Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાના પ્રવાસે નીકળતી વેળાએ પ્રધાનમંત્રીનું નિવેદન


મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાના પ્રવાસે નીકળતી વેળાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું મૂળ લખાણ આ મુજબ છે.

“સાતમી જુલાઈ, ગુરુવારના રોજ હું મોઝામ્બિકમાં હોઈશ. મારી મુલાકાતનો ઉદ્દેશ સહકાર વધારવાનો અને સાંસ્કૃતિક જોડાણો વધુ મજબૂત કરવાનો છે. હું રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસીને મળીશ અને તેમની સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરીશ.

મારા અન્ય કાર્યક્રમોમાં નેશનલ એસેમ્બ્લીના પ્રમુખ સુશ્રી વેરોનિકા માકામોને મળવાનું તેમજ માલુઆના ખાતે એસ એન્ડ ટી પાર્ક જવાનું પણ છે, જ્યાં હું વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશ.

હું ભારતીય સમુદાય સાથે પણ થોડી વાતચીત કરીશ.

સાતમી જુલાઈના રોજ સાંજે હું દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા પહોંચીશ. દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે, જેની સાથે આપણા સંબંધો ઐતિહાસિક અને ઘનિષ્ઠ છે. દક્ષિણ આફ્રિકામાં મારા કાર્યક્રમો પ્રિટોરિયા, જ્હોનિસબર્ગ, ડરબન અને પિટરમેરિટ્ઝબર્ગમાં ફેલાયેલા હશે. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના રોકાણની એમના પોતાના પર તેમજ વિશ્વના ઈતિહાસ પર કેવી અસર થઈ, તેનો ઈતિહાસ સાક્ષી છે. તેઓ એક વકીલ તરીકે કામની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા અને માનવીય મૂલ્યો માટે મજબૂત અવાજ બનીને ભારત પરત ફર્યા હતા,જે માનવજાતિના ઈતિહાસને નવેસરથી ઘડવાના હતા.
દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી બે જગ્યાઓ – ફિનિક્સ સેટલમેન્ટ અને પિટરમેરિટ્ઝબર્ગ સ્ટેશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય મને સાંપડશે. પ્રિય માડિબા (નેલ્સન મંડેલા)ને યાદ કર્યા વિના દક્ષિણ આફ્રિકાની મુલાકાત અધૂરી ગણાય. કોન્સ્ટીટ્યુશનલ હિલ અને નેલ્સન મંડેલા ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું સન્માન મને પ્રાપ્ત થશે, જ્યાં પોતાના દેશને તેમજ વિશ્વને વધુ સારું સ્થળ બનાવનારા માનવ ઈતિહાસની પ્રતિમાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ.

મારી દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન હું રાષ્ટ્રપતિ ઝુમાને મળીશ અને ઉપરાષ્ટ્રપતિ સાયરિલ રામાફોસાને પણ મળીશ.
આપણા આર્થિક જોડાણો વધુ મજબૂત બનાવવા હું ભારત-દક્ષિણ આફ્રિકા વ્યાપાર સંમેલન ખાતે વક્તવ્ય આપીશ. અન્ય કાર્યક્રમોમાં ડરબનમાં એલુમની નેટવર્ક સાથેની બેઠક અને ડરબન સીટી હોલ ખાતે ડરબનના મેયરે યોજેલો સત્કાર સમારંભ સામેલ થાય છે.

ગતિશીલ ભારતીય સમુદાય માટે દક્ષિણ આફ્રિકા ઘર સમાન છે, આ સમાજે અનેક વર્ષોથી દક્ષિણ આફ્રિકાને પોતાનું ઘર બનાવ્યું છે. આઠમી જુલાઈના રોજ જ્હોનિસબર્ગ ખાતેના કાર્યક્રમમાં હું ભારતીય સમુદાય સાથે વાતચીત કરીશ. ‘નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’ દ્વારા મારા વક્તવ્ય માટે હું તમારા વિચારો અને સામગ્રી આવકારું છું.

