Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે પ્રધાનમંત્રીનું આદાનપ્રદાન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે આદાનપ્રદાન કર્યું હતું. આ આદાનપ્રદાન “સ્ટેટ્સ એઝ ડ્રાઇવર્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા” (ભારતની કાયાપલટ માટે રાજ્યો મુખ્ય પરિબળ) થીમ પર મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનો ભાગ હતું. પ્રધાનમંત્રીએઆ પ્રકારની ઇવેન્ટમાં આ પ્રકારના લોકોને પ્રથમ વખત સંબોધન કર્યું હતું.

 

મુખ્ય સચિવોએ તેમના રાજ્યોમાં એક શ્રેષ્ઠ રીત વિશે ટૂંકમાં વાત કરી હતી.

 

મુખ્ય સચિવો દ્વારા પ્રસ્તુત શ્રેષ્ઠ પદ્ધતિઓમાં વિવિધ થીમ સામેલ હતી, જેમાં ગ્રામીણ વિકાસ, કૌશલ્ય વિકાસ, પાક વીમો, આરોગ્ય વીમો, ટર્શરી હેલ્થકેર, દિવ્યાંગ બાળકોનું કલ્યાણ, નવજાત બાળકોના મૃત્યુદરમાં ઘટાડો, જનજાતિ કલ્યાણ, ઘન કચરાનું વ્યવસ્થાપન, સાફસફાઈ, પીવાનું પાણી, નદીનું સંરક્ષણ, પાણીનું વ્યવસ્થાપન, ઇ-ગવર્નન્સ, પેન્શન સુધારો, ઇમરજન્સી સેવાઓ, ખનીજથી સમૃદ્ધ વિસ્તારોનો વિકાસ, પીડીએસ સુધારો, સહાયનું પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ, સૌર ઊર્જા, ક્લસ્ટર વિકાસ, સુશાસન અને વેપારવાણિજ્યની સરળતા સામેલ હતી.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શાસનમાં પ્રાથમિકતા અને અભિગમ અતિ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણને રાજ્યોના અનુભવોમાંથી ઘણું શીખવા મળ્યું છે, જે સમસ્યાઓ અને પડકારોનાં શ્રેષ્ઠ સમાધાનો પ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, ટોચના સરકારી અધિકારીઓ પડકારોનો સામનો કરવા સંયુક્ત વિઝન અને ક્ષમતા ધરાવે છે. આ સંબંધમાં અનુભવની વહેંચણી અતિ મહત્વપૂર્ણ છે તેવું તેમણે ઉમેર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમામ રાજ્યોમાંથી યુવાન અધિકારીઓની ટીમે દરેક રાજ્યોની મુલાકાત લઈને હવે આ શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવું જોઈએ. તેનાથી તમામ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓનો અસરકારક રીતે સ્વીકાર કરવામાં મદદ મળશે.

 

પ્રધાનમંત્રીએ અધિકારીઓને ‘સ્પર્ધાત્મક સરકારી સંઘવાદ’ના સિદ્ધાંતને હંમેશા ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જિલ્લાઓ અને શહેરો વિકાસના સ્પર્ધાત્મક વાતાવરણ તથા સુશાસનનો પણ ભાગ બનવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સફળતાનું પુનરાવર્તન મોટા રાજ્યોમાં એક જિલ્લાથી થઈ શકે છે. આ સંબંધમાં તેમણે હરિયાણા અને ચંદીગઢનું કેરોસીનમુક્ત બનવાનું ઉદાહરણ ટાંક્યું હતું.

