Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુખ્યમંત્રીઓ અને હાઈકૉર્ટ્સના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

મુખ્યમંત્રીઓ અને હાઈકૉર્ટ્સના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી. રમનાજી, ન્યાયાધીશ શ્રી યુયુ લલિતજી, દેશના કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુજી, રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલજી, તમામ રાજ્યોના આદરણીય મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો, ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો, હાઈકૉર્ટ્સના મુખ્ય ન્યાયાધીશો, પ્રતિષ્ઠિત મહેમાનો, ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

રાજ્યના મુખ્યમંત્રીઓ અને હાઈકૉર્ટ્સના મુખ્ય ન્યાયાધીશોની આ સંયુક્ત પરિષદ આપણી બંધારણીય સુંદરતાનું જીવંત નિરૂપણ છે. મને ખુશી છે કે આ અવસર પર મને પણ તમારી સાથે થોડી પળો વિતાવવાનો મોકો મળ્યો. આપણા દેશમાં, જ્યારે એક તરફ ન્યાયતંત્રની ભૂમિકા બંધારણના રક્ષકની છે, ત્યારે ધારાસભા નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ બે ધારાઓનો આ સંગમ, આ સંતુલન દેશમાં અસરકારક અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થા માટેનો રોડમેપ તૈયાર કરશે. આ આયોજન માટે હું આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ,

મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની આ સંયુક્ત પરિષદો અગાઉ પણ થતી આવી છે. અને, એમાંથી દેશ માટે કંઈક ને કંઇક નવા વિચારો પણ નીકળ્યા છે. પરંતુ, આ વખતે આ આયોજન પોતાનામાં વધુ ખાસ છે. આજે આ કૉન્ફરન્સ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. આઝાદીનાં આ 75 વર્ષોએ ન્યાયતંત્ર અને કારોબારી બંનેની ભૂમિકાઓ અને જવાબદારીઓને સતત સ્પષ્ટ કરી છે. જ્યાં જરૂર પડી છે ત્યાં આ સંબંધ દેશને દિશા આપવા માટે સતત વિકસિત થયો છે.આજે જ્યારે આઝાદીના અમૃત પર્વમાં દેશ નવા અમૃત સંકલ્પો લઈ રહ્યો છે, નવાં સપનાંઓ જોઈ રહ્યો છે ત્યારે આપણે પણભવિષ્ય તરફ જોવું પડશે. 2047માં, જ્યારે દેશ તેની આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણે દેશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માગીએ છીએ? આપણે આપણી ન્યાય પ્રણાલીને એટલી સક્ષમ કેવી રીતે બનાવવી જોઈએ કે તે 2047ની ભારતની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે, તેને પૂર્ણ કરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિક્તા હોવો જોઈએ. અમૃતકાળમાં આપણું વિઝન એવી ન્યાય વ્યવસ્થાનું હોવું જોઈએ જેમાં ન્યાય સુલભ હોય, ન્યાય ઝડપી હોય અને ન્યાય બધા માટે હોય.

સાથીઓ,

દેશમાં ન્યાયમાં થતા વિલંબને ઘટાડવા માટે સરકાર પોતાનાં સ્તરેથી તમામ પ્રયાસો કરી રહી છે. અમે ન્યાયિક શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ન્યાયિક માળખામાં સુધારો કરવાના પ્રયાસો ચાલુ છે. કેસ મેનેજમેન્ટ માટે પણ આઈસીટીનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે.સબઓર્ડિનેટ કૉર્ટ્સ અને ડિસ્ટ્રિક્ટ કૉર્ટ્સથી લઈને હાઈકૉર્ટ્સમાં પણ ખાલી જગ્યાઓ ભરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે, ન્યાયિક માળખા-ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પણ દેશમાં વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે. આમાં રાજ્યોની પણ બહુ મોટી ભૂમિકા છે.

