ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
ભારત માતા કી જય.
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા બધા સાથીદારો, દેશના ખૂણે ખૂણેથી અહીં આ ભવ્ય ભવનમાં પધારેલાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો, દેશનાં 70થી વધુ શહેરોમાંથી જોડાયેલા મારા બધા સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા પરિવારજનો.
આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. આ દિવસ આપણા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને સમર્પિત છે. હું તમામ દેશવાસીઓને વિશ્વકર્મા જયંતીની અનેક-અનેક શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે મને દેશભરના લાખો વિશ્વકર્મા સાથીઓ સાથે જોડાવાની તક મળી છે. મેં હમણાં થોડા સમય પહેલા જ ઘણાં વિશ્વકર્મા ભાઈઓ અને બહેનો સાથે વાત પણ કરી છે. અને મને અહીં આવવામાં મોડું થવાનું કારણ પણ એ હતું કે હું જરા એમની સાથે વાતોમાં લાગી ગયો અને નીચે જે પ્રદર્શન કરવામાં આવ્યું છે તે પણ એટલું અદ્ભૂત છે કે નીકળવાનું મન જ નહોતું થતું અને હું તમને બધાને પણ આગ્રહ કરું છું કે તમે તેને ચોક્કસ જુઓ. અને મને કહેવામાં આવ્યું છે કે હજી વધુ 2-3 દિવસ ચાલવાનું છે, તેથી હું ખાસ કરીને દિલ્હીના લોકોને ચોક્કસપણે કહીશ કે તેઓ ચોક્ક્સ આ જુએ.
સાથીઓ,
ભગવાન વિશ્વકર્મા ના આશીર્વાદથી આજે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે. પરંપરાગત રીતે હાથનાં હુન્નર અને સાધનો સાથે કામ કરતા લાખો પરિવારો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આશાનું એક નવું કિરણ બનીને આવી રહી છે.
મારા પરિવારજનો,
આ યોજનાની સાથે જ આજે દેશને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્ર-યશોભૂમિ પણ મળ્યું છે. અહીં જે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે તે મારાં શ્રમિક ભાઈઓ અને બહેનોનું, મારાં વિશ્વકર્મા ભાઈઓ અને બહેનોનું તપ નજરે ચઢે છે, તપસ્યા નજરે ચડે છે. આજે હું દેશના દરેક શ્રમિક અને દરેક વિશ્વકર્મા સાથીને આ યશોભૂમિ સમર્પિત કરું છું. આપણા વિશ્વકર્મા મિત્રો પણ મોટી સંખ્યામાં યશોભૂમિના લાભાર્થી બનવાના છે. આજે આ કાર્યક્રમમાં જે હજારો વિશ્વકર્મા સાથીઓ આપણી સાથે વીડિયોનાં માધ્યમથી જોડાયેલા છે, એમને હું ખાસ કરીને એ કહેવા માગું છું. ગામેગામ તમે જે માલસામાન બનાવો છો, જે હસ્તકલા બનાવો છો, જે કળાનું સર્જન કરો છો, તેને વિશ્વ સુધી પહોંચાડવા માટે આ બહુ મોટું વાઇબ્રન્ટ સેન્ટર એક શક્તિશાળી માધ્યમ બનવાનું છે. તે તમારી કળા, તમારી કુશળતા, તમારી આર્ટને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે. આ ભારતનાં લોકલ (સ્થાનિક) ઉત્પાદનોને ગ્લોબલ (વૈશ્વિક) બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
મારા પરિવારજનો,
આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે-‘યો વિશ્વં જગતં કરોત્યેસે સ વિશ્વકર્મા‘ એટલે કે, જે સમસ્ત સંસારની રચના અથવા તેની સાથે સંકળાયેલું નિર્માણ કાર્ય કરે છે, તેને ‘વિશ્વકર્મા‘ કહેવામાં આવે છે. હજારો વર્ષોથી જે સાથીઓ ભારતની સમૃદ્ધિનાં મૂળમાં રહ્યા છે, એ આપણા વિશ્વકર્મા જ છે. જેમ આપણા શરીરમાં કરોડરજ્જુની ભૂમિકા હોય છે, તેવી જ રીતે સામાજિક જીવનમાં આ વિશ્વકર્મા સાથીઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આપણા આ વિશ્વકર્મા મિત્રો તે કાર્ય સાથે સંકળાયેલા છે, તે હુન્નર સાથે જોડાયેલા છે, જેના વિના રોજિંદાં જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમે જુઓ, આપણી કૃષિ વ્યવસ્થામાં લુહાર વગર શું કંઇ પણ શક્ય છે? શક્ય નથી. ગામડાંઓમાં જૂતાં બનાવનારા હોય, વાળ કાપનારા હોય, કપડાં સીવતા દરજી હોય, તેમનું મહત્વ ક્યારેય સમાપ્ત થઈ શકતું નથી. ફ્રિજના યુગમાં પણ લોકો આજે મટકા અને સુરાહીનું પાણી પીવાનું પસંદ કરે છે. દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી જાય, ટેક્નૉલોજી ગમે ત્યાં પહોંચે, પણ તેમની ભૂમિકા, તેમનું મહત્વ હંમેશા રહેશે. અને તેથી જ આજે સમયની માગ છે કે આ વિશ્વકર્મા સાથીઓને ઓળખવામાં આવે, તેમને દરેક રીતે સપોર્ટ કરવામાં આવે.
સાથીઓ,
અમારી સરકાર આપણાં વિશ્વકર્મા ભાઈઓ અને બહેનોને અને તેમનું સન્માન વધારવા, તેમનું સામર્થ્ય વધારવા અને તેમની સમૃદ્ધિને વધારવા માટે આજે સરકાર એક સહયોગી બનીને તમારી પાસે આવી છે. હાલમાં, આ યોજના વિશ્વકર્મા સાથીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ 18 વિવિધ પ્રકારનાં કામ કરે છે. અને ભાગ્યે જ એવું કોઈ ગામ હશે કે જ્યાં આ 18 પ્રકારનાં કામ કરતા લોકો ન હોય. તેમાં લાકડા સાથે કામ કરતા સુથાર, લાકડાના રમકડાં બનાવતા કારીગરો, લોખંડ સાથે કામ કરતા લુહાર, સોનાનાં આભૂષણો બનાવનારા સોનાર, માટી સાથે કામ કરતા કુંભારો, મૂર્તિઓ બનાવનારા મૂર્તિકારો, જૂતા બનાવનારા ભાઇઓ, કડિયા કામ કરતા લોકો, હેર કટિંગ કરતા લોકો, કપડાં ધોતા લોકો, કપડાં સીવતા લોકો, માળા બનાવનારા, માછીમારીની જાળી બનાવનારા, હોડી બનાવનારા એમ અલગ-અલગ, જાત-જાતનાં કામ કરતા સાથીઓને સામેલ કરવામાં આવ્યા છે. પીએમ વિશ્વકર્મા યોજના પર સરકાર હાલ 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મારા પરિવારજનો,
થોડાં વર્ષો પહેલા એટલે કે લગભગ 30-35 વર્ષો થયાં હશે, હું એકવાર યુરોપમાં બ્રસેલ્સ ગયો હતો. ત્યાં થોડો સમય હતો, તેથી હું ત્યાંના મારા યજમાનો હતા તેઓ એક ઘરેણાંનું પ્રદર્શન હતું તે જોવા માટે ત્યાં લઈ ગયા. હું તેમને માત્ર જિજ્ઞાસાથી જરા પૂછી રહ્યો હતો કે અહીં આ વસ્તુઓનું બજાર કેવું હોય છે, શું થાય છે. તો મારા માટે એ એક મોટું આશ્ચર્ય હતું, તેમણે કહ્યું, સાહેબ, અહીં જે મશીનથી બનેલા ઝવેરાત હોય છે એની માગ ઓછામાં ઓછી હોય છે, જે હાથથી બનેલા ઝવેરાત છે, લોકો મોંઘામાં મોંઘા પૈસા ચૂકવીને પણ તેને ખરીદવાનું પસંદ કરે છે. તમે બધા તમારા હાથથી, તમારી કુશળતાથી જે બારીક કામ કરો છો, દુનિયામાં તેની માગ વધી રહી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે મોટી મોટી કંપનીઓ પણ તેમનાં ઉત્પાદનો બનાવવાં માટે તેમનું કામ અન્ય નાની-નાની કંપનીઓને આપે છે. તે સમગ્ર વિશ્વમાં એક બહુ મોટો ઉદ્યોગ છે. આઉટસોર્સિંગનું કામ પણ આપણા આ જ વિશ્વકર્મા સાથીઓ પાસે આવે, તમે મોટી સપ્લાય ચેઇનનો ભાગ બનો, અમે તમને એના માટે તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે, વિશ્વની મોટી-મોટી કંપનીઓ આવીને તમારા દરવાજા પર આવીને ઊભી રહે, તમારા બારણે ટકોરા મારે, તે ક્ષમતા આપની અંદર લાવવા માગીએ છીએ. તેથી, આ યોજના વિશ્વકર્મા સાથીઓને આધુનિક યુગમાં લઈ જવાનો પ્રયાસ છે, તેમનું સામર્થ્ય વધારવાનો પ્રયાસ છે.
