Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યાંગુન, મ્યાનમારમાં 6 સપ્ટેમ્બર 2017ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમૂદાયને કરેલા સંબોધનનો મૂળપાઠ


મ્યાનમારમાં રહેનારા મારા ભારતીય અને ભારતીય મૂળના મારા પ્યારા ભાઈઓ અને બહેનો, નમસ્કાર. હાલમાં જ તમે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવ્યો, ઇદ મનાવી, તમને તમામને આ તહેવારની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આશા રાખું છું કે આ તહેવાર તમારા માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે.

તમારી સમક્ષ ઉપસ્થિત થઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. મારી ઘણી ઇચ્છા હતી કે હું આ ઐતિહાસિક અને પવિત્ર, ધાર્મિક શહેરમાં આવું, ઇચ્છા હતી કે આવીને યાંગુન જોઉં  જે પોતાના વારસા માટે દુનિયાભરમાં પ્રચલિત છે, જેનો ભારત સાથે સદીઓ પુરાણો નાતો છે અને અહીં પૂર્વના આ ઐતિહાસિક અને પવિત્ર પ્રવેશદ્વારે આવીને તમને સૌને મળું. તમને બધાને જેમણે ભારત અને મ્યાનમાર બંને દેશમાં પોતાના હૃદયમાં સમાવી લીધું છે. હું અહીં તમારામાં એક નાનકડા, મિનિ ભારતના દર્શન કરી રહ્યો છું. ભારતના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા તમે બધાં એક મહાન રાષ્ટ્રના હૃદયમાં એક બીજા મહાન રાષ્ટ્રની ધડકનના રૂપમાં જીવી રહ્યા છો. તમને બધાને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે કેમ કે તમારા રૂપમાં હું એક જ જગ્યાએ એ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને જોઈ રહ્યો છું જેણે ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, બ્રહ્મપુત્રા અને ઇરાવતી જેવી ઉદાર માતાઓને પોતાના પાલવમાં સમાવી છે.

 

તમે હજારો વર્ષોથી ભારત અને મ્યાનમારના મહાન સુપુત્રો અને સુપુત્રીઓની સિદ્ધિઓ અને આકાંક્ષાઓનું, સંસ્કૃતિ અને સામાજિક સુધારણા, ભુગોળ અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો.

 

હજારો વર્ષથી ભારત અને મ્યાનમાર વચ્ચે માત્ર સરહદ જ નથી પરંતુ ભાવનાઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે. ભારતમાં મ્યાનમારને બ્રહ્મદેશ અથવા તો ભગવાન બ્રહ્માની ધરતી પણ કહેવામાં આવે છે. સાથીઓ, આ એ પવિત્ર ધરતી છે જેણે બુદ્ધને જોયા છે, તેમના શિક્ષણને આગળ ધપાવ્યું છે. અહીંના બૌદ્ધ ગ્રંથો અને ભિક્ષુકોએ હિન્દુસ્તાનના ખૂણે-ખૂણે, ભારતના તમામ રાજ્યની સાથે સેંકડો વર્ષ કરતા પણ વધારે વર્ષોથી એક અતૂટ સંબંધ વિકસાવ્યો છે જેમાં માત્ર ધર્મ જ નહીં પરંતુ પાલી ભાષા, સાહિત્ય અને શિક્ષણનો પણ સમાવેશ થાય છે. ભારતને અને વિશ્વને મ્યાનમારની પવિત્ર ભૂમિમાં સ્વર્ગીય ગોયન્કાજીના માધ્યમથી વિપાસનાનો ઉપહાર આપ્યો છે. અને મને આનંદ છે કે તેમના સુપુત્ર આજે આપણી વચ્ચે છે.

 

મ્યાનમારમાં આજે પણ રામાયણને યામાના નામથી રજૂ કરવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને તમે લોકો થરુથરીના નામથી પૂજો છો અને શિવને પરવિજવા, વિષ્ણુને વિથાનો કહો છો.

