Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર,

કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

આજે અહીં આ કાર્યક્રમમાં આવતાં પહેલાં હું વિજયા રાજેજીની જીવનીને યાદ કરી રહ્યો હતો, ત્યારે કેટલાંક પાનાં ઉપર મારી નજર ગઈ. એમાં એક પ્રસંગ એકતા યાત્રાનો હતો. જેમાં તેમના દ્વારા મારો પરિચય ગુજરાતના નવા નેતા નરેન્દ્ર મોદી તરીકે આપવામાં આવ્યો હતો.

આજે આટલાં વર્ષો પછી તેમનો એ જ નરેન્દ્ર દેશનો પ્રધાનસેવક બનીને તેમની અનેક યાદો સાથે આજે તમારી સામે છે. તમને યાદ હશે કે જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક યાત્રાનો ડોકટર મુરલી મનોહર જોષીજીના નેતૃત્વમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજમાતાજી એ કાર્યક્રમ માટે કન્યાકુમારી આવ્યાં હતાં અને તે પછી અમે જ્યારે શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે તે જમ્મુમાં વિદાય આપવા પણ આવ્યાં હતાં. અને તેમણે સતત અમારો ઉત્સાહ વધારવાની કામગીરી કરી હતી. એ વખતે અમારૂં સપનું લાલ ચોકમાં ઝંડો ફરકાવવાનું હતુ. લાલ ચોકમાં ઝંડો ફરકાવવાનો અમારો ઈરાદો હતો કે કલમ 370થી મુક્તિ મળી જાય. રાજમાતાએ એ યાત્રાને વિદાય આપી હતી. જે સપનું હતું તે પૂરૂં થઈ ગયુ. આજે હું જ્યારે પુસ્તકમાં આ બાબતે વાંચી રહ્યો હતો ત્યારે પુસ્તકમાં એક જગ્યાએ તેમણે લખ્યુ હતું કે એક દિવસે આ શરીર અહીંયાં જ રહી જવાનું છે. આત્મા જ્યાંથી આવ્યો છે ત્યાં ચાલી જશે, શૂન્યથી શૂન્યમાં. મારી આ સ્મૃતિઓને હું એવા લોકો માટે છોડી જઈશ કે જેમની સાથે મારો સંબંધ છે. જેમની હું દરકાર કરૂ છું.

આજે રાજમાતાજી જ્યાં પણ હશે ત્યાં તે આપણને જોઈ રહ્યાં હશે. આપણને આશીર્વાદ આપી રહ્યાં હશે. આપણે બધા લોકો કે જેમની તે દરકાર કરતાં રહ્યાં હતાં, તેમાંના કેટલાક લોકો આ વિશેષ કાર્યક્રમમાં પહોંચ્યા છે અને હાજરી પણ આપી રહ્યા છે. અને દેશના અનેક ભાગોમાં આજે આ પ્રસંગને વર્ચ્યુઅલી મનાવવામાં આવી રહ્યો છે.

અમારામાંથી ઘણાં લોકો તેમની સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે. તેમની સેવા, તેમના વાત્સલ્યનો અનુભવ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયુ છે. આજે તેમના પરિવારના અને તેમની નિકટના સંબંધીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, પરંતુ તેમના માટે તો દરેક દેશવાસી તેમનો પરિવાર હતો. રાજમાતાજી કહેતાં હતાં કે હું એક પુત્રની નહીં, હું તો સહસ્ત્ર પુત્રોની મા છું. તેમના પ્રેમમાં હું ગળાડૂબ રહુ છું.” આપણે બધાં તેમનાં પુત્ર- પુત્રીઓ છીએ. તેમનો પરિવાર છીએ.

અને, એટલા માટે આજે મારૂં એ ખૂબ મોટું સૌભાગ્ય છે કે મને રાજમાતા વિજયા રાજે સિંધિયાજીની સ્મૃતિમાં 100 રૂપિયાના વિશેષ સ્મૃતિ સિક્કાનું વિમોચન કરવાની તક પ્રાપ્ત થઈ છે. જો કે હું ખુદ મારી જાતને બંધાયેલો અનુભવી રહ્યો છું, કારણકે હું જાણું છું કે જો કોરોના મહામારી ના હોત તો આજે આ કાર્યક્રમનું સ્વરૂપ કેટલું મોટું હોત, કેટલું ભવ્ય હોત. પરંતુ હું એ બાબત જરૂર માનુ છું કે જેટલો મારો રાજમાતા સાહેબ સાથે સંપર્ક રહ્યો છે તેટલો આ કાર્યક્રમને ભવ્ય બનાવી શકયા નથી, પણ આ કાર્યક્રમ દિવ્ય જરૂર છે. તેમાં દિવ્યતા છે.

