Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેટ્રો જોડાણને વેગ


નોઇડામાં જાહેર પરિવહન માળખાને વેગ આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રો કોરિડોરને નોઇડા સિટી સેન્ટરથી સેક્ટર-62, નોઇડા ઉત્તરપ્રદેશ સુધી લંબાવવાની મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ 6.675 કિલોમીટરને આવરી લેશે અને તેની પાછળ 1,967 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગ્રાન્ટ એન્ડ સબોર્ડિનેટ ડેબ્ટનાં રૂપમાં ભારત સરકાર કુલ 340.60 કરોડ રૂપિયા ફાળવશે.

વિગતો :

i. 6.675 કિલોમીટરને આવરી લેતા નોઇડા સિટી સેન્ટરથી સેક્ટર-62, નોઇડા ઉત્તર પ્રદેશ સુધીના દિલ્હી મેટ્રો કોરિડોરને મંજૂરી.

ii. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ 1,967 કરોડ રૂપિયા.

iii. હાલના ભારત સરકારના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સરકાર તથા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી) દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે.

iv. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ મેટ્રો એક્ટ, મેટ્રો રેલવે (બાંધકામ કાર્ય) એક્ટ 1978 અને મેટ્રો રેલવે (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2002ના કાનૂની માળખા હેઠળ આવરી લેવામાં આવશે અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહેશે.

મહત્વની અસરો :

નોઇડા સિટી સેન્ટરથી નોઇડા સેક્ટર 62 સુધીના દિલ્હી મેટ્રો કોરિડોરને લંબાવવાથી દિલ્હી મેટ્રો સિસ્ટમની દ્વારકા-નોઇડા સિટી સેન્ટરની લાઇન લંબાશે જેને પરિણામે મુસાફરો સરળતા રહેશે અને વધુને વધુ લોકો દિલ્હીથી અન્યત્ર સ્થળાંતર કરી શકશે જેને કારણે દિલ્હીની ગીચતામાં ઘટાડો થશે. આ ઉપરાંત આ કારણસર નોઇડા વિસ્તારમાં વધુ કમર્શિયલ કોમ્પલેક્સનો પણ વિકાસ સાધી શકાશે. મેટ્રો ટ્રેન સુવિધાને કારણે માર્ગો પરના વાહનોનો ટ્રાફિક પણ ઘટી જશે જે ગીચતા ઘટાડશે, સમય બચાવશે અને પ્રવાસનો ખર્ચ પણ બચાવશે. તેનાથી ધુમાડા કાઢતા ઇંધણનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું પ્રદૂષણ ઓછુ થશે.

આ લાઇન લંબાવવાને કારણે નોઇડા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને મોટો લાભ થશે. પ્રોજેક્ટના સ્થળ પર એન્જિનિયર્સ અને અન્ય સહિત લગભગ 800નો સ્ટાફ રહેશે. આ ઉપરાંત ડીએમઆરસીએ કોરિડોરના સંચાલન અને રખરખાવ માટે અંદાજે 200 જેટલા કર્મચારીઓની ભરતીની કામગીરી પ્રારંભ કરી દીધી છે.

અત્યાર સુધીમાં સિવિલ કાર્યના 81 ટકા અને એકંદરે નાણાકીય કાર્યના 55 ટકા જેટલી પ્રગતિ સાધી લેવામાં આવી છે.

પૂર્વભૂમિકા :

નોઈડા શહેર ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને તેને ઉત્તર પ્રદેશના ઈન્ડસ્ટ્રિયલ એરીયા ડેવલોપમેન્ટ એક્ટ અંતર્ગત વિકસાવવામાં આવ્યું છે. નોઈડા તમામ આધુનિક સુવિધાઓ ધરાવે છે અને તેની ગણના દિલ્હીના નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)ના સૌથી આધુનિક ઉપનગરોમાં થાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નોઈડાની વસ્તી 6.42 લાખ હતી. શહેરમાં હરિયાળી અને ખુલ્લા વિસ્તારના કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારના લોકો રહેઠાણ માટે નોઈડાની પસંદગી કરવા લાગ્યા.

નોઈડાના શહેરીકરણનું વલણ વધતું રહ્યું છે. શહેરમાં ઘણા બધા ઉદ્યોગો અને ઔદ્યોગિક એકમો પણ સ્થપાયા છે. નોઈડાના રસ્તા મુખ્યત્વે દિલ્હી અને ઉત્તર પ્રદેશ તથા હરિયાણા રાજ્યના વિસ્તારો સાથે જોડાયેલા છે. લોકો અન્ય વિસ્તારોમાંથી કામ કરવા નોઈડામાં આવે છે અને તેવી જ રીતે નોઈડાના લોકો બહાર કામ કરવા જાય છે. આ બધી બાબતોના કારણે ટ્રાફિકની માંગમાં વધારો થશે અને એક પ્રદૂષણ મુક્ત ઝડપી સામૂહિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂરીયાત ઊભી થશે. નોઈડા મેટ્રો રેલ સાથે જોડાયેલી છે અને ટ્રેનો નોઈડા સિટી સેન્ટર (સેક્ટર 32 નોઈડા) સુધી દોડે છે. તેથી મેટ્રો કોરીડોરને નોઈડા સિટી સેન્ટરથી નોઈડા સેક્ટર 62 સુધી લંબાવવામાં આવશે જે 6.675 કિમી લાંબો હશે અને છ સ્ટેશનને આવરી લેશે. નોઈડામાં એક પણ રેલ્વે સ્ટેશન નથી અને તેનું નજીકનું રેલ્વે સ્ટેશન નવી દિલ્હીનું હઝરત નિઝામુદ્દિન રેલ્વે સ્ટેશન છે જે 15 કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ દિલ્હી છે જે નોઈડાથી 35 કિમી દૂર છે. આગામી વર્ષોમાં નોઈડામાં મોટા પ્રમાણમાં વસ્તી વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

NP/J.Khunt/GP/RP