 

ભારતનો સ્વતંત્રતા આંદોલનનો ઇતિહાસ મ્યાનમારને નમન કર્યા વિના ક્યારેય પૂરો થઈ શકે નહીં. આ એ જ પવિત્ર ધરતી છે જ્યાંથી સુભાષચંદ્ર બોઝે ગર્જના કરી હતી કે તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. તેમનો આ નારો સાંભળીને ભારતને પોતાના જીવ કરતા પણ વધુ પ્રેમ કરનારા હજારો, લાખો નવયુવાન, યુવતીઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના ભારતમાં અને ભારતની બહાર આઝાદ હિંદ ફોજને સહકાર આપવા માટે નીકળી પડ્યા. અને મને પણ આજે આઝાદ હિંદ ફોજના કેટલાક એ સમયના લોકો જેમણે પોતાની યુવાની દાવ પર લગાવી દીધી હતી જેઓ આજે વયસ્ક બની ગયા છે તેમના દર્શનનો, તેમના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. જ્યારે નેતાજીએ અહીં આઝાદ હિંદ ફોજ સરકારનું એલાન કર્યું તો ભારતમાં અંગ્રેજ શાસનના મૂળિયા હલી ગયા હતા. આ એ જ પવિત્ર ધરતી છે જ્યાંની માનલે જેલમાં છ વર્ષ કેદી રહેલા બાળ ગંગાધર તિળક, લોકમાન્ય તિળકે ગીતા રહસ્યની રચના કરી હતી. આ એ પવિત્ર ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી, લાલા લજપતરાય, ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર જેવા મહા-માનવોના ચરણ પડ્યા હતા.

 

જ્યારે વિદેશી શાસકોથી ભારતને સ્વતંત્ર કરાવવા માટે દેશના વીર જવાનોએ પોતાના ઘર છોડવા પડતા હતા તો મ્યાનમાર જ તેમનું બીજું ઘર બની જતું હતું. 1857 અગાઉ પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બાદશાહ બહાદુરશાહ ઝફરને બે ગજની જમીન પણ આ જ ધરતી પર સાંપડી હતી.

 

હું જ્યારે પણ કોઈ દેશમાં જાઉં છું તો ભારતીય સમૂદાયને મળીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મને અવસર મળે છે. એક વાર હું શ્રીલંકાના પ્રવાસ દરમિયાન જાફના ગયો. પહેલી વાર બન્યું કે કોઈ ભારતીય પ્રધાનમંત્રી જાફના ગયા હોય. ત્યાં હું તમિળ મૂળના લોકોને મળ્યો. આ વખતે મે મહિનામાં બુદ્ધ પૂર્ણિમા વખતે મને ફરીવાર શ્રીલંકા જવાની તક મળી. તેમના માટે ભારતના સહયોગથી બનાવેલા ઘર મને તેમને હસ્તગત કરવાની તક મળી. આંતરરાષ્ટ્રીય સમારંભમાં ભાગ લેવા માટે મને આમંત્રણ મળ્યું હતું. ત્યારે હું મધ્ય શ્રીલંકામાં તમિળ ભાઈ-બહેનોને પણ મળ્યો. ત્યાં ભારતની મદદથી બનેલી એક હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ હજારો લોકોએ મને એટલો આદર પ્રેમ આપ્યો કે એ દિવસ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મારા તમિળ ભાઈઓએ શ્રીલંકાની ધરતી પર એટલો પ્રેમ આપ્યો. હું સાઉદી અરેબિયામાં ગયો, બાંધકામ કાર્ય હોય કે કેન્યામાં ખેડૂત કે વેપારી હોય, કે સિલિકોન વેલીમાં સિયોદ હોય, વિદેશમાં વસતા ભારતીયો અને ભારતવંશના લોકોને મળીને મને પોતીકાપણું અનુભવાય છે. એક રીતે તેઓ અમારી સરકારી વ્યવસ્થામાં રાજદૂત હોય છે, તમે બધા અમારા રાજદૂત છો અને તમારી ઉપર ગર્વ પણ થાય છે કે જ્યાં તમે રહો છો ત્યાં તમે વિકાસ અને એકતા તો વધારી જ છે તમે તમારા ભારતીય સંસ્કાર અને મૂલ્યો પણ જાળવી રાખ્યા છે અને આ એક મોટી વાત કહેવાય છે.

યુનાઇટેડ નેશન્સમાં ત્રણ વર્ષ અગાઉ ભારતની પહેલને કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ વિક્રમી સમયમાં અને વિક્રમ સ્પોર્ટસ સાથે પસાર થયો. છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાભરમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વ્યાપક રૂપથી મનાવવામાં આવે છે અને જ્યારે યોગની વાત આવે છે તો સ્વાભાવિકપણે ભારતની યાદ આવી જાય છે.

