Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્યોત્સવ મેળા મેદાન ખાતે છત્તીસગઢ રાજ્યોત્સવ – ૨૦૧૬માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાજ્યોત્સવ મેળા મેદાન ખાતે છત્તીસગઢ રાજ્યોત્સવ – ૨૦૧૬માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાજ્યોત્સવ મેળા મેદાન ખાતે છત્તીસગઢ રાજ્યોત્સવ – ૨૦૧૬માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંચ પર ઉપસ્થિત છત્તીસગઢના રાજ્યપાલ શ્રીમાન બલરામ દાસજી ટંડન, છત્તીસગઢના જનપ્રિય મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન વિષ્ણુ દેવજી, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન ગૌરીશંકર અગ્રવાલજી, છત્તીસગઢ સરકારના તમામ મંત્રીશ્રીઓ, સાંસદ શ્રી રમેશજી, મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

હજુ તો દેશ દિવાળીના તહેવારમાં ડૂબેલો છે. બધી બાજુ દિવાળી ઉજવાઈ રહી છે અને આવા સમયે મને છત્તીસગઢ આવવાનો મોકો મળ્યો છે. હું આપ સૌને દિવાળીના આ પાવન પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે મારું એક વિશેષ સૌભાગ્ય છે, જયારે માતાઓ અને બહેનો આશીર્વાદ આપે છે ત્યારે તમારી કામ કરવાની શક્તિ અનેકગણી વધી જાય છે. આજે સમગ્ર છત્તીસગઢમાંથી ભાઈબીજના આ તહેવાર પર લાખોની સંખ્યામાં બહેનોએ આવીને મને આશીર્વાદ આપ્યા છે. ખાસ કરીને મારી આદિવાસી બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. હું આ બધી બહેનોને નમન કરું છું. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારો આ ભાઈમાં ભારતીયોના કલ્યાણ માટે, સવા સો કરોડ દેશવાસીઓની ભલાઈ માટે તમારા આશીર્વાદથી કાર્ય કરવામાં કોઈ કમી નહી રેહવા દે.

આજે છત્તીસગઢના આપણા રાજ્યપાલ આપણા સૌના વરિષ્ઠ નેતા શ્રીમાન બલરામ દાસજીનો પણ જન્મદિવસ છે. હું તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે એક એવો મહત્વપૂર્ણ દિવસ છે, જેના માટે આપણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આજે સમગ્ર છત્તીસગઢ તરફથી, સમગ્ર મધ્યપ્રદેશ તરફથી, સમગ્ર ઉત્તરપ્રદેશ તરફથી, સમગ્ર ઉત્તરાખંડ તરફથી, સમગ્ર બિહાર તરફથી, સમગ્ર ઝારખંડ તરફથી આપણે સૌ અટલ બિહારી વાજપેયીજીનો આભાર માનીએ છીએ. તેમને અભિનંદન પાઠવીએ છીએ કે તેમણે છત્તીસગઢનું નિર્માણ કર્યું.

કોઈપણ રાજ્યની રચના આટલી શાંતિપૂર્ણ રીતે થાય, પ્રેમભર્યા વાતાવરણમાં થાય, પોતાપણાની ભાવના હોય અને વધુ તાકાત આપે એવી રીતે થાય, આવનારી દરેક પેઢી છત્તીસગઢનું નિર્માણ હોય, ઝારખંડનું નિર્માણ હોય, ઉત્તરાખંડનું નિર્માણ હોય, દીર્ઘ દ્રષ્ટિ વડે બધાને સાથે લઈને બધાનું સમાધાન કરતા લોશાહી પરંપરાઓ અને મર્યાદાઓનું પાલન કરતા રાજ્યની રચના કઈ રીતે કરી શકાય તેનું વાજપેયીજીએ ખુબ મોટું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. નહિતર આપણે જાણીએ છીએ. આપણા દેશમાં રાજ્યના નિર્માણથી કેવી કેવી કટુતા ઊભી થઇ છે. કેવો વિખવાદ ઊભો થયો છે. અલગ રાજ્ય બનીને વિકાસની યાત્રાને બદલે જો સાચી રીતે કામ ના થાય તો હંમેશા – હંમેશા વેર ભાવના બીજ ઉછર્યા કરે છે. આપણે નસીબદાર છીએ કે વાજપેયી જેવા મહાન નેતાએ આપણને છત્તીસગઢ આપ્યું. કોણે વિચાર્યું હતું કે ૧૬ વર્ષ પેહલા જયારે છત્તીસગઢ બન્યું, કોણે વિચાર્યુ હતું કે હિન્દુસ્તાનના રાજ્યોની વિકાસની યાત્રામાં આ આદિવાસી વિસ્તારવાળો નક્સલ પ્રભાવી વિસ્તાર પણ હિન્દુસ્તાનના વિકસિત રાજ્યોની સાથે ટક્કર લેશે અને વિકાસના મુદ્દે આગળ વધશે. ૧૩ વર્ષ સુધી ડૉ. રમણ સિંહજીને સેવા કરવાનો અવસર મળ્યો છે. અને અમારા લોકોનો મંત્ર રહ્યો છે વિકાસનો. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર અને માત્ર એક જ રસ્તે થઇ શકે છે- અને એ રસ્તો છે વિકાસનો.