 

પ્રધાનમંત્રી પ્રગતિ બેઠકોનું ઉદાહરણ પણ આપ્યું હતું, જેમાં લાંબા સમયથી વિલંબિત ઘણાં પ્રોજેક્ટને નિર્ણાયક વેગ આપવામાં આવ્યો હતો. તેમણે રાજ્યોને જૂની વ્યવસ્થામાંથી બહાર આવવા તથા કેન્દ્ર સરકાર તથા બીજા રાજ્યો સાથે સહકારમાં કામ કરવાની અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે આખી દુનિયાને ભારતમાં વિશ્વાસ છે, ભારત પાસેથી અપેક્ષાઓ છે અને ભારત સાથે ભાગીદાર બનવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, આ આપણા માટે સોનેરી તક છે. તેમણે જણાવ્યું હતું કે, “વેપારવાણિજ્ય સરળ કરવાની” બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જોઈએ અને તે રોકાણ આકર્ષવામાં રાજ્યો માટે અતિ મદદરૂપ પુરવાર થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વેપારવાણિજ્ય સરળ થવાથી” રાજ્યોમાં મોટા પાયે રોકાણ આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોએ વિકાસની વણખેડાયેલી સંભવિતતા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે તેમના શરૂઆતનાં દિવસોને યાદ કર્યા હતા અને ધરતીકંપમાં કચ્છના પુનર્નિર્માણની કામગીરીને યાદ કરી હતી. તેમણે અહીં ટીમ તરીકે કામ કરનાર અધિકારીઓની ટીમની પ્રશંસા કરી હતી અને એ દિવસોમાં પ્રતિબદ્ધ પ્રયાસને જવાબદાર ગણાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે જૂના કાયદા અને નિયમોને દૂર કરવાના મહત્વનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

કૃષિ ક્ષેત્ર પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે. તેમણે કૃષિ ઉત્પાદનમાં બગાડને દૂર કરવા ભાર મૂક્યો હતો અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યોને કૃષિ સુધારા અને ઇ-નામ પર ધ્યાન કેન્દ્રીત કરવા પણ જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ નવી પહેલો પર હકારાત્મક અભિગમ દાખવવા અધિકારીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચૂંટાયેલ રાજકીય નેતૃત્વ નવા, હકારાત્મક વિચારોને હંમેશા આવકારશે, જેમાં કોઈ વિચારધારાને ધ્યાનમાં લેવામાં નહીં આવે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધારનો ઉપયોગ સંપૂર્ણપણે લાભદાયક છે અને ભ્રષ્ટાચારને દૂર કરે છે. તેમણે ઉપસ્થિત તમામ લોકોને સુશાસનના હિતમાં તેનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) સરકારી પ્રક્રિયામાં કાર્યદક્ષતા, બચત અને પારદર્શકતા પ્રદાન કરી શકે છે. તેમણે 15 ઓગસ્ટ સુધીમાં તમામ રાજ્ય સરકારોને જીઇએમનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

 

“એક ભારત, શ્રેષ્ઠ ભારત” પર બોલતા તેમણે કહ્યું હતું કે, આપણે આપણને એકતાંતણે બાંધી શકે તેવા પરિબળો હંમેશા યાદ રાખવા જોઈએ. તેમણે તમામ મુખ્ય સચિવોને આ યોજના પર કામ કરવા અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારી કાર્યક્રમો અને વિકાસલક્ષી લક્ષ્યાંકોની સફળતા માટે સુશાસન શ્રેષ્ઠ ચાવી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોમાં પ્રમાણમાં જૂનિયર અધિકારીઓએ ફિલ્ડ વિઝિટમાં પર્યાપ્ત સમય ફાળવવો જોઈએ, જેથી તેઓ વાસ્તવિક મુદ્દાઓની જાણકારી પ્રત્યક્ષ રીતે મેળવે. પ્રધાનમંત્રીએ સંસ્થાગત યાદગીરીરૂપ ચીજવસ્તુઓ અને સ્મારકોનું જતન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ દ્વારા ગેઝેટ્સનું લેખન જિલ્લાઓમાં ફરજિયાત બનાવવું જોઈએ.

 

પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં ભારતની આઝાદીને 75મું વર્ષ પૂર્ણ થશે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સંયુક્ત પ્રેરણા માટેની સારી તક છે અને દરેક વ્યક્તિએ સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ માટે અભિયાનની જેમ કામ કરવું જોઈએ.

 

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય આયોજન મંત્રી શ્રી રાવ ઇન્દરજિત સિંઘ, નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો. અરવિંદ પનગરિયા, નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત તથા સરકાર, પીએમઓ અને મંત્રીમંડળીય સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

 

TR