યોગને આ વૈશ્વિક માન્યતા મળી છે તે તમારી સિદ્ધિ છે કારણ કે તેને ભારતની પ્રજા દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવ્યું છે.

ભારત પ્રત્યેનો તમારો લગાવ માત્ર ભાવનાત્મક નથી, તમે ભારતના વિકાસ સાથે પણ સંગીન રીતે સંકળાયેલા છો. અનેક પ્રવાસી ભારતીય હવે ભારતના વિકાસમાં સહયોગ આપી રહ્યા છે. તેઓ પોતાના કે પોતાના પૂર્વજોના રાજ્યમાં વિકાસ માટે મદદ કરી રહ્યા છે. યુવાન વર્ગ તો તેના કરતા પણ વધારે સક્રિય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ નિયમિતપણે સંપર્ક નથી પરંતુ ભારત અંગે જાણવાની તેમની ઇચ્છા પણ દિવસે દિવસે વધતી જાય છે અને વધુ દૃઢ બનતી જાય છે. ગયા વર્ષે અમે પ્રવાસી યુવાનો માટે ભારત જાણો ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને આ સતત ચાલનારી પ્રક્રિયા છે. અને મને એ જાણીને આનંદ થયો  અને આશ્ચર્ય પણ થયું કે તેમાં લગભગ 100 જેટલા પ્રવાસી ભારતીય યુવાનોએ ભાગ લીધો. એટલે કે એવા દેશ જ્યાં બીજી પેઢી કે ત્રીજી પેઢીના ભારતીય બાળકો છે તેમણે તેમાં હોંશભેર ભાગ લીધો.

હું તમને જ્યારે મળું છું ત્યારે હું એવી પણ લાગણી અનુભવું છું કે વિદેશમાં વસતા ભારતીયો માટે સરકાર સાથેનો સંપર્ક હવે એકતરફી વ્યવહાર રહી ગયો નથી.

અહીં આવતા અગાઉ મેં તમારી પાસેથી નરેન્દ્ર મોદી એપ વિશે સૂચનો માગ્યા હતા. મને આનંદ  છે કે તમે લોકોએ મને ઘણા સારા સૂચનો મોકલ્યા છે અને એ માટે હું તમારો આભારી છું.

મારી સરકાર પહેલા દિવસથી જ પ્રવાસી ભારતીયોના કલ્યાણ જે અમારી પ્રાથમિકતામાં છે. OCI અને PIO યોજનાને સાંકળવી, લાંબા ગાળાના વિઝાવાળાને પોલીસ રિપોર્ટિંગમાંથી મુક્તિ અપાવવી, પાસપોર્ટ મેળવવામાં આસાની થવી, ભારતીય સમૂદાય કલ્યાણ યોજનાના ફંડનો અસરકારક ઉપયોગ, પ્રવાસી ભારતીય દિવસને પુનર્જિવીત કરવો, અને વિશ્વના અલગ અલગ હિસ્સામાં પ્રાંતિય પ્રવાસી ભારતીય દિવસનું આયોજન, આવા ઘણા પગલાં અમે પ્રવાસી ભારતીયોની જરૂરિયાત અને તેમના સૂચનોને ધ્યાનમાં રાખીને ભર્યા છે અને હું નથી માનતો કે કોઈ અન્ય દેશના વિદેશમંત્રી વિદેશમાં વસેલા કે ફસાયેલા પોતાના દેશના લોકોના દુઃખ-દર્દમાં એટલો બધો સક્રિય હશે જેટલી ભારતની આપણી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ છે.

સમગ્ર દુનિયામાં કોઈ પણ ભારતીય નાગરિકને કે ભારતીય મૂળના પ્રવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો જરાય ખચકાટ વિના સુષ્માજીનો ટ્વીટર પર સંપર્ક કરે છે અને તેની સમસ્યાનું સમાધાન થઈ જાય છે. મારો પણ સંદેશો છે કે તમે તમામ લોકોને પાસપોર્ટની સમસ્યા હોય કે વિઝાની અથવા તો પરદેશમાં કાનૂની સહાયની, ભારતની એલચી કચેરીના દરવાજા ભારતીય સમાજ માટે 24×7 = 365 દિવસ ખુલ્લા છે.

સાથીઓ, ભારતને આજે દુનિયામાં સન્માનની નજરે જોવામાં આવે છે તો તેનું કારણ તમે છો. તમે ભારતના સાચા રાજદૂત છો અને તેનું કારણ એ છે કે ભારત ઝડપથી બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે.