સાથીઓ, વિતેલી સદીમાં આ દેશને દિશા આપનારી વ્યક્તિઓમાં રાજમાતા વિજયા રાજે સિંધિયા પણ સામેલ હતા. રાજમાતા માત્ર વાત્સલ્ય મૂર્તિ ન હતાં, તેઓ એક નિર્ણાયક નેતા પણ હતાં અને કુશળ શાસક પણ હતાં. સ્વતંત્રતા આંદોલનથી શરૂ કરીને આઝાદીના આટલા દાયકાઓ પછી પણ ભારતીય રાજનીતિના દરેક મહત્વના મુકામનાં તે સાક્ષી બની રહ્યાં છે. આઝાદી પહેલાં વિદેશી વસ્ત્રોની હોળી કરવાથી માંડીને કટોકટીકાળ અને રામ મંદિર આંદોલન સહિત રાજમાતાના અનુભવોનો વ્યાપ ખૂબ મોટો રહ્યો છે.

અમે બધા લોકો કે જે તેમની સાથે જોડાયેલા રહ્યા હતા, તેમનાથી સારી રીતે પરિચિત હતા, પરંતુ એ પણ ખૂબ જરૂરી છે કે રાજમાતાની જીવન યાત્રાને અને તેમના જીવન સંદેશને દેશની આજની પેઢી પણ સમજે, તેમનામાંથી પ્રેરણા લે, તેમનામાંથી શીખે તે ખૂબ જરૂરી છે. એટલા માટે જ તેમના અંગે, તેમના અનુભવો બાબતે વારંવાર વાત કરવી આવશ્યક બની રહે છે. થોડાક દિવસ પહેલાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેં ખૂબ વિસ્તારથી તેમના સ્નેહ અંગે વાત કરી હતી.

વિવાહ પહેલાં રાજમાતા કોઈ રાજ પરિવાર સાથે જોડાયેલાં ન હતાં. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવતાં હતાં, પરંતુ વિવાહ પછી તેમણે બધાંને પોતાના બનાવ્યા અને બધાંને પાઠ પણ ભણાવ્યા. જનસેવાના પાઠ, રાજકીય જવાબદારી માટે, લોક સેવા માટે કોઈ ખાસ પરિવારમાં જન્મ લેવો તે જરૂરી નથી.

કોઈપણ સાધારણ વ્યક્તિ જેનામાં યોગ્યતા પડેલી છે, પ્રતિભા છે, દેશ સેવાની ભાવના છે, તે આ લોકશાહીમાં સત્તાને પણ સેવાનું માધ્યમ બનાવી શકે છે. તમે કલ્પના કરો, સત્તા હતી, સંપત્તિ પણ હતી, સામર્થ્ય હતું પરંતુ તે બધાંથી વધુ રાજમાતાના સંસ્કાર, સેવા અને સ્નેહની સરિતા તેમની પુંજી હતી.

આ વિચારધારા અને આ આદર્શ તેમના જીવનમાં ડગલે અને પગલે આપણને જોવા મળતા હતા. આટલા મોટા રાજકીય પરિવારની મુખ્ય વ્યક્તિ તરીકે તેમની પાસે હજારો કર્મચારીઓ હતા, ભવ્ય મહેલ હતા. તમામ પ્રકારની સુવિધાઓ હતી, પરંતુ તેમણે સામાન્ય માનવીની સાથે અને ગામડાંના ગરીબો સાથે જોડાઈને જીવન જીવ્યું હતું અને તે લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું.

રાજમાતાએ એ સાબિત કરી આપ્યુ હતું કે લોક પ્રતિનિધિ માટે લાજ સત્તા નહીં, પણ લોકોની સેવા મહત્વની બની રહે છે. તે એક રાજ પરિવારનાં મહારાણી હતાં અને રાજાશાહી પરંપરામાંથી આવતાં હતા, પરંતુ તેમણે લોકતંત્રના રક્ષણ માટે સંઘર્ષ કર્યો અને જીવનનાં મહત્વનાં વર્ષો તેમણે જેલમાં વિતાવ્યાં હતા.