અમને જ્યાં જ્યાં સેવા કરવાનો મોકો મળ્યો છે તે બધા જ રાજ્યોમાં અને વર્તમાનમાં ભારત સરકારમાં અમે વિકાસના પથ પર આગળ વધવા માટે સંપૂર્ણ સમર્પિત ભાવથી પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે મારું એ પણ સદભાગ્ય છે કે આપણા સૌના માર્ગદર્શક જેમના ચિંતનની આધારશીલા પર તેમના ચિંતનના પ્રકાશમાં અમે અમારી નીતિઓ બનાવી રહ્યા છીએ, રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ અને સમાજના છેક છેવાડે બેઠેલા માણસના કલ્યાણ માટે અમે પવિત્ર ભાવથી, સેવા ભાવથી પોતાની જાતને હોમી રહ્યા છીએ તેવા અમારા પ્રેરણા પુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જેમની જન્મશતાબ્દીનું આ વર્ષ છે. અને અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મશતાબ્દીના વર્ષને ગરીબ કલ્યાણ વર્ષના રૂપમાં વર્ષ ભર સરકારો, સમાજ, સ્વૈચ્છિક સંગઠનો, ગરીબોના કલ્યાણના કાર્યક્રમો પર પોતાનો સમય કેન્દ્રીત કરીએ. આજે તે મહાપુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાનું લોકાર્પણ કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. અને જનપદથી લઇ રાજપથ સુધી એક આત્મપથનું પણ. જો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ચિંતનનો એક પરિચય એક જ શબ્દમાં કરવો હોય તો તે છે એકાત્મતા, તે એકાત્મ પથનું નિર્માણ કર્યું છે. હું આજે સવારે જ્યારથી આવ્યો છું દરેક જગ્યાએ જઈને યોજનાઓને જોઈ રહ્યો છું. અનેક મનને પ્રભાવિત કરનારી યોજનાઓની રચના થઇ છે. નિર્માણ કાર્ય શ્રેષ્ઠ રીતે થયું છે અને આજે નહીં પણ જયારે ૫૦ વર્ષ બાદ કોઈ છત્તીસગઢ આવશે, નવું રાયપુર જોશે, એકાત્મ પથ જોશે તો તેને લાગશે કે હિન્દુસ્તાનનું એક નાનકડું રાજ્ય પણ કેવી કમાલ કરી શકે છે. આદિવાસી વિસ્તાર પણ કેવી નવી રોનક લાવી શકે છે. તેના સંદેશનો પણ આજે એક રીતે શિલાન્યાસ થયો છે. આ ૨૧મી સદી છત્તીસગઢમાં આજે જે પાયો નંખાઈ રહ્યો છે આજે જે યોજનાઓને આગળ વધારાઈ રહી છે. ગરીબથી ગરીબ લોકોના કલ્યાણના કાર્યો પર ભર મુકાઈ રહ્યો છે. Make In India દ્વારા અહીંની જે પ્રાકૃતિક સંપત્તિ છે તેની મુલ્યવૃદ્ધિ કરીને ભારતની અર્થવ્યવસ્થામાં પણ પ્રાણ પૂરવાનો પ્રયાસ છત્તીસગઢની ધરતી પરથી, છત્તીસગઢના નાગરિકો દ્વારા, છત્તીસગઢની સરકાર દ્વારા ડૉ. રમણ સિંહજીની ટુકડી દ્વારા જે કામ થઇ રહ્યું છે તેનો પ્રભાવ સંપૂર્ણ શતાબ્દી પર રહેવાનો છે. આ એવો મજબુત પાયો તૈયાર થઇ રહ્યો છે જે છત્તીસગઢનું ભાગ્ય બદલનાર છે. એટલું જ નહી તે હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવામાં પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે.