અમે અમારા દેશને માત્ર સુધારી રહ્યા નથી પરંતુ તેનું નવ નિર્માણ કરી રહ્યા છીએ. અમે માત્ર ભારતને બદલી રહ્યા નથી અમે ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરી રહ્યા છીએ. ગયા મહિને આપણે ભારતની સ્વતંત્રતાના 70 વર્ષની ઉજવણી કરી. પાંચ વર્ષ બાદ 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ થશે. સ્વતંત્ર ભારત તેના 75 વર્ષ પૂરા કરે ત્યાં સુધીમાં એક નવા ભારતના નિર્માણનો અમે સંકલ્પ કર્યો છે.

અમે સંકલ્પ કર્યો છે કે આપણે ગરીબી મુક્ત, આતંકવાદ મુક્ત, કોમવાદ મુક્ત, જાતિવાદ મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત, સ્વચ્છ ભારત બનાવીશું અને બનાવીને જ રહીશું. હું તમને પણ એ જ કહીશ કે ન્યૂ ઇન્ડિયા વેબસાઇટ પર તમે પણ આ મહામિશનમાં જોડાઈ જાઓ.

સાથીઓ મારું માનવું છે કે 19મી સદી, 19મી સદીની ડિઝાઇન પર 21મી સદીનું માળખું ચાલી શકે નહીં. અને માળખાગત સુવિધાનો અર્થ માત્ર રસ્તા બનાવવા કે રેલ નેટવર્ક સ્થાપવાનો જ હોતો નથી. 21મી સદીના માળખાનો આધાર એ તમામ ચીજ હોય છે જે લોકોને આધુનિક ટેકનિકથી જોડે, તેમના જીવનમાં પરિવર્તન લાવે, જીવનની ગુણવત્તામાં પરિવર્તન લાવે. સમગ્ર દુનિયામાં સોલર ઊર્જા વધારવામાં સૌથી મોટો કાર્યક્રમ આજે ભારતમાં ચાલી રહ્યો છે.

આજે ભારતમાં રેલવે, રસ્તાઓ, એરપોર્ટ પર જેટલું રોકાણ કરવામાં આવી રહ્યું છે એટલું અગાઉ ક્યારેય થયું ન હતું. દેશની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાનું કાર્ય અત્યંત ઝડપી ગતિએ આગળ ધપી રહ્યું છે. સમૂદ્ર તટ પર વસેલા શહેરો અને બંદરોને વિકસીત કરવા માટે સાગરમાલા પરિયોજના ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

હું માનું છું કે આ પ્રયાસોથી દેશમાં માળખાની સાથે એક નવી માળખા સંસ્કૃતિ પણ વિકસીત થશે. અને તેનું એક અભિન્ન અંગ હશે કૃષિ. અમારી સરકાર ભારતના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહી છે. તેના માટે બીજથી માંડીને બજાર સુધીના અનેક પગલાં અમે ભરી રહ્યા છીએ. જેવા કે સોઇલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા,  માઇક્રો સિંચાઈ, પાક પરનો વીમો, ફૂડ પ્રોસેસિંગ પાર્ક, કોલ્ડ સ્ટોરેજ, અગણિત વાતો હું તમને ગણાવી શકું છું. લીલી અને સફેદ ક્રાંતિની મફક આપણે બધા લીલી ક્રાંતિથી પરિચિત છીએ, સફેદ ક્રાંતિથી પરિચિત છીએ પરંતુ હવે અન્ય બે ક્રાંતિ પર પણ અમે ભાર મૂકી રહ્યા છીએ. એક છે બ્લૂ ક્રાંતિ અને બીજી છે સ્વીટ ક્રાંતિ. જ્યારે હું બ્લૂ ક્રાંતિની વાત કરું છું ત્યારે માત્ર માછીમારોનું જ ભલું થશે તેવી વાત નથી, દરિયાઈ સામર્થ્યનો પણ એક નવા યુગનો આરંભ થયો છે. એવી જ રીતે સ્વીટ ક્રાંતિ એટલે કે મધમાખી પાલનથી મધ દ્વારા એક મોટી આવકની સંભાવનાઓને અમે ચકાસી રહ્યા છીએ, પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથે સાથે અમે દેશના હિતમાં મોટા મોટા અને કપરાં, નિર્ણય લેતા જરાય ગભરાતા નથી અને આમ એટલા માટે કરી શકીએ છીએ કેમ કે અમારા માટે પક્ષ કરતા દેશ મોટો છે. અમારા માટે દેશ જ બધું જ છે. સર્જીકલ સ્ટ્રાઇક હોય કે નોટબંધી હોય કે જીએસટી હોય આ સરકારે દેશના હિતમાં દરેક નિર્ણય જરાય સંકોચ વિના લીધા છે.

