’ આ યોજના પણ દેશની એકતાને બળ આપશે, દેશની અખંડિતતાને પ્રોત્સાહન આપશે. એ જ પ્રદર્શનના લોકાર્પણમાં હું આજે એ યોજનાને લોન્ચ કરવાનો છું. હું એક વખત ફરી સંપૂર્ણ દેશમાં Run For Unity‘એકતા માટેની દોડ’ને લીલી ઝંડી આપું છું. 31 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં આખું અઠવાડિયું હિંદુસ્તાનના અલગ-અલગ ખૂણાઓમાં એકતા માટેની દોડનું આયોજન થઈ રહ્યું છે. હું તમામ દેશવાસીઓને આગ્રહ કરીશ કે આપણે સરદાર સાહેબને ક્યારેય ભૂલવા ન જોઈએ. આપણે સરદાર સાહેબના એકતાના મંત્રને ક્યારેય ભૂલવો ન જોઈએ. આપણે જે હિંદુસ્તાનનું નિર્માણ કરવું છે એ હિંદુસ્તાન બનાવવાની પહેલી શરત એ છે કે દેશની એકતા, જનજનની એકતા, દરેક મનની એકતા, દરેક મનનો એક સંકલ્પ, આપણી ભારત માતા મહાન બને. આપણે આ જ મંત્ર સાથે આગળ વધવાનું છે. હું તમને ફરી એક વખત આટલી મોટી સંખ્યા, તે પણ દિવાળીના પવિત્ર-પાવન પર્વ પર, તમારી હાજરીથી ખરેખર આનંદ અનુભવું છું.
આપ સૌનો ધન્યવાદ,
ખૂબ ખૂબ આભાર.
J. Khunt/TR
Flagged off the ‘Run for Unity.’ Role of Sardar Patel in unifying the nation is invaluable. pic.twitter.com/xlDAoHMYrs
— Narendra Modi (@narendramodi) October 31, 2016