Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન


મહામહિમ રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન,

રશિયન અને ભારતીય પ્રતિનિધિમંડળના ગણમાન્ય સભ્યો,

મીડિયાના પ્રતિનિધિઓ,

આજે ગોવામાં ભારતનાં જૂનાં મિત્ર રાષ્ટ્રપતિ પુતિનને આવકારવાની મને ખુશી છે. રશિયન ભાષામાં કહેવાય છે કેઃ

સ્તારીય દ્રગુ લુછે નોવિખ દવુખ

(એટલે કે બે નવા મિત્રો કરતા એક જૂનો મિત્ર વધારે સારો.)

મહામહિમ પુતિન, હું ભારત પ્રત્યે તમારા અતિ સ્નેહ, ઊંડા લગાવથી વાકેફ છું. આપણા સંબંધનો મજબૂત રાખવામાં તમે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું છે. અત્યારે જટિલ અને બદલતા વૈશ્વિક સંદર્ભમાં તમારા નેતૃત્વએ આપણી વ્યૂહાત્મક ભાગીદારીને સ્થિરતા અને મહત્ત્વ પ્રદાન કર્યું છે. આપણા સંબંધો ખરા અર્થમાં વિશિષ્ટ છે, વિશેષ અધિકારથી સંપન્ન છે.

મિત્રો,

છેલ્લી બે વાર્ષિક સમિટથી આપણી ભાગીદારીની સફર પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને સંબંધોને નવું જોમ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ પુતિન અને મેં આપણી ભાગીદારીના તમામ પક્ષો પર વિસ્તૃત અને ફળદાયક વાટાઘાટ પૂર્ણ કરી છે. અમારી બેઠકના અતિ ફળદાયક પરિણામો આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વિશિષ્ટ અને વિશેષાધિકાર સંપન્ન બનાવે છે. આપણે આગામી વર્ષોમાં સંરક્ષણ અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાનો પાયો પણ નાંખ્યો છે. કેમોવ 226ટી હેલિકોપ્ટર્સનું ઉત્પાદન, ફ્રિગેટ્સનું નિર્માણ તથા અન્ય સંરક્ષણ પ્લેટફોર્મનું એક્વિઝિશન અને નિર્માણ પર થયેલી સમજૂતીઓ ભારતની ટેકનોલોજી અને સુરક્ષા સંબંધિત પ્રાથમિકતાઓને અનુરૂપ છે. રશિયા આપણને મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશો હાંસલ કરવામાં પણ મદદ કરશે. અમે વાર્ષિક સૈન્ય ઔદ્યોગિક સમારંભ પર કામ કરવા પણ સંમત થયા છીએ, જે બંને રાષ્ટ્રોના હિતધારકોને ભાગીદારીને સંસ્થાગત સ્વરૂપ આપવા અને આગળ ધપાવવાની સુવિધા પ્રદાન કરશે. આ તમામ પ્રોજેક્ટ મજબૂત અને વૈવિધ્યપૂર્ણ સંરક્ષણાત્મક ભાગીદારીના લાંબા ઇતિહાસમાં નવા પ્રકરણ સમાન છે, જેના પર બંને પક્ષ ગર્વ લઈ શકે છે. હજુ થોડી મિનિટ અગાઉ કુડાનકુલમ 2ના સમર્પણ તથા કુડાનકુલમ 3 અને 4ના પાયો નાંખવાની સાથે આપણે નાગરિક પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે ભાગીદારીના વાસ્તવિક પરિણામો જોયા હતા. અને વધુ આઠ રિએક્ટર્સના નિર્માણની દરખાસ્ત સાથે પરમાણુ ઊર્જામાં અમારો વિસ્તૃત સાથસહકાર બંને દેશ માટે લાભદાયક રહેશે એ નિશ્ચિત છે. તે આપણી ઊર્જા સંરક્ષણની જરૂરિયાતોને, અત્યાધુનિક ટેકનોલોજી મેળવવાની તથા ભારતમાં વધુ લોકલાઇઝેશન અને ઉત્પાદન કરવાની અમારી જરૂરિયાતોને અનુકૂળ પણ છે. ગયા વર્ષે મોસ્કોમાં મેં કહ્યું હતું કે, અમે રશિયાના હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં અમારી હાજરી વધારીશું. ફક્ત છેલ્લા ચાર મહિનામાં જ હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં અમારા મજબૂત અને ગાઢ સંબંધની સ્પષ્ટ અભિવ્યક્તિ જોવા મળી છે અને ભારતીય કંપનીઓએ રશિયાના ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 5.5 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે. અને રાષ્ટ્રપતિ પુતિનના સમર્થન સાથે અમે અમારા જોડાણના વ્યાપનું વિસ્તરણ કરવા તૈયાર છીએ. અમે અમારા બંને દેશો વચ્ચે ગેસ પાઇપલાઇન રુટનો સંયુક્ત અભ્યાસ પણ હાથ ધર્યો છે. મજબૂત નાગરિક પરમાણુ સહકાર, એલએનજી સોર્સિંગ, ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભાગીદારી અને અક્ષય ઊર્જાઓના ક્ષેત્રમાં જોડાણના સમન્વય સાથે આપણા બંને દેશો વચ્ચે ‘ઊર્જા સેતુ’નું નિર્માણ થઈ શકે છે.