સાથીઓ,

આજે ટેકનોલોજી સમગ્ર વિશ્વમાં નાગરિકોના અધિકારો માટે, તેમનાં સશક્તીકરણ માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગઈ છે. આપણી ન્યાયિક પ્રણાલીમાં પણ, તમે બધાં ટેકનોલોજીની શક્યતાઓથી પરિચિત છો. આપણાં માનનીય ન્યાયાધીશો સમય સમય પર આ ચર્ચાને આગળ પણ ધપાવતા રહે છે. ભારત સરકાર પણ ડિજિટલ ઈન્ડિયા મિશનના આવશ્યક ભાગ તરીકે ન્યાયિક પ્રણાલીમાં ટેકનોલોજીની શક્યતાઓને માને છે. ઉદાહરણ તરીકે, ઈ-કૉર્ટ્સ પ્રોજેક્ટ આજે મિશન મોડમાં લાગુ કરવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કૉર્ટની ઈ-કમિટીનાં માર્ગદર્શન હેઠળ ન્યાયિક પ્રણાલીમાં ટેકનોલોજી એકીકરણ અને ડિજિટાઈઝેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. હું અહીં ઉપસ્થિત તમામ મુખ્યમંત્રીઓ અને હાઈકૉર્ટ્સના તમામ મુખ્ય ન્યાયાધીશોને પણ આ અભિયાનને વિશેષ મહત્વ આપવા, તેને આગળ લઈ જવા આગ્રહ કરીશ. ડિજિટલ ઈન્ડિયા સાથે ન્યાયતંત્રનું આ એકીકરણ આજે દેશના સામાન્ય માણસની અપેક્ષા પણ બની ગયું છે. તમે જુઓ, આજથી થોડાં વર્ષો પહેલાં આપણા દેશ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અશક્ય માનવામાં આવતું હતું. લોકો વિચારતા હતા, લોકો શંકા કરતા હતા અરે આપણા દેશમાં આવું કેવી રીતે થઈ શકે?અને એવું પણ વિચારવામાં આવતું કે તેનો વ્યાપ માત્ર શહેરો પૂરતો જ સીમિત રહી શકે છે, તેનાથી આગળ વધી શકે નહીં. પરંતુ આજે નાનાં શહેરો અને ગામડાંઓમાં પણ ડિજિટલ વ્યવહારો સામાન્ય બની રહ્યા છે. ગયાં વર્ષે સમગ્ર વિશ્વમાં જેટલા ડિજિટલ વ્યવહારો થયા હતા, એમાંથી 40 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થયા હતા. સરકારને લગતી તે સેવાઓ કે જેના માટે પહેલા નાગરિકોને મહિનાઓ સુધી ઑફિસોના ચક્કર મારવા પડતા હતા તે હવે મોબાઈલ પર ઉપલબ્ધ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓનલાઈન સેવાઓ અને સુવિધાઓ મેળવતા નાગરિકને ન્યાયના અધિકાર અંગે પણ આવી જ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે.

સાથીઓ,

આજે જ્યારે આપણે ટેકનોલોજી અને ભવિષ્યવાદી અભિગમ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે તેનું એક મહત્વનું પાસું છે ટેક-ફ્રેન્ડલી માનવ સંસાધન પણ છે. ટેકનોલોજી એ આજે ​​યુવાનોનાં જીવનનો એક સ્વાભાવિક ભાગ છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે યુવાનોની આ કુશળતા તેમની વ્યાવસાયિક શક્તિ કેવી રીતે બને. આજકાલ ઘણા દેશોમાં કાયદાની યુનિવર્સિટીઓમાં બ્લોક-ચેઇન્સ, ઇલેક્ટ્રોનિક શોધ, સાયબર-સિક્યુરિટી, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયો-ઍથિક્સ જેવા વિષયો ભણાવવામાં આવે છે. આપણા દેશમાં પણ કાયદાકીય શિક્ષણ આ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હોવું જોઈએ, તે આપણા સૌની જવાબદારી છે. આ માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.

સાથીઓ,

આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે- ન્યાયમૂલમ સુરાજયમ સ્યાત્‘. એટલે કે, કોઈપણ દેશમાં સુરાજ્યનો આધાર ન્યાય હોય છે. તેથી ન્યાય લોકો સાથે સંબંધિત હોવો જોઈએ, લોકોની ભાષામાં હોવો જોઈએ. જ્યાં સુધી ન્યાયનો આધાર સામાન્ય માણસ સમજી શકતો નથી, ત્યાં સુધી તેના માટે ન્યાય અને રાજકીય આદેશમાં બહુ ફરક નથી હોતો. અત્યારે હાલ હું સરકારમાં એક વિષય પર મારું મગજ થોડું ખપાવી રહ્યો છું. વિશ્વમાં એવા ઘણા દેશો છે. જ્યાં કાયદાઓ બનાવવામાં આવે છે, ત્યાં કાનૂની પરિભાષામાં કાયદો હોય છે. પરંતુ તેની સાથે કાયદાનું બીજું સ્વરૂપ પણ રાખવામાં આવે છે. જે લોકભાષામાં હોય છે, સામાન્ય માણસની ભાષામાં હોય છે અને બંને માન્ય હોય છે અને તેનાં કારણે સામાન્ય માણસને કાયદાકીય બાબતો સમજવા માટે ન્યાયના દરવાજા ખટખટાવવાની જરૂર પડતી નથી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આવનારા દિવસોમાં આપણા દેશમાં પણ કાયદાની એક સંપૂર્ણ કાયદેસરની પરિભાષા હોય, પરંતુ સાથે સાથે સામાન્ય માણસને પણ આ જ વાત સમજમાં આવવી જોઇએ. તે ભાષામાં અને તે પણ બંને એક સાથે વિધાનસભામાં કે સંસદમાં એકસાથે પસાર થાય જેથી આગળ જતાં સામાન્ય માણસ તેના આધારે પોતાની વાત મૂકી શકે. વિશ્વના ઘણા દેશોમાં આ પરંપરા છે. હવે મેં એક ટીમ બનાવી છે, તે તેનો અભ્યાસ કરે છે.