મને આજે ડૉ. રમણ સિંહજી પોતાના પ્રિય પ્રોજેક્ટ જંગલ સફારીમાં પણ ફરવા લઇ ગયા હતા અને લાગતું હતું કે જાણે વાઘ તેમને ઓળખતો હતો. આંખમાં આંખ મિલાવવા માટે આવી ગયો હતો. મને વિશ્વાસ છે કે માત્ર છત્તીસગઢના લોકો જ નહી પરંતુ દેશના અન્ય ભાગોમાંથી પણ પ્રવાસનની દ્રષ્ટીએ આ પ્રાકૃતિક વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ જંગલ સફારીને જોવા માટે લોકો આવશે. પ્રવાસનના વિકાસની અનેક સંભાવનાઓ છે. અને છત્તીસગઢ પાસે પ્રવાસનને વેગ આપવા માટે આંતરિક વિપુલ તાકાત પડેલી છે. અહીંની શિલ્પકલા પ્રવાસનના આકર્ષણ માટેનું એક મહત્વપૂર્ણ અંગ છે. અહીંના જંગલો, અહીંની પ્રાકૃતિક સંપદા પ્રવાસીઓ આજે મૂળ તરફ વળવાના મૂડમાં છે. જો તેમને ઈકો ટૂરિઝમ માટે આવકારવામાં આવે તો ઇકો ટૂરિઝમની એક બહુ મોટી સંભાવના છત્તીસગઢના જંગલોમાં પડેલી છે. અને પ્રવાસન એ એક એવું ક્ષેત્ર છે જેમાં ઓછામાં ઓછા મૂડીરોકાણમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળે છે.

એક કારખાનું નાખવામાં જેટલી મૂડી લાગે છે તેનાથી જેટલો રોજગાર મળે છે તેના દસમાં ભાગની મૂડી રોકીને વધુ લોકોને રોજગાર પ્રવાસનથી મળે છે. અને પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જ્યાં ગરીબમાં ગરીબ પણ કમાશે. રીક્ષા ચાલક પણ કમાશે. રમકડા વેચવાવાળો કમાશે. ફળ ફૂલ વેચવાવાળો કમાશે. ચોકલેટ બિસ્કીટ વેચવાવાળો કમાશે, ચા વેચવાવાળો કમાશે. તે ગરીબમાં ગરીબને રોજગાર આપે છે અને એટલે જ નવું રાયપુર, જંગલ સફારી, એકાત્મ પથ વિકાસના ધામ તો છે જ પણ ભવિષ્યમાં પ્રવાસનના સ્થળ પણ બની શકે છે. અને જે રીતે ડૉ. રમણ સિંહજી સતત મને આ વસ્તુઓની માહિતી આપી રહ્યા હતા. મને વિશ્વાસ છે કે જે સપનાઓને તેમણે જોયા છે તે ખુબ જ નજીકના ભવિષ્યમાં સમગ્ર છત્તીસગઢની આંખો સામે હશે અને રમણસિંહજીના નેતૃત્વમાં હશે તે ખુબ જ સંતોષની વાત છે.

ભાઈઓ અને બહેનો હું જયારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દીની વાત કરી રહ્યો છું ત્યારે આ દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે ગરીબોની મુક્તિ માટે, કેન્દ્ર હોય રાજ્ય હોય, પંચાયત હોય કે પાલિકા હોય. આપણે સૌએ મળીને પૂરી તાકાત લગાવીને, ગરીબીથી મુક્તિનો જંગ ખભે ખભો મિલવીને લડવાનો છે અને ગરીબીથી મુક્તિનો માર્ગ ગરીબીમાં જેમને જિંદગી પસાર કરવી પડી છે તેમને ભેટ સોગાદો વહેંચીને રોકી ન શકાય. તેમને સામર્થ્યવાન બનાવીને કરી શકાય છે. જો તેમને શિક્ષિત બનાવવામાં આવે, તેમને કૌશલ્ય શીખવાડવામાં આવે, તેમને કાર્ય કરવા માટે વધુ જોર આપવામાં આવે, તેમને કામ કરવાનો અવસર આપવામાં આવે તો તેઓ માત્ર પોતાની ગરીબી હટાવશે એવું નથી તેઓ આજુબાજુના બે પરિવારોની પણ ગરીબી હટાવવાની તાકાત તેનામાં આવી જાય છે. અને આથી જ અમે ગરીબોને સામર્થ્યવાન બનાવવાએ દિશામાં પણ ભાર મુક્યો છે.

