Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજસ્થાનના ભિલવારામાં ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા અવતરણ મહોત્સવની સ્મૃતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાજસ્થાનના ભિલવારામાં ભગવાન શ્રી દેવનારાયણ જીના 1111મા અવતરણ મહોત્સવની સ્મૃતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


માલાસેરી ડુંગરી કી જય, માલાસેરી ડુંગરી કી જય
સાડૂ માતા કી જય, સાડૂ માતા કી જય
સવાઈભોજ મહારાજ કી જય, સવાઈભોજ મહારાજ કી જય.

સાડૂ માતા ગુર્જરી કી ઇ તપોભૂમિ, મહાદાની બગડાવત સૂરવીરા રી કર્મભૂમિ ઔર દેવનારાયણ ભગવાની રી જન્મભૂમિ, માલાસેરી ડુંગરી ન મ્હારો પ્રણામ.
શ્રી હેમરાજ જી ગુર્જર, શ્રી સુરેશ દાસ જી, દીપક પાટિલ જી, રામ પ્રસાદ ધાબાઈ જી, અર્જુન મેઘવાલ જી, સુભાષ બહેડીયા અને દેશભરથી પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
આજે આ પાવન પ્રસંગે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવ્યો અને જ્યારે ભગવાન દેવનારાયણ જીનો બુલાવો આવે અને કોઇ તક છોડે છે શું
? હું પણ હાજર થઈ ગયો. અને  આપ યાદ રાખો આ કોઈ પ્રધાનમંત્રી અહીં આવ્યા નથી. હું સંપૂર્ણ ભક્તિભાવથી આપની માફક જ એક પ્રવાસીના રૂપમાં આશીર્વાદ લેવા આવ્યો છું. હજી મારે યજ્ઞશાળામાં પૂર્ણાહુતિ આપવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું છે. મારા માટે આ સૌભાગ્યનો વિષય છે કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને આજે આપની વચ્ચે આવીને ભગવાન દેવનારાયણ જીના તથા તેમના તમામ ભક્તોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પૂણ્ય  પ્રાપ્ત થયું છે. ભગવાન દેવનારાયણ અને જનતા જનાર્દન બંનેના દર્શન કરવાથી આજે હું ધન્ય થઈ ગયો છું. દેશભરમાંથી અહીં પધારેલા તમામ શ્રદ્ધાળુઓની માફક હું ભગવાન દેવનારાયણ પાસેથી અવતરિત રાષ્ટ્રસેવા માટે ગરીબોના કલ્યાણ માટે આશીર્વાદ માગવા આવ્યો છું.

સાથીઓ,
આ ભગવાન દેવનારાયણનો એક હજાર એક સો અગિયારમો અવતરણ દિવસ છે. એક સપ્તાહ સુધી અહીં તેની સાથે સંકળાયેલા સમારંભ ચાલી રહ્યા છે. આ અવસર જેટલો મોટો છે તેટલી જ ભવ્યતા, એટલી જ દિવ્યતા, એટલી જ મોટી હિસ્સેદારી ગુર્જર સમાજે સુનિશ્ચિત કરી છે. તેની માટે હું આપ સૌને અભિનંદન આપું છું. સમાજના પ્રત્યેક વ્યક્તિના પ્રયાસની પ્રશંસા કરું છું.

ભાઈઓ અને બહેનો,
આપણે  ભારતના લોકો, હજારો વર્ષો પુરાણા આપણા ઇતિહાસ, આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ પર ગર્વ કરીએ છીએ. દુનિયાની અનેક સભ્યતાઓ સમયની સાથે સાથે સમાપ્ત થઈ ગઈ છે. પરિવર્તનોની સાથે સાથે ખુદને ઢાળી શક્યા નથી. ભારતને પણ ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રૂપથી તોડવાના ઘણા પ્રયાસો થયા છે. પરંતુ ભારતને કોઇ પણ તાકાત સમાપ્ત કરી શકી નહીં. ભારત માત્ર એક ભૂભાગ નથી પરંતુ આપણી સભ્યતાની, સંસ્કૃતિની, સદભાવનાની, સંભાવનાની એક અભિવ્યક્તિ છે.  તેથી જ ભારત આજે વૈભવશાળી ભવિષ્યનો પાયો રચી રહ્યો છે. અને જાણો છો તેની પાછળ સૌથી મોટી પ્રેરણા. સૌથી મોટી શક્તિ શું છે ? કોની તાકાતથી, કોના આશીર્વાદથી ભારત અટલ છે, અમર છે, અજર છે ?