કટોકટી દરમિયાન તેમણે જે કાંઈ સહન કર્યું છે તેના સાક્ષી અમારામાંના ઘણાં બધા લોકો છે. કટોકટી કાળ દરમિયાન તિહાર જેલમાંથી તેમણે તેમની દિકરીઓને પત્ર લખ્યો હતો અને તેમાં તેમણે મોટી શિખામણ આપી હતી. તેમણે લખ્યું હતું કે આપણી ભાવિ પેઢીને હિંમત સાથે જીવવાની પ્રેરણા મળે એ ઉદ્દેશ સાથે આપણે હાલની તકલીફનો ધીરજ સાથે સામનો કરવો જોઈએ

રાષ્ટ્રના ભવિષ્ય માટે રાજમાતાએ પોતાનું વર્તમાન સમર્પિત કરી દીધું હતું. દેશની ભાવિ પેઢી માટે તેમણે પોતાનું દરેક સુખ ત્યાગી દીધુ હતુ. રાજમાતાએ પદ અને પ્રતિષ્ઠા માટે જીવન જીવ્યું ન હતું અને તેમણે ક્યારેય રાજનીતિનો માર્ગ પસંદ કર્યો ન હતો.

એવા ઘણાં પ્રસંગો આવ્યા હતા કે જેમાં પદ તેમને મળતું હતું, પણ તેમણે નમ્રતા સાથે તેને નકારી દીધુ હતું. એક વખત અટલ બિહારી વાજપેયીજી અને અડવાણીજીએ પોતે તેમને અત્યંત આગ્રહ કર્યો હતો કે તે જનસંઘનાં અધ્યક્ષ બની જાય. પરંતુ તેમણે એક કાર્યકર્તા તરીકે જ જનસંઘની સેવા કરવાનું પસંદ કર્યુ હતું. જો રાજમાતાએ ઈચ્છ્યુ હોત તો તેમના માટે મોટા મોટા પદ સુધી પહોંચવાનુ મુશ્કેલ ન હતું. પરંતુ તેમણે લોકોની વચ્ચે જ રહીને ગામ અને ગરીબ સાથે જોડાયેલા રહીને તેમની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.

સાથીઓ, આપણે રાજમાતાના જીવનના દરેક પાસામાંથી દરેક પળે ઘણું બધું શિખી શકીએ તેમ છીએ. એમની એવી ઘણી કથાઓ છે, જીવનની ઘટનાઓ છે કે જે અંગે તેમની સાથે જોડાયેલા લોકો વાત કરતા રહેતા હોય છે.

એકતા યાત્રાનો જ વધુ એક કિસ્સો છે, તે જ્યારે જમ્મુમાં હતાં ત્યારે બે નવા કાર્યકરો તેમની સાથે હતા. રાજમાતા અન્ય કાર્યકર્તાનાં નામ ક્યારેક ક્યારેક ભૂલી જતા હતા, તો વારંવાર જે તે કાર્યકર્તાને પૂછતી હતી કે તમે ગોલુ છો ને અને બીજા સાથીનું શું નામ છે ? તે પોતાના દરેક સાથીને નામથી ઓળખવાનું પસંદ કરતા હતા. સાથેના લોકો કહેતા કે તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો, તમારે માત્ર અવાજ કરવાનો રહેશે. પરંતુ રાજમાતા તેમને જવાબ આપતા હતા કે મારા કાર્યકર્તા મને મદદ કરી રહ્યા છે અને હું તેમને ઓળખું પણ નહીં તે કેવી રીતે બની શકે, આ બાબત યોગ્ય નથી.

મને લાગે છે કે જો તમે સામાજીક જીવનમાં હો તો, તમે કોઈ પણ પક્ષમાં હો, કોઈપણ પાર્ટીમાંથી આવતા હો, આપણા મનમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા અંગે વિચાર કરવાની ભાવના દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. અભિમાન નહીં પણ સન્માન એ રાજનીતિનો મૂળ મંત્ર છે, અને તેમણે તે મંત્રજીવી બતાવ્યો છે.

સાથીઓ, રાજમાતાના જીવનમાં અધ્યાત્મનું મોટુ સ્થાન હતું, તે આધ્યાતમિકતા સાથે જોડાયેલાં રહેતાં હતાં. સાધના, ઉપાસના અને ભક્તિ તેમના આંતરમનમાં વસેલી રહેતી હતી, પરંતુ જ્યારે તે ભગવાનની ઉપાસના કરતાં હતાં ત્યારે તેમના મનમાં ભારત માતાનું પણ એક ચિત્ર રહેતુ હતું. ભારત માતાની ઉપાસના પણ તેમના માટે એવી જ આસ્થાનો વિષય હતો.

