ચાલુ વર્ષે ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના સાત દાયકા કે 70 વર્ષની ઉજવણી થઈ રહી છે. અમે ભારત અને રશિયાના નેતાઓ અનુભવીએ છીએ કે, ભારત અને રશિયાના સંબંધો મજબૂત છે તથા આપણી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી બંને મહાસત્તાઓ વચ્ચે પારસ્પરિક વિશ્વાસના વિશિષ્ટ સંબંધોનું પ્રતીક છે. આપણા સંબંધોમાં તમામ ક્ષેત્રોમાં સહકારનું પાસું જોડાયેલું છે, જેમાં રાજકીય સંબંધો, સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, સૈન્ય અને ટેકનિકલ ક્ષેત્ર, ઊર્જા, વિજ્ઞાન, સાંસ્કૃતિક અને માનવીય આદાનપ્રદાન, અને વિદેશી નીતિના ક્ષેત્રો સામેલ છે. તે બંને દેશોના રાષ્ટ્રીય હિતોને પ્રોત્સાહન આપે છે તથા વધુ શાંતીપૂર્ણ અને વાજબી રીતે વિશ્વની વ્યવસ્થાને સ્થાપિત કરવામાં પ્રદાન કરે છે.
આપણાં દ્વિપક્ષીય સંબંધો ગાઢ પારસ્પરિક સમજણ અને સન્માન પર આધારિત છે. તેમાં આર્થિક અને સામાજિક વિકાસ તેમજ વિદેશી નીતિ પર એકસમાન મહત્વ આપવામાં આવ્યું છે. અમે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા સમાન અભિગમની તરફેણ કરીએ છીએ, જે સાંસ્કૃતિક અને સભ્યતામાં વિવિધતાને પ્રતિબિંબિત કરે છે તથા સાથેસાથે માનવજાતની એકતાની ક્ષમતાને વ્યક્ત કરે છે. ભારત અને રશિયાના સંબંધો સારા-નરસા તમામ સમયમાં વધુને વધુ મજબૂત થયા છે તથા તેના પર બાહ્ય પરિબળોની કોઈ અસર થઈ નથી.
રશિયાએ ભારતની આઝાદીની લડતમાં કોઈ પણ પ્રકારના બદલાની ભાવના વિના નિઃસ્વાર્થપણે સાથસહકાર આપ્યો હતો અને આઝાદી પછી સ્વનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરી હતી. આપણા બંને દેશોએ ઓગસ્ટ, 1971માં શાંતિ, મૈત્રી અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એકબીજાની સાર્વભૌમિકતા અને હિતોનું સન્માન, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સારા પડોશી તરીકે વ્યવહાર કરવા જેવા પારસ્પરિક સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોની રૂપરેખા વ્યક્ત કરી હતી. બે દાયકા પછી જાન્યુઆરી, 1993માં ભારત અને રશિયાએ મૈત્રી અને સહકારના સંબંધોની નવી સમજૂતીમાં આ જોગવાઈઓને પ્રતિપાદિત કરી હતી. 3 ઓક્ટોબર, 2000ના રોજ પ્રજાસત્તાક ભારત અને રશિયન સંઘ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર જાહેરનામું દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયું હતું. તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંકલિત અભિગમ, મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર સમાધાનકારક માર્ગ તેમજ આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં ગાઢ સહકાર સ્થાપિત કરવાની જોગવાઈ સામેલ હતી. આ ભાગીદારીને 21 ડિસેમ્બર, 2010ના રોજ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે લઈ જવામાં આવી હતી.
ભારત અને રશિયાના સંબંધોનો વિસ્તૃત વિકાસ બંને દેશોની વિદેશી નીતિ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે પહેલો શરૂ કરીને અમારા સહકારને વધારવાનું જાળવી રાખીશું તથા અમારા દ્વિપક્ષીય એજન્ડાને વધારીશું તથા સમૃદ્ધ કરીશું, જેથી તે વધારે પરિણામલક્ષી બનશે.
ભારત અને રશિયાના અર્થતંત્રો ઊર્જા ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. અમે આપણા દેશો વચ્ચે “ઊર્જા સેતુ”નું નિર્માણ કરવા આતુર રહીશું અને ઊર્જા સહકારના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોનું વિસ્તરણ કરીશું, જેમાં પરમાણુ, હાઇડ્રોકાર્બન, હાયડલ અને અક્ષય ઊર્જાના સ્ત્રોતો તથા ઊર્જા કાર્યદક્ષતામાં સુધારો સામેલ છે.
ભારત અને રશિયા જાણે છે કે અત્યારે કુદરતી ગેસ આર્થિક રીતે અસરકારક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ છે, જે વૈશ્વિક ઊર્જા બજારનું અભિન્ન અંગ બની ગયેલ છે. વળી કુદરતી ગેસ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા અતિ મહત્વપૂર્ણ છે અને આબોહવામાં ફેરફાર પર પેરિસ સમજૂતીની જોગવાઈઓ પૂર્ણ કરવામાં મદદ કરશે તેમજ સ્થાયી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા સહાયક નીવડશે. પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગમાં સહકાર બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું એક પ્રતીક છે, જે ભારતની ઊર્જા સુરક્ષામાં પ્રદાન કરે છે તથા વિસ્તૃત વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહકારને આગળ વધારે છે. બંને પક્ષોના સહિયારા અને સંકલિત પ્રયાસો સાથે આપણી નાગરિક પરમાણુ ભાગીદારીમાં સ્થિર અને પ્રદર્શિત કરી શકાય તેવી ભાગીદારી ઊભી થઈ છે, જેમાં કુડનકુલમ સાઇટ પર આધુનિક પરમાણુ વીજ પ્રોજેક્ટ્સ અને તેને ભારતના સૌથી મોટા ઊર્જા કેન્દ્રોમાંના એક કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવાની બાબત સામેલ છે. અમે કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટના યુનિટ 5 અને 6 માટે સાધારણ માળખાગત કાર્ય માટેની સમજૂતી અને ક્રેડિટ પ્રોટોકોલની સમજૂતીને આવકાર આપીએ છીએ. અમે 11 ડિસેમ્બર, 2014ના રોજ બંને દેશો વચ્ચે થયેલા પરમાણુ ઊર્જાના શાંતિપૂર્વ ઉપયોગમાં સહકારને મજબૂત કરવા માટેના વ્યૂહાત્મક વિઝનના અમલીકરણ માટે કાર્ય કરીશું. ભારત અને રશિયાના સંબંધોનું ભવિષ્ય વિવિધ ક્ષેત્રોમાં સહકાર પર નિર્ભર છે, જેમાં પરમાણુ ઊર્જા, પરમાણુ ઇંધણ ચક્ર તથા પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજી સામેલ છે.
ભારત અને રશિયા વચ્ચે પરમાણુ વીજ ક્ષેત્રમાં વધતી ભાગીદારીથી ભારતમાં આધુનિક પરમાણુ ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટેની તકો ખુલી છે, જે ભારત સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલ સાથે સુસંગત છે. ભારત અને રશિયા 24 ડિસેમ્બર, 2015ના રોજ હસ્તાક્ષર થયેલ “પ્રોગ્રામ ઓફ એક્શન ફોર લોકલાઇઝેશન ઇન ઇન્ડિયા (ભારતમાં સ્થાનિકીકરણ માટે કામગીરીના કાર્યક્રમ)”નો અમલ કરવા પ્રતિબદ્ધ છે તથા બંને દેશોના પરમાણુ ઉદ્યોગોને નક્કર અને ફળદાયક જોડાણો કરવા પ્રોત્સાહિત કરે છે.
અમને રશિયન સંઘના આર્કટિક શેલ્ફમાં હાઇડ્રોકાર્બનના ઉત્ખનન અને સંશોધન પર સંયુક્ત પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં રસ છે.
અમે દરિયાની અંદર ઉત્ખનન કરવાના ક્ષેત્રમાં પારસ્પરિક લાભદાયક સહકાર માટે સંભવિતતા મેળવવા સંયુક્ત વ્યૂહરચનાઓ વિકસાવીશું તથા દરિયાઈ સંશોધન અને તાલીમના ક્ષેત્રમાં અમારી ક્ષમતાઓનો ઉપયોગ કરીને હાઇડ્રોકાર્બન સંસાધનો, પોલિમેટલિક નોડ્યુલ્સ અને અન્ય દરિયાઈ સંસાધનો વિકસાવી પારસ્પરિક લાભદાયક સહકાર સ્થાપિત કરીશું.
અમે બંને દેશોની ઊર્જા કંપનીઓ વચ્ચે સહકારને આવકારીએ છીએ, જેથી ભારતમાં વર્તમાન વીજ મથકો આધુનિક સ્વરૂપ ધારણ કરે અને નવા અત્યાધુનિક વીજ મથકોનું નિર્માણ થાય. અમે ટેકનોલોજીની વહેંચણી, વિવિધ વિસ્તારો અને આબોહવાની જુદી જુદી સ્થિતિમાં કામ કરવાનો અનુભવ, તથા સ્વચ્છ, આબોહવાને અનુકૂળ અને વાજબી ઊર્જા સંસાધનોના સર્જન માટે ઊર્જાદક્ષ ટેકનોલોજીઓના ઉપયોગ મારફતે એકબીજાના દેશોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ વિકસાવવા પ્રયાસ કરીશું.
અમારા મુખ્ય આર્થિક ઉદ્દેશોમાં વેપાર અને રોકાણ તથા વસ્તુઓ અને સેવાઓમાં વેપારની વિવિધતા સામેલ છે, ખાસ કરીને તેમાં દ્વિપક્ષીય વેપારમાં હાઇ-ટેકનોલોજી ઉત્પાદનોની વહેંચણીમાં વધારો, ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન, ઉદ્યોગસાહસિકતાઓ અને રોકાણ માટેના વાતાવરણમાં સુધારો તથા બંને દેશો વચ્ચે બેંન્કિંગ અને નાણાકીય બાબતોમાં સહકારનો વિકાસ સામેલ છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કા તરીકે અમે પરસ્પર સંમત ક્ષેત્રોમાં સંયુક્તપણે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરીને ત્રીજા દેશોને અમે દ્વિપક્ષીય ટેકનિકલ, આર્થિક અને વૈજ્ઞાનિક સહકાર આપીશું.
અમે અન્ય ચલણો પર અમારા દ્વિપક્ષીય વેપારની નિર્ભરતા ઘટાડવા રાષ્ટ્રીય ચલણોમાં ભારત અને રશિયાના વેપારને પ્રોત્સાહન આપવા અમારા પ્રયાસોને સંકલિત કરીશું. અમે અમારા વ્યાવસાયિક સમુદાયોને કામ કરી શકાય તેવી વર્તમાન યોજનાઓનો ઉપયોગ કરવા સંયુક્તપણે પ્રોત્સાહન આપીશું તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ રશિયા દ્વારા રાષ્ટ્રીય ચલણોમાં સેટલમેન્ટની વ્યવસ્થા સ્થાપિત કરીશું.
અમે ક્રેડિટ રેટિંગ ઉદ્યોગ વિકસાવવા અમારી પોઝિશનનો સમન્વય કરીશું, જે બજારના સહભાગીઓ માટે પારદર્શક હશે તથા રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હશે. આ અર્થમાં અમે ક્રેડિટ રેટિંગ્સ તેમજ સ્થાનિક ક્રેડિટ રેટિંગ એજન્સીઓના રેટિંગ્સને માન્યતા આપવાની બાબતમાં અમારા કાયદાને સુમેળયુક્ત બનાવવાના ઉદ્દેશ સાથેની કામગીરીને ટેકો આપીશું.
અમે પ્રાદેશિક સ્તરે આર્થિક સહકારને વિકસાવવાના મહત્વને સમજીએ છીએ. અમે યુરેશિયન ઇકોનોમિક યુનિયન અને પ્રજાસત્તાક ભારત વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર વાટાઘાટ વહેલાસર શરૂ કરવાની સુવિધા પણ કરીશું.
અમે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાદેશિક જોડાણના આવશ્યક તર્કને સ્વીકારીએ છીએ. અમારું માનવું છે કે જોડાણ વધારે મજબૂત બનાવવું પડશે. તે સાર્વભૌમિકતાના સંબંધમાં સંકળાયેલા વિવિધ પક્ષોના સંવાદ અને સંમતિ પર આધારિત હોવું જોઈએ. રશિયા અને ભારત પારદર્શકતા, સ્થાયીપણાની ક્ષમતા અને જવાબદારીના સિદ્ધાંતોથી સંચાલિત છે, આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર માટે અસરકારક માળખાનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે તથા ગ્રીન કોરિડોરનો અમલ કરવામાં માને છે.
અમે એ હકીકતનો પણ સ્વીકાર કરીએ છીએ કે બંને દેશો આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિ અન નવીનતા પર આધારિત નોલેજ આધારિત અર્થતંત્રોનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. અમે ડિઝાઇનિંગ, ડેવલપિંગ, ઉત્પાદનમાં સહકાર વધારીશું અને વિદેશી બજારોમાં હાઇ-ટેકનોલોજી ઉત્પાદનો લાવીશું તથા સ્પેસ ટેકનોલોજી, એવિએશન, નવી સામગ્રી, કૃષિ, માહિતી અને સંચાર ટેકનોલોજી મેડિસિન, ફાર્માસ્યુટિકલ્સ, રોબોટિક્સ, નેનોટેકનોલોજી, સુપરકમ્પ્યુટિંગ ટેકનોલોજી, આર્ટિફિસિલ ઇન્ટેલિજન્સ અને મટિરિયલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં જોડાણને મજબૂત કરીશું. અમે બંને દેશો વચ્ચે હાઈ ટેકનોલોજીસમાં સહકાર પર ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપનાને આવકારીએ છીએ.
અમે માળખાનું આધુનિકીકરણ કરવા, શહેરીકરણના પડકારોનો સામનો સંયુક્તપણે કરવાના માર્ગો શોધવા, ખાદ્ય સુરક્ષા, જળ સંરક્ષણ અને વન સંસાધનો સુરક્ષિત કરવા સાથે સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવા તથા આર્થિક સુધારા હાથ ધરવા તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકસાવવા અને કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમોનો અમલ કરવાના અનુભવો વહેંચવાના ઉદ્દેશ સાથે સંયુક્ત પ્રયાસો હાથ ધરવા ખભેખભો મિલાવીને કામ કરીશું.
અમે ડાયમન્ડ ઉદ્યોગમાં આપણા બંને દેશોની વર્તમાન ક્ષમતાઓ અને સંસાધનોનો સંપૂર્ણ લાભ લેવાના ઉદ્દેશ સાથે આ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સંભવિતતાને વધારે વિકસાવવા સંયુક્તપણે કામ કરીશું. અમે ડાયમન્ડ બજારમાં આવતા કૃત્રિમ રત્નોની સમસ્યાનું સમાધાન કરવા અને ડાયમન્ડ માટે જેનેરિક માર્કેટિંગ પ્રોગ્રામ વિકસાવવા ટેકો આપવા અમારા સંયુક્ત પ્રયાસોને સઘન પણ બનાવીશું.
જહાજ નિર્માણ, નદીમાં નેવિગેશન અને ડિસેલિનેશન ટેકનોલોજીમાં રશિયાની તાકાતને ઓળખી અમે ટેકનોલોજીના ટ્રાન્સફર મારફતે તથા આંતરિક જળમાર્ક વિકસાવવા, ભારતની વિસ્તૃત નદી વ્યવસ્થાનો અસરકારક રીતે ઉપયોગ કરવા, નદીના પાળાઓ, બંદર અને કાર્ગો કન્ટેઇનર્સ માટે અનુભવ વહેંચવા સંયુક્તપણે કામ કરીશું.
અમે હાઇ સ્પીડ રેલવે, ડેડિકેટેડ ફ્રેઇડ કોરિડોરના વિકાસમાં તથા સંયુક્ત વિકાસ અને ટેકનોલોજીની વહેંચણી મારફતે અસરકારક રેલ પરિવહન માટે નવી ટેકનોલોજીઓ લાગુ કરવા તથા રેલરોડ ક્ષેત્રમાં એકબીજાની ક્ષમતાનો લાભ લેવા અધિકારીઓને તાલીમ આપવા સંયુક્તપણે કામ કરીશું.
અમે એકબીજાના દેશમાં કૃષિ અને ખાદ્ય ચીજવસ્તુઓ માટે બજારની સુલભતા વધારવા સંયુક્તપણે કામ કરીશું તથા કૃષિ, વાવણી, ઉત્પાદન, પ્રક્રિયાથી લઈને માર્કેટિંગ વ્યૂહરચનાઓ સુધીની તમામ પ્રવૃત્તિઓને આવરી લેવા કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વર્તમાન સંભવિતતાની ઉપયોગિતા માટે સંશોધન અને વિકાસ મારફતે સંયુક્તપણે વ્યૂહરચના વિકસાવીશું. અમે કુદરતી સંસાધનોના વાજબી અને આબોહવાને અનુકૂળ ઉપયોગ માટે ખાણ અને મેટલર્જીના ક્ષેત્રમાં સંશોધન માટે નવી ટેકનોલોજીઓના વિકાસ અને વહેંચણી તથા વર્તમાન ટેકનોલોજીઓના ઉપયોગ મારફતે એકબીજાના દેશમાં કુદરતી સંસાધનોના અસરકારક ઉપયોગ માટે સંયુક્ત પ્રોજેક્ટ્સ સંયુક્તપણે હાથ ધરવા કામ કરીશું.
અમે જોયું છે કે ભારત વર્ષ 2020 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની જશે અને આ સંબંધમાં ભારત સરકારની પ્રાદેશિક જોડાણ યોજના માગ પૂર્ણ કરવા અને ત્રીજા દેશોને નિકાસ કરવા ઉડ્ડયન ક્ષેત્રમાં ઉત્પાદનમાં ભારતમાં સંયુક્ત સાહસોની સ્થાપના કરવા અને સંયુક્તપણે ઉત્પાદનોમાં સહકારને વધારવાની તક પ્રદાન કરે છે.
આપણો દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર મજબૂત પારસ્પરિક વિશ્વાસ પર નિર્મિત છે. રશિયા તેની આધુનિક મિલિટરી ટેકનોલોજીની નિકાસ ભારતને કરે છે. અમે મિલિટરી હાર્ડવેર અને મિલિટરી સ્પેર્સ મારફતે સંયુક્ત ઉત્પાદન, સહ-ઉત્પાદન અને સહ-વિકાસ મારફતે આ સહકારને અપગ્રેડ કરીશું અને સઘન બનાવીશું, સાથે સાથે ભવિષ્યની ટેકનોલોજીઓની સ્વીકાર્યતા અને વહેંચણીમાં સ્વનિર્ભરતા વધારીશું. તેમાં લશ્કરી-ટેકનિકલ સહકાર પર વર્તમાન સમજૂતીઓ હેઠળ જવાબદારીઓનું પાલન કરીશું.
અમે મિલિટરી-ટૂ-મિલિટરી ગુણવત્તાયુક્ત ઉચ્ચ સ્તરીય સહકાર માટે કામ કરવા આતુર રહીશું. અમે જમીન અને દરિયાઈ સૈન્ય કવાયતો નિયમિતપણે યોજીશું તથા એકબીજાની સૈન્ય સંસ્થાઓને તાલીમ આપીશું. ચાલુ વર્ષે સૌપ્રથમ ટ્રાઇ-સર્વિસ કવાયત ઇન્દ્ર-2017 યોજાશે.
અમે સમાજના લાભ માટે પ્રસ્તુત ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંતરિક્ષ સંશોધનમાં દ્વિપક્ષીય સહકાર માટે પુષ્કળ તકો જોઈએ છીએ.
અમે કુદરતી આફતોનું નિવારણ કરવા અને તેને પ્રતિસાદ આપવા સંયુક્તપણે કામ કરવાનું ચાલુ રાખીશું.
અમારો ઇરાદો અમારા પ્રદેશો અને રાજ્યો, ખાસ કરીને રશિયાના દૂર પૂર્વના વિસ્તારો વચ્ચે વધુ સહકારને સક્રિયપણે પ્રોત્સાહન આપવાનો છે.
ભારત અને રશિયા 21મી સદીમાં આંતરરાજ્ય સંબંધોના વિકાસની સ્વાભાવિક અને આવશ્યક પ્રક્રિયાના પ્રતિબિંબ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા આતુર છે. આ સંબંધમાં અમે કાયદાના શાસનના સિદ્ધાંત અને વૈશ્વિક રાજકારણના સંયુક્ત રાષ્ટ્રના સંકલનની કેન્દ્રીય ભૂમિકા પર આધારિત આંતરરાષ્ટ્રીય સંબંધોની વ્યવસ્થાનું લોકશાહીકરણ કરવા જોડાણ વધારીશું. અમારું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં, સુધારાની જરૂર છે, જેથી તે સમકાલીન વાસ્તવિકતાઓનું વધારે પ્રતિનિધિત્વ કરે તથા નવા પડકારો અને જોખમોનો વધારે અસરકારક રીતે સામનો કરવા જવાબદાર બને. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારો કરીને ભારતની કાયમી સભ્યપદની દાવેદારીને રશિયા પુનઃ સમર્થન આપે છે. અમે હકારાત્મક એકીકૃત વૈશ્વિક એજન્ડાને આગળ વધારવા, વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શાંતિ સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં અસરકારક રીતે જોડાણ કરવા, પડકારો અને જોખમોનો સામનો કરવા તથા કટોકટીનું સમાધાન કરવા ન્યાયી અને સંકલિત અભિગમને સક્રિયપણે પ્રોત્સાહન આપવા સાથસહકાર આપીશું.
અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ સભ્યોના હિતને વધુ સારી રીતે પૂર્ણ કરવા વૈશ્વિક રાજકીય, આર્થિક, નાણાકીય અને સામાજિક સંસ્થાઓના સુધારા અને લોકશાહીકરણને પ્રોત્સાહન આપવા કામ કરીશું. અમે દેશોની મુખ્ય સમસ્યાઓ અને કાયદેસર હિતોની અવગણના, સાર્વભૌમિકતા પ્રત્યે સન્માનનો અભાવ કે એકાધિકારનો વિરોધ કરીએ છીએ. ખાસ કરીને દબાણ વધારવા રાજકીય અને આર્થિક મંજૂરીઓના એકપક્ષીય ઉપયોગનો સ્વીકાર અમે કરતા નથી.
અમારો આશય બ્રિક્સની અંદર ફળદાયક સહકારનું વધારે નિર્માણ કરવાનો છે, જે અમારા સંયુક્ત પ્રયાસોને પરિણામે વૈશ્વિક મુદ્દાઓમાં તેની અધિકૃતતા અને પ્રભાવશાળી ભૂમિકામાં સાતત્યપૂર્ણ વધારો કરશે.
અમે ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંસ્થા), જી20 અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તેમજ રશિયા-ભારત-ચીન સહકાર સહિત અન્ય બહુપક્ષીય ફોરમ અને સંસ્થાઓની અંદર સહકાર વિકસાવવાનું ચાલુ રાખીશું.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારતને સંપૂર્ણપણે સભ્ય બનાવવાથી યુરેશિયા અને એશિયા-પેસિફિક રિજનમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા, આર્થિક વિકાસ અને સમૃદ્ધિ હાંસલ કરવા સંસ્થાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા સંસ્થાના આંતરરાષ્ટ્રીય કદમાં વધારો થશે.
અમે સંયુક્ત સિદ્ધાંતોને આધારે એશિયા-પ્રશાંત વિસ્તારમાં ખુલ્લી, સુસંતુલિત અને સર્વસમાવેશક સુરક્ષાના માળખાનું નિર્માણ કરવાના પ્રયાસો સુલભ કરતા રહીશું તથા વિસ્તારમાં તમામ રાષ્ટ્રોના કાયદેસર હિતને ધ્યાનમાં રાખીશું, જેમાં પૂર્વ એશિયા સમિટના માળખામાં પ્રસ્તુત સંવાદનો વિકાસ સામેલ છે.
જ્યારે અમે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા, સીરિયાની કટોકટીનો અંત લાવવા, અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય સુલેહ માટે – જેમાં મોસ્કો સંવાદનું સંમત માળખું, આંતરિક બાબતોમાં રાષ્ટ્રીય સાર્વભૌમિકતા અને બિન-હસ્તક્ષેપના સિદ્ધાંતો સામેલ છે – આપણા અભિગમને વધારે સંકલિત કરીશું, ત્યારે દેશોને આંતરિક સુધારા કરવા માટે પ્રોત્સાહન આપીશું.
ભારત અને રશિયા સામૂહિક વિનાશ કરવાની ક્ષમતા ધરાવતા શસ્ત્રોના પ્રસારને અટકાવવા સહિયારી પ્રતિબદ્ધતા ધરાવે છે. રશિયા સંમત છે કે બહુપક્ષીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ભારતની ભાગીદારી આ પ્રકારના પ્રસારને અટકાવવામાં પ્રદાન કરશે. આ સંદર્ભમાં પરમાણુ સપ્લાયર્સ ગ્રૂપ અને વાસ્સેનાર સમજૂતીમાં સભ્યપદ માટે ભારતની અરજીઓને રશિયા આવકારે છે તથા આ નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ભારતના વહેલાસર પ્રવેશ માટે સહકારને પ્રતિપાદિત કરે છે.
અમે આતંકવાદના તમામ સ્વરૂપો અને તેની કોઈ પણ સ્વરૂપની અભિવ્યક્તિ તથા તણાવને વખોડી કાઢીએ છીએ. કોઈ પણ આતંકવાદી કૃત્ય વાજબી ન હોઈ શકે, પછી તે વૈચારિક, ધાર્મિક, રાજકીય, જાતિય, વંશીય કે અન્ય કોઈ પણ કારણસર હોય. અમે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો સામનો સંયુક્તપણે કરવાનું ચાલુ રાખીશું, જે શાંતિ અને સુરક્ષા જાળવવા સામેનું મોટું જોખમ છે. અમે એ બાબત પર સંમત થયા છીએ કે આ જોખમના અભૂતપૂર્વ પ્રસારને અટકાવવા સંપૂર્ણ વૈશ્વિક સમુદાય માટે નિર્ણાયક સહિયારા પ્રતિસાદની જરૂર છે, જે માટે બેવડા ધારાધોરણો ન ચાલે. આપણે આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટર મુજબ આ સમસ્યાનું સમાધાન કરવું પડશે. અમે તમામ દેશો અને સંસ્થાઓને આતંકવાદી સંસ્થાઓનું નેટવર્ક તોડી પાડવા, તેમને નાણાકીય સહાય બંધ કરવા અને આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય અવરજવરને અટકાવવા ગંભીરતાપૂર્વક કામગીરી કરવા અપીલ કરીએ છીએ. અમે આંતકવાદ વિરોધી વૈશ્વિક માપદંડને મજબૂત કરવા અને આ સમસ્યાનો સામનો કરવા કાયદેસર માળખાને સક્ષમ બનાવવા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન પર વાટાઘાટા વહેલાસર સંપન્ન કરવા અપીલ કરીએ છીએ.
વૈશ્વિક ઇન્ટરનેટના સંચાલનમાં દેશની પ્રાથમિકતા સાથે લોકશાહી અને એકથી વધારે પક્ષોના મોડલ પ્રતિનિધિત્વને આધારે માહિતી અને સંચાર ટેકનોલોજીઓના ઉપયોગમાં સુરક્ષા પ્રદાન કરવામાં સામાન્ય અભિગમો વહેંચવા અમારો આશય આ સંદર્ભમાં દેશોની જવાબદાર વર્તણૂંકના સાર્વત્રિક નિયમો, માપદંડો અને સિદ્ધાંતો વિકસાવવા માટે સંયુક્તપણે કામગીરી જાળવી રાખવાનો છે.
અમે માહિતી અને સંચાર ટેકનોલોજીના ઉપયોગમાં સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર પર ભારત-રશિયન આંતરસરકારી સમજૂતીના આધારે આ ક્ષેત્રમાં સક્રિય દ્વિપક્ષીય આદાનપ્રદાન કરવાની જરૂરિયાતને અનુભવી છે. પારસ્પરિક હિત, અને ભારત અને રશિયાના લોકો વચ્ચે લાગણી અને સન્માનને ધ્યાનમાં રાખીને અમે સંસ્કૃતિ અને રમતગમતના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંપર્કો વધુ વિકસાવવા પ્રદાન કરીશું, જેમાં વાર્ષિક મહોત્સવો અને આદાનપ્રદાનનું આયોજન સામેલ છે. અમે 2017-18માં ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવા બંને દેશોમાં વિવિધ શહેરોમાં કાર્યક્રમોના આયોજનને આવકારીએ છીએ.
શિક્ષણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર અનેક તકો પ્રદાન કરે છે. અમે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સીધા સંપર્કને પ્રોત્સાહન આપીને તથા બંને દેશોના વિદ્યાર્થીઓને સહાય પ્રદાન કરીને શિક્ષણના ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવા કામ કરીશું.
વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમારો દ્વિપક્ષીય સહકાર મોટી તકો પ્રદાન કરે છે. અમે વૈજ્ઞાનિક સંશોધનો મારફતે આબોહવામાં ફેરફાર, પર્યાવરણનું સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા, સાયબર સુરક્ષા, વાજબી હેલ્થકેર, દરિયાઈ જીવશાસ્ત્ર વગેરે વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા તથા સામાન્ય હિતના પ્રાથમિક ક્ષેત્રો ચકાસવા સંયુક્તપણે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે નોલેજ સેન્ટર્સનું નેટવર્ક ઊભું કરવા, સામાજિક વિકાસ માટે ટેકનોલોજી વિકાસ સંચાલિત નવીનતાને પ્રોત્સાહન આપવા લોકોને જોડવા તથા વૈજ્ઞાનિક કોરિડોરનું નિર્માણ કરવા ભાગીદારીમાં કામ કરી રહ્યા છીએ.
અમારો આશય વિઝા નિયમોને સરળ બનાવવા સહિત વિવિધ પગલાં લઈને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનો છે.
અમને ખાતરી છે કે ભારત અને રશિયા પારસ્પરિક લાભદાયક અને સંવાદી ભાગીદારી માટે આદર્શ બની રહેશે તથા બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનું નિર્માણ થશે. દ્વિપક્ષીય સંબંધોના વિકાસના સહિયારા વિઝન પર અમે ભારત અને રશિયા એમ બંને દેશ તથા આંતરરાષ્ટ્રીય સમુદાયના લાભ માટે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની પ્રચૂર સંભવિતતાને સાકાર કરવામાં સફળતા મેળવીશું.
TR