મારા  પ્રિય ભાઈઓ અને બહેનો,

આ શક્તિ આપણા સમાજની શક્તિ છે. દેશના કોટિ કોટિ માનવની શક્તિ છે. ભારતની હજારો વર્ષોની યાત્રામાં સમાજશક્તિની ઘણી મોટી ભૂમિકા રહી છે. આપણું સૌભાગ્ય રહ્યું છે કે દરેક મહત્વપૂર્ણ કાળખંડમાં આપણા સમાજની અંદરથી જ એક એવી ઉર્જા નીકળે છે, જેનો પ્રકાશ, સૌને દિશા ચીંધે છે, સૌનું કલ્યાણ કરે છે. ભગવાન દેવનારાયણ જી એવા જ ઉર્જાપૂંજ હતા, અવતાર હતા, જેમણે અત્યાચારીઓથી આપણા જીવન તથા આપણી સંસ્કૃતિનું રક્ષણ કર્યું. દેહ સ્વરૂપે માત્ર 31 વર્ષની વય વીતાવીને, જનમાનસમાં અમર બની જવું, તે માત્ર સર્વસિદ્ધ અવતાર માટે જ શક્ય છે. તેમણે સમાજમાં ફેલાયેલી ખરાબીઓને દૂર કરવાનું સાહસ કર્યું, સમાજને એકત્રિત કર્યો અને સમરસતાના ભાવને ફેલાવ્યો. ભગવાન દેવનારાયણે સમાજના વિવિધ વર્ગોને સાથે ભેળવીને આદર્શ વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં કામ કર્યું. આ જ કારણ છે કે ભગવાન દેવનારાયણના પ્રત્યે સમાજના પ્રત્યેક વર્ગને શ્રદ્ધા છે, આસ્થા છે. તેથી જ ભગવાન દેવનારાયણ આજે પણ લોકજીવનમાં પરિવારના વડીલની માફક છે, તેમની સાથે પરિવારનું સુખ-દુઃખ વહેંચવામાં આવે છે.

ભાઈઓ અને બહેનો,

ભગવાન દેવનારાયણે હંમેશાં સેવા અને જનકલ્યાણને સર્વોચ્ચ ક્રમ આપ્યો. આ જ સિખ, આ જ પ્રેરણા લઇને પ્રત્યેક શ્રદ્ધાળુ અહીં આવે છે. જે પરિવારમાંથી તેઓ આવતા હતા ત્યાં તેમના માટે કોઈ ચીજની કમી ન હતી. પરંતુ સુખ સુવિધાને બદલે તેમણે સેવા અને જનકલ્યાણનો કપરો માર્ગ પસંદ કર્યો. પોતાની ઉર્જાનો ઉપયોગ પણ તેમણે પ્રાણી માત્રના કલ્યાણ માટે જ કર્યો.