સાથીઓ,
આ બદલાતા સમયમાં આપણાં વિશ્વકર્મા ભાઈઓ અને બહેનો માટે તાલીમ-ટેક્નૉલોજી અને સાધનો ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા વિશ્વકર્મા યોજનાનાં માધ્યમથી આપ સૌ સાથીઓને તાલીમ આપવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તાલીમ દરમિયાન પણ કારણ કે તમે રોજેરોજની મહેનત કરીને કમાનારા-ખાનારા લોકો છો. તેથી, તાલીમ દરમિયાન પણ તમને સરકાર તરફથી દરરોજ 500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. તમને આધુનિક ટૂલકિટ માટે 15,000 રૂપિયાનું ટૂલકિટ વાઉચર પણ મળશે. આપ જે સામાન બનાવશો તેનાં બ્રાન્ડિંગ અને પૅકેજિંગથી માંડીને માર્કેટિંગમાં પણ સરકાર દરેક રીતે મદદ કરશે. અને તેના બદલામાં, સરકાર એ ઇચ્છે છે કે તમે તે જ દુકાનમાંથી ટૂલકિટ ખરીદો જે જીએસટી નોંધાયેલ છે, કાળાબજાર ચાલશે નહીં. અને બીજું, હું આગ્રહ કરું છું કે આ સાધનો ભારતમાં જ બનેલા- મેડ ઇન ઇન્ડિયા જ હોવાં જોઈએ.
મારા પરિવારજનો,
જો તમે તમારો વ્યવસાય વધારવા માગતા હો, તો સરકારે એ પણ ધ્યાન રાખ્યું છે કે પ્રારંભિક મૂડીની કોઈ સમસ્યા ન રહે. આ યોજના હેઠળ વિશ્વકર્મા સાથીઓને ગૅરંટી માગ્યા વિના, જ્યારે બૅન્ક તમારી પાસેથી ગૅરંટી માગતી નથી, ત્યારે તમારી ગૅરંટી મોદી આપે છે. ગૅરંટી માગ્યા વિના તમને 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ લોન પરનું વ્યાજ ખૂબ જ ઓછું રહે. સરકારે એવી જોગવાઈ કરી છે કે જો પહેલી વારમાં તમારી ટ્રેનિંગ થઈ ગઈ છે, તમે નવાં સાધનો લઈ લીધાં છે, તો પહેલી વાર તમને 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. અને જ્યારે તમે તેને ચૂકવી દેશો જેથી ખબર પડે કે કામ થઈ રહ્યું છે, ત્યારે તમને 2 લાખ રૂપિયાની લોન વધુ મળશે.