આપણે જાણીએ છીએ કે ગરીબ બાળકોની સરકારની યોજનાઓ ચાલે છે રસીકરણની, આરોગ્ય માટેની પણ તેમ છતાં જે મા ભણેલી ગણેલી છે, થોડી જાગૃતિ છે, ત્યાંના સ્થાનિક લોકો જરા સક્રિય છે તો તો રસીકરણ થઇ જાય છે. ગરીબનું બાળક આવનારી બીમારીથી બચવા માટે સુરક્ષા કવચ મેળવી શકે છે પરંતુ હજુ પણ આપણા દેશમાં નિરક્ષરતા છે. ગરીબ માને નથી ખબર કે બાળકને કઈ કઈ રસી આપવાની હોય છે અને લાખો બાળકો સરકારી યોજનાઓ હોવા છતાં બજેટનો ખર્ચ કરવા છતાં પણ રસીકરણથી બાકી રહી જાય છે. અમે એક ઇન્દ્રધનુષ યોજના બનાવી છે. આ ઇન્દ્રધનુષ યોજના હેઠળ રોજીંદા જીવનમાં રસીકરણ થાય છે. ત્યાં અટકવાનું નથી. ગામ ગામ ગલી ગલી ગરીબના ઘરે જઈને શોધવાના છે. કયા બાળકો છે જે રસીકરણથી બચી ગયા છે. મેહનત ચાલી રહી છે પણ અમારા બધા સાથીઓ લાગેલા છે અને લાખોની સંખ્યામાં આવા બાળકોને શોધી કાઢ્યા અને રસીકરણ કરીને તેમના આરોગ્ય માટે જોર આપવાનો પ્રયત્ન કર્યો છે. સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું. યોજના માત્ર આંકડાઓથી નહીં પરિણામથી મેળવવા સુધી જોડવી એ બાબત પર ભાર મુક્યો છે.
એક જમાનો હતો કે સંસદસભ્યને ૨૫ ગેસ કનેક્શનની કુપન મળતી હતી અને લાખો લોકો મોટા મોટા લોકો તે એમ પી સાહેબની આજુ બાજુ ફર્યા કરતા હતા કે અરે સાહેબ જરા એક ગેસ કનેક્શનની કુપન આપી દો. ઘરમાં ગેસ કનેક્શન લગાવવું છે. મોટા મોટા લોકો ભલામણ લગાવતા હતા અને ક્યારેક અખબારોમાં પણ આવતું હતું કે કેટલાક એમપી તો ગેસની કુપનો બ્લેકમાં પણ વેચી દેતા હતા. આવા પણ સમાચાર આવતા હતા. ગેસ કનેક્શન મેળવવું કેટલું અઘરું હતું. આ બહુ જૂની વાત નથી દસ પંદર વર્ષ પહેલા પણ લોકો આ વાત જાણતા હતા. ભાઈઓ અને બહેનો મેં બીડું ઝડપ્યું છે કે મારી ગરીબ માતાઓ કે જે લાકડાના ચુલા સળગાવીને ધુમાડામાં પોતાની જિંદગી પસાર કરી નાખે છે. એક ગરીબ મા જયારે લાકડાનો ચૂલો સળગાવીને જમવાનું બનાવે છે તો ચારસો સિગરેટ જેટલો ધુમાડો તેના શરીરમાં દરરોજ જાય છે. તમે કલ્પના કરી શકો છો એક ગરીબ માના શરીરમાં જો દરરોજ ચારસો સિગરેટ જેટલો ધુમાડો જતો હોય તો તે માની તબિયતની શું હાલત થશે. તે બાળકોની શું હાલત થશે અને મારા દેશના ભવિષ્યની શું હાલત થશે. શું આપણે આપણી ગરીબ માતાઓને આવી જિંદગી જીવવા માટે મજબુર કરતા રહીશું કે પછી તેમને તેમના નસીબ પર છોડી દઈશું. અમે બીડું ઝડપ્યું છે. આવનારા ત્રણ વર્ષમાં આ ગરીબ પરિવારોમાં પાંચ કરોડ પરિવારોમાં લાકડાના ચુલા અને ધુમાડાથી મુક્તિ અપાવી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસનું કનેક્શન પહોંચાડવું, ગેસનું કનેક્શન પહોંચાડવું અને જંગલોને કપાવાથી બચાવવા, લાકડા લેવા માટે જે માતાઓને મહેનત કરવી પડતી હતી તેનાથી તેમને બચાવવી, જયારે જરૂર પડે ત્યારે બાળકોને ખાવાનું ખવડાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભાઈઓ અને બહેનો જેના મૂળમાં એક જ વિચાર છે એક જ ભાવના છે દેશને ગરીબીથી મુક્તિ અપાવવી. ભાઈઓ બહેનો અમે મેઇક ઇન