ભાઈઓ અને બહેનો,

ભલા હી ભલા દેવ ભલા. ભલા હી ભલા દેવ ભલા. એ જ ઉદઘોષમાં ભલાની કામના છે, કલ્યાણની કામના છે. ભગવાન દેવનારાયણે જ માર્ગ ચીંધ્યો છે તે સૌના સાથ દ્વારા સૌના વિકાસનો છે. આજે દેશ આ જ માર્ગ પર ચાલી રહ્યો છે. છેલ્લા આઠથી નવ વર્ષથી દેશ સમાજના તે તમામ વર્ગને સશક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે,  ઉપેક્ષિત રહ્યો છે, વંચિત રહ્યો છે. વંચિતોને પણ પ્રાથમિકતા, આ મંત્રને લઈને અમે ચાલી રહ્યા છીએ. આપ યાદ કરો, રાશન મળશે કે નહીં, કેટલું મળશે, આ ગરીબની કેટલી મોટી ચિંતા રહેતી હતી. આજે તમામ લાભાર્થીને સંપૂર્ણ રાશન વિનામૂલ્યે મળી રહ્યું છે. હોસ્પિટલમાં સારવારની ચિંતાને પણ અમે આયુષ્માન ભારત યોજનાથી દૂર કરી દીધી છે. ગરીબના મનમાં ઘરથી માંડીને ટોયલેટ, વિજળી, ગેસ જોડાણને લઈને ચિંતા રહ્યા કરતી હતી તે પણ અમે દૂર કરી રહ્યા છીએ. બેંકમાં લેવડ-દેવડ પણ ક્યારેક ક્યારેક ઘણા ઓછા લોકોના નસીબમાં રહેતી હતી. આજે દેશમાં તમામ માટે બેંકના દરવાજા ખૂલી ગયા છે.

સાથીઓ,

પાણીનું મહત્વ હોય છે તે બાબત રાજસ્થાનની અધિક બીજું કોણ જાણી શકે છે. પરંતુ આઝાદીના અનેક દાયકાઓ બાદ પણ દેશના માત્ર ત્રણ કરોડ પરિવારો સુધી જ નળથી જળની સવલત હતી. 16 કરોડ કરતાં વધારે ગ્રામીણ પરિવારોને પાણી માટે સંઘર્ષ કરવો પડતો હતો. વીતેલા સાડા ત્રણ વર્ષની અંદર દેશમાં જે પ્રયાસ થયા છે તેને કારણે હવે 11 કરોડ કરતાં વધારે પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચવા માંડ્યું છે. દેશમાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે અત્યંત વ્યાપક કાર્ય દેશમાં થઈ રહ્યું છે. સિંચાઇની પારંપરિક યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો હોય કે પછી નવી ટેકનિકથી સિંચાઈ, ખેડૂતને આજે શક્ય તેટલી તમામ મદદ આપવામાં આવી રહી છે. નાનો ખેડૂત કે જે ક્યારેક સરકારી મદદ માટે તરસતો હતો તેને પણ પહેલી વાર કિસાન સમ્માન નિધિ મારફતે સીધી જ મદદ મળી રહી છે. અહીં રાજસ્થાનમાં પણ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત 15 હજાર કરોડ રૂપિયાથી વધારે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