મને એક વાર તેમની સાથે જોડાયેલી એક વાત સાથીઓએ કહી સંભળાવી હતી. અને હાલમાં હું જ્યારે તે વાત યાદ કરૂ છું ત્યારે મને લાગે છે કે મારે તમને આ વાત જણાવવી જોઈએ. એક વાર તે પક્ષના કાર્યક્રમમાં મથુરા ગયાં હતાં. સ્વાભાવિક છે કે રાજમાતા એ વખતે બાંકે બિહારીનાં દર્શન કરવા પણ ગયાં હોય. મંદિરમાં તેમણે બાંકે બિહારી પાસે જે ઈચ્છા વ્યક્ત કરી તેનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી બની રહે છે.

રાજમાતાએ તે સમયે ભગવાનને પ્રાર્થના કરતાં જે કહ્યુ હતું તે આપણા સૌના જીવનમાં અને રાજમાતાને જીવનને સમજવા માટે ખૂબ કામમાં આવે તેવી બાબત બની જાય છે. તે ભગવાન કૃષ્ણની સામે ઉભા હતા, ખૂબ જ ભક્તિભાવ સાથે ઉભા હતા. આધ્યાત્મિક ચેતના જાગી ઉઠી હતી અને તેમણે ભગવાનની સામે પ્રાર્થના કરી હતી કે “હે કૃષ્ણ, એવી વાંસળી વગાડો કે સમગ્ર ભારતમાં તમામ નર-નારી ફરીથી જાગૃત બની જાય.”

તમે વિચાર કરો કે તેમણે પોતાના માટે કશું માંગ્યુ ન હતું. જે ઈચ્છ્યું હતું તે દેશ માટે માંગ્યું હતું, જન જન માટે માંગ્યું હતું. અને તે પણ ચેતના જગાવવાની વાત કરી હતી. એમણે જે કાંઈ પણ કર્યું તે દેશ માટે કર્યું. એક જાગૃત દેશ માટે, એક જાગૃત દેશનો નાગરિક શું શું કરી શકે છે તે તેઓ જાણતા હતા, સમજતા પણ હતા.

આજે જ્યારે આપણે રાજમાતાજીની જન્મ શતાબ્દિ મનાવી રહ્યા છીએ અને તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણને સંતોષ છે કે ભારતના નાગરિકોની જાગૃતિ માટે તેમણે જે ઈચ્છા વ્યક્ત કરી હતી, બાંકે બિહાર પાસે જે માંગણી કરી હતી. આજે લાગી રહ્યું છે કે ધરતી ઉપર ચેતન સ્વરૂપે તેનો અનુભવ થઈ રહ્યો છે.

વિતેલા વર્ષોમાં દેશમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે, જે અનેક અભિયાન અને યોજનાઓ સફળ થઈ છે તેનો આધાર જન ચેતના છે, જન જાગૃતિ છે. જન આંદોલન છે. રાજમાતાજીના આશિર્વાદથી દેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. ગામ, ગરીબ, પિડીત, શોષિત, વંચિત અને મહિલાઓ આજે દેશની પ્રથમ અગ્રતા છે.

નારી શક્તિ અંગે પણ તે ખાસ કરીને કહેતા હતા કે “જે હાથ પારણું ઝૂલાવે છે તે વિશ્વ ઉપર રાજ પણ કરી શકે છે.” આજે ભારતની આ નારી શક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને દેશને પણ આગળ વધારી રહી છે. આજે દેશની દિકરીઓ ફાઈટર જેટ ઉડાડી રહી છે. નૌકાદળમાં યુધ્ધની ભૂમિકા અંગે સેવાઓ આપી રહી છે. આજે ત્રણ તલ્લાક વિરૂધ્ધ કાયદો બનાવીને રાજમાતાએ દેશની એ વિચારધારાને નારી સશક્તિકરણના તેમના પ્રયાસોને વધુ આગળ ધપાવ્યા છે.

દેશની એકતા માટે, અખંડતા માટે, ભારતની એકતા માટે તેમણે જે સંઘર્ષ કર્યો છે, જે પ્રયાસો કર્યા છે તેના પરિણામો આજે આપણે જોઈરહ્યા છીએ. કલમ-370 નાબૂદ કરીને દેશે તેમનું એક ખૂબ મોટું સપનું પૂરૂં કર્યું છે અને એ પણ કેટલો અદ્દભૂત સંયોગ છે કે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે તેમણે જે સંઘર્ષ કર્યો હતો, તેમના શતાબ્દિ વર્ષમાં જ તેમનું એ સપનું સાકાર થયું છે.