મારા પરિવારજનો,
આજે દેશમાં એક એવી સરકાર છે જે વંચિત લોકોને પ્રાથમિકતા આપે છે. આ અમારી સરકાર જ છે જે એક જિલ્લો એક ઉત્પાદન યોજના દ્વારા દરેક જિલ્લાનાં વિશેષ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહી છે. અમારી સરકારે જ પ્રથમ વખત પીએમ સ્વનિધિ હેઠળ શેરી વિક્રેતાઓને મદદ કરી છે, તેમના માટે બૅન્કના દરવાજા ખોલ્યા છે. આ અમારી જ સરકાર છે જેણે આઝાદી પછી પહેલી વાર વણઝારા અને વિચરતી જનજાતિઓની સંભાળ લીધી. આ અમારી જ સરકાર છે જેણે આઝાદી પછી પ્રથમ વખત દિવ્યાંગજનો માટે દરેક સ્તરે, દરેક જગ્યાએ વિશેષ સુવિધાઓ વિકસાવી છે. જેમને કોઈ પૂછતું નહીં, એમના માટે ગરીબનો આ દીકરો, મોદી, તેમનો સેવક બનીને આવ્યો છે. દરેકને સન્માનનું જીવન આપવાની, દરેક સુધી સુવિધાઓ પૂરી પાડવાની આ મોદીની ગૅરંટી છે.
મારા પરિવારજનો,
જ્યારે ટેક્નૉલોજી અને પરંપરા મળે છે, ત્યારે શું કમાલ થાય છે એ આખી દુનિયાએ G20 હસ્તકલા બજારમાં પણ જોયું છે. જી-20માં ભાગ લેવા જે વિદેશી મહેમાનો આવ્યા હતા, એમને પણ ભેટમાં અમે વિશ્વકર્મા સાથીઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ જ આપી હતી. ‘વોકલ ફોર લોકલ’નું આ સમર્પણ આપણા બધાની, આખા દેશની જવાબદારી છે. આમાં કેમ ઠંડા પડી ગયા, જ્યારે હું કરું ત્યારે તમે તાળીઓ વગાડો છો, આપે કરવાની વાત આવે તો અટકી જાઓ છો. તમે મને કહો કે આપણા કારીગરો આપણા દેશમાં જે વસ્તુઓ બનાવે છે, આપણા લોકો બનાવે છે, તે વિશ્વ બજારમાં પહોંચવી જોઈએ કે નહીં પહોંચવી જોઇએ? તે દુનિયાનાં બજારમાં વેચાવી જોઈએ કે ન વેચાવી જોઇએ? તેથી આ કામ પહેલા લોકલ માટે વોકલ બનવું પડશે અને પછી લોકલને ગ્લોબલ કરવું પડશે.
સાથીઓ,
હવે ગણેશ ચતુર્થી, ધનતેરસ, દિવાળી સહિત ઘણા તહેવારો આવી રહ્યા છે. હું તમામ દેશવાસીઓને સ્થાનિક ખરીદી કરવા વિનંતી કરીશ. અને જ્યારે હું લોકલ ખરીદી વિશે વાત કરું છું, ત્યારે કેટલાક લોકોને એટલું જ લાગે છે કે દિવાળી માટે દીવા લઈ લીધા બસ હવે બીજું કઈ નહીં. દરેક નાની-મોટી વસ્તુ, કોઈપણ મોટી વસ્તુ ખરીદો, જેમાં આપણા વિશ્વકર્મા મિત્રોની છાપ હોય, ભારતની માટી અને પરસેવાની મહેક હોય.
મારા પરિવારજનો,
આજનું વિકસિત થઈ રહેલું ભારત દરેક ક્ષેત્રમાં પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા આપણે જોયું છે કે કેવી રીતે ભારત મંડપમ્ની ચર્ચા આખી દુનિયામાં થઈ છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્ર-યશોભૂમિ આ પરંપરાને વધુ ભવ્યતા સાથે આગળ ધપાવે છે. અને યશોભૂમિનો સીધો સંદેશ એ છે કે આ ભૂમિ પર જે પણ થશે યશ ને યશ જ પ્રાપ્ત થવાનો છે. તે ભવિષ્યના ભારતનું પ્રદર્શન કરવા માટે એક શાનદાર કેન્દ્ર બનશે.