સાથીઓ,

આજે પણ આપણા દેશમાં ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે અને મને ગમ્યું કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ પોતે આ વિષયને સ્પર્શ્યો છે, તેથી આવતીકાલે અખબારો જો લેશે તો તેમને હકારાત્મક સમાચારની તક તો મળશે. પરંતુ તે માટે લાંબો સમય રાહ જોવી પડશે.

સાથીઓ,

એક મોટી વસ્તીને ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણયો સુદ્ધાં સમજવામાં મુશ્કેલી પડે છે. આપણે આ વ્યવસ્થાને સરળ અને સામાન્ય લોકો માટે ગ્રાહ્ય બનાવવાની જરૂર છે. આપણે અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે, તેઓ તેની સાથે જોડાયેલા અનુભવશે. હવે આ સમયે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ટેકનિકલ શિક્ષણ અને મેડિકલ એજ્યુકેશન માતૃભાષામાં કેમ ન હોવું જોઈએ. આપણાં બાળકો જે બહાર જાય છે, તેઓ વિશ્વની તે ભાષાની કોશીશ કરે છે, અભ્યાસ કર્યા પછી,  મેડિકલ કૉલેજની,આપણે આપણા દેશમાં કરી શકીએ છીએ અને મને આનંદ છે કે ઘણા રાજ્યોએ માતૃભાષામાં ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ માટે થોડી પહેલ કરી છે. તો આગળ જતાં, તેનાં કારણે, ગામડાંના સૌથી ગરીબ બાળકને પણ, જે ભાષાને કારણે અવરોધો અનુભવે છે. તેના માટે તમામ રસ્તાઓ ખુલી જશે અને આ પણ એક મોટો ન્યાય છે. આ પણ એક સામાજિક ન્યાય છે. સામાજિક ન્યાય માટે ન્યાયતંત્રનાં ત્રાજવાં સુધી જવાની જરૂર નથી. કેટલીક વાર ભાષા પણ સામાજિક ન્યાયનું મોટું કારણ બની શકે છે.

સાથીઓ,

સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો એ પણ એક ગંભીર વિષય છે. 2015માં, અમે લગભગ 1800 જેટલા કાયદાઓ ઓળખી કાઢ્યા હતા જે અપ્રસ્તુત બની ગયા હતા. તેમાંથી, જે કેન્દ્રના કાયદા હતા, અમે આવા 1450 કાયદાને નાબૂદ કર્યા. પરંતુ, રાજ્યો દ્વારા માત્ર 75 કાયદા જ નાબૂદ કરવામાં આવ્યા છે. આજે અહીં તમામ મુખ્યમંત્રીઓ બેઠા છે. હું તમને ખૂબ જ આગ્રહ કરું છું કે તમારાં રાજ્યના નાગરિકોના અધિકારો માટે, તેમની જીવનની સરળતા માટે, તમારે ત્યાં પણ કાયદાનું આટલું મોટું જાળું બન્યું છે. લોકો કાળબાહ્ય થયેલા કાયદાઓમાં ફસાયેલા પડ્યા છે. તમે એ કાયદાઓને રદ કરવા માટે પગલાં ભરો, લોકો તમને ખૂબ આશીર્વાદ આપશે.

સાથીઓ,

ન્યાયિક સુધારણા એ માત્ર નીતિગત વિષય કે નીતિ વિષયક બાબત નથી. દેશમાં કરોડો પેન્ડિંગ કેસ માટે, પોલિસીથી લઈને ટેકનોલોજી સુધી, દેશમાં દરેક શક્ય પ્રયાસ થઈ રહ્યા છે અને આપણે તેના પર વારંવાર ચર્ચા કરી છે. આ કૉન્ફરન્સમાં તમે બધા નિષ્ણાતો પણ આ વિષય પર વિગતવાર વાત કરશો, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અને હું કદાચ ઘણા સમયથી આ બેઠકમાં બેઠો છું. કદાચ ન્યાયાધીશોને આવી મીટિંગમાં આવવાની તક મળી હશે તેના કરતાં વધુ તક મને મળી હશે. કારણ કે હું ઘણાં વર્ષોથી મુખ્યમંત્રી તરીકે આ કૉન્ફરન્સમાં આવતો હતો. હવે અહીં બેસવાનો અવસર આવ્યો છે, તેથી હું અહીંથી આવતો રહું છું. એક રીતે, હું આ મેળાવડામાં વરિષ્ઠ છું.