10મી જુલાઈ, રવિવારે હું આફ્રિકામાં મૂલ્યવાન મિત્ર દેશ તાન્ઝાનિયાની ટૂંકી પરંતુ મહત્ત્વપૂર્ણ મુલાકાત લઈશ, જેનાથી તાન્ઝાનિયા સાથેના જોડાણોને વેગ મળે.

રાષ્ટ્રપતિ ડૉ. જ્હોન માગુફુલી સાથે વિસ્તૃત ચર્ચા થશે, જેમાં અમે અનેક ક્ષેત્રોમાં ભારત-તાન્ઝાનિયાના સંબંધો વધુ સારા બનાવવા માટે આગળનો માર્ગ નિર્ધારિત કરીશું. આફ્રિકામાં ગ્રામીણ મહિલા સોલર એન્જિનિયરોના જૂથ સોલર મમાઝને પણ હું મળીશ. આ મહિલાઓને સૌર ઉર્જા વડે ચાલતા ફાનસ અને તેમના ગામડાંઓમાં ઘરેલુ સૌર ઉર્જા સિસ્ટમ્સ તૈયાર કરવા, સ્થાપવા, ઉપયોગમાં લેવા, રીપેર કરવા અને જાળવવા માટે ભારત સરકારની સહાયથી ચાલતા કાર્યક્રમોમાં તાલીમ આપવામાં આવી છે.

હું ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ.

10મી જુલાઈની સાંજે હું કેન્યા જવા રવાના થઈશ. ભારત અને કેન્યાના સંબંધો સમયની કસોટીએ પાર ઉતર્યાં છે. આ બંને રાષ્ટ્રો વચ્ચે વ્યક્તિથી વ્યક્તિના અત્યંત મજબૂત જોડાણો છે અને બંને રાષ્ટ્રોએ વીતેલી સદીમાં સંસ્થાનવાદ સામે સફળતાપૂર્વક લડત આપી છે.

રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા સાથેની મારી મંત્રણાઓ ભારત અને કેન્યા કેવી રીતે તેમનો દ્વિપક્ષીય સહકાર વધારી શકે તે અંગેની રહેશે. ભારત અને કેન્યા વચ્ચે વેપાર, વાણિજ્ય અને સાંસ્કૃતિ આદાન પ્રદાન વધે તેવી મારી કલ્પના છે. અસાધારણ તકો રહેલી છે અને આપણે સાથે મળીને તેનો લાભ લેવા માગીએ છીએ.

નૈરોબીમાં હું મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીશ. કેન્યામાં તેમના તરફ ખૂબ પૂજ્યભાવ છે. હું કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ અને આફ્રિકાની અત્યંત ઉદાત્ત રાજકીય પ્રતિભા મ્ઝી જોમો કેન્યાટ્ટાને પણ અંજલિ અર્પણ કરીશ.

ઈન્ડિયા-કેન્યા બિઝનેસ ફોરમની બેઠક આપણા કેન્યા સાથેના સંબંધોના આર્થિક પાસાને વિગતવાર રજૂ કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

જે કાર્યક્રમમાં જોડાવા માટે હું આતુરતાપૂર્વક રાહ જોઉં છું તે છે, નૈરોબી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત.

ડાયસ્પોરા સાથેના જોડાણો વધુ મજબૂત કરવા હું 10મી જુલાઈના રોજ એક સામુદાયિક કાર્યક્રમને સંબોધન કરીશ. મારી કેન્યા મુલાકાત દરમિયાન ભારતવલ્લાહ એલુમ્ની એસોસીએશન સાથે પણ મુલાકાત છે. અન્ય કાર્યક્રમમાં ભાભાટ્રોનનું મોડેલ અને એમ્બ્યુલન્સીઝ સોંપવાનો કાર્યક્રમ સામેલ છે.”

AP/TR/GP