સાથીઓ,
ભારતની મહાન આર્થિક ક્ષમતા, મહાન વ્યવસાયિક શક્તિને પ્રદર્શિત કરવા માટે ભારતની રાજધાનીમાં જેવું સેન્ટર હોવું જોઈએ, તે આ સેન્ટર છે. તેમાં મલ્ટીમૉડલ કનેક્ટિવિટી અને પીએમ ગતિશક્તિના દર્શન એકસાથે થાય છે. હવે જુઓ, તે એરપોર્ટની નજીક છે. તેને એરપોર્ટ સાથે જોડવા માટે મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી છે. આજે અહીં મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મેટ્રો સ્ટેશન સીધું આ સંકુલ સાથે જોડાયેલું છે. આ મેટ્રો સુવિધાને કારણે દિલ્હીના જુદા જુદા ભાગોમાંથી લોકો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સરળતાથી અહીં પહોંચી શકશે. અહીં જે લોકો આવશે, તેમના માટે અહીં રહેવાની, મનોરંજનની, ખરીદીની, પર્યટનની સંપૂર્ણ વ્યવસ્થા આ સમગ્ર ઇકોસિસ્ટમમાં કરવામાં આવી છે, સમગ્ર વ્યવસ્થામાં કરવામાં આવી છે.
મારા પરિવારજનો,
બદલાતા સમયની સાથે વિકાસ અને રોજગારીનાં નવાં-નવાં ક્ષેત્રોનું સર્જન પણ થાય છે. આજથી 50-60 વર્ષો પહેલાં આટલા મોટા આઇટી ઉદ્યોગની કલ્પના પણ કોઈ કરી શક્યું ન હોત. આજથી 30-35 વર્ષો પહેલા, સોશિયલ મીડિયા પણ માત્ર એક કલ્પનાભર હતું. હવે વિશ્વમાં વધુ એક મોટું ક્ષેત્ર આવી રહ્યું છે, જેમાં ભારત માટે અપાર સંભાવનાઓ છે. આ ક્ષેત્ર કૉન્ફરન્સ ટુરિઝમનું છે. વિશ્વભરમાં, સંમેલન પ્રવાસન ઉદ્યોગનું મૂલ્ય ₹ 25 લાખ કરોડથી પણ વધુ છે. વિશ્વમાં દર વર્ષે 32 હજારથી વધુ મોટાં પ્રદર્શનો યોજાય છે, એક્સ્પો થાય છે. તમે કલ્પના કરી શકો છો કે જે દેશની વસ્તી બેથી પાંચ કરોડની હશે ત્યાં પણ આવું કરી દે છે, અહીં તો 140 કરોડની વસ્તી છે, જે પણ આવશે તે માલામાલ થઈ જશે. આ એક બહુ મોટું બજાર છે. જે લોકો કૉન્ફરન્સ ટુરિઝમ માટે આવે છે તેઓ સામાન્ય પ્રવાસી કરતાં અનેક ગણા વધુ પૈસા ખર્ચ કરે છે.
આટલા મોટા ઉદ્યોગમાં ભારતનો હિસ્સો માત્ર એક ટકા છે, માત્ર એક ટકા. ભારતની જ અનેક મોટી કંપનીઓને દર વર્ષે તેમના પોતાના કાર્યક્રમો બહાર યોજવાની ફરજ પડે છે. તમે કલ્પના કરી શકો છો કે દેશ અને દુનિયાનું આટલું મોટું બજાર આપણી સામે છે. હવે આજનું નવું ભારત પોતાને સંમેલન પ્રવાસન માટે પણ તૈયાર કરી રહ્યું છે.