ઇન્ડિયાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. કેમ? આપણા દેશ પાસે નવયુવાનો છે. તેમની પાસે મજબુત બાવડા છે. દિલ છે અને દિમાગ પણ છે. જો તેમને મોકો મળે તો દુનિયામાં ઉત્તમથી ઉત્તમ વસ્તુ બનાવવાની તાકાત આપણા નવયુવાનો ધરાવે છે. જો તેમને કૌશલ્ય શીખવવામાં આવે, કૌશલ્ય વિકાસ કરવામાં આવે તો તે કૌશલ્ય શીખવું છે. મારા નવયુવાનો પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત ધરાવે છે. અમારી સરકાર બન્યા બાદ અમે કૌશલ્ય વિકાસનું અલગ મંત્રાલય બનાવ્યું છે. અલગ મંત્રી બનાવ્યા. અલગ બજેટની ફાળવણી કરી. અને સમગ્ર દેશમાં સરકારો દ્વારા, રાજ્યો દ્વારા, કેન્દ્ર દ્વારા, ઉદ્યોગ દ્વારા, જાહેર ખાનગી ભાગીદારી દ્વારા જે પણ મોડલ જ્યાં પણ લાગુ થઇ શકે તેમ હોય ત્યાં લાગુ કરીને કૌશલ્ય વિકાસનું મોટું અભિયાન ચલાવ્યું. કૌશલ્ય વિકાસ ક્યાં ચલાવ્યું, તો સુખી પરિવારના બાળકો તો વિદેશમાં જઈને સારી એવી કોલેજોમાં પ્રવેશ મેળવી લે છે પણ આ ગરીબના બાળકો છે જે ત્રીજા ધોરણ સુધી, પાંચમાં ધોરણ સુધી અનેક મુશ્કેલીથી ભણે છે અને પછી ભણવાનું છોડી દે છે. અને પછી બિન કૌશલ્યપ્રાપ્ત મજૂર તરીકે પોતાની જિંદગી વિતાવી નાખે છે. અમે એવા બાળકોને શોધી શોધીને કૌશલ્ય વિકાસ તરફ કામ કરીએ છીએ. જેથી ગરીબમાં ગરીબનું બાળક પણ પોતાના હાથના હુન્નરના જોરે પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકે. તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. કારણકે અમારે દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવવી છે. કામ ગમે તેટલું અઘરું જ કેમ ના હોય પણ દેશની ભલાઈ ગરીબીમાંથી મુક્તિમાં જ છે. જો ગરીબીમાંથી મુક્તિ નહીં મેળવીએ અને બાકીની પચાસ વસ્તુઓ કરી લઈએ પણ દેશનું ભાગ્ય નહીં બદલી શકાય. અને આ માટે જ અમારું બધું જોર અમારી બધી તાકાત ગરીબના કલ્યાણ માટે જ લાગેલી છે. આપણો ખેડૂત પરિવાર વધતો ચાલ્યો જાય છે. જમીનનો વિસ્તાર ઓછો થઇ રહ્યો છે. પેઢી દર પેઢી જમીનના ભાગલા પડતા જાય છે. ઓછી જમીનમાં પેટ ભરવું, ઘર ચલાવવું ક્યારેક અઘરું થઇ પડે છે. કોઈ ખેડૂતના ત્રણ દીકરા છે અને બાપને પૂછો કે શું વિચાર્યું છે તો કહેશે કે એક છોકરાને ખેતીમાં રાખીશ અને બાકીના બે ને શહેરમાં મોકલી દઈશ રોજી રોટી કમાવા માટે. અમારે આપણી કૃષિને આપણી ખેતીને યોગ્ય બનાવવાની છે. ઓછી જમીનમાં પણ વધુ ઉત્પાદન થાય. મુલ્યવાન ઉત્પાદન થાય અને પ્રાકૃતિક સંકટોમાં પણ મારા ખેડૂતોને મુશ્કેલીઓથી લડવાની તાકાત મળે. એવી અર્થવ્યવસ્થા કૃષિ અર્થવ્યવસ્થા બને. ખેડૂત જે ઉત્પન્ન કરે છે તેને સમગ્ર દેશમાં માર્કેટ મળવું જોઈએ. આડોશ પાડોશના કેટલાક દલાલ વ્યાપારીઓ તેમની મજબુરીનો ફાયદો ઊઠાવી તેમનો માલ છીનવી લે એ પરિસ્થિતિ બંધ થવી જોઈએ. અને તેની માટે અમે E-NAMથી સમગ્ર દેશમાં શાકમાર્કેટનું ઓનલાઈન નેટવર્ક ઊભું કર્યું. પોતાના મોબાઇલ ફોનથી ખેડૂત ક્યાં વધુ ભાવ મળે છે ત્યાં પોતાનો સામાન વેચી શકે છે એવી વ્યવસ્થાને વિકસિત કરી છે.