સાથીઓ,

ભગવાન દેવનારાયણે ગૌસેવાને સમાજ સેવાનું, સમાજના સશક્તિકરણનું માધ્યમ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં પણ ગૌસેવાનો આ ભાવ સતત સશક્ત થઈ રહ્યો છે. આપણે ત્યાં પશુઓમાં ખુર અને મુંહની બિમારીઓ, ખુરપકા તથા મુંહપકાની બિમારી કેવડી મોટી સમસ્યા હતા તે આપ સારી રીતે જાણો છો. તેનાથી આપણી ગાયોને, આપણા પશુધનને મુક્તિ મળે તે માટે દેશમાં કરોડો પશુઓને વિનામૂલ્યે રસીકરણનું એક ઘણું મોટું અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં પહેલી વાર ગૌ-કલ્યાણ માટે રાષ્ટ્રીય કામધેનુ પંચની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશનથી વૈજ્ઞાનિક ઢબે પશુપાલનને પ્રોત્સાહિત કરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. પશુધન આપણી પરંપરા, આપણી આસ્થાનું જ નહીં પરંતુ આપણા ગ્રામીણ અર્થતંત્રનો પણ ઘણો મોટો મજબૂત હિસ્સો છે. તેથી જ પહેલી વાર પશુપાલકો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની સવલત આપવામાં આવી છે. આજે સમગ્ર દેશમાં ગોબરધન યોજના ચાલી રહી છે. તે ગોબર સહિત ખેતીમાંથી નીકળનારા કચરાને કંચનમાં ફેરવવાનું અભિયાન છે. આપણા જે ડેરી પ્લાન્ટ છે તે ગોબર દ્વારા પેદા થનારી વિજળીથી જ ચાલે તેના માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણો પર ચાલવાનો આગ્રહ કર્યો હતો. ઉદ્દેશ્ય એ જ છે કે આપણે તમામ લોકો પોતાના વારસા પર ગૌરવ કરીએ, ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળીએ અને દેશ માટેના આપણા કર્તવ્યોને યાદ રાખીએ. આપણા મનીષીઓના ચીંધેલા માર્ગ પર ચાલવું તથા આપણા બલિદાનીઓ, આપણા શૂરવીરોના શૌર્યને યાદ રાખવું પણ આ સંકલ્પનો એક હિસ્સો છે. રાજસ્થાન તો વિરાસતની ધરતી છે. અહીં સર્જન છે, ઉત્સાહ અને ઉત્સવ પણ છે. પરિશ્રમ અને પરોપકાર પણ છે. શૌર્ય અહીં ઘર ઘરના સંસ્કાર છે. રંગ-રાગ રાજસ્થાનના પર્યાય છે. એટલું જ મહત્વ અહીંના જન-જનના સંઘર્ષ અને સંયમનું પણ છે. આ પ્રેરણાસ્થળી ભારતની અનેક ગૌરવશાળી પળોની વ્યક્તિત્વોની સાક્ષી રહી છે. તેજા-જીથી પાબુ-જી સુધી, ગોગા-જીથી રામદેવજી સુધી બપ્પા રાવલથી મહારાણા પ્રતાપ સુધી અહીંના મહાપુરુષો, જન નાયકો, લોક દેવતાઓ અને સમાજ સુધારકોએ હંમેશાં દેશને માર્ગ દેખાડ્યો છે. ઇતિહાસનું ભાગ્યે જ કોઈ કાળખંડ છે જેમાં આ માટીએ રાષ્ટ્ર માટે પ્રેરણા આપી ન હોય. તેમાંય ગુર્જર સમાજ તો શૌર્ય, પરાક્રમ,  દેશભક્તિનો પર્યાય રહ્યો છે. રાષ્ટ્રનું રક્ષણ હોય કે પછી સંસ્કૃતિનું રક્ષણ હોય, ગુર્જર સમાજે દરેક કાળખંડમાં પ્રહરીની ભૂમિકા અદા કરી છે. ક્રાંતિવીર ભૂપસિંહ ગુર્જર, જેમને વિજયસિંહ પથિકના નામથી ઓળખવામાં આવે છે, તેમના નેતૃત્વમાં બિજોલિયાનું કિસાન આંદોલન આઝાદીની લડતમાં એક મોટી પ્રેરણા હતી. કોતવાલ ધન સિંહ જી અને યોગરાજ સિંહ જી, એવા અનેક યોદ્ધા રહ્યા છે જેમણે દેશ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધું. એટલું જ નહીં રામપ્યારી ગુર્જર, પન્ના ઘાય જેવી નારિશક્તિની આવી મહાન પણ આપણને હર પળે પ્રેરિત કરે છે. આ દર્શાવે છે કે ગુર્જર સમાજની બહેનોએ, ગુર્જર સમાજની દિકરીઓએ કેટલું મોટું યોગદાન દેશ અને સંસ્કૃતિને સેવામાં આપ્યું છે. અને આ પરંપરા આજે પણ સતત સમૃદ્ધ થઈ રહી છે. એ દેશનું કમનસીબ છે કે આવા અગણિત સેનાનીઓને આપણા ઇતિહાસમાં એ સ્થાન હાંસલ થયું નથી જેના તેઓ હકદાર હતા, જે તેમને મળવું જોઇતું હતું. પરંતુ આજનું નવું ભારત વીતેલા દાયકાઓમાં થયેલી એ ભૂલો સુધારી રહ્યું છે. હવે ભારતની સંસ્કૃતિ તથા સ્વતંત્રતાના રક્ષણ માટે ભારતના વિકાસમાં જેમનું પણ યોગદાન રહ્યું છે તેમને સામે લાવવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