મિત્રો,

ભવિષ્ય પર નજર રાખીને અમે વિજ્ઞાન અને ટેકનોલોજી પંચની સ્થાપના કરવા પણ સંમત થયા છીએ. આ પંચ મારફતે આપણા બંને દેશના સમાજને વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત વિકાસ તથા અત્યાધુનિક ટેકનોલોજીઓના હસ્તાંતરણ અને વહેંચણીના મીઠા ફળ ચાખવા મળશે. અગાઉના શિખર સંમેલનની જેમ અમે અમારા આર્થિક સંબંધોનું વિસ્તરણ કરવાનું, તેમાં વિવિધતા લાવવાનું અને તેને વધારે મજબૂત કરવાનું પણ જાળવી રાખ્યું છે. અત્યારે આપણા બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગ વધુ જોડાયેલા છે. વેપાર અને રોકાણના સંબંધો વધી રહ્યા છે. અને રાષ્ટ્રપતિ પુતિનના પીઠબળ સાથે યુરોપિયન ઇકોનોમિક યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (યુરોપિયન આર્થિક સંઘ મુક્ત વેપાર સમજૂતી) સાથે ભારતનું જોડાણ ઝડપથી આગળ વધશે તેવી અમને આશા છે. ગ્રીન કોરિડોર અને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર વેપારી સુવિધા, લોજિસ્ટિક જોડાણને મજબૂત કરશે તથા આપણા બંને દેશો વચ્ચે વધુ મજબૂત જોડાણ સુનિશ્ચિત કરશે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઇઆઇએફ) અને રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) વચ્ચે 1 અબજ અમેરિકન ડોલરનું રોકાણ ભંડોળ વહેલાસર સ્થાપિત કરવા માટેના આપણા પ્રયાસો આપણી માળખાગત ભાગીદારીને આગળ ધપાવવામાં મદદ કરશે. આપણે આપણા આર્થિક જોડાણોમાં બંને દેશોના પ્રદેશો અને રાજ્યો પણ સામેલ થાય તેવું પણ ઇચ્છીએ છીએ.

મિત્રો,

આ શિખર સંમેલનની સફળતા ભારત-રશિયાની વ્યૂહાત્મક ભાગીદારીની તાકાત પર ચમકી રહી છે. તે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર આપણા મજબૂત અભિપ્રાયો અને વલણ વચ્ચે રહેલી સમાનતાને પણ પ્રદર્શિત કરે છે. આતંકવાદનો સામનો કરવાનું રશિયાનું સ્પષ્ટ વલણ અમારા જેવું જ છે. રશિયાએ સરહદ પારના આતંકવાદ સામે લડવાની અમારી કામગીરીને સમર્થન આપ્યું છે, જેને અમે સમજીએ છીએ અને તેની ખરા હૃદયથી કદર કરીએ છીએ. સરહદ પારનો આતંકવાદ આપણા સંપૂર્ણ વિસ્તાર માટે જોખમકારક છે. અમે આતંકવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓ સામે તસુભાર સહિષ્ણુતા ન રાખવાની જરૂરિયાત પર પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રપતિ પુતિન અને હું અફઘાનિસ્તાન સ્થિતિ સંજોગો અને પશ્ચિમ એશિયામાં અશાંતિ અને ખળભળાટ પર સમાન વલણ ધરાવીએ છીએ. અમે વૈશ્વિક આર્થિક અને નાણાકીય બજારોની અસ્થિરતાના પગલે ઊભા થયેલા પડકારોને સામનો કરવા સંયુક્તપણે કામ કરવા પણ સંમત થયા છીએ. સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, ઇસ્ટ એશિયા સમિટ, જી-20, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)માં આપણો ગાઢ સહયોગ આપણી ભાગીદારીને અવકાશ અને વ્યાપ એમ બંને દ્રષ્ટિએ ખરા અર્થમાં વૈશ્વિક બનાવે છે.

મહામહિમ પુતિન,

આપણે આગામી વર્ષે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ ઉજવીશું, ત્યારે ભારત અને રશિયા આપણી ભૂતકાળની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યા છે અને તેના પર સંબંધોને વધારે મજબૂત કરી રહ્યા છે. આપણે 21મી સદી માટે આપણા સહિયારા લક્ષ્યાંકોને હાંસલ કરવા અને આપણી સામાન્ય મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા આદર્શરૂપ ભાગીદારી ઊભી કરવા કાર્ય કરી રહ્યા છીએ. આપણી ગાઢ મૈત્રીને સ્પષ્ટ દિશાદર્શન આપવામાં આવ્યું છે, નવું જોમ મળ્યું છે, આપણા સંબંધોને સારી ગતિ મળી છે. પ્રાદેશિક અને આંતરાષ્ટ્રીય વૈશ્વિક પરિદ્રશ્યમાં તે શક્તિ અને સામર્થ્યનો સ્ત્રોત છે, શાંતિ અને સ્થિરતાનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

છેલ્લે રશિયન ભાષામાં કહીને સમાપન કરીશઃ

ઇન્ડિયાઈ રસ્શિયા-રુકા અબ રુકુ વ સ્વેતલોય બદૂશીય

(એટલે કે ભારત અને રશિયા-ખભેખભો મિલાવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર)

ધન્યવાદ!

તમારો ખૂબ ખૂબ આભાર.

TR