જ્યારે અર્થવ્યવસ્થા અને તેને કાળા નાણાથી તથા ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવાના આકરા નિર્ણય લેવાની જરૂરિયાત પેદા થઈ તો  1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાનો નિર્ણય પણ અમે લઈ શક્યા. મુઠ્ઠીભર કેટલાક લોકોના ભ્રષ્ટાચારની કિંમત દેશના સવા સો કરોડ લોકો ચૂકવી રહ્યા હતા જે અમને મંજૂર ન હતું. બેઇમાનીના પૈસાની આ તાકાત હતી. તે ક્યાંથી આવે છે, કોની પાસે જાય છે, તે કાગળ પર આવતું ન હતું. કાળા નાણાનું કોઈ સરનામું હોતું નથી.

સાથીઓ, નોટબંધી બાદ હવે એવા લોકો વિશે જાણવા મળે છે જેમના ખાતામાં કરોડો, અબજો રૂપિયા જમા છે પરંતુ તેમણે ક્યારેય આવકવેરાનું રિટર્ન ભર્યું ન હતું. એવી લાખ કંપનીઓ વિશે પણ જાણકારી મળી છે જે ફક્ત કાળા નાણાની હેરાફેરીનું જ કામ કરી રહી હતી. માત્ર ત્રણ મહિનામાં મારા પ્યારા દેશવાસીઓ, તમને જાણીને સંતોષ થશે કે માત્ર ત્રણ મહિનામાં બે લાખથી વધુ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા અને તેમના બેંક એકાઉન્ટ સ્થગિત કરી દેવાયા હતા.

હજી બે મહિના અગાઉ જ દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. હું જીએસટીને સાદી ભાષામાં ગુડ્ઝ અને સિમ્પલ ટેક્સ કહું છું. જીએસટીથી પણ દેશમાં પ્રામાણિકતાની સાથે વેપાર કરવાનું નવું વાતાવરણ પેદા થશે. જેટલા વેપારી છેલ્લા છ વર્ષમાં દેશના કરમાળખા સાથે સંકળાયા ન હતા એટલા તો જીએસટી લાગુ થયા બાદ માત્ર બે મહિનામાં જ જોડાઈ ગયા છે. જે કાર્ય છ વર્ષમાં થાય છે તે કામ 60 દિવસમાં થઈ ગયું તે જ બાબત કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે તેનું ઉદાહરણ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં પરિવર્તનના એક નવા યુગની શરૂઆત થઈ. નાની સરકાર, મોટા સંચાલનના સિદ્ધાંત પર ચાલીને તમામ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી. તેનું સરળીકરણ કરી દેવામાં આવ્યું. કાયદાઓ બદલાઈ રહ્યા છે, બિઝનેસ કરવા માટેના કેસના નિયમ સરળ બનાવવામાં આવી રહ્યા છે. દેશના લોકોમાં એ ભરોસો પેદા થઈ ગયો છે કે ભારત બદલાઈ રહ્યું છે. આગળ વધી શકે છે. દાયકાઓ પુરાણી ખરાબીઓએ ભારતને જકડી રાખ્યું હતું તેનાથી ભારત મુક્ત થઈ શકે છે તે ભરોસો દેશવાસીઓમાં પેદા થઈ ગયો છે.

સાથીઓ, ભારત પોતાના વિકાસનો લાભ માત્ર પોતાના સુધી મર્યાદિત રાખતું નથી. આપણી પાસે જે છે તેને આપણે હળીમળીને, વહેંચીને ખાઈએ તો તેનો આનંદ કેટલાય ગણો વધી જાય છે. આફ્રિકા હોય કે સાઉથ એશિયા કે પેસિફીક આયર્લેન્ડ હોય, આપણી ક્ષમતા, આપણા અનુભવ આ બધું જ આપણે તમામ વિકસીત દેશ સાથે ખુલ્લા દિલથી વહેંચતા હતા. 2014માં મેં સાઉથ એશિયન સેટેલાઇટનું વચન આપ્યું હતું અને આ વર્ષે અમે તેને લોન્ચ કરી દીધું. ભારત જ નહીં પરંતુ તેનાથી સંકળાયેલા તમામ પડોશી દેશને પણ આ સેટેલાઇટનો ફાયદો થશે.