અને જ્યારે હવે રામ જન્મભૂમિની વાત જ નિકળી છે તો હું ચોક્કસ કહેવા માંગીશ કે જ્યારે અડવાણીજી સોમનાથથી અયોધ્યાની યાત્રા માટે નિકળ્યા હતા ત્યારે રાજમાતા સાહેબ તે કાર્યક્રમમાં હાજર રહે તેવી સૌની ઈચ્છા હતી. અને રાજમાતાજી પણ ઈચ્છતા હતા કે આવા મહત્વના અવસર પ્રસંગે તેમણે હાજર રહેવું જોઈએ. પરંતુ મુશ્કેલી એ હતી કે તે સમયે નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું હતુ અને રાજમાતા સાહેબ નવરાત્રીમાં અનુષ્ઠાન કરતા હતા. અને જે સ્થળે તેઓ અનુષ્ઠાન કરતા હતા ત્યાં જ પૂરો સમય રોકાતા હતા અને અનુષ્ઠાન છોડતા ન હતા.

તો રાજમાતા સાહેબ સાહેબ હું વાત કરી રહ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે જુઓ ભાઈ, હું નહીં આવી શકું, પરંતુ મારૂં આવવું જરૂરી છે. મેં કહ્યું કે કોઈ રસ્તો બતાવો. હું પૂરી નવરાત્રી માટે ગ્વાલિયરથી નિકળીને સોમનાથી જઈશ અને ત્યાં રહેવા માંગુ છું. ત્યાં જ નવરાત્રી કરીશ. અને ત્યાંથી જ્યારે નવરાત્રી દરમ્યાન આ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ત્યાંથી હું આ કાર્યક્રમમાં સામેલ થઈ શકીશ.

રાજમાતાજીના ઉપવાસ પણ ખૂબ જ કઠીન રહેતા હતા. હું તે સમયે નવો નવો રાજનીતિમાં આવ્યો હતો. એક કાર્યકર તરીક વ્યવસ્થાઓ અંગે ધ્યાન આપતો હતા. મેં રાજમાતા સાહેબની સોમનાથની વ્યવસ્થા સંભાળી લીધી હતી. ત્યારે એ સમય હતો કે જ્યારે રાજમાતા સાહેબની ખૂબ જ નિકટ આવવાનો અવસર મળ્યો હતો. અને મેં જોયું હતું કે તે સમયે તેમની સમગ્ર પૂજા, નવરાત્રીનું અનુષ્ઠાન, એક પ્રકારે કહીએ તો તે અયોધ્યા રથયાત્રાને, રામ મંદિરને સમર્પિત કરી દીધુ હતું. આ બાબતોને મેં મારી જાતે, મારી નજર સમક્ષ જોઈ છે.

સાથીઓ, રાજમાતા વિજયા રાજેજીના સપનાં પૂરાં કરવા માટે આપણે સૌએ સાથે મળીને ઝડપભેર આગળ ધપવાનું છે. સશક્ત, સુરક્ષિત અને સમૃધ્ધ ભારતનું તેમનું સપનું હતું. તેમના એ સપનાને આત્મનિર્ભર ભારતની સફળતા સાથે પૂરાં કરીશું. રાજમાતાની પ્રેરણા આપણી સાથે છે, તેમના આશીર્વાદ પણ આપણી સાથે છે.

આ બધી શુભકામનાઓ સાથે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. અને રાજમાતા સાહેબે જે રીતે પોતાનું સમગ્ર જીવન જીવ્યું છે, કલ્પના કરી જુઓ કે આજે કોઈ એક વ્યક્તિ કોઈ તાલુકાનો અધ્યક્ષ બની જાય છે તો તેનો મિજાજ કેવો હોય છે. રાજમાતા આટલા મોટા પરિવાર, આટલી મોટી સત્તા, સંપત્તિ હોવા છતાં તેમને નિકટથી જોનાર કહે છે તેમની કેટલી નમ્રતા હતી, શું વિવેક હતો, શું સંસ્કાર હતા. આ બધું પ્રેરણા આપનારૂં હતું.

આવો, આપણે નવી પેઢી સાથે આ બધી બાબતોની ચર્ચા કરીએ અને મુદ્દો માત્ર કોઈ રાજનીતિક દળનો નથી, મુદ્દો આપણી આવનારી પેઢીઓ માટેનો છે. આજે ભારત સરકાર માટે એ સૌભાગ્યની બાબત છે કે અમને રાજમાતાજીની સન્માનમાં આ સિક્કો દેશની સામે મૂકવાની તક પ્રાપ્ત થઈ છે.

હું ફરી એક વખત રાજમાતાજીને આદરપૂર્વક નમન કરીને મારી વાણીને અહીં વિરામ આપું છું.

ખૂબ – ખૂબ ધન્યવાદ !

 

 

 

SD/GP/BT