Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેઈનલેન્ડ (ચેન્નાઈ) અને આંદામાન તથા નિકોબાર ટાપુઓ વચ્ચે દરિયામાં ઓપ્ટીકલ ફાઈબર કેબલ કનેક્ટીવિટીની જોગવાઈને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે મેઈનલેન્ડ (ચેન્નાઈ) અને પોર્ટબ્લેર તથા લિટલ આંદામાન, કાર નિકોબાર, હેવલોક, કામોર્ટા અને ગ્રેટ નિકોબાર સહિત પાંચ અન્ય ટાપુઓ વચ્ચે સીધા સંદેશા-વ્યવહાર માટેના ચોક્કસ હેતુથી દરિયામાં બિછાવાનારા ઓપ્ટીકલ ફાઈબર કેબલ (ઓએફસી) લિંકની જોગવાઈને મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટનો અંદાજે ખર્ચ રૂ.1102.38 કરોડ થશે, જેમાં પાંચ વર્ષ માટેના સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2018 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

આ મંજૂરીને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓને ઈ-ગવર્નન્સના અમલ, એન્ટરપ્રાઈઝીસની સ્થાપના અને ઈ-કોમર્સ સુવિધાઓ માટે યોગ્ય બેન્ડવીથ અને કનેક્ટીવિટી પ્રાપ્ત થશે. આ જોગવાઈથી શૈક્ષણિક સંસ્થાઓને જ્ઞાનના આદાન-પ્રદાન, રોજગારીની તકોની ઉપલબ્ધિ તથા ડિજીટલ ઈન્ડિયાનું વિઝન સાકાર થવામાં પણ સહાય થશે.

પશ્ચાદ્દ ભૂમિકા

આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારત માટે ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તેનું ભૌગોલિક સ્થાન અને આંદામાન તથા નિકોબાર ટાપુઓની હારમાળા પૂર્વના સાગરકાંઠે બંગાળના અખાતની સુરક્ષા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સલામત, ભરોસાપાત્ર, મજબૂત અને પોસાય તેવી ટેલિકોમ સુવિધાઓ આ ટાપુઓમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ દેશ માટે તથા ટાપુઓ માટે આર્થિક-સામાજિક વિકાસની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

મેઈનલેન્ડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓને માત્ર ઉપગ્રહના માધ્યમથી ટેલિકોમ કનેક્ટીવિટી પ્રાપ્ત થાય છે, પરંતુ બેન્ડવીથની ઉપલબ્ધિ 1જીબીપીએલ જેટલી મર્યાદિત છે. સેટેલાઈટ બેન્ડવીથ ખૂબ જ ખર્ચાળ છે અને તેના મર્યાદિત પ્રમાણને કારણે ભવિષ્યની બેન્ડવીથની જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષી શકાય તેમ નથી. આ ઉપરાંત ટેકનોલોજી જૂની થઈ જવાનો પણ ડર રહે છે. કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો વૈકલ્પિક માધ્યમ પણ ઉપલબ્ધ નથી. બેન્ડવીથ અને ટેલિકોમ કનેક્ટીવિટીનો અભાવ આ ટાપુઓના આર્થિક-સામાજિક વિકાસને અવરોધરૂપ છે. આથી દરિયાની અંદર મેઈનલેન્ડ ઈન્ડિયા અને આંદામાન-નિકોબાર ટાપુઓ વચ્ચે ઓએફસી કનેક્ટીવિટી ભવિષ્યની બેન્ડવીથની જરૂરિયાત માટેનો એકમાત્ર વિકલ્પ બની રહે છે.

AP/Jkhunt/TR/GP