અને મિત્રો, તમે બધા જાણો છો કે એડવેન્ચર ટૂરિઝમ ત્યાં જ થશે જ્યારે એડવેન્ચર માટે સાધન- સંસાધનો હશે. જ્યાં આધુનિક તબીબી સુવિધાઓ હશે ત્યાં જ તબીબી પ્રવાસન થશે. જ્યાં ઐતિહાસિક, ધાર્મિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થશે ત્યાં જ આધ્યાત્મિક પ્રવાસન થશે. હેરિટેજ ટૂરિઝમ પણ ત્યાં જ થશે જ્યાં ઈતિહાસ અને વારસો વિપુલ પ્રમાણમાં હોય. એ જ રીતે, સંમેલન પ્રવાસન પણ ત્યાં જ થશે જ્યાં કાર્યક્રમો માટે, બેઠકો માટે, પ્રદર્શનો માટે જરૂરી સાધન-સંસાધનો હોય. એટલા માટે ભારત મંડપમ્ અને યશોભૂમિ એ એવાં કેન્દ્રો છે, જે હવે દિલ્હીને કૉન્ફરન્સ પ્રવાસનનું સૌથી મોટું કેન્દ્ર બનાવવા જઈ રહ્યાં છે. એકલાં યશોભૂમિ કેન્દ્રમાં જ લાખો યુવાનોને રોજગારી આપવાની સંભાવના છે. યશોભૂમિ ભવિષ્યમાં એક એવું સ્થળ બની જશે જ્યાં વિશ્વભરના દેશોના લોકો આંતરરાષ્ટ્રીય પરિષદો, બેઠકો, પ્રદર્શનો આ બધા માટે લાઇન લાગવાની છે.
આજે હું વિશ્વભરના દેશોમાં પ્રદર્શન અને કાર્યક્રમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ભારતમાં, દિલ્હીમાં, ‘યશોભૂમિ’માં વિશેષ રીતે આમંત્રણ આપું છું. હું દેશની, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દરેક ક્ષેત્રની ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટીવી ઇન્ડસ્ટ્રીને આમંત્રિત કરીશ. તમે અહીં તમારા પુરસ્કાર સમારંભો, ફિલ્મ ઉત્સવો, અહીં આયોજિત કરો, ફિલ્મના ફર્સ્ટ શોનું અહીં આયોજન કરો. હું આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ કંપનીઓ, પ્રદર્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ભારત મંડપમ્ અને યશોભૂમિ સાથે જોડાવા આમંત્રણ આપું છું.
મારા પરિવારજનો,
મને વિશ્વાસ છે કે, ભલે તે ભારત મંડપમ્ હોય કે પછી યશોભૂમિ, તે ભારતનાં આતિથ્ય, ભારતની શ્રેષ્ઠતા અને ભારતની ભવ્યતાનું પ્રતીક બનશે. ભારત મંડપમ્ અને યશોભૂમિ બંને ભારતીય સંસ્કૃતિ અને અત્યાધુનિક સુવિધાઓનો સંગમ છે. આજે આ બંને ભવ્ય સંસ્થાઓ દેશ અને વિશ્વની સામે નવા ભારતની યશગાથા ગાઈ રહી છે. તેમાં નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ પણ છે, જે પોતાના માટે સૌથી શ્રેષ્ઠ સુવિધાઓ ઇચ્છે છે.
સાથીઓ, મારા શબ્દો લખી રાખો, ભારત હવે અટકવાનું નથી. આપણે ચાલતા રહેવાનું છે, નવા લક્ષ્યાંકો નક્કી કરતા રહેવાનું છે અને આપણે તે નવા લક્ષ્યાંકો હાંસલ કરીને જ ઝંપવાનું છે અને તે આપણા બધાની મહેનત અને પરિશ્રમની પરાકાષ્ઠા દેશને 2047માં દુનિયા સમક્ષ વિકસિત ભારત તરીકે ઊભું રાખીશું, આ સંકલ્પ લઈને ચાલવાનું છે. આ આપણા બધા માટે એકજૂથ થવાનો સમય છે. આપણા વિશ્વકર્મા મિત્રો ‘મેક ઇન ઇન્ડિયા’ની શાન છે અને આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રની આ શાનને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું માધ્યમ બનશે. હું ફરી એકવાર આ ખૂબ જ આશાવાદી યોજનાઓ માટે તમામ વિશ્વકર્મા સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નવું કેન્દ્ર, યશોભૂમિ, ભારતના યશનું પ્રતીક બને, દિલ્હીની શાન વધુ વધે આ જ મંગળ શુભકામનાઓ સાથે તમને બધાને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ આભાર.
