મીડિયાના પ્રતિનિધિઓ,
દેવીઓ અને સજ્જનો,
પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા મને અતિ આનંદ થાય છે. અમે ખરેખર સન્માનની લાગણી અનુભવીએ છીએ. મહામહિમ, તમે ચાલુ વર્ષની શરૂઆતમાં મૌરેશિયસના પ્રધાનમંત્રી તરીકે નવી જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ તમારી પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતની પસંદગી કરી છે. તમારી મુલાકાત આપણા સંબંધો કેટલા મજબૂત છે એનું પ્રતિબિંબ છે, જે લગભગ બે સદીઓથી ચાલ્યા આવે છે. વળી આપણું જોડાણ સરકારો પૂરતું મર્યાદિત નથી. આપણા લોકો અને આપણા સમાજો પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, જેમને આપણા સહિયારા મૂળિયાઓ પર ગર્વ છે. બંને દેશ વચ્ચે સમયમાં ફરક હોવા છતાં અને અંતર હોવા છતાં આપણા સંબંધો મજબૂત થયા છે. અત્યારે આપણે વિવિધ ક્ષેત્રોમાં મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવીએ છીએ.
મિત્રો,
પ્રધાનમંત્રી જગન્નાથ સાથે મારી ચર્ચા ફળદાયક રહી છે. અમારી ચર્ચા દરમિયાન મને માર્ચ, 2015માં મૌરેશિયસની મારી પોતાની યાદગાર મુલાકાત તાજી થઈ હતી. હિંદ સમુદ્રના વિસ્તારમાં એ મારી પ્રથમ મુલાકાત હતી, જેણે આપણને સહકાર માટે મજબૂત એજન્ડા આપ્યો હતો. તેમાં આપણા મૂલ્યો, હિતો અને પ્રયાસોની સામાન્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મિત્રો,
આજે આપણે આપણા દ્વિપક્ષીય એજન્ડામાં વધુ એક હરણફાળ ભરી છે. હિંદ સમુદ્રના મોખરાના દેશો તરીકે પ્રધાનમંત્રી જગન્નાથ અને હું સંમત થયા છીએ કે આપણા કિનારાઓ અને આપણા ઇઇઝેડ ફરતે સંયુક્તપણે દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. અમે સંમત થયા છીએ કે હિંદ સમુદ્રમાં પરંપરાગત અને બિન-પરંપરાગત જોખમોનું અસરકારક વ્યવસ્થાપન આર્થિક તકો ઝડપવા આવશ્યક છે, જે આપણા સમુદાયોની આજીવિકાનું સંરક્ષણ કરશે અને આપણા લોકોને સુરક્ષા પ્રદાન કરશે. વળી આ માટે ભારત-મૌરેશિયસ સહકાર અતિ મહત્વપૂર્ણ છે.
આપણે નીચેની બાબતો સામે સતત સતર્ક, સાવધાન રહેવું પડશેઃ
• વેપાર અને પ્રવાસનને અસર કરતી ચાંચિયાગીરી;
• નશીલા દ્રવ્યોની દાણચોરી અને માનવ તસ્કરી;
• ગેરકાયદેસર માછીમારી, અને
• દરિયાઈ સંસાધનોના ગેરકાયેદસર ઉપયોગના અન્ય સ્વરૂપો
આજે દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા સમજૂતી આપણા પારસ્પરિક સહકાર અને ક્ષમતાઓને વધારશે. અમે સુરક્ષિત અને શાંતિપૂર્ણ દરિયાઈ ક્ષેત્ર માટે હાઇડ્રોગ્રાફીમાં અમારા વિસ્તૃત સહકારને વધુ મજબૂત કરવા પણ સંમત થયા છીએ. ભારત પ્રોજેક્ટ ટ્રાઇડેન્ટ મારફતે તેની ક્ષમતા વધારવા નેશનલ કોસ્ટ ગાર્ડ ઓફ મૌરેશિયસને સહકાર આપે છે. અમે કોસ્ટ ગાર્ડ શિપ ગાર્ડિયનની લાઇફને રિન્યૂ કરવાનો નિર્ણય પણ લીધો છે, જે ગ્રાન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ મૌરેશિયસને પ્રદાન કરવામાં આવી હતી.
