Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મ્યાનમારમાં ત્રિપક્ષીય ધોરીમાર્ગના તામુ-કિગોને-કાલેવા માર્ગ વિભાગ પરના એપ્રોચ રસ્તાઓ સહિત 69 પુલનાં બાંધકામ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે મ્યાનમારમાં ત્રિપક્ષીય ધોરીમાર્ગના તામુ-કિગોને-કાલેવા (ટીકેકે) માર્ગ વિભાગ પરના એપ્રોચ રસ્તાઓ સહિત 69 પુલોનાં રૂ. 371.58 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનારા બાંધકામને મંજૂરી આપી હતી.

આને પગલે તમામ મોસમમાં ટીકેકે માર્ગ વિભાગનો ઉપયોગ થઈ શકશે. આ માર્ગ ઈમ્ફાલ – મંડલેય વચ્ચેની સૂચિત બસ સેવા માટેના રસ્તાનો પણ હિસ્સો છે. તેનાથી ભારત અને મ્યાનમાર વચ્ચેનો સંપર્ક વધુ ઘનિષ્ઠ બનશે અને માલસામાનની હેરફેર અને અવરજવર સુગમ બનશે.

પશ્ચાદ્ ભૂમિ :

મે, 2012માં પ્રધાનમંત્રી શ્રીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન મ્યાનમાર સરકારની વિનંતીને પગલે ત્રિપક્ષીય ધોરીમાર્ગના તામુ-કિગોને-કાલેવા (ટીકેકે) માર્ગ વિભાગમાં 71 પુલોનું બાધકામ હાથ ધરવાનું નક્કી થયું હતું. તાત્કાલિક જરૂર હોવાથી મ્યાનમાર સરકારે બે પુલોનું બાંધકામ પોતાની મેળે શરૂ કર્યું હતું. પરિણામે, બાકીના 69 પુલોનું બાંધકામ ભારત સરકારની મદદથી હાથ ધરાશે.

આ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી) દ્વારા એન્જિનિયરીંગ પ્રોક્યોરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (ઈપીસી) મોડ દ્વારા અમલમાં મૂકાશે.

મ્યાનમારમાં યાન્ગોન ખાતેની એલચી કચેરી, પીએમસી અને વિદેશી બાબતોને લગતા મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટની ઝીણવટભરી દેખરેખ રખાશે.

પ્રોજેક્ટ વર્ષ 2019ની મધ્ય સુધીમાં સંપન્ન થશે તેવી ધારણા છે.

AP/J.Khunt