કુદરતી હોનારત કે તેના જેવી અન્ય પ્રકારની કટોકટીના સમયે પણ અમે સૌથી પહેલા જવાબદારી લઈએ છીએ. માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ તમામ લોકો માટે, જેમની સહાયતા અમે કરી શકીએ છીએ તેમની સહાયતા કરવામાં અમે પહેલ કરી છે. પ્રયાસ કર્યો છે અને અમે જ્યારે આ પ્રકારની મદદ કરીએ છીએ તો અમે ક્યારેય પાસપોર્ટનો રંગ પૂછતા નથી. નેપાળમાં ભૂકંપ આવ્યો, માલદિવ્સમાં અચાનક પાણીની સમસ્યા આવી ગઈ, ફિજીમાં સમૂદ્રી તોફાન આવી ગયું, પશ્ચિમ એશિયામાં હિંસાના વિસ્તારોમાં સેંકડો ભારતીયો, વિદેશીઓના સ્થળાંતરની વાત હોય, મ્યાનમારમાં વાવાઝોડા બાદ રાહત કામગીરીની વાત હોય અને પુનર્વસનમાં મદદ કરવા માટે અમે એક સારા પડોશીનું કર્તવ્ય અદા કર્યું છે.

સાથીઓ, વસુદેવ કુટુમ્બકમ એટલે કે સમગ્ર દુનિયા એક પરિવાર છે તે વિચારધારા આપણી પરંપરા છે અને અમને તેની ઉપર ગર્વ છે. તે આપણી નસેનસમાં દોડે છે. આજે સમગ્ર દુનિયાએ ભારતને ત્રીજા નેતા તરીકે ઓળખવાની શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ હોય કે આંતરરાષ્ટ્રીય સોલર જોડાણની નવી પહેલ હોય કે બ્રિક્સની આગામી દસ વર્ષના સુવર્ણ દાયકાની વિચારધારા, આજે ભારતનો અવાજ વિશ્વભરમાં સંભળાય છે, તેનો પડઘો સંભળાય છે. વિશ્વને એક નવા પ્રકારનો ભરોસો છે ભારત પ્રત્યે એક નવી આશા જાગી છે.

ભાઈઓ અને બહેનો, ભારત ઉત્તર-પૂર્વના રાજ્યોને સાઉથ-ઇસ્ટ એશિયાનું પ્રવેશદ્વાર માને છે અને તેથી જ ભારત આ પ્રવેશદ્વાર સાથે સંકળાયેલા માર્ગોનું કામ ઝડપથી કરી રહ્યું છે. થોડા મહિના પહેલા 1600 કરોડ રૂપિયાના ઇમ્ફાલ-મોરેહ પ્રોજેક્ટને બહેતર બનાવવાના કાર્યને અમે મંજૂરી આપી દીધી છે. મોરેહમાં એક આધુનિક અને સજ્જ ચેક પોસ્ટ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ બાદ મણીપુર અને મ્યાનમાર વચ્ચે વેપાર અને લોકોની અવરજવર આસાન બની જશે. અમે સિતવે પોર્ટ અને પાલેત્વા ઇનલેન્ડ વોટર  ટર્મિનલ પર પણ કામ પૂર્ણ કરીને  કલાદાન પ્રોજેક્ટમાં સતત અને પ્રત્યક્ષ પ્રગતિ કરી છે. માર્ગ સંસાધનો પર કાર્ય શરૂ થઈ ગયું છે. મને કોઈ શંકા નથી કે તે ટ્રાન્સપોર્ટ કોરીડોર આસપાસના પ્રાંતોના વિકાસના કોરીડોરમાં ફેરવાઈને જ રહેશે આવો મારો વિશ્વાસ છે. ઉપરવાસ મ્યાનમારની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતથી હાઈ સ્પિડ ડિઝલ ટ્રકો દ્વારા આવન-જાવન શરૂ થઈ ચૂકી છે. અમે સરહદ પાર કરાર અને મોટર વ્હીકલ કરાર કરીને તથા વિજળી અને ઊર્જા વેપારને વધુ મહત્વ આપીને પરસ્પર સહયોગને કેટલાય ગણો વધારવા માગીએ છીએ. અમે અમારા વિકાસ સહકાર અને ક્ષમતા પેદા કરવા અંગેની ભાગીદારીના માધ્યમથી જે કાંઈ પણ હાંસલ કર્યું છે તેની ઉપર આજે ભારતને ગર્વ છે.