મિત્રો,
મૌરેશિયસ સાથે મજબૂત વિકાસલક્ષી ભાગીદારી આપણા જોડાણનું પ્રતીક છે. ભારતને મૌરેશિયસમાં ચાલુ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગીદારી કરવાનો ગર્વ છે. આજે ભારતે 500 મિલિયન અમેરિકન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ મૌરેશિયસને આપવાની સમજૂતી કરી છે, જે મૌરેશિયસના વિકાસ માટે આપણી સતત પ્રતિબદ્ધતા અને આપણા મજબૂત સંબંધોનું સારું ઉદાહરણ છે. તેનાથી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટના અમલીકરણમાં પણ મદદ મળશે. પ્રધાનમંત્રી જગન્નાથ અને મેં ચાલુ પ્રોજેક્ટ્સમાં પ્રગતિને આવકારી છે. ભારત આપણા દેશો વચ્ચે ઓળખ કરાયેલા પ્રોજેક્ટ્સની સમયસર ઓળખ માટે સંપૂર્ણ સાથસહકાર આપશે. આ પ્રોજેક્ટ્સ મૌરેશિયસના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હશે અને આપણા સંબંધોની ગુણવત્તામાં પરિવર્તન લાવશે. અમારી ચર્ચામાં અમે મૌરેશિયસ સાથે કૌશલ્ય વિકાસ સહકાર વધારવા પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તે મૌરેશિયસ સાથે વિવિધ ક્ષમતા નિર્માણ કરવાના કાર્યક્રમ હેઠળ અમારા વર્તમાન આદાનપ્રદાનનો સક્રિય ભાગ છે. અમે આ ક્ષેત્રમાં અમારું આદાનપ્રદાન વધારીને ખુશ છીએ.
મિત્રો,
અમે અક્ષય ઊર્જાના મહત્વ પર ધ્યાન ખેંચવા પ્રધાનમંત્રી જગન્નાથે પ્રદર્શિત કરેલા નેતૃત્વની પ્રશંસા કરી હતી. મૌરેશિયસ દ્વારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પર સમજૂતીમાં સામેલ થવાથી આ ક્ષેત્રમાં બંને દેશો માટે પ્રાદેશિક ભાગીદારીનું નવું પરિમાણ ખુલ્યું છે.
મિત્રો,
અમને મૌરેશિયસના રાષ્ટ્રીય જીવનમાં ભારતીય-મૂળના સમુદાયના આ પ્રદાન પર ગર્વ છે. મૌરેશિયસમાં ડાયસ્પોરા સાથે અમારા જીવંત જોડાણને પ્રોત્સાહન આપવા ભારતે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મૌરેશિયસ માટે જ ઓસીઆઈની જાહેરાત કરી હતી. અમારી કેરિયર એરલાઇન્સ નવા સ્થાનો સાથે કોડ શેરિંગ વ્યવસ્થા વધારવા સંમત થઈ છે. આ પણ આપણા બંને દેશો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને લોકો વચ્ચે સંપર્કો વધારશે તેવી અપેક્ષા છે.
મિત્રો,
દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત પ્રધાનમંત્રી જગન્નાથ અને મેં વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. અમે અમારા સામાન્ય પડકારો અને હિતોના મુદ્દા પર બહુપક્ષીય સ્તર અને સહકારમાં એકબીજાને સાથસહકાર ચાલુ રાખવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી જગન્નાથની મુલાકાત આપણા પરંપરાગત સંબંધોની આધારશિલાને નવી ઊંચાઈએ લઈ જવામાં પ્રદાન કરશે. હું પ્રધાનમંત્રી જગન્નાથનો તેમના વિઝન માટે અને આપણા સંબંધોને સહકાર આપવા બદલ આભાર માનું છું. વળી હું આગામી મહિનાઓમાં તેમની સાથે કામ કરવા આતુર છું, કારણ કે અમે આજે લીધેલા નિર્ણયોનો અમલ કરવો પડશે. એક વખત ફરી હું પ્રધાનમંત્રી જગન્નાથને આવકારું છું અને ભારતમાં તેમની મુલાકાત ફળદાયક નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું.
ધન્યવાદ.
તમારો ખૂબ ખૂબ આભાર.
TR