સાથીઓ,

જ્યારે હું આ વિષય પર વાત કરતો હતો ત્યારે હું માનું છું કે આ બધાં કાર્યોમાં માનવીય સંવેદના સામેલ છે. આપણે માનવીય સંવેદનાઓને પણ કેન્દ્રમાં રાખવી જ પડશે. આજે દેશમાં લગભગ 3.5 લાખ કેદીઓ એવા છે કે જેઓ અંડર ટ્રાયલ છે અને જેલમાં છે. આમાંના મોટાભાગના લોકો ગરીબ અથવા સામાન્ય પરિવારના છે. દરેક જિલ્લામાં આ કેસોની સમીક્ષા કરવા માટે જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ હોય છે, જેથી જ્યાં શક્ય હોય ત્યાં તેમને જામીન પર મુક્ત કરી શકાય.હું તમામ મુખ્યમંત્રીઓ અને હાઈકૉર્ટ્સના ન્યાયાધીશોને અપીલ કરીશ કે માનવીય બંધારણ, તે સંવેદનશીલતા અને કાયદાના આધારે આ બાબતોને પણ જો શક્ય હોય તો પ્રાધાન્ય આપવામાં આવે. તેવી જ રીતે, અદાલતોમાં અને ખાસ કરીને સ્થાનિક સ્તરે પડતર કેસોનાં નિરાકરણ માટે મધ્યસ્થી પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આપણા સમાજમાં મધ્યસ્થી દ્વારા વિવાદોનાં સમાધાનની હજારો વર્ષ જૂની પરંપરા છે.પરસ્પર સંમતિ અને પરસ્પર ભાગીદારી, આ ન્યાયની તેની પોતાની અલગ માનવીય અવધારણા છે. જો આપણે જોઈએ તો આપણા સમાજનો એ સ્વભાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક છે. આપણે આપણી તે પરંપરાઓ ગુમાવી નથી. આપણે આ લોકતાંત્રિક પ્રણાલીને મજબૂત કરવાની જરૂર છે અને જેમ શિવસાહેબે લલિતજીનાં વખાણ કર્યાં તે રીતે હું પણ કરવા માગું છું. તેમણે આખા દેશમાં પ્રવાસ કર્યો, આ કામ માટે દરેક રાજ્યમાં ગયા અને સૌથી મોટી વાત છે કોરોનાના સમયગાળા દરમિયાન ગયા.

સાથીઓ,

કેસ ઓછા સમયમાં ઉકેલાય પણ છે, કૉર્ટનું ભારણ પણ ઓછું થાય છે અને સામાજિક માળખું પણ સલામત રહે છે. આ વિચાર સાથે, અમે સંસદમાં મધ્યસ્થી બિલ પણ એક છત્ર કાયદા તરીકે રજૂ કર્યું છે. આપણી સમૃદ્ધ કાનૂની કુશળતા સાથે, આપણે મીડિયેશનથી સૉલ્યુશન’ની પદ્ધતિમાં વૈશ્વિક નેતા બની શકીએ છીએ. આપણે સમગ્ર વિશ્વ સમક્ષ એક મોડેલ રજૂ કરી શકીએ છીએ.મને ખાતરી છે કે પ્રાચીન માનવીય મૂલ્યો અને આધુનિક અભિગમ સાથે, આ પરિષદમાં આવા તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કર્યા પછી, તમે બધા વિદ્વાનો મંથન કરીને તે અમૃત લાવશો, જે કદાચ આવનારી પેઢીઓ સુધી ઉપયોગી થશે. આ કૉન્ફરન્સમાંથી જે નવા વિચારો બહાર આવશે, જે નવાં તારણો બહાર આવશે, તે ન્યુ ઈન્ડિયાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે.આ વિશ્વાસ સાથે, હું તમારાં માર્ગદર્શન માટે ફરી એકવાર તમારા બધાનો આભારી છું અને હું સરકાર વતી ખાતરી આપું છું કે દેશની ન્યાય વ્યવસ્થા માટે જે કંઈ પણ સરકારોએ કરવાનું હોય, પછી તે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, તે ભરચક પ્રયત્ન કરશે જેથી આપણે સૌ સાથે મળીને દેશના કરોડો નાગરિકોની આશા અપેક્ષાઓને પૂર્ણ કરી શકીએ અને 2047માં જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણે ન્યાયનાં ક્ષેત્રમાં પણ વધુ ગર્વ અને વધુ સન્માન સાથે અને વધુ સંતોષ સાથે ન્યાય આગળ વધીએ, તે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે,

ખૂબ ખૂબ આભાર!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com