આજે એ પણ અત્યંત જરૂરી છે કે આપણા ગુર્જર સમાજની જે નવી પેઢી છે, જેઓ યુવાન છે, તેઓ ભગવાન દેવનારાયણના સંદેશને, તેમના શિક્ષણને વધુ મજબૂતીથી આગળ ધપાવે. તે ગુર્જર સમાજને પણ સશક્ત કરશે અને દેશને પણ આગળ ધપવામાં તેનાથી મદદ મળશે.

સાથીઓ,

21મી સદીનું આ કાળખંડ, ભારતના વિકાસ માટે, રાજસ્થાનના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે એકત્રિત થઈને દેશના વિકાસ માટે કાર્ય કરવાનું છે. આજે સમગ્ર દુનિયા ભારત તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહી છે. ભારતે જે રીતે સમગ્ર દુનિયાને પોતાનું સામર્થ્ય દેખાડ્યું છે, પોતાની તાકાત દેખાડી છે, તેનાથી શૂરવીરોની આ ધરતીનું ગૌરવ પણ વધાર્યું છે. આજે ભારત દુનિયાના દરેક મોટા મંચ પર પોતાની વાત મજબૂતીથી કહે છે. આજે ભારત અન્ય દેશો પર પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. તેથી જ એવી દરેક બાબત, જે આપણા દેશવાસીઓની એકતાની વિરુદ્ધમાં છે તેને આપણે દૂર કરવાની છે. આપણે આપણા સંકલ્પોને સિદ્ધ કરીને દુનિયાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. મને વિશ્વાસ છે કે ભગવાન દેવનારાયણ જીના આશીર્વાદથી આપણે સૌ ચોક્કસ સફળ થઈશું. આપણે આકરી મહેનત કરીશું, તમામ સાથે મળીને  પરિશ્રમ કરીશું, સૌના પ્રયાસથી સિદ્ધિ પ્રાપ્ત થઇને જ રહેશે.  અને એ પણ જૂઓ કે કેવો સંયોગ છે. ભગવાન દેવનાયારણ જીનું 1111મું અવતરણ વર્ષ એ જ સમયે ભારતની જી-20ની અધ્યક્ષતા અને તેમોં પણ ભગવાન દેવનારાયણના અવતરણ  કમળ પર થયું હતું અને જી-20નો જે લોગો છે, તેમાં પણ કમળ ઉપર આખી પૃથ્વીને બેસાડવામાં આવી છે. આ પણ એક સંયોગ છે અને આપણે તો એ લોકો છીએ જેનો જન્મ જ કમળની સાથે થયો છે. અને તેથી જ આપણો અને તમારો સંબંધ ઉંડો છે. પરંતુ હું પૂજ્ય સંતોને પ્રણામ કરું છું. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા માટે આવ્યા છો. હું સમાજનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એક ભક્તના રૂપમાં મને અહીં બોલાવ્યો, ભક્તિભાવથી બોલાવ્યો. આ સરકારી કાર્યક્રમ નથી.  સમગ્ર સમાજની શક્તિ, સમાજની ભક્તિ તેણે જ મને પ્રેરિત કર્યો અને હું આપની વચ્ચે આવી પહોંચ્યો. આપ સૌને મારી અનેક અનેક શુભકામનાઓ.

જય દેવ દરબાર. જય દેવ દરબાર. જય દેવ દરબાર.

YP/GP/JD