મેં આજે અહિંયા પણ ખેતીનો સ્ટોર E-NAM જોયો લોકોને સમજણ આપવાની વ્યવસ્થા છત્તીસગઢે પણ કરી છે. સમગ્ર દેશમાં ખેડૂતોને એક સમાન બજાર મળે. ખેડૂતની મરજી પ્રમાણે તેને ભાવ મળે. તેની ઉપર ભાર મુકવાનો પ્રયત્ન કર્યો. આજકાલ કુદરતી આફતો ક્યારેક દુકાળ તો ક્યારેક ભયંકર વરસાદ, ક્યારેક પાક તૈયાર થયા બાદ વરસાદ, ખેડૂત તબાહ થઇ જાય છે. પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મારા દેશના ખેડૂતોને સુરક્ષાની એક ગેરંટી આપવામાં આવી. અને બહુ થોડા પૈસામાં વીમાની આ યોજના છે. ખેડૂતોએ ખુબ ઓછું આપવાનું છે. વધુમાં વધુ પૈસા સરકાર આપશે. ભારત સરકાર આપશે. જો જૂન મહિનામાં તેને પાક વાવવો છે પણ જો જુલાઈ સુધી વરસાદ નથી આવતો અને તે પાક વાવી ના શક્યો તો પાક તો ખરાબ ના થયો તેને તો વીમો નથી મળી શકતો. અમે એવી પ્રધાનમંત્રી વીમા યોજના બનાવી છે કે કુદરતી આપદાને કારણે જો તે વાવણી ના કરી શક્યો હોય તો પણ તેનો હિસાબ કરીને તેણે એક ઇંચ પણ જમીનમાં વાવણી નહીં કરી હોય તો પણ વર્ષભરની આવકનો હિસાબ કરીને તેને વીમાના પૈસા મળશે. પહેલી વાર દેશમાં આવું બન્યું છે.

પાક તૈયાર થઇ ગયો અને પાક તૈયાર થવા સુધી વરસાદ બધું બરાબર રહ્યું. સો ટચનો પાક તૈયાર થઇ ગયો અને ખેતરમાં પાકનો ઢગલો પડ્યો છે. બસ એક બે દિવસમાં કોઈનું ટ્રેક્ટર મળી જાય પછી તો બજારમાં જવું જ છે અને અચાનક વરસાદ આવી જાય. તૈયાર થયેલો બધો પાક બરબાદ થઇ જાય. અત્યારસુધી એવું થતું હતું તો વીમા વાળા કહેતા હતા કે ભાઈ જયારે તમારો પાક ઊભો હતો ત્યારે તો કોઈ નુકસાન નથી થયું ને એટલે પૈસા નહીં મળે. અમે એક એવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાવ્યા છીએ કે પાકની લણણી બાદ ઢગલો પડ્યો છે અને ૧૫ દિવસની અંદર અંદર કોઈ કુદરતી આફત આવી જાય અને નુકસાન થઇ ગયું તો પ્રધાનમંત્રીપાક વીમા યોજના હેઠળ ખેડૂતને પૈસા મળશે. અહીં સુધીની વ્યવસ્થા છે. મારા દેશના ખેડૂતને સુરક્ષિત કરવાની સાથે સાથે ખેડૂતની મુલ્ય વૃદ્ધિ કરવી, ખેડૂત જે ઉગાડે છે તેની મુલ્ય વૃદ્ધિ થાય, વધારાની યોગ્યતા મળે. જો તે કેરી ઉગાડે છે તો કેરીનું અથાણું બને છે તો વધારે મોંઘુ વેચાય છે. જો તે ટામેટા ઉગાડે છે પણ ટામેટામાંથી કેચઅપ બને છે તો તે મોંઘુ વેચાય છે. તે દૂધ દોહે છે અને દૂધ વેચે છે તો ઓછા પૈસા મળે છે. દુધની મીઠાઈ બનાવીને વેચે છે તો વધુ પૈસા મળે છે. આવી મુલ્ય વૃદ્ધિ થવી જોઈએ. મુલ્ય વૃધ્ધિ થવી જોઈએ. છત્તીસગઢે કેટલાય એવા કાર્યક્રમો શરુ કર્યા છે હું જોતો હતો જેમાં ખેડૂત જે ઉત્પન્ન કરે છે તેમાં મુલ્ય વૃધ્ધિ છે. જો શેરડી ઉગાડનારો ખેડૂત શેરડી જ વેચતો રહેશે તો કમાશે નહીં. પરંતુ ખાંડ તૈયાર થઇ જાય છે. શેરડીથી ખેડૂત પણ કમાય છે અને આથી જ અમારો ભાર ગામ, ગરીબ, ખેડૂત, મજૂર, નવયુવાન તેમના સામર્થ્યને કઈ રીતે પ્રેરણા મળે દેશ વિકાસની નવી ઊંચાઈઓને કેવી રીતે પાર કરે તે દિશામાં એક પછી એક પગલા ભરવામાં આવી રહ્યા છે. દેશની સરકાર સહકારી સ્વતંત્ર સમવાયી તંત્રને લઈને સહકારી સ્પર્ધાત્મક સ્વતંત્ર સમવાયી તંત્ર પર ભાર મુકીને આગળ વધી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે રાજ્યો રાજ્યો વચ્ચે સ્પર્ધા થાય. વિકાસની સ્પર્ધા થાય. જો એક રાજ્ય ખૂલ્લામાં મળોત્સર્જન મુક્ત થયું તો બીજા રાજ્યનું મિશન પણ બની જવું જોઈએ કે અમે પણ પાછળ નહીં રહીએ. અમે પણ કરીને જ રહીશું. જો એક રાજ્ય ઉદ્યોગના એક પ્રવાહને પકડે છે તો બીજું રાજ્ય બીજા પ્રવાહને પકડે કે હા જુઓ હું તમારાથી આગળ નીકળી ગયો. અમે રાજ્યો વચ્ચે સ્પર્ધા ઈચ્છીએ છીએ. વિકાસની સ્પર્ધા ઈચ્છીએ છીએ. અને ભારત સરકાર આ વિકાસ યાત્રામાં જે તેજ ગતિએ આગળ વધવા માગે છે એવા તમામ રાજ્યોને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક પ્રકારે મદદ કરવા માટે હંમેશા હંમેશા પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ ભવિષ્યના વિકાસ માટે જે પણ યોજના લાવશે, છત્તીસગઢ જે જે યોજનાઓ લાવ્યું છે, દિલ્લીમાં બેઠેલી સરકાર છત્તીસગઢની સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે અને આવનારા સમયમાં પણ ઊભી રહેશે. અને છત્તીસગઢને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે અમે ક્યારેય પાછળ નહીં રહીએ. હું ફરી એકવાર છત્તીસગઢના આ રાજ્યોત્સવના સમય પર છત્તીસગઢના કોટી કોટી લોકોને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. છત્તીસગઢના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકાર તરફથી પૂર્ણ સહયોગનું આશ્વાસન આપું છું. અને આવો આપણે સૌ સાથે મળીને છત્તીસગઢને વિકાસની નવી ઊંચાઈઓ પર લઇ જઈએ એવી જ એક શુભકામના સાથે મારી સાથે બોલો ભારત માતાની જય. અવાજ દૂર દૂર સુધી જવો જોઈએ. ભારત માતાની જય. ભારત માતાની જય. ભારત માતાની જય. ખુબ ખુબ આભાર.

TR