નમસ્કાર.
CB/GP/JD
Speaking at launch of PM Vishwakarma Yojana at the newly inaugurated Yashobhoomi convention centre. https://t.co/aOpIO1aW5z
— Narendra Modi (@narendramodi) September 17, 2023
आज भगवान विश्वकर्मा की जयंती है।
— PMO India (@PMOIndia) September 17, 2023
ये दिन हमारे पारंपरिक कारीगरों और शिल्पकारों को समर्पित है: PM @narendramodi pic.twitter.com/19nim8CHGu
मैं आज 'यशोभूमि' को देश के हर श्रमिक को समर्पित करता हूं, हर विश्वकर्मा साथी को समर्पित करता हूं: PM @narendramodi pic.twitter.com/zCVApNOf3V
— PMO India (@PMOIndia) September 17, 2023
हज़ारों वर्षों से जो साथी भारत की समृद्धि के मूल में रहे हैं, वो हमारे विश्वकर्मा ही हैं। pic.twitter.com/XEzAol2vuf
— PMO India (@PMOIndia) September 17, 2023
With PM Vishwakarma Yojana, our endeavour is to support the people engaged in traditional crafts. pic.twitter.com/wDtKfG3ipn
— PMO India (@PMOIndia) September 17, 2023
आज देश में वो सरकार है, जो वंचितों को वरीयता देती है: PM @narendramodi pic.twitter.com/edemeKUXd6
— PMO India (@PMOIndia) September 17, 2023
We have to reiterate our pledge to be 'Vocal for Local.' pic.twitter.com/bb5OSX0qQ3
— PMO India (@PMOIndia) September 17, 2023
Today's developing India is carving a new identity for itself in every field. pic.twitter.com/TrHeScAr5H
— PMO India (@PMOIndia) September 17, 2023
आज समय की मांग है कि हजारों वर्षों से भारत की समृद्धि के मूल में रहे हमारे विश्वकर्मा साथियों को पूरा सम्मान मिले और उनके सामर्थ्य को अधिक से अधिक बढ़ावा दिया जाए। pic.twitter.com/Qzx729NcFb
— Narendra Modi (@narendramodi) September 17, 2023
पीएम विश्वकर्मा योजना में अभी 18 अलग-अलग तरह का काम करने वाले विश्वकर्मा साथियों पर फोकस किया गया है। pic.twitter.com/Vu88ValzAZ
— Narendra Modi (@narendramodi) September 17, 2023
आज के इस बदलते हुए दौर में हमारे विश्वकर्मा भाई-बहनों के लिए ट्रेनिंग-टेक्नोलॉजी और टूल्स बहुत ही आवश्यक हैं। इसलिए हमारी सरकार उनकी ट्रेनिंग पर बहुत जोर दे रही है। pic.twitter.com/7rZ4kvQ2yJ
— Narendra Modi (@narendramodi) September 17, 2023
सबको सम्मान का जीवन देना और सुविधाओं को सभी तक पहुंचाना, ये हमारी सरकार की गारंटी है। pic.twitter.com/ZOMXEg6vw3
— Narendra Modi (@narendramodi) September 17, 2023
आज विश्वकर्मा दिवस पर हमें ‘लोकल के लिए वोकल’ का प्रण फिर दोहराना है। pic.twitter.com/04Mf4CYSYe
— Narendra Modi (@narendramodi) September 17, 2023
आज का भारत हर क्षेत्र में अपनी एक नई पहचान बना रहा है। इंटरनेशनल एक्जीबिशन सेंटर- यशोभूमि इस परंपरा को और भव्यता से आगे बढ़ाने वाला है। pic.twitter.com/9ATsUS6zTC
— Narendra Modi (@narendramodi) September 17, 2023
भारत मंडपम और यशोभूमि, ये दोनों ही अब दिल्ली को कॉन्फ्रेंस टूरिज्म का सबसे बड़ा हब बनाने जा रहे हैं, जिससे लाखों युवाओं को रोजगार मिलेगा। pic.twitter.com/3e8rBv3v14
— Narendra Modi (@narendramodi) September 17, 2023