ભારતનો લોકશાહી અનુભવ અમે મ્યાનમાર સાથે વહેંચી રહ્યા છીએ. અમારા લોકો સાથેના પરસ્પર સંબંધ અને સામાજિક સંસ્કૃતિ સંબંધ અમારી સૌથી મોટી મૂડી છે, વારસો છે અને તેને મજબૂત કરવા માટે અમે ભારત આવવા ઇચ્છતા મ્યાનમારના તમામ નાગરિકોને ગ્રેટિક્સ વિઝા આપવાનો નિર્ણય લીધો છે. અમે હાલમાં ભારતની જેલમાં કેદ છે તેવા મ્યાનમારના 40 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ ટૂંક સમયમાં મ્યાનમારમાં તેમના પરિવારજનોને મળી શકશે.

આજે હું બાગાનમાં આનંદ મંદિર ગયો હતો. આનંદ મંદિર તથા અન્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇમારતોમાં ગયા વર્ષના ભૂકંપ બાદ થયેલા નુકસાનમાં ભારતની મદદથી સમારકામ થઈ રહ્યું છે. ભારત અને મ્યાનમાર વચ્ચે એટલા ઐતિહાસિક સંબંધ છે કે તેની જાણકારી ઘણો મોટો વિષય છે અને મારું માનવું છે કે આવનારી પેઢીઓને તેની માહિતી હોવી જોઇએ. આ અંગે સાથે મળીને સંશોધનનો પ્રયાસ થવો જોઇએ.

મેં અહીં મારી વાતચીતમાં સરકાર સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આઈએનએ મેમોરિયલનો સર્વે અમે એક સાથે મળીને કરી શકીએ છીએ. એક સંયુક્ત ઇતિહાસ પ્રોજેક્ટની સ્થાપના કરી શકાય છે તેનાથી બંને દેશ વચ્ચેના જનસંપર્ક વધુ મજબૂત બનશે.

મને તમને એ વાત કહેતા આનંદ થાય છે કે અમે નેશનલ રજિસ્ટ્રેશન કાર્ડના આધારે ઓસીઆઈ આપવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સની સ્કોલરશિપની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય પણ ભારત સરકારે લીધો છે.

મિત્રો, મેં એક વાર ક્યાંક વાંચ્યું હતું કે ભારત અને મ્યાનમારના સંબંધોનો આધાર પાંચ બી છે. એટલે કે બુદ્ધિઝમ, બિઝનેસ, બોલિવૂડ, ભારતનાટ્યમ અને બર્મા ટેક પરંતુ મને લાગે છે કે તેમાં સૌથી મહત્વપૂર્ણ બી તો રહી જ ગયો છે અને તે બી છે ભરોસો. ભારત અને મ્યાનમારનો એકબીજા પ્રત્યેનો ભરોસો. આ ભરોસાના પાયા ઉપર સેંકડો વર્ષોમાં મજબૂતી આવી છે અને સમયની સાથે સાથે વધારે મજબૂતી આવતી જશે.

ભાઈઓ અને બહેનો, સૌનો સાથ સૌનો વિકાસના જે મંત્ર પર અમારી સરકાર ચાલી રહી છે તે કોઈ સરહદોથી બંધાયેલી નથી. સૌનો સાથ એટલે દરેક દેશનો સાથ, સૌનો વિકાસ એટલે દરેક દેશનો વિકાસ. ભારત વિકાસના કાર્યોમાં મ્યાનમારની સાથે સાથે ચાલવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

તમે તેમાં, તમારા આશીર્વાદ માટે હું તમને ફરીથી નમન કરું છું. તમારા દર્શન કરવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા, દેશની વાતો સાંભળવા માટે, દેશ સાથેના લગાવને કારણે, દેશ સાથે જોડાવાના ઇરાદાથી, આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા. હું ફરીથી તમારો હૃદયપૂર્વક આભાર માનું છું, આ ધરતીને નમન કરું છું, તમને બધાને નમન કરું છું. ખૂબ ખૂબ આભાર.

 

NP